આજે દેશમાં અને ગુજરાતમાં પરિવર્તનનો પવન સૂસવાટા નાખતો ફૂંકાઈ રહ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે સંયુક્ત કુટુંબો કડડભૂસ થવા માંડયા છે. વૃદ્ધાશ્રમો ઘરડાં મા-બાપના આશ્રયસ્થાનો બનવા માંડયા છે. લાગણી, પ્રેમ, સંસ્કાર અને સંસ્કૃતિ ગઈકાલની વાત બની રહ્યા છે ત્યારે ડુંગરી ગરાસિયા, અભણ આદિવાસી યુવાન દંપતીની આ હૃદયંગમ લોકવારતા બુટ, બૈરી ને બાલને સાચવનારા આજના યુવાનોને પથદર્શક અને પ્રેરક બની રહે તેવી છે. વિદેશી સન્નારી શ્રી મરિયા શ્રેસે ‘ડુંગરી ગરાસિયા લોકકથાઓ‘માં તે સંપાદિત કરી છે અને સ્લોવેનિયન ભાષામાં તેનો અનુવાદ કર્યો છે.
જૂના જમાનામાં રાજા ભાનુ આદિવાસીઓ ઉપર એકચક્રી રાજ્ય કરતો હતો. તેના ગમે તેવા આદેશને પણ પડકારવાની કોઈની હિંમત નહોતી. ભૂતકાળમાં તેના પિતાએ રાજા ભાનુ સાથે ક્રૂર વર્તાવ કર્યો હોવાને કારણે રાજાએ હૂકમ આપ્યો હતો કે, અમુક ચોક્કસ ઉંમર પછીના ઘરડાં મા-બાપને તેમનાં સંતાનોએ જંગલમાં લઈ જવાં અને મરવા માટે તેમને ત્યાં છોડી દેવાં. ઘણાં વરસો સુધી આ પ્રમાણે ચાલતું રહ્યું. એ હુકમને કોઈએ ઉથાપ્યો નહીં. એ ઉપરાંત કેટલાંક લોભી દીકરા- દીકરીઓ તો છાને ખૂણે એવું ઇચ્છતાં કે રાજાની આજ્ઞાાનું પાલન થાય જેથી તેમને ઝટ મા-બાપની મિલકત મળી જાય.
સાબરકાંઠાના ડુંગરી ગરાસિયા જાતિના એક યુવાન સૂર્યને એમ લાગ્યું કે પિતા ઘરડા અને અસહાય થઈ રહ્યા હતા. તેણે પિતાને કહ્યું, ‘પિતાજી, તમારો સમય આવી પુગ્યો છે. રાજાના હુકમ પ્રમાણે હવે હું તમને આવતીકાલે પર્વતની પેલે પારના જંગલમાં મૂકી આવીશ.’
વૃદ્ધ લાચાર પિતાએ પુત્રની એ વાતનો કોઈ ઉત્તર ન આપ્યો. બીજા દિવસે સવારે યુવાન સૂર્યે પોતાના પિતાને પોતાના ખભા પર બેસાડયા અને તેમને પહાડીની પેલે પારના, દૂરના જંગલમાં લઈ ગયો, કારણ કે તે એક શક્તિશાળી યુવાન હતો. છેવટે તે બંને એક ખુલ્લી જગ્યાએ એક મોટા ખડક પાસે પહોંચ્યા તયારે સૂર્યે પિતાને ત્યાં બેસાડયા અને તેમની વિદાય લીધી ત્યારે વૃદ્ધે કહ્યું ઃ
‘મારા દીકરા, માર્ગ ઘણો લાંબો અને ઘનદાર જંગલમાંથી તારે પસાર થવાનું છે. એક ઇશ્વર જ જાણે છે કે અહીં હું કેટલો સમય રહીશ, હું તરસ્યો થાઉં ત્યારે પી શકું એવો વિચાર કરીને તું મારા માટે પાણીનું એક માટલું ન લાવી શક્યો હોત ?’
પોતે આવું નહોતું કર્યું તેનો ખ્યાલ આવતા સૂર્યને પોતાની જાત ઉપર શરમ આવી. કારણ કે અન્યને બીજું કશું ન આપી શકાય તો છેવટે પાણી તો પાવું જ એવો આદિવાસીઓનો શિરસ્તો હતો.
‘માફ કરજો પિતાજી ! હું પાણી લાવવાનું ભૂલી ગયો, પણ કાલે સવારે હું જરૃર આવીશ અને તમારા માટે પાણી લાવીશ.’ સૂર્યએ પિતાને કહ્યું.
પિતાને આવો ઉત્તર આપતાંની સાથે જ સૂર્યને ઊંડુ દુઃખ લાગ્યું કે પાણીની એક માટલી સુધ્ધાં પિતાને આપ્યા વગર હું તેમને અહીં એકાંત જંગલમાં છોડી જાઉં છું એવું ખરાબ વર્તન હું મારા પિતા સાથે કરી જ કેવી રીતે શકું ? સૂર્યને થયું, પણ પછી તરત જ રાજાનો હુકમ યાદ આવ્યો. તેથી સૂર્ય પાછો ગુંચવાયો ઃ ‘હું કાલે મારા પિતા માટે પાણી લાવીશ.’ સૂર્યે પોતાની જાતને વચન આપ્યું, ‘ને આમે પાણી ન આપવા અંગે રાજાએ કોઈ હુકમ નથી કર્યો.’
બીજી વહેલી સવારે સૂર્ય જે ખડક પાસે ગઈકાલે પિતાને છોડયા હતા ત્યાં જઈ પહોંચ્યો. પિતાએ આભારવશ થઈ પુત્રના હાથે પાણી પીધું તે પછી જેવી સૂર્યે પિતાને ત્યાં છોડી જવાની તૈયારી કરી ત્યારે પિતાએ ગળગળા સાદે કહ્યું ઃ ‘દીકરા, ગઈકાલે આખો દિવસ અને રાત તું મને એકલો છોડી ગયો. તેં તો મને સાવ ટાઢ- તડકા અને હિંસક પશુઓની દયા પર જ છોડી દીધો હતો. મને લાગે છે કે તારા હૃદયમાં લાગણી, પ્રેમ જેવું કંઈ યે નથી, મારું હૃદય કહે છે કે તું પ્રેમ ભાવનાવાળો છું તેથી સવારે મારા માટે પાણી લઈ આવ્યો. જો સાંભળ, મારા જીવનનો હવે લગભગ અંત આવી રહ્યો છે, જ્યારે તું યુવાનીના ઉંબરે ઊભો છું. જીવનની મૃત્યુ તરફની ગતિ તેજ હોય છે, એટલે આજે હું જ્યાં છું ત્યાં આવતીકાલે તું ઊભો હોઈશ. શું તારો પુત્ર પણ તને અહીં લાવી આ જંગલમાં મારવા માટે છોડી જશે ? જેમ તેં મને છોડી દીધો છે ?’
પિતાના શબ્દો સૂર્યને હાડોહાડ લાગી ગયા. એને ખૂબ લાગી આવ્યું. તેણે પોતાની જાતને ઉદ્દેશીને કહ્યું ઃ ‘મારા પિતા સાચું જ કહે છે પછી ભલે ને અત્યારની ઘડીએ ઘણી ખરાબ સ્થિતિમાં હોય આટલા વર્ષો દરમિયાન તેમણે મને જતન કરીને જાળવ્યો છે. હું નાનો હતો ત્યારે મને કેટલા બધા લાડ લડાવ્યા છે ? મારી કેટલી કાળજી રાખી છે. મારું કેવું લાલનપાલન કર્યું છે ! હું તો તેમને કોઈ ઉપયોગી તો થયો જ નહોતો. હું જ્યારે મોટો થયો ત્યારે પિતાએ જ મને શિકાર કરતા શીખવ્યું. ખેતરમાં હળ કેવી રીતે હાંકવું, ડાંગર અને ઘઉંના પાકની કેવી કાળજી રાખવી તે હું એમની પાસેથી શીખ્યો, મને રંગેચંગે પરણાવ્યો.’
આ વિચાર આવતા સૂર્યે કહ્યું, ‘પિતાજી ! આપનો મારા ઉપર ઘણો મોટો ઉપકાર છે, તેનો બદલો તો હું આખા ભવમાંય વાળી શકું એમ નથી. તમે જાણો છો કે, રાજાની આજ્ઞાાને કોઈ ઉથાપી શકે તેમ નથી. રાજાનો હુકમ છે કે જેમની જરૃરિયાત ન હોય એવા ઘરડાંઠઠ મા-બાપને જંગલમાં છોડી મૂકવા જેથી તેઓ તેમના અંતિમ દિવસો વૃક્ષ અને જંગલી પશુઓની વચ્ચે ગુજારી શકે.’
ત્યારે પિતાએ સૂર્યને એટલું જ કહ્યું ઃ ‘દીકરા ! તારા જન્મ માટે મેં રાજાની પરવાનગી નહોતી માગી, તારા લગ્ન કરવા માટે હું રાજાને પૂછવા નહોતો ગયો.’
આ સાંભળીને સૂર્યને ઘણાં વરસો પૂર્વે પત્ની માયા સાથે લગ્ન થયાં હતાં તે ઘટના યાદ આવી. તેના ચહેરા પર સ્મિત ફરકી ઊઠયું. ગામમાં ભરાતા મેળામાં તે અનેકવાર માયાને મળ્યો હતો. માયા તંદુરસ્ત અને આનંદી હતી. સૂર્યને હંમેશા માયાનું સ્મિત યાદ આવતું. થોડા જ દિવસોમાં તેને ખ્યાલ આવ્યો કે તે માયાના પ્રેમમાં હતો.
તેણે પોતાના પિતાને માયા વિશે કહ્યું પિતાએ એક ‘મુરતિયા’ને માયાનાં માતાપિતા પાસે મોકલ્યો જેથી યુવાન સૂર્ય સાથે માયાના લગ્નની કરાવી આપવા તેઓ સંમત હતા કે નહીં તે જાણી શકાય, પણ માયાના માતાપિતા સૂર્ય સાથે દિકરીનાં લગ્ન માટે તૈયાર નહોતા. કારણ કે તેમણે સાંભળ્યું હતું કે, સૂર્ય દારૃડિયો હતો. તેથી તેમણે આ સગપણનો વિરોધ કર્યો. તેમણે માયા પર સૂર્યને મળવાની મનાઈ ફરમાવી. એ કારણે બંને યુવાન હૈયાં દુઃખી થયા અને વિરહમાં ઝૂરવા લાગ્યાં. એ પરિસ્થિતિમાં સૂર્યના પિતાએ માયાના પિતાને શાંતિથી સમજાવ્યા હતા કે સૂર્ય જરા પણ દારૃડિયો નહોતો. તેમણે માયાના હાથ માટે તેનાં માતાપિતાને મોટું દાપું આપવાની તૈયારી બતાવી. તે પછી સૂર્ય અને માયાને ત્રણ સંતાનો થયા હતાં. આ બધાં વિચારો ખૂબ ઝડપભેર સૂર્યના મનને ઘમરોળી ગયા. માયા સાથેના લગ્નનો તેના જીવનનો સૌથી આનંદજનક નિર્ણય લેવામાં અને તેને પાર પાડવામાં જેણે સૌથી વધુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે પોતાના પિતાને સૂર્ય જોઈ રહ્યો.
તે રાત્રે સૂર્ય જરા પણ ઊંઘી શક્યો નહીં. બાજુમાં સૂતેલી માયાને જગાડીને તેણે કહ્યું ઃ ‘મારા પિતા, બાપુ સાથે મેં જે કંઈ કર્યું એનો મને ભારોભાર રંજ છે. મારી નિંદર વેરણ થઈ ગઈ છે.’
‘તારા પિતા તો ભગવાનના માણસ છે. તેમને આ રીતે દુઃખી થઈને મરવા છોડી દેવાય તે કોઈ પણ રીતે યોગ્ય નથી.’ માયાએ કહ્યું ને પછી ઉમેર્યું, ‘ભલેને રાજા ગમે તેવા હુકમ કરે.’
‘હું યુવાન હતો ત્યારે મારા પિતાએ મારા માટે શું શું કર્યું તેનો મેં પૂરેપૂરો વિચાર કર્યો એટલું જ નહીં તારા માતાપિતા આપણાં લગ્નની વિરુદ્ધ હતા અને મારી સાથે તું સંબંધ ન રાખે એવું ઇચ્છતા હતા. ત્યારે આપણે બંનેને કેવી રીતે એક કર્યા તે હું ભૂલ્યો નથી.’ સૂર્યએ કહ્યું. પિતાને આ રીતે યાદ કરતાં જ તેના અંતરમાં ઉમળકો જાગ્યો. તેણે કહ્યું ઃ ‘જો સાંભળ, આપણે એમને જંગલમાં છોડી દીધા છે તેમ છતાં આપણે તેમની કાળજી તો લઈ શકીએ ને ?’
‘બાપુને કશી ઉણપ ન વર્તાય તે બધું જ આપણે કરીએ.’ માયા બોલી.સૂર્યે અંધકારમાં પત્નીને ચૂમી લીધી અને કહ્યું ઃ ‘દર વખતની જેમ તારી પાસે મારા કરતા વધુ સારી યોજના છે.’
બીજે દિવસે સવારે માયા અને સૂર્ય ખાણીપીણીની ચીજો અને કપડાં વગેરે લઈ પિતા પાસે જઈ પહોંચ્યા. માયાએ વૃદ્ધ બાપુને કાળજીપૂર્વક નવરાવ્યા અને જમાડયા તે દરમ્યાન સૂર્યે તે રહેતા હતા ત્યાંના નાના વૃક્ષો અને મોટાં વૃક્ષોની ડાળીઓ કાપી લાવી નાનું સરખું ઝૂંપડું તૈયાર કરી નાખ્યું. ઝૂંપડું સલામત અને આરામદાયક હતું. બપોર થાય અને સૂર્ય માથા પર તડકો વેરે ત્યારે વૃદ્ધ ઝૂંપડામાં રહી શકે અને રાત્રિના સમયે તે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવી શકે તેમ હતું. તે પછી રોજેરોજ માયા, સૂર્ય કે તેના સંતાનોમાંથી કોઈને કોઈ વૃદ્ધ પિતાજીને મળવા જતાં અને તેમની સાથે વાતો કરતું. થોડા વખત પછી અન્ય લોકોને આ વિશે જાણ થઈ. તેમણે પણ તેમના માતાપિતા માટે એવી વ્યવસ્થા કરી. રાજા ભાનુને જ્યારે ખબર પડી કે સાબરકાંઠાના જંગલમાં વૃદ્ધ વ્યક્તિઓની સંભાળ લેવામાં આવતી હતી ત્યારે એ ગુસ્સે થઈને બરાડી ઊઠયો ઃ ‘મારા વટહુકમનો અનાદર કરે છે ?’
જે આદિવાસીઓએ પોતાના વટહુકમનો અનાદર કર્યો હતો તે બધાને પકડી લાવવા રાજાએ સૈનિકોને મોકલ્યા. સૂર્ય અને માયાને પકડીને સૈનિકો રાજાના મહેલમાં લઈ આવ્યા. રાજા ભાનુએ બંનેને પૂછ્યું ઃ ‘વૃદ્ધ માણસોને જંગલમાં મૂકી આવવાનું મેં ફરમાન કર્યું છે. મારા હુકમનો તમે કેમ અનાદર કરો છો ?’
‘અમે મારા પિતાને જંગલમાં છોડી આવ્યા છીએ.’ સૂર્ય બોલ્યો.
‘પણ તમે તેમને ત્યાં રેઢા નથી દીધા. તમે એમને મળવા જાઓ છો. તેમની કાળજી રાખી, સેવાચાકરી કરો છો.’
‘માતાપિતાની સંભાળ લેવી એ ઇશ્વરની સંભાળ લેવા સમાન છે. એમ આપણો ધર્મ કહે છે તેથી અમે અમારા પિતાની દેખભાળ કરીએ છીએ.’ સૂર્યે અભિમાનપૂર્વક કહ્યું.
‘અમે અમારો ધર્મ પાળીએ છીએ અને બધાએ તેમ કરવું જોઈએ, રાજાએ પણ.’ માયાએ ઉમેર્યું.
આ દલીલનો શો ઉત્તર આપવો એ રાજા ભાનુને સમજાયું નહીં. બે આદિવાસીઓ સૂર્ય અને માયાએ પોતાની ચતુરાઈથી રાજાને હરાવી દીધો હતો. એક તરફ તેમણે રાજાના હુકમનું પાલન કર્યું હતું તો બીજી તરફ માતાપિતાની સંભાળ રાખવાની બાબતને તેમણે એક નવો આયામ આપ્યો હતો. ઘરમાં નહીં તો જંગલમાં જઈને ઘરથી દૂર તેમણે પિતાની કાળજી લીધી હતી. રાજાને સમજાયું કે સૂર્ય અને માયાનો આ નવો વિચાર ઘણા ગ્રામવાસીઓને આકર્ષી ગયો હતો અને હવે તેમને રોકવામાં આવે તો રાજા ખુદ પ્રજામાં અળખામણા બને તેમ હતું.
રાજાએ સિંહાસન પરથી ઊભા થઈ સૂર્ય અને માયાને કહયું ઃ ‘તમે ખૂબ સારું કામ કર્યું છે, કારણ કે માતાપિતાની સંભાળ ખરેખર ઇશ્વરને માન આપવા સમાન છે. હવે જે પછી જે લોકો માતાપિતાને જંગલમાં મૂકી આવે તેમણે જંગલમાં તેમને રહેવા માટે ત્યાં ઘર બનાવી આપવું પડશે.’
આમ, સીધા-સાદા, અભણ આદિવાસી પતિ-પત્ની સૂર્ય અને માયાએ રાજાનો મુકાબલો કર્યો માતાપિતાની કાળજી લેવામાં તેણે સંતાનોને એક નવો જ માર્ગ ચીંધ્યો.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..