દોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલાં ગામડાંમાંનાં ઘણાખરા માત્ર નેસ જ હતા. તે પણ કેટલાંક તે બહુ નાના હતા. હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ ગામની સીમમાંથી કાપેલાં ૨૫-૩૦ હાથ લાંબા આડસર મળે છે.
ગોંડલ રેલ્વેના લુણીધાર સ્ટેશનેથી દક્ષિણે ત્રણેક માઈલ પર કોલડા ગામ છે. ત્યાં પ્રથમ માત્ર એક નાને નેસ હતો. ઢોરને પાણી પીવાની સગવડતાવાળું એક નાનું સરખું તળાવ હતું. તેની નજીકમાં આઠ-દસ માલધારી ચરણોનાં ઝૂંપડાં હતાં. એક ઝૂંપડામાં માલદાન, કોલવો અને બહેન સોમબાઈ એમ ત્રણ ભાંડરડાં રહેતાં હતાં. મા-બાપ છ એક વર્ષ પહેલાં ગુજરી ગયેલાં. તે વખતે માલદાનની ઉંમર બારેક વર્ષની, કોલવાની પાંચેક વર્ષની અને બહેન સોમબાઈની ઉંમર ત્રણેક વર્ષની હતી. આડોશી-પાડોશીની સંભાળ નીચે ત્રણે જણ મોટા થયાં. માલદાન અઢાર વર્ષની ઉંમરે પરણ્યો, પણ બાઈ જોઈએ તેવા સ્વભાવનાં નીવડ્યાં નહીં,
માલદાન પોતાના નાના ભાઈ–બહેન પર ખૂબ જ પ્રેમ રાખતો, પણ તેની પત્નીને તે ગમતું નહી’, ને છોકરાં પાસેથી જેમ બને તેમ વધારે કામ લેવામાં જ સમજતાં, માલદાન ઘેર આવે ત્યારે છોકરાંને આરામ મળે, ત્યારે જ કાંઈ વહાલના શબ્દો સાંભળે, વાત્સલ્ય પ્રેમનો અનુભવ ત્યારે જ થાય, પણ માલધારીના ધંધામાં માલદાનને ઘણો ખરો સમય તો બહાર જ રહેવાનું થાય. તેથી ઘણે ભાગે તે. કાલવાને અને સોમબાઈને ઘરનું બધું કામ કરવાનું અને ભાભીની કટ્ટુતા અનુભવવાનું જ મળતું. વરસ- વટોળે કોલવાને માંથે પાડરૂ ચરાવવાનું આવ્યું એ તેને ઠીક ગમતું.
પ્રથમથી જ તે બહુ શાંત સ્વભાવના હતા. છોકરાંની અમસ્થી રમતોમાં પણ ક્યારેક જ ભાગ લેતા. પૂર્વના યોગે રામકથા સાંભળવાનો ખૂબ શોખ હતો, કોઈ સાધુ બાવા આવી જતા તે તેની પાસે રામકથા સાંભળવા દોડતા, નેસમાં કોઈ રામાયણ ભણેલું આવ્યાની ખબર પડે કે તરત તેની પાસે જઈ શાન્ત થઈ તેની પાસે બેસે અને રામકથાનો પ્રસંગ નીકળે તે એક ચિત્તે સાંભળે.
નાનપણમાં તો આ માટે તેને ઠીક સમય મળતો, પણ ભાભી આવ્યા પછી તો તે બહુ મુશ્કેલ થઈ પડયું હતું, તેથી પાડરૂ ચારનાનું કામ મળ્યું ત્યારે ખૂબ ખુશી થયા. તળાવ કાંઠે જઈ બેસે. રામકથામાંથી સાંભળેલા પ્રસંગોનો વિચાર કર્યા કરે. પછી તો છોકરાં ભેગા થાય તેની પાસે પણ એ વાતો કહે. એટલેથી ન અટકતાં ધીમે ધીને કથા પ્રસંગોની રમત રમવા માંડી. છોકરાવને પણ એથી વિશેષ આકર્ષણ થતું અને આનંદ મળતો જોઈ દરજ એ રમત તેમણે રચવા માંડી. જુદા જુદા પ્રસંગ માટે તળાવના ગારામાંથી પૂતળાં બનાવી ખેલ કરે. વિશેષ ભાગે “રામ-રાવણ”નું યુદ્ધ, ‘રામનો વિજય’, ‘રાવનો પરાજય’ વગેરે પૂતળાં બનાવી છોકરાવ બતાવે.
“હાલો તો તમેરી રમત દેખાડા. જો આ મોંળા બાપ રામચંદરજી, આ નાનેરાભાઈ લખમણ, આ વાંદરાને રાજા સુગ્રીવ, આ હનુમાન દડો. આ બધી બાપાની ફોજ, આની ધરે આ ઓલ્યો ઝાંખી રાવણો, આ નાનો ભાઈ કુંભો, આ બધી ઝાખી રાવની સેના. જો જો હો મોળા બાપ,આ ઝાખીને કિયાં માથાં કાપતા સૈ. માળા બાપહી વેર બાંધને ઉભા સૈ તે હમણાં ઝાખી બધા મરે જાવા સૈ.” આમ કહી પૂતળાં સામે જોઈ કહે :
‘લે બાપ, માર ઝાખી હીં-કિસી રમત થાતીસ, પણ બાપ, ઉભો રે. ઉતાવળ મ કરજે. હું ભણે એક, બે અને ત્રણ તાળી પાડા તવ મારજે. લે બાપ થઈ જા તૈયાર’
આટલું બોલી એક, બે અને ત્રણ એમ ત્રણ તાળી પાડે, ત્રીજી તાળીએ પૂતળાં સામસામાં લડી ઊઠે. રાક્ષસના પૂતળાં બધાં કપાઈ જાય, છોકરાં બધાં હસે. કોલવો પણ ખૂબ આનંદમાં આવી જાય, પછી છોકરાને રામકથા થોડે થોડે મોઢેથી કહી સંભળાવે.
આ રમતમાં વાછરૂ ક્યાં ચાલ્યા જાય છે તેની કોલવાને કે બીજા કોઈને ધ્યાન કયાંથી રહે ? વાછરૂપાડરૂ દુર ચાલ્યાં જાય અને ખેતરના ઊભા મોલમાં રંજાડ કરે. આ બુમ ધીમે ધીમે નેસમાં પહોંચી. માલદાનને પણ ઠપકો દેવા એક-બે ખેડુ તેને ઝૂંપડે આવ્યા. માલદાન તો મળ્યા નહી ત્યારે તેની ચારણ્યને સારી પેઠે ઠપકો આપી ખેડુ ગયા.
બીજે દિવસે કોલવો ને બધાં છોકરાં શું કરે છે, પાડરૂ કેમ રેઢાં રહે છે તે જોવા અને રેઢાં વાછરું જોવામાં આવે તો કોલવાને સારી પેઠે સમજ આપવા ભાભી ચાલ્યા. તળાવ કાંઠે રમત રમતા જોઈ ઝાડની ઓથેથી કઈ રમત રમાય છે તે જોવા લાગ્યાં. પૂતળાં થયાં. એક, બેને ત્રીજી તાળી અંદરઅંદર ઝઘડ્યા એ પણ જોયું, કોલવો કંઈ મેલા મંત્ર જાણે છે, કામણ કુટિયો છે એમ બાઈને લાગ્યું. ઘેર આવતાં રહ્યાં. રાત્રે માલદાન ઝૂંપડે આવ્યા. ત્યારે બધી વાત કરી. કાલવાને કાઢી મૂકવા ધાંધલ મચાવ્યું. માલદાનથી નાના ભાઈને કેમ રજા દેવાય ? અંદરઅંદર કજિયો વધ્યો.
કોલવે બહારથી કેટલુંક સાંભળ્યું. પોતા માટે કલેસ થયો છે એ જાણી ભાગી જવાનું મન થયું. પણું જવું ક્યાં ? બાર વર્ષની ઉમર હતી. પોતા માટે ભાઈના ઘરમાં કલેશ થવા દેવો એ પણ બરાબર નહિ. છેવટે ભાગવાનો નિશ્ચય કરી ભાગી નીકળ્યો, કોઈ કોઈને મોઢેથી દ્વારકાની યાત્રાની વાતો સાંભળેલી. રણછોડરાયજી ત્યાં રહે છે, પ્રભુનો એ દરબાર છે એમ તેણે સાંભળેલું. શ્રદ્ધા તો પૂરી હતી જ, તેથી દ્વારકા રણુછોડરાયજી પાસે જવાનો માર્ગ લીધો.
રાતદિવસ ચાલવા જ માંડયું. ધીમેધીમે પૂર્ણ લગની લાગી. ક્યારે દ્વારકા પહોંચીને ‘કરશનજી’. ના દર્શન કરૂં એ વિચારમાં ને વિચારમાં એ જ ઉતાવળમાં ભૂખ પણ બહુ જણાઈ નહીં. કાંઈક જણાઈ તો પણ ખાવાનું તો કંઈ સાથે હતું નહીં. માર્ગમાં કયાં મેળવવું ? એ મેળવવામાં વળી એટલો સમય જાય એ બીકે કંઈ પ્રયાસ જ ન કર્યો. બધા દિવસની લાંબથ થઈ.
સાતમે દિવસે દ્વારકા પહોંચ્યા, “આજ ભણે મું કરશન મોળા બાપનાં દરશન થાહે. બાપ, કીમાં બોલાવ હે ! કીમા વાતું કર હે1 લખમણી મા ૫ણ રહે. મોળા બાપ વે’લો વેલો દરશન દે જે. ઘાંધળાં મોળા બાપનાં.”
દૂરથી મંદિર દેખાતું હતું. શયન આરતી થતી હતી. દૂરથી અવાજ સંભળાવા લાગ્યા : “મોળા બાપના દરબારમાં કિયાં વાજ વાગતાં શે! ઝટ પુગે ને દરહન કરે.” ઉપડતે પગે ચાલ્યા, પણ મંદિરથી થોડે દૂર રહ્યા તેટલામાં દ્વારમંગળ થઈ ગયાં. પૂજારી ભોગળા તાળાં બંધ કરી કુંચી લઈ પોતાને ઘેર જતા હતા. કોલવાએ તેમને જોઈ પૂછયું : “ એ મહારાજ, મોળા બાપ કરસનજીનો દરબાર કિસે સે ? મુ દેખાડતો, ભા ! વાલાજીનાં દરહન કરાવ દે. તોડું ભલું થાસે. કીસે જાઓ મું ભણે ખબર નીસે.”
પૂજારી અડધું પડધું સમજ્યો. “કોણ છો? અત્યારે પ્રભુ પોઢી ગયા. જા આ દેવળ દેખાય. સવારે વહેલાં દરહન થશે. વહેલો આવજે. અત્યારે ક્યાંક પડ્યો રહે.” કહી પૂજારી ચાલતો થયો.
કાલવાને બહુ દુઃખ થયું. મંદિરે આવીને બહારના દરવાજે ઊભા ઊભા રોવા લાગ્યા. “ બાપુ, બારણાં કીવાં બંધ કરે દીનાં ? વાલાજી તોળા દરહન હારૂ દોડે ને ઈ તાં ભણે બારણાં બંધ કરી ને પોઢી ગીયો ? કોલવાની વાટ તો જેવી તી, બાપ ! એવો નિર્દય કેવેથી થીઓ ?
પહેરાવાળા ભૈયાની નજર પડીઃ “કૌન હે.? યહાં સે ચલે જાઓ. સુબહમે આના, ઈસ વખત દરસન–બરસન કુછ નહીં હોતે હૈ’. જા ભાગ યહાંસે.”
કોલવાજી તો બીને ચાલી નીકળ્યાં. મંદિરની પાછળ આવી નિસાસો નાખીને બેઠા “મોળા બાપના દરબારમાં તો ઈદો, પણ બા૫ મું થાકે ગીઓ તો. વાર થૈ. ઈમી ખબર મું નો’તી કે વાલોજી વેલા પોઢી જાતા સે. રાત કી કરે” કાઢવી! ઠીક બાપ, આસે પડું રીઆ.”
કયારે સવાર થાય ને દર્શન થાય એ જ વિચાર કરતાં મંદિરની પાછળ બેઠા. થોડીવારે મંદિરમાંથી કાંઈ અવાજ આવતો સંભળાયો. કોલવોજી તરત સચેત થયા.
“મોળો બાપ હજી જાગતો સૈ, બાપ વાતું કરતો સૈ. તો વાલાજી મોળી ખબર લેને, મોળા બાપુ મુ કેવા સારે આવે બીહારી રાખ્યો ? એ વાલાજી કરસનજી ! તોળો કોલવો આસે અંધારામાં બેઠોંસે ને તું બાપ બારણાં બંધ કરે ને વાતે કરતો સૈ.”
તરત અંદરથી અવાજ આવ્યો: “કોલવા” મંદિરના દરવાજે આવો. ત્યાંથી અંદર અવાશે ને દરશન થશે.”
“કોણ મોળો બાપ બોલાવતો સે”
“હા કાલવા, ઉઠીને મંદિરને દરવાજે જાઓ. !”
“મું તો થાકે ને આશે બેઠો સાં. બાપુ, મું કેવેથી ઊઠાડતો સૈ? આશે જ દરહન દેને વાલાજી!
“એમ નહીં કોવાજી, તમારા પગ સાજા છે તે આટલું તે કરો. દરવાજે જાઓ.”
‘ ‘ઈ’, આઠ આઠ લાંધણ કરે ને ઇદા તું બારણાં બંધ કરે ને બેઠો. થાકે ને માંડ આશે બેઠે સાંતો ભણતો સૈ: પગ ભાંગી ગીઆ સૈ ? હા બાપ, મોળા પગ ભાંગી ગિયા સે, દહન દેવાં હોય તે આસે દે. નીકર ભલે કોલવો મરે જાય. લે બાપ થા રાજા”.
કુહાડી હતી તે મારી. બંને પગ ગોઠણથી ભાંગી નાખ્યા. તરત કડડ અવાજ થયો. એકદમ આખું મંદિર ફર્યું તાળાં–ભોગળો ઊઘડી ગયાં અને કોલવાને શ્રીપ્રભુનાં દર્શન થયા.
“ધાધળાં મોળા બાપ કરસનજીનાં ધાંધળાં, લખમીજી, મોળી મા, તાળાં ધાંધળાં.”
“આવો કાલવાજી આવો.”
“આવો મોળા બાપ, ખમ્મા વાલાજી” કહી નમન કર્યા ને ઈચ્છા પૂર્ણ થઈ, પ્રાર્થના સફળ થઈ, શરીર માત્ર રહ્યું તે પથ્થરનું થઈ ગયું,
માલદાનને કોલવાજી ઘેરથી ચાલ્યા ગયા છે તેની ખબર સવારે થઈ, પણ “છોકરૂં છે, આજુબાજુ રખડીને પાછા ઘેર આવશે” ધારી થોડા દિવસો શોધ ન કરી. પાંચેક દિવસ થયા. કોલવો તે ન આવ્યા ત્યારે ગોતવા નીકળ્યા. પૂછતાં પૂછતાં ખબર મળતી ગઈ તે પરથી દ્વારકા પહોંચ્યા. કહી તેવી નિશાનીવાળો છોકરો આવેલો. તેને પ્રભુના દર્શન થયા અને તેનું શરીર પથ્થરનું બની ગયાનું સાંભળ્યું,
મંદિરે ગયા. પથ્થરના બની ગયેલા શરીરને ઓળખ્યું. તે મૂર્તિને પોતાને નેસ લઈ જવા આગ્રહ કર્યો. પણ તેમ કરવાની પરવાનગી ન મળી, એથી ત્રણ દિવસના ઉપવાસ કર્યા. ત્રીજે દિવસે સ્વપ્ન આવ્યું કે કોલવજીની એવી જ બીજી મૂર્તિ તેના નેસ પાસેના તળાવમાંથી નીકળશે. નેસમાં આવી તળાવમાંથી બધા ચારણો સામે મૂર્તિ કાઢી નાનું સરખું મંદિર બનાવી તેમાં તે પધરાવી. અત્યારે પણ કોલડામાં કોલવાજીનું મંદિર છે. તે જ તળાવમાંથી નીકળેલી મૂર્તિ ત્યાં પૂજાય છે.
સંદર્ભ – ઉર્મિનવરચના
સાભાર- વિરમદેવસિંહ પઢેરિયા
[આ પોસ્ટના લેખક વિષે માહિતી નહિ હોવાથી અહીં એમનું નામ રજુ કરેલ નથી જો કોઈને ખ્યાલ હોય તો જાણવા વિનંતી]