બાબરા ભૂતના ત્રાસથી તથા ઉપદ્રવથી કરણ રાજા, ફુલારાણી તથા રાજમહેલના સઘળા લોકો, અને પાટણના સર્વ રહેવાસીઓ છુટ્યા, તેથી બેસતા વર્ષને દહાડે સઘળે આનંદ થઈ રહ્યો. ઘેરઘેર ખરી દીવાળી તો તે જ દહાડે થઈ, અને લોકો ઘણાં ઉમંગથી સવારના પહોરમાં એક બીજાને જુહાર કરવા, બોહોણી લેવા તથા અન્યોન્ય ભેટ લેવા ઘણાં ઊંચા વસ્ત્ર પહેરીને નીકળ્યા. તે વખતે પોતાના મહેલમાં હરપાળ તથા શક્તિ દેવી ઉલ્લાસથી વાત કરતાં હતાં, રાજાના દરબારમાં જવાની તૈયારી કરવામાં પડ્યાં હતાં, તથા કરણ રાજા જો કાંઈ ઈનામ આપવાનું કહે તો શું માગવું તે વિષે ખાનગી ગોઠડી કરતાં હતાં.
આસરે દોહોડ પોહોર દહાડે દરબાર ભરાવા લાગ્યું. દશેરાને દહાડે જેઓ મળ્યા હતા તેઓની સાથે આ વખતે પુરના મુખ્ય વ્યાપારીઓ તથા બીજા શ્રીમંત લોકો પણ દરબારમાં બિરાજેલા હતા. હરપાળ પણ ઘણાં ભભકાદાર લુગડાં પહેરીને આવ્યો. તેને રાજાએ પોતાના જમણા હાથ તરફ પાસે બેસાડ્યો. જુહારનું તથા તે દહાડાનું બીજું કામ થઈ રહ્યા પછી કરણે હરપાળની તરફ જોયું, તેણે જે મહાભારત કામ કીધું તેને માટે તેને શાબાશી સાથે ઉપકાર માન્યો, અને એ કામનો ઘટતો બદલો તો તે આપી શકે તેમ નહતું તથાપિ જે કાંઈ તે માગે તે ઘણી ખુશીથી તેને આપવાનું તેણે કબુલ કીધું, હરપાળે ઉઠી રાજાને સાષ્ટાંગ દંડવત્ કીધા, અને હાથ જોડી એટલું જ માગી લીધું કે એક રાતમાં જેટલાં ગામ ઉપર તોરણ બંધાય તે સઘળાં મને ઈનામમાં આપવાં.
હરપાળ એટલું જ માગશે એમ કરણને આશા નહતી; એથી વધારે ઇનામ માગી લેશે એમ તેને ફિકર હતી. પણ હમણાં જ્યારે તેણે હરપાળની વિનંતી સાંભળી ત્યારે તે ઘણોજ ખુશ થયો, અને એક રાતમાં તો ઘણાંજ થોડાં ગામો પર તોરણ બંધાઈ શકાશે, એમ ધારી તેણે તેની અરજ તુરત કબુલ કીધી. દરબાર બરખાસ્ત થયા પછી હરપળ પોતાને ઘેર ગયો, અને સઘળું બન્યું હતું તે પોતાની વહુને કહ્યું. હવે રાત્રે જેમ બને તેમ વધારે ગામો ઉપર તોરણ બાંધી શકાય એવી ગોઠવણ કરવાના કામને વાસ્તે એકલી શક્તિ દેવી બસ હતી. પણ માત્ર તેમનાથી જ તે કામ મનમાનતી રીતે થઈ શકશે એવો પાકો ભરોસો હરપાળને આવ્યો નહી. થોડેએક વિચાર કીધા પછી તેને બાબરો ભૂત યાદ આવ્યો. જ્યારે જરૂર પડે ત્યારે તેને મદદ કરવાનું ભૂતે કબુલ કીધું હતું, અને વળી જો તેને કાંઈ કામ સોંપવામાં નહી આવે તો તે તેને ખાઈ જશે એવી તેની સાથે શરત થઈ હતી. તેથી બાબરાને એકદમ બોલાવી મંગાવી તેને પણ શક્તિની સાથે સામેલ રાખવો એવો તેણે ઠરાવ કીધો. બાબરાનું ધ્યાન ધરતાં જ તે તુરત હરપાળ આગળ આવી ઉભો રહ્યો, અને તેની સઘળી વાત સાંભળી લીધી. એક તો તે હરપાળને પૂરતી રીતે મદદ કરવાને બંધાયલો હતો, અને બીજું તેને વધારે મદદ કરવાથી કરણનું નુકસાન વધારે થશે, અને તેથી તેના મનનું ધારેલું વેર કંઈક લેવાશે એ બંને વિચારથી તે ઘણો ખુશ થયો, અને દીવા થતે પોતાની સાથે બીજા મદદગાર ભૂતોને લઈને હાજર થવાને વચન આપ્યું. કબુલ કીધેલે વખતે તે સવા લાખ ભૂતને તેડીને આવ્યો, અને શક્તિદેવીને સાથે લઈ તેઓ સઘળાં તોરણ બાંધવા નીકળ્યાં.
બીજે દહાડે સવારે કરણે પોતાના પ્રધાનને એક સાંઢણી આપીને કેટલાં ગામે ઉપર તોરણ બંધાયાં તેની તપાસ કરવાને મોકલ્યો. આગળ જતાં માલમ પડ્યું કે પહેલું તોરણ પાટડી ઉપર રાત્રે નવ વાગતે બંધાયું, પછી તેના તાબાનાં છસો ગામો ઉપર તોરણ બંધાયાં, અને સવારના ચાર વાગતાં સુધીમાં કુલ બે હજાર ગામો ઉપર તોરણ બંધાયાં. પ્રધાન ઘણો ગભરાયો, અને ધાર્યું કે આ તો હરપાળે ગજબ કર્યો. તેણે તે ગામોની એક ટીપ કીધી, એને કરણને આપી, એ ટીપ વાંચીને તેને જે ક્રોધ ચડ્યો, તથા આશ્ચર્ય લાગ્યું તેનો વિચાર માત્ર કરી લેવો. બે હજાર ગામ ઇનામમાં આપવાં ! શું બાબરા ભુતને કાઢવાને બે હજાર ગામનું ઈનામ ? અરે કેશવને મારતાં બે કોડી પણ ખર્ચ થયો નથી, અને તેના મરી ગયા પછી તેના ભૂતને ગામ બહાર કાઢવાને આટલી મોટી બક્ષિશ કરવી ? ગુજરાતના કોઈ પણ રાજાએ આટલી મોટી જાગીર કોઈને આપી નથી, કોઈ પણ રાજાએ પોતાના પ્રાણ બચાવનારને પણ આટલું મોટું ઈનામ આપી દીધું નથી, તો આજે એક પ્રેતને શહેર બહાર હાંકી કાઢનારને મારે આટલું ઈનામ આપવું પડે છે ? હું વચનથી બંધાયો છું; મેં મારો કોલ આપ્યો છે, અને રાજાનું વચન કદી પણ મિથ્યા થવું ન જોઈએ. વળી હરપાળ મારી માશીને દીકરો છે તેથી એને આપવાથી મને જરા સંતોષ થાય છે. હવે ગમે તેમ મન વાળવું ખરું પૂછો તે મારા દહાડા જ વાંકા બેઠા છે, અને મારા સઘળા ગ્રહો એ ગામ જવા માંડ્યું છે, અને મારી દુર્દશા થવાનો સમય પાસે આવતો જાય છે. હવે, વધારે વિચાર કરવાથી સારું ફળ નથી, માટે બક્ષિશનામા ઉપર સહીમોહોર કરી આપવાં.
તે જ દહાડે રાત્રે કરણ જયારે ફુલારાણીના મેહેલમાં ગયો ત્યારે તેની ઉદાસ વૃત્તિ જોઈને રાણી ઘણી જ દિલગીર થઈ. ભૂતનો ઉપદ્રવ મટવાથી તે ઘણી જ ખુશ થઈ હતી, અને આ રાત તેણે તેના ધણી સાથે આનંદમાં કાઢવાનો ઠરાવ કીધો હતો, પણ કરણના મ્હોડાએ તેના ઉલ્લાસ ઉપર ટાઢું પાણી રેડ્યું. પોતાના સ્વામીની દિલગીરીનું શું કારણ છે તેની તજવીજ રાણીએ કરવા માંડી, પણ ઘણીએક વાર સુધી કરણે તેની આગળ પોતાનું મન ખોલ્યું નહી, પણ સ્ત્રીહઠ આગળ પુરૂષ ઘણી વાર લાચાર થઈ જાય છે તેમ કરણ પણ આ વખતે થયો, તેને પોતાની મરજી ઉપરાંત તેની સ્ત્રી આગળ પોતાના ખેદનું ખરું કારણ બતાવવાની જરૂર પડી, ફુલાદેવી સઘળી વાત સાંભળીને ઘણું આશ્ચર્ય પામી, પણ રજપૂતાણી તેના ડહાપણ તથા સમયસૂચકતાને માટે પ્રસિદ્ધ છે. તેને એક ઉપાય તુરત સુઝ્યો, અને તે બોલી: “મારા સ્વામી ! તમે જરા પણ એ વિષે ફિકર રાખશો માં. હું હરપાળની દૂરની સગી થાઊં છું, તે મને બેન કહે છે, માટે આવતી બળેવે જ્યારે તેને રાખડી બાંધીશ, ત્યારે તેમાંથી ઘણાંએક ગામ માંગી લઈશ.” કરણ આ તદબીર સાંભળીને હરખાયો તો ખરો, પણ તેને લાગલું જ યાદ આવ્યું જે હરપાળ તો કાલે સવારે પાટડી જાય છે, અને ત્યાંથી તે પાછો આવવાનો નથી. ફુલારાણીએ આ પણ તેની ચિંતા મટાડી, તેણે પોતાના ચાકરને બોલાવી પોતાનો રથ જોડાવી મંગાવ્યો, અને લુગડાં ઘરેણાં પહેરી તેમાં બેસી હરપાળના મહેલમાં ગઈ.
હરપાળ તે વખતે જાગતો હતો તેથી તેની મુલાકાત સહેજ થઈ. માંહેમાંહે ખબર અંતર પૂછી, અને બાબરા ભૂતને કાઢી તેને મહા વેદનામાંથી ઉગારી તેને વાસ્તે તેનો ઘણો જ ઉપકાર માન્યો. આગળ વાતચિત કરતાં જ્યારે ફુલારાણીને જણાયું કે હરપાળ બીજે દહાડે સવારે પોતાના ઈનામી ગામ ઉપર જનાર છે ત્યારે તે બોલીઃ “ભાઈ ! તું તો જાય છે, પછી મારી કોણ બરદાસ્ત લેશે ? મારાં માબાપ તો મરી ગયાં છે તે તું જાણે છે, આખા જગતમાં મારે પીહેરનો સગો તું જ માત્ર છે, માટે જ્યારે તું જઈશ ત્યારે તે તરફનું કામ કોણ કરશે ? તથા તે તરફનો વહેવાર કોણ સાચવશે ? માટે ભાઈ ! જતા પહેલાં મારો કાંઈ બંદોબસ્ત કર, મારા ખરચને વાસ્તે કાંઈ કરતો જા.” આ સઘળું સાંભળીને હરપાળ ઘણું ગુંચવાયો, પણ તે લાચાર; તે હવે શું કરી શકે ? તેણે તેને પહેલાંથી બેન કહેલી એટલે હવે સગપણનો ઈનકાર પણ કેમ કરાય ? અને તેનું વાજબી માગણું આપ્યા વિના કેમ જવાય ? માટે જીવ કઠણ કરીને ત્યાંથી ઉઠી એક કાગળ તથા લખવાનાં બીજાં સાધન લઈ આવ્યો, અને ભાલનાં પાંચસેં ગામ તેને લખી આપ્યાં, ફુલારાણી બક્ષિશનામું લઈને થોડીવાર બેસી વદાય થઈ અને કરણને કાગળ આપ્યો.
બે હજાર ગામોમાંથી પાંચસે પાછા આવ્યાં, એટલા ઉપરથી કાંઈક સંતોષ માનવા જેવું હતું ખરું, પણ પંદરસેં ગામો ગયાં તે કાંઈ થોડું નુકશાન નહતું. હવે બીજો કંઈ ઉપાય નહતો તેથી તેણે જેમ તેમ મન વાળી ફુલારાણી સાથે તે રાત કાઢી. તે વખતે હરપાળ તથા શક્તિ ઘણી ઉંડા વિચારમાં પડ્યાં હતાં. બાબરા ભૂતને કાંઈ કામ સોંપવામાં ન આવે તો તે તેને ખાઈ જાય એવી તેણે શરત કીધી હતી, માટે પાટડી જતાં પહેલાં કાંઈ એવું કામ તેને આપવું કે તેનો પાર જ આવે નહીં. તે શું આપવું તે બાબત તેઓ વિચાર કરતાં હતાં. આખરે શક્તિને એક યુક્તિ સુઝી. તેણે બાબરા ભૂતને બોલાવવાને હરપાળને કહ્યું. બાબરો તુરત હાજર થયો. તેને એક મોટો લાંબો વાંસ લાવવાને શક્તિએ હુકમ કીધે. ભૂત તેવો એક વાંસ તુરત લાવ્યો. તેને ભોંયમાં દટાવ્યો, અને તે ઉપર ચઢવું અને પાછા ઉતરવું, પાછું ચઢવું ને ઉતરવું એ પ્રમાણે કર્યા કરવાને તેણે ભૂતને હુકમ કીધો. અને ફરમાવ્યું કે જ્યારે એમ ચઢ ઉતરનું કામ પુરું થાય ત્યારે બીજું કામ લેવાને મારી પાસે આવવું, એ પ્રમાણે બાબરા ભૂતનો નિકાલ થયો.
એ વાત બન્યાને એક મહીનો વીતી ગયો. હવે કરણ છેક નવરો પડ્યો, હવે તેને કાંઈ અગત્યનું કામ કરવાનું રહ્યું નહી, તેથી તેના મનનું જોર તેના શરીર ઉપર ચાલ્યું, અને તેની મનોવૃત્તિએ સઘળી પ્રબળ થઈ. પોતાના રાજ્યની ટુંકી મુદતમાં જે જે કામો તેણે કીધાં હતાં તે ઉપર તે વિચાર કરવા લાગ્યો. હવે પસ્તાવાનો કીડો તેના કલેજામાં પેદા થયો, અને તેને ધીમે ધીમે કોતરવા લાગ્યો. તેને ખાવું, પીવું તથા બીજી કોઈ તરેહનો એશઆરામ જરા પણ ગમે નહી; રાત્રિએ નિદ્રા આવે નહી, અને જો થોડી વાર કાંઈ ભાંગી તુટી ઉંઘ આવે તો ઘણાંએક ભયાનક સ્વપ્નાં આવી ઉંઘ તથા આરામનું ખંડન કરે. દસેરાની રાતની વંત્રીઓ, તેઓને આપેલે કોલ, તેને દીધેલી શિખામણ, ગુણસુન્દરીનો મરતી વખત પહેલાનો દેખાવ, શહેરના દરવાજા આગળ તેને તથા આખા રાજ્યને તેણે દીધેલો શાપ, તેની બળતી વખતની ચીસ તેના સાંભળ્યામાં આવી એવી કલ્પના, કેશવ બાબરો ભુત થઈ ફુલારાણીને વળગ્યો તથા આખા પુરને ભારે ઉપદ્રવ કીધો તે, એ સધળું વારે વારે અનુક્રમે તેના મનમાં રાત દહાડો આવ્યાં જ કરતું હતું. રોજ રોજ જ્યારે મધ્ય રાત્રે મનના ઉકળાટથી તથા ઉંઘ ન આવવાથી ઉત્પન્ન થતી અકળામણથી અર્ધો ઉંઘતો, અર્ધો જાગતો સુતેલો હોય તે વખતે કેશવ તથા ગુણસુન્દરી બંને તેની આગળ જાણે ઉભાં રહેતાં અને જે દુષ્ટ કામોથી તેઓનો પ્રાણ ગયો તેને વાસ્તે તેઓ રાજાને એટલો તો ઠોક પાડતાં કે તેને આખે શરીરે ઝરી છુટતી; બધું અંગ ઠંડુંગાર થઈ જતું, અને શુદ્ધિ આવતાં જે પશ્ચાત્તાપ તથા અંત:કરણને ભારે કષ્ટ થતું તેની તે કલ્પના જ માત્ર થઈ શકે. એવું મહાભારત દુ:ખ તેને સહેવું પડ્યું, અને તેની અસર તેના શરીર તથા મન ઉપર પણ જણાઈ આવી. આગળ તેનું જે બળવાન શરીર હતું તે ધીમેધીમે ઘસાવા લાગ્યું. તેનું લોહી લાલચોળ હતું તે ફિકું પડવા લાગ્યું, તેના ગાલ બેસી ગયા. તેની આંખ ઉંડી ખાડામાં પેસવા લાગી. તેનો ચહેરો આગળ જે નિશ્ચિંત તથા હસમુખો હતો તે ઉપર ચિંતા આવી બેઠી, અને તે ઉંડા વિચારમાં પડેલો હોય એમ હમેશાં દેખાવા લાગ્યો. તેની રાણીઓએ તેને અંગમોહથી, ચતુરાઈથી, તથા બાહ્ય વસ્તુઓની સહાયતાથી દિલગીરીમાંથી કાઢવાને ઘણા પ્રયત્નો કીધા, પણ સઘળા વ્યર્થ ગયા. જે રૂપસુન્દરીને વાસ્તે તેના ઉપર આ સઘળું દુ:ખ આવી પડ્યું, જેને વાસ્તે તેણે આ લોકમાં અપજશનો ગાંસડો બાંધ્યો, અને પોતાના રાજ્યને તથા શરીરને જોખમમાં નાંખ્યું, જે રૂપસુન્દરીને વાસ્તે તેણે પોતાના અમર આત્માને અક્ષય દુઃખના ખાડામાં નાંખ્યો, અને આ ક્ષણભંગુર જગતમાં હલકી જાતનું અનિશ્ચિત સુખ મેળવવામાં પરલોકમાંના સર્વોત્કૃષ્ટ, અમર્યાદ, અનંતકાળ સુધી પહોંચે એવાં અચળ સુખ ઉપરથી હાથ ઉઠાવ્યો, તે રૂપસુંદરીને પણ એક ખુણામાં રહેવા દીધી, અને તેની અપ્સરા જેવી કાન્તિ તથા પરી જેવા વદનને જોવાથી જે અપાર સંતોષની તે આશા રાખતો હતો, તે પુરી ન પડતાં ઉલટી તે નજરે પડતાં જ, બલકે તેનો વિચાર મનમાં આવતાં જ, તેને ઘણો જ સંતાપ ઉપજવા લાગ્યો. હાય હાય ! રૂપસુન્દરી ! રાજાની સાથે સમાધાન કરતી વખતે તેણે તેને મોટાં મોટાં સુખની જે આશા આપી હતી તથા પોતાની પટરાણી કરવાનું તેણે જે વચન આપ્યું હતું તે સઘળું પાણીના પરપોટાની પેઠે ફુટી ગયું, તું રાજ્ય મહેલના એક ખુણામાં પડી રહી, અને રાજાએ તને ન માની, એટલે આખા મહેલમાં તું શૂન્ય જેવી થઈ પડી.
માણસનું મન કેવું ચળ તથા અનિશ્ચિત છે ! જ્યાં સુધી તેને કોઈ વસ્તુ મળી નથી ત્યાં સુધી તેના ઉપર તેને અતિ ઘણો મોહ રહે છે, એને તે તેને મેળવવાને તન, મન, અને ધન સઘળું અર્પણ કરવાને તૈયાર થાય છે, અને મળ્યા પછી કેવું જતન કરી તેનો કેવો ઉપભેાગ કરીશ, તે વિના મારાથી એક ઘડી પણ જીવાશે નહી, અને આટલા દહાડા તે વગર ચાલ્યું એ કેવું આશ્ચર્ય, એવા અનેક વિચાર કરે છે. પણ તે એક વાર મળી એટલે તે તુચ્છ જેવી તેને દેખાય છે, તેની કિંમત પાણીના રેલાની પેઠે ઉતરી જાય છે, અને જે આઘેથી હીરો દેખાતો હતો તે પાસે આવવાથી એક કાચનો કડકો ઠર્યો તેથી તે બીજી નકામી વસ્તુઓમાં ભળી જાય છે, અને જેમ એક નાનું છોકરું રડીને એક રમકડું લે છે, અને તે મુકી બીજાને લેવાનું કરે છે, તેમ તેનું મન તે વાત ઉપરથી બીજી નવી વાત ઉપર દોડે છે. એ પ્રમાણે ફોકટ શ્રમ કરવામાં તેનું આખું આયુષ્ય વહી જાય છે, અને જે સુખ મેળવવાને તે તેનો અમૂલ્ય અવતાર અર્પણ કરે છે તે સુખ એક ભૂતના તાપણાની પેઠે આઘું જ જતું જાય છે.
કરણ રાજાને એ પ્રમાણે જ થયું. તેની જીંદગીના રસ્તા ઉપર તોફાન તથા અન્ધકાર આગળ આવવાનાં છે એમ તે જાણતો નહતો, તો પણ જેટલું દર્દ તેને હમણાં લાગતું હતું તે એટલું તો તીવ્ર હતું કે તે પોતાની જીંદગીથી છેક કંટાળી ગયો, અને દુ:ખની સામા થવાને તથા પાછું હડસેલવાને જુવાનીમાં જે ગુણ હોય છે તે તેનામાં દબાઈ ગયલો, તેથી પૂર્વે કેટલાએક રાજાએ એ કીધું હતું તે પ્રમાણે દુનિયાનો ત્યાગ કરી કોઈ પવિત્ર સ્થળે જઈ એકાંતવાસ કરી જગતની ચિંતાથી વિરક્ત થઈને પરમેશ્વરની ભક્તિમાં બાકી રહેલો આવરદા કાઢવાનો તેણે નિશ્ચય કર્યો. પણ હજુ તેનું મન સંસારની માયાની જાળમાંથી છુટું થયું નહતું, હજી તે સંસારના મોહથી છેક કાયર થયો નહોતો; હજુ તેના મનમાં રાજ્યપાટ ચલાવવાની, વિષયાદિ સુખ ભોગવવાની ઈચ્છા પ્રબળ હતી, તેથી દુનિયાનો ત્યાગ તેનાથી થયો નહીં. હમણાંનું દુ:ખ જલદીથી જતું રહેશે, આગળ ઘણું સુખ થશે, મનને વિષે જે અંધકાર, હમણાં આવીને ઠસેલો છે, તે વેરાઈ જઈને ત્યાં ભરપુર અજવાળું પ્રકાશશે એની તેને આશા હતી, અને એ આશાને જેશી લોક ઉત્તેજન આપતા હતા, તેના મહેલમાં રોજ રોજ જોશીઓનાં ટોળે ટોળાં આવતા હતાં, અને તે લોકોની કમાઈ તે વખતમાં એટલી તો વધી ગઈ હતી કે સઘળા બ્રાહ્મણો તથા જતિઓનું મન બીજી વિદ્યાઓ પડતી મુકી જ્યોતિષ શાસ્ત્રનો થોડો ઘણો અભ્યાસ કરવા ઉપર દોડ્યું. તેની જન્મોત્રી જોવાતાં જોવાતાં, તથા ઘણાએકના હાથમાં જવાથી ફાટીને ચીથરા જેવી થઈ ગઈ, અને અગર જો કોઈ વૈદ્ય અથવા સુરઈયો તે ફાટેલા કાગળને વાસ્તે એક પૈસો આપતાં પણ આચકો ખાય, તો પણ જોશીએાએ સ્વાર્થરૂપી ચસ્માં તેઓની આંખે પહેરેલાં તેથી તેઓને તો તે ચીથરીયા કાગળના કટકામાં કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ, રાજા કરણ જેટલી ઉદારતા, રાજા વિક્રમ જેટલો પરોપકાર, યુધિષ્ટિર જેટલી સત્યતા, ભીમ જેટલું અંગબળ, અને અર્જુન જેટલું પરાક્રમ દેખાતું હતું. જયારે ઘણા માણસો એકની એક જ વાત એક માણસને કહ્યા કરે ત્યારે તે છેતરાઈને સાચું માને એમાં કાંઈ ઘણું આશ્ચર્ય નથી. દુનિયામાં ઘણીએક વાતો ઘણાના કહેવા ઉપરથી જ સાચી મનાય છે, ત્યારે જેઓ જ્યોતિષ શાસ્ત્ર સાચું માને, તેઓ આવા આધાર ઉપરથી કહેલી વાત સહેલથી માન્ય કરે એમાં શી નવાઈ ? વળી જે વાત આપણને અનુકૂળ હોય તથા માનવી ગમે તે ઉપર, પ્રતિકૂળ તથા માનવાને અણગમો થાય એવી વાત કરતાં આપણો વધારે જલદીથી વિશ્વાસ બેસે છે, તેથી કરણ રાજાએ જોશીઓના કહેવા ઉપર ભરોસો રાખ્યો, તથા તેઓનાં વચન સાચાં માનીને ખોટી અાશાથી તેણે પોતાના મનને દિલાસો આપ્યાં કીધો, અને મહારણમાં થાક તથા તરસથી કષ્ટાતો મુસાફર મૃગજળ જોઈને પાણીની આશા રાખી ચાલ્યો જ જાય છે, તેમ કરણ રાજાએ આગળ ઉપર સારાની ઉમેદ રાખી સંસારરૂપી પ્રવાસમાં શાંત મનથી ચાલવાનો નિશ્ચય કીધો.
પણ કરણના અંતઃકરણમાં પશ્ચાત્તાપનો કીડો હજી જીવતો હતો. તે તેને નિરંતર કોતરી ખાતો હતો, તથા દુષ્ટ કર્મનો અગ્નિ તેનામાં હોલવાયો ન હતો. તે તેના શરીરને બાળ્યાં જ કરતો હતો. તેનો ઉપાય જોશીઓના હાથમાં નહતો, જોશીઓનું કામ ભવિષ્ય કાળને લગતું હતું, વર્તમાન કાળને લગતું નહતું, તેથી જોશીઓ સિવાય બીજા લોકોનું પણ તેને કામ પડ્યું. દરરોજ પુરાણીઓ એના જેવી અવસ્થામાં આવી પડેલા તથા ત્યાર પછી સુખી થયેલા રાજાઓની કથા કરી દૃષ્ટાંતરૂપી ઉપદેશ આપી દિલાસો આપતા હતા. પવિત્ર વેદના શબ્દ કાને જ માત્ર પડે તો તેથી અઘોર પાપ સુકા વાંસની પેઠે બળી જાય, તથા મુક્તિ થાય, એવો ભરોસો આપીને વેદિયા બ્રાહ્મણો તેના મહેલમાં વેદનાં પારાયણ કરતા હતા. શાસ્ત્રી લોકો બ્રહ્મહત્યા સુધીનાં પાપનાં જુદાં જુદાં પ્રાયશ્ચિત્તે બતાવી તે પ્રમાણે રાજા પાસે કરાવી ઘણા પૈસા તેની પાસેથી કઢાવતા હતા. ગોદાન, પ્રાજાપત્ય, આદિ બીજી ઘણી દક્ષિણા બ્રાહ્મણેને મળવા લાગી, એટલું કીધા છતાં પણ રાજાને શાંતિ થઈ નહી તેથી ધીમે ધીમે તેનો વિશ્વાસ શાસ્ત્રના ઉપાયો ઉપરથી ઉઠવા લાગ્યો. તે જોઈને બ્રાહ્મણે ઘણા ગભરાયા, અને આવો વખત જતો રહેશે તો ફરીથી પાછો આવવાનો નથી એમ જાણીને તેઓ ઘણા ચિંતાતુર થયા. તે વખતે થોડાએક વૃદ્ધ બ્રાહ્મણો રાજા પાસે ગયા, અને જે જે ક્ષેત્રો તથા પવિત્ર સ્થળો શાસ્ત્રમાં કહેલાં છે તથા લોકોમાં મનાય છે તે સઘળાંનાં મહાત્મ્ય કહી સંભળાવ્યાં, અને અંતે એવું કહ્યું કે કાશી, ગયા, પ્રયાગ, વગેરે બીજાં ક્ષેત્રો તો ઘણું દુર પડ્યાં, અને ત્યાં આપ જેવા રાજાઓથી જવાય એવું નહીં, તેથી આપણા રાજ્યમાં તથા પાડોસમાં સરસ્વતીને કાંઠે શ્રીસ્થળ (સિદ્ધપુર) ક્ષેત્ર છે તેને મહિમા ઘણો છે, માટે ત્યાં જઈ સરસ્વતીમાં સ્નાન કરવું, અને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરી રૂદ્ર મહકાળેશ્વરનાં દર્શન કરવાં, એટલે દેહનું સાર્થક થશે, તથા મુક્તિનું સાધન મળશે એટલું જ નહી પણ હાલમાં આપના મન વિષે જે ઉકળાટ છે તે શાન્ત થઈને સ્વચ્છ તથા નિર્મળ થશે. થોડીવાર રાજ્યધાનીની બહાર જવાથી રાજ્યને કાંઈ નુકશાન થવાનું નથી. માટે અમારી સલાહ જો માન્ય કરો તો શ્રીસ્થળની યાત્રાએ જાઓ. યાત્રાઓમાં દેવદર્શનથી જે લાભ થાય છે તે એક કોરે મુકીએ તો પણ તેથી મન ઉપર ઘણી સારી અસર થાય છે. જુદી જુદી યાત્રાઓના મહિમા યાત્રાળુ લોકોએ સાંભળ્યા હોય તેથી તેઓને આગળથી જ નક્કી હોય છે કે ત્યાં જવાથી આપણાં સઘળાં પાતકોનો નાશ થશે, અને જ્યારે એ પ્રમાણે મનનો નિશ્ચય હોય ત્યારે ત્યાં ગયા પછી શાંતિ થયા વિના રહેતી જ નથી. કલ્પનાથી મન તથા શરીર ઉપર ઘણી સત્તા છે ઘણી જોરાવર કલ્પનાથી માણસને મંદવાડ આવે છે, તથા આવેલો મંદવાડ જાય છે. ઘણી જોરાવર ક૯પનાથી ન હોય એવી વસ્તુઓ આપણા જોવામાં, તથા ખોટા અવાજ આપણા સાંભળવામાં આવે છે, તેથી સઘળી જ્ઞાનેંદ્રિયો છેતરાય છે, તથા આખા જગતમાં નાના પ્રકારના વહેમ તથા ખોટા વિચાર ચાલે છે. કલ્પનાથી જ માણસ વખતે ઘેલો થઈ જાય છે, અને કલ્પનાની સત્તા વડે જ તે બેશુદ્ધ થઈ નિદ્રાવસ્થામાં પડે છે એ સિવાય કલ્પનાની શક્તિ બીજી ઘણીએક રીતે ચાલે છે, માટે જે શ્રીસ્થળના મહિમા ઉપર પુરો ભરોસો રાખી ત્યાં જશો તો કલ્પનાની સત્તા વડે જ મનની શાંતિ થશે, વળી જગાના ફેરફારથી પણ ઘણું કાર્ય થાય છે, જો શરીરના રોગી લોકોને જગા ફેર થવાથી ઘણીવાર આરામ થાય છે તો મનના રોગીઓનું દુઃખ તેમ કીધાથી શામાટે નિવારણ નહીં થાય? વળી જેઓને પશ્ચાત્તાપની મહા પીડા નડે છે, તેઓને જગા બદલવાથી ઘણો ફાયદો થયા વિના રહેતો નથી. જગતમાં જે જે વસ્તુઓનું આપણને જ્ઞાન થાય છે, તેની પ્રતિમા આપણા સ્મરણ સંગ્રહસ્થાનમાં રહેલી હોય છે. પણ ત્યાં તેઓ એકલી હોતી નથી, હરેક પ્રતિમાને વિંટલાયલી કેટલીએક હકીકત હોય છે તે સુખદાયક અથવા દુઃખદાયક હોય તોપણ જ્યારે વિચારશક્તિ વડે તેઓમાંથી એક પ્રતિમા તે સંગ્રહસ્થાનમાંથી બહાર નીકળે છે એટલે તેને લગતી હકીકત પણ તેની સાથે એકદમ બધી ધસી આવે છે. જ્યારે પરદેશમા સ્વદેશ યાદ આવે છે ત્યારે તેની સાથે આપણાં માબાપ, સગાંવહાલાં, ઓળખીતા લોકો મિત્રો, આપણો નાનપણનો વખત, તેની ખુશી, જુવાનીનો વખત, તેમાં ભોગવેલાં સુખ, એ વગેરે હજારો વાતો તેની સાથે ધસી આવે છે, અને તેમાંની કેટલીએકથી આપણને સુખ અને કેટલીએકથી દુ:ખ ઉત્પન્ન થાય છે તેમ જ માણસે જ્યાં ખુન કીધેલું હોય ત્યાં તે રહે તો તે જગા ઉપરથી જ ખુન વિષેના ભયંકર વિચારે તેના મનમાં નિરંતર આવ્યાં કરે; અને તેથી તેને જરા પણ સુખ શાંતી વળે નહીં. એથી ઉલટું તે જો તે જગા છોડીને બીજે ઠેકાણે જાય તે ત્યાંની નવી વસ્તુઓની પ્રતિમા તથા તેઓની સાથેની નવી હકીકતો સ્મરણસ્થાનમાં આવી ભરાય, અને તેમ થતાં નીચે દબાયેલી પ્રતિમાઓને ઉપર આવવાનું કઠણ પડે, તેથી તેઓ કોઈ કોઈ વાર જ નીકળી આવી તેને ઉપદ્રવ કરે. એવી રીતે નવી પ્રતિમાઓનો સંગ્રહ વધારે વધારે થવાથી જુની ઉપર ભાર વધારે થાય, અને તેઓ વધારે દબાતી જાય, અને તેનું પરિણામ એ થાય કે મનને વધારે સુખ તથા શાંતિ થતી જાય, એવો જગા બદલવાને મહાત્મ્ય છે. વળી પ્રાચીન કાળના મહર્ષિઓએ જે જે ક્ષેત્ર તથા યાત્રામાં તીર્થ પસંદ કીધેલાં છે તે રમણિય તથા ચિત્તાકર્ષક સ્થળ જોઈને જ કીધેલાં છે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ થયેલી નદીઓ ઉપર જે જે જગા છે તેઓમાંથી કેટલીએકમાં યાત્રા ભરાય છે. સૃષ્ટિમાં જે સઘળી વસ્તુઓ છે તેમાં નદીએ ઘણી જ ચમત્કારી છે. વરસાદનું પાણી કોઈ ડુંગરના પોલાણમાં એકઠું થઈ તેમાંથી ઉભરાઈને વહે, અને તે ધીમે ધીમે મોટી થઈ આગળ ચાલે, તથા લાખો લોકોના પ્રાણનો આધાર થઈ પડે છે, તે જોવાથી માણસનું મન ઘણું વિસ્મિત થાય છે, નદીથી તેના કાંઠા ઉપરનાં શહેરના લોકોને પાણી પુરું પડે છે, તથા આસપાસનાં ખેતરોમાં પાણી સીંચાય છે એટલું જ નહી, પણ હિંદુ લોકોને અગત્ય કરીને બ્રાહ્મણેને સ્નાનસંધ્યાદિ કર્મો કરવાને તે ઘણી કામની થઈ પડે છે. વળી મોટાં વહાણ ચાલે એવી નદીઓથી વ્યાપારની વૃદ્ધિ થઈ તે ઉપરનાં શહેરોની આબાદીમાં વધારો થાય છે, તથા એક સ્થળની નવાઈની તથા વધારાની જણસો બીજે સ્થળે લઈ જઈ શકાય છે. નદીના જુદા જુદા ઘાટ આગળ ઘણાએક લોકો નહાતા હોય, ઘણીએક સ્ત્રીઓ પાણી ભરતી હોય, કેટલીએક સ્ત્રીઓ લુગડાં ધોતી હોય, કેટલાએક બ્રાહ્મણો સાંજ સવાર સંધ્યાદિ કર્મ કરતા હોય, તે વખતે કાચ જેવા નિર્મળ પાણી ઉપર પવનની લહેરથી નાનાં મોજાં થતાં હોય, સામા કાંઠા ઉપર ઝાડો આવી રહ્યાં હોય, વચમાં હોડીઓ તથા વહાણો ખલાસી સહિત ડોલતાં હોય, તે જોઈને મનને શાંતિ તથા આનંદ ઉપજે છે. વળી નદીને જોવાથી માણસને તેનો સંસાર યાદ આવે છે, જેમ નદી પહાડમાંથી નીકળતી વખતે નાની હોય છે તથા બહાર પડ્યા પછી થોડેએક સુધી તે ફુલેમાં તથા કાંકરામાં રમતી રમતી જાય છે, તેમ માણસ બાલ્યાવસ્થામાં હોય છે. નદી આગળ ચાલ્યા પછી તેમાં બીજી નદીઓ આવીને મળે છે, તેમ માણસે મોટા થયા પછી ઘણા જોડે સંબંધ બાંધે છે. નદી વધારે આગળ ચાલ્યા પછી એટલી મોટી થાય છે કે તે ઘણાંએક માણસોને ઘણી અગત્યની થઈ પડે છે, તથા તે ઉપર વહાણોના ફરવાથી વ્યાપાર ચાલે છે તથા માણસના સુખને તથા શેખને વાસ્તે જે વસ્તુઓ જોઈએ તે સઘળી પુરી પાડે છે, તેમ માણસ ભર જુવાનીમાં બીજાઓને ખપ લાગે છે તથા ભારે ભારે કામે માથે લે છે, અને નદી જેમ છેલ્લીવારે અમર્યાદ સમુદ્રને મળી જાય છે, તેમ માણસ પણ અંતે લય પામી તેનું અંતવાન આયુષ્ય અનંતકાળ સાથે મળી જાય છે. માટે નદીઓ જોયાથી માણસની જીંદગી ઉપર તેના વિચાર દોડે છે, તથા પરમેશ્વરના એક મોટા કામ આગળ શુન્ય જેવો તે થઈ જાય છે. કેટલાંએક તીર્થ મોટી ઝાડી તથા મહા વનમાં હોય છે, ત્યાં ઝાડોની ઘટામાં એકાંતપણાનો વાસો હોય છે. વળી એવે કેટલેક ઠેકાણે મોટા મોટા પર્વતો આવી રહેલા હોય છે. એવી રળીયામણી જગામાં કોના મનમાં ભક્તિ આવ્યા વિના રહે ? જ્યાં ઈશ્વરે બે હાળે હાથે પોતાની ઉદારતા વાપરેલી છે, જ્યાં જગત્કર્ત્તાનાં મોટાં કામો માણસનાં હલકાં તથા નબળાં કામોની જાણે મશ્કરી કરતાં હોય એમ લાગે છે, જ્યાં ઘણી એક તરેહની સૃષ્ટિની શોભા એકઠી મળેલી હોય છે, જ્યાંની ભૂમિ એવી તો પવિત્ર તથા દેવતાઈ જણાય છે કે ત્યાં કાંઈ દુષ્ટ કામ કરતાં જ માણસને ત્રાસ લાગે છે, તથા જેનો નમુનો લઈ પૃથ્વી ઉપરના કેટલાએક જંગલી લોકોએ પોતાનું સ્વર્ગ કલ્પેલું છે, એવાં રમણિક તથા પવિત્ર સ્થળોમાં માણસને પોતાનું તુચ્છપણું તથા હલકાઈ સમજાય, પોતાના કરતાં અતિ ઘની બળવાન કોઈ બીજી શક્તિ છે એમ તે જાણે, તથા તે શક્તિ આગળ નમ્રતા પકડી તેને નમીને તેને પોતાનો દેહ તથા આત્મા સોંપે, તેની બેહદ સ્તુતિ કરે, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખી ભક્તિમાં વધારો કરે, તથા જે થાય છે તે તેની ઇચ્છાથી જ થાય છે એમ ખાતરી કરી ધૈર્ય તથા શાંતિ મનને વિષે રાખે, એમાં કાંઈ આશ્ચર્ય નથી.” ઘરડા બ્રાહ્મણોએ ઉપર પ્રમાણે યાત્રાનો મહિમા રાજા આગળ કહી સંભળાવ્યો.
ઉપલી સઘળી વાત સાંભળીને કરણના મન ઉપર ઘણી અસર થઈ અને તેણે તે જ વખતે સિદ્ધપુરની જાત્રાએ જવાની તૈયારી કરવાનો હુકમ કીધો. બે ત્રણ દહાડા પછી થોડાંએક માણસ લઈ તથા કાંઈ પણ ધામધુમ કર્યા સિવાય રાજા કરણ સિદ્ધપુર જવાને નીકળ્યો. સિદ્ધપુરમાં ઘણાં શૈવ તથા જૈન દેવસ્થાનો હતાં, તેઓમાં શૈવ દેવસ્થાનો ઉપર ધજા ચઢતી, પણ કેટલાંક વર્ષ થયાં જૈન દેહરાં ઉપર ધજા ચઢાવવાની મના થયેલી હતી તે છતાં પણ જ્યારે મોતીશાને દિલ્હીથી પાછા આવ્યા પછી કારભાર મળ્યો ત્યારે તેની હિમાયત ઉપરથી, તથા તેની છાની ઉશ્કેરણીથી તેઓના ઉપર ધજા ચઢાવવા માંડી. આ જોઈને બ્રાહ્મણોને ઘણો જ ક્રોધ ચડ્યો ને તેઓએ એ બાબત રાજાની આગળ ફરિયાદ કીધી, પણ મોતીશાએ યુક્તિ કરી તેઓનું કાંઈ ચાલવા દીધું નહી, રાજા હવે તેમના ગામમાં આવ્યો, અને તેમનું હવે નક્કી કામ પડશે એવું જોઈ તેઓએ ઠરાવ કીધો કે જ્યાં સુધી રાજા જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઉતરાવે નહી ત્યાં સુધી તે સવા લાખ સોનાની મહોર દક્ષિણા આપે તો પણ કોઈ રીતની ક્રિયા તેઓએ તેને કરાવવી નહી. બીજે દહાડે સરસ્વતી નદીમાં સ્નાન કરી દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરવાને રાજાનો મનસૂબો હતો, અને તે કારણસર તેણે ગામના મુખ્ય બ્રાહ્મણોને બોલાવ્યા, અને તેઓની આગળ પોતાનો વિચાર કહ્યો, બ્રાહ્મણે એ દૃઢતાથી જવાબ દીધો કે શિવમાર્ગી રાજાના રાજ્યમાં જૈન ધર્મવાળાઓએ પોતાનાં દેવસ્થાનો ઉપર હુકમથી ઉલટા ચાલીને ધજા ચઢાવી છે તે ઉતરાવવાને અમે ફરિયાદ કીધી, પણ તમારા જૈન મંત્રીની સલાહથી તમે અમારી વાત ઉપર ધ્યાન આપ્યું નહી, માટે જ્યાં સુધી અમારી વિનંતિ કબુલ કરવામાં આવશે નહી ત્યાં સુધી અમારામાંથી એક પણ આપને કોઈ જાતની ક્રિયા કરાવશે નહી.
બ્રાહ્મણોનું આવું બોલવું સાંભળીને રાજા ઘણો કોપાયમાન થયો, અને તેણે બ્રાહ્મણોને અપમાન કરી કાઢી મૂકયા. પછી એ સઘળી હકીકત તેણે મોતીશાને કહી, તે વખતે મોતીશાએ જોયું કે હવે લાગ આવ્યો, એમ જાણીને તેણે બ્રાહ્મણો ઉપર જુલમ માંડ્યો, તથા તેઓનાં દેવસ્થાનના અંગના હક્ક ખોટા કરવા તરફ લક્ષ લગાડ્યું. એ જ વખતે તેણે રાજાને જૈન માર્ગમાં લાવવાને ઘણાએક પ્રયત્નો કીધા તથા સઘળે ઠેકાણેથી ઘણા પ્રવીણ જતિઓને બોલાવી મંગાવ્યા. તેઓએ વાદવિવાદ કરી તથા બંને ધર્મને મુકાબલો રાજા આગળ કરી દેખાડી તેને આદિનાથનો ભક્ત કરવાને ઘણો શ્રમ કીધો, પણ રાજામાં ધર્મ સંબંધી જુસ્સો થોડો હતો, તથા તેણે એકતરફી સઘળી વાત સાંભળી હતી, તેથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં, જ્યારે જતિઓએ તેનું માથું ઘણું ફોડાવ્યું ત્યારે તેણે બંને પક્ષોના ભણેલા લોકોની સભા કરી વાદવિવાદ કરાવવાનો વિચાર જણાવ્યો, તે તેઓએ કબુલ કીધું. પછી ગામમાંના સઘળા બ્રાહ્મણોને સભામાં આવવાનાં નિમંત્રણ કીધાં, અને મુકરર કીધેલે દહાડે ઘણા બ્રાહ્મણો તથા જતિઓ એકઠા થયા. રાજા એક ઉંચા આસન ઉપર બેઠો. મોતીશા તથા બીજા મોટા કારભારીએ તેની પાસે હારબંધ બેઠા, અને રાજાની સાથેના તથા ગામમાંના બીજા લોકો પાછળ ઉભા રહ્યા. સઘળા બેઠા પછી, બંને પક્ષ વચ્ચે ધર્મ સંબંધી વાદવિવાદ ચાલવા માંડ્યા. શૈવ માર્ગીએાએ જૈનધર્મનું ખંડન કરવા બની શકે તેટલા પ્રયત્નો કર્યા, જતીઓ પણ પોતાનો ધર્મ સાચો છે એમ સિદ્ધ કરવા સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે વિષયો ઉપર વિવેચન કરવા લાગ્યા.
તકરાર ઘણી લાંબી ચાલી, અને તેનો પાર જલદીથી આવશે નહી એમ જાણી કરણ રાજા વચ્ચે બેલી ઉઠ્યો:–“ હવે બસ થયું. એ ભાંજગડથી મારું માથું દુખવા આવ્યું. વધારે સાંભળવાની મારી ખુશી નથી, પરમેશ્વરે મને શિવમાર્ગી માબાપને પેટે જન્મ આપ્યો તેથી હું તો તે જ ધર્મ પાળીશ. મારે જૈનધર્મનું કાંઈ કામ નથી. સઘળા ધર્મ ખરા છે, જે ધર્મમાં આપણે અવતર્યા હોઈએ તે જ જે બરાબર પાળીએ તો પરમેશ્વર પ્રસન્ન થાય.”
જતિઓથી પોતાનું ધારેલું કાર્ય સિદ્ધ થયું નહી તેથી તેઓ દિલગીર તથા ઉદાસ થઈને ઉઠ્યા, અને આવી ખાતરી કરી આપે એવી તેઓની તકરાર છતાં પણ રાજાના મન ઉપર કાંઈ અસર થઈ નહી, તેથી તેની અતિ સ્થૂલ બુદ્ધિ ઉપર અફસોસ કરીને ઘેર ગયા. મોતીશાનું લોહી પણ ઉડી ગયું, અને જે જતિયો ત્યાં મળેલા હતા, તેઓની મૂર્ખાઈને ધિક્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો, બ્રાહ્મણોએ એ પ્રમાણે જય મેળવ્યો તેથી તેઓનો હર્ષ માતો નહતો. રાજાએ તે જ વખતે જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઉતરાવી નાંખવાની આજ્ઞા કીધી, અને તેમ કરી આવા બારીક વખતે તેણે તેની રૈયતના મોટા ભાગનું મન ઉંચું કીધું. બ્રાહ્મણોને મોટી મોટી દક્ષિણા આપી, અને તેઓએ તેને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાવ્યું. પછી રાજા રૂદ્ર મહાકાળેશ્વરનાં દર્શન કરવા પગે ચાલતો નીકળ્યો, રસ્તામાં થોડેક આગળ ચાલે છે એટલામાં એક ટોળું જોઈ તે અટકયો. અને આ ભીડ શાથી થઈ છે તેની તજવીજ કરવાને તે ત્યાં ઉભો રહ્યો, તપાસ કરતાં તેને માલમ પડ્યું કે જે વાણિયાના ઘર આગળ લોકો મળ્યા હતા તે વાણીયાએ પોતાનો એક છોકરો પરણાવવાને બે હજાર રૂપિયા જેઠાશા શાહુકાર પાસેથી લીધા હતા. એ વાણિયોયે ઘણો વિષયી હતો તેથી તેણે ઘણાનું દેવું કીધેલું હતું, અને તે સઘળું વાળવા જેટલી તેની પાસે મિલકત નહતી, તેથી જેઠાશાએ તેને બે હજાર રૂપિયા ધીરતાં આચકો ખાધો. હવે છોકરો તો પરણાવવો જોઈએ, અને તેમાં ખરચ પણ ન્યાતમાં મોટાઈ મેળવવાને વાસ્તે સારો કરવો જોઈએ, તેથી તે વાણિયો કોઈ સારો જામીન શોધવા નીકળ્યો, પણ કોઈએ તે દેવાળીયાની બાંહેધરી કીધી નહી; ત્યારે તે લાચાર થઈને એક ભાટ પાસે ગયો, અને તેને જામીન થવાને વિનંતિ કીધી. ભાટ લોકોનો પૈસા કદી ખોટા થતા નથી, તથા તેઓ ગમે તે ઉપાયથી પિતાનું માગણું વસુલ કરી શકે છે, તેથી ભાટે જામીન થવાને કબુલ કીધું, અને જેઠાશા પાસેથી પૈસા અપાવ્યા. વાણિયાએ ઘણી ધામધુમથી લગ્ન કીધાં, ન્યાતમાં ઘણી સારી જમણવાર કીધી, લાહણું પણ કીધું, અને એ પ્રમાણે બે હજાર રૂપિયા ઉડાવી દીધા. રૂપિયા ઉપર તો વ્યાજ ચઢવા લાગ્યું પણ તે વાતની વાણિયાને કાંઈ ચિંતા ન હતી. તેને રૂપિયા પાછા આપવાનો વિચાર જ ન હતો. કેટલેક વર્ષે બે હજારના ચાર હજાર થયા, એટલાથી વધારે રૂપિયા લેવાશે નહીં, એમ જાણીને જેઠાશાએ ફરિયાદ કીધી, અને વાણિયા પાસે તો પૈ મળે નહી, તેથી તેના જામીન ભાટ પાસેથી તે સઘળા પૈસા વસુલ કીધા, હવે તે પૈસા પેલા વાણિયા પાસેથી લેવાના ભાટને રહ્યા.
ભાટે રોજ રોજ ઉઘરાણી કીધી, પણ વાણિયો ક્યાંથી આપે ? તેથી તેણે છેલ્લો નાગો જવાબ દીધો. ભાટ લોકો ઘણું કરીને પોતાના લેહેણાની ફરિયાદ સરકારમાં કરતા નથી તેથી, તે ભાટે પણ કીધી નહી; અને કરત તો પણ તે વાણિયા પાસે શું લેવાનું હતું ? તેથી તે તેને બારણે બેઠો, અને ત્રણ દહાડા સુધી પોતે અન્નજળ લીધું નહી, તથા વાણિયાને અપવાસ કરાવ્યો. મોહોલ્લાના લોક ઘણા કાયર થયા અને ભાટ પોતાના ધારા પ્રમાણે તે ઠેકાણે આપઘાત કરશે તો આખો મોહોલ્લો ગોઝારો થશે, એમ જાણી વાણિયાને ઘણો સમજાવ્યો, અને અંતે ટીપ શેહેરમાં ફેરવી ચાર હજાર રૂપિયા એકઠા કરી ભાટને આપવાનું કહ્યું, પણ તે વાણિયો જડ થઈને બેઠો, અને ભૂખ્યો મરી જાઉ પણ એક પૈસો એ ભાટને આપું નહીં, અને મારી તરફથી કોઈને આપવા પણ દઉં નહીં, એવો તેણે નિશ્ચય કીધો. લોકો સઘળા લાચાર થયા, અને ભાટને તેઓએ વાણિયાનો ઠરાવ કહ્યો, તે સાંભળતાં જ ભાટ પોતાની સાથે તેની હેંસી વર્ષની ઘરડી મા લાવ્યો હતો તેનું તલવારના એક ઘાએ માથું ઉડાવી નાંખ્યું, તો પણ વાણિયે હઠ્યો નહી. ત્યારે તે ભાટે ઘણા જુસ્સામાં આવી પોતાના એકના એક બાર વર્ષના છોકરાને બોલાવ્યો, અને તેના પેટમાં કટાર ખોંસી મારી નાંખ્યો, પછી તેનું વેહેતું લોહી ખોબામાં લઈને વાણિયા ઉપર છાંટયું, અને બોલ્યોઃ “અરે ચંડાળ ! આ ભોગ લે, અને જેમ મારો નિર્વંશ ગયો તેમ તારો જજો, તારો પરણેલો છોકરો પણ એમ જ મરજો, અને તું પણ અથડાઈ અથડાઈ મહાદુઃખ પામી પીલાઈ પીલાઈને મરશે.” સઘળા લોકો થરથર ધ્રુજવા લાગ્યા, પણ વાણિયાના વજ્ર જેવા હૈયા ઉપર કાંઈ અસર થઈ નહી. ત્યારે હવે ભાટ પોતાનો જીવ કાઢવાને તૈયાર થયો. તે જ વખતે રાજા કરણ ત્યાં આવી પહોંચ્યો. ભાટે રાજાને જોઈ તેનું દુઃખ નિવારણ કરવાને કહ્યું, પણ રાજાએ તેની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહી. તેથી ભાટમાં વાઘ જેટલો જુસ્સો આવ્યો, અને ગાંડા જેવો થઈ એક છલંગ મારી વાણિયાના ઘરમાં ગયો, અને તુરત તે વાણિયાનું તથા તેના બાળક નિર્દોષ છોકરાનું મુડદુ ઘરમાંથી ઘસુડીને બહાર કાઢયું, અને ભોંય ઉપર નાંખીને પોતાના પેટમાં ખંજર મારી તુરત પડ્યો. આ સઘળાં કામો તેણે એવી ઝડપથી કીધાં કે લોકોને તેને અટકાવવાને વખત મળ્યો નહી, અને તેઓ સઘળા જડ થઈ ઉભા જ રહ્યા. વાણિયો તથા તેનો છોકરો તો તુરત મરી ગયા, પણ ભાટનો જીવ જલદીથી ગયો નહી. તેણે પછાડા મારવા માંડ્યા, અને શરીરના તથા મનના કષ્ટથી તેને ઘણી જ અકળામણ થવા માંડી, તેની ચોતરફ ફરતી આંખ રાજા તરફ ગઈ એટલે તેને વધારે દરદ થયું, અને જેટલો ક્રોધ તેનામાં બાકી રહ્યો હતો તેટલો મ્હોં ઉપર લાવી બોલ્યો “હે દુષ્ટ રાજા ! બ્રહ્મહત્યા કરતાં પણ ભાટની હત્યા વધારે છે, તે ઈહાં ઉભા રહીને તારી રૈયતના પ્રાણ જતા જોયા. ધુળ પડી તારા ક્ષત્રીપણા ઉપર, અને બળ્યું તારૂં રાજ્ય, તું રજપૂત થઈને તારાથી નિરપરાધી ભાટને બચાવ થયો નહીં. આજે જેટલા મુઆ તેટલાનું પાપ સઘળું તારે માથે. તું જે કામને સારૂ ઇહાં આવ્યો છે તે કામ સફળ થવાનું નથી, તું વન વન રઝળીશ, તારા ઘરનાં માણસ તને છોડીને જતાં રહેશે. અને તું ક્યાં મરીશ તે કોઈ જાણવાનું નથી.” એટલું કહી ભાટ ચત્તોપાટ પડી ગયો, અને તેનો આત્મા પોતાનું માગણું વાણિયા પાસેથી વસુલ કરવાને સારૂ ઈનસાફના છેલ્લા દરબારમાં ફરિયાદ કરવા ગયો.
ભાટનો શાપ સાંભળીને રાજાને એટલું તો કષ્ટ થયું કે તે બેશુદ્ધ થઈને ભોંય ઉપર પડ્યો, તેને તેના માણસો તુરત ઉંચકી લઈ પાછા મેહેલમાં લઈ ગયા, જયારે તેને શુદ્ધિ આવી ત્યારે આસપાસ બેઠેલા બ્રાહ્મણોએ ભાટનો શા૫ બાળી નાંખવાને શાસ્ત્રમાંથી કાંઈ પ્રાયશ્ચિત્ત શોધી કાઢી તે કરાવવાનું વચન આપ્યું, રાજાને તે સાંભળીને શાંતિ થઈ, અને તેના મનને દિલાસો મળ્યો. પણ એટલામાં પાટણથી એક દોડતો જાસુસ આવ્યો, તે રાજાના ઓરડામાં ધસી આવી શ્વાસ ખાધા વિના બોલ્યો –“રાજાધિરાજ ! એવી સઘળે ઠેકાણેથી ખબર આવી પહોંચી છે કે તુરકડા લોકો મોટું લશ્કર લઈ રાજ્યની હદ ઉપર આવ્યા છે, અને તેઓનો વિચાર આખું રાજ્ય જીતવાનો છે. તેમની સાથે આપણો માજી પ્રધાન માધવ છે. તેઓએ કેટલાંએક ગામ માર્યા છે, તથા લોકો ત્રાસ પામીને અહીંથી તહીં દોડે છે.” તુરક લોકો ગુજરાત જીતવા આવ્યા તેથી હવે મોટી લડાઈઓ થશે એ વિચારથી જ કરણનું ક્ષત્રીય લોહી ઉકળવા લાગ્યું, અને તે ઘણી હિમ્મત પકડી બોલ્યોઃ– “એ મ્લેચ્છ લોકોને ગુજરાતની ધરતીમાં દટાવું સરજીત હશે તેથી કાળ તેએાને લલચાવીને ઈહાં લાવ્યો હશે. હજી મેં કાંચળી પેહેરી નથી, હજી રજપૂત લોકોએ તેઓનું શુરાતન ખોયું નથી, હજી દેશમાં હિંમતવાન માણસો છે, ગુજરાતના રાજાને લશ્કરી ખેાટ નથી, મજબુત કિલ્લાઓ પણ પુષ્કળ છે, માટે તેઓને આવવા દો, હું તેઓથી જરા પણ બીહીતો નથી, મારા હાથ શત્રુને મારવાને ચવળે છે, તથા મારી તલવારને લોહી મળ્યું નથી તેથી તેને ઘણી તરસ લાગી છે, વાહ ! વાહ ! હવે વખત આવ્યો છે. હું કેવો છું તે રણસંગ્રામમાં આખા જગતને દેખાડી આપીશ, જો એ પ્રમાણે ન બન્યું હોત તો મારૂં નામ આગળ ચાલત નહી. જે થયું છે તે ઠીક છે, સઘળો સામાન તૈયાર કરો, કાલે ઈહાંથી કુચ કરીશ, અને પાટણ જઈને યુદ્ધ કરવાને સઘળો બંદોબસ્ત કરીશ.”
લેખક – નંદશંકર મહેતા
આ પોસ્ટ નંદશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો