ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે ગોદડભાઇ! બાકી આ તો માનપાન અને મોભાની વાત ગણાય.’ સાથીદારો હસ્યા: ‘જૂનાગઢના દીવાન કલ્યાણ શેઠ આપણને મળવા બોલાવે એના જેવી બીજી રૂડી વાત કઇ?’ ‘તમને એના આમંત્રણથી હરખ થાય છે, આપા?’‘હા, થાય જ ને? આખા પાંચાળમાંથી કોઇને નહીં અને ધાંધલપુરના ગોદડ ખવડને મળવા બોલાવે, ઇ વાત નાખી દેવા જેવી નથી, આપા!’‘નાખી દેવાની હોય તો વાંધો નૈ પણ જૂનાગઢનો ઇ વાણીયો કરાફાત છે ભા! કોઠીમાં નાખીને સાણેથી ખેંચે એવો.’
‘પણ ગોદડભાઇ! કેમ જાણ્યું કે કલ્યાણ શેઠ આપણી હાર્યે બાજી બગાડશે?’‘એને આખો સોરઠ ઓળખે છે ભાઇ! એના સિંચોડામાં જૂનાણાનો નવાબ હામદખાં, શેરડીના છોતાની જેમ નીચોવાઇ ગયો છે. એણે જૂનાગઢના અમરજીનું મોત કમોત કરાવ્યું… રઘુનાથજી અને રણછોડજી જેવા ડાહ્યા નાગરોને હદપાર કરાવ્યા.’
‘ઇ તો જોયું જાશે, ગોદડભાઇ!’ ભાયાતો ઘોડે ચડ્યા: ‘હાંકો ઘોડા.’ અને ધાંધલપુરથી વીસ ઘોડા આણંદપરના માર્ગે ડાબલા વગાડી ગયા.‘ઓહોહો… ભલે પધાર્યા આપા!’ સમાચાર મળતાવેંત જૂનાગઢના ગિરનાર જેવો હોદ્દો ધરાવનાર દીવાન કલ્યાણજી શેઠ સામે આવ્યો અને આપા ગોદડને ભેટ્યા: ‘તમારી તો હું કાગડોળે વાટ જોઉં છું હો ગોદડભાઇ…! લ્યો, હાલો ઉતારે.’ દીવાને સૌને ઉતારે લીધા.
‘બોલો શેઠ! શો ખપ પડ્યો મારો?’ ગોદડ ખવડે વાત ઉચ્ચારી. જેની પાઘડીના આંટે આંટામાં રાજરમત, દગલબાજી અને કાવાદાવા વિંટાયા છે એવા કલ્યાણ શેઠે આસપાસ જોયું અને ઊભા થયા: ‘ગોદડભાઇ! હાલો આપણે અંદર ઓરડામાં જઇએ. વાત જરા ખાનગી છે.’
સવાવેંત ઊંચા રૂના ગાદલા પર બે તકિયા મૂકીને કલ્યાણ શેઠે આપા ગોદડને જમણી બાજુ બેસાડ્યા અને વાત આરંભી: ‘સાંભળો આપા! અમે અટાણે ભીંસમાં છયે. જૂનાગઢ રાજનો ખજાનો સાવ ખાલી છે.’‘છોકરાં જેવી વાત કરોમા શેઠ!’ ગોદડભાઇ અચંબાઇને બોલ્યા. ‘જૂનાગઢના દામાકુંડ જેવડો મોટો અને ઊંડો નવાબનો ખજાનો ખાલી શાનો થાય? મશ્કરી કરોમા શેઠ!’‘છાતી ચીરીને થોડી દેખાડાય આપા? આ કાંઇ હંહવાની વાતું નથી… ત્રણ ત્રણ મહિનાથી લશ્કરના પગાર ચૂકવાણા નથી.’
‘શેઠ! લશ્કરને પગારની જરૂર પણ ક્યાં છે?’ ગોદડ ખવડ પણ રમતની ચોપાટે ચડ્યા: ‘નવાબના લશ્કરને લીલાલહેર છે બાપ!’ ‘મરચાં ભાંગો છો આપા ગોદડ!’ ‘નારે શેઠ! મરચાં શું લેવા ભાંગું? તમે કાંઇ દુશ્મન છો? પણ ખાલી ખજાનાની વાત ગળે નૈ ઊતરે.’ ‘ખાલી… સાવ ખાલી! આપા! તળિયા ઝાટક!’ આપાના મોં સામે ઓશિયાળી લાગે એવી રમતીલી આંખ માંડી: ‘આ તો ભીડ ભાંગવાની વાત છે ગોદડભાઇ!’ ‘તમારી ભીડ ભાંગવા માટે તો કોક ખમતીધરની જરૂર શેઠ!’
‘ખમતીધર વળી કોણ?’ કલ્યાણ શેઠ હસ્યો: ‘આપા ગોદડ જેવો બીજો ખમતીધર કોણ?’આપો ગોદડ સાવધાન થયા: ‘ભલા’દમી! મારું તે કાંઇ ગજું છે?’ ‘તમે રમત કરોમા, ગોદડભાઇ!’ કલ્યાણ શેઠ ગંભીર બન્યો: ‘તમારા સિવાય ક્યાંય નાખી નજર પોગતી નથી અને મને ભરોસો છે કે ધાંધલપુરનો ગોદડભાઇ ખવડ અમારી ભીડ ભાંગશે… અમારે વધારે નહીં માત્ર એક લાખ ‘જામી’ની (નવાબી ચલણ)! જરૂર છે. તમને વ્યાજ દેશું હાઉં?’ ‘કલ્યાણભાઇ! તમારા એક લાખ જામીનું વ્યાજ થાય એટલી રકમ પણ મારી પાસે નથી.
‘તમે છટકી જાવમા આપા ગોદડ!’ કલ્યાણ શેઠના અવાજમાં ટીખળના છાંટા ઊડ્યા: ‘તમારી પાસે સગવડ છે માટે મેં વેણ નાખ્યું છે.’ ‘આવડી મોટી રકમ? વાત કરોમા શેઠ!’ આપો ગોદડ અકળાઇ ઊઠ્યા: ‘દીવાનસા’બ! મારા કોક શત્રુએ તમારા કાન ભર્યા છે. બાકી હું તો સાધારણ કાઠી છ’વ… હા, સૂરજદાદાને પ્રતાપે રોટલો છે અને ‘આવ્યા ગયા’ની સરભરા અને સગવડ છે.’
‘તો સાંભળો આપા! જૂનાગઢ સાથે સંબંધ જાળવવાના લાભ ઘણા અને બગાડવામાં હાનિ! આ તો તમને મોકો મળે છે. નવાબ જેવો હજાર ગામનો ધણી તમારી પાસે હાથ લાંબો કરે છે.’ ‘ખમ્મા નવાબ સા’બને દીવાન! પણ મારી પાસે સગવડ નથી.’ ચબૂતરા પરથી કબૂતરોનો કાફલો ઊડે એમ કલ્યાણ શેઠના ચહેરા ઉપરથી વિવેક, નમ્રતા, ખાનદાની અને માણસાઇ ઊડી ગયાં. ‘આપા ગોદડ, ના પાડતા પહેલાં હજાર વાર વિચાર કરી લેજયો.’
‘વિચારીને જ ના પાડી છે દીવાનસા’બ! નાણાં નો’ય તો ક્યાંથી કાઢું?’ ‘ના પાડવામાં સારાવાટ નથી આપા!’ ‘કલ્યાણ શેઠ! હું કાંઇ જૂનાગઢની તમારી રૈયત છું? તમારો તાબેદાર છું? જૂનાગઢ મારી પાસે ધરોંત માગે છે શેઠ?’ ‘હા આપા! ધરોંત માગે છે.’ કલ્યાણ શેઠની પાઘડી ઊંચીનીચી થઇ: ‘જૂનાગઢ ધારે એની પાસેથી નાણાં કઢાવી શકે છે આપા!’ ‘તમારી ધમકીથી ગોદડ ખવડ ડરી જાશે એમ માનતા હો તો તમે ભીંત ભૂલ્યા છો, કલ્યાણ શેઠ!’ ‘ઇ તો આપા! શરમ’ના વાગશે એટલે ખબર પડશે કે ભીંત કોણ ભૂલ્યું છે?’ ‘તો કલ્યાણ શેઠ! એકને બદલે બે તલવાર બાંધીને આવજો. હું કાઠીનો દીકરો છું. મોતથી ડરું તો ગિરાસ શાનો ખવાય? અમે તો ખડિયામાં ખાપણ રાખનારા નાના ગિરાસદાર!’ અને ગોદડ ખવડ ઊભા થઇ ગયા.
‘રહેવા દો આપા!’ કલ્યાણ શેઠ ગરજ્યો: ‘તમારા પટારામાં સોનાચાંદી ભયાઁ છે એ મારા આરબો અને સંધીઓના હાથે ભૂંડાઇના લૂંટાશે.’ ‘મારા પટારા ઉપર જૂનાગઢનું નામ લખેલ છે દીવાન? પટારે હાથ નાખતાં પહેલાં અમારા ઝાટકા ખાવા પડે સમજયાને?’ ગોદડ ખવડ ઘોડીએ ચડ્યા અને કલ્યાણ શેઠ ઉપર તીખાર વેર્યો: ‘તમે શેઠ! અમરજીનું મોત કરાવ્યું અને રણછોડજીને હદપાર કરાવ્યા અને હવે ધાંધલપુરને આંખમાં લીધું?’ ‘હા આપા! કલ્યાણ શેઠની જ્યાં આંખ મંડાય ત્યાં મોં’કાણ થાય.’
‘તમારી ઇ આંખને ધાંધલપુરના કાઠીઓ પરપોટાની જેમ ફોડી નાખશે શેઠ!’ ગોદડ ખવડ ગયા. ધૂંવરાળ થઇ બેઠેલા કલ્યાણ શેઠે કાસદને કાગળ લખી આપ્યો.‘ નવાબ સાહેબને માલૂમ થાય કે ધાંધલપુરના ગોદડ ખવડના ગઢમાં સોનાચાંદી અને ઝવેરાતના પટારા ભર્યા છે. એની પાસે ફક્ત દોઢસો બસો કાઠીઓ છે. આંકડે મધ છે અને માખીઓ નથી માટે લશ્કર લઇને આવી પૂગો હું રાહ જોઉં છું.’
કલ્યાણ શેઠનો મીઠો મધ જેવો સંદેશો વાંચતા નવાબ હામદખાનના મોંમાં પાણી આવ્યાં: ‘ફક્ત દોઢસો કાઠીઓની મુફલીસ રખવાળી વચ્ચે આવડી મોટી મિલકત ગોદડ ખવડ સલામત રાખે છે! મારા એક જ ધક્કે ભૂકકા!’ અને જૂનાગઢની ખાલીખમ્મ તિજોરીને ગોદડ ખવડના સોનાચાંદીથી છલકતી કરી નાખવાનાં રેશમી સપનાં લઇને નવાબ દોઢ હજારનું લશ્કર અને તોપખાનું લઇને ધાંધલપુર ઉપર ચડ્યો. સૌ સિપાઇઓને મધલાળ આપી: ‘ગોદડ ખવડનો ખજાનો લૂંટવામાંથી જે કાંઇ મળશે એમાં તમારો પણ ભાગ લાગશે.’ અને ત્રણ ત્રણ માસથી જેણે સિક્કાનાં દર્શન નથી કર્યા અને ભૂખમરાને ઉંબરે તાપીને ભૂખ્યા ડાંસ બનેલા સિપાઇઓ, ઊલળી ઊલળીને ઘોડે ચડ્યા.
નવાબનું આ વાવાઝોડું પાંચાળ વિંધીને ધાંધલપુર માથે ત્રાટક્યું… વ્યૂહ ગોઠવાયા. તોપોનાં નાળચાં લાંબાં થયાં અને ગોદડ ખવડના ધાંધલપુરને સાકરની કણીને મકોડો ઘેરે એમ ઘેરી લીધું. ગોદડ ખવડે દરવાજા બંધ કર્યા. કાઠીઓ ગેરીલા ઢબે લડવા ટેવાયેલા હતા.
તોપોના પ્રહારો ચાલુ થયા. પણ ધાંધલપુરના કિલ્લાએ એકાદ કાંકરી પણ તોપચીને ન આપી. સૈનિકો, દીવાન અને નવાબ આંધળા ભીંત થઇને મંડાયા પણ ધાંધલપુરના પેટનું પાણી ન હાલ્યું…! ગોદડ ખવડ અને કાઠીઓ રાત વરતે ત્રાટકીને લશ્કરી છાવણીમાં બોકાસા બોલાવતા હતા.
ત્રણ માસ એકધારો આ મરણિયો જંગ ચાલ્યો. છેવટે નવાબના બેકારી ભોગવતા સિપાઇઓ કંટાળ્યા. પગાર કે નાણાંના નામે ખેરસલ્લા પણ રાતની ઊંઘ પણ વેચાઇ ગઇ! રોટલાના ટાઢા ટુકડા, અનિદ્રા અને હતાશા… માથા જતાં હતાં પણ માલ મળતો નહોતો.
‘બનિયા!’ નવાબે કલ્યાણ શેઠને ભીંસ્યો: ‘તેં તો મારું મોત બગાડ્યું કાફર! મળ્યું નહીં કાંઇ અને માણસો ઓછા કરાવ્યા. મને તારી સલાહ પર ચાલવાની કમતિ સૂઝી અને આબરૂના કાંકરા કરવા ધાંધલપુર આવ્યો.’ ‘કલ્યાણ શેઠ રાત પછી લીંબડી ભાગી ગયો…. નવાબે રાતોરાત વાવટા સંકેલ્યા કે વહેલું આવે જૂનાગઢ!’
તોરણ – નાનાભાઈ જેબલિયા