આશ્વિન સુદ ૧૦ એટલે દશેરાની સવારે રાજાના દરબાર આગળ ભારે ગડબડ થઈ રહી હતી. ઘોડાવાળાઓ (રાવતો) દશેરાની સવારીને માટે ઘોડાને સાફ કરવામાં તથા તેને શણગારવામાં, મ્હાવતો હાથીને તે પ્રમાણે કરવામાં, તેમ જ રાજાના બીજા નોકરો રથ તૈયાર કરવામાં કામે વળગી ગયા હતા. ખવાસ, ગોલા, રાજાના ભાંડ, મલ્લ વિગેરે લોકો પોતાનાં વાહનને માટે મોટી ફિકરમાં દેખાતા હતા. તે દહાડાને વાસ્તે સારાં લુગડાં તૈયાર કરાવવાને દરજીને ત્યાં દોડાદોડ થઈ રહી હતી. શહેરના સઘળા દરજી, ધોબી તથા મોચી તે દહાડાની આગલી રાત્રે જરા પણ સુતા નહતા, તેઓની સાથે તેમના કેટલાએક અધીરા ગ્રાહકો પણ જાગરણ કરવા લાગ્યા હતા, તેટલું છતાં પણ સવારે તેઓની દુકાને એટલી તો ભીડ થઈ રહી હતી કે કોઈ છુંદાઈ ન ગયું એજ આશ્ચર્યકારક હતું. શહેરમાં ચોમાસાના વરસાદનું પાણી બહાર જવાને મોરીઓ છુટી મુકી હતી તે સઘળી લોકોએ તે સવારે બંધ કરી દીધી હતી, તેથી તે રસ્તો આરસી જેવો સાફ થઈ ગયો હતો. તે ઉપર પાટણની સુંદરીઓ નાના પ્રકારના રંગ લઈને હાથવડે તથા લાકડાનાં બીબાંવડે રમણિક સાથિયા પુરતી હતી, અને કોનો સાથિયો સારો પુરાય છે તે બાબે માંહોમાંહે સ્પર્ધા કરતી હતી. શહેરમાં સઘળે ઉત્સવ થઈ રહ્યો હતો, અને પૂર આનંદમાં સ્ત્રીઓ સારાં લુગડાં, ઘરેણાં પહેરીને મ્હાલતી હતી, અને વખતે વખતે તેઓના હૈયામાંથી હર્ષ ઉભરાઇ જતો હોય એમ તેઓ ગીત ગાવાથી જણાઈ આવતું હતું. સઘળી નિશાળોમાં છુટ્ટી હતી તેથી છોકરાઓનાં મ્હોં આનંદથી ભરપૂર હતાં; અને આણીગમ તેણીગમ દોડીને, કુદીને અને એવું બીજું નાના પ્રકારનું તોફાન કરીને તેઓ હર્ષને બહાર જવાનો રસ્તો આપતા હતા. જે ચૌટામાંથી સવારી જવાની હતી તે ચૌટામાંના દુકાનદારો સવારી જોવા આવનાર લોકો તેઓની દુકાનના ઓટલા ઉપર બેસવાનું ભાડું આપશે એ ઉમેદથી ઘણા ખુશમાં હતા. મીઠાઈવાળા, માળી, રમકડાંવાળા, ખાવાનાવાળા, અને બીજા કેટલાકોને તે દહાડે સારો વકરો થવાનો તેથી તેઓ પણ ઘણા જોશભેર ચાલતા હતા. છેલ્લે જેઓ નવ દહાડો ફળાહાર અને અપવાસ કરીને રહેલા હતા, અને જેઓ તે સવારે ચીમળાયલા તથા ભુખ્યા વરૂના જેવા બેઠા હતા તેઓ પણ આજે પારણાનું મિષ્ટાન્ન મળશે એ જ વિચારથી ઘણા આનંદભેર દેખાતા હતા.
રાજમહેલ અથવા રાજપાઠિકા કિલ્લામાં હતો, અને તેને લગતા બીજા ઘણાએક મહેલો હતા. મુખ્ય મહેલ જમીનથી ૫૦ ગજ ઉંચે હતો. તે કાળા પથ્થરનો બનાવેલો હતો, અને તેમાં ઘણેક ઠેકાણે સ્ફાટિકના પથ્થર વાપરેલા હતા. તે ચોખુણાકાર હતો. ફરતા કોટમાં ઠેકાણે ઠેકાણે અષ્ટખુણ બુરજો હતા, અને તેઓના ઉપર ઘુમટ કીધેલા હતા. આગલા દરવાજાનું નામ ઘટિકા હતું, અને તે દરવાજાની સામા ધોરી રસ્તા ઉપર ત્રિપોલ્ય એટલે ત્રણ દરવાજા હતા. મહેલની ઉપર જમીનથી આસરે ૨પ ગજને અંતરે મહેલની તમામ લંબાઈ જેટલી એક અગાસી હતી, તે ઉપરથી આખું શહેર નજરે પડતું હતું. એ અગાસીની નીચે ઘણાં સુન્દર કમાન હતાં, અને તેઓની બે બાજુએાએ કીર્તિસ્તંભ હતા, દીવાલો ઉપર ઘણી જ સુંદર નકશી કોતરેલી હતી, અને રામ તથા રાવણની લઢાઈ, મહાભારતની લઢાઈ, કૃષ્ણનો રાસ, વગેરે ઘણાંએક ચિત્રો કોરી કાઢેલાં હતાં. મહેલની માંહેની ભીંતો ભભકાદાર જુદા જુદા રંગોથી રંગેલી હતી, અને તેઓ ઉપર કેટલાએક તખ્તા તથા મોટા મોટા આરસા જડેલા હતા, તે દિવસે સૂર્યોદયની તૈયારી થતાં જ રાજ્યમહેલમાં ચોઘડીયાં વાગ્યાં, નોબત ગડગડવા લાગી, તથા શંખનાદ થયો એટલે રાજાએ શય્યાથી ઉઠી પોતાના વહાલા ઘોડાને બહાર કઢાવી થોડોએક ફેરવ્યો. પછી દાતણ કરી સ્નાન કીધું, અને પોતાના ઇષ્ટદેવ શિવની પૂજા ઘણાએક બ્રાહ્મણોની સમક્ષ કીધી. પછી બ્રાહ્મણો વેદના મંત્રો ભણ્યા તેમને રાજાએ ધારા પ્રમાણે દક્ષણા આપી. બહાર જે હજારો ગરીબ ભુખે મરતા ભિખારીઓ એકઠા થયા હતા તેઓને અનાજ આપવાનો હુકમ કીધો. એ કામ થઈ રહ્યા પછી લુગડાં, ઘરેણાં પેહેરીને પોતે દરબારમાં જવા નીકળ્યો.
જે વિશાળ ઓરડામાં દરબાર ભરાયું હતું તે ઘણો જ લાંબો, પહોળો તથા શોભાયમાન હતો. તેમાં સ્ફાટિકના કીર્તિસ્તંભો હતા. ભોંય ઉપર મોટી ગાદી પાથરેલી હતી, અને તેના ઉપર સફેદ ચાદર બીછાવેલી હતી. બાજુઓ ઉપર તકીયા મુકેલા હતા અને જે બાજુ તરફ રાજગાદી હતી તે તરફ રાજાના કામદારોને માટે તેઓના જુદા જુદા હોદ્દા પ્રમાણે વધારે અથવા એછી ઉંચાઈની બેઠકો બનાવેલી હતી. રાજાની ગાદી સઘળાથી ઉંચી હતી, તે કિનખાબની બનાવેલી હતી; તથા તે ઉપરની ચાદર બંગાળાની ઉંચામાં ઉંચી તથા મોંઘામાં મેાંધી મલમલની હતી; તકીયો પણ તેવો જ બનાવેલો હતો. પાસેની ગાદી યુવરાજ અથવા પાટવી કુંવરની હતી; પણ કરણ રાજાને કુંવર નહતો તેથી તે ગાદી ખાલી પડેલી હતી. તેની પાસેની ગાદી ઉપર માધવ પ્રધાન બિરાજેલો હતો. તેણે આ વખતે મંદીલની પાઘડી તથા કિનખાબનો ડગલો પહેરેલો હતો, અને સોનું, મોતી, હીરા, તથા બીજાં જવાહિરનાં ઘરેણાંની તેના શરીર ઉપર કાંઈ ખોટ ન હતી. તેની પાસે મુકુટધારી ઠાકોરો તથા મંડળેશ્વરો એટલે પરગણાના માલિકો બેઠેલા હતા. એક બે મંડળિક રાજા પણ હતા. બીજી તરફ ઉદેપુર, જોધપુર વિગેરે બીજાં રાજ્યસંસ્થાનોમાંથી આવેલા સંધિવિગ્રહિકો, જેઓનું કામ લઢાઈ તથા સલાહ કરવાનું હતું, અને જે દરબારમાં તેઓ રહેતા હોય તેનાં કામકાજની ખબર પોતાના રાજાને કરવાનું હતું તેઓ, તથા સ્થાનપુરૂષો જેઓ પારકા રાજ્યમાં જઈ ત્યાંના રાજ્યની નોકરીમાં રહેતા અને ત્યાંની ખબર અંતર પોતાના રાજાને કરતા તેઓ પણ હતા. વળી ત્યાં સામંત એટલે લશ્કરી અમલદારો પણ બેઠેલા હતા, તેઓનો દરજજો તેઓના હાથ નીચે જેટલાં માણસ હોય તે પ્રમાણે ગણાતો હતો. તેએામાં મુખ્ય છત્રપતિ તથા નોબતવાળા એટલે જેઓના ઉપર છત્ર ધરી શકાય તથા જેઓની આગળ નોબત વાગી શકે તેઓ હતા. એક તરફ તલવાર, કટાર, બરછી, ઢાલ વિગેરે શસ્ત્રવાળા સિપાઈઓ હતા, એ સિવાય વેદિયા, પંડિત, જોશી વિગેરે વિદ્વાન બ્રાહ્મણો જુદા બેઠેલા હતા; અને એ સઘળાએાની સામેની બાજુએ ભાટ, ચારણો, ચિતારા, ઘોડા ઉપર બેસતાં શીખવનારા, નાચતાં શીખવનારા, ભાંડ, જાદુગરો, ઇત્યાદિ બેઠેલા હતા. વળી એક ઠેકાણે ગુણિકા અથવા વારાંગના પણ કીમતી વસ્ત્ર તથા આભુષણ પેહેરીને બેઠેલી હતી, અને તેની બેસવાની રીત, તેની આંખની ચપળતા, તથા તેના હાવભાવથી સઘળા મોહિત થતા હતા, એ પ્રમાણે તે દિવસે દરબાર ભરાયું હતું. એટલામા સોનાની છડીવાળા ચેાબદારો આગલ ચાલી “રાજાધિરાજ, ખમાખમાજી, અન્નદાતા” એવી નેકી પોકારતા સંભળાવવા લાગ્યા. તે શબ્દ સાંભળી દરબારમાંના લોકોને માલુમ પડ્યું કે રાજા પધારે છે. રાજા દરબારમાં આવતાં જ તમામ દરબારી લોકોએ ઉભા થઈ જુદી જુદી રીતે તેને માન આપ્યું. ચોબદારો વધારે બુમ પાડવા લાગ્યા, અને આખા દરબારમાં ગણગણાટ શબ્દ થઈ રહ્યો. રાજાજી ગાદીએ બેઠા, ચેાબદાર બીજા લોકોને અંદર આવવા ન દેવાને દરવાજા આગળ ઉભા રહ્યા, અને દરબારી લોકો પોતપોતાને ઠેકાણે બેઠા.
કરણ રાજાની ભરજુવાની હતી. તેની ઉમર ત્રીશ વર્ષની હતી. તેનું શરીર પરમેશ્વરની કૃપાથી, નાનપણથી અંગકસરત કીધાથી, પાતળું તથા જોરાવર હતું. તેની ચામડીને રંગ ઘઉંવર્ણો હતો. તે શરીરે લાંબો હતો તેનું મ્હોં લંબગોળ હતું, તેનું નાક સીધું તથા લાંબુ હતું. તેના ઓઠ નાના તથા બિડાયેલા હતા, જેથી જણાતું કે તે ઘણો આગ્રહી, એટલે જે કામ મનમાં ધારે તે કર્યા વિના રહે નહી, એવા સ્વભાવનો હતો. એ સ્વભાવને લીધે તે ઘણી વખતે ઉતાવળથી તથા વગર વિચારે કામ કરતો, તેથી જ તેનું ઉપનામ ઘેલો પડ્યું હતું. તેની આંખ જરા લાંબી હતી, અને હમેશાં રતાશ પડતી રેહેતી તેથી તેનું રૂપ કાંઈક વિક્રાળ દેખાતું, અને તે જોઈને દુષ્ટ લોકો થથરી જતા. તેનામાં ક્ષત્રિયનું ખરેખરું લોહી હતું, અને તેની હિમ્મતનાં સઘળે ઠેકાણે વખાણ થતાં હતાં. તેમાં મુખ્ય ખોડ બે હતી. એક તેનો ઉતાવળો તથા ઉન્મત્ત સ્વભાવ, અને બીજી વિષયવાસના. એ છેલ્લી ખોડ તેની આંખ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતી હતી; તેમ તેની ખાનગી ચાલચલણથી એ વાત સઘળાને જાણીતી હતી. તેનું કપાળ વિશાળ હતું, અને તેની ભમર જાડી તથા એક બીજાની પાસે પાસે આવી ગયલી હતી તેથી તેનામાં દઢતાને ગુણ કોઈ પણ જોનારને લાગતો. આ વખતે તેણે પોશાક ઘણો કીમતી પહેર્યો હતો. માથાપર મંદીલની પાઘડી પહેરી હતી, તે ઉપર હીરા તથા મોતીનો શિરપેચ બાંધેલો હતો. અંગરખું જરીનું હતું, અને એક કાશીની બનાવટનું શેલું કમરે વીંટાળેલું હતું, જેમાં સોનાના મિયાનની તથા હીરે જડેલી મૂઠવાળી તલવાર તથા હીરામોતીએ જડેલું ખંજર ખોસેલું હતું. તેની ડોકમાં મોતીની માળાઓ તથા હીરાના કંઠા હતા. તેણે કિનખાબની સુરવાલ પહેરેલી હતી, અને એક પગે સોનાનો તોડો હતો. જોડા મખમલના હતા તથા તે ઉપર સોનેરી ટીકડી ચોઢેલી હતી. તેને માથે મોરપીંછ હતાં, તથા આસપાસ બે ખીદમતગારો ચંમર કરતા હતા. એવી શોભાથી કરણ રાજા ગાદીએ બિરાજેલો હતો.
દરબાર ભરાતાં જ ત્યાં બેઠેલા બ્રાહ્મણો આશિર્વાદના મંત્રો ભણવા લાગ્યા. તે પુરા થયા પછી ગુણિકાએ થોડીવાર ગાયન ગાઈ, કટાક્ષ કરી તથા બીજા હાવભાવ દેખાડી રાજાનું મન રંજન કીધું. તે દહાડો દશેરાનો હતો માટે એક ભાટે ઊઠીને રામની લંકા ઉપર ચઢાઈ થઈ તેનું એક કવિત કહી સંભળાવ્યું. પછી બીજો ભાટ એક બીજું કવિત બોલ્યો, તેમાં પાંડવો વૈરાટ નગરમાં ગયા તેનું વર્ણન કીધેલું હતું. તે બેઠા પછી પંડિતોએ વ્યાકરણનો થોડો વિવાદ ચલાવ્યો. પછી ચિતારાએ એક ઘણી રૂપાળી સ્ત્રીનું ચરિત્ર રાજાને નજર કરી તેનું રૂપ વર્ણવ્યું. એ થઈ રહ્યા પછી બીજું કાંઈ કામ તે દહાડે ન હતું તેથી જુદા જુદા વિષય ઉપર સઘળા વાતો કરવા લાગ્યા.
આ સઘળું કામ થઈ રહ્યું ત્યારે સવારના દસ વાગ્યાનો વખત થયો હતો. રાજાનો જઠરાગ્નિ કાંઈ મંદ નહતો તેથી દરબારમાંથી તે ઉઠ્યો. ચોબદારોએ ધારા પ્રમાણે નેકી પોકારી. કામદાર લોકો પોતપોતાને ઘેર ગયા. રાજાએ ભોજનશાળામાં જઈ રૂપાના પાટલા ઉપર બેસીને સોનાની થાળીમાં યથાસ્થિત ભેાજન કીધું. ત્યાર પછી પાનસોપારી, તેજાના વિગેરે ખાધાં, અને સુવાના ઓરડામાં જઈ પલંગ ઉપર બેઠો. તે વખત ત્યાં એક ભાટ તથા એક બ્રાહ્મણ જે રાજ્યગુરૂ હતો, તે હાજર હતા, તેઓને રાજાએ પોતાના પલંગ પાસે બેલાવ્યા, દરરોજ જમ્યા પછી ધર્મ, નીતિ તથા રાજ્ય સંબંધી જે વાતો શાસ્ત્રમાં લખેલી હોય તે બ્રાહ્મણેને મ્હોડે સાંભળવાની રાજાને ટેવ હતી, તેથી તે દિવસે રાજા બોલ્યોઃ “ગુરૂજી ! આજે શા વિષય ઉપર વાત ચલાવીશું ?” ગુરૂજીએ થોડોએક વિચાર કરી જવાબ દીધો, “રાજાધિરાજ, ઘણા દહાડા થયાં રાજાનો ધર્મ શો છે, અને રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ, એ વિષે આપ સાથે વાત કરવાનો વિચાર હતો, પણ આજ સુધી તેમ કરવાની જોગવાઈ આવી નહી તેથી આજે તે વિષય આપણે ચલાવીશું, અને હું આશા રાખું છું કે આપ મારી વાત શ્રવણ કરી તે પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરશો.” ભાટે પણ શાસ્ત્રમાંથી તો નહી પણ લોકવ્યવહારથી એ વિષય ઉપર થોડું ઘણું જ્ઞાન મેળવ્યું હતું તેથી તે પણ ગોર મહારાજ સાથે સામેલ થવાને જાગૃત થયો. ગોર મહારાજે પહેલાં મહાભારતમાંથી નીચે પ્રમાણે એક વાત કહી.
“રાજા વિના કોઈ દેશ સુખી થઈ શકતો નથી. શરીરની સુખાકારી, સદ્દગુણ ઈત્યાદિ કાંઈ કામ લાગતાં નથી. બે માણસ મળીને એકની મિલકત દબાવી પડે, અને એમ માણસો એક બીજાને ઉપદ્રવ કરે; એ પ્રમાણે જેમ જુદા જુદા પ્રકારનાં માછલાં એક બીજાનો નાશ કરે છે તેમ માણસો પણ એક એકનો નાશ કરે. એ પ્રકારે માણસો એક બીજા ઉપર જુલમ નિરંતર કર્યા કરતાં હતાં. તે વખતે તેઓ રાજા માગવાને બ્રહ્મા પાસે ગયાં. બ્રહ્માએ મનુને રાજા થવાને કહ્યું. મનુએ જવાબ દીધો, “મહારાજ ! હું પાપનાં કામથી બીહું છું રાજ્ય- કારભારમાં જોખમ ઘણું, તેમાં વિશેષે કરીને હમેશાં જુઠું બોલનાર માણસોને જવાબદારી વધારે છે.” લોકોએ તેને કહ્યું, “બીહીશો મા, તમને સારો બદલો આપીશું. પશુઓનો પચાશમો ભાગ, તેમ જ સોનાનો તેટલામો ભાગ તમને મળશે. અનાજનો દશમો ભાગ તમને આપીશું; અને તમારા ભંડારમાં વૃદ્ધિ કર્યા કરીશું. કન્યા ઉપર ઘટતું દાણ, તથા મુકર્દમા અને જુગાર રમવા ઉપર કર આપીશું. વળી જેમ દેવતાઓ ઈંદ્રરાજાને તાબે રહે છે તેમ જ દ્રવ્યવાળા તથા વિદ્વાન પુરૂષો તમારા તાબામાં રહેશે. તમે અમારા રાજા થાઓ, તમે શક્તિવાન થશો. તમને કોઈ ભય પમાડી શકશે નહી; અને જેમ કુબેર યક્ષલોકો ઉપર સલાહસંપથી રાજ્ય ચલાવે છે તેમ તમે ચલાવશો. રાજાના આશ્રય નીચે રહીને રૈયત જે જે પુણ્યનાં કામો કરશે તે પુણ્યનો ચોથો ભાગ તમને મળશે. એ પ્રમાણે જેમ શિષ્ય ગુરૂને શ્રેષ્ઠ ગણે છે, દેવતાઓ ઇંદ્રને ઉપરી માને છે, તેમ જેઓને ઉંચી પદવી મેળવવાની ઇચ્છા હોય તેઓએ રાજાને શ્રેષ્ઠ માનવો, કેમકે તે લોકોનું રક્ષણ કરનાર છે. જ્યારે તેઓ રાજાની સમક્ષ ઉભા રહે ત્યારે તેઓએ રાજાનું પૂજન કરવું.” એટલી વાત સાંભળીને યુધિષ્ઠિર બોલી ઉઠ્યો, “જન્મ, મરણ, આવરદા તથા શરીરનાં અવયવો રાજાનાં અને બીજા લોકોનાં સરખાં જ છે, ત્યારે બળવાન શૂરા પુરૂષોએ રાજાને શા માટે માન આપવું જોઈએ ! તથા તેનું પૂજન શા માટે કરવું જોઈએ? અને રાજા સુખી અથવા દુ:ખી હોય તે પ્રમાણે તેઓને સુખદુઃખ શા માટે થવું જોઈએ?” એ પ્રશ્ન સાંભળીને ભીષ્મપિતામહે રાજાની ઉત્પત્તિ સંભળાવી, અને તે ઉપરથી સિદ્ધ કીધું કે જગતનું કલ્યાણ રાજાના ઉપર આધાર રાખે છે.” રાજાનાં આટલાં વખાણ તથા રાજ્યપદનું આટલું માહાત્મ્ય સાંભળીને ભાટ ઘણો જ ખુશ થયો અને બોલ્યોઃ “સત્ય છે મહારાજ, રાજા તે બીજો પરમેશ્વર; પૃથ્વી ઉપર પરમેશ્વરને મુનિમ. જેમ પરમેશ્વર ચાહે તે કરી શકે તેમ તે પણ કરી શકે.” બ્રાહ્મણ બોલ્યોઃ “રાખ, એટલી ઉતાવળથી અનુમાન મા કર. સઘળા કરતાં અને રાજા કરતાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે રાજાએ વહેલાં ઉઠીને ત્રિવેદી બ્રાહ્મણોની સેવા કરવી, અને તેઓના કહેવા પ્રમાણે કરવું.” ભાટ બોલ્યો “પણ મહારાજ, મનુસ્મૃતિમાં આમ પણ કહેલું છે કે સૂર્યની પેઠે રાજા આંખ તથા અંત:કરણને બાળી નાંખે છે, અને પૃથ્વી ઉપર કોઈ પણ માણસ તેના ઉપર દષ્ટિ કરી શકતું નથી. તે અગ્નિ તથા જળ છે, તે અપરાધી લોકોના ન્યાયનો દેવ છે, તે દ્રવ્યનો દેવ છે, તે જળનો ઉપરી છે, તે આકાશનો ધણી છે, તે માણસના રૂપમાં શક્તિવાન દેવ છે, તેનો ક્રોધ થાય તો મૃત્યુ જાણવું, જે ઘેલાઈમાં પણ રાજા ઉપર દ્વેષભાવ દેખાડે તેનો નિઃસંશય નાશ થશે, કેમકે રાજા તેનો નાશ કરવા તરફ જલદીથી પોતાનું મન લગાડશે.”
બ્રાહ્મણ બોલ્યોઃ “એ ગમે તેમ હોય તે પણ બ્રાહ્મણોને રાજાએ માન આપવું, અને તેઓના કહ્યા વિના કાંઈ કામ કરવું નહી. શાસ્ત્રમાં કહેલું છે કે રાજા ગમે તેવા દુઃખમાં હોય તો પણ બ્રાહ્મણોને ક્રોધાયમાન કરવા નહી, કેમકે એક વાર તેએ કોપ્યા એટલે તેનો તથા તેના હાથી, ઘોડા, રથ, લશ્કર એ સઘળાનો તે તુરત નાશ કરવાને સમર્થ છે. બ્રાહ્મણો જો કોપે, તો બીજી પૃથ્વીઓ તથા પૃથ્વીપતિઓ કરી શકે, તથા બીજા દેવ તથા માનવને ઉત્પન્ન કરી શકે. એવા બ્રાહ્મણ ઉપર જુલમ કીધાથી કયા રાજાને દ્રવ્ય મળી શકે? વળી મનુ કહે છે કે બ્રાહ્મણની શક્તિ તેના જ ઉપર માત્ર આધાર રાખે છે, તે રાજાની શક્તિ જે બીજા માણસોવડે છે તેના કરતાં શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિવડે બ્રાહ્મણો પોતાના શત્રુઓને વશ કરી શકે છે, જે બ્રાહ્મણ શાસ્ત્રમાં પ્રવીણ છે તેને કોઈ મહાવ્યથા કરે તો તેને રાજાની આગળ ફરીયાદ કરવાની જરુર નથી, કેમકે તે પોતાની શક્તિવડે વ્યથા કરનારને શિક્ષા કરી શકે છે. બ્રાહ્મણ ગમે તેવો અપરાધ કરે તો પણ તેનું શાસન બીજા લોકોના જેટલું નથી. મનુસ્મૃતિમાં લખેલું છે કે, બ્રાહ્મણે ગમે તેવો અપરાધ કીધો હોય તો પણ રાજાએ તેના પ્રાણનો ઘાત કરવો નહી. અપરાધી બ્રાહ્મણને તેના રાજ્યમાંથી કાઢી મુકવો, તેની સઘળી મિલકત પણ રાજાથી જપ્ત કરી શકાય નહી, તથા તેના શરીરને દુઃખ દઈ શકાય નહી. વળી બીજે ઠેકાણે કહેલું છે કે રાજા પૈસા વગર મરી જતો હોય તો પણ વેદ ભણનાર બ્રાહ્મણ પાસેથી તેણે કાંઈ પણ કર વસુલ કરવો નહી.”
ભાટ આ ઉપરની વાત સાંભળીને છક થઈ ગયો. તેણે બ્રાહ્મણની સત્તા વિષે આટલું બધું સાંભળ્યું નહતું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે, “આ લાડુભટને પરમેશ્વરે તો ઘણો અખતિયાર આપ્યો દેખું, ” અને એ વિચારથી તેના મનમાં એ ભટ લોકો ઉપર અદેખાઈ આવી; પણ તેની સામે શાસ્ત્રનાં વચન કાંઈ તેને માલમ ન હતાં તેથી તે બોલ્યો: “હવે એ વાત તો ઘણી થઈ, હવે રાજાએ શું શું શીખવું જોઈએ તે હું કહી સંભળાવું છું. ધારના રાજાની તેના પૌત્ર ભર્તુહરિ તથા વિક્રમાદિત્યને શું શું શીખવવાની મરજી હતી તે વિષે ભરતખંડનો ઇતિહાસ લખનાર મૃત્યુંજય નીચે પ્રમાણે કહે છે.
“તેણે પોતાના બે છોકરાઓને પાસે બેલાવી તેઓને જે અભ્યાસ કરવાનો હતો તે વિષે સારી શિખામણ આપી અને કહ્યું: “તમારે ઘણો ઉદ્યમ કરી વ્યાકરણ, વેદ, વેદાંત, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ગાંધર્વવિઘા, જુદી જુદી કળા તથા હાથની કારિગરી, હાથી તથા ઘોડા ઉપર બેસવાની તથા રથ હાંકવાની વિદ્યાનો અભ્યાસ કરવો. બધા પ્રકારની રમત, દોડવું, કુદવું, કિલ્લાઓને ઘેરો ઘાલવે, લશ્કરનાં ટોળાં બાંધવાં, તથા તેઓને તેડવાં, એ સઘળામાં પ્રવીણ થવું, હરેક રાજ્યગુણ મેળવવા, શત્રુની શક્તિનો નિશ્ચય કરતાં શિખવું. યુદ્ધ કરતાં, મુસાફરી કરતાં, મોટા માણસો આગળ બેસતાં, કાંઈ તકરારી વાતમાં તકરાર પ્રમાણે જુદા જુદા ભાગ કરી નાંખતાં, બીજા રાજાઓ સાથે સંબંધ કરતાં, નિરપરાધી અને અપરાધીને એાળખતાં, દુષ્ટને યથાયોગ્ય શિક્ષા કરતાં, તથા સંપૂર્ણ ન્યાયથી રાજ્ય ચલાવતાં શિખવું, અને તમારું મન ઘણું ઉદાર રાખવું.’ પછી તે છોકરાઓને નિશાળે ઉત્કૃષ્ટ શિક્ષકોના હાથ નીચે મોકલ્યા. ત્યાં તેઓ ખરેખર કીર્તિવંત થયા.”
રાજાએ ઉપલી વાતના પાછલા ભાગમાં ઉપરાઉપરી બગાસાં ખાવા માંડ્યાં. તે વખતે શરદ મહિનાનો આકરો તડકો હતો તેથી ગરમીની અશક્ત કરનારી અસર તેના શરીર ઉપર લાગી, અને રોજની ટેવ પણ મદદે આવી તેથી ભર્તૃહરી તથા વિક્રમાદિત્ય બંને કીર્તિવંત થયા તે તેણે સાંભળ્યું નહીં. ભાટે જ્યારે વાત પુરી કરી તેણે રાજાના મ્હોં સામું જોયું ત્યારે તેની વાત ધ્યાન આપી સાંભળવાને બદલે તેને મીઠી નિદ્રાને વશ થયલો દીઠો. તે જોઈ ભાટ તથા બ્રાહ્મણ ઓરડામાંથી બહાર ગયા, અને રાજાને સુખેથી ઉંઘ કાઢવા દીધી.
જ્યારે રાજા નિદ્રાદેવીને વશ થઈ આ લોક તથા પરલોકને વિસરી જઈ મૃત્યુથી ઉતરતી અવસ્થામાં પડેલો હતો તે વખતે કિલ્લા આગળ તથા શહેરમાં ભારે ગડબડાટ થઈ રહી હતી. લોકો ઘણા ઊમંગથી સારાંસારાં લુગડાં પહેરી, નવી રંગેલી પાઘડીમાં જુવારા ખેાસી, તથા નવા જોડા પહેરી કેટલાએક એકલા તથા કેટલાએક નાનાં નાનાં છોકરાંને સાથે તેડી સ્વારી જવાના રસ્તા ઉપર કોઈ ઓટલા અથવા દુકાન ઉપર બેસતા હતા. કેટલાએક રજપૂત તથા બીજા લશ્કરી લોકો હથિયાર કમરે બાંધીને ઘણા ડોળથી ફરતા હતા. ભીલ, કાઠી, કોળી વિગેરે જંગલી લોકો તરત ખસી જઈને રસ્તે આપતા. ઢેડા તથા તેથી હલકી જાતિના લોકો “ખસો બાપજી” એ પ્રમાણે બુમો પાડી ધીમે ધીમે રસ્તો કરી જતા, અને લોકોને તેઓને વાસ્તે ખસવું પડતું તે વખતે તેઓને ગાળ દીધા વિના રહેતા નહી. ઘણી વાર કોઈ ઘોડો અથવા હાથી ભડકતો ત્યારે લોકોમાં દોડાદોડી થતી, અને છોકરાં ચીસાચીસ પાડતાં. મોટા કામદારોનાં બઈરા સુખાસનમાં બેસી તેમના ધણીનાં સગાં, મિત્ર, અથવા ઓળખીતાનાં ઘર હોય ત્યાં જતાં. ગરીબ તથા વચલા વાંધાનાં લોકોની બાયડીઓ ખુલી રીતે ચાલતી જતી, પણ તેઓને રસ્તામાં કોઈ ઉપદ્રવ કરશે એવી કોઈને દહેશત ન હતી. ઓટલા તથા બારીઓ લોકોથી ભરાઈ ગયાં હતાં. બાકીના લોકો કેટલાએક છાપરા ઉપર અને કેટલાએક ઝાડ ઉપર ચઢીને બેઠા હતા; અને ઘણાએક રસ્તાની બાજુએ બે હાર કરી ઉભા રહ્યા હતા. દુકાનદારોએ દુકાન ધોળાવી, રંગાવી, તે ઉપર તોરણ બાંધી સઘળો માલ બહાર કાઢેલો હતો, તેમ જ રહેવાનાં ઘરો પણ ઘણાંએક રંગાવેલાં તથા ઘણું કરીને સઘળાં ધોળાવેલાં હતાં.
એ પ્રમાણે શહેરમાં સ્વારી જોવાની તૈયારીમાં લોકો બેઠા તથા ઉભા હતા. કિલ્લા આગળ કાઠીયાવાડી, સિંધી, કચ્છી, તથા કાબુલી શણગારેલા અને ઘણા ઉમદા જીનવાળા કેટલાએક ઘેાડા ખંખારતા, કેટલાએક નાચતા, કેટલાએક ભોંય ઉપર પગ ઠોકતા તથા કેટલાએક કાવો ફર્યા કરતા હતા. હાથીઓથી ઉભા રહેવાતું ન હોય તેમ એક જગાથી બીજી જગાએ જતા, કેટલાએક તેના અતિ બળથી મસ્ત થઈને ડોલતા, તથા કેટલાએક સુંઢ હલાવી ઉંચી કરી આસપાસના લોકોને નસાડતા હતા. સુખાસન એક કોરે મુકીને ભોઈ લોકો આણીગમ પેલીગમ મોજ કરતા ફરતા હતા. સ્વાર તથા પાયદળ સિપાઈ સઘળા હથિયારબંધ તૈયાર થઈ રહ્યા હતા, રાજા કરણે સવારે જે લુગડાં ઘરેણાં પહેર્યા હતાં તેનાં તે જ હમણાં પણ તેના શરીર ઉપર હતાં. વિશેષ એટલું જ કે બહાર કોઈની નજર ના લાગે માટે હાથે કેટલાંએક મંત્રેલાં માદળિયાં બાંધેલાં હતાં. રાજાનો હાથી ઘણો જ પુષ્ટ તથા બીજા સૌ કરતાં ઉંચાઇમાં વધારે હતો, તેના ઉપર સોનેરી ઝુલ નાંખી હતી. તેના પગમાં સોનાનાં કડાં ઘાલેલાં હતાં. તેના કુંભસ્થળ ઉપર મોતીની માળાઓ બાંધેલી હતી. હાથી ઉપરનો મેઘાડંબર તમામ રૂપાનો સોને રસેલો હતો, તથા તેમાં કેટલેએક ઠેકાણે રત્નો જડેલાં હતાં. રાજાની પાછળ માધવ પ્રધાનજી યંમર લઈને બેઠેલા હતા, અને તેનો પોશાક તથા ઘરેણાં સવારના જેવાં જ હતાં. સ્વારીની આગળ નોબત તથા ડંકા વગાડનારા ઉંટ અથવા હાથી ઉપર બેઠેલા હતા. નોબતની આસપાસની ઝુલ કીનારીદાર લુગડાંની હતી, અને તેના વગાડનાર પણ સઘળા બાંકા બનીને બેઠેલા હતા. તે પછી સ્વાર તથા સિપાઈઓ આવ્યા પછી શહેરનાં મુખ્ય માણસો તથા દરબારના કામદાર લોકો ઘોડા, રથ, વિગેરે વાહનપર બેસીને ચાલ્યા, વચમાં વચમાં મલ, ભાંડ વગેરે હલકા લોકો પણ મોટો ઠાઠમાઠ કરી ચાલતા હતા. છેલે હાથી ઉપર રાજા આવ્યો. સ્વારીમાં ઘણીએક તરેહનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં, તેમાં રણસિંગડાં, ભુંગળ, શરણાઈ વિગેરેનો અવાજ બહાર નીકળી આવતો હતો. રાજા સઘળા લોકોને આખે રસ્તે માથું નમાવતો જતો હતો, અને લોકો તેને જોઈને નીચા વળી નમતા તથા હરખનો પોકાર કરતા હતા. કેટલાએક લોકો જેઓ ઉંચી બારીઓમાં બેઠેલા હતા તેઓ રાજા ઉપર ફુલના હાર, દડા, તથા છુટાં ફુલની વૃષ્ટિ વરસાવતા હતા. ઘણા લોકો રસ્તામાં ફુલ વેરતા હતા; અને કેટલાએક શ્રીમંત લોકો સોના રૂપાનાં ફુલ રાજાના માથા ઉપર વધાવતા હતા. તે વખતે લોકોની રાજા ઉપરની પ્રીતિ એટલી ઉભરાઈ જતી હતી કે જો બની શકે તો તેઓ પોતાનામાંથી થોડું થોડું આવરદા રાજાને આપવાને તૈયાર થાય. રાજા જુવાન અને ખુબસુરત હતો. તેની સાથે તે દહાડે એટલો તો મોહ પમાડે એવો તે લાગતો હતો કે સવારી જોવા મળેલી ઘણી સ્ત્રીઓએ તેનાં ઘણા હેતથી ઓવારણાં લીધાં.
સ્વારી શહેર બહાર કેટલેએક દૂર જઈ એક શમીના ઝાડ આગળ અટકી. ત્યાં હજારો બ્રાહ્મણો શમીપૂજન કરાવવાને તથા દક્ષિણા વહેંચાય તે લેવાને એકઠા થયા હતા. રાજા હાથી ઉપરથી ઉતરીને શમીવૃક્ષ આગળ જઈ ઉભો રહ્યો. તે વખતે રાજ્યગોરે આવી સરપાવ માગ્યો, “રાજાધિરાજ ! કાંઈ આપો તો પૂજનના કામનો આરંભ થાય.” તે જ ક્ષણે નાણાંની એક થેલી ગોરને મળી. બીજા બ્રાહ્મણો પણ પોતપોતાના યજમાન પાસે ગયા, અને કહેવા લાગ્યા: “મહારાજ ! આજે રામચન્દ્રજીએ દુષ્ટ રાવણ ઉપર ચઢાઈ કરી, અને આજે પાંડુપુત્ર વૈરાટ નગરમાં પેંઠા. આજે અર્જુન તથા તેના ભાઈઓએ શમીપૂજન કીધું, અને પોતાનાં શસ્ત્રને તે વૃક્ષ ઉપર લટકાવ્યાં; માટે આજ એ શમી એટલે અપરાજિત દેવીનું પૂજન કરવાનો ઘણો ધર્મ છે.” પછી તેઓએ પહેલાં તો તે ઝાડને પંચામૃતનું સ્નાન કરાવ્યું. તેના ઉપર પાણી છાંટ્યું, અને ચંદન પુષ્પ ચઢાવ્યાં; અપરાજિત દેવી આગળ દીવો કીધો; ઝાડ ઉપર ચાંલ્લા કરી હાર ચઢાવ્યા; ગુલાલ અબીલ નાંખ્યાં; નૈવેદ મુક્યું; અને રાજા પાસે પ્રદક્ષિણા કરાવી. પછી તેઓએ વારાફરતી દશ દિગ્પાળની પૂજા કીધી, તેમાં પહેલાં ઇંદ્ર એટલે પૂર્વના દેવની કીધી, પછી રાજાએ તથા બીજા લોકોએ બળેવને દહાડે બાંધેલી રક્ષા તોડી ઝાડ ઉપર ફેંકી દીધી. તે થયા પછી શમીના મૂળ આગળથી થોડું થોડું મટોડું તથા તેનાં પાત્રાં, સોપારી તથા જુઆરા બ્રાહ્મણોએ સઘળાને આપ્યાં, અને કહ્યું કે આ સઘળાંને એકઠાં માદળીયામાં ઘાલી જયારે પ્રવાસ કરવા જાઓ ત્યારે રાખજો. હવે પૂજન પુરૂં થયું એટલે રાજાની તરફથી દક્ષિણા થઈ, અને ખાનગી ગૃહસ્થોએ પણ પોતપોતાની શક્તિ તથા બાપદાદાના સંપ્રદાય પ્રમાણે દક્ષિણા આપી, અને અગર જો કે એ દક્ષિણા હંમેશાંના કરતાં કાંઈ થોડી ન હતી તો પણ ધારા પ્રમાણે સઘળા બ્રાહ્મણો કાળનો વાંક કાઢી સારી પેઠે બબડ્યા, પોતાનાં છોકરાંની આગળ કેવી અવસ્થા થશે તે વિષે ઘણું ફીકર કરવા લાગ્યા, અને છેલ્લે ભાગ વહેંચવામાં બોલચાલ ઉપરથી ગાળાગાળી અને ગાળાગાળીથી મારામારી ઉપર આવી ગયા, અને જો કેટલાએક વૃદ્ધ બ્રાહ્મણો ત્યાં કજીયો પતાવવામાં ન હોત તો થોડું લોહી પણ તે દિવસે અપરાજિત દેવીને અર્પણ થાત.
એ બ્રાહ્મણોને લડતા તથા શોરબકોર કરતા રહેવા દઈને રાજાની સ્વારીની સાથે આપણે પણ પાછા વળીએ. સ્વારી થોડી આગળ ચાલ્યા પછી રાજાએ પાછા ઉતરીને ગઢેચી માતા એટલે કિલ્લાનું રક્ષણ કરનારી દેવીનું પૂજન કરી ફરીથી ત્યાંના બ્રાહ્મણોને દક્ષિણા આપી. ત્યાંથી સ્વારી ચાલી તે ઠેઠ કિલ્લા સુધી આવી પહોંચી ત્યાંસુધી અટકી નહી. કિલ્લા આગળ એક મોટું ચોગાન હતું ત્યાં લાખો લોકો એકઠા થઈ રહ્યા હતા. ત્યાં સ્વારો, પાયદળ, ઘોડા, હાથી અને છેવટે રાજાનો હાથી એ સઘળા ઉભા રહ્યા. પછી એક ઠેકાણે, મલ્લો, જેઓ આખા વરસ સુધી દુધ, દહીં, ને ઘી ખાઇ ખાઇને જાડા થઈ ગયા હતા તેઓ કુસ્તી કરવા લાગ્યા, તે જોવાને લોકોનું એક મોટું ટોળું ત્યાં એકઠું થયું હતું. એક ઠેકાણે બે સ્વાર ઘોડા ઉપર બેસીને જુઠું યુદ્ધ કરતા હતા. બંનેની પાસે બુઠ્ઠી અણીના ભાલા હતા અને તેઓ એક હાથમાં ગેંડાના ચામડાની ઢાલ પકડી લડતા હતા, તેમાંથી સામાવાળાના ભાલાના આચકાથી જે પડી જાય તે હારે અને લોકો તુરત તાળી પાડી બુમાબુમ કરી મુકે. એક રજપૂત સ્વાર ભાલાવાળાની સામા તલવાર લઈને લડ્યો, અને તલવારની અણીવતી તે સામા માણસને વગાડ્યા સિવાય તેને ઘોડા ઉપરથી ઢોળી પાડ્યો. કેટલાએક કોળી સિપાઈઓ સામે માટીનું ચક્કર મુકી તેમાં તીર પીંછાસુદ્ધાં પેસે એવી શરતે આઘેથી તીર મારતા હતા. કેટલાએક સ્વરો પોતાના ઘોડાને કાવો જ ફેરવ્યાં કરતા; કેટલાએક તેઓને નચાવતા; કેટલાએક ઘોડાને થોડુંક દોડાવી પાછા લાવતા. એ પ્રમાણે ત્યાં ગમત થઈ રહી હતી. આસરે એક કલાક સુધી કસરત કરી સ્વાર લોકો તથા સિપાઇઓ રાજાને જુહાર કરી પોતપોતાને ઠેકાણે ગયા. તમાશગીર લોકો તે દહાડાની હકીકતની વાતો કરતા તથા સ્વારીની ટિકા કરતા કરતા પાછા વળ્યા. રાજા હાથી ઉપરથી ઉતરી મહેલમાં જઈ લુગડાં ઘરેણાં ઉતારી દેવની પૂજા કરી આરતી ઉતારી ચંદ્રશાળામાં ગયો, અને ત્યાં ભોજન કરવાની તૈયારી કીધી, રાત્રે રાજા પોતાની રાણી સાથે જમતો, માટે ત્યાં બીજું કોઈ ન હતું. રૂપાના પાટલા માંડ્યા, અને મુખ્ય રાણી સોનાની થાળીમાં જમવાનું પીરસીને લાવ્યાં. જમી રહ્યા પછી સીસાઓ તથા વાડકા આવ્યા, તેમાં દરાખ તથા મહુડાનો દારૂ રાજાએ થોડો થોડો પીધો. ખાઈ રહી હાથ મ્હેાં ધોઈ રાજાએ પાનસોપારી ખાધાં, અને ત્યાર પછી આખા શરીર ઉપર ચંદન તથા મળિયાગરાનો લેપ કરાવ્યો; તે થઈ રહ્યા પછી રૂપાની એક સાંકળનો હિંડોળો તે ઓરડામાં હતો તે ઉપર રાજા આરામ લેવા જરા સુતો, પાસે રૂપાની સુંદર દીવીઓ ઉપર દીવા બળતા હતા તેથી આખા ઓરડામાં ઝળઝળાટ થઈ રહ્યો હતો. એ ઓરડાનાં બારણાં આગળ ચોકીદાર બેઠા હતા, તેઓ રાજા હવે સુઈ જશે એમ ધારતા હતા. પણ થોડીવાર પછી રાજા હિંડોળેથી ઉઠ્યો અને એક હલકા રજપૂતનાં લુગડાં રાખેલાં હતાં તે તેણે પહેર્યાં. તેણે પોતાનું મ્હોં છુપાવવાને બુકાની બાંધી, અને પગે જુના જોડા પહેર્યા પછી એક ખવાસને બોલાવી હુકમ કીધે કે આજ રાત્રે વીરચર્ચા કરવાનો એટલે નગરચર્ચા જોવાનો મારો વિચાર છે, માટે એક લોટામાં પાણી ભરી લઈ મારી સાથે આવવું, ખવાસ હુકમ પ્રમાણે જલદીથી તૈયાર થયો, અને તે તથા રાજા બંને મહેલને પાછલે બારણેથી નીકળી પડ્યા.
તે વખતે દોઢ પહોર રાત ગઇ હતી, અને દુકાનદારો દુકાન બંધ કરી પોતપોતાને ઘેર જતા હતા. લોકો પોતપોતાના ઘરમાં જ હતા, અને આખો દહાડો રઝળેલા તેના થાકથી ઘણાએક તો સુઈ ગયા હતા. કેટલાએક બારીએ બેસી પડોસીઓ જોડે તડાકા મારતા હતા. કેટલેક ઘેર બાયડીઓ એકઠી થઈ માતાના ગરબા ગાતી હતી તે જોવા તથા સાંભળવા કેટલાએક લોકો બહાર મ્હોં ઊઘાડાં મુકીને ઉભા હતા, અને ગરબાના વિષય, તે ગાવાની રીત, તથા ગાનારીઓના ઘાંટા ઉપર ટિકા કરતા હતા. પાતરવાડામાં પાતરો બારીએ દીવા મુકીને પોતાનાં અંગ ઉપર કીમતી લુગડાં, ઘરેણાં તથા ફુલના હારગજરા પહેરીને બેઠેલી હતી, અને રસ્તે જતા આવતા લોકોને મોહજાળમાં ફસાવવા ફાંફાં મારતી હતી. તેમાંથી કેટલાએક અભાગીયા લોકો તે જાળમાં ફસાઈ પડીને ક્ષણભંગુર સુખને વાસ્તે અક્ષય સુખનો આંધળા થઈ ત્યાગ કરતા હતા. કેટલીએક રામજનીના ઘરમાં રાગતાન થતાં હતાં, વાજીંત્રનો નાદ થઈ રહ્યો હતો, અને દીવામાં પડતાં પતંગીયાંની પેઠે કેટલાએક મૂર્ખ લોકો ત્યાં ઝંપલાવતા હતા, અને તેઓની આંખ ઉપર એવાં તો જાડાં પડ વળી ગયાં હતાં કે તેઓ તે સમયે જાણે વિષ્ણુના વૈકુંઠમાં બેઠા હોય એમ તે અધમ પુરૂષોને લાગતું હતું. સાંકડી ગલીઓ તથા ઉજડ રસ્તાઓમાં બુકાની બાંધેલા માણસો ચુપકીથી ફરતા હતા, અને લાગ ફાવે તો પારકો માલ પોતાનો કરવાને તેઓનો ઈરાદો જણાઈ આવતો હતો. કોઈ કોઈ ઠેકાણે વંઠેલ સ્ત્રીપુરૂષ પોતાનાં ઘરબાર છોડી દુષ્ટ વિચારથી આમ તેમ ભટકીયાં મારતાં હતાં, એ સઘળું રાજાએ જોયું, અને તેમાંની ઘણીએક વાતનો બંદોબસ્ત કરવાનો પ્રધાનને હુકમ કરવો એવો પોતાના મનમાં નિશ્ચય કીધો રાજસંબંધી વાત કોઈ પણ ઠેકાણે તેના સાંભળવામાં આવી નહી. જ્યાં જ્યાં કાંઈ પણ વાત થતી હતી, ત્યાં સવારીની જ વાત ચાલતી હતી. તેમાં સઘળાં તેના રૂપ, ગુણ, લુગડાં, ઘરેણાં, ઈત્યાદિનાં વખાણ કરતાં હતાં. એટલું સાંભળી રાજાનું મન તૃપ્ત થયું નહી તેથી શહેર બહાર ચાંદનીમાં ફરવા જવાનો તેણે નિશ્ચય કીધો.
દરવાનને થોડા પૈસા આપી દરવાજો ઉઘડાવ્યો, અને મેદાન ઉપર નીકળી ગયો, તે દહાડે શરદ મહિનાનો ચંદ્ર ખીલી રહ્યો હતો. આકાશ ઘણું જ નિર્મળ હતું. ચાંદરણાથી બધું મેદાન રૂપેરી રંગનું હોય એમ દેખાતું હતું. તેમાં વચમાં વચમાં ઘાસ ઉગેલી લીલી જગા હતી, તે ગૌરવર્ણની સ્ત્રીના હાથ ઉપર લીલમની વીંટીના જેવી માલમ પડતી હતી, તે ઠેકાણે કોઈ પ્રાણી નજરે પડતું ન હતું; પણ પાણીનાં ખાબોચીયાંમાંથી દેડકાઓ ડ્રેંડુંડ્રેંડુ કરતા હતા. કંસારીઓ જગાએ જગાએથી બંધ ન પડે એવો અવાજ કરતી હતી, અને કોઈ ઠેકાણેથી સાપનો શબ્દ પણ સંભળાતો હતો. એવી રીતે રાત રમણિક લાગતી હતી. આગળ ચાલતાં તેઓ સ્મશાન પાસે આવી પહોંચ્યા, ત્યાં ચાંદરણામાં ઝાડની છાયાથી અન્ધારું પડતું હતું; અને સ્મશાન એ નામથી જ તે જગા ભયાનક લાગતી હતી ત્યાં ઉભા રહીને રાજાએ દૂર નજર કીધી તો એક ઝાડ નીચે મોટું તાપણું તેના જોવામાં આવ્યું, અને તે બળતાંની આસપાસ કેટલાંએક બઈરાં કુંડાળું ફરતાં તેણે જોયાં. રાજાને તે તમાશો જોવાની ઘણી મરજી થઈ, તેની પાસે તલવાર તથા ખંજર હતાં તેથી તેના મનમાં બીહીક થોડી હતી. ખવાસ તો તે જોઈને ધ્રુજવા લાગ્યો, અને હાથ જોડી બોલ્યો, “મહારાજ, એ તો કોઈ ડાકણી, યક્ષણી, પિશાચ, વંતરી અથવા એવી કોઈ બાયડીઓ હશે, માટે તેઓની પાસે જવામાં કાંઈ ફળ નથી.” પણ રાજા કરણ એક વાત મનમાં લેતો તે કદી છોડતો નહી, અને વળી બીહીને ત્યાં ન જવાથી રજપૂતની બહાદુરીને કલંક લાગે, માટે ગમે તે થાય તો પણ જવું એવો દૃઢ નિશ્ચય કરી તે આગળ ચાલ્યો. જ્યારે તે ટોળા આગળ જઈ પહોંચ્યો ત્યારે સઘળી બાયડીઓ ક્રોધાયમાન થઈ સ્થિર ઉભી રહી, અને રાજાની સામે ડોળા કાઢીને બોલી, “અલ્યા માનવી, તું રંક હોય કે રાજા હોય, પણ ઈહાં તારે આવવાનું શું કામ હતું? તે અમારી રમતમાં કેમ ભંગ પાડ્યો ? શું તું તારે ઘેરથી રીસાઈ આવ્યો છે ? શું આટલી નાની ઉમરમાં તું આવરદાથી કંટાળી ગયો છે કે મોતના જડબામાં આવી ફસાઈ પડ્યો ? તું ઈહાંથી એકદમ જતો નહી રહે, તો અમે બધાં મળીને તને ચીરી નાંખી તારો લોહીની ઉજાણી કરીશું.” રાજા કરણ એવી રાંડોથી બીહે એવો ન હતો, મિયાનમાંથી તલવાર કાઢી તેણે જુસ્સાથી કહ્યું, “હું ક્ષત્રિય રાજપુત્ર, આખા ગુર્જર દેશનો રાજા કરણ વાઘેલો છું, અને તમે મારા રાજમાં રહો છો તેથી મારી રૈયત છો, માટે હું તમને આજ્ઞા કરું છું કે તમે સઘળાં કોણ છો તે તુરત મને કહો.” વંત્રીઓએ જાણ્યું કે આ તો દેશનો ધણી છે, તેથી તેઓ સઘળી તેની આગળ હાથ જોડીને ઉભી રહી, અને તેઓમાંથી એક બોલી, “રાજાધિરાજ ! અમે વાણીયા બ્રાહ્મણની બાયડીઓ હતી, પણ અમે સઘળી સુવાવડમાં મરી ગઈ, અમારા ધણી બીજી વાર પરણ્યા, તેથી તેઓએ અમારી પાછળ યોગ્ય ક્રિયા કીધી નહી માટે અમારી અસદ્ગતિ થઈ છે, માટે હે રાજા ! જો તમે તેઓને કહી તેઓની પાસે અમારે સારૂં નારાયણબળિ કરાવશો તો જ અમારો ઉદ્ધાર થશે.”
રાજાએ તેઓના ધણીનાં નામ લખી લીધાં, અને તેઓને વચન આપ્યું કે હું તમારો જલદીથી આ ગતિમાંથી છુટકો કરાવીશ, વંત્રીઓ એ સાંભળીને એટલી તો ખુશ થઈ કે તેઓ સઘળી બોલી ઉઠી:- “રાજા તું માગ, જે માગે તે આપીએ.” રાજાએ પોતાના ભવિષ્યની વાત પુછી ત્યારે એક વંત્રી બોલી, “મહારાજ ! અમને ભવિષ્યનું જ્ઞાન નથી, તો પણ જ્યારે તમે અમારા ઉપર આટલો ઉપકાર કીધો છે ત્યારે અમે પણ તમને એક શીખામણ દઈએ તે પ્રમાણે તમારે ચાલવું. તમે જાણો છો કે બાયડીઓથી જગતમાં ઘણી ઉથલપાથલ થઈ છે. સીતાને રાવણ હરી ગયો તેથી લંકાનો નાશ થયો, અને રાવણનું મૃત્યુ થયું; દ્રૌપદીનાં ચીર દુર્યોધને ભરી સભામાં ખેંચાવ્યાં તેથી કુરૂક્ષેત્રનું યુદ્ધ થઈ તેમાં કૌરવોનો અને તેઓનાં તથા પાંડવ તરફનાં કરોડો માણસોનો નાશ થયો, માટે હે રાજા ! બાયડીથી બહુ સંભાળીને ચાલવું, અને તેઓ સાથે જેમ બને તેમ થોડો સંબંધ રાખવો.”
કરણ રાજા એટલું સાંભળી પાછો વળ્યો, અને આખે રસ્તે આ બનાવ વિષે એટલા બધા વિચાર તેના મનમાં આવ્યા કીધા કે તેણે રસ્તો કાંઈ જાણ્યો નહીં. તે એક યંત્રની પેઠે આગળ ચાલ્યાં જ કરત, પણ એક મહાદેવના દેવસ્થાન આગળ ભારે ભીડ થઈ હતી ત્યાં લોકોની ઉપર તે અથડાયો ત્યારે તેને ભાન આવ્યું. આસપાસ જોઈ ભીડ થવાનું કારણ લોકોને પુછ્યું ત્યારે એક જણે જવાબ દીધો કે દહેરામાં વૈરાટપર્વનું નાટક થાય છે તે જોવાને લોકો મળ્યા છે. નાટકનું નામ સાંભળીને તે જોવાનું તેને મન થયું અને ખવાસને બોલાવી બંને જણ દહેરામાં ગયા, તથા ધક્કામુક્કી કરી ઉભા રહ્યા તો ત્યાં વૈરાટ રાજાની સભા મળી હતી, અને પાંડવો એક પછી એક જુદો જુદો વેશ ધારણ કરી રાજાની પાસે નોકરી માગવા આવતા હતા, નાટકની ગમતમાં રાજા એટલો બધો લીન થઈ ગયો કે વંત્રીની વાત તે તમામ ભુલી ગયો. કેટલીક વારે ખવાસને અફીણને લીધે ઝોકાં તથા બગાસાં ખાતો જોઈને રાજાને પણ બગાસાં આવવા માંડ્યા, અને એક પહોર રાત રહી છે, એમ સાંભળીને તેણે પાછા મહેલ ઉપર જવાનો ઠરાવ કીધો. જતાં પહેલાં મહાદેવનાં દર્શન કરવાને દહેરા તરફ ગયો, પણ બારણાં આગળ જાય છે એટલામાં ઝમઝમાટ કરતી આવતી સ્ત્રીને જોઈને પોતાની મરજી ઉપરાંત તે ત્યાં જ ઉભો રહ્યો, અને તેની શુદ્ધ બુદ્ધ ઉડી ગઈ. તે સ્ત્રી ખરેખરી પદ્મિની હતી. જ્યારે તે સ્ત્રી દહેરામાં ગઈ અને જ્યારે કરણને બોલવાની શુદ્ધિ આવી ત્યારે તે સ્ત્રી કોણ હતી તે વિષે તેણે ખવાસને પુછ્યું, ખવાસે જવાબ દીધો કે, “મહારાજ, એ તો આપણા પ્રધાનજી માધવની ધણીઆણી છે, અને તેની પાછળ ચાકરના હાથમાં સેનાની થાળી હતી, તેમાં ચંદન, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય હતું તેથી તે પૂજા કરવા આવી હશે.” વિજળીનો આચકો લાગ્યો હોય તેમ આ સાંભળીને કરણ ચમક્યો અને બોલ્યો, “માધવની ધણીઆણી ? પેલા માધવની ! એ વાત ખરી છે? તું જુઠું તો બોલતો નથી ? આ રાજ્યમંદિરમાં વાસ કરવા લાયક, એ રાજ્યમહેલનું આંગણું દીપાવે એવી સ્ત્રી એક બામણાના ઘરમાં ! એવો વિચાર કરતો કરતો કરણ પોતાના મહેલમાં જઈ હિંડોળે સુતો, પણ તેને જરા પણ નિદ્રા આવી નહી.
લેખક – નંદશંકર મહેતા
આ પોસ્ટ નંદશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો