કોયલડી ને કાગ વાને વરતારો નહીં;
પણ જીભલડીએ જવાબ, સાચું સોરઠિયો ભણે.
આ કાળા રંગનું ચકોર પક્ષી કાગ અર્થાત્ કાગડો આપણા લોકજીવનમા જૂના કાળથી જાણીતો છે. ભારતનું કોઈ પણ ગામડું, નગર કે જંગલ એવું નહીં હોય કે જ્યાં કા…કા…કા… કરીને વાતાવરણને ગજવી મૂકતા કાગરાજની વસતી ન હોય ! ભારતથી લઈને બ્રહ્મદેશ, સિલોન અને જાવાથી માંડીને ઓસ્ટ્રેલિયા સુધી કાગડાનો વસવાટ જોવા મળે છે.
ભારતીય કાગડાની ત્રણ- ચાર જાતો આપણે ત્યાં જોવા મળે છે. ૧. ઘર આંગણાનો કાગડો. ૨. અરણ્ય વાયસ અર્થાત્ ગીર જંગલનો કાગડો. ૩. કાશીનો કાગડો અને ૪. રાતી ચાંચવાળો પહાડી કાગડો. આ કાગડો હિમાલયના ઉંચા પહાડો પર ૨૩ હજાર ફૂટની ઉંચાઈએ પર્વતારોહકોએ જોયાનું નોંઘ્યું છે. અમદાવાદ જેવા ધાંધલ- ધમાલભર્યા નગરમાંથી કાગડાઓએ જાણે કે ઉચાળા ભર્યા છે પણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડા-ગામમાં વિશેષરૂપે દેખા દે છે. એનો વસવાટ સીમ શેઢા કરતાં ગામડામાં વઘુ છે. લાંબી ખીતડા જેવી મજબૂત ચાંચ, કાંસકાથી ભાર દઈને જાણે કે ઓળ્યું હોય તેવું બાબરિયાળુ ગોળ માથુ, ચાંચના ઉપરના ભાગે નાનકડી મૂછો, ચંચળ અને એવી ગોળ આંખો, ચપચપ ચાલતો કે ઠેકડે કૂદતો રાખોડી ડોકવાળો, વાણી અને રંગથી અળખામણો બનેલો સરાધિયો કાગડો લોકજીવનમાં સંદેશાવાહક ગણાયો છે.
શ્રી ખોડીદાસ પરમાર ‘લોકસંસ્કૃતિમાં પંખીઓ’માં નોંધે છે કે નાનકડા બાળા-ભોળાં ભૂલકાનું માનીતું પંખી ચકી-ચકો છે તો યુવાન વિરહીણી- પ્રોષિતભાર્તૃકા વર્ષોથી જેનો પતિ વિદેશ ગયો છે એવી નારીઓના પતિ આગમનની આશા કાગડો જ પૂરી કરે છે. સાસરવાટ વેઠતી બેનડી કાગડાને ખડકી કે ઘરના નેવે આવીને બોલતો જુએ અને કાગડો શુકન ભણતા અને ગળામાંથી ‘કાં…ડ…સુ…કા…ડ…સુ’ બોલીને ઝીણા કોળિયો જમતો હોય તો બહેન માને છે કે મોંઘેરા મહેમાન આવશે. તેથી તે કાગડાને તર્કથી ઉડાડીને બોલે છે ઃ
‘કાગ, કાગ તારે સોનાની ચંચ
તારે રૂપાની પાંખ,
મારા મોંઘેરા મહેમાન આવે
તો ઉડીને આઘો બેસ.’
અને આમ બોલતાં જ જો કાગડો ઉડીને આઘો બેસે અને ફરી ઝીણે કોળિયે ‘કા…ડ…સુ… કા… ડ…સુ…’ કરેતો જમે તો મનાય છે કે નક્કી કોઈ સગા- વ્હાલા મહેમાન આવશે. આ માન્યતા ‘કાકતાલીય ન્યાય’ની પેઠે ફળે છે. કાઠિયાવાડની નાની બાળાઓ, સવારના પહોરમાં ફળિયામાં આવીને કાગડો બોલે તો મહેમાનોની વધામણી આપે છે એમ માની એના દુઃખણાં લેતી આ લેખકે જોઈ છે.
સંદેશાવાહક કાગડાને લોકકવિઓએ પ્રિયતમાને માટે પિયુનો સંદેશો લાવનાર તરીકે વર્ણવ્યો છે. આથી એની સાથે જોડાયેલ દૂહા, ગીતો, ઉખાણા ઇત્યાદિ ભરપેટે સાંપડે છે. લોકસાહિત્યની પ્રણયકથાઓમાં સંદેશાનું માઘ્યમ કાગ બન્યો છે. રાણા ને કુંવર યુવાન પ્રેમીઓ હતા. ગિરના જંગલમાં ગાયુ ચારતાં ચારતાં નદિયુના નીર અને જંગલના ઝાડવાની સાક્ષીએ પ્રેમરૂપી હીરલાગાંઠે બંધાઈ ગયા. કમનસીબે યુવાન કુંવરને પરગામ પરણાવી દીધી. રાણો સાણાના ડુંગરમાં બેઠો બેઠો વિરહથી ઝૂર્યા કરે છે ત્યાં એણે ઉડતા કાગને જોયો. નક્કી મારી પ્રિયતમા કુંવરનો કાંક સંદેશો લઈને આવ્યો હશે ! એટલે રાણો એને પૂછે છે ઃ
ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વિંધ કરે !
કે’ને કેડાક માર, કુંવર કયે આરે ઉતરી ?
અર્થાત્ ઃ હે કાગ ! વનરાવન વીંધતો, વીંધતો તું ક્યાંથી આવ્યો ? મારી કુંવર નદીના કયે કિનારે મુકામ કરીને બેઠી છે ? ભલો થઈને કહે ને ! વળી તું એ તરફ જતો હોય તો મારી કુંવરને આટલું ભણજે ઃ
ગર લાગી ગુડા ગળ્યા, પેટે વઘ્યા પિયાં
કાગા ભણજો કુંવરને, રાણો સાણે રિયા.
અર્થાત્ ઃ હે કાગ ! મારા કાળજાની કટક રોખી કુંવરને એટલું કે’જે રાણાને ગિરનું પાણી લાગી ગ્યું છે. શરીર લથડ્યું છે. ગુડા ગળી ગયા છે ને સાણના ડુંગરમાં પડ્યો પડ્યો મરવાની રાહ જુએ છે.
વિરહમાં ઝૂરતા બીજા બે પ્રેમી હૈયાંની આ વાત છે. વિરહીણી નારી વર્ષોથી પ્રિયતમને મળવાની વાટ જોતી બેઠી છે. એની આંખ્યુંના ગોખલા ઉંડા ઉતરી ગયા છે. એવામાં આંગણામાં કાગડો આવીને બોલે છે. એ કાગડાને કહે છે.
કગવા દેઉ વધાઇયા, પ્રીતમ મિલવે મુજ;
કાઢી કલેજા આપના, ભોજન દઉંગી તુજ.
અર્થાત્ ઃ હે કિલ્લોલતા કાગ ! તારી વધામણી વડે મને જો મારો પ્રિયતમ મેળવી આપીશને તો હું તને ખાવા માટે મારું કાળજું કાઢી આપીશ. ભલો થઈને કહેને એ ક્યારે મળશે ? પ્રિયતમના વિરહમાં ઝૂરી ઝૂરીને હું કાલે કદાચ મરી જાઉં તો મારા શરીરનું બઘું માંસ ખાઈ જજે, મારી બે આંખો ભલો થઈને ન ખાતો. મને પિયા મિલનની છેલ્લી આશા છે ઃ
કાગા ચૂન ચૂન ખાઈઓ,
જાઓ ખાઈ સબ માંસ;
દો નયના મત ખાઈયો,
મુજે પિયા મિલન કી આશ.
એવી જ નાગરવાડા (જ્યાં નાગરો વસે છે)ની ઓળખ અને કોઈ વિરહિણી નારીની વ્યથા આ દુહામાં લોકકવિએ વર્ણવી છે.
નાજુકડી નાર ને નાકમાં મોતી,
પિયુ પરદેશ ને વાટડી જોતી;
ઉડાડતી કાગ ને ગણતી દા’ડા,
ઇ એંધાણીએ નાગરવાડા.
પંખીઓના કિલ્લોલને બુદ્ધિશાળી માનવે શુકનવંતા ગણ્યા છે. જ્યારે એમના કકળાટને, દુઃખિયારા વલોપાતને અપશુકનિયાળ ગણ્યો છે. પ્રભાતના પહોરે પહોરે ઘર સામે જોઈને ઝીણા સાદે કાગડો બોલે તો ઘરધણીને લાભ થાય. સૂકા ઝાડ ઉપર બેસીને બોલે તો માનશુકન થાય, એવી માન્યતા લોક પરંપરામાં રૂઢ થઈ ગઈ છે. લોકપરંપરામાં સીતાહરણ પછી રામની મઢીએ કાગ કળેળે છે તે અપશુકનની એંધાણી છે.
મઢીએ કળેળે કાળા કાગડા રે
મઢી દિસે છે ઉહડસટ.
રાતવરતના કાગડા બોલે એ દુષ્કાળની નિશાની ગણાય છે એમ ભડલી કહે છે ઃ
રાતે બોલે કાગડા, દીના બોલે શિયાળ
તો ભડલી એમ કહે, નિશ્ચે પડશે કાળ.
કાગડાની બોલી, તેની ચર્યા અને બચ્ચા ઉછેરવા માટે કેવા સ્થળે માળા બાંધે છે તેના આધારે ગામડાના કોઠાસૂઝવાળા ખેડૂતો વરસાદના વરતારા કાઢે છે. કાગડો જો વૃક્ષની પાતળી ડાળે ખૂબ ઊંચે માળો બાંધે તો બહુ વરસાદ કે વાવાઝોડું ન આવે અન ઝૂંડમાં જાડી ડાળે માળો બાંધે તો વરસાદ કાં ખૂબ થાય કાં વાવાઝોડું આવે, એવું અનુમાન કરે છે.
પક્ષીવિદોએ અને અનુભવીઓએ કાગડાની કેટલીક રસપ્રદ ખાસિયતો પણ નોંધી છે.
૧. કાગડો બુદ્ધિશાળી હોવા છતાં આડીલખણો અને અવળચંડો પણ. ધોમધખતા કાળે ઉનાળે માણસ ઘેધૂર ઝાડવાને છાંયે બેઠું હોય કે સૂતું હોય તો કાગડો બરોબર એના માથા પર સવા પાશેરનો લપ્પો ચરકે છે. આવા તો એના અપલખણ છે. કોઈ એને ઉડાડે તો ઉડીને પાછો એ જ જગ્યા પર બેસીને કા…કા… કા… કર્કશ ગીત આરડયા કરે છે.
૨. કાગડો ફૂલણજી પણ ખરો. જરાક જેટલા વખાણ થાય તો ફૂલાઈ જાય. એક બાળવારતામાં કાગડો મોમાં દહીંથરુંલઈને ઝાડની ડાળી ઉપર બેેઠેલો વર્ણવાયો છે. દહીંથરુ જોઈને શિયાળની દાઢ સળકી. ચતુર શિયાળે દહીંથરુ પડાવવા કાગડાના સંગીતના વખાણ કરવા માંડ્યા. પરિણામે કાગડો કા…. કા… કા… ગાવા લાગતા મોમાંથી દહીંથરુ પડી ગયું. શિયાળિયુ ખાઈને ત્યાંથી વહેતું થયું.
૩. કાગડો પક્ષીઓમાં ચતુર ગણાતો હોવા છતાં કોયલ તેના ઇંડા કાગડાના માળામાં સિફતપૂર્વક મૂકીને એના બચ્ચાં કાગડી પાસે ઉછેરાવે છે. અતિ ચતુર માણસ જ્યારે છેતરાય ત્યારે મોંભરિયા છેતરાય છે એવું જ કાગડાનું છે. ડાહી કોયલ એને ભૂપાઈ દે છે.
૪. એક કાગડો મરી ગયો હોય અથવા કોઈએ મારી નાખ્યો હોય તો અસંખ્ય કાગડા કાગડા ભેગાં થઈને ક્રા… ક્રા… ક્રા… કરતાં કળાહોળ કરી મૂકે છે. ફરતાં ફરતાં ઉડે છે ને પછી વિખરાઈ જાય છે.
૫. સામાન્ય રીતે કાગડો જીવનભર એક સાથી સાથે જ રહે છે અને જ્યાં ખોરાક પુષ્કળ હોય ત્યાં ઘણા કાગયુગલો એકઠા થાય છે. સાંજ પડ્યે ૫૦થી ૬૦ પક્ષી નિયત કરેલ જગ્યાએ રાત્રિ પસાર કરી ઉડી જાય છે. કોઈ રંગીલો કાગડો જુદી જુદી કાગડીઓ સાથે જોવા મળ્યાના પણ દાખલા છે.
૬. કાગડો વિવિધ સમયે જુદા જુદા અવાજ કાઢે છે. જ્યારે બીજાને બોલાવવા હોય ત્યારે ક્રાં… ક્રાં… ક્રાં… એવો અવાજ કાઢે છે. એકલો હોય ત્યારે કા… કા… કા.. અવાજ કાઢે છે ગુસ્સામાં કે તકલીફમાં હોય ત્યારે કો… કો… કો અવાજ કરે છે અને ખુશમિજાજમાં હોય ત્યારે કલુલુલુ… ટણણણ… ટણણણ એવો જરાક વિશિષ્ટ પ્રકારનો અવાજ કાઢે છે. અન્ય પક્ષીઓમાં નર આળસુ અને કૌટુંબિક જવાબદારીઓમાં નિષ્ક્રિય જોવા મળે છે પણ કાગડો એમાં અપવાદ છે. તે જરીકેય આળસુ નથી. બચ્ચાને ઉછેરવામાં અને ખવરાવવામાં પૂરો શ્રમ કરી ગૃહસ્થીની જવાબદારી નિભાવે છે. એમ પ્રકૃતિવિદ્ શ્રી વજુભાઈ વ્યાસ નોંધે છે.
૭. કાગડો શિકારીઓને ખૂબ જ ઉપયોગી બની રહે છે. તે હિંસક કે વન્ય પશુઓને જોતાં જ કા…કા…કા…કા કરી તીવ્ર અવાજે વગડો ગજવી મૂકે છે. એના અવાજ ઉપરથી શિકારીઓ હિંસક ઘાયલ પશુઓનો પત્તો મેળવી લે છે. સિંહ મારણ કરીને ખાઈને જાય પછી કાગડો બધા કાગડાને ભેગા કરીને ઉજાણી કરે છે.
૮. જ્યાં વાંદરાની વસ્તી વઘુ રહેતી હોય ત્યાં કાગડા ઓછા જોવા મળે છે કારણ કે કાગડા માળો બાંધી ઇંડા મુકે તે અળવિતરા વાંદરા ઇંડાને જમીન પર નાખી દે છે.
૯. કાગડા મરેલા જાનવરોની પહેલાં આંખો ઠોલી ખાય છે. દુબળા અને પૂંછડે પડેલા ઢોરના શરીરને ચાંચ મારીને ઠોલેછે. સાપ, દેડકા, ઉંદર, ગરોળી વગેેરે નાના પ્રાણીનો શિકાર કરે છે. ઘણા કાગડા મળીને સસલા જેવા પ્રાણીને ય મારી નાખે છે.
૧૦ કાગડાને મૃત પૂર્વજનું પ્રતીક માનવામાં આવે છે. ભાદરવો પિતૃનો માસ ગણાય છે આથી કાગડાને દૂધ-પાક, ખીર ને રોટલીનું વાસ- શ્રાદ્ધ નાખવામાં આવે છે. આ દિવસોમાં ખાવાનું મળતાં શિકારી કાગડો બીજા પંખીના પોટા કે ઇંડા ખાઇ ન જાય તે માટે લોકપરંપરાએ કાળા કાગડાને આપણા પૂર્વજના પ્રતિકરૂપે કલ્પીને હિંસા થતી અટકાવી છે. આપણા પૂર્વજો આજની જેમ ઢોલ પીટ્યા વિના પર્યાવરણની જાળવણી કરતા આવ્યા છે.
લોકવાણીમાંથી કાગડા માટે કહેવતો ય કેટલી બધી જન્મી છે ? ગણવા માંડો ૧. તે કાગરાશ ભણેલો છે – ઘણું જાણનારને માટે વ્યંગમાં કહેવાય છે. ૨. કાગનું પીંછ કરીને ઉડાડી દેવું – કોઈને હલકો ચીતરી મૂકવો. ૩. કાળના કાગડા ખાઈ ગયો છે – બહુ લાંબું જીવનાર માણસ માટેની આ કહેવત છે. ૪. પારેવામાં કાગડો, જાણે મોટો ભાંગડો – નાના છોકરા મિત્રો ભેગો મોટો કદખળિયો તડબેડ કરતો હોય તેને માટે વપરાય છે. ૫. કાગડા જેવો છે – કોઈને ત્યાંકોઈ એકાએક ટપકી પડે તેને કહે છે. ૬. કાગનું પીંછ – રજનું ગજ કરવું, ૭. કાગનું બેસવું ને ડાળનું પડવું – અકસ્માત્ કંઈક બનવું, કાકતાલીય નિયમ ૮. કાગડાના શરાપે કંઈ ડોબા મરે નહીં – શંખણીનો શાપ લાગે નહી, ૯. કાગના ડોળે રાહ જોવી – આતુરતાપૂર્વક રાહ જોવી, ૧૦. કાગનો વાઘ કરવો – નજીવી વાતનું વતેસર કરવું,
૧૧. તારે બારણે કાળો કાગ કળેળે – તારા ઘરમાં કોઈ મરે, ૧૨. કાગડા ઉડવા – કોઈની હાજરી ન હોવી, ૧૩. કાગડાની કોટે કંકોતરી – બહુ- બોલાને કહેલ વાત તરત જ જાહેર થઈ જવી, ૧૪. કાગડાને કોટે રતન – દહીંથરુ અપાત્રે દાન, સારા માણસનું નઠારાને પનારે પડવું, ૧૫. કાગડાની નજરે જોવું – ચકોર નજરે ઘ્યાન રાખવું. ૧૬. કાગડાનું હસવું ને દેડકાના પ્રાણ જાય – બીજાને નુકસાન થાય અને પોતાને લાભ થાય તેવું કામ કરવું, ૧૭. કાગડાનો કાળો રંગવો પડે ? – હલકા માણસમાં નીચપણું હોવું, ૧૮. કાગડાને મન રમત ને ઉંદરનો જીવ જાય – કાગડાની ખાસિયત વર્ણવી છે. કાગડાની ઝપટે ઉંદર ચડી જાય તો કાગડો ચાંચમાં લઈને પછાડે છે. ઉંદર દોડે તો ફરી પકડીને પછાડે છે. મરે નહીં ત્યાં લગી પછાડે છે. ૧૯. કાગડાના મોઢામાં રામ નો હોય – પાપીના મોમાંથી સારા વેણ ન નીકળે.
૨૦. કાગડાને સોળે દાડે શ્રાદ્ધ – માગી ખાનારને હંમેશા સારું જ મળે. ૨૧. કાગડો કાગડીને ન ધીરે – લુચ્ચો લુચ્ચાનો વિશ્વાસ ન કરે, ૨૨. કાગડો કોયલને હસે – પોતાનો દોષ જોયા વિના બીજા પર હસવું, ૨૩. કાશીમાં યે કાગડા તો કાળા – મેલા મનનું માણસ ગમે ત્યાં જાય તો પણ એનું મન મલિન જ રહેવાનું, ૨૪. છત્રી કાગડો થઈ જવી – ઉઘાડા પડી જવું, ૨૫. કાગડો કાગડાની માટી ખાય નહીં, ૨૬. કાગડો કુરાંટમાં આવે નહીં – છેતરાય નહીં,
૨૭. કરતા હો સો કિજિયે, અવર ન કીજે કગ્ગ, માથુ રહી ગ્યું સેવાળમાં ને ઊંચા રહી ગ્યા પગ.
અર્થાત્ ઃ બુદ્ધિ વગર બીજાનું અનુકરણ- નકલ કરવાથી મૃત્યુ આવી પડવું. આ સુભાષિત સરખા દુહામાં કાગડાઓની કહેવત પરથી માનવીને એક જ શીખ આપી છે.
કાંઉ ઝાઝા કાગોલિયા (કાગડાના બચ્ચા)
કાંઉ ઘણા કપુત,
સજ્જન તો હક્કડ (એક) ભલા
હક્કડ ભલા સપૂત
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ