વણઝારાની વણઝાર નજરે પડે ને લાખો વણઝારો યાદ આવી જાય. લાખો એટલે એ વેળાનો લાખેણો માનવી. માથે લેરિયા ભાતની આંટાલી પાઘડી, ડોકમાં સોનાની હાંસડી ને વળી જાતભાતના નકશીકામ કરેલ ચાંદીના પતરાનો હારડો : મોરલા, પોઠીયા ને ઝાડવા ચિતરેલી કેડ સુધી ઝુલતી ડગલી : ગોઠણ સુધી પહોચતું ધોતિયું : પગમાં ચમચમ કરતી મોજડી : હાથમાં કડીઆળી ડાંગ: લાખો ધીંગો અને મજબુત : પહોળો અને પહોંચતો આદમી : જે જે પંથમાં વણઝારા પહોંચેલા તે તે પંથકમાં લાખાનું ઉજળું નામ બોલાતું.
લાખાના નામ માત્રથી કામ ઉકલી જાય તેવી ઉજળી એની કીર્તિ વ્યાપેલી. લાખા પાસે પૈસાની રેલમછેલ હતી. લાખો એટલે પૈસાનું મોટું ઝાડવું, એને ખંખેરો તોય નેઠે નહીં એવું !
મોટી મોટી અનેક વણઝારોના કાફલાનો એ માલિક હતો. એનો એક એક કાફલો જાણે એક નાનકડું ગામડું જ જોઈ લો. લાખાના આવા તો અનેક ગામડા દેશ વિદેશમાં ઘુમતા નજરે પડતા. લાખાના માથે કીર્તિની કલગી રૂડી પેરે શોભતી હતી. આંબો મહોરીને ફળ બેસતા લચી પડે એમ લાખાની પાસે સમૃદ્ધિ વધતાં એ વધુ નમ્ર ને ઉદાર બનતો, એણે ઠેક ઠેકાણે કુવા ને વાવો ગળાવી, મૂંગા પશુતોની સેવા એના લોહીમાં વણાઈ ગયેલી. પશુઓને પોતાના જીવથી પણ વાલેરા કરી જાળવતો. જાનવરોને દુ:ખ પડે તો એનો જીવ કળીની માફક વિલાઈ જતો !!
લાખો એના પોઠિયાઓને પ્રેમથી જાળવતો, એવીજ પેરે કૂતરા પણ સાચવતો. વણઝારાઓને રાનોરાન ભટકવાનું પછી કૂતરા તો સાથે રાખવા જ પડે ને ? લાખાએ કૂતરા હારે પાકા ગાઠિપણા કરેલા ! એણે ભાતભાતના કુતરા પાળેલા. એમાં ‘કિલવો’ એને વિશેષ ગમતો. એના પ્રત્યે અદકેરું વહાલ, નાનપણથી એને ઉછેરીને લાખાએ મોટો કરેલો; વળી ‘કિલવા’ની ચાલાકી ને વફાદારી, લાખાના મનને હરી લીધેલું.
લાખાના ઉજળા દિવસો માંથે વાદળાં ઘેરાણા, લાખાનો સુરજ મધ્યાને તપતો તે હવે આથમતો દેખાવા માંડ્યો, એના વેપારમાં મોટી ખોટ આવી. કુદરતને હસતાં ય વાર નહીં ને રુઠતાં ય વાર, નહીં !
લાખાની વણઝારોના કાફલા વેચાયા. મોંધું ઝવેરાત વેંચાણુ. કોટની હોંસડી અને કાનના ઝુમ્મર શુદ્ધાં વેચાણું !! એક વખતનો અમીર આજે ગરીબ બન્યો. અન્ન દાંતથી દૂર રહે એવી વસમી વેળા લાખાને માથે ધેરાણી, ચોતરફથી દુઃખનાં વાદળો ઘેરાયા, પણ લાખો હિંમત હારે તો લાખો કહેવાય નહીં. દુઃખમાં ભાગી પડે તે બીજા, લાખો નહીં. આ તો મોટી સમતા (ધીરજ) વાળો પુરુષ હતો, એની વણઝારને તો ઘૂમતી જ રાખે.
વણઝાર હાંકીને ફરતો ફરતો ચંદાવતી ગામને પાદરે આવ્યો. સાંજે વાળુપાણી કરવા બેઠો ને કિલવો યાદ આવ્યો. ત્યાં અધુરામાં પૂરું એના પોઠિયાઓમાં ગળસુંઢો પડ્યો. પોઠિયા ટપોટપો પગ ઘસીને મરવા લાગ્યા. લાખા પાસે ખરચી ખૂટેલી, પોઠિયાની દવાદારૂના પૈસા ક્યાંથી કાઢવા ? લાખો કોઈની પાસે હાથ લાંબો કરતાં તો શીખેલો નહીં, આ મુંગા જાનવરોને પગ ઘસીને કાંઈ મરવા દેવાય પણ ખરાં ? એ પાસેના નગરમાં જઈ પૈસા ટકાની ગોઠવણ કરવા વિચારવા માંડ્યો.
દેશવિદેશના નાના મોટા નગરોના નગરશેઠ સાથે લાખાએ ધરોબો કેળવેલો, એ ઘરોબાને નાંણી જોવા માટે ઉઠ્યો. લાખાએ પડખેના નગર સિદ્ધપુરના નગરશેઠના ઘરની વાટ પકડી.
લાખાને આવતો જોઈને નગરશેઠ ગાદીએથી ઉભા થઈ ગયા. ઉઘાડે પગે દોડીને લાખાને ભેટ્યા. ખબર અંતર પૂછયા. કહુંબાપાણી કર્યા. છતાં લાખાનો જીવ મુંઝાતો હતો ?
કેમ કરીને પૈસા માગવા.
માનું કે ન માગું.
શેઠને કેવા શબ્દોમાં સમજાવું.
અંતે સમય પારખુ લાખાએ કચવાતે જીવે પૈસાની માગણી મૂકી. નગરશેઠ લાખાની મુંઝવણ પામી ગયા ને બોલ્યા :
‘તમ જેવાનું કામ નહીં કરીએ તો કોનું કરીશું ?’
શેઠે પૈસા આપ્યા તોયે લાખાના મનમાં વેદના હતી. આ પૈસાના બદલામાં શેઠને શું આપું ? મૂછનો વાળ આપું કે પછી…..ના.. ..ના. . ..ના ‘મૂછનો વાળ તો શેઠની તિજેરીમાં પડ્યો રહેશે. શેઠને કશાય ખપમાં નહીં આવે. તો કિલવો આપું ? કિલવો શેઠના કામમાં પણ આવશે. મારો વહાલસોયો કિલોવો ! આપું તો ?”
લાખો વધુ મુંઝાણો. એનો જીવ કપાતો હતો. પણ હૈયાને કાઠું કરતાં બોલ્યો :
“તોરા ભેળો આ કિલવો દીધો, તોરા ખપમાં આવેરો, થોરે દિ મેં તેરો પૈહો દઈ જાયે ને મોરો કિલવો લઈ જાવેરો.”
“તમ તમારે પૈસા લઈ જાવ, જયારે તમારી પાસે સગવડ થાય ત્યારે પરત કરજો, તમારું કામ કરવું એ તો અમારા અહોભાગ લેખાય; લાખા ! તમ તારે આ કિલવાને લઈ જાવ, મારે પૈસા સામે કાંઈ જોઈતું નથી.’ લાખાની સામે જોતાં શેઠ બોલ્યા.
લાખો આપ્યા વિના લે ખરો ?
‘તોરા ભેળો આ કિલવો દીધો.’ એમ બોલી લાખાએ કિલવાની પીઠ પર હાથ ફેરવ્યો. આંખોમાંથી બોર જેવડાં આંસુ ખેરવી લાખાએ શેઠને રામરામ કર્યા. પોતાના કાફલાની વાટે ચાલી નીકળ્યો.
આખી વાટ લાખો મુંઝાણો. મારગનાં ઝાડવાંએ એને દુઃખી દેખાણાં, કિલવાના વિજોગે એને બેબાકળો બનાવી દીધો. અડધો મારગ કપાણો હશે ત્યાં એના દિલમાં શેઠને ઘેર જઈ કિલવાને પાછા લઇ આવવાના ઓરતા જાગ્યા. આખરે લાખો વણઝારમાં આવ્યો. સાંજે વાળુપાણી કરવા બેઠો ને કિલવો યાદ આવ્યો.પણ વચન ફોક થોડું કરાય? આતો લાખનું વેણ એમ ગણગણતો બેસી રહ્યો.
નગરશેઠના ઘરે ધોમ ધોમ સાયબી, શેઠનો જીવ થોડો પાતળો, પાતળા જીવે જ શેઠ થવાય! એવી શેઠના મનમાં ગાંઠ વળી ગયેલી. શરૂઆતના દહાડામાં કિલવ તરફ શેઠ ઝાઝું ધ્યાન ન આપતા. માનવી કરતા પણ ભારે સમજણવાળો કિલવો દાહડા જતા શેઠને ગમવા લાગ્યો. દિવસે કિલવો નગરશેઠની દુકાને બેસતો તો રાતે નગરશેઠનું ઘર સાચવતો. કિલવાની આ વફાદારી ભાળીને નગરશેઠે મુનીમને પૂછ્યું:
“આપણો આ કિલવો ભારે સમજુ છે.એની ચાલાકીનો કોઈ પાર નથી. એના માટે સોનાની સાંકળ બનાવીયે તો કેમ?”
“કિલવાને સોનાની સાંકળ?” આમ બોલી મુનીમ હસ્યાં.
“હા જ તો વળી ?”
“સોનાની સાંકળ બનાવાવથી કિલવાની સમજણ થોડી વધી જવાની છે ?”
“એ તો ઠીક પણ મારા મનમાં એમ થાય છે કે કિલવાને સોનાની સાંકળે બાંધું.”
“કિલવો તો લાખનો છે એ થોડો કાયમ માટે આપણી પાસે રહેવાનો છે.”
“મારા મનમાં કૂતરો વસી ગયો છે. લાખો કિલવાને લઇ જશે; સોનાની સાંકળ તો લઈ જવાનો નથી ને ! ”
““તો ઘડાવો ત્યારે ?”
શેઠે નોકરોને હુકમ દીવો :
“જાવ સોનીને કહો કિલવા માટે સોનાની સાંકળ ઘડી આપે ! ”
બે દિવસમાં તો કિલવા માટે સોનાની સાંકળ હાજર કરી. શેઠે કિલવાના ગળાના પટ્ટે સાંકળ ભરાવી, હરખાવા મંડ્યા. ઘરના સર્વે શેઠની કિલવા ભક્તિ જોઈને નવાઈ પામી ગયાં.
કિલવાના દુબળા દેહ ઉપર સોનાની સાંકળ સારી પેઠે શોભતી, કિલવાનો દેહ દુબળો પણ આખો બાજ જેવી તીણી, આખા શરીરનો વાન રાતો; અંધારે પણ ભાળે તેવી આંખો; કાન પટપટાવીને ઉંચા કરે ત્યારે સામે ઉભેલો માનવી ગભરાઈ જાય તેવો રૂઆબ : ચાર પગ સાવજની જેમ ખાંગા કરી દે ત્યારે રાશવા જમીન કુદી જાય તેવી તરાપ : કિલવાની નજરમાંથી કોઈ છટકી જ ન શકે. આવા કિલવાને શેઠ રાતદિ સાથે ને સાથે રાખે.
શેઠના ઉજળા દિવસો જોઈને કેટલાકને ઈર્ષા થતી, નગરના જ કેટલાક માણસોએ સાથે રહીને શેઠને ઘેર ખાતર પાડવાનું છટકુ ગોઠવ્યું. ખાતર તો પાડવું પણ એ રીતે પાડવું કે નગરશેઠના ઘરમાં કાંઈ ન રહે.
શેઠ પોતાની હવેલીએ સુતા છે. કિલવો તેમના પલંગ પાસે બેઠો બેઠો બારણા સામે જોયા કરે છે. આખું નગર સુમસામ પડ્યું છે. ઢોર, પોતાનો ઘાસચારો બંધ કરીને ઝોકે ચઢચાં, નગરમાં ચડ્યા પડ્યા કુતરાઓ સામસામે ભસી કંટાળીને જંપી ગયા છે. કાળી શાહી જેવી ! રાત નગર માથે પડી ગઈ. પાંચ-સાત ચોરોની ટોળકી આવી. ટોળી રાતને ચીરતી નગરશેઠની હવેલી પાસે પહોંચી. હવેલી પણ સુમસામ પડી છે. શેઠના નોકર ચાકર ને ચોકીદારો નીંદરમાં ઘેરાણા છે. જમ જેવા ચોરના પગલે એમની નીંદર વધારે જામી, નસકોરાં બોલાવતા ચોકીદારની પાસેથી જ આ ટોળકી હવેલીમાં પહોંચી !!
પહેલાં તો હવેલીની તિજોરી તોડીને રૂપિયા ને ઝવેરાત કાઢ્યું. કબાટોમાંથી દરદાગીના કાઢ્યા, સારાં સારાં વાસણો ઉપાડ્યાં. ચોર આ બધું ઉપાડીને લઈ તો કેવી રીતે જઈ શકે ? ચોરોએ પાસે આવેલા ખેતરમાં ખાડો કર્યો. તેમાં રૂપિયા ને ઝવેરાત નાખતા ખોડો નાનો પડવા માંડ્યો. સમાય તેટલું નાખીને ખાડો પૂરી દીધો. થોડે દૂર બીજો ખાડો કર્યો. તેમાં વધેલું ઝવેરાત ને વાસણ જમીનમાં ધરબીને ચોર નાસી ગયા, કિલવો દૂર ઊભો ઊભો ચોરોની આ રમત જોયા કરતો હતો, કિલવો હવેલીમાં આંટો મારી આવીને પાછો ખાડાની પાસે હાજર થયો, ત્યાં જ બેસી રહ્યો !
રાત વીતી ગઈ ! સુરજે પોતાના ઉજાસથી નગરને ભરી દીધું, હવેલીના નોકર ચાકર ઉઠ્યા, જુવે છે તો તિજોરી તૂટેલી, કબાટ ખુલા ને વાસણ પણ ન મળે !! નોકર ચાકર આ જોઈને હેબતાઈ ગયા, ચોકીદારને બોલાવ્યો. ચોકીદાર તો આ જોઈને ડધાઈ જ ગયો, શેઠને ઉઠાડ્યા. શેઠે આવીને આ બધું જોયું !! એમણે બધાને પૂછયું, કિલવો ક્યાં ? હવેલીમાં દોડાદોડ થવા માંડી. કિલવો ક્યાં ? કિલવો ક્યાં ? ની બૂમો પડવા માંડી, નોકરો સારીએ હવેલી જોઈ વળ્યાં. પણ કિલવો ક્યાંય દેખાતો નથી, ભાત ભાતની અટકળો થવા લાગી, કોઈ કહે, ‘કિલવાને પહેલાં ચોરોએ મારી નાખ્યો હશે; પછી ચોરી કરી હશે,’
તો વળી બીજો. કહે;
“એને ઝેરનો લાડુ ખવડાવી દીધો હશે. અહીં તઈ જુવો; ક્યાંક પડ્યો હશે.”
હવેલીમાં કિલવો ક્યાંની શોધ ચાલી રહી છે. તો આખાયે સિદ્ધપુરમાં નગરશેઠને ઘેર ચોરી થયાના વાવડ ફેલાઈ ગયા. જાતજાતની અટકળો થવા માંડી, લોકોનાં ટોળાં હવેલી માથે ઉમટ્યાં. કોઈક શેઠને દિલાસો આપવા માંડ્યાં, તો કોઈક કહેવા માંડ્યું;
“આપણા નગરમાંથી ચોરાયેલો માલ કોનો પાછો આવ્યો ? ‘હવે મન વાળેજ છૂટકો !”
“ગત અવસર નવ સાંપડે, ગયા ન વળે વહાણ” જેવું થયું.
આમ વાતનું વતેસર ચાલે છે. ત્યાં જ કિલવો દોડતો શેઠ પાસે આવ્યો. શેઠના પગ પાસે આવી, ધોતિયું પકડી ખેંચવા લાગ્યો, શેઠ વાત પામી ગયા. કિલવો શેઠનું ધોતિયું પકડીને આગળ ચાલે ને શેઠ કિલવાની પાછળ જાય. કિલવો શેઠને હવેલીની જગ્યા બહાર લાવ્યો, ચોરોએ જ્યાં ખાડો ખોદીને માલ સંતાડ્યો હતો ત્યાં જ કિલવો પગ વડે જમીન ખોદવા લાગ્યો. આ જોઈને શેઠે પાસે ઊભેલાઓને હુકમ કર્યો.
‘અહીં ખોદવા માંડો.’
ચાકરોએ ત્યાં ખોદવા માંડ્યું. તાજો જ ખાડો પૂરેલો હોઈ જમીન જટ ખોદાઈ ગઈ. ઝવેરાત ને વાસણ નીકળ્યાં. હવેલીએ ઉમટેલા માણસો કૂતરાને વખાણવા લાગ્યાં. શેઠે ચોરાયેલો બધો માલ ન જોયો. પાછા મુંઝાવા લાગ્યા. કિલવાએ ફરી શેઠનું ધોતિયું પકડ્યું. બીજા ખાડા પાસે લઈ ગયો. ત્યાં જઈને ભોં ખોતરવા માંડવો. જોકે ત્યાં ખોદાવ્યું. ચોરાયેલો બધો જ માલ શેઠને મળી ગયો ! શેઠ તો આનંદમાં ગરકાવ થયા. નગરના બધાયે લોકો કિલવાની વાહવાહ કરવા લાગ્યા. હવેલીમાં મોજની લહેર દોડવા લાગી. શેઠ કિલવાને લઈને પેઢીએ આવ્યા.
શેઠ ગાદીએ બેઠા કિલવાની સામે જોતા વિચારે ચડ્યા, “આ કિલવાએ મારું રખોપું કર્યું. મારું ધન બચાવ્યું તો લાખાને પણ કિલવાની ખપ હશે. આવા પરગજુની ખપ કોને ન હોય ? એને તો વળી વગડા વચ્ચે ભમવાનું ! આ કિલવાને પાછો એને ત્યાં મોકલી દઉં તો….?”
શેઠે સામે પડેલો ખડિયો ને દોત (લેખણ) હાથમાં લીધાં, પાસે પડેલી કાગળની ચબરખી ઉપર અક્ષરો તાણવા માંડથી, કાગળની ચબરખી કિલવાને ગળે ભરાવી, શેઠે કિલવાની પીઠે વહાલપનો હાથ ફેરવ્યો. શેઠ કિલવાની નજર સાથે આંખો મિલાવી બોલ્યા :
“કિલવા ! જા બાપ લાખા પાસે તેં તો મારો દિ ઉજાળ્યો, જા હવે લાખાના દિ ઉજાળ” આટલું બોલીને શેઠે કિલવાને વહેતો કર્યો.
નમતી સાંજ છે. પંખી ટેહ ટેહ કરતાં આ ઝાડવેથી પેલે ઝાડવે જાય છે. વગડો લીલીછમ પછેડો તાણીને સૂતો પડ્યો છે. કોઈ આળસું કણબી બળદોને ડચકારતા અંધારું થાય તે પહેલાં ઘર ભેગા થઈ રહ્યા છે, તો છેટેના કૂવા ઉપર કોસ ખેંચતા કણબી વરત ઉપર બેઠા બેઠા રામ ગાઈ રહ્યા છે. ”
” હે સોનાની શેંગડીએ ને રૂપાની ખરીઓ
ઉતાવળે હેંડો તો બાપા ગોળ લાડુ ખાઈશું?”
ખેડુ કોસ હાંક્યા કરે, આટલી ક્યારી પાઉ, આટલી પાઉં કરતો, બળદોને ડચકાર્યા કરે.
કુવાથી થોડે દૂર ચરા માથે લાખાનો પડાવ છે. વણઝારા ટોળે વળીને બેઠા બેઠા વાતોની રમેણે ચડ્યા છે. વાતોનો રસ છલકાય છે. અલકમલકની વાતો મંડાયા કરે છે. કૂતરા પુંછડી પટપટાવતા પાસે બેઠેલા છે. પોઠિયા ચરામાં અહીંતહી ઘૂમતા, એમની ખરીઓને ઠેબે ચડેલી ધૂળ સમી સાંજના ઉજાસમાં રાતીચોળ દેખાય છે. ત્યાં તો વણઝારાની પાસે બેઠેલા કુતરા ભસ્યા ! સામે આવતા કૂતરાને ભાળીને પૂંછડી પટપટાવવા લાગ્યા !! વણઝારા ઉભા થયા. આમ જોયું તો કિલવાને આવતો જોયો !! જેણે કૂતરાને આવતો જોયો એણે લાખાને સાદ પાડ્યો :
‘લાખા ! તારો કિલવો આવરો ! કિલવો આવરો !”
લાખો સડક કરતાંક ને ઊભો થયો; અને ચિત્ત ભ્રમ થયો હોય એમ દૂરથી આવતા કિલવાની સામે જોતો રહ્યો. મનમાં ફાળ પડી. કિલવાની સામે જોતાં હાથમાંની કડીઆળી ડાંગ ખભે નાંખીને તેની સામે દોડ્યો.
‘પાપી રો… ચંડાળ રો….
તોરે લાજ હેરો….ચંડાળ…..કરતો જાય ને આંખોનાં ભવાં ચઢાવે જાય, લાખાને દોડતો સામે આવતો જોઈને કિલવો વધુ વેગથી તેની સામે દોડ્યો. પોતાના હેતાળવા માલિક લાખાને મળી પગમાં આળોટવાના કોડ કિલવાના મનમાં છે. કિલવો જેવો લાખા પાસે આવ્યો કે તરત લાખાએ ડાંગ કિલવાને માથે ઝીંકી દીધી. આ તો વણઝારાનું નિશાન ! ખાલી જાય ? એક જ ધાએ કિલવાનું માથું નારિયેળના કાછલાની જેમ બે ભાગમાં નોંખુ કરી નાંખ્યું !
લાખો તરફડતા કિલવાની સામે જોઈ રહ્યો. થોડીવારમાં કિલવાના દેહના માથે વણઝારાઓનું ટોળું ખડકાઈ ગયું. લાખાની નજર કિલવાના ગળે બાંધેલ પટ્ટે નોંધાણી. પટ્ટા પર કાગળની ચબરખી દેખાણી. કિલવાના લોહીથી ભીંજાયેલી ચબરખી રાતીચોળ બનેલી. લાખાએ ગળેથી ચબરખી લઈને પડખેના ચંદાવતી ગામમાં ગયો. અક્ષરોના જાણતલને ચિઠ્ઠી બતાવી. લાખો સાંભળતો ગયો !
‘ભાઈ લાખા ! તારા કિલવાએ તો મારી લાજ રાખી, મારો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો છે. તું કિલવો અહીં મુકી ગયો તે કારણે તો હું આજ મોજમાં છું. ધન્ય છે લાખાને ! જેણે આવા વફાદાર કૂતરા પાળ્યા છે તેને ! હું તને મારા બંધનમાંથી મુક્ત કર છું. હું આપનો ઋણી થાઉં છું. આપની સેવાનો મોકો આપશો નગરશેઠના ઘણા માનથી રામરામ વાંચશો.”
ચબરખીના વેણેવેણે લાખાનો દેહ વિલાવા માંડ્યો, લાખાની આંખે જળજળીયાં આવ્યાં. એનો દેહ કંપવા માંડ્યો. બેશુદ્ધ બનીને પડ્યો.
લોકો એને ઉપાડીને વણઝારમાં મૂકવા આવ્યો. લાખો ભાનમાં આવ્યો ત્યારે તે વણઝારની વચ્ચે સૂતો હતો. કળ વળતાં જ એણે પોતાની પોઠો પરનો માલ નીચે નંખાવ્યા. પોઠો ઉપરના મીઠાનો મોટો ઢગલો કર્યો. કિલવો જ્યાં મરાણો હતો ત્યાં તેની યાદમાં કુતરા દેયડી (દેરી) બનાવી, દેરીથી થોડેક દૂર એક તળાવ ખોદાવ્યું. એ તળાવ આજે પણ ‘લુણહોર’ તરીકે ઓળખાય છે. કિલવાના મોતથી તે બેબાકળો બન્યો, લાખાના મનમાં હંમેશાં થયા કરતું કે : આ ભૂમિએ મને ભોળવ્યો છે. મેં ક્યારેય કોઈ જાનવરના માથે ડાંગ ઉપાડી નથી, એમની સેવા કરવામાં મને આનંદ આવતો. મારાથી આ શું થઇ ગયું !! આ જમીનનો જ પ્રતાપ છે. ચંડાળ ભૂમિને કારણે જ હું ભાન ભૂલ્યો. ચંડાળ ભૂમિને કારણે જ.’ એના હૈયામાંથી શ્રાપ ઉઠ્યો : લાખાના હૈયાનું વેણ હોઠે આવી ગયું :
‘લુણિયું તળાવ, પાપી ચરો,
૨ળો રળોને ભૂખે મરો.”
આ શ્રાપ સાંભળતાની સાથે જ પાસે ઉભેલો ખેડુ વર્ગ મુંઝાણો.
હવે શું થાય ? શરાપ નીકળી ચૂક્યો છે ! લોક મુંઝાણું, લાખાએ પોતાના પોઠિયા ને માલ બધું વેચી દીધું. તેનું ગરથ બનાવીને જમીનમાં ભંડારી સાધુઓની જભાત ભેગો ચાલ્યો ગયો,
તો આ બાજુ લાખાને જમાતમાં ચાલે ગયે ત્રણ ત્રણ વરસના વહાણાં વાઈ ગયાં. ભૂમિ પાણી વિના સૂકી ભાઠા જેવી પડી છે. વર્ષોવર્ષ દુકાળ પડે છે. ઢોરઢાંખર ઘાસ વિના વલખાં મારે છે. ખેડુઓ ઉપર આપત્તિ વરતાવા માંડી છે. જે સાલ વરસાદ વરસે એ સાલ પાક પર રોગ પડે છે. રવિમાં કોઈ ભલીવાર આવે નહીં. લોક ત્રાસી ગયું છે. ઘરડાબુઢાએ જુવાનડાઓને કહ્યું :
‘આ તો વણઝારિયો શરાપ ? કદી મિથ્યા ન જાય. આ ભૂમિ છોડે જ છૂટકો. જો આ ભૂમિ છોડી દેશો તો જ સુખી થાશો.’ ‘
લોકોએ ઘરવખરી ગાડે નાંખી, ઉચાળા ભરીને પંદર ગાઉ છેટેના (વિસનગર પાસેના) વાલમ ગામે આવ્યા. વાલમને પોતાનું નવું વતન બનાવીને રહેવા લાગ્યા, જે કણબી ચંદાવતી ગામેથી આવીને વાલમમાં વસ્યા છે તેઓ આજે પણ ‘ચંદાવતિયા’ કે ‘ચંદાવત’ તરીકે ઓળખાય છે.
લાખાએ કિલવાને ચંડાળ કહેલું તે પરથી કે લાખાએ ચંડાળ જેવું કામ કર્યું તે પરથી ચંદાવતી ગામનું નામ બદલાણું, ચંડાલજ થઈ ગયું !
[લાખાએ દાટેલા માલને શોધવા માટે આજે પણ અનેક વણઝારા અહીં આવે છે. કેટલાક જાણતલોના મતે લાખો કિલવાને મારીને સાધુની જમાત ભેળો નહીં પણ પોતાના વતન તરફ નીકળી ગયેલ. લાખાએ ધન દાટીને ઉભા કરેલા પાણા (પાળિયો), કુતરા દેરીની ઉત્તરે; પશ્ચિમથી પૂર્વે એક સીધી લીટીમાં એક કિલોમીટરના અંતર સુધી ઉભા છે. બધા પાણા (પાળિયા) વચ્ચે અંતર એકસરખું છે. કેટલાક લોભીઓએ ધન મેળવવાની લાલચે કુતરા દેરી ને આખી તોડી નાખી; નીચે કેડ સુધી ખાડો કરેલો છે !!]
લેખક:- અંબાલાલ પટેલ
સંદર્ભ :- સરસ્વતી ના કાંઠે
સાભાર:- વિરમદેવસિંહ પઢેરિયા