ભારતીય પૂજાના પ્રકારોમાં નાગપૂજા અત્યંત પ્રાચીન ગણાય છે. આ નાગપૂજાની પરંપરાનું પગેરું છેક વેદકાળથી પણ આગળ જાય છે. શ્રી પી.જી. દેવરસ લખે છે કે વેદોના સમય પહેલાં પણ ભારતમાં નાગપૂજા પ્રચલિત હતી. દ્રવિડ સંસ્કૃતિ નાગદેવતાને પૂજ્ય ગણવામાં આવતા. ચારેય વેદોમાં અથર્વવેદમાં નાગ અંગે ઠીકઠીક વિસ્તારથી કહેવાયું છે. નાગપૂજાની વૈદિક પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડતાં ફોગેલ લખે છે કે નાગપૂજાનો ઉલ્લેખ વૈદિક સાહિત્યના પ્રારંભિક ઉદાહરણોમાં મળવા માંડે છે. ઋગ્વેદ અનુષ્ઠા પ્રચુર ગ્રંથ છે, એટલે તત્કાલીન સંસ્કૃતિના સાર્વજનિક સ્વરૂપનું પ્રમાણ તેને ન માની શકાય. તેમાં નાગની ઉપાસનાનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. અથર્વવેદમાંથી સર્પપૂજાનું પ્રમાણ સ્પષ્ટપણે પ્રાપ્ત થાય છે. તેના એક પ્રાર્થના મંત્ર (૧૨-૧-૪૬ અથર્વવેદ)માં કહેવાયું છે કે ઃ
‘‘હે પૃથ્વી, જે સર્પ અને સખત કરડવાવાળો વીંછી છે, તે હેમંતઋતુની ઠંડીથી સંકોડાતાં ગભરાઈ જમીનના પોલાણમાં ભરાઈ રહ્યા છે તે તેમજ બીજા કોઈ જંતુઓ જે આ બધા વર્ષાઋતુમાં ભારે દોડધામ કરે છે, તેમાંથી કોઈપણ મારી પાસે ન આવે. જે શુભ-સારા હોય તેમનાથી અમને સુખ આપો.’’
વેદના સમયમાં સર્પોથી રક્ષણ મેળવવા માટે ‘સર્પપ્રીત્યર્થ-યજ્ઞ’ કરવામાં આવતા ઃ ‘નમોઅસ્તુ સર્પેભ્યો યે કે ચ પૃથિવ્યામનુ’ (યજુર્વેદ ૧૩/૬). પૃથ્વીમાં જે સર્પો છે તેમને અમારા નમસ્કાર છે. અથર્વવેદના મંત્રમાં કહેવાયું છે કે ઃ ‘જેઓ હંમેશા પૃથ્વીનું પરિભ્રમણ કરનારા છે, જેઓ અંતરિક્ષમાં છે તે સર્પોને અમારા નમસ્કાર હો. જે જાદૂગરોના બાણોમાં તથા વૃક્ષાત્માઓના દરોમાં વસે છે તે સર્પોને અમારા નમન હો. આકાશના તેજમાં, સૂર્યના કિરણોમાં અને જળમાં રહેનારા સર્પોને અમે નમીએ છીએ.’
આમ પ્રાચીનકાળમાં ભયને કારણે નાગ પ્રત્યે પૂજ્ય ભાવ હતો એમાંથી કાળક્રમે નાગપૂજાનો પ્રારંભ થયો. નાગપૂજા વૈદિકકાળના અનાર્યોમાં પ્રચલિત હતી એમ ઘણા વિદ્વાનો માને છે. હડપ્પા અને મોહેંજોદડોના અવશેષોમાંથી નાગપૂજાના પ્રમાણો પ્રાપ્ત થયા છે. પણ અહીં વૈદિકકાળની સર્પવિદ્યાની વાત કરવી છે.
છાંદોગ્ય ઉપનિષદ અવલોકતાં જણાય છે કે પ્રાચીન ભારતમાં દેવવિદ્યા, બ્રહ્મવિદ્યા, ભૂતવિદ્યા, ક્ષત્રવિદ્યા, નક્ષત્રવિદ્યા જેવી વિદ્યાઓ જાણીતી હતી. એવી એક વિદ્યા ‘સર્પ-દેવ-જન’ વેદકાળમાં જાણીતી હતી. પ્રાચીન ઋષિકાળમાં આ બધી વિદ્યાઓ વેદમાંથી નીકળી હતી. ‘સૃષ્ટિના પ્રારંભમાં વેદમાંથી બધી વિદ્યાઓ બહાર આવે છે ને પ્રલયકાળમાં બધી વિદ્યાઓ લુપ્ત થઈ જાય છે. આજે આપણી આ આર્યવિદ્યાઓ નાશ પામી છે તે વેદના અભ્યાસથી ફરી જીવંત થઈ શકે એમ છે. એના માટે નિષ્ઠાપૂર્વક અંતઃકરણથી વેદનું અઘ્યયન કરવું જરૂરી છે. પ્રાચીન સમયમાં વેદપાઠીઓને કોઈ આર્થિક ચિંતા નહોતા તેથી તેઓ નિશ્ચિંત બનીને પોતાનું આયુષ્ય આવી વિદ્યાઓની વૃદ્ધિ માટે અર્પણ કરી શકતા. વેદપાઠીઓને માટે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે વેદમાંથી નીકળીને લુપ્ત થઈ ગયેલી વિદ્યાઓ પુનઃ જિવંત બની શકે’ એમ શ્રીપાદ દામોદર સાતવળેકર લખે છે.
અથર્વવેદ અને સંસ્કૃત સાહિત્યમાં નાગના ઘણાં નામો મળે છે. નાગને લોકબોલીમાં એરૂં, કાળોતરો, સાપ વગેરે નામે ઓળખવામાં આવે છે. સાપ-સર્પ શબ્દ ‘સૃપ’ ધાતુ પરથી આવ્યો છે. એનો અર્થ થાય છે ‘જમીનને ચોંટીને ઘસડાતું જતું પ્રાણી’, એના માટેનો બીજો શબ્દ ‘નાગ’ પણ સર્પવાચક છે. નાગ શબ્દના બે અર્થ થાય છે. ‘નગે ભવઃ નાગ’ જે નગ એટલે પર્વતમાં હોય છે તે નાગ કહેવાય છે. (ન ગચ્છતિ ઈતિ અન્ગ ! ન+અગ = નાગ) જે સ્થિર નથી રહેતો, તેને નાગ કહેવાય છે. સર્પો ડુંગટમાં હોય છે અને ઘણાં ચપળ હોય છે. વાગ્ભટે દર્વીકર, મંડલીન અને રાજીમાન એમ નાગની ત્રણ મુખ્ય જાતિઓ ગણાવી છે. બીજી હલ્કી જાતિયો ઘણી છે. જેમને કડછી જેવી ફેણ હોય એવા સર્પો દર્વીકર કહેવાય છે. જે ગોળ કુંડાળું વળીને બેસે છે તેને મંડલીન અને જેના પર રાજી અર્થાત્ રેસાઓ હોય તે સાપ રાજીમાન કહેવાય છે.
સંસ્કૃત ગ્રંથોમાં ૧. અનંત ૨ વાસુકી ૩. પદ્મ ૪. મણપદ્મ ૫. પદ્મનાભ ૬. તક્ષક ૭. કર્કોટક ૮. કુલિક ૯. શંખ ૧૦. શેષ ૧૧. હંબલ ૧૨. શંખપાલ ૧૩. ધાર્તરાષ્ટ્ર ૧૪. કાલિય જેવી જાતો મળે છે. જ્યારે મહાભારતના આદિપર્વના ‘આસ્તિકપર્વ’ના ૩૫મા અઘ્યાયમાં સર્પોની જુદી જુદી ૭૮ જાતો નીચે મુજબ જણાવી છે ઃ
૧. શેષ ૨. વાસુકી ૩. ઐરાવત ૪. તક્ષક ૫. કર્કોટક ૬. ધનંજય ૭. કાલિય ૮. મણિનાથ ૯. આપુરણ ૧૦. પિંજરક ૧૧. એલાયત્ર ૧૨. વાજન ૧૩. નીલ ૧૪. અનીલ ૧૫. કલ્માષ ૧૬. શબલ ૧૭. આર્યક ૧૮. ઉગ્રક ૧૯. કલશપોતક ૨૦ સુમન ૨૧. દધિમુખ ૨૨. વિમલખંડિક ૨૩. આપ્ત ૨૪. શંખ ૨૫ વાલિશિખ ૨૬ નિષ્ઠાનક ૨૭ હેમગુહ ૨૮ નહુષ ૨૯. પિંગલ ૩૦. બાહ્યકર્ણ ૩૧. હસ્તિપદ ૩૨. મુદ્ગર પિંડક ૩૩. કંબર ૩૪ અશ્વતર ૩૫ કાલીચક ૩૬ પદ્મ ૩૭ વૃત્ત ૩૮. સંવર્તક ૩૯. શંખમુખ ૪૦. કૂષ્માંડક ૪૧. ક્ષેમક ૪૨. પિંડારક ૪૩. કરવીર ૪૪. પુષ્પદંત. ૪૫. બિલ્વક ૪૬. બિલ્વપાંડુર ૪૭. મુષકાદ. ૪૮. શંખશિરા ૪૯. પૂર્ણભદ્ર ૫૦. હરિદ્રક ૫૧. અપ-રાજિત ૫૨. જ્યોતિક ૫૩. પન્નગ ૫૪. શ્રીવદ ૫૫. કૌરવ્ય ૫૬. ઘૃતરાષ્ટ્ર ૫૭. શંખપીંડ ૫૮. વિરજા ૫૯. સુબાહુ ૬૦. શાલીપીંડ ૬૧. હસ્તિપીંડ ૬૨. પિઠરક ૬૩. સુમુખ ૬૪ કૌણયા = અશન ૬૫. કુઠર ૬૬. કુંજર ૬૭. પ્રભાકર ૬૮. કુમુદ ૬૯.. કુમુદાક્ષ. ૭૦ તિત્તિરિ ૭૧. હલક ૭૨. મહાસર્પ ૭૩. કર્દમ. ૭૪. બહુમૂલક. ૭૫ કર્કર. ૭૬ અકર્કર ૭૭. કુંડોદર ૭૮ મહોદય.
નાગ શબ્દ ફેણવાળી જાતિ માટે વપરાય છે, જ્યારે સર્પ એ તમામ સર્પો માટે વપરાય છે. કહેવાય છે કે પ્રાચીન ભારતમાં ‘વિષસિંચક’ નાગ આ દેશમાં હતા. આ ભયંકર નાગ દૂરથી જાનવરની આંખમાં ઝેર ફેંકતા. એના ઝેરથી જાનવરો મરણને શરણ થઈ જતા. સાધારણ રીતે નાગ ચાર હાથ જેટલો લાંબો હોય છે. પરંતુ બંગાળના સુંદર વનમાં દસથી બાર હાથ લાંબા નાગ જોવા મળે છે. આ નાગ એટલા બધા જોરૂકા હોય છે કે એને પકડવા ત્રણ ચાર માણસોની જરૂર પડે છે. સર્પ જાતિના ઘણા પ્રાણી ‘ચ્પ્’ એવો અવાજ કરે છે. નાગ પણ અવાજ કરે છે. પરંતુ નાગ જાતિના સર્પોનો અવાજ ફૂત્કાર, ફુસ્સ કે ફૂંફાડા તરીકે ઓળખાય છે.
અથર્વવેદમાં પણ સર્પના કેટલાંક નામો આ પ્રમાણે છે. અધાશ્વ અર્થાત્ ઃ અજ-ગર. આ શબ્દ પરથી ખબર પડી જાય છે કે (અજ) બકરાને જે ગળી જાય છે તે. અસિત એ કાળા સર્પનું નામ છે. આશીવિષ-જેના મોઢામાં ઝેર રહે છે તે. દશોનસી-જેનો ડંખ નાશ કરે છે તે. લોહિતાહી-લાલ સર્પ અથવા જેના કરડવાથી લોહીની ઉલટી થાય છે, એવો સર્પ. વેદથી માંડીને સંસ્કૃત ગ્રંથોમાં જે જે સર્પોના નામો આવી ગયા તે બધા એકત્ર કરીએ તો જણાય છે કે ૮૦થી વઘુ નાગની જાતિઓ પ્રાચીન આર્યોની જાણમાં હતી.
નાગની આવરદા ખૂબ લાંબી ગણાય છે. કિંવદંતી અનુસાર નાગ ૧ હજાર વર્ષ સુધી જીવંત રહે છે. વિજ્ઞાન આ વાત સ્વીકારતું નથી. આ માન્યતા પાછળનું કારણ એ હોઈ શકે કે નાગ સમયાન્તરે પોતાની કાંચળી ઉતારી નાખીને નવયૌવન પ્રાપ્ત કરે છે. નાગ અને સર્પના ફેફસાં ઘણાં લાંબા હોય છે. તે પોતાના ફેફસામાં લાંબો શ્વાસ અંદર લેવો અને પૂરી રીતે ઉચ્છ્વાસ બહાર કાઢવો આ પ્રાણાયામની ક્રિયા સર્પ ઉત્તમ રીતે કરે છે તેના લાંબા આયુષ્યનું આ પણ એક કારણ તેની સાથે જોડાયું હોય એમ માની શકાય.
નાગ પાણીમાં તરી શકે છે, છતાં પાણીમાં જવાનું પસંદ કરતો નથી. ગરમીના દિવસોમાં વાવકૂવાની આજુબાજુના ટાઢોડામાં રહેવાનું પસંદ કરતો હોવાથી નાગનો સંબંધ પાણી સાથે જોડાયેલો જોવા મળે છે. સર્પ વૃક્ષો પર પણ ચડી શકે છે. સાપની બીજી ખાસિયત એ છે કે ફેંણ પહોળી કર્યા વગર કદી હૂમલો કરતો નથી. પોતાની જાતનું રક્ષણ કરવા અને સામાને ભય પમાડવા જમીન પરથી અર્ધો ઊંચો થાય છે. મોઢેથી ફૂંફાડો નાખે છે. નાગ ફેણ સંકેલીને દંશ દે છે. ફેણ ચડાવીને દંશ દઈ શકતો નથી.
વૈદિક આર્યોને નાગના ઝેર અને તેના કરડવાના પ્રકારોની પણ જાણકારી હતી. ખાતમખાતમુત સકતમ….વિષમ્ (અથર્વવેદ ૫/૩/૧) ૧. ‘સકતમ્.’ નાગના કરડવાની શરૂઆતમાં જ તેનો વિષદંત અંદર જવાની વખતે માણસ પોતાનું રક્ષણ કરવા માટે તેને ધક્કો દઈ દૂર ફેંકવા પ્રયત્ન કરે છે. આ સ્થિતિમાં નાગના દાંતથી માણસની ચામડી ઉપરથી ચીરાઈ જાય છે. આ દંશ હાનિકર્તા હોતો નથી. એનું નામ ‘સકતઃદંશ’ છે. ૨ ‘અખાતમ્’ કરડવાની શરૂઆત થયા પછી એકાદ બે નિમેષ (આંખનું મટકુ) મારતા વારમાં નાગને ધક્કો દઈ દૂર ફેંકવાની સ્થિતિમાં થોડોક વિષદંત શરીરની અંદર જાય છે પણ સર્પને ઝેર ઠાલવવાનો અવકાશ મળતો નથી. આ દંશમાં લોહી બહાર આવે છે. લોહી બહાર વહે છે. ઝેર શરીર પર અથવા જમીન પર પડેલું જણાય છે. તેને ‘અખાતઃદંશ’ કહે છે. ૩. ‘ખાતમ્’ સર્પ કરડવાની શરૂઆત થયા પછી બે ત્રણ વખત આંખના મટકા મારો એનાથી વઘુ સમય જવાની સ્થિતિમાં નાગ પૂરૂં બચકું ભરી લે છે. પોતાના વિષદંત અંદર પેસાડી દે છે. એ સ્થિતિમાં એને પકડીને ફેંકવાનું કામ મુશ્કેલ બની જાય છે. સાપનું ઝેર શરીરમાં દાખલ થઈ જાય છે. એને ‘ખાત-દંશ’ કહે છે. ખાતનો અર્થ પૂરી રીતે ખોદાયેલું એવો થાય છે. પહેલી બે જાતના સર્પદંશ માનવીનો ઘાત કરનારા હોતા નથી. માણસ બચી જવા પામે છે તે આવી જાતના દંશને કારણે જ બચે છે. ત્રીજો દંશ એટલો બધો ઘાતક હોય છે કે એનાથી માનવી બચી શકતો નથી સિવાય કે દવાખાને જઈને પૂરી સારવાર લે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ