દાસી શ્વેતાંબરીને લઈને પાછી આવે ત્યાં સૂધી મુરાદેવીની મુખમુદ્રા જરાક જોવા જેવી હતી. જેવી રીતે કોઈ એક પ્રેમાળ માતા પોતાના બાળકનું ઘણું જ સાવધાનતાથી પાલન કરતી હોય અને તેવામાં તે બાળકના શિરે અકસ્માત્ આવનારું સંકટ તેના જોવામાં આવે, તે સમયે પોતાના બાળકના સંરક્ષણ માટે હવે શું કરવું અને શું ન કરવું એવા ગભરાટમાં તે પડી જાય છે; તેવી જ એ સમયે મુરાદેવીની અવસ્થા થએલી હતી. રાજા અને અપૂપ કરંડના મધ્યમાં પોતે બેસીને તેણે તે ઢાંકી મૂક્યો – એથી જાણે રાજા તેમાંના અપૂપનો સ્વાદ અવશ્ય લેવાને ઇચ્છતો હોય અને પોતે તેને અટકાવતી હોય – એવો ભાવ વ્યક્ત થતો હતો.
મુરાનું આવું સ્વરૂપ જોઈને રાજા ઘણો જ વિસ્મિત થઈ ગયો. “એ દગો દગો એવા શબ્દો શામાટે ઉચ્ચારતી હશે અને એણે દાસીને પોતાની શ્વેતાંબરી નામની માર્જારી લાવવાનું કહ્યું, એનું કારણ શું હશે ?” એમાંનું પ્રથમ તો રાજાના ધ્યાનમાં કાંઈપણ આવ્યું નહિ, એથી તેણે “ શું છે? શું છે?” એમ કહીને અનેક વાર રાણીને એ વિશે પૂછ્યું, પરંતુ એનું કાંઈપણ ઉત્તર ન આપતાં કોઈ એક ભ્રાંતચિત્ત અને ભ્રમિષ્ટ મનુષ્ય પ્રમાણે મુરાદેવી રાજાને પોતાના હસ્તથી મૌન ધારવાનો નિર્દેશ કરીને એક લક્ષથી તે અપૂપમાં દૃષ્ટિ રાખીને બેસી રહી હતી. એટલામાં મોકલેલી દાસી રાણીની આજ્ઞા પ્રમાણે શ્વેતાંબરી માર્જરીને લઈ આવી હાજર થઈ” એને લઈ આવી તે બહુ જ સારું કર્યું. ચાલ-લાવ એને અહીં.” મુરાદેવીએ તેને આવકાર આપીને હાસ્યપૂર્વક કહ્યું. તેણે માર્જરીને પોતા પાસે બેસાડી અને ત્યારપછી ઘણુ જ ખિન્નવદનથી કહ્યું કે, “ વત્સે શ્વેતાંબરિ ! આજ સૂધી તને દુધનું પાન કરાવીને મેં મહાપ્રેમથી તારું પાલન કરેલું છે – પણ આજે આ જ હાથે તને વિષનું પાન કરાવીને હું તારા પ્રાણ લેવાને તત્પર થએલી છું – સમજી કે ? આવ એમ કીધા વિના આ અપૂપમાં વિષનું મિશ્રણ છે કે નહિ, એનો પૂરો નિશ્ચય થાય તેમ નથી. માટે એ નિશ્ચય થવો જ જોઈએ કે જેથી હવે પછી સાવધ રહેવાનું અમારાથી જાણી શકાય.”
એ ભાષણ જો કે હતું તો આત્મગત જેવું જ, પરંતુ તે કાંઈ તે ધીમેથી બોલતી ન હતી – સારી રીતે બીજાને સંભળાય તેમ જ બોલતી હતી. અર્થાત્ રાજાએ તેનું એ બેાલવું બરાબર સાંભળ્યું એટલામાં પોતાના હાથમાંના અપૂપના કટકાને મુરાએ માર્જરીના મુખ પાસે ધર્યો, પરંતુ ચમત્કાર કેવો, કે તે અપૂપને માત્ર સુંઘીને જ તે મૂક પ્રાણી દૂર થઈ ગયું ! તેણે અપૂપને જિહ્વાથી સ્પર્શ કર્યો નહિ અને તે દૂર જવા લાગી. એટલે વળી પણ મુરાદેવી તેને ઉદ્દેશીને કહેવા લાગી કે, “ હં – હં – શું, આમાં ઝેર છે, એ તું પણ સમજી ગઈ કે ? ના ના પણ તારા એટલા જ ચાળાથી મારી ખાત્રી થનારી નથી. તારું મોઢું ઊઘાડીને એને કકડો બળાત્કારે હું તેમાં નાંખીશ – કદાચિત્ તું તેને કાઢી નાંખવાનો યત્ન કરીશ, તો તારા મોઢાને દાબી રાખીને એનો કિંચિદ્ ભાગ તો હું તને ગળાવીશ જ. એટલે તારી કેવી દશા થાય છે, તે પ્રત્યક્ષ દેખાઈ રહેશે.” એમ કહીને તત્કાળ તે માર્જારીના મુખમાં તેણે માલપુઆનો કડકો નાંખ્યો. માર્જારીએ પોતાના નખો બહાર કાઢ્યા અને પીઠને ઊંચી કરીને સંતાપથી પોતાની પૂછડી પછાડવા લાગી. પરંતુ દૃઢ નિશ્ચયવાળી મુરાએ એમાં બિલ્કુલ ધ્યાન આપ્યું નહિ, તેણે માર્જરીના મુખને સજ્જડ દબાવી રાખ્યું. માર્જારીએ નખપ્રહાર કરવાથી તેના કોમળ કરોમાંથી રક્તનો પ્રવાહ વહેવા લાગ્યો, છતાં મુરાએ તેના દાબેલા મુખને છોડ્યું તો નહિજ.
રાજાએ તેને “આશું? આશું ? છોડી દે એને!” એમ ઘણી એ વાર કહ્યું, પરંતુ રાજાની આજ્ઞા પણ તેણે માની નહિ. તેણે તો તેનું મોઢું જેમ દાબ્યું હતું તેમ દાબી જ રાખ્યું. પોતાના આગલા અને પાછલા પગોથી માર્જારીએ પોતાનું નખપ્રહારનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું, તેથી કાંડાંથી તે ઠેઠ કોણીના ઉપરના ભાગ પર્યન્ત મુરાના બન્ને હાથો આખા લોહીલોહાણ થઈ ગયા હતા, પણ પોતાના એ દુ:ખનું પણ તેને ભાન હતું નહિ. તે માર્જારી જ્યારે તે અપૂપના કડકાથી છૂટેલી લાળના બે ઘૂંટડા પેટમાં ઉતારી ગઈ ત્યારે તત્કાળ મુરાદેવીએ પોતાના હાથમાંથી તેને છોડી દીધી. માર્જારી છૂટતાં જ પોતાના મુખમાંના અપૂપના કડકાને બહાર કાઢીને એકદમ ભાગવા લાગી; પરંતુ હજી તો પંદર વીસેક પગલાં દોડી હશે, એટલામાં તેને અંધારાં આવતાં ચક્કર ખાઈને તે ત્યાંની ત્યાં જ પટકાઈને શાંત થઈ ગઈ. વિષનું પરિણામ તેના શરીરમાં થવા માંડ્યું હોય એમ હવે પ્રત્યક્ષ દેખાયું અને તેથી મુરાદેવી ધનાનન્દને કહેવા લાગી કે, “જુએા – જુઓ – મહારાજ ! એનો શ્વાસ હવે કેવો રુંધાઈ ગયો છે? હવે થોડી જ વારમાં એ પ્રાણ છોડી દેશે, એમાં કાંઈ પણ શંકા જેવું નથી. આપ બેઠાબેઠા એ ચમત્કારને જોયા કરો. અપૂ૫માં આવા વિષની મેળવણી કરી તેને સુવર્ણ કરંડમાં ઘાલી તે મહારાજના ભક્ષણ માટે મોકલનારનું કાંતો સાહસ અવર્ણનીય અથવા મૌર્ખ્ય અચિન્ત્ય ! નહિ તો તે આવું કાર્ય કરી શકે નહિ.
પરંતુ એવી ઘટનાઓનું પૂર્વે જ ભવિષ્ય જાણી રહેલી મુરાદેવી મહારાજના જીવરક્ષણ માટે નેત્રોમાં તૈલ અાંજીને દિનરાત જાગૃત બેઠેલી છે, એનું એ સાહસી મંડળને સ્મરણ થયું હોય એમ લાગતું નથી. જો તે આવી રીતે સાવધાન ન હોત, તો તો તેમની ઇચ્છા પ્રમાણે સર્વ કાર્યો ક્યારનાં યે થઈ ગયાં હોત ! જુઓ – મહારાજ ! આપનાં પટરાણી સુનંદાએ આપના માટે ઘણા જ પ્રેમથી મોકલેલા આ અપૂ૫ના કટકાથી આ મારી શ્વેતાંબરીની શી અવસ્થા થઈ છે, તે જુઓ ! અરેરે – આ તે કેવું હલાહલ વિષ! એનું આખું શરીર કાળું પડી ગયું છે- અને એનાં નેત્રો પણ કેવાં ભયંકર દેખાય છે. આ છેલ્લાં ડચકાં ભરતાં એને કેટલી વેદના થાય છે, તે તો જુઓ. અહાહા ! શું ત્યારે આ અપૂપને ભક્ષનારની અંતે આવી જ અવસ્થા થવાની હતી ને? ઠીક – ઠીક રાજ્યલોભ, અધિકારલોભ અને સપત્ની મત્સરથી એ પાપી મંડળ કેવાં કેવાં ઘોરતમ પાપો કરવાને તૈયાર થશે, એની કલ્પના થવી અશક્ય છે !” એમ બોલીને મુરાદેવી અત્યંત ઉદ્ધિગ્ન દૃષ્ટિથી મહારાજાના મુખપ્રતિ જોવા લાગી. એટલામાં તો માર્જારીનું મરણ થઈ ગયું. તેની ફાટી ગએલી અાંખો ઘણી જ ભયંકર દેખાતી હતી અને તેનું મુખ તથા ઓષ્ઠો કોયલા પ્રમાણે કાળાં અથવા તો કાળાં ઠીકરાં જેવાં થઈ ગયાં હતાં. આવો દેખાવ જોતાં જ ધનાનન્દના હૃદયમાં એકાએક અનિવાર્ય સંતાપનો ઉદ્દભવ થયો અને તે પોકાર કરીને કહેવા લાગ્યો કે, “અરે ચાડાંલિની ! તેં મારો જ જીવ લેવાની ધારણા રાખી ? પ્રસાદના નિમિત્તે અપૂ૫ બનાવીને તેમાં આવું ભયંકર વિષ મેળવી મને જ નષ્ટ કરવાની દુષ્ટ ઇચ્છાથી એ અપૂપો મને જ ખાવામાટે મોકલ્યા ! અને તે આરોગવા માટે ખાસ વિનતિપત્ર પણ લખ્યું ! વાહ-વાહ ! હવે જો, કે એક ક્ષણ માત્ર પણ તું તારા વૈભવના આસને રહી શકે છે કે? તને ગર્દભના પૃષ્ઠ ભાગે બેસાડી સમસ્ત અંત:પુરમાં ફેરવી અને પછી તારો વધ કરાવી, કૂતરાંને શિયાળવાંને તારા માંસની ઉજાણી આપું, તો જ હું ધનાનન્દ ખરો ! તું મારા સુમાલ્યની માતા છે, માટે આવી કઠિન શિક્ષા તને ન આપવાની પણ ધારણા થાય છે: પણ ના – જ્યારે તેં મારા જ નાશનો પ્રયત્ન આદર્યો, ત્યારે હવે તારામાટે દયા કરવી, એ વ્યાજબી નથી જ. જેવી રીતે આજે તે મારી હાનિનો યત્ન કર્યો, તેવી જ રીતે કાલે પોતાનો હેતુ સિદ્ધ કરવાને પોતાના પુત્રના પ્રાણ લેવાને પણ તું તત્પર થઈશા માટે પળમાત્રનો વિલંબ ન કરતાં તને કઠિનમાં કઠિન અને યોગ્ય શિક્ષા જ આપવી જોઈએ – એમાં જ મારું અને રાજ્યનું શ્રેય સમાયલું છે!!”
“પ્રાણનાથ એકાએક આમ ક્ષુબ્ધ થવાનું કાંઈપણ કારણ નથી. એ સઘળું કારસ્થાન મહાદેવીએ જ કર્યું અને આ વિષપ્રયોગ પણ તેણે જ કર્યો, એમ કહેવાનો હાલમાં આપણી પાસે આધાર શો છે?” મુરાદેવીએ વળી એક બીજો જ બુટ્ટો ઉઠાવ્યો, મુરાદેવી જે વેળાએ એ વાક્યો ઉચ્ચારતી હતી, તે વેળાએ તેના આવિર્ભાવો ખાસ અવલોકન કરવા જેવા હતા. કોઈ મનુષ્યનું મન પ્રથમથી જ કલુષિત થએલું હોય, તેમાં વધારે ક્લેશનો ઉમેરો કરવાના હેતુથી કેટલાક દુષ્ટ મનુષ્યો જેવી રીતે બહારથી વિરુદ્ધ ભાષણ જ કરતા હોય છે, તેવો જ મુરાદેવીનો પણ ભાવ હતો; પરંતુ ભોળા રાજાને એની સમજણ પડી નહિ. તે એકદમ કહેવા લાગ્યો, “આધાર શો છે ? એ અપૂપના એક કડકાની લાળથી જ માર્જારીને પ્રત્યક્ષ મેં મરી જતી જોઈ છે, તો હવે બીજો તે શો આધાર જોઈએ ? શું એનું ભક્ષણ કરીને મારા મરણને જ હું આધાર બનાવું કે?” “મહારાજ ! આમ આપ કોપથી લાલ પીળા ન થાઓ.” મુરાદેવીએ ઘણી જ શાંતિ અને દૃઢતાથી કહ્યું.” આમ ઊતાવળ કરવાથી કાંઈ પણ કાર્ય થવાનું નથી. મને શિક્ષા કરતી વેળાએ પણ આપે ઉતાવળ કરી હતી, તેનું પરિણામ શું થયું વારુ? એ જ કે, આ યુવરાજની પદવીને દીપાવનારો અને આપના રાજ્ય કાર્યભારમાં સહાયતા કરનારો થઈ પડ્યો હોત, તેવો પુત્ર સદાને માટે ચાલ્યો ગયો ! કદાચિત્ એણે જ તમારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હોય, તો પણ તે સફળ તો નથી થયો ને? હું અહીં કાળી નાગણ જેવી બેઠેલી હોવા છતાં એવો કોઈ ભયંકર પ્રસંગ બનવા પામે, એ અશક્ય છે. જ્યારે થયું કાંઈ પણ નથી, ત્યારે અમથા બેબાકળા બનવાથી શો લાભ થવાનો છે? માટે શાંત ચિત્તથી વિચાર કરો, શોધ કરો, અને પૂરેપૂરો નિશ્ચય થઈ જાય, એટલે પછી કે કોને અને શી શી શિક્ષા કરવી, તે વ્યવસ્થા કરવાને તે આપ સમર્થ છો જ.”
“દૂધથી દાઝેલું માણસ છાશને પણ ફુંકી ફુંકીને પીએ છે, તેવો જ ભાવ તારા બોલવાનો જણાય છે. ગાંડી રે ગાંડી ! કહે છે કે, વિચાર કરો અને શોધ કરો – અરે વિચાર કેવો અને શોધ શાનો? તેની દાસી આ સુવર્ણ કરંડ અને આ પત્રિકા મારા દેખતાં જ લઈ આવી અને મેંજ એ પત્રિકા વાંચી. તેમાં એ અપૂપ ખાસ મારા માટે જ મોકલવાનું લખેલું છે એટલું નહિ પણએ તે બનાવવામાં પણ ખાસ મારા માટે જ આવ્યા હતા ! એ અપૂપનો એક કટકો મેં તને આપ્યો, તે તેં માર્જારીને ખવડાવ્યો અને તે મારા દેખતાં જ બિચારી મરી ગઈ ! હવે બીજો વિચાર શાનો કરવો અને શોધ શાનો કરવો? “ધનાનન્દે પોતાના વિચારનું સમર્થન કર્યું.
મુરાદેવી તેનું એ ભાષણ સાંભળીને હસતી હસતી કહેવા લાગી કે, “જે સોક્યોએ આજ સુધી મારો દ્વેષ કરીને મારા સર્વસ્વનો નાશ કર્યો છે, તેમનામાંની મુખ્ય પટરાણીનું કાવત્રુ આજે પકડાતાં આપનો તેનાપર રેાષ થએલો જોઈને મારા હૃદયમાં આનંદ થતો હશે, એમ કદાચિત્ આપનું ધારવું હશે; પણ મને એથી લેશ માત્ર પણ આનંદ થતો નથી. મારી મનોદેવતા તો વિરુદ્ધ પક્ષે મને એમ જ કહે છે કે, તે બિચારી ખરેખર નિરપરાધિની જ હશે. કદાચિત એમ જ હોય, તો તેને એકાએક શિક્ષા આપવાથી કેટલા બધા અન્યાયનો સંભવ છે, એની કલ્પના તો કરો. તેથી જ હું કહું છું કે, પ્રથમ શોધ કરો અને નિશ્ચય થાય, ત્યાર પછી જે કાંઇ કરવાનું હોય તે કરો. આપના મનમાં પાછળથી પશ્ચાત્તાપ ન થાય એટલો જ મારો હેતુ છે.”
“પણ હવે તું જ કહી દે કે શોધ કરવા માટે આમાં શંકા જેવું બીજું શું બાકી રહેલું છે તે ?” ધનાનનંદે વળી પણ પોતાનો જ વિચાર જણાવ્યો.
“કેમ, શંકા જેવું બીજું કશું પણ નથી? મહારાજ!” મુરાદેવી પોતાની કપટદૃષ્ટિનો એક પાત કરીને કહેવા લાગી, “હવે જુઓ કે, શંકાઓ કેટલી બધી છે તે પ્રથમ તો એ જાણવાનું છે કે, મહાદેવીએ આજે કોઈ વ્રતનું ઉદ્યાપન કર્યું હતું કે નહિ ? કદાચિત્ કર્યું હોય તો વાયનદાન માટે અપૂપ જ બનાવ્યા હતા કે બીજું કાંઈ? અપૂપ જ બનાવ્યા હોય, તો તે તેમણે પોતે જ બનાવ્યા હતા કે બીજા કોઈએ ? જો તેમણે જ બનાવ્યા હોય, તોપણ કરંડમાં તેમણે પોતે ભર્યા હતા કે નહિ? અને પત્રિકા પણ તેમના પોતાના જ હસ્તે લખાઈ હતી કે કેમ ? ઇત્યાદિ વાતોનો શોધ કરવાનો છે. કદાચિત્ માર્ગમાં સારા અપૂપોને કાઢી નાંખીને કોઈ બીજાએ જ તેને સ્થાને આ વિષવાળા અપૂપો રાખી દીધા હોય તો ? દેવીના કોઈ શત્રુએ જ તેમની પાયમાલીનો આ ઉપાય યોજ્યો હોય તો ? એવી એવી એક બે નહિ પણ સેંકડો શંકાઓ આવી શકે તેમ છે. બીજું તો રહ્યું, પણ આ માર્જારીને પ્રથમથી જ મેં કોઈ પ્રકારનું વિષ આપી દીધું હોય અને આ અપૂપનું બહાનું બતાવ્યું હોય, એ શંકા પણ કાઢવી જોઈએ અને તેનું નિરાકરણ કરીને ત્યારપછી જ જે કરવાનું હોય તે કરવું જોઈએ. આવી વ્યવસ્થા કીધા વિના જ આપ જો પટ્ટરાણી યુવરાજ માતા મહાદેવીને કાંઈપણ શિક્ષા આપશો, તો એ કાર્ય મેં જ આપને ભમાવીને કરાવ્યું, એવો મારે શિરે જ દોષ આવશે. આપને કોઈ કાંઈપણ કહેવાનું નથી. ચાર દિવસ આપની મારાપર કૃપા છે, ત્યાં સૂધી તો કોઈથી પણ મારું કાંઈએ ભુંડું કરી શકાય તેમ નથી; પરંતુ કાલાંતરે જ્યારે પણ આપની કૃપાદૃષ્ટિમાં ન્યૂનતા થશે, તે વેળાએ મારા પ્રાણની રક્ષા કરવાનું કાર્ય મને અશકય થઈ પડવાનું. મારા હૃદયમાં જે ભીતિ છે, તે માત્ર એટલી જ છે. આપ તો પોતાના સંરક્ષણ માટે સર્વથા સમર્થ છો જ.”
મુરાદેવીની શંકાઓનો એ વૃત્તાંત સાંભળીને રાજા ધનાનન્દ મોટેથી અટ્ટાહાસ કરીને બોલ્યા કે, “પ્રિયે મુરાદેવી ! તું આજ કાલ ઘણી જ બીકણ બની ગએલી દેખાય છે. તારામાંનો મારો પ્રેમ હવે કોઈબીજા સ્થળે જશે, એમ તને ભાસે છે કે શું ? કદાચિત્ એમ ભાસતું હોય, તો તે ભાસ સર્વથા નિર્મૂલ છે. એમ કાલત્રયે પણ થનાર નથી. તારા નખને પણ કોઈ નુકસાન પહોંચાડવાનો યત્ન કરશે, તો તેને હું ત્યાં જ ઉભો ચીરાવી નાંખીશ. માટે એવા વિચારોને મનમાંથી કાઢી નાંખ, હું હવે તે દુષ્ટ ચાંડાલિનીને શી શિક્ષા કરવાની છે, તેની આજ્ઞા મોકલી આપું છું. આવા ન્યાયના કાર્યમાં વિલંબ કરવો, એ મારા જેવા રાજાને યોગ્ય નથી. પોતાની રાણી અને તે પણ યુવરાજ માતા જેવી સ્ત્રીને પણ તેના અપરાધની હું ક્ષમા નથી આપતો, એટલો બધો હું ન્યાયપરાયણ છું; એ પ્રજાજનોની જાણમાં આવવું જ જોઈએ. આ વેળાએ હું મૌન ધારીને બેસી રહીશ તે સારું કહેવાશે નહિ.”
“મહારાજ!” મુરાદેવીએ ઘણા જ કાલાવાલા કરીને હાથ જોડી કહ્યું “ નાથ ! એમ કરશો નહિ. આજપર્યન્ત આ૫ મારી અનેક પ્રાર્થનાઓ ધ્યાનથી સાંભળતા આવ્યા છો, તેવી જ રીતે આ એક પ્રાર્થના હજી પણ સાંભળો. એથી આજની ઘટનામાં સત્યતાનો કેટલો ભાગ રહેલો છે, તે સહજમાં આપ જાણી શકશો. આમાં મહાદેવીનો કશો પણ અપરાધ નથી, એવી મારી ધારણા છે. એ પ્રપંચનાં કરનારાં કોઈ બીજા જ હોવાં જોઈએ.
“તે કોણ ?” ધનાનન્દે તત્કાળ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.
“કોણ ? એ અત્યારે મારાથી પણ કહી શકાય તેમ નથી.” મુરાદેવીએ ઉત્તર આપ્યું. “પરંતુ જાણેલી બીનાને હૃદયમાં છૂપાવી રાખીને આપ જો ધૈર્ય ધારી બે ચાર દિવસ સ્વસ્થ બની બેસી રહેશો, તો પોતાની મેળે જ એ બધો ભેદ ખુલ્લો થઈ જવાનો સંભવ છે. મારું જીવવું જેમને ગમતું નથી, તેવા દુર્જનોનો જ આ બધો પ્રપંચ છે. આપ હાલમાં મારા જ મહાલયમાં વસો છો, તેથી જો અજાણપણે આપ આ અપૂપ ખાઈ ગયા હોત અને તેથી જો કાંઇપણ અનિષ્ટ બન્યું હોત તો એ કૃષ્ણ કાર્યનો દોષ મારે શિરે ચઢાવીને તેમને મારું ઊંધું વાળતાં કેટલો વિલંબ લાગ્યો હોત વારુ ? જરાપણ નહિ. એ પ્રસંગે મારી નિર્દોષતા દેખાડવાનો મેં ગમે તેવો અને ગમે તેટલો પ્રયત્ન કર્યો હોત, તોપણ કોઈ તે માનત નહિ. અને મારો પક્ષકાર પણ બીજો કોણ રહ્યો હોત, કે તે મારો બચાવ કરે ? માટે જેણે આ બધા પ્રપંચોનો વ્યૂહ રચેલો છે, તેઓ પોતાના પ્રયત્નનું શું પરિણામ આવ્યું, તે જાણવા માટે પોતાના ગુપ્તચારો દ્વારા શોધ ચલાવશે જ. હવે અાપ આજથી ખોટા ખોટા માંદા પડી જાઓ અને અપૂપ ખાધાપછી પેટમાં કોણ જાણે શું થાય છે અને મહારાજાના આખા શરીરમાં લ્હાય બળ્યા કરે છે – એવી હું બહાર અફવા ઉડાવું છું. એટલે એ ફિતૂરીઓ વધારે ધીટ બનશે અને ઘણા જ પાસે આવીને તપાસ કરવા માંડશે; એથી આપણા શોધનું કાર્ય વધારે સગવડભરેલું થઈ પડશે. આ મારી શ્વેતાંબરી માર્જારી મને ઘણી જ પ્રિય હતી એ તો આપ જાણો જ છો – એ મરી ગઈ છે અને આપ પ્રકૃતિ બગડવાનું નિમિત્ત કરીને બેસો. હું આ માર્જારીના શબને દાટવાના બહાનાથી બાગમાં જાઉં છું અને મારા અંતઃપુરમાંની છૂપી બાતમીઓ મેળવવા માટે આસપાસ કોણ કોણ ફર્યા કરે છે કે કેમ, એની ખબર કાઢી આવું છું.” રાજાએ પહેલાં તો કેટલીક હા ના કરી, પણ અંતે એમ કરવાનું અનુમોદન આપ્યું. રાણીએ એક દાસીને તે માર્જારીનું શબ ઉપાડવાની આજ્ઞા કરી અને સુવર્ણ કરંડ તથા અપૂપ પોતે ઊપાડી લીધાં. મહાદેવીની પત્રિકા તો તેણે ક્યારનીએ ઉપાડી લીધી હતી. બહાર નીકળ્યા પછી તે પોતાની મૃત માર્જારીને સંબોધીને બોલી કે, “શ્વેતાંબરિ ! તેં આજે મારું કેટલું બધું કાર્ય સાધી આપ્યું છે ! મારાથી તેનું વર્ણન કરી શકાય તેમ નથી.”
આગળની વાત હવે પછીના ભાગમાં..
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો