દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. આ મહારાત્રિ એ નિરાકાર ગણાતા શિવજીએ માનવસ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પદ્યરામણી કરી. એટલે જ તો શિવરાત્રિનું મહાપર્વ એ જીવ અને શિવનાં મહામિલનનું પ્રતિક ગણાયું છે.
મહામાસની કૃષ્ણપક્ષની ચૌદશની શિવરાત્રિ, ભગવાન શિવજી ને ખૂબ જ પ્રિય છે. જેનો શિવતત્વ સાથે ગાઢ સંબંધ સંકળાયેલો છે. આવી આ મહાશિવરાત્રિ એટલે વ્યષ્ટિમાંથી સમાષ્ટિમાં, જીવત્વમાંથી શિવત્વમાં પ્રેરણા આપનાર શુભદિવસ. જેનો અંતિમ ઉદ્દેશ, જીવતરની એક એક ક્ષણને શિવત્વયુક્ત કરવાની છે.
શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે સદીઓથી આ દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. શિવ જો જ્ઞાાન સ્વરૃપ હોય તો શક્તિ એ ક્રિયા સ્વરૃપ છે. એક માં જો એ મૂળ તત્વ હોય તો. બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એકબીજ છે, તો બીજું ધારણ કરનાર ધારક છે. એજ રીતે માનવ સંસ્કૃતિનાં પણ બે અલગ જીવ છે, પુરૃષ અને સ્ત્રી. જેમનાં સર્વોચ્ચ સ્વરૃપ શિવ અને શક્તિ ગણાયા છે. એકબીજાનાં પુરક, છતાં એક બીજા વગર કેટલા અધુરા ?
ભગવાન શિવજીનાં અગણિત રૃપો છે. તેનું અનાદિ અને નિરાકાર રૃપ એટલે શિવલિંગ, જે માનવ આકૃતિમાં નથી. શિવજીનાં પ્રાક્ટય સમય રાત્રિનો છે, જે મહાશિવરાત્રિ કહેવાયી. આ પર્વ એટલે પરમાત્મામાં થયેલા શિવનાં દિવ્ય અવતારનું પાવન પર્વ.
શિવજી ભગવાનનાં નિર્ગુણ અને નિરાકાર સ્વરૃપ સમજવા જિજ્ઞાાસુઓએ ‘શ્વેતશ્વેતર ઉપનિષદ’ નો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ, જેમાં શ્લોક ૩/૨૦ માં શિવજીનાં અતિ સૂક્ષ્મથી લઈને મહાનતમ સ્વરૃપનું રસ દર્શન કરાવતાં ઋષિ કહે છે,
શિવજી અણુથી પણ સૂક્ષ્મ અને પર્વતથી વધારે મહાન છે, તેઓ દરેક જીવની હૃદય ગુહામાં વાસ કરે છે. અણુ એ અણુમાં રહેલા વ્યાપક ચૈતન્યનું દ્વિતિય નામ છે, શિવ. જીવ આત્મા છે, તો શિવ પરમાત્મા છે.
બન્નેનું મિલન એજ મુક્તિ છે, જે ભક્તિની શક્તિ છે. વેદોમાં પણ ભગવાન શિવજીની રૃદ્ર તરીકે ખૂબ સ્તુતિ કરવામાં આવી છે. તો યજુર્વેદમાં તે અષ્ટાધ્યાયી રૃદ્રી જ છે. જેમાં જણાવાયું છે કે શિવજી ભગવાન માટીનાં કણથી માંડીને આકાશમાં નાં મેધરાજા સુધી વ્યાપ્ત છે. તેનાં દર્શનમાત્રથી જાણે સમગ્ર વિશ્વ એક દિવ્યતાંતણે બંધાયેલું હોય તેવું લાગે છે.
‘સર્વમ શિવમય્મ જગત !’
‘શિવરહસ્ય, શિવજ્ઞાાન પ્રચારક,
શિવહી પરમપ્રિય લોકો દ્વારક !
શિવત્ત્વ રહસ્યમય છે, જ્ઞાાન પ્રચારક છે, પૃથ્વી લોકના સર્વને પ્રિય છે, તો તે ઉદ્વારક પણ છે. એવા ભોળાનાથ શિવશંભુને જગદ્ગુરુ શંકારાચાર્ય વંદન કરતાં કહે છે,
‘પ્રભુ પ્રાણનાથં, પ્રભુ વિશ્વનાથં, જગન્નાથ સદાનંદ ભાજ,
ભવેદભવ્ય ભૂતેશ્વર ભૂતનાથ, શિવશંકર શંભુ મિશાનમિડે.’
ઔમ નમ: શિવાય
શિવરાત્રીએ સદા શિવની આરાધના, ભક્તિ તથા ઉપાસના કરીને ભક્તો ધન્ય બને છે. જુનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે. નાગા-બાવાઓનું સરઘસ નીકળે છે તથા બાવાઓ મૃગીકુંડમાં સ્નાન કરે છે.
ગુજરાતમાં સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે પણ આદિવાસીઓનો મેળો ભરાય છે જે આકર્ષણનું કેન્દ્ર હોય છે.
શિવરાત્રીએ વહેલી સવારથી જ ભક્તો શિવમંદિરોમાં ઉમટી પડે છે. જલધારા, દુધનો અભિષેક, તલ મગ તથા ધાન્ય, બીલ્વફળ તથા ગંગાજળથી શિવજીની મહાપુજા કરવામાં આવે છે. શિવપુજનથી લોકોની આધિ, વ્યાધિ અને ઉપાધિ શાંત થાય છે. શિવરાત્રીમાં કરેલ શિવપુજનથી ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીની પુજાનું ફળ પણ અધિક મળે છે. વળી શિવરાત્રીમાં સ્ફટિકનાં શિવલીંગની પુજા કરવાથી ભક્તોનાં બધાં પાપો બળીને ભસ્મ થઈ જાય છે.
શિવપુજનથી સઘળી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઘણા ભક્તો શિવરાત્રીએ ભોજન કરતા નથી અને એકટાણું કે ફળાહાળ જ કરે છે. શિવજી ઉપર અભિષેક કરવાથી માનસિક શાંતિ મળે છે. કુવિચારો દુર થાય છે તથા મનના પરિતાપો નાશ પામે છે. ત્રણપાનવાળું બીલ્વપત્ર શિવજીને ચઢાવવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.