રામના ધનુષ્યનું નામ કોદંડ હતું. કોદંડ અર્થાત્ “વાંસમાંથી નિર્મિત”. આ કોદંડ વડે રામે રાવણ સહિત ઘણા અસુરોનો સંહાર કરેલો. કહેવાય છે કે, કોદંડને હાથમાં પકડવાની શક્તિ પણ રામ સિવાય બીજા કોઇમાં નહોતી….! કોદંડને ધારણ કરવાની એક માત્ર લાયકત “રાઘવેન્દ્ર સરકાર” પાસે જ હતી.
પ્રાચીન ભારતીય ઉપવેદ એવા “ધનુર્વેદ”માં ભારતના તમામ પ્રાચીન ધનુષ્યનું વિગતવાર વર્ણન કરેલ છે. જેની રચના વિશ્વામિત્રએ કરેલી છે. એમાં ધનુષ્ય વિશે એની બનાવટથી લઇને ઉપયોગ સુધીની બધી માહિતી અપાયેલી છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં બાર પ્રકારના યુધ્ધ માટેના શસ્ત્રોનું વર્ણન છે. જેમાં ધનુષ્ય આગવો પ્રકાર ગણાય છે. બધાં શસ્ત્રો કરતા એની પ્રહારશક્તિ ઉત્તમ ગણાય છે.
કહેવાય છે કે, ભગવાન રામનું કોદંડ કદી નિશાન ચુક કરતું નહિ….! એના નિશાન હંમેશાં સચોટ જ પડતાં. જ્યારે લંકા પર ચડાઇ કરવા સમુદ્રમાં સેતુ બાંધવો હતો અને સમુદ્ર રામે કરેલી આરાધના છતાં માર્ગ નહોતો આપતો ત્યારે અંતે રામે ગુસ્સે થઇને કોદંડ વડે સમુદ્ર પર સંધાન કરી એને હણી નાખવાનું વિચાર્યું અને શરસંધાન કર્યું એ પહેલાં જ સમુદ્રદેવ ગભરાઇને પ્રગટ થયેલા.
એક બીજી કથા પણ રસપ્રદ છે કે – એક વખત ઇન્દ્રના પુત્ર જયંતને કુબુધ્ધિ સુઝી અને તે કાગડાનુ સ્વરૂપ ધારણ કરીને પંચવટીમાં સીતાજી બેઠા હતાં ત્યાં ગયો અને “કાઉ..કાઉ..” કરતાં તેણે સીતાજી પગમાં ચાંચોના પ્રહાર કર્યા. સીતાજીના પગમાંથી લોહી વહેવા લાગ્યું. અને કાગરૂપી જયંત ભાગી ગયો. બાદમાં રામને આ વાતની ખબર પડી. અને તેણે કોદંડ ઉપાડીને તીરનું સંધાન કર્યું. આ બાજુ જયંતને હવે ખબર પડી કે રામના કોદંડમાંથી વછૂટેલ તીર મને બ્રહ્માંડના કોઇપણ ખુણેથી વિંધી નાખશે….! તે બીકનો માર્યો પિતા ઇન્દ્ર પાસે ગયો પણ ઇન્દ્રએ પણ તેનું રક્ષણ કરવાની ના ભણી દિધી. રામના દ્રોહીનું રક્ષણ કોણ કરે….! જયંત દરબદર ભટકવા લાગ્યો. પણ કોઇ કરતાં કોઇ દેવતાએ તેનું રક્ષણ કરવાની જવાબદારી ન લીધી. આખરે નારદજીએ તેને કહ્યું કે,તે રામની દુશ્મની વહોરી છે માટે હવે તું રામનું જ શરણ લે…! બાકી કોઇ પાસે તારું રક્ષણ કરવાની તાકાત નથી….! આખરે જયંતે રામ પાસે જઇ પોતાની ભુલની ક્ષમા માંગી અને રામે તેને જીવતદાન આપ્યું.
રામ કોદંડનો ઉપયોગ કરવાનું છેલ્લે સુધી ટાળતાં. જ્યારે પરિસ્થિતી અનિવાર્ય અને અત્યંત કઠોર બને ત્યારે જ તેનો ઉપયોગ કરતાં. તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે કે –
દેખિ રામ રિપુ દલ ચલિ આવા |
બિહસી કઠિન કોદંડ ચઢાવા ||
[ અર્થાત્ – શત્રુઓની સેનાને નજીક આવેલી જોઇને ભગવાન રામે સ્મિત કરીને ભારેખમ, કઠણ કોદંડનું સંધાન કર્યું. ]
રામે લંકાવિજય બાદ શસ્ત્ર હાથમાં ન લેવાનો નિર્ણય લીધેલો પણ એ પછી તેઓ રામેશ્વરમ્ ખાતે ભગવાન શિવની પૂજા કરવા બેઠા અને ભુરા ફુલોની હાર કરી. રામે આંખ બંધ કર્યા બાદ અચાનક ખોલીને જોયું તો એક ફુલ ગુમ હતું….! હવે રામનો નિયમ હતો કે,પૂજા પુરી થયા સુધી જગ્યા પરથી ઊભું ના થવું. આથી રામે કોદંડ લઇ પોતાની આંખ સામે ધર્યું.ત્યાં અચાનક એની પરીક્ષા લેતાં શિવ પ્રગટ થયાં અને એણે ચુપકીથી લીધેલું ભુરું ફુલ રામને સોંપી દીધું. બાકી રામ પોતાની એક આંખ કાઢીને ફુલની ખોટ પુરવા માંગતા હતાં કારણ કે રામની આંખો ભુરી હતી અને માટે જ એ “નિલકમલ” કહેવાતાં હતાં….!
“કોદંડધારી” રાઘવેન્દ્ર સરકારને શત્ શત્ વંદન….!
– Kaushal Barad.