છદસાં માતેતિ । – મહાનારાયણોપનિષદ (૧૫/૧)
ગાયત્રી વેદોની માતા અર્થાત આદિ કારણ છે.
નાસ્તિ ગંગા સમં તીર્થ ન દેવા : કેશવાત્પરઃ ।
ગાયત્ર્યાસ્તુ પરંજપ્ય ભૂતં ન ભવિષ્યતિ ।।
ગંગાજી સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી, ગાયત્રી મંત્રના જપથી શ્રેષ્ઠ કોઈ જપ ન આજ સુધી થયો છે કે થશે.
સર્વ પાપાનિ નશ્યન્તિ ગાયત્રી જપતો જ । – (ભવિષ્યપુરાણ)
વૈદિક સાહિત્ય, પરાવતીં હિન્દુ ધાર્મિકતા દર્શન સાહિત્યમાં ગાયત્રી મંત્રનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ગાયત્રી મંત્રનું વૈદિકયુગના ક્રાંતિયુગમાં ઐતિહાસિક મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા પ્રથમ દર્શન એટલે મહત્વ પ્રાપ્ત થયું. ઋગ્વેદ ત્રીજા મંડળના ૬૨માં ૧૦મો મંત્ર છે. ત્રીજા મંડળના ઋષિ વિશ્વામિત્ર છે. ગાયત્રી મંત્રને સમજવા માટે વિશ્વામિત્રના જીવનનો પરિચય અને કાર્ય-કલાપોનું મનોવૈજ્ઞાાનિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ.
પૌરાણિક અને હિન્દુ સમાજમાં પ્રચલિત કથા – વાર્તાઓથી એ સિદ્ધ થાય છે કે વૈદિક યુગમાં મહર્ષિ વિશ્વામિત્ર એક ક્રાંતિકારી અને મહાન વ્યક્તિત્વ લઈને અવતારિત થયા હતા. બોધાયન સત્ર અને અધ્યાત્મ રામાયણ બંને અનુસાર સપ્તઋષિઓમાં એમનું નામ સર્વ પ્રથમ લેવામાં આવે છે.
નવી સૃષ્ટિની રચના, ત્રિશંકુને સદેહ સ્વર્ગમાં મોકલવાનું, જીવન રક્ષા માટે કુતરાનું માંસ ખાવાનું, મહર્ષિ અને રાજર્ષિ જેવા સૈદ્ધાંતિક પ્રશ્નને લઈને મહર્ષિ વશિષ્ઠ સાથે સંઘર્ષ કરવો, નરમેઘ યજ્ઞ કર્યા વગર રાજા હરિશ્ચંદ્રને રોગમુક્ત કરવા, મેનકા દ્વારા તપોભંગ થતો વગેરે અનેક પૌરાણિક વાર્તા એમના નામ સાથે જોડાયેલી છે. એમની કથાઓ અને ક્રાંતિકારી પગલાં જીજ્ઞાસુઓ માટે પ્રકાશમાં આવવું જરૂરી અને લાભકારી પણ છે. પ્રાચિન સમયની આ વાર્તાઓ યથાવત રજૂ કરવું સહેલું નથી. પરંતુ તેનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરવું ખોટું નથી. ઋગ્વેદના મંત્રો ઉપરથી એ સિદ્ધ થાય છે કે એ દિવસોમાં ત્વષ્ટા, પર્જન્ય અને દ્યાવા, પૃથ્વી જેવા દેવતાઓના સ્થાન ઉપર ઈન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય અને સોમ જેવા દેવતાઓ વધારે લોકપ્રિય થઈ રહ્યા હતા. રાજનૈતિક, સામાજીક અને સાંસ્કૃતિક નેતૃત્વ ઋષિઓના હાથમાં હતું. જેઓ મંત્રદ્રષ્ટા હોવા ઉપરાંત ઉત્તમ યોદ્ધાઓ પણ હતા. જરૂર પડે શસ્ત્ર અને શાસ્ત્રથી સમાજનું રક્ષણ પણ કરતા હતા. આર્યો અને દસ્યુ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો હતો તેના વિશે જુદી જુદી વાર્તા પ્રચલિત થતી હતી. આગળ ઉપર બંને સભ્યતાઓમાં સમન્વય સ્થાપિત થયો. દસ્યુઓના ઉપાસ્ય દેવ શિવલિંગ ‘ઉગ્રદેવ’ને આર્યોએ અપનાવ્યું જે ‘શંકર’ના રૂપે પ્રસિદ્ધ છે. આવી સામાજીકને રાજનીતિક પરિસ્થિતિઓમાં વિશ્વામિત્રનો જન્મ થયો.
વિશ્વામિત્રનો જન્મ સપ્તસિંધુમાં ભરતવંશમાં થયો હતો. તેઓ જન્હુના પ્રપૌત્ર, કુશિકના પૌત્ર અને મહારાજ ગાધિના પુત્ર હતા.
એક વખત દસ્યુરાજ શંબરે આશ્રમ ઉપર ચઢાઈ કરી. વિશ્વામિત્રના સહપાઢી ઋક્ષની સાથે અપહરણ કરી લઈ ગયો. શંબરે એમને લોખંડના થાંભલા સાથે બાંધી કિલ્લામાં બંધ કરી દીધા. આવી પરિસ્થિતિમાં તેમને એક વખત કૂતરાનું માંસ ખાઈ પોતાના પ્રાણની રક્ષા કરવી પડી હતી. પોતાના કૌશલ્યતા અને બુદ્ધિમત્તાથી સમગ્ર વિપત્તિઓનો સામનો કરી શંબરની પુત્રી ઉગ્રાને પ્રેમમાં પાડી તેને પૂરેપૂરી વશ કરી. તેની મદદથી શંબરની હત્યા કરી ત્યાંથી નીકળી ગયા. શંબરના કારાગારથી નીકળી વિશ્વામિત્રે તુસ્તુકૂળના પુરોહિતનું પદ મેળવ્યું. તુસ્તુકુળનો રાજા સુદાસ અત્યંત પરાક્રમી અને દબદબો ધરાવતો હતો.
વિશ્વામિત્રના પુરોહિત પદને કારણે જ કદાચ વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થયું હશે જેના અનેક સંકેત વિશ્વામિત્ર વચિત ઋગ્વેદમાં મળે છે.
૧) ઋગ્વેદના મંડલ ૬, સૂત્ર ૫૩, અધ્યાય ૭ વગેરેથી સ્પષ્ટ થાય છે કે વસિષ્ઠની સાથે વિશ્વામિત્રને સૈદ્ધાંતિક મતભેદ હતો. (૨) એક વખત વિશ્વામિત્રને વશિષ્ઠના હાથે બંદીવાન પણ બનવું પડયું હતું. (૩) આનુ મુખ્ય કારણ વિશ્વામિત્રે શંબરની પુત્રી સાથે લગ્ન કર્યાં તે હતું. વશિષ્ઠ આર્યો અને અનાર્યા વચ્ચેના સંબંધને અનુચિત અને અનિયમિત ગણાતા હતા. આનાથી ઉલટું વિશ્વામિત્ર કર્મ આધારિત જાતિ અને ધર્મની સ્થાપના કરતા હતા તેમજ શુદ્ધ દશ્યુઓને આર્ય બનાવતા હતા. આજ ઝઘડો વધતા-વધતા વ્યાપક બન્યો. પરિણામે દશ રાજાઓનું મોટું યુદ્ધ થયું હતું.
વિશ્વામિત્રે ઉગ્રા સાથે લગ્ન કર્યા તેથી તેમના ભરતવંશમાં જ ઉગ્ર વિરોધ થવા લાગ્યો. મહર્ષિ અગત્સ્ય, નાનો ભાઈ વશિષ્ઠ, ભરત અને તુસ્તુકુળ, રાજવંશ અને તેમની માં પણ તેમની વિરોધી થઈ ગઈ. પરંતુ તેમણે હિંમત હારી નહિં. ત્યારબાદ તેઓ ખુલ્લં-ખુલ્લા દસ્યુઓની શુદ્ધિઓની વ્યવસ્થા કરવા લાગ્યા. આવો અનર્થ વસિષ્ઠથી સહન ન થતાં તેમણે પોતાનો આશ્રમ છોડી દીધો. પરંતુ ધીમે ધીમે લોકો વિશ્વામિત્રની વાતોનો અર્થ સમજવા લાગ્યા. તેમની વિધ્વતા, પરાક્રમ, દાન, વીરતા, ત્યાગ-વૃત્તિનો બીજા ઉપર પ્રભાવ પડવા લાગ્યો. તેમજ તેમની નવિન વિચારધારા અને નવી વ્યવસ્થાને સ્વીકારવા લાગ્યા. ખુદ રાજા સુદાસે પોતાની પૂર્વ વર્તણૂંકને કારણે ક્ષમા-યાચના કરી. ઉગ્રાના મૃત્યુ પછી ખુદ અગત્સ્ય અને લોપામુદ્રાએ તેમની પુત્રી રોહિણી સાથે વિશ્વામિત્રના લગ્ન કરાવ્યા.
આ પ્રકારની સફળતા પછી વિશ્વામિત્રે ગાયત્રી મંત્રની ઘોષણા કરી અને કહ્યું કે, ”જે કોઈ વ્યક્તિ આ મંત્રનો વિધિવત જપ કરશે તેને વિશુદ્ધ આર્ય સમજવામાં આવશે, ચાહે તેનો જન્મ ગમે તે કુળ કે જ્ઞાતિમાં થયો હોય.”
હવે વિશ્વામિત્રના જીવનમાં સંઘર્ષ શરૂ થયો. રૂઢિયાદી વિચારધારાવાળાઓએ હવે તેમનો જાહેરમાં વિરોધ કરવા લાગ્યા. મહર્ષિ વશિષ્ઠે જાહેર કર્યું કે, ”વિશ્વામિત્ર તપ કરે તો પણ મહર્ષિ બની શકે નહિ કારણ કે તેઓ ક્ષત્રિય છે.” વિશ્વામિત્રે આનો વિરોધ કર્યો. તેમનો એક અનુયાયી ત્રિશંકુ હતો. તેને સદેહ સ્વર્ગમાં જવું હતું. વશિષ્ઠથી નિરાશ થઈ તે વિશ્વામિત્ર પાસે આવ્યો. વિશ્વામિત્રે તેને સમજાવ્યો કે, ”સ્વર્ગ અને નરક પૃથ્વી પર જ છે. વશિષ્ઠની સાથે ખટરાગ હોવાને કારણે ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. દેવોએ તેને ઉંધે માથે પૃથ્વી પર પરત મોકલી આપ્યો. વિશ્વામિત્રે તેને તપોબળથી આકાશમાં જ રોક્યો. આમ ત્રિશંકુને ન પૃથ્વી પર સ્થાન મળ્યું, ન સ્વર્ગમાં.”
વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચેનો સંઘર્ષ કેવળ પુરોહિત પદને કારણે જ હતો તેવું નથી. પરંતુ તેમના વચ્ચે પ્રગતિવાદ અને પ્રતિક્રિયાવાદની વચ્ચેની વિચારસરણીનો હતો. વિશ્વામિત્ર સ્વર્ગને નરક વર્તમાન જીવનમાં જ ભોગવવા પડે છે તેમ માનતા હતા. તેમના દ્વારા નવી સૃષ્ટીની રચના પણ તેમના તપ અને નવી વિચારસરણીને અનુરૂપ હતી. તે વખતની સામાન્ય વિચાર અને પ્રણાલી તેમને માન્ય હતી નહિ. તેઓ તેમાં મૂળભૂત પરિવર્તનના હિમાયતી હતા. મેનકા દ્વારા તેમની તપસ્યા ભંગ કરવાની ઘટના આ જ પ્રકારનો સંકેત આપે છે. વગર નરમેઘ, હરિશ્ચંદ્રને રોગમુક્ત કરવાની બીના સાબિત કરે છે કે અંધવિશ્વાસ અને મિથ્યા કર્મકાંડમાં વિશ્વાસ રાખ્યા સિવાય વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં વિશ્વાસ રાખતા હતા.
વશિષ્ઠ અને વિશ્વામિત્રની વિરોધી વિચાર ધારાને કારણે ‘દશરાજ’ યુદ્ધ વિષે ઋગ્વેદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. કથા સૂત્રો અને ઋગ્વેદના મંત્રો અનુસાર તે યુદ્ધ નીરા આર્યો અને દસ્યુઓ વચ્ચેનું યુદ્ધ વાસ્તવમાં સૈધ્ધાંતિક હતું. એક પક્ષનું નેતૃત્વ વશિષ્ઠ કરતા હતા, જે આર્યોની રક્તશુદ્ધિ પક્ષપાતિ અને દસ્યુ સાથેના સંબંધના વિરોધી હતા. વિશ્વામિત્ર કર્મ અનુસાર આર્ય જાતિનું અસ્તિત્વમાં માનતા હતા. આ યુદ્ધમાં ભલે વિશ્વામિત્રનો પરાજય થયો હતો, પરંતુ વર્તમાન સામાજિક વ્યવસ્થા સાક્ષી છે કે સૈદ્ધાંતિક રીતે તેમનો વિજય થયો હતો. અંતે વશિષ્ઠએ તેમને મહર્ષિ તરીકે સ્વીકાર કર્યા હતા.
એક દિવસ હિમાલયના ઉચ્ચ શિખર ઉપર વિશ્વામિત્ર તપ કરી રહ્યા હતા. વહેલી સવારનો સમય પસાર થઈ ગયો હતો. સૂર્યોદય થઈ રહ્યો હતો. તેના પ્રથમ કિરણોએ હિમાલયના શિખરોને સ્પર્શ કર્યો. પરંતુ આ શું ? વિશ્વામિત્રના શરીરની અંદર સૂર્યના એક તેજસ્વી કિરણનો પ્રવેશ કર્યો. જોતજોતામાં તેમાંથી હજારો કિરણો ઉત્પન્ન થતાં એક નવા સૂરજનો ઉદ્ભવ થયો હોય તેવું તેજપુંજ બન્યો. બહારનો સૂરજ સમસ્ત વિશ્વને પ્રકાશિત કરે છે. વિશ્વામિત્રમાં પ્રકાશિત તેજપુંજે તેમને માથેથી પગ સુધીનો સુરજ વ્યક્તિગત હતો. બન્ને સૂરજ ભૌતિક પદાર્થથી જ ઉત્પન થયા હતા. બહારનો અને વિશ્વામિત્રના શરીરમાં ઉત્પન્ન સુરજ બંને ભૌતિક પદાર્થમાંથી જ ઉત્પન્ન થયા છે જે પંચમહાભૂતોમાં જ બનેલા છે. વિશ્વામિત્ર વિચાર કરવા લાગ્યા કે, ”આંતરિક પ્રકાશપુંજને પ્રકાશિત કરનાર કોણ છે ?”
વિશ્વામિત્રની વેધક દ્રષ્ટિ જડ જગતમાંથી બહાર જઈને ચેતનતત્ત્વને શોધી રહી હતી. અંતરમાં જ્યાંથી પુંજ બહાર નીકળી રહ્યો હતો તે તેજપુંજ ‘સવિતા-નારાયણ’નો હતો. આધિદૈવિક રૂપમાં બધા દેવોના આદિદેવ હતા. એના પ્રકાશથી સૂરજ પ્રકાશિત થાય છે. ઝીણા કાણાવાળી મટકીમાં મૂકેલા દિપકનો પ્રકાશ દરેક કાણામાંથી નીકળે છે તે જ પ્રમાણે અંતરમાંથી પુંજના કિરણો દેખાઈ દે છે. પરંતુ તે કિરણો ઘણા ધીમા હોય છે સાધુ-સંતોનો પ્રકાશ સફેદ હોય છે. સંસારીજનોનો અને પાપીજનોનો કાળો (ઔંસ) હોય છે.
વિશ્વામિત્રે દીર્ઘકાલીન તપ કરી આવા છીદ્રોને સ્વચ્છ અને નિર્મળ બનાવી દીધા હતા. બુદ્ધિ શક્તિને પારદર્શક બનાવી દીધી હતી. સહેજ પણ, કોઈ પ્રકારની આસકિત રહી નહોતી. તેમનું શરીર તેમનું રહ્યું નહોતું પાંચ ભૂતોનું બનેલું તે શરીર સમાજના કલ્યાણ અર્થે અર્પિત કર્યું હતું. આમ વિશ્વામિત્રે વાસ્તવમાં વિશ્વના મિત્ર બની જીવન સફળ કર્યું હતું.
સાધના ક્ષેત્રમાં આગળ વધતાં-વધતાં પોતાનું અંગત વ્યક્તિત્વ ભૂલી ચૂક્યા હતા. વિશ્વની તમામ વિભૂતિયો એમની બની ગઈ હતી. એ જે કાંઈ કર્મ કરતા હતા તે સમાજકલ્યાણ અર્થે જ કરતા હતા. પહેલા તેમને અંતઃકરણમાંથી પ્રેરણા મળતી હતી. હવે તેમને સ્વયં સરિતા નારાયણથી જ પ્રેરણા મળતી હતી. એ કારણે જ એમને દિવ્યતાના દર્શન થયા. આ દર્શનમાં જે પ્રકાશ હતો તે સૂર્ય અને સવિતાનો જ હતો તેમાં જ્યોતિ અને ચેતના હતી.
વિશ્વામિત્રના અંતરમાંથી ‘ભર્ગ’ નામનો એક પરમ તેજ, પ્રથમ પ્રકાશ પ્રગટ થયો. જે સવિતા નારાયણનું પરમ તત્ત્વ હતું. આ પ્રસંગમાં વિશ્વામિત્રને તેમના ગુરુ ‘ભૃગુ’નું સ્મરણ થયું. તેમની પરમકૃપાથી જ આ પ્રેરણા, સમાજ કલ્યાણની ભાવના, વિશ્વહિતની ચેતના પ્રાપ્ત થઈ. એટલા માટે પોતાના ગુરુદેવની પ્રેરણા તેમને પ્રાપ્ત થયેલ આ તેજ-પુંજનું નામ ‘ભર્ગ’ રાખ્યું, જે સર્વથા ઉચિત છે. ઋષિવર વિશ્વામિત્રને જ્યારે આ પરમ તત્ત્વનાં દર્શન થયા તે જ સમયે તેમને એક મંત્રની સ્ફરણા થઈ. તેમના હૃદયમાં એક નાદ જાગૃત થયો, જેનાથી તેઓ અત્યંત આનંદિત થઈ ઉઠયા. સવિતા નારાયણની મહિમા ગાવાવાળ ત્રણ શ્લોક તેમના મુખમાંથી નીકળ્યા. જેમાંનો પ્રથમ શ્લોક આ પ્રમાણે હતો ઃ
તત્સવિતુર્યરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ, દિયો યોનઃ પ્રચોદયાત્ ।।
ઋગ્વેદના ત્રણ મંડળ છે. એમાં ત્રીજા મંડળમાં ૬૧૭ મંત્રોના રચયિતા વિશ્વામિત્ર છે. તે તમામ મંત્રો તેમની અંત-સ્ફુરણ છે. તે તમામ મંત્રોમાં ઉપરોક્ત મંત્રને સર્વોત્તમ મંત્ર માનવામાં આવ્યો છે. ત્રીજા મંડળમાં ૬૧ સૂકત છે. એમાં એ છેલ્લા સૂકતનો ૧૦મો મંત્ર છે. આ મંત્રને કારણે અને તપના પ્રભાવથી આ મંત્ર સમાજકલ્યાણનો મુખ્ય આધાર બન્યા છે. ગાયત્રી છંદમાં ગવાયેલ આ મંત્રમાં વિશ્વામિત્રે ‘સવિતા’ની પરમ શક્તિ ‘સાવિત્રી’ના અદ્ભૂત ગુણ ગાયા છે. વિશ્વામિત્રના મુખમાંથી પ્રગટ થયેલી આ સરસ્વતી વાણીને, શબ્દ, અર્થ અને વ્યંજનાની શક્તિને મંત્રનું રૂપ આપીને સાધનાનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે.
વેદ ફક્ત ગ્રંથ નથી, તેનો અર્થ છે જ્ઞાન. ગાયત્રીને જ્ઞાનની માતા કહેવાય છે. જેને પૌરાણિક ઉપાખ્યાન પણ પૂર્તિ આપે છે. આકાશવાણી દ્વારા બ્રહ્માજીને ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત થઈ હતી. નાના સરખા ગાયત્રી મંત્રમાં જ્ઞાન વિજ્ઞાનની અગણિત શાખાઓ સમાયેલી છે. સંધ્યા-વંદનની બધી જ પદ્ધતિ ગાયત્રી મંત્ર પર આધારિત છે. ભગવાન શ્રીરામ વશિષ્ઠ, વિશ્વામિત્ર પણ ગાયત્રીના ઉપાસક હતા. ભારતીય સંસ્કૃતિની દરેક શાખાઓમાં ગાયત્રીને સર્વોપરી સન્માન આપવામાં આવ્યું છે.
ગાયત્રિ વિદ્યાના વિશેષજ્ઞાના રૂપમાં વિશ્વામિત્રને માન્યતા પ્રાપ્ત થયેલી છે. રામ-લક્ષ્મણને બલા-અતિબલા, સિદ્ધિઓ, આ મંત્રના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી. સંદિપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ-બલરામને ગાયત્રી મંત્રની સાધના કરાવવામાં આવી હતી. અનાદિકાળથી ગુરુમંત્ર તરીકે ગાયત્રી મંત્ર જ આપવામાં આવે છે. કોઈપણ સાધનામાં, પછી તે તાંત્રિક કેમ ના હોય, ગાયત્રી મંત્રનો જ સંપુટ મુખ્ય આધાર હોય છે. આ મંત્રની ઉપાસના કરનાર માનવમાંથી મહામાનવ બને છે. તેથી દરેક વ્યક્તિએ ગાયત્રી મંત્રની ઉપાસના કરવામાં જરાપણ વિલંબ કરવો જોઈએ નહિ.
– અક્ષય મહેતા.