સુરતી જમણ જેટલું જાણીતું એટલાં ત્યાંના ૩ લીટીનાં ખાંયણાં પણ જાણીતાં છે. કહેવાતાં મોટા ખોરડાની દીકરીની વ્યથા કથા રજૂ થઈ છે એવું એક હૃદયસ્પર્શી ખાયણું ઃ
‘મારા બાપે વહાણે ચડીને વર જોયાં,
એવા મુરખને મોહ્યા કે મૂળાભાજી વેચતાં.’
મારે આજે આ મર્મસ્પર્શી ખાયણામાં જે બાપે વહાણે ચડીને દીકરી માટે વર પસંદ કર્યો એ વહાણ અને જૂનાકાળે દુનિયાભરમાં ડંકો વગાડનાર ભારતીય અને ગુજરાતના વહાણવટા તથા નૌકાવિધાનો પટારો ઉઘાડવો છે.
વેદકાળથી ‘પણી’ અર્થાત્ મીસરવાસીઓ સાથે ભારતનો દરિયાઈ વ્યવહાર બાંધી આપનાર વહાણ માટે ભગવદગોમંડલમાં જહાજ, બારકસ, નાવ, મોટી હોડી, મછવો, નૌકા, ભરણિ, તરી, નૌ, દરિયામાં મુસાફરી કરવાનું મોટું સાધન એવા અર્થો આપ્યા છે. જ્યારે પીંગળ લઘુકોશમાં ઉડુપ, પોત, પ્લવ, વહિત્ર, જલયાન ઇત્યાદિ નામો આપેલાં છે. સાગર સંસ્કૃતિની છડી પોકારતા વહાણ અને નૌકાની પરિભાષાનો વિચાર કરીએતો કેટકેટલા શબ્દો ઉડીને આંખે વળગે છે ! જેમ કે વહાણવટુ એટલે દરિયાઈ મુસાફરી કરનાર. પ્રાચીન કાળમાં વહાણવટું કરનાર વહાણિયા કહેવાતા; જે આજે વાણિયા તરીકે ઓળખાય છે. આ વહાણિયાનાં વહાણો માલસામાન લઇને દુર દેશાવર જતાં આવતાં એમ કહેવાય છે. વહાણબંધો એટલે વહાણ બાંધનાર, વહાણખેડુ એટલે વહાણ ચલાવનાર ખલાસી, માલમ. નૌકાવિધા એટલે શિલ્પસંહિતામાં વર્ણવેલ ૬૪ કળાઓમાંની એક નૌકાનયનની કલા. નૌકાશાસ્ત્ર એટલે વહાણવટાનું શાસ્ત્ર, સમુદ્ર ખેડવાની વિધા તેમાં તરિવિધા, નૌવિધા અને નૌકાવિધાનો સમાવેશ થાય છે. નૌકાકલામાં જલ્યાનવિધા અને વહાણ સંબંધી જ્ઞાનનો સમાવેશ થાય છે. નૌકાક્રીડા એ હોડીમાં બેસીને આનંદ માણવાની મહાભારતના સમયની રાજવંશી રમત હતી. નૌકાગૃહ- વહાણ ઉપર બનાવેલ ઘર. વહાણરૂપી ઘર, જેમાં નૌકાગૃહ, રસોડું, સૂવાની ઓરડી, દિવાનખાનું ને ઉપર અગાશી રહેતી.
એક આલિશાન વહાણમાં વલ્લભીપુરનો રાજકુમાર લંકા પહોંચ્યો હતો. ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ જેવી કહેવત પાછળ ગુજરાતના વહાણવટાનો મોટો ઇતિહાસ પડેલો છે. આ વહાણ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે ? ‘બાપનું વહાણ ને બેસવાની તાણ’ અર્થાત્ બધો કારભાર પોતાના હાથમાં હોવા છતાં લાભ ન મળવો. વહાણકમાવું – દરિયાઈ વ્યાપાર દ્વારા ખૂબ ધન કમાવું. ‘વહાણ ફાટવું.’ કોઈ વસ્તુ કે માણસો સાગમટે આવવા. ‘વહાણબાંધવું’- વહાણ ભાડે રાખવું. ‘વહાણનો કાગડો’ અન્યના આશ્રિત હોવું. ‘વહાણમાં બેસવું’ બીજાના પક્ષમાં બેસવું. ‘વહાણે ચડવું’ પરદેશ વેપાર કરવા જવું. ગુજરાત-સૌરાષ્ટ્રના જીવન સાથે સંકળાયેલ દરિયાઈ મુસાફરીની પરંપરાને લીધે ગુજરાતી સાહિત્ય અને લોકવ્યવહારમાં ‘વહાણે ચડીને વાણિયા, ધન લેવા જાય.’ જેવી ઉક્તિઓ અને ‘વહાણે ચડે વહાણે ચડે મારી ફઈબાનો દીકરો વહાણે ચડે’ જેવાં લોકગીતો પણ પ્રચલિત બન્યાં છે. શ્રી રત્નમણિરાવ, શ્રી હરિલાલ માંકડ વગેરે એ વહાણવટાની પરિભાષા ગુજરાતીમાં આપી છે. આવો વિશિષ્ટ શબ્દભંડાર ભારતની અન્ય કોઈ ભાષામાં જોવા મળતો નથી.
અડાબીડ જંગલની ઝાડિયું, ડુંગરાની ગાળિયું અને અફાટ રણવિસ્તાર ધરાવતી ગુજરાતની ધરતીને અડીને આવ્યો છે ૧૬૦૦ કિ.મિ.નો લાંબો સાગરકિનારો. આ સાગર કિનારા માથે કહેવાય છે કે ૮૪ બંદરો ઉપર વહાણોનાવાવટા ફરકતા. દસ્તાવેજી નોંધમાં ૬૩ બંદર જ બોલે છે. આજે ૪૦ જેટલાં બંદરો ગણાવાય છે. જૂનાકાળે કચ્છ અને સૌરાષ્ટ્ર બેટ હતા. સિંધુ અને સરસ્વતીના જળમાર્ગે પંજાબ સુધી જઈ શકાય તેમ હતું. આધ-ઐતિહાસિક કાળમાં ભારતવર્ષનું બારું ગુજરાતમાં દ્વારકા હતું. આર્યોના આગમનપૂર્વે અહીં વસતા ભીલ, કોળી, પાણે, નાગ, અસૂર અને આદિ દ્રાવિડો વહાણવટું ખેડતાં હશે. સુકાનીના મંતવ્ય મુજબ આખી દરિયાપર જતાં કંઠારીવર્ણ હતો, જે આર્યોના આગમન પૂર્વે અહીં વહાણવટું ચલાવતો હતો. કંઠારી દ્રાવિડો અઠંગ સાગરખડૂઓ હતા. વહાણવટું અને વાણિજ્યમાં તેમનો ફાળો મહત્તવપૂર્ણ હતો.
વહાણવટું શબ્દ દરિયાઈ વેપાર અને વહામ બાંધવાના ઉધોગ તથા વહાણસંચાલનની પ્રવૃત્તિઓનું સૂચન કરે છે. વહાણવટું અને દરિયાઈ વ્યાપારમાં ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છનું સ્થાન અગ્રણી હતું. ભારતમાં આવેલા આર્યોને વહાણવટાનું જ્ઞાન અહીંના કંઠારની આદિ પ્રજાઓએ આપ્યું હતું. શ્રી હ્યુઈટ નામના લેખક પોતાની નોંધમાં ગુજરાતની દરિયાઈ પ્રવૃત્તિને ઇ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન માને છે. શ્રી રંગનાથરાવ માને છે કે મોહેંજો દડો અને હડપ્પાની સંસ્કૃતિ ગુજરાતમાં સમુદ્રમાર્ગે પ્રવેશી હશે. ઇ.સ. પૂર્વે ૨૫૦૦ વર્ષ પહેલાં મોંહેજો દડોમાંથી મળેલી મુદ્રાઓ ઉપર કૂવાસ્થંભવાળાં વહાણની આકૃતિઓ પણ આલેખેલી છે. આ વહાણો નદી અને સમુદ્રમાં તરી શકે તેવાં સાદાં અને કૂવાસ્થંભ વાળાં હતાં. લોથલમાંથી વહાણનો ધક્કો, વહાણવટી માતાનું મંદિર તથા વહાણની મુદ્દાઓ મળી આવી છે. એ જોતાં લોથલ બંદરનું ગુજરાતનું વહાણવટું અતિપ્રાચીન અને ઉચ્ચપ્રકારનું હોવાનું જણાય છે.
વેદકાળમાં આર્યાવર્તની નૌકાવિધા શ્રેષ્ઠતાએ પહોંચી હતી. અગસ્ત ૠષિ સમુદ્રને પી ગયાનો અર્થ થાય છે, તેઓ સમુદ્ર વિધાના સંપૂર્ણ જ્ઞાની હતા. પારાશર ૠષિ વહાણવિધામાં પારંગત હતા. વેદના વખતમાં વહાણ વગેરેથી સમુદ્રગમન કરતાં કે નૌકા પર સવાર થતાં પૂર્વે વેદમંત્રોનો ઉચ્ચાર આ પ્રમાણે કરતાં ઃ ‘યોગ્ય રીતે રક્ષણ કરનારી, વિસ્તૃત આશ્રય આપનારી, જ્ઞાનપ્રકાશવાળી, કદીપણ હાનિ કરે જ નહીં એવી, ઉત્તમ પ્રકારના સુખવાળી, શ્રેષ્ઠ માર્ગે લઇ જનારી ઉત્તમ હલેસાંવાળી છિદ્રવિનાની, પરિપૂર્ણ અખંડિત પ્રકૃતિરૂપી દૈવી નૌકા ઉપર આપણે નિષ્પાય બનીને કલ્યાણને મારગે સવાર થઇએ. (ૠગવેદ મંડળ ૧૦ સુક્ત ૬૩ મંત્ર ૧૦)’
ૠગવેદમાં અવર અને અપર સમુદ્રનો ઉલ્લેખ છે એ જ આજનો આપણો અરબી સમુદ્ર છે. આ સમુદ્રમાં વહાણો ફરતાં વહાણોને મદદ કરવા માટે દરિયાઈ રખોપિયા પણ રાખવામાં આવતા. તુગ્રીયભુજય જ્યારે વહાણ સાથે દરિયામાં ડુબતો હતો ત્યારે અશ્વિનીકુમારોએ તેને બચાવ્યો હતો એ વાત ૠગવેદમાંથી મળે છે. અન્યની વહાર કરનાર અશ્વિનીકુમારોનું વહાણ ૬ સઢ અને ૧૦૦ હલેસાંવાળું હતું. તેને ‘શતારિત્રા’ કહ્યું છે. સેંકડો માણસો બેસી શકે તેવા વહાણનું વર્ણન પણ ૠગવેદમાં મળે છે. સઢથી અને હલેસાથી ચાલતી બંને પ્રકારની નૌકાઓ તો હતી જ પરંતુ એવાય ઉલ્લેખ મળે છે કે અગ્નિથી ચાલવાવાળી ‘અગ્નિયાન નૌકા’ પણ એ કાળે હતી.
ભારતના મોટાં મોટાં સફરી વહાણો કાષ્ટ (લાકડાં)માંથી બનતાં. ‘વૃક્ષ આયુર્વેદ’માં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણના કાષ્ઠો જણાવ્યાં છે. ભોજ-મહારાજા રચિત ‘યુક્તિ કલ્પતર’માં ‘ક્ષત્રિય કાષ્ઠ’ ઘટતા ભોજમતે સુખસંમ્પતઃ નૌકાક્ષત્રિય કાષ્ઠની બનેલી નૌકાને સુખસંપત્તિ આપનારી શ્રેષ્ઠ નૌકા ગણાવી છે. આ ગ્રંથમાં રાજા ભોજે નૌકાઓના પ્રકાર, એના માપ સાથે વહાણ બાંધવાની યુક્તિનું વર્ણન કરેલ છે. ગ્રંથ રચિયતાએ એમાં એક રસપ્રદ વાતનો ઉલ્લેખ કર્યો છે કે વહાણો બનાવવામાં લાકડાના કટકા-પાટિયાંને લોઢાના ખીલાથી જોડવાં નહીં, કારણ કે સમુદ્રમાં ચુમ્બક પહાડો હોય છે. જે વહાણોને પોતાના તરફ ખેંચે છે અને ચુરેચુરા કરી નાખે છે. ૧૧મી સદીમાં વહાણવિધાની આ જાણકારી અને દરિયાઈ જ્ઞાન આપણે ત્યાં હતાં.
જૂનાકાળે ભારતમાં ૨૭ પ્રકારનાં વહાણો બાંધવામાં આવતાં. વહાણોની આ જાતોમાં મછવા, પડાવ, બતેલા, ઢઉ અથવા ઢાઉ. દીંગી, કોટિઓ, ફતેમારી, ગાંજો, નાવડી કે હોડી અને લોધિયા વગેરે દસ જાતો જાણીતી હતી. આ ઉપરાંત વડસફર, બેડી, ઠોણા, વેગડા, સિલ્લા, આવતા, ખુરપા વગેરે ઓછા જાણીતાં વહાણો પણ બનતાં આ બધામાં બે બાજુ અણીદાર મહોરાવાળાંદીંગી વહાણનો મ્હોરો લાંબો, પછાડ ઊભી અને લાંબી, પેટાળ સાંકડું અને ચાલ ઝડપી હોય છે.
ભાવનગરમાં જૂનાકાળે બગલો નામે બંધાતાં વહાણો હિંદી દરિયાઈ કાંઠે સફર કરતાં અહીં ઇસ્ટ ઇંડિયા કંપની માટે ‘દરિયા દૌલત’ નામના બગલા વહાણે સને ૧૭૫૦થી ૧૮૩૭-૮૭ વર્ષ સુધી દરિયાઈ સફર કર્યાનો અડીખમ ઇતિહાસ મળે છે. શ્રીધરનના મત મુજબ ગુજરાતી વહાણોમાં આ વહાણનું બાંધકામ સૌથી જૂનું ગણાય છે. આ વહાણનો મ્હોરો ઊંચો હોવાથી એને બગલો તરીકે ઓળખવામાં આવે છે. ૧૫૦ ટન વજનના આ પહોળા વહાણો કચ્છમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. માંડવી, મુંદ્રા, જખૌ બંદરો પર હોડિયા, નાવડી, બગલા, મછવા, બતેલાં વગેરે પ્રકારનાં વહાણો બનતાં. તેમાંનું બતેલો વહાણ મંદ ગતિનું, ત્રણ સઢ અને બાર ખલાસીવાળું માલવાહક વહાણ છે. આપણી ત્રણ સઢને બાર માલમવાળી નાવડીઓ બેસર, જંગબાર ને મસ્કત સુધી જાય છે. આશરે ૨૦૦ ટન વજનનું ઢળતા અને પોપટના માથા કે ચાંચ જેવા આકારનું વહાણ ઢઉ કે ધાઉ કહેવાય છે. ગંજો અને પડાવ વહાણો મલબાર, ઝાંઝીબાર અને મસ્કત સુધી જતાં. મછવો સૌથી નાનું વહાણ છે. તે કચ્છથી કરાંચી સુધી સફર કરતું.
મોગલકાળ દરમ્યાન રાંદેરની પડતી થતાં સુરતનો જહાજવાડો ખૂબ વિકસ્યો. અહીં સાતથી આઠ હજાર માણસો આ ધંધામાં રોકાયેલા હતા. જહાજવાડાની માલિકી પારસીઓની હતી. કારીગર તરીકે હિંદુ સુથારો કામ કરતા. અહીં કારીગરોની કાબેલિયતને કારણે ઇંગ્લેન્ડ કરતાં પણ વધુ સારાં, મજબૂત-ટકાઉ અને સસ્તાં વહાણો બનતાં. ઇ.સ. ૧૮૦૨ સુધી ઇંગ્લેન્ડ માટે વહાણો ને લડાયક વહાણો પણ ભારતમાં જ બનતાં. સિંગણપોરના વતની લવજીવાડિયા વહાણનો ઉસ્તાદ કારીગર ગણાતો. ઇ.સ. ૧૭૭૨માં એણે જ્યોર્જ બીજા જહાજની પ્રતિકૃતિ બનાવી. આ વહાણ તેણે રૂ. એક લાખના ખર્ચે છ માસમાં બનાવી આપવા બાહેધરી આપી. આ પ્રકારના વહાણની કિંમત ઇંગ્લેન્ડમાં રૂ. ચાર લાખ થતી હતી. ઓર્ડર મળતા જ લવજીએ નવસારીથી સાગનું લાકડું મંગાવ્યું. લોખંડ કામના જાણકાર લુહારોને સુરતથી બોલાવ્યા. સઢ વણવા માટે વણકરોને લાવી ચાર માસમાં વહાણ તૈયાર કરીને મોકલી આપ્યું.
ગ્રીસનો ઇતિહાસ નોંધે છેકે પોરસ ઉપર સિકંદરે ચડાઈ કરી એ પછી સિકંદરને દરિયાવાટે બેબીલોન પાછા ફરવા ભરુચના ‘વાઘેલા’ ખલાસી સાથે કરાર કરવામાં આવેલ હતો. આમ નૌકાવિધા અને વહાણવટાનાં વિકાસમાં ગુજરાતીઓનો ફાળો ગૌરવવંતો રહ્યો છે. કમનસીબે ૧૯મી સદીમાં યંત્રયુગની આંધીમાં વરાળની બનાવટનાં વહાણો આવ્યાં. લાકડાંને બદલે લોઢાના વહાણો બનવા માંડ્યાં. મોટી સ્ટીમરો આવતાં લાકડાના વહાણોનો ઉધોગ પડી ભાંગ્યો. હજારો વર્ષ જૂનું વહાણવટું ને વહાણ બાંધવાની કળા નામશેષ થઇ ગઈ. એવી જાહોજલાલી આથમી ગઈ. આજે આપણે અલંગ બંદરે વિદેશી વહાણો મંગાવીને એને ભાંગવાનો ઉધોગ સારી રીતે ચલાવીએ છીએ. સમયની બલિહારી તો જુઓ !