મીઢોળબંધો મોતને ભેંટ્યો

સોરઠની ધરતી માથે સાવરકુંડલા થી ત્રણ ગાઉં છેટે પંખીના માળા જેવું કરજાળા નામનું ગામ. ગામમાં હમીરસિહ રાજપુતની ડેલી રાજપુતોની ખાનદાનીના ગુણગાન ગાતી ઊભી છે. હમીરસિહ ને પાંચ સાતીની પાડાના કાંધ જેવી લાલ લીટીની જમીન, ઢાળીયામાં રોઝીડી ઘોડી, ગામનાં માણસો ખુટે નહીં, ડાયરો જામે આજુબાજુના પંથકમા હમીરસિહ નો દાખલો દેવાતો.

હમીરસિહ ની એકની એક દિકરી છે તેનાં લગ્ન લેવાય છે. બધી તૈયારી થવાં માંડી લગ્ન ને ત્રણ વરધ બાકી છે. ડેલીયે પીપરના તોરણ બધાંણા, ઢોલ વાગે છે, શરણાઈના શુરો વાતાવરણમાં માધુર્ય રેલાવે છે, ખારેકો વહેંચાય છે, મધુર લગ્ન ગીત ગવાય છે..

ત્રીજે દિવસે સંધ્યા ટાણે મેરજીની જાન કરજાળા આવી પહોંચી, જાનના સામૈયા થયા. બીજા દિવસે સવારના સારા મુહૂર્તમાં મેરજી માંડવા વચ્ચે બેઠાં, થોડી વાર પછી ગોરે કહ્યું કન્યા પધરાવો સાવધાન.. વાજતે-ગાજતે ઊલ્લાસભર્યા વાતવરણમા લગ્નવિધિ ચાલી રહી છે. ચોકમાં ડેલી બહાર સ્ત્રીઓએ ઢોલના તાલે ચલતી ને હિચ પર ગરબા જમાવટ કરી છે. રાસની રંગતમા સૌ મસ્તાન હતાં ત્યાં તળાવની પાળે ધિરજાંગ ધિરજાંગ કરતો બુંબિયો વાગ્યો..

સૌનાં હૈયાં ફફડી ઊઠ્યા, રમણીઓના રાસ બંધ થયા, માંડવા નીચે હથેવાળામા બેઠેલાં મેરજીએ મ્યાનમાથી તલવાર ખેંચી ઊભાં થયાં, ફુલકુવરબા ને ધ્રાસકો પડ્યો. એક ગોવળે સમાચાર આપ્યા કરજાળાની ગાયો બાબરીયા ઓ એ આંતરી છે. ગામમાં દેકારો થયો. માંડવે બેઠેલાં સૌ કહેવા લાગ્યા ભારે કરી. ગાયો વાળી જાય તો ગામનું નાક વઢાઈ. મેરજી થી રહેવાયું નહીં રાજપુતો હજી ધરતી પર જીવે છે ગાયો વાળી અબઘડી પાછો આવું.

હા હા મેરજી આ ટાણું નથીં હાથેથી હજું મીઢોળ છુટયા નથી, ધીંગાણા કરવાં માટે ઘણાં દાડા છે ગલઢેરો બોલ્યા મીઢોળબંધા ને બીક વધારે હોય છે રેવાદે, મેરજી ને ડહાપણ ની વાતો નો ગમી, ડોકેથી વરમાળા તોડીને ઘા કર્યો ઉઘાડી તલવાર લઈને ઊગમણી દિશા ભણી હાલી નિકળે છે. મારગમા વાવડ મળ્યા કે બાબરીયા ગાયો વાળી સુરજવડ કોર ભાગ્યા છે. મેરજીએ એ તરફ પ્રયાણ કર્યુ. ત્રાડ પાડી કે માટી થાજો બાબરીયા ઇ ગાયું તમારા બાપની નથીં.

સુરજવડ આગળ બાબરીયાઓ પર અંધારી રાતમાં વિજળી ત્રાટકે એમ મેરજી મરણીયો બની ત્રાટક્યો. એકલે હાથે દસ પંદર બાબરીયાના ઘા ખાળતો જાય છે અને લાગ જોઇને એક એકને આટતો જાય છે. એક મરણિયો સોને ભારી પડે, મેરજી ની લોહી તરસી તલવારે બાબરીયાઓને વેતરી નાખ્યા. એવાં ટાણે એક જણે કુડલિયાળી લાકડી ફેરવી ને મેરજી ને માથાંમા ઝીંકી, તમ્મર ખાઇને મેરજી ધરતી પર પડ્યા. બાબરીયા ગાયો લઇને ભાગ્યા ક્ષણવારમા મેરજી બેઠાં થયાં. દુશમનો ને ઠાર કરવાં દોટ મૂકી, ભાગતા બાબરીયા નું ઢીમ ઢાળી દીધું. એક જણે મેરજી ની નજર ચુકવીને માથે બરછી નો ઘા કર્યો. બરછીનુ ફળુ મેરજીના માથાંમા વેંત ઊંડુ ઊતરી ગયું. ઘવાયેલા મેરજીએ પડતા પડતાં એને મોતના માર્ગ મોકલી દીધો. ત્યા તો ગામમાથી લોકોની વહાર ચડી બાબરીયા ગાયો મુકી જીવ બચાવવા ઘોડા દોડાવી ભાગી છુટયા……

ધીંગાણા મા મેરજી કામ આવ્યાં ગામની આબરૂ રહી ગઇ. પણ આબરૂનો રાખણહાર ચાલી નિકળ્યો. એ શુરવીરના શબને ગામમાં લાવવામાં આવે છે. ગામનાં પાદરમાં ચિતા ખડકાઈ લગ્ન નો પોષાક ધારણ કરેલાં ફુલકુંવરબાએ તિલક કર્યુ, વાળ છુટા મૂક્યા, વડીલો ને પ્રણામ કરી સખીઓ પાસે ભૂલચૂકની માફી માંગી આ લોકમાં સૌને રડતાં મુકીને જન્મ જન્મનાં સાથી એવાં મીઢોળબંધા મેરજી ને પરલોકમાં મળવાં સતી થઇને સ્વર્ગ ને માર્ગ સંચર્યા..

જાતનાં જુહાર વળતાંના વળામણાં
વાજા બીજી વાર મળાશે તો મળશુ

આ વાત ને દેહ પર કંડારીને કરજાળા ગામને પાદર સતી માનો અને મેરજીનો પાળીયો ઉભો છે. સતીમાનો પાળીયો ગામથી દૂર સુરજવડ જ્યાં ધીંગાણું થયું હતું ત્યાં છે..

નોંધ:- આ પાળીયો મને વાત કરનાર બાલુભાઈ ગેડીયાના ઘરનાં ફળીયામાં છે ને તેઓ દાદાને ખુબજ માંને છે તથા મેરજીદાદાના વંશજો પણ ખાંભી જુહારવા આવે છે તેમાના સુખદેવસિહ વાજા પણ ત્યાં આવ્યા હતા ને વાત કરી હતી તેથી બન્નેનો હું આભારી છું..

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………..卐…………..卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!