‘જશજીવન અપજશ મરન
કરે દેખો સબ કોઇ
કહાં લંકાપતિ લે ગયો
કરણ ગયો શું ખોઇ’
ધંધુકા પરગણાનું સારીંગપુર ગામ, એટલે સંતનું ધામ. જ્યાં બહુબળીયા બજરંગ બલીના આઠેય પહોર બેસણાં. સવંત અઢારસો સત્યોત્તેરના શ્રાવણી અને પાંચને દિવસે સહજાનંદ સ્વામીના પાવન પગલે પુનિત થયેલી ભોમકા.
જ્યાં જીવા ખાચરના દરબારના ઓતરાદા ઓરડાની ઓસરીએ આરૂઢ થઇને સ્વામી સહજાનંદે અગમનિગમની વાતુ માંડેલી. જ્ઞાનની ગંગા ધોધ પાડેલા. આવા સારીંગપુર માથે તે દિ’ ખાચર દરબારોનો સત્તાનો સોળે કળાએ સૂરજ તપે. દરબારગઢમાં દોમદોમ સાયબી. ખાચર દરબારનો પડયો બોલ ઝીલાય. વધ્યુ વેણ આભને આંબે એવો અણનમ અમલ.
એક દિ’ ખાચર ડાયરો સારીંગપુરથી અમદાવાદ જાવા નીકળ્યો. દસક ઘોડા સંગમાં રમતા આવે છે. બગલાની પાંખ જેવા અંગરખાને ખભે જાટક ઝુલતા જાય છે. પાણીના રેલાની જેમ પળોટાયેલા ઘોડા પંથ કાપી રહ્યા છે. આભને આંગણેથી સૂરજદેવ તાતા તે જ વેરી રહ્યો છે. અગન અવનીને આંટો લઇ ગઇ છે. પંખીના જીસમના લોચા વાળે એવો ધોમ તાપ ધખી રહ્યો છે. દસેય અસવારોને અંગેથી પરસેવો નીતરી રહ્યો છે.
રોંઢો થાતા થાતામાં તો ઘોડાએ ધોળકાના પાદરમાં ડાબા દીધા, ઘડીક પોરો ખાવા ખાચર ડાયરાએ ઘોડાનાં ચોકડાં ડોંચ્યો. પલ્લો કાપવા પંથે પડેલા જાતવાન જનાવરોના પગ ધોળકાના પાદરમાં થંભી ગયા. અસવારોએ પાદરમાં ઝાડનો છાંયો જોઇ ઘોડાના પેગડામાંથી પગ છાંડયા (કાઢ્યા). ધોળકાની ધરતી માથે પગ મૂકી પાદરમાં નજર ફેરવી તો પાદરમાં જાણે સોપો પડી ગયો છે. માણસ તો બોલાસ સાંભળતો નથી. ડાયરો આખો વિમાસણમાં પડી ગયો. આ તો એક વખતની વૈરાટ નગરી. જ્યાં પાંચ પાંડવોના પગલાં પડેલા આજ આમ અણોકરી કાં ?’
પાદરમાં મંડાયેલા પરબે જઇને પાણી પાનાર ડોશીને પૂછ્યું.
‘માડી, આજ ધોળકા માથે મશ કાં વળી ગઇ છે?’
ડગગડતી ડાઢીએ ડોશીએ જવાબ દીધો.
ગામમાં મરણું થયું છે. આમ તો થંભ દઇને ઉતારે એવો કંધોતર કાંધે ચડીને હાલી નીકળ્યો છે ?
‘કોણ ?’
‘ ગામનો કસ્બાતી’
સાંભળતા જ ડાયરો ઝંખવાણો પડી ગયો. મોં માથેથી નૂર ઊડી ગયું. કસ્બાતી તો સારીંગપુરનો સાથી. હવે ખરખરો કર્યા વગર પાદર વળોટાય નહીં. અમદાવાદ પુંગવાનો ઉજમ અંતરમાંથી ઉતરી ગયો.
પાદરમાં ઘોડા બાંધી ડાયરો કસ્બાતીની ડેલીએ ખરખરે પૂગ્યો.
કસ્બાતીનું તો વાટકીનું શીરામણ આધાર એક બાવડાના બળનો પણ મોબતીલો મનેખ ખરે ટાણે કાં ઘા ઝીલનારો જુવાન, પણ આજ એની ડેલી અણોહરી ઉભી હતી. બાળ કસ્બાતી પારણે પોઢેલો હતો ને જુવાન રંડવાળ બાઇ માથે બધોય બોજો આવી પડયો હતો અને માથે તો જાણે ભરમાંડ ભાંગી પડયું હતું. આપાને ખરેખર આવેલાં જોઇ બાઇનું હૈયાફાટ રૂદન વેતું થયું. બાઇના રૂદનના રંગ રૂગાવળના માંડયા. અંતરના અમી આંહુ વાટે નીકળવા લાગ્યાં. સારંગપુરનો સુંવાગ ધણી ખાચર ગલઢેરો વધ્યાં.
‘દીકરી, હવે થાનારૂ થઇ ગયું. હવે છાની રે. તારૂ રોણું અમથી જોયું જાતું નથી.’ આપણા હાથની વાત થોડી છે ?
પણ બાઇનાં કાન જાણે બધીર બની ગયાં. કાળજાનો તાજો ઘા એમ તે કેમ કરીને રૂઝે.વળી પાછો આપણા વેણ વદ્યા.
‘દીકરી, હવે હાંઉ કર્ય, દુઃખ તો અમારાય દલને થાય છે. ઇ કાંઇ મર્યા જેવડો નો’તો.
ધ્રુસકુ રોકીને બાઇ બોલી.’ ‘બાપુ, હું હવે ક્યાં જાઉ ? માથે આભ ને હેઠય ધરતી મારૂ કોણ ?
બાઇના પિયરીઆમાં વંશનો વેલો વીંટાઇ ગયો હતો. કુટુંબમાં કસ્બાતીઓનો કબીલો વિંખાઇ ગયા હતો. નોખા નોખા ગામમાં વહેંચાઇ ગયા હતા. કરચલીને ઢઢળી ગયેલા બોખા મોંએ ખાચર ગલઢેરો બોલ્યા. તું મારી દીકરી ઠરી. હું બાપ લેખાયો. બાપ ઉઠીને કાંઇ દીકરીને ખોટા દલાહા (આશ્વાસન) નો દયે હો ? ‘તુને મારા ગામની ઉપજનો ત્રીજો ભાગ આથી સૂરજ ચંદરની સામે કપડામાં દઉ છું. હું ખર્યું પાન લેખાઉ કાલ્યનો ભરોંસો નહિ. મારા વારસો વેણે’ પળે કે નો પળે એટલે ત્રાંબાને પતરે માંડી દઉં. પછે કાંઇ છે ?’
આપા હારે ગામતરે ભેળો હાલેલો ડાયરો આપાની વાત સાંભળી તાજુબ થઇ જોતો રહ્યો ને ખાચર ગલઢેરાએ ત્રાંબાનું પતરૂ મંગાવી સારીંગપુરનો ત્રીજો ભાગ દીકરીને કાપડમાં માંડી દઇ પાછા વળી નીકળ્યાં સારીંગપુર.
ખાચર ગલઢેરાએ કસ્બાતણને દીકરી માની ત્રીજા ભાગના માંડી આપેલ દસ્તાવેજનું એના વંશવારસોએ પાલન કર્યું હતું.
તણખો
જગતના કોઇ પણ દેશમાં
મોહનદાસ ગાંધી જન્મ લઇ શકે
પણ ‘મહાત્મા ગાંધી’ માત્ર
બ્રિટિશ શાસનમાં જ થઇ શકે
એ સત્યને કાળાન્તરે પણ
ઉવેખી શકાય નહીં.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ