વર્તમાન સમયમાં કલાની જે વ્યાખ્યા કરવામાં આવે છે એનાથી પ્રાચીન ભારતની ૬૪ કલાઓ જુદા પ્રકારની હતી. આ ૬૪ કલાનો સંબંધ ‘કામશાસ્ત્રની’ સાથે જોડાયેલો હતો. આ સંદર્ભમાં પ્રયોજાતી તમામ વિદ્યાઓ અને કૌશલ્ય કલાના અંતર્ગત આવતાં. એમાં એવી પણ વિદ્યાઓ હતી, જેને આજે આપણે કલા કહી શકીએ. આ ઉપરાંત ફોસલાવવાની, ઠગવાની અને સંમોહનની વિદ્યાઓ હતી. ૬૪ કલાઓ પૈકીની ૬૪મી કલા ‘વૈતાલિકી વિદ્યાજ્ઞાન’ની હતી. આવી આઠ ‘આપકળા’ની વાત લોકવાણીમાં આ રીતે કહેવાઈ છે.
રાગા પાઘા ને પારખાં, નાડી ને વળી ન્યાય,
તરવું તસ્કરવું અને તાંતરવું એ આઠેય આપકળા.
રાગ-સંગીત, પાઘ-પાઘડી બાંધવી, પારખાં-હીરા, માણેક અને ઝવેરાત પારખવાં. નાડી આયુર્વેદનું જ્ઞાન, ન્યાય, પાણીમાં પડીને તરવું, તંતરવું – કોઈને છેતરીને એની વસ્તુ પડાવી લેવી, અને તસ્કરવું – ચોરી કરવી. આ બધી આપહુંશિયારીથી પ્રાપ્ત થતી કલાઓ છે. આ કોઠાસૂઝની કલાઓ શીખવનારી કોઈ નિશાળો જૂનાકાળે નહોતી. માણસ પોતાની અંતરસૂઝથી આ બઘુ શીખી લેતો.
૬૪ પ્રાચીન કલાઓમાં શુક્રાચાર્યે કલા-વિદ્યાના નામ કંઈક ભિન્ન પણ કહ્યા છે. જેવાં કે ૧. ઘામાં છૂપેલ શલ્યને બહાર કાઢવાની તથા નસો બાંધવાની કલા ૨. પાષાણ તથા ધાતુને પિગળાવવી તથા ધાતુની ભસ્મ બનાવવી. ૩. ઈક્ષુ-શેરડીમાંથી ગોળ, સાકર, ખાંડ ઈત્યાદિ બનાવવાની કલા ૪. ધાતુ તથા ઔષધિનો સંયોગ કરવાની ક્રિયાકલા તથા ઔષધિમાંથી ક્ષાર કાઢવાની ક્રિયા. ૫. મળેલી (મિશિત) ધાતુમાંથી ધાતુને જુદી કરવાની કલા ૬. મલ્લયુદ્ધની કલા ૭. નિશ્ચિત સ્થાનમાં શસ્ત્રાદિને ફેંકવાની કલા ૮. વાજાના સંકેતથી વ્યૂહરચના કરવી તથા રથ, અશ્વ આદિનો મેળ કરીને યુદ્ધ કરવાની કલા ૯. હાથી ઘોડા આદિની સ્વારી તથા રથાદિ ચલાવવાની કલા ૧૦. ઘડિયાળ આદિ અનેક યંત્ર બનાવવાની કલા ૧૧. હીન મઘ્યમ આદિ રંગનો યોગ કરીને રંગવાની કલા, ૧૨. જળ, વાયુ અને અગ્નિનો નિરોધ કરવાની તથા સંયોગ કરવાની કલા ૧૩. સૂતરની દોરી બનાવવાની કલા, ૧૪. ચામડું વગેરેને કોમળ બનાવવાની કલા, ૧૫. ગાય દોહવાની તથા દહીંને વલોવવાની કલા, ૧૬. વાસણને માંજી સાફ કરવાની કલા, ૧૭. વસ્ત્રને ધોવાની અને વાળ કાપવાની કલા, ૧૮. તલ આદિમાંથી તેલ કાઢવાના જ્ઞાનની કલા, ૧૯. હળ ચલાવવું તથા વૃક્ષો પર ચડવાની કલા, ૨૦. સ્વામીના મનને અનુકૂળ સેવા કરવાનું જ્ઞાન, ૨૧. વાંસ આદિમાંથી પાત્ર બનાવવાનાનું જ્ઞાન, ૨૨. કાચના પાત્ર બનાવવાનું જ્ઞાન, ૨૩. યંત્ર આદિ દ્વારા કૂવામાંથી પાણી કાઢવાનું-સીંચવાનું જ્ઞાન, ૨૪. અપરાધીને દંડ દેવાનું જ્ઞાન, ૨૫. પાનની રક્ષા, પાનને સુકાવા ન દેવાં એવી રીતની રક્ષા કરવી તથા પાકી સોપારીને સૂકવ્યા વિના પાણીમાં રાખી રક્ષા કરવી ઈત્યાદિ જ્ઞાન, ૨૬. ભણતરની-ભણાવવાની કલા. આ બધી વ્યવસાયી કારીગરો અને કિસાનો માટેની કલાઓ હતી. અનુભવ જ્ઞાનથી એ શીખી શકાતી.
આ ઉપરાંત જૂના જમાનામાં દૂતીકર્મ, સંકેત ભાષા, સંકેતલિપિ અને અન્ય એવી કલાઓ હતી જેના દ્વારા પ્રિયજનોને ગુપ્ત સંદેશા પહોંચાડવામાં આવતા. ભણેલા ગણેલા શિક્ષિત જનો માટે સમય પસાર કરવા માટે આવી કલાઓ, મનોરંજનો ઉપરાંત શિકાર, કુસ્તી વગેરે વ્યાયામ પણ હતા. આજે કલાની સૂચિ બનાવીએ તો ‘કામસૂત્ર’માં વર્ણવાયેલ પ્રાચીન ભારતની કલાઓને જુદી મુકવી પડે. અલબત્ત જૂનાકાળે પણ આ ભેદરેખા તો અંકાયેલી તો હતી જ. ૬૪માંથી ૨૪ કલાઓ તો ‘કર્માશ્રયી’ કલાઓ હતી, જેમાં આજની અનેકવિધ કલાઓ અને કલાશિલ્પોનો સમાવેશ થઈ જતો. બીજી દ્યૂતાશ્રયી કલા હતી. જેમાં જુગારના દાવ ખેલવામાં આવતા. જ્યારે ૨૦ કલાઓ એવી હતી જેનો સીધો સંબંધ રતિવ્યવહાર સાથે સંકળાયેલો હતો.
‘પ્રાચીન ભારતના કલાત્મક વિનોદ’માં ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદી નોંધે છે કે, ‘વાત્સ્યાયનના કામસૂત્ર’માં જુદાજુદા પ્રકારની કલાઓ અને યુદ્ધમાં શસ્ત્રો વાપરવાની, શિકારની અને ઘોડેસ્વારીની પણ કલા ગણાતી વિદ્યાઓની ચર્ચા કરવામાં આવી છે. જૈન ગ્રંથોમાં ૭૨ કલાઓનો ઉલ્લેખ છે. વાત્સ્યાયને ગણાવેલી કલાઓમાંથી ત્રીજા ભાગની તો વિશુદ્ધ સાહિત્યિક કલાઓ છે. બાકીની નાયક-નાયિકાઓની વિલાસક્રિડા માટે સહાયક છે. કેટલીક મનોવિનોદ માટે મહત્ત્વની છે, તો કેટલીક દૈનિક કાર્યો માટે પુરક હતી. ગાવું, વગાડવું, નૃત્ય, ચિત્રકલા, પ્રિયાના કપોલ પર શોભા વધારનાર ભોજપત્રનાં કાપેલાં પત્રોની રચના કરવી, જમીન પર વિવિધ રંગોના પુષ્પો અને રંગેલા ચોખા વડે નયનરમ્ય રંગોળી આલેખવી, ફૂલ પાથરવાં, દાંત ને વસ્ત્રો રંગવા, ફૂલોની સેજ બિછાવવી, ગ્રિષ્મકાલીન વિહાર માટે મરકત પથ્થરમાંથી હાથી બનાવવો, કાનની શોભા માટે હાથીદાંતના આભૂષણો બનાવવાં, જળક્રીડા માટે સૂરજ, મૃદંગ વગેરે વાજાંને ફૂલોથી સજાવવા, સુગંધિત ઘૂપ, દીપ અને બત્તીઓ બનાવવાની કલા, ભોજન અને શરબત બનાવવાં, વીણા ડમરું જેવા વાદ્યો વગાડવાં, આ બધી કલાઓ સભ્ય સમાજની વ્યક્તિ માટે જરૂરી મનાતી. આ માટે કલાઓનો ખાસ અભ્યાસ કરાવવામાં આવતો. કોઈ પણ સજ્જનને માટે રાજ્યસભા કે ખાસ ગોષ્ઠિઓમાં પ્રવેશ મેળવવા માટે આ કલાઓની જાણકારી અત્યંત આવશ્યક મનાતી.
પુરાણોમાં ચંદ્રની ૧૬ કળાઓની વાત પણ વર્ણવાઈ છે. ૧. અમૃતા, ૨. માનદા, ૩. પૂષા, ૪. પુષ્ટિ, ૫. તુષ્ટિ, ૬. રતિ, ૭. ઘૃતિ, ૮. શશની, ૯. ચંદ્રિકા, ૧૦. કાંતિ, ૧૧. જ્યોત્સના, ૧૨. શ્રી, ૧૩. પ્રીતિ, ૧૪. અંગદા, ૧૫. પૂર્ણા, ૧૬. પૂર્ણામૃતા કહેવાય કે ચંદ્રમામાં અમૃત છે. તેને દેવતાઓ પીએ છે. શુકલ પક્ષમાં ચંદ્રમા કલાએ કરીને વધતો જાય છે અને પૂર્ણિમાના દિવસે તેની ૧૬ કળા પૂર્ણ થાય છે. કૃષ્ણપક્ષમાં તેનું એકઠું કરેલું અમૃત કલા કરીને નીચે પ્રમાણે દેવતાઓ પીએ છે. પહેલી કળાને અગ્નિ, બીજીને સૂર્ય, ત્રીજીને વિશ્વેદેવા, ચોથીને વરુણ, પાંચમીને વષટ્કાર છઠ્ઠીને ઈન્દ્ર, સાતમીને દેવર્ષિ આઠમીને અજએકપાત, નવમીને યમ, દશમીને વાયુ, અગિયારમીને ઉમા, બારમીને પિતૃગણ, તેરમીને કુબેર, ચૌદમીને પશુપતિ. પંદરમીને પ્રજાપતિ અને સોળમી કળા અમાવાસ્યાના દિવસે પાણી અને ઔષધિઓમાં પ્રવેશ કરી જાય છે, જે ખાવા-પીવાથી પશુઓમાં દૂધ થાય છે, અને આહૂતિ દ્વારા ઘી ચંદ્રમા સુધી પહોંચે છે.
આપણે ત્યાં હુન્નર અને કસબ સંબંધે જુદાજુદા લોકોની જુદી-જુદી કલાઓ માનવામાં આવી છે. જેમકે સોની મહાજનોની ૬૪ કલાઓ. મૂળદેવે મહારાજા ચંદ્રગુપ્ત સમક્ષ આ કલાઓ આ રીતે વર્ણવી છે. સોનાની કસોટી કરવાની ૨ કળા. સોનાના તોલમાપની ૫ કળા, સોનું ગાળવાની અને ‘મૂસ’ માટેની ૧૬ કળા, અગ્નિમાં અંગોઠી ફૂંકવાની ૬ કળા, અગ્નિ રાખવાની ૬ કળા, સોનીની પોતાની ૬ કળા, બાર ચેષ્ટાકળા અને અગિયાર શ્રેષ્ઠકળા મળીને ૬૪ કળા થાય.
દેશી રજવાડાઓના વખતમાં દિવાનની સોળ કલાઓ ગણાવાઈ છે જેમ કે ૧. ગભરાવીને પૂછવાની કલા, ૨. પટાવીને પૂછવાની કલા, ૩. આશ્ચર્યચકિત બની પૂછવાની કલા, ૪. નિરપરાધી પર આરોપ મુકવાની કલા, ૫. પેટમાં પેસી ગરદન મારવાની કલા, ૬. મીઠું મીઠું બોલી કાર્ય સિદ્ધ કરવાની કલા, ૭. રાજાના નામે દ્રવ્ય પચાવી પાડવાની કલા, ૮. નિંદા ફેલાવવાની કલા, ૯. લોકોને પોતાના પક્ષમાં લેવાની કલાથી શક્તિશાળી સાથે શત્રુતા ને વખત આવ્યે મિત્રતા રાખવાની કલા, ૧૧. બેય પક્ષો પાસેથી દ્રવ્ય લેવાની કલા, ૧૨. રાજાની પ્રસન્નતા જાણી કાર્ય કરવાની કલા, ૧૩. રાજારાણીને વહાલા થવાની કલા. બંને વચ્ચે દ્વેષ ઊભો કરાવવાની કલા, ૧૪. રાજાને વહેમી બનાવી દેવાની કલા, ૧૫. રાજાને અંધારામાં રાખી રાજ્યના દુષણો દબાવી દેવાની કલા, ૧૬. વીફરેલા રાજાને ભરમાવી અંકુશમાં રાખવાની કળા. આટલી કલાની આવડત વાળો દિવાન સફળ થાય એમ કહેવાય છે.
રાજ્યનો વહીવટ ચલાવવા જૂના કાળે કારભારીઓની નિમણૂંક કરવામાં આવતી. આ કારભારીઓની સોળ કળાઓ આ પ્રમાણે ગણાવવામાં આવી છે. ૧. વાંકાચૂંકા અક્ષરો લખી આગળ પાછળનો સંદર્ભ બદલી નાખવો, ૨. સર્વ આંકડા છાના રાખવા, ૩. કોઈની અંગત બાબતમાં એકદમ માથું મારવું, ૪. લોકોને પોતાના પક્ષમાં ભોળવીને લેવા, ૫. ખર્ચનો વધારો બતાવવો, ૬. લેવા લાયક વસ્તુના ભાગ પાડી આપવા. દા.ત. રાજાને ત્યાંથી ૧૦૦૦ રૂપિયા ઉપાડવાના છે. તો પહેલેથી જણાવે કે ફલાણા ભાઈને આમ આપવું જોઈએ. ઢીંકણાભાઈને તેમ આપવું જોઈએ. પૂંછડાભાઈને ઈનામ આપવું જોઈએ. લોંકડાભાઈનું કંઈક સમજવું જોઈએ. રમકડાભાઈએ બહુ સારું કામ કર્યું છે. આમ કરી પોતાનું પણ કંઈક કરતા જાય ને ઘર ભરતા જાય. ૭. ધન લેવું, ૮. ધન દેવું, ૯. બાકી બચેલ વસ્તુના ભાગ પાડી લેવા. ૧૦. ભેગા કરેલા પદાર્થને ઓળખી બતાવવા, ૧૧. ઉપજને ગોપિત (છાની) રાખવી, ૧૨. કોઈ લઈ ગયું એમ બતાવવું, ૧૩. વસ્તુનો નાશ થઈ ગયો છે, એમ કહીને કોઈને કંઈ ન આપવું. ૧૪. ઘરમાં પૈસા અને વસ્તુ હોય છતાં બહારથી લાવી ભરણપોષણ કરવું. રાજ્યમાંથી પ્રજા ચીજવસ્તુઓ આપી જતાં હોવા છતાં વાણિયાને ત્યાં ખાતાં રાખે. રાજા પૂછે તો કહે ઃ ‘હું લોકોનું મફતનું કંઈ લેતો નથી. વાણિયાના હાટેથી વેચાતું લાવીને ખાઉં છું. ૧૫. જુદીજુદી યોજનાઓ કરી રાજ્યની આવકમાં ઘટાડો બતાવવો. ૧૬. ઉધાર, ઉછીના સર્વ કાગળો બાળી આવકનો નાશ બતાવવો. કાગળો બળી ગયા બાદ કોઈ આધાર-પુરાવો રહેતો નથી.’
કાયદાકીય રાજનીતિમાં રાજ્યના મંત્રીની સોળ કળાઓ આ મુજબ ગણાવી છે.
૧. સત્યના આગ્રહી હોવું
૨. સ્વદેશાભિમાન હોવું
૩. સારગ્રહી બોલનાર થવું
૪. કૂળ-શીલ બળવાળા હોવું
૫. કુશળ વક્તા થવું
૬. પીઢ બનીને વર્તવું
૭. શાસ્ત્રજ્ઞ બનવું અને દુર્ગુણોથી રહિત રહેવું
૮. ઉત્સાહી થવું
૯. સમયસૂચકતા રાખવી
૧૦. નિર્વિકારી થવું.
૧૧. ધીરતા દાખવવી.
૧૨. કલા કૌશલ્ય જાણવું
૧૩. ડાહ્યા, ગુણવાન અને પ્રતાપી થવું
૧૪. ત્વરાથી કાર્ય પૂર્ણ કરવું
૧૫. વિદ્વાનોને આદર આપવો
૧૬. રાજ્યભક્ત બનવું
આ ઉપરાંત વાણિયાની, વેશ્યાની, ઘૂતારાની, કામીની અને ધર્મની ૬૪, ગવૈયાની ૧૨, કાયસ્થની અને ગૃહસ્થની ૨૫ કલાઓ ગણાવી છે એની વાત વળી ફરી કોઈવાર.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ