દત્ત ઉપાસક રંગ અવધૂતજી અને પવિત્ર સ્થળ નારેશ્વર  

નારેશ્વર મારું વૃંદાવન …
રમતા અવધૂત તે મુજ ચિતવન … નારેશ્વર
શાંતિનો મહાસાગર છલકે, બ્રહ્માનંદે મુખડું મલકે,
રંગ અગોચર દત્ત નીરખતા, અવધૂતાનું થાતું ચિંતન … રમતા

મયુર ભુજંગે વેર ભૂલ્યાં જ્યાં, કીધાં નૃત્ય અહિંસક થૈ ત્યાં,
સ્મશાન બનીયું મોક્ષપુરીને, દેવો પણ ત્યાં કરતા કીર્તન … રમતા

કલ કલ ગાતી રેવા વહેતી, દર્શનથી તે પાવન કરતી,
સૌનાં પાપ મલિનતા ધોતી, મધુર મધુર મલકાવે સ્પંદન … રમતા

અવધૂતી દરબાર નિરાળો, તૂટે જગની સૌ જંજાળો,
દુ:ખ હરણ આનંદ નીધિ દે, રંગ બાદશાહીનું દર્શન … રમતા

મમતા ભાગે સમતા જાગે, દેવદ્રષ્ટિ થાતી અનુરાગે,
દીન મટી દાનેશ્વર કરતું, રંગાનું દૈવી નયનાંજન … રમતા
=== ૐ ===

નારેશ્વર એટલે શ્રી રંગ અવધૂત મહારાજ શ્રીની કર્મભૂમિ.
એમણે સ્થાપેલો આ આશ્રમ કોઈ રિસોર્ટથી કમ નથી.
આજુબાજુ લીલોતરીઓથી ઘેરાએલું સ્થળ ખરેખર ગુજરાતનું એક સુંદર અને રમણીય પર્યટકસ્થાન બની ગયું છે.  આશ્રમને સુઘડ અને સુંદર બનાવવામાં કોઈજ કમી નથી રાખી. એની પછીતે નર્મદા મૈયાનો એક માત્ર બીચ આવેલો છે
આ બીચ ખરેખર સુંદર છે. આ બીચ પર જઈને નહાવાની મજા કૈક ઓર જ છે !!!!

દત્ત-ઉપાસક રંગ અવધૂતનું અનોખું તીર્થસ્થાન

નારેશ્વર તીર્થસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતું છે. નારેશ્વરનું નામ પડતાં જ સંતશ્રી રંગ અવધૂતનો આશ્રમ, દત્તબાવાની અને સદગુરૂદેવ દત્તનો જયઘોષ સ્મરણ પટ પર આવી જાય. નર્મદાજીના તીરે ભરૂચથી વડોદરા તરફ 25 કિ.મી. જતાં નારેશ્વરનો માર્ગ આવે છે. અહીંથી 19 કિ.મી. સીંગલ પાકા રસ્તે નારેશ્વર પહોંચાય છે. વડોદરાથી 60 કિ.મી. દૂર તરફ જતાં નારેશ્વરનો રસ્તો આવે છે.

નારેશ્વર ગામ નહીં માત્ર તીર્થસ્થાન છે. બાજુમાં સાયર ગામ છે. આજે તો તીર્થસ્થાન વિશાળ જગ્યામાં પથરાયેલું છે. પરંતુ રંગ અવધૂત સ્વામી અહીં પધાર્યા ત્યારે માત્ર જંગલ હતું. 1930ની આસપાસ રંગ અવધૂત સ્વામી નારેશ્વર આવ્યા. અહીં નર્મદા કિનારે તેમણે સાપ અને મોરને સાથે જોયાં. તેમને થયું કે આ ભૂમિ અહિંસક છે.ભૂમિની દિવ્યતાને પારખી જંગલમાં એક લીમડાના વૃક્ષ નીચે તેમણે આસન બિછાવ્યું અને સાધના કરી. તેમના તપોબળથી ભૂમિનો પ્રભાવ વધવા લાગ્યો અને જોતાજોતામાં આ ડરામણી જગા એક તપસ્વીનું તીર્થ સ્થાન બન્યું. રંગ અવધૂત મહારાજના ભકતો દૂરદૂરથી આવવા લાગ્યા અને ભકતો દ્વારા જ આ સ્થળે ધર્મશાળા, ભોજનશાળા અને મંદિરનો જીણોદ્ધાર થયો.

નારેશ્વર મંદિરનો પૌરાણિક ઈતિહાસ એવો છે કે, એ ગણેશજીની તપોભૂમિ છે. ગણેશજીએ ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને કપર્દીશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. પહેલાં આ મંદિર નર્મદાજીના કિનારા ઉપર જ હતું, પરંતુ નદીના પૂરના કારણે મંદિર ધોવાતું હતું. પેશવાઈ રાજયના સમયમાં આ પ્રદેશના સૂબા તરીકે નારોપંત હતા. તે શિવજીના ઉપાસક હતા. શિવજીએ તેમને સ્વપ્નમાં નદીમાં પડેલું શિવલિંગ નદીમાંથી કઢાવી પૂરના પાણીની અસર થાય નહીં એટલીં ઊંચી જગાએ પુન:પ્રતિષ્ઠા કરાવી. આ કાર્ય નારોપંતજીના હાથે થયું હોવાથી નારેશ્વર મહાદેવ તરીકે લોકો ઓળખવા લાગ્યા.

આજે નારેશ્વર તીર્થસ્થાન રંગ અવધૂતજી અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે. તીર્થસ્થાનમાં શાંતિ અને સ્વસ્છતા જોવા મળે છે. હજારો યાત્રિકોની ધમધમતું આ ધામ યોગ- ધ્યાન અને તપ માટે જ હોય તેમ આગંતુક યાત્રિકો વર્તતા હોય છે. યાત્રિકોની સંખ્યા વધતાં ટ્રસ્ટ દ્વારા ધર્મશાળાઓનાં મકાનો વધાર્યાં છે. વિના મૂલ્યે રહેવા અને જમવાની વ્યવસ્થા છે, પરંતુ પ્રવાસી સહેલાણી માટેની જગા નથી. તે યાદ આપાવતાં ઠેરઠેર નાનાં સૂચનાપત્રો જોવા મળે છે. આ આધ્યાત્મિક કેન્દ્ર છે, આનંદપ્રમોદ માટેનું સહેલાણીઓનું સ્થાન નથી. અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. રેડિયો, ટેપરેકોર્ડર વગેરે વગાડવાની મનાઈ છે. મંદિર સંકુલમાં આવેલા ધ્યાન કેન્દ્રમાં વાત કરવાની પણ મનાઈ છે. અહીં આવનારા યાત્રિકોએ પ્રથમ નર્મદાસ્નાન કર્યા પછી જ મંદિરમાં દર્શને જવું તેવું પણ બોર્ડ મૂકવામાં આવ્યું છે. રંગ અવધૂત મહારાજના મંદિરના ભક્તો દ્વારા સેવા કરવામાં આવે છે. સવારે છ વાગ્યાથી પ્રાર્થનાધૂન શરૂ થાય છે. રાત્રે પણ ધૂન અને સત્સંગ થાય છે. તેમાં મોટાભાગના બધા જ યાત્રિકો ખૂબ જ શ્રદ્ધાથી ભાગ લે છે.

રંગ અવધૂત મહારાજ જ્યાં ધ્યાન માટે બેસતા હતા તે લીમડો આજે પણ ઘેધૂર છે. આ લીમડાની મોટા ભાગની ડાળીઓ નીચે નમેલી છે. જો કે મંદિરના મેદાનમાંના બીજા લીમડા પણ એવા જ જોવા મળ્યા. અહીં એવું કહેવાય છે કે રંગ અવધૂતજીના તપમાં ભાગીદાર બનેલા લીમડાની ભકિતથી તે વધુ નમ્ર બની ઝૂકી ગયો છે. સંતના ચરણમાં રહેવાથી ભકિતસ્વરૂપ નમ્ર લીમડો આજે પણ યાત્રિકોને સત્સંગની પ્રેરણા આપે છે.

મહારાજ જ્યારે ધ્યાનમાં બેસતા ત્યારે તેમની સામે ધ્યાન ધરીને પૂર્વના સંસ્કારથી બૂચિયો નામનો કૂતરો સતત સામે બેસી રહેતો. નર્મદાજીમાં સ્નાન કરીને તે મહારાજશ્રીના ચરણો પાસે બેસી જતો. આ બૂચિયાએ કયારેય ખાવા માટે કયાંય મોઢું નાખ્યું ન હતું. તેને અલગ પાત્રમાં પીરસવામાં આવે તો જ તે ખાતો નહીં તો ઉપવાસ કરી નાખતો. તેનું આયુષ્ય પૂરું થવા આવ્યું અને ખૂબ બીમાર પડયો. તેની વેદના જોઈને મહારાજશ્રીએ તેને નશ્વર દેહ છોડી દેવા જણાવ્યું કે તુરત જે તેણે દેહ છોડી દીધો. આ બૂચિયાની પણ સમાધિ આજે મંદિર સંકુલમાં છે.

પૂનમના દિવસે નારેશ્વર પાસેના નર્મદાજીનું દર્શન અલૌકિક હોય છે. ચંદ્રના ઉદયના સાથે તેજપુંજનો લિસોટો લાગે પછી તો ચંદ્ર પૂર્ણકળાએ પ્રકાશતા એવાં અલૌકિક દશ્ય લાગે કે જાણે નર્મદા મૈયાની ગોદમાં ચંદ્ર ઝૂકી રહ્યો હોય.

આ સ્થળ ભલે આધ્યાત્મિક હોય પણ એમાં મહાલવાની
ચારેબાજુની હરિયાળીઓથી ભરેલું સ્થળ એટલું સુંદર છે કે એ તમારાં મન અને શરીરમાં તાજગી ભર્યા વગર રહે જ નહીં. સોનામાં સુગંધ ભળી જાય એવી નર્મદા નદીનો બીચ જોવાનો અને તેમાં નાહીને પાવન થવાનો લ્હાવો ચૂકવા જેવો નથી !!!!! આ આશ્રમમાં રોટલો અને ગોળ ખાવાં એ ખરેખર એક લ્હાવો છે

ટૂંકમાં આવા રમણીય સ્થાનો જોવાનું ચૂકશો નહીં !!!!

——— જનમેજય અધ્વર્યુ

??????????

error: Content is protected !!