રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એક કોઈપણ દેશનું ગૌરવ રજુ કરતા સર્વશ્રેષ્ઠ પ્રતીકો ગણાય છે. આ બન્ને પ્રતીકો જે-તે દેશની આગવી ઓળખ ઉભી કરે છે. જે તે દેશોના વિચારો અને ભાવનાને વ્યક્ત કરે છે. આજે વિશ્વના લગભગ તમામ દેશો પાસે પોતાનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત છે. દરેક દેશનો નાગરિક પોતાના દેશના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને સન્માનવામાં અદૂભૂત ગૌરવ અનુભવે છે.
આપણું રાષ્ટ્રગીત “જણ ગણ મન” એ આપણાં બંગાળી કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કવિતા છે. રાષ્ટ્રગીત બનતા પહેલાં આ ગીત સૌપ્રથમ વખત જાહેરમાં ૨૭મી ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ કલકત્તામાં યોજાયેલ રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું.
પણ જગતનું પ્રથમ રાષ્ટ્રગીત જાપાને તૈયાર કર્યું હતું. લગભગ ૧૨૦૦ વર્ષ પહેલાં જાપાનના કામુ નામના શહેનશાહે દુશ્મનો સામે લડાઈમાં વિજય મેળવ્યા પછી તે જાપાનનો સમ્રાટ છે તેવું દર્શાવવા ખાસ એક ગીત પોતાના માટે લખાવ્યું હતું. આ દરમ્યાન તે ઉત્સાહી અને વિકાસોન્મુખ રાજાએ ક્યો તો શહેર પાસે નવું પાટનગર બાંધ્યું અને પ્રજાને માત્ર સુખી નહિ પણ સમૃદ્ધ બનાવવા માટે પણ શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા. આ પ્રજાપ્રિય રાજા માટે “કિમિગાયો’ શિર્ષક હેઠળ એક ગીત લખાયું જે ગીત પ્રજાજનો હોંશે-હોંશે ગાતા હતા. જેમાં અમે અમારા શહેનશાહના રાજમાં રહીએ છીએ, અને અમે ખૂબ સુખી છીએ તેવા અર્થો થતા હતા. આ ગીત ખૂબ લોકપ્રિય થતાં તે આપોઆપ રાષ્ટ્રગીત બની ગયું!! પ્રજાના હૈયે વસેલું ગીત એ રાષ્ટ્રગીત બન્યું! જે આજે પણ જાપાનનું રાષ્ટ્રગીત “કિમિગાયો છે!!
સૌથી લાંબુ રાષ્ટ્રગીત તો ગ્રીસ દેશનું છે. કારણ કે તેમાં બધુ મળીને ૧૫૮ પંક્તિઓ છે! આ ગીત ગાતા ઘણો સમય જતો હોઈ આખરે ગ્રીસની સરકારે ૧૫૪ પંક્તિઓ કાઢી નાંખી અને ફક્ત ૪ પંક્તિનું જ ગીત કરી નાખ્યું !!
જાપાન, જોર્ડન અને સાનમરિનોના રાષ્ટ્રગીત તો સૌથી ટૂંકા માત્ર બે પંક્તિઓના જ છે!! ટૂંકા રાષ્ટ્રગીતને માન આપવા લોકો ઊભા થાય ન થાય ત્યાં જ રાષ્ટ્રગીત પુરું થઈ જતું હોય છે. આ દેશના રાષ્ટ્રગીતો બબ્બે વખત સળંગ ગાવા-વગાડવામાં આવે છે!!
અમુક દેશોના રાષ્ટ્રગીતને કોઈ શબ્દ જ નથી!! તે ગવાતા નથી પણ વગાડાય છે!! હા, સ્પેનના રાષ્ટ્રગીતને કોઈ શબ્દો નથી!! આવા તો ૨૩ જેટલા દેશો છે જેને કોઈ શબ્દો જ નથી માત્ર ધૂન છે! મ્યુઝીક જ નેશનલ એન્થમ છે!!
નેધરલેન્ડનું રાષ્ટ્રગીત પણ ખરું છે! તે ૧૫ પંક્તિનું છે પણ… દરેક પંક્તિની શરૂઆત વિલિયમ ઑફ નાસાઉ શબ્દોના ઉચ્ચારથી જ થાય છે!! જે આ દેશનો સેનાપતિ હતો અને તેની યાદમાં આ ઉચ્ચારો કરવામાં આવે છે. પરિણામે નેધરલેન્ડનું રાષ્ટ્રગીત ગવાય ત્યારે આ શબ્દો પંદર વખત બોલવા જ પડે! અને એ રાષ્ટ્રગીતને પુરા થતાં પાંચ મિનિટ જેટલો સમય લાગી જાય છે!
બ્રિટનનું રાષ્ટ્રગીત “ગોડ સેવ ધ કિંગ છે. જે ગીત હોન બુલ નામના સંગીતકારે 1628માં મૃત્યુ પામ્યો એ પહેલાં લખ્યું હતું અને તેને કઈ રીતે વગાડવું તે પણ તેની ડાયરીમાં લખ્યું હતું. હવે ૨૮મી સપ્ટેમ્બર ૧૭૪પના રોજ રાજા જ્યોર્જ એક સંગીતસમારોહમાં પધાર્યા. સંગીતકારોએ તેમની વિવિધ કલાઓથી તેમને ખુશ કરી દીધા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાજા જવા માટે ઊભા થયા ત્યારે – બરોબર એ જ સમયે સંગીતકારોએ હોનબુલ દ્વારા રચિત ગીત “ગોડ સેવ ધ કિંગ’ વગાડયું અને રાજા ઊભા રહી ગયા!! આ સાથે થિયેટરમાં પધારેલ મહેમાનો પણ ઊભા રહી ગયા! બસ ત્યારથી… એક પ્રથા પડી ગઈ કે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે ચૂપચાપ શાંતિથી ઊભા રહીને તેને માન આપવું. અને એ જહોન બુલેનું રાષ્ટ્રગીત બની ગયું.
રાષ્ટ્રધ્વજોનો ઇતિહાસ પણ ખૂબજ રસપ્રદ અને રોમાંચક જોવા મળે છે. દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ડેન્માર્કે ઈ.સ. ૧૨૧૯માં બનાવ્યો હતો. ડેન્માર્કના આ રાજા વાલેમારે ઈ.સ. ૧૨૧૯ની સાલમાં ઈસ્ટોનિયા દેશ પર સમુદ્રી આક્રમણ કરી વિજય મેળવ્યા બાદ અપનાવ્યો હતો.
સ્વસ્તિક નક્ષત્રનો ત્રિશંકુ તારો એટલે કે નોર્થ સ્ટાર અચળતા અને અડગતાનો સિમ્બોલ હોય તે રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામેલ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, પાપુઆ~ગીની, બ્રાઝિલ અને સામોઆ આમ પાંચ દેશોના રાષ્ટ્રધ્વજમાં સ્વસ્તિક નક્ષત્રનો ત્રિશંકુ તારાઓ જે ક્રોસ જેવી રચનાને લીધે તેમજ અવકાશી દીવાદાંડી તરીકે કામ આપતું હોય તેને સ્થાન મળેલ જોવા મળે છે.
ફિલિપાઈન્સનો રાષ્ટ્રધ્વજ બ્લ્યુ અને રેડ સ્ટ્રીઝનો બનેલ જોવા મળે છે. આ રાષ્ટ્રધ્વજની વિશિષ્ટતા એ છે કે… સામાન્ય સંજોગોમાં આ રાષ્ટ્રધ્વજ બ્લ્યુ કલર ઉપરના ભાગે રહે તે રીતે ફરકાવવામાં આવે છે. પરંતુ યુધ્ધ કે અશાંતિના સમયે તે રાષ્ટ્રધ્વજને ઉંધો કરીને રેડ કલર ઉપના ભાગે આવે તે રીતે ફરકાવવામાં આવે છે!
સ્વિટ્ઝર્લેન્ડમાં તો દરેક રાજ્યને તથા દરેક મોટા શહેરને પણ પોતાના અલગ અલગ ધ્વજ છે. કુલ ૨૬ જેટલા ધ્વજ સ્વિટર્ઝલેન્ડને છે! અનેકતામાં એકતા!!
અમેરિકાનો સ્ટાર એન્ડ સ્ટ્રીપ્સ જેવો રાષ્ટ્રધ્વજ ૧૭૭૭થી આજદિન સુધીમાં આઠ વખત બદલાયો છે!!
નેપાળનો રાષ્ટ્રધ્વજ મંદિરની ધજા જેવા આકારનો છે અને સૂર્ય ઉપરાંત ચંદ્રને પણ ચમકાવતો એ એક માત્ર રાષ્ટ્રધ્વજ છે. સૂર્ય ત્યાંના સૂર્યવંશી રાણા કુટુંબનું અને ચંદ્ર ત્યાંના રાજકુટુંબનું ચિહ્ન છે.
આમ વિવિધ પ્રકારના રંગના રાષ્ટ્રધ્વજો અને વિવિધ ગાન ધરાવતા રાષ્ટ્રગીતો એક સુંદર ઇતિહાસ ધરાવે છે. દરેક વ્યક્તિમાં આ બે રાષ્ટ્રીય પ્રતિકો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રસેવા ઊભી કરે છે.
ભારતનો રાષ્ટ્રધ્વજ
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.
૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.
અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણે આ ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.