ગઈકાલે એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી જવાબદારીઓ પણ નિભાવે છે. લગ્નમાં દરેક દીકરીને 5 તોલા સોનુ અને બહુ મોટો કરિયાવર પણ આપે છે જેના વિષે અગાઉ હું લખી ચૂક્યો છું.
આ વર્ષે શ્રી મહેશભાઈ 24મી ડિસેમ્બર 2017ના રોજ બીજી 251 દીકરીઓને પરણાવવાના. જ્યારે લગ્ન માટેના ફોર્મ ભરવાના ચાલુ કર્યા ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં જ 600 કરતા વધુ ફોર્મ ભરાઈ ગયા. હવે આ 600 દિકરીઓમાંથી કઈ 251 દીકરીઓ પસંદ કરવી એ દ્વિધા આવીને ઉભી રહી!. તમામ 600 દીકરીઓના લગ્ન વ્યવસ્થાની રીતે અને આર્થિક રીતે પણ શક્ય ના બને કારણકે દીકરી પરણાવવાથી જ મહેશભાઈની જવાબદારી પૂરી નથી થતી દીકરીને ત્યાં વાર તહેવારે પિતાની જેમ જવાનું અને દીકરીને ત્યાં બાળક અવતરે ત્યારે બાળકના નાના તરીકે જિયાણું પણ કરવાનું. જો દીકરીની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો એના સંતાનોના અભ્યાસનો અને એના પરિવારનો મેડિકલનો પણ બધો ખર્ચ ઉપાડવાનો એટલે 600 દીકરીઓના લગ્ન કરાવી આપવા શક્ય નહોતા.
આ 600 દીકરીમાંથી 251 દીકરીઓને પસંદ કરવા માટે એના કુટુંબનો ઇતિહાસ તપાસવામાં આવ્યો. જે દીકરીઓના પિતા, માતા અને ભાઈ કોઈ જ ના હોય અને દાદા દાદી કે બીજા કોઈ સગાંસંબંધી સાથે રહેતી હોય એવી દીકરીઓને પ્રથમ પસંદ કરવામાં આવી. આવિ 48 દીકરીઓ હતી જેના પરિવારમાં માતા,પિતા કે ભાઈ કોઈ જ નહોતું. ત્યારબાદ એવી દીકરીઓ પસંદ કરવામાં આવી જેના પરિવારમાં માત્ર એની માતા હોય પણ કોઈ ભાઈ ના હોય મતલબ કે પરિવારમાં કોઈ પુરુષ ના હોય બધી જ મહિલાઓ હોય આવી 118 દીકરીઓ હતી જેના પરિવારમાં પિતા કે ભાઈનું છત્ર નહોતું.
ત્યારબાદ એવા પરિવારોને પસંદ કરવામાં આવ્યા જ્યાં દીકરીને ભાઈ હોય પણ દીકરી કરતા નાની ઉંમરનો હોય. મતલબ કે ભાઈ એટલો નાનો હોય કે જે લગ્નની જવાબદારી ઉપાડી શકે તેમ ના હોય એવી દીકરીઓને ત્રીજા રાઉન્ડમાં પસંદ કરવામાં આવી. આમ કૂલ મળીને 251 દીકરીઓના એકસાથે લગ્ન થશે.
આ લગ્ન પાછળ અને લગ્ન પછીની બીજી જવાબદારીઓ નિભાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે અને શ્રી મહેશભાઈ હસતા હસતા આ બધો જ ખર્ચો ઉપાડી લે છે. કમાતા તો ઘણા હોય પણ યોગ્ય માર્ગે વાપરવાનું બહુ ઓછાને આવડતું હોય છે.
સૌજન્ય – શૈલેષ સગપરિયા