જ્યાં જ્યાં નજર મારી ઠરે
યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીંયે આંખથી
યાદી ઝરે છે આપની
* * *
હીનાના રંગથી પ્હાની
સનમની રંગતો’તો હું
ઝૂકીને બાલમાં તેના
ગુલોને ગૂંથતો’તો હું
* * *
પેદા થયો છુ ઢૂંઢવા તને સનમ !
ઉમ્મર ગુજારી ઢૂંઢતા તુને સનમ !
* * *
યારી ગુલામી શું કરું, તારી સનમ
ગાલે ચુમું કે પ્હાનીએ તુને સનમ ?
એક સૈકા મોર્યની આ વાત છે. એ અરસામાં પ્રણયના રંગે રંગાયેલા રાજવી કવિ કલાપીની મસ્તી ઉછાળ ગઝલો, છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને ગીતો પ્રેમીઓના હૈયે અને હોઠે રમતાં હતાં. ‘કલાપીનો કેકારવ’ પ્રગટ થતાની સાથે જ એના પ્રણયના રંગે રંગાયેલા કાવ્યોએ કોલેજોમાં ભણનારા યુવાન હૈયાઓને હેલે ચડાવ્યા હતા. ફક્ત ૨૬ વર્ષ, પાંચ મહિના અને અગિયાર દિવસનું અલ્પ આયુષ્ય ભોગવી ૧૬થી ૨૬ વર્ષની ઉંમરના એક દસકામાં ૧૫૦૦૦ જેટલી કાવ્યપંક્તિઓ, પ્રવાસ વર્ણન, મર્મસ્પર્શી સંવાદો, અપૂર્વપત્રસાહિત્ય અને ભાવની ભરતીવાળા સરસ પ્રવાહી ગદ્યની રચના દ્વારા ગુજરાતી સાહિત્ય જગતમાં અમરતા પ્રાપ્ત કરનાર લાઠી (વર્તમાન કલાપીનગર)ના રાજવી કવિ કલાપીના કારુણ્યમઢ્યા જીવન અને સર્જનની વાત આજે એમની જન્મ જયંતીના અવસર પર ઉઘાડવી છે.
‘કલાપી’ એ તો કવિનું તખલ્લુસ- ઉપનામ છે પણ એમનું સાચું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે. સૌરાષ્ટ્રના એક નાનકડા સંસ્થાન લાઠીના એ ક્ષત્રિય રાજવી. લાઠી એક નાનકડું રાજ્ય. નવ દસ હજારની માંડ વસતી. રૃપિયા બે લાખની માંડ વાર્ષિક આમદાની. તે દિ’ પાલિતાણા, ભાવનગર અને લાઠી ત્રણેય રાજ્યો પર ગોહિલ રાજપૂતોની ગાદી. તેમાં લાઠીનું સ્થાન બીજું ગણાતું. સુરસિંહના એક પૂર્વજ લાખાજીરાજ પરાક્રમી પુરુષ હતા. તેમના નામથી લાઠી ઓળખાતું હતું. લાઠીની આજુબાજુ કાઠીઓના ગામો હતા, એટલે એના માટે એક ઉક્તિ કહેવાતી, ‘કોરેમોરે કાઠી ને વચમાં લાખાની વાડી.’ આ લાઠી ગોહિલવાડમાં આવેલું ચોથા વર્ગનું રાજ્ય ગણાતું.
કલાપીનો જન્મ ઇ.સ. ૧૮૪૭ના જાન્યુઆરી માસની ૨૬મી તારીખે (સંવત ૧૯૩૦ મહા વદ-૯ને સોમવાર) થયો હતો. તેઓ વચેટ રાજકુમાર હતા. તેમના મોટાભાઈ ભાવસિંહજીના અકાળ અવસાનને કારમે સુરસિંહ લાઠીની ગાદીના વારસ બન્યા રાજા અને કવિનો યોગ શ્રી અને સરસ્વતીની જેમ સંસારમાં વિરલ હોય છે પણ સુરસિંહ તેમાં અપવાદ હતા. જૂના કાળે ગઝલકારો, કવિઓ અને લેખકોમાં ઉપનામથી લખવાની એક પરંપરા હતી. સુરસિંહે કલાપી ‘તખલ્લુસ’ રાખ્યું. કલાપી એટલે પિચ્છસમૂહ (કલાપ)થી શોભતો મયૂર.
પાંચ વર્ષની વયે કલાપીએ પિતાની છત્રછાયા ગુમાવી. ચૌદ વર્ષની મુગ્ધ વયે માતાના સુખથી વંચિત બન્યા. ઇ.સ. ૧૮૮૨ જૂન માસમાં આઠ વર્ષની ઉંમરે રાજકુમાર કોલેજમાં દાખલ થયા. અહીં તેમણે પાંચેક અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો. કોલેજમાં એમને ઝાઝું સાહિત્ય શિક્ષણ પ્રાપ્ત થયું નહીં. સાવકી માતાઓ, માબાપનું અકાળે અવસાન, બે પત્નીઓના કારણે સંસાર ક્લેશનો અનુભવ થયો. એવામાં આંખના દર્દએ ઉમેરો કર્યો. આ બધાને કારણે અને સ્વૈરવિહારી પ્રકૃતિને લઈને કલાપી કોલેજના અભ્યાસમાંથી વિશેષ કશું પામી શક્યા નહીં.
કવિ સાહિત્યકાર થવાના કદાચ પૂર્વ જન્મના સંસ્કારને લઈને જન્મેલા કલાપી યુનિવર્સિટીનો ઉચ્ચ અભ્યાસ કરી શક્યા નહીં પણ જાની માસ્તર, એન. બી. જોશી, હરિશંકર પંડયા જેવા તેમના અંગત સાહિત્ય શિક્ષકોએ તેમને અંગ્રેજી અને સંસ્કૃત કાવ્યોનો સરસ અભ્યાસ કરાવ્યો. દ. બાજસુરવાળા, રૂપશંકર ઓઝા, વડિયાવાળા બાવાભાઈ સાહેબ, સરદારસિંહ રાણા, અનંતરાય દવે ઇત્યાદિ સાથેની કાવ્ય ગોષ્ઠિઓ ગુજરાતી- અંગ્રેજી કાવ્યોનું સ્વતંત્રપણે પુનઃ પુનઃ કરેલા વાચન- મનન તથા મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, જટિલ તથા પ્રો. ઠાકોર આદિ પાસેથી મેળવેલા માર્ગદર્શને કલાપીને કાવ્યરચનાની પ્રેરણા પૂરી પાડી. દરમ્યાનમાં કલાપીએ ગુજરાતી, અંગ્રેજી, ફારસી, સંસ્કૃત અને હિંદીના ૫૦૦થી વધારે પુસ્તકો વાંચી નાખ્યા. એમાંથી કલાપીનું સાહિત્ય ઘડતર થયું.
‘કલાપીની પત્રધારા’ વાંચતાં સમજાય છે કે, નાનપણથી માતાપિતાનું સુખ ગુમાવનાર કલાપીનું વાત્સલ્ય વંચિત અને સ્નેહથી છલકાતું કવિ હૃદય મુરઝાતું જોવા મળે છે. કલાપીને રાજ્યગાદી ન મળે એ માટે લાઠીમાં ખટપટો ચાલે છે. કલાપીનું મુગ્ધ હૈયું રાજમહેલના આવા વાતાવરણથી અકળાઈને જંગલમાં પ્રકૃતિના ખોળે જતા રહેવાનું વિચારે છે. એવામાં ડિસેમ્બર ૧૮૮૯માં પંદર વર્ષની વયે પોતાનાથી આઠ- દસ વર્ષ મોટા કચ્છના રોહાના રાજકુમારી રમાબા અને બે વર્ષ મોટા કાઠિયાવાડના કોટડાના રાજકુમારી આનંદીબા સાથે એક જ દિવસે ખાંડાલગ્ન (દરબારોમાં વરરાજાની જાનમાં વરરાજા ન જાય, તેમનું ખાંડુ અર્થાત્ તલવાર જાય.) થયા. પછી તો ભાઈ, સંસારમાં વૈરાગ્ય આવતા જંગલમાં જતા રહેવાનો વિચાર કરનાર લાઠીના રાજકુમાર રાણીઓના રંગભવનમાં મહાલતા થઈ ગયા.
કલાપીના જીવનનો ઉંડો અભ્યાસ કરનાર ડો. ઇન્દ્રવદન દવે લખે છે કે, ‘બે રાણીઓમાંથી રમાબા ઉપર તેમને અપાર હેત ઉભરાય છે કારણ કે રમા બા દેખાવડા છે, યૌવનમસ્ત છે (કલાપીથી વયમાં દસ બાર વર્ષ મોટાં છે), સરસ ગીતો ગાય છે. સોરઠા અને દોહરામાં પદ્યો રચી જાણે છે. બોલવામાં અભિનય ચતુર છે, પતિને રીઝવી પોતાનું વર્ચસ્વ કેમ જમાવવું તથા રાજરમત કેમ ખેલવી તે વિદ્યામાં પ્રવીણ છે. લગ્નની શરુઆતમાં ચારેક વર્ષ સુધી કલાપી રમાબાના પ્રેમમાં ગળાડૂબ રહે છે. પત્નીનો અલ્પ વિરહ પણ સહેવાતો નથી. એમનું જરા જેટલું ય મહેણું એમના કાળજાને વલોવે છે. સને ૧૮૯૪ સુધીની કલાપીની કવિતામાં તેમની વ્યથા અને ફરિયાદ જોવાય છે તે રમાબાને લક્ષમાં રાખીને વ્યક્ત થઈ છે.’
રોહા સ્ટેટના રાજકુમારી રમા રાણીના લગ્ન પ્રસંગના રસાલામાં ૧૩ વર્ષની ખીલતી કળી જેવી બાલિકા મોંઘી દાસીરૂપે તેમની સાથે રાજમહેલમાં આવેલી. કલાપીએ વાત્સલ્યભાવે એને ભણાવી. આ યુવાન ફૂટડી મોંઘી શોભનારૂપે કલાપીના હૃદય પર છવાઈ ગઈ. શોભના કલાપીથી સાત વર્ષ નાની સ્વરૃપવાન અને બુદ્ધિશાળી હતી. તે કાવ્યો પણ રચતી. દરમ્યાનમાં કલાપીનોં મોંઘી પરનો વાત્સલ્યભાવ પ્રણયમાં પરિવર્તન પામ્યો. ૨૧ જાન્યુઆરી ૧૮૯૫માં સુરસિંહજીનો રાજ્યાભિષેક થયો.
એ પછી કલાપીને સમજાય છે કે રમાબાનો પ્રેમ સભાનતાવાળો અને ગણતરીબાજ છે. પોતાના સાંનિધ્ય કરતાં તેમને રાજ્યરમતનો સંગ વધુ ગમે છે. કેવળ સ્નેહના સામ્રાજ્ય કરતાં તેમને સત્તા, દમામ, વૈભવ, ખટપટ અને સ્વપ્રભાવ વધુ રૂચે છે. તેઓથી દસ બાર વર્ષે મોટા હોવાથી રાજકાર્યમાં અને અન્ય બાબતોમાં પોતાને દબાવે છે. પરિણામે રમાબા માટેનો મોહ અને મુગ્ધ અહોભાવ ઓસરવા માંડયો. અને શોભના કલાપીના મન પર છવાઈ ગઈ. રાજમહેલના બગીચાના લતામંડપમાં બંનેની મુલાકાતો વધવા માંડી. કલાપી કહેતા ઃ ‘મને ક્યાંય સુખ સાંપડતું નથી. અહીં ફૂલોની બિછાત શૂળ જેવી લાગે છે. રે દૈવ ! પુરુષના દિલ તેં આવા કેમ ઘડયાં ? આ શોધતો જ હતો ત્યાં તમે આવીને ઊભા. તમારા ધવલ વસ્ત્રોમાં વીંટળાયેલો પેલો કાળો કેશકલાપ, લાલ પરવાળા જેવા હોઠ, અતલ ઉંડા નેહ વરસાવતા નયનો, વીણાના ઝંકાર શો તમારો મીઠો કંઠ બસ સાંભળ્યા જ કરું… સાંભળ્યા જ કરું.’ કલાપીને સાંત્વના આપતી શોભના કહેતી ઃ
‘હું જાણું છું તમારા ઉર્મિશીલ દિલને રાજકુળના રાજરાણી રમાબા ટાઢુ નથી પાડી શકતા તમે રહ્યા શાયર. વિશાળ ગગનમાં વિચરનારા. તમને પંખીના મધુર ટહૂકા ગમે. રંગબેરંગી ફૂલોની માદક સુગંધ ગમે. ઇન્દ્રના મેઘધનુષ માણવા- જોવા ગમે. તમે ભમરાના ગુંજનમાં કાવ્ય નિર્ઝરતું જુઓ, પણ બા સાહેબ- હું જાણું છું. રોજ એમનાં ભેળી રહું છું તે રમાબા તમને આપે છે સુગંધવિહોણાં રાજકૂળના વસ્ત્રો, અલંકારોથી ઓપતી દેહવલ્લરી માત્ર. સુગંધે મહેકતી કળી શા, ફૂલ વેલડી શાં એ સુગંધી બની તમને મત્ત અને મસ્ત બનાવી શકતાં નથી. ને તમે મારા સામુ અનિમેષ નજરે નિહાળ્યા કરો છો એ હું ક્યાં નથી જાણતી ? ભલે હું માવતરવિહોણી પરાશ્રયી કન્યા છું પણ છું તો નારી જ ને ? નારી તો અભંગ પુણ્યસ્તોત્રવાહિની છે. અભંગ પ્રણય સુગંધથી અવનિને ભરી દેનારી છે.’
કલાપીના હૃદયમાં પત્ની પ્રત્યેની ફરજ અને પ્રણય સંવેદનાનો દ્વન્દ્વ ચાલ્યો. કવિનું હૃદય રાગ અને ત્યાગની વચ્ચે તરફડવા માંડયું ઃ
તુંને ન ચાહું બન્યું કદીએ,
એને ન ચાહું ન બને કદીએ
ચાહું તો ચાહીશ બેયને હું
ચાહું નહીં તો નવ કોઈને હું !
શોભના સાથેના પ્રણય સંબંધને કારણે કલાપીના જીવનમાં વેદનાભર્યા સંઘર્ષોની ઘટમાળ સર્જાઈ. પરિણામે એ સંવેદનાઓ કવિતામાં પ્રવેશી અને પ્રણય ઝંખના, પ્રકૃતિ પ્રેમ અને આધ્યાત્મિક ચિંતનના કાવ્યો ગુજરાતી સાહિત્ય જગતને પ્રાપ્ત થયા.
કલાપીની વાત્સલ્યદ્રષ્ટિ પ્રણયમાં પરિવર્તિત થતાં શોભના પ્રત્યેની તેમની આસક્તિ વધી. એને પોતાની બનાવવા કવિનુ હૈયું ઝંખવા માંડયું. એક તરફ રાણી રમાબા તરફ પોતાના કર્તવ્યની સભાનતા હતી તો બીજી તરફ શોભના તરફ અપાર આકર્ષણ હતું. આમાંથી રસ્તો કાઢવા કલાપીએ મણિલાલ અને દરબાર વાજસુર વાળાનું માર્ગદર્શન લીધું. પોતાની જાતને બોધ આપવા ‘બિલ્વ મંગળ’ અને ‘ભરત’ જેવા કાવ્યો લખ્યા પણ એમાંથી એમને સાંત્વના ન મળી. રાજમહેલમાં ઉદ્વેગ ઉમેરાયો. સને ૧૮૯૭ના એપ્રીલ માસમાં માનસિક શાંતિ મેળવવા માટે કલાપી મહાબળેશ્વર ગયા. ત્યારે પોતાના માર્ગનો કાંટો દૂર કરવા રમાબાએ શોભનાને રોહાના ખવાસ જ્ઞાતિના રામજી લખમણ નામના યવાન સાથે પરણાવી દીધી, પણ કવિના હૃદયમાંથી શોભના ન ખસી, તેમના દિલમાં હજાર હજાર વીંછીના ડંખ જેવી વેદના પ્રગટીઃ
કવિએ શોભનાને ઉદ્દેશીને લખ્યું ઃ
રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટયો તેને અરર ! પડી ફાળ હૈયા મહીં ને !
રે રે લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતા.
અને એક દિવસ લોકલાજ અને રાજમહેલની મર્યાદાનો અંચળો આઘો હડસેલીને કલાપી સાસરીમાં દુઃખે દહાડા વિતાવતી મોંઘી ઉર્ફે શોભનાને રાજમહેલમાં લઈ આવ્યા અને તા. તા. ૭-૯-૧૭૯૮ના રોજ એની સાથે વિધિવત્ લગ્ન કરીને સ્નેહરાગનીને હૃદયરાગની બનાવી. રાજમહેલમાં ખળભળાટ મચી ગયો.
શોભનામાં પોતાની પ્રતિકલ્પનાને અપેક્ષિત તૃપ્તિ ન મળતાં, કલાપીએ ગાદીત્યાગનો દ્રઢ નિર્ણય કર્યો. આમ શોભના સાથે લગ્ન પછી પાંચ મહિનામાં જ કલાપીના આનંદની અવધિ આવી જાય છે. એમના અંતરમાંથી એક સવાલ ઊઠે છે ઃ ‘ને આશામાં મધુર સુખ, તે તૃપ્તિમાં કેમ છે ના ?’ રાગનું પ્રકરણ પૂરું થતાં ત્યાગનું પ્રકરણ આરંભાયું. એ અરસામાં ગુજરાત- સૌરાષ્ટ્રમાં છપ્પનિયો દુષ્કાળ પડેલો. પ્રજાને અન્નપાણી પૂરા પાડવા કલાપીએ રાજ્યની તિજોરી ખાલી કરી મૂકી. પોતાની પ્રજામાંથી કોઈ ભૂખથી મરણ ન પામે તેની કાળજી લીધી.
દરમ્યાનમાં કલાપીની આધ્યાત્મિક ભૂખને લીધે વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ વધતા ગયા. દરબારી ઠાઠમય જીવન શુષ્ક લાગવા માંડયું. કેટલાક પોકળ સંબંધોના અનુભવોને લીધે રાજગાદીનો ત્યાગ કરવાનો અને પંચગીનીમાં શોભના સાથે રહીને શાંતિપૂર્ણ સાચા આત્મીય આનંદ સાથે જીવન ગુજારવાનો સંકલ્પ કર્યો. તેઓ રાજગાદી ત્યાગવાના નિર્ણયનો અમલ કરે તે પહેલાં તો તા. ૯-૬-૧૯૦૦ને શનિવારના દિવસે ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવીનું અકાળે આકસ્મિક અવસાન થયું અને તે રહસ્યોની ચાદરમાં લપેટાઈ ગયું.
આજે સાહિત્યિક સંસ્થાઓ કલાપીને ભૂલી ગઈ છે પરંતુ કલાપીનું સ્મરણ કરાવતું રૂ. ૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલું ‘લાઠીનું કલાપીતીર્થ સંગ્રહાલય’ કલાપીની સ્મૃતિને તાજી કરાવે છે. વાત એમ બની કે સને ૨૦૦૩માં મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરોની ચિંતન શિબિર યોજાઈ તેમાંથી પ્રેરણા લઈને એ સમયના અમરેલીના કલેક્ટર પ્રવીણ ગઢવીએ નાગરિકોના સહકારથી આ સંગ્રહાલય ઉભું કર્યું. તેમાં કલાપીનું સાહિત્ય અને તેમના સમયની ચીજવસ્તુઓ સચવાઈ છે. કોઈકવાર લાઠી જાઓ તો સંગ્રહાલયની અવશ્ય મુલાકાત લેજો.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ