સ્વાતંત્ર્યસેનાની ખેડૂત

‘રામજી પરબત કાનાણી!’ વહીવટદાર કચેરીના દમામદાર લાલચટ્ટક પરદા આડેથી વહીવટદારનો અવાજ સંભળાયો અને પટ્ટાવાળાએ એ અવાજને ઊંચા સાદે બહાર ફેંકયો…

‘છે રામજી પરબત કાનાણી હાજર?’ કુંડલાના દરબારગઢની કચેરીના લીંબડાની ટાઢી છાંયડી હેઠળ બેઠેલ જૂના સાવર ગામના રામજી પરબત કાનાણી નામનો એક દૂબળો-પાતળો ખેડૂત માથા પર ખાદી ટોપી મૂકીને, ખાદીની કફનીનાં બટન સરખાં કરે છે. પગમાં દેશી ચામડાંનાં ચંપલ નાખે છે અને વહીવટદારની કચેરીના દાદર તરફ પગ ઉપાડે છે…

રાજાશાહી હજી હમણાં જ ગઇ છે એના દરવાજેથી બહાર નીકળી છે અને એના સગડ પણ હજી તાજા જ છે-આવો જ તાજો એક સગડ કુંડલાના વહીવટદારને ચોપડે અંકાણો છે રામજી પરબત કાનાણીનો! દરબારગઢના પ્રાંગણમાં, તાલુકાના ગામડેથી કોર્ટ-કચેરીના કામે આવેલ ગામડાના લોકો, આ રામજી પરબત કાનાણીને જોઇ રહે છે. જૂના સાવર ગામનો એ ખેડૂત, આ લોકોની આંખ સામેથી અળગો થયો કે કોર્ટના આંગણામાં એની ઠેકડીનો આરંભ થયો અને દાંતનો ઠિઠિયારો બોલ્યો:

‘ઓળખો છો આ રામજીને?’

‘હમણાં ટોપીવાળો ગયો, એ?’

‘હા એ જ.’

‘તે, શું છે એનું?’

‘મહાત્મા ગાંધીનો ભક્ત થઇને રાજકોટના સત્યાગ્રહમાં ગયો’તો.’

‘કોની હાર્યે?’

‘કુંડલાના ખાદીધારી અમુલખ ખીમાણી અને લલ્લુભાઇ શેઠની ટોળીમાં.’

‘તે?’

‘તે શું? સાવર ગામની એની ખેતીવાડીનું પથાભમ થઇ ગ્યું.’

‘ઇ ખેડૂત છે?’

‘છે શું? હતો. પાડાના કાંધ જેવી એંસી વીઘા જમીન હતી પણ રાજકોટના સત્યાગ્રહમાં વાળી દીધી!’ ફાળિયાં, પાઘડિયો, ટોપીઓ દાંતે ચડ્યાં, બીડી શાફીના ઘૂંટ લેતાં લેતાં, સોપારી વાતરતાં વાતરતાં, આંગળીઓનાં ટચાકિયાં ફોડતાં ફોડતાં, પગે ચડેલી ‘ખાલી’ને ઢીકા મારીને ઉતારતાં ઊતારતાં સૌ ખખડી પડે છે…!

‘આની જમીન સરકારે આંચકી લીધી અને કહ્યું કે ખેડૂતનો દીકરો થઇને, રાજકોટના સત્યાગ્રહમાં આવીને સરકાર મા-બાપનું વાંકું બોલ્યો? અને સરકારના વિરોધમાં ભાષણ કરનારા સાથે ભળ્યો પાછો?’ ‘એમ?’ ‘નૈ ત્યારે? કુંડલાની ગાંધી ટોપી હાર્યે ખેતી કરતાં કરતાં આ રામજીભાઇને પણ ‘ભૂતિ’ ચડી કે ગોરી સરકારને, રાજાશાહીને કાઢી મૂકું’ એણે ગામેગામ જઇને સરકાર વિરુદ્ધ ભાષણો પણ કર્યા…!

હા, તે દી’ મહાત્મા ગાંધીનો ‘કરેંગે યા મરેંગે’નો બુંગિયો આખા દેશમાં વાગતો હતો. પ્રત્યેક ભારતવાસીના કલેજામાંથી ફનાગીરીની ધાણી ફૂટતી હતી…! ‘આપણે પણ રાજકોટ સત્યાગ્રહમાં જોડાઇએ’ કુંડલાના ગ્રામ સેવા મંડળના આંગણે ઊભા રહીને અમુલખભાઇ ખીમાણીએ પોતાના ભેરુઓને સાબદા કર્યા: ‘આઝાદી આપણા પાદરમાં આવીને ઊભી છે… અને કુંડલામાં જ બેઠા રહીશું તો આપણને ફિટકાર મળશે.’ ‘ન બને…’ સાથીઓ ગજર્યા: ‘આપણે સૂનમૂન બેઠા રહીએ તો આપણી નાવલીનું પાણી લાજે.’ ‘તો લખાવો નામ.’ અને લલ્લુભાઇ શેઠથી માંડીને પંદરેક જુવાનોએ ફટોફટ પોતાનાં નામ લખાવ્યાં. આમાં જૂના સાવર ગામના ખેડૂત રામજી પરબત કાનાણી પણ હતા…! ખાદીના બગલથેલા, ખાદીનાં ઝભ્ભા ધોતિયાં અને બંડી ટોપીથી માંડીને ચિંી કુરતા જેવી વિવિધ વેશધારી આ ટોળી રાજકોટના સત્યાગ્રહે જઇને ઊભી રહી!

રાજકોટના કરણપરા ચોકમાં જંગી જાહેરસભા હતી. ભારે મેદની ઊમટી હતી. તીખાં મરચાં જેવાં ભાષણો વડે અંગ્રેજ સરકારનાં છાલોતરાં ઉતારવાનો કાર્યક્રમ હતો! મંચ ઉપર વકતા આવે. બોલવા માટે ગળું ખંખારે, સાદ ઉઘાડે, શબ્દને બહાર કાઢે પછી ‘અંગ્રેજ સરકાર’ એટલું જ બોલે અને તુરંત હાથકડી! ખાખી રંગના ટીપડાં બેરલ જેવા પોલીસ દોટ મૂકે અને જંગલી બિલાડો કબૂતરને દબોચે એમ વકતાને દબોચે કે વહેલી આવે રાજકોટની જેલની અંધારી કોટડીઓ!

અમુલખભાઇ ખીમાણીનો બોલવાનો વારો આવ્યો. શું બોલવું એની અવઢવ થઇ અને વળતી પળે એને ઇલાજ મળી આવ્યો ‘અંગ્રેજ સરકાર’ એટલું જ બોલ્યા અને આવી ગયા ઝપટમાં! સાથી મિત્રોને ગર્વ થયો: ‘આપણો દોસ્તાર પણ પકડાયો…!’ થોડા સમય પછી અમુલખભાઇને છોડી દીધા અને છાતીમાં ગર્વ ભરીને બધા ભેરુ ગામડાંઓમાં ઘૂમ્યા. બ્રિટિશ પોલીસ આ બધાની પાછળ પાછળ જ હતી. પણ દિવસે આ બધા વાડીઓમાં સંતાઇ જાય અને પોલીસ જાય એટલે રાતે ગામસભાઓ ભરે. લોકોને સ્વતંત્રતા માટે શૂરાતન ચડાવે. અમુલખભાઇ અને બીજા મિત્રોને તો ખાસ વાંધો ન આવ્યો પણ જૂના સાવર ગામના કૃષક મિત્ર, રામજીભાઇ કાનાણીની એંસી વીઘા જમીન રાજવિરોધી પ્રવૃત્તિ કરવા માટે આંચકી લેવાણી! આ માઠા સમાચાર રામજીભાઇને મળ્યા…!

અમુલખભાઇએ આશ્વાસન આપ્યું: ‘મૂંઝાતા નૈ રામજીભાઇ! બાર માસનું અનાજ, પહેરવા માટે ખાદી કુંડલાથી લઇ જાજો.’ ‘ન બને હોં ભાઇ! ખેડૂતનો દીકરો થઇને મફતનું ખાઉં?’ રામજીભાઇ સગર્વ બોલ્યા. ‘ભોં ઉથલાવીશ.’ ‘પણ હવે ભોં ક્યાં છે?’ ‘તો શું થઇ ગયું? બાવડાં સલામત છે. મજૂરી કરીશ…’ રામજીભાઇ બોલ્યા અને પાળી પણ બતાવ્યું… રામજી કાનાણીએ મજૂરી આદરી દીધી!

આ ઘટના ઉપર બાર વરસનાં વાણાં વાઇ ગયાં… દેશમાં આઝાદીનો સૂરજ ઊગ્યો… જવાબદાર રાજતંત્ર સુપરત થયું… ભાવનગરના બળવંતભાઇ મહેતા મુખ્યપ્રધાન નિમાયા… અમુલખભાઇએ રામજીભાઇ કાનાણીના સમર્પણની વાત બળવંતભાઇને કરી. જાદવજીભાઇ મોદી અને મનુભાઇ પંચોળીએ એ વાતની ચકાસણી કરી… પછી વહીવટદારને મળ્યા. જવાબ મળ્યો કે, ગયેલી જમીન હવે પાછી ન મળે. કેમ કે બાર વરસનો કબજો થઇ ગયો. પણ આપણે વચલો રસ્તો કાઢીએ. રામજીભાઇને જૂના સાવરના ગૌચરમાંથી દોઢી એટલે કે એક્સો વીસ વીઘા જમીન આપી શકાય. આપ એને સાવરકુંડલાની વહીવટી કચેરીમાં મોકલો… અને આ રામજી પરબત આ જ જમીન માટે વહીવટ કચેરી કુંડલા આવ્યા. નામ બોલાયું અને વહીવટદાર સાહેબ પાસે ઊભા રહ્યા.

‘તમે રામજી પરબત કાનાણી?’ વહીવટદારે કહ્યું. ‘જમીન જોઇએ છે?’ ‘હા જી સરકાર આપે તો જોઇએ છે.’ ‘સરકાર જ આપે છે. તમારા સાવર ગામના ગૌચરમાંથી એક્સો વીસ વીઘા જમીન તમને મળે છે… આવતી કાલથી સાંતિ જોડી દો.’‘ગૌચરમાંથી?’ રામજીભાઇ બે ડગલાં પાછા હટી ગયા. ‘હા જી. ગૌચરમાંથી. સરકારની પાસે બીજી જમીન તો ક્યાંથી હોય?’ ‘મારે ગૌચરની જમીન ન ખપે સાહેબ!’ ‘કાં? એ જમીન નથી?’ ‘ના, એ જમીન ન ગણાય. એ તો ગાયોનો ગોંદરો ગણાય સાહેબ! ગાયોનું ‘ચરણ’ લઉં તો નિસાસા લાગે. ખેડૂતનો દીકરો થઇને ગાયોના ભાણામાં હાથ નાખું!’ ‘શું કરશો?’ ‘મજૂરી કરું જ છું. સાહેબ!’ કહીને રામજીભાઇએ જવા માટે પગ ઉપાડ્યા.

‘પટેલ! એકસો વીસ વીઘા જમીન મળે છે અને બળવંતરાય મહેતા જેવાનું વેણ છે.’ વહીવટદારે ટપાર્યા. ‘પોગી ગઇ, સાહેબ!’ રામજીભાઇ ઓફિસનો દાદરો ઊતરી ગયા. ‘લ્યો… આવજો સાહેબ!’ આઝાદીના કારણે ખેડૂતમાંથી ઊભડ બનેલ રામજીભાઇ કાનાણીને વળી પાછા ઊભડમાંથી ખેડૂત બનાવવા માટે આઝાદી જંગના મિત્રોએ પગદોડ આરંભી… આડાઅવળી કૂકરીઓ માંડવા માંડી અને વહીવટદાર સાહેબે વચલા મારગ તરીકે વળી રસ્તો કાઢ્યો કે ગૌચરને અડીને સરકારી ‘ખરાબા’ની જમીન છે એમાં થોડીક ગૌચરની પણ ખરી. પણ આપણે ‘સરકારી ખરાબો’ કહીને સોંપી દઇએ.

પુછાણ થયું ‘રામજીભાઇ! સરકારી ખરાબો ચાલશે?’ ‘હા ઇ હાલે. ખરાબાને સમોનમો કરી વાળીશ. પણ એમાં ક્યાંય ગૌચર તો નથી ને?’ ‘ના રે. ગૌચર કાંઇ તમને અપાય?’ અને આ પછી રામજીભાઇ કાનાણીએ ‘પાડાનું કાંધ’ ગણીને ખરાબાને તૈયાર કર્યો અને સાંતિ જોડ્યું. એક સાચ દિલ ખેડૂતની સાચપ અને દેશભક્તિના વાવટા એની ઊગેલી મોલાતનાં પાંદડામાં લહેરાઇ ઊઠ્યા…!

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!