મુંબઇના મહાસાગરના મોતી વીણવા બેઠો છું. સંશોધનના ખજાનામાંથી સો વર્ષ પૂર્વેનું એક સંભારણું સરી પડે છે.
નેકબખ્ત નામ છે કાસમ મીઠા. એમના દાદાનું મૂળ વતન જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. નાત જાત જાણવી હોય તો ઉંમર ચાચા હાલાઇ મેમણ કોમના. નેક દિલના વેપારી. ‘અગણોતેરો’ દુષ્કાળ ભાણવડની ભૂમિ પર ઉતર્યો. બરડાના જંગલના ઝાડપાન સુકાયા. પાણી પાતાળે પુગ્યા. દુષ્કાળ દાટ વાળવા માંડયો. કાળ-જાળ કાળનો
પંજો પોતાની ઉપર પડે એ પહેલાં ઉંમર ચાચા કુટુંબ કબીલાને લઇને ભાણવડની ભૂમિને અલવિદા કરીને ભીમડીમાં આવીને વસવાટ કર્યો. મેમણ વેપારી હાથ જોડીને બેસી રહે ? ભીમડીમાં ધંધો શરૂ કર્યો. જીવન નિર્વાહ ચાલવા માંડયો. ઉમરચાચાને ઘરે પુત્રનું પારણું બંધાયું. નામ રાખ્યું મીઠાભાઇ. મોટા થઇને મીઠાભાઇએ ધંધામાં પિતાને ટેકો દીધો. આ મીઠાભાઇને ઘરે કાસમભાઇનો જન્મ ૧૮૩૮માં. કાસમ મીઠાના નામે ભીમડામાં જાણીતા થયેલા જુવાને તકદીરને તોળી જવા માટે ગરીબ માતા-પિતાની માયા મુકીને મુંબઇનો માર્ગ લીધો.
ત્યારે જગત પર ઇ.સ. ૧૮૬૩ની સાલ સરતી હતી. કાસમ મીઠાએ મેસર્સ માર્ટીન એન્ડ કંપનીમાં તાબેદારી સ્વિકારી. મુંબઇમાં ઠરીઠામ થવા પહેલ કરી. એ પછી મેસર્સ શિવલાલ મોતીલાલની કંપની અને મેસર્સ જેરામ પીરભાઇની કંપનીમાં કામ કરી કાબેલીયત મેળવી. ત્રણ વરસના ગાળામાં કાસમ મીઠાના મનમાં પોતાનો સ્વતંત્ર ધંધો કરવાના મનોરથો જાગ્યા. ઇ.સ. ૧૮૬૭ માં કમિશન એજન્ટ અને બેન્કની પેઢી માંડવી બંદર પર સ્થાપી સિદ્ધિના સોપાને પ્રથમ પગલું મૂક્યું. કાસમ મીઠાની નજર મીઠાના ઉદ્યોગ પર પડી. બીજા વર્ષે ઇ.સ.૧૮૬૮માં તેમણે મીઠાના ઉદ્યોગને આંબી જવા બેલાપુર, વસઇ, પેન, માટુંગા, ઉરણ અને ત્રાંબવેમાં અગરો રાખ્યા. મબલખ મીઠું પકવવા માંડયું. પાકેલા મીઠાના વિતરણ માટે રાયપુર, ડુંગરગઢ, ચંદ્રપુર, આકોલા, ખાનગામ, ધૂલિયા, સિક્રન્દ્રાબાદ અને મદ્રાસ જેવા બાવીસ મથકો ઉપર આડતિયા ઠરાવીને મીઠાનું વિતરણ આરંભી દીધું.
થોડા જ વખતમાં કાસમ મીઠાનું નામ લક્ષાધિપતિમાં ગણાવા માંડયું. ઇ.સ. ૧૮૯૩માં એકાએક મુંબઇના મલકતા મોં ઉપર રૂધિરના રેલા ઉતર્યા. કોમી તંગદિલીનો તનાવ તપવા લાગ્યો. એની આગના અંગારા અનેકને આંબવા લાગ્યા. ત્યારે કાસમ હાજી મીઠાના અંતરમાંથી અવાજ ઉઠયો. જનમ્યો, ધંધો કર્યો, પાંચ પૈસા પેદા કર્યા, ખાધું, પીધું, બસ આટલાથી જીંદગીની સીમા આવી જાય ? એનું અંતર પોકારી ઉઠયું – ના. જાણે એટલા જ જવાબની રાહ જોતા હોય એમ એ ઉઠયા. કોમી આતશની આગને ઠારવા દોડધામ શરૂ કરી. પ્રજાને પ્રેમથી પડકારી, સરકારને સહાય કરી. દિવસો સુધી અંગ્રેજ અને દેશી ફોજના માણસોને ભોજન પહોંચાડતા રહ્યા. સરકારે જ્યારે ભોજન ખર્ચનું બીલ રજુ કરવા કાસમભાઇને સૂચધ્યું ત્યારે જવાબ આપેલો કે…
‘અમારા દેશમાં રોટલાના રૂપિયા લેવાતા નથી.’
પૂર્વવત્ શાંતિ સ્થપાય એની યશની કલગી કાસમ હાજી મીઠાને માથે ચઢી. પાંચસો હિન્દુ વેપારીની સહીવાળો પ્રશસ્તીપત્ર મુંબઇના ગવર્નરને પેશ થયો. એ પત્રે કાસમ હાજી મીઠાને જે.પી.નો માનવંતો ખિતાબ અપાવ્યો. મુંબઇ ઉપર મરકીનો મહાકાળ ઉતર્યો ત્યારેે સરકારથી ચૂપ રહેવાયું નહિ. સરકારે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવા પ્રયાસો શરૂ કર્યા પણ કાસમ હાજી મીઠાએ સરકારને સલાહ આપી કે તમારા જ્ઞાતિના અગ્રેસરોએ પોતપોતાના વિસ્તારોમાં સ્વાયત્ત ઇસ્પીતાલો શરૂ કરવી જોઇએ. જે સરકાર માન્ય રહી. તે સલાહ સાથે પોતે જમાતખાનામાં દવાખાનું શરૂ કર્યું. શ્રેષ્ઠ સારવાર, શુદ્ધ કારોબાર અને ઉત્તમ વ્યવસ્થા જોઇ સરકાર રાજી થઇ.
અંગ્રેજ સરકારની અલ્હાતાલાના ઓલીયા પર અમી નજર ઉતરી. ખાનબહાદૂર નો ઇલ્કાબ આપી તેનો આદર કરવામાં આવ્યો. ત્યારે ઇ.સ. ૧૮૯૫ ની સાલ ચાલતી હતી. મરકીની મુશ્કેલીમાંથી મુંબઇની પ્રજા મહામુસીબતને ઉગરી, નિરાંતનો દમ લીધો ન લીધો ને દુષ્કાળ દેખાયો. અનાજના ભાવ આસમાને આંબવા લાગ્યા. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો અકળાયા. કાસમ હાજી મીઠાએ પાયધુની પર અનાજની ગુણોનો ડુંગર ખડકી દીધો. સસ્તા અનાજનો કાંટો માંડી દરરોજના બસ્સો રૂપિયાની ખોટ ખુદાના બંદાએ ખુશીથી ખમવા માંડી. સસ્તુ અનાજ મળે છે એવી જાણ થતાં લોકોની કતાર લાગવા માંડી. દૂરદૂરથી પ્રજાના પગલા પાયધુની પર પડવા લાગ્યા. રહેમદીલ કાસમ હાજી મીઠાએ કોલાબાથી માહિમના નાકા સુધીના ચકલેચકલે સસ્તા અનાજના કાંટા મંડાવી મુશ્કેલીનો અંત લાવી દીધો.
તેની નજર મુંબઇને ઓળંગીને પણ આગળ ઉતરી. જ્યાં દુષ્કાળના દુઃખે પ્રજા પીડાતી હતી ત્યાં ચોખાની ૨૨૦૦ ગુણો રવાના કરાવી અને અનાજની હજારો ગુણો દુરના દુષ્કાળ પીંડિતોના પેટ પૂરવા મોકલી આપી. પૈસાથી પીડાયેલા પણ આબરૂથી અણનમ એવા અંદરથી મુંઝાતા માનવીના મનને પારખનાર આ પરમાર્થી પુરુષના ધ્યાન બહાર નહોતું રહ્યું કે, કેટલાક કુંટુંબો ‘મરી જશે પણ માંગશે નહીં.’ એવા કુટુંબોને સામે ચાલીને પોતાના ભરોસાવાળા માણસો દ્વારા પ્રત્યેકને ઘેર ત્રણ પાલી અનાજ ગુપ્ત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરી.
આ તમામ કાર્યમાં નાત, જાત કે ધર્મનો ભેદ નહોતો. ભેદની તમામ દિવાલો ભાંગીને આમ જનતાની આપત્તિના એક એક પ્રસંગે પ્રચંડ પડકાર સામે પરમાર્થી બનીને ઉભા રહેલા આ અમીર અંતરના અણનમ યોદ્ધાએ હજયાત્રાએ જવાની ઝંખના કરતા લોકોને ત્યાં મોકલી આપ્યા અને આવતા લોકને પોતાના વતન જવા માટેની વાટખર્ચી આપીને વિદાય કરવાનું કામ મુંબઇના માનવીના મનમાં મહામાનવ તરીકે તરવા લાગ્યું એમ સરકારના ચોપડે ‘સરદાર’ ના ઇલ્કાબ માટે નોંધાઇ ગયું. ઇ.સ.૧૮૯૭માં મહારાણી વિકટોરીઆની ડાયમંડ જયુબીલીના મહામુલા અવસરે ‘સરદાર’નો ઇલ્કાબ કાસમ હાજી મીઠાને એનાયત થયો ત્યારે તેનું પૂરુ નામ આ રીતે લખાતું થયું – ખાનબહાદૂર કાસમ હાજી મીઠા, જે.પી.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ