જતીપુરા વૈષ્ણવોનું તીર્થ છે અહીં બારે માસ લીલી પરિક્રમા થાય છે. ભાદરવા મહિનો આ પરિક્રમા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. ભગવાન બાલકૃષ્ણલાલો ૭ વર્ષની વયે ગોવર્ધન પર્વત ઉચકી એક ક્રાંતિ કરી હતી. કોઈપણ વૈષ્ણવ એવો ભાગ્યે જ મળશે કે જેણે ગિરિરાજની પરિક્રમા ન કરી હોય ! વૈષ્ણવ કાયમ ઇચ્છા ધરાવે છે કે મારે જતિપુરામાં પરિક્રમા કરવી છે.
આ યાત્રા ધામનો એવો મહિમા છે કે ઘણા સુતા સુતા પરિક્રમા કરે છે. શહેરોમાં ગામડામાં મંદિર ન ચાલી શકનાર વૃદ્ધામાં ઠાકોરજી એવું બળ મુકે છે કે ૨૧ કી.મી. ચાલે છે. શ્રી હરિરાયજી તો કહે છે કે ચાલતાં આ પરિક્રમા ન થાય તો ‘‘મનસા ભાવયેન્નિત્યાં મનથી પરિક્રમા કરવી.’’
(૧) શ્રી ગિરિરાજની પરિક્રમા ઘણા સુતા સુતા દંડવત્ કરીને કરે છે.
(૨) શ્રી ગિરિરાજના મુખારવિંદ સ્વરૂપને રોજ લાખો ટન દૂધનો અભિષેક થાય છે.
(૩) શ્રી ગિરિરાજબાવા પ્રસન્ન થાય તો ગ્વાલ, સર્પ, સિંહ સ્વરૂપે દર્શન આપે છે.
(૪) શ્રી ગિરિરાજબાવા વૈષ્ણવોના કુળ દેવતા છે.
(૫) શ્રીજીબાવા અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન અહીં થયું હતું. (૧૪૯૨)
(૬) વલ્લભકુળના બાળકોના નિત્યલીલામાં પધારનાર (વલ્લભવંશ) ના અહીં તુલસી ક્યારા છે. (નિત્ય લીલા પ્રવેશ દ્વાર)
(૭) વૈષ્ણવો અહીં કુનવારાનો મનોરથ કરે છે.
|| કુંડ કુંડ ચરણામૃત લે
અપનો જન્મ સફલ કરી લે ||
(૮) ગિરિરાજજની યાત્રા એટલે વૈષ્ણવોના ભાગ્યનો ઉદય.. શ્રી ગિરિરાજ બાવાની પરિક્રમા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે ઈચ્છીત ફળ મળે છે.
(૯) વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજી દ્વારા ‘યમુનાકુંજ’ સંકુલ (આવાસ્ત્રા) જતીપુરામાં નિર્માણ થઈ રહ્યું છે.
ભારતમાં ઉત્તર ભારતનું પ્રખ્યાત મથુરા ત્યાંથી અઢાર કી.મી. દૂર છે હવે તો રીક્ષા, છગડા, બસો પુષ્કળ જાય છે.
ગોવર્ધન – દાનઘાટીથી ચાર કી.મી.નું અંતર છે શ્રી ગુંસાઈજીના સમયમાં તે વસ્યું ત્યારે એનું નામ ગોપાલપુર હતું. ગુંસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીને સૌ જતિજી કહેતા તેમના નામ ઉપરથી જતિપુરા નામ પડ્યું.
એક મત એવો છે કે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના વિધાગુરૂ માધવેન્દ્ર સરસ્વતી હતા તેઓ બંગાળના શ્રી કૃષ્ણ ચૈતન્યના શિષ્ય હતા માધવેન્દ્રજીએ પાછલી જિંદગી વ્રજમાં વિતાવી શ્રી મહાપ્રભુજીએ બંગાળી સેવકોને શ્રી નાથજીની સેવામાં રાખેલા તે બધા માધવેન્દ્રજીને ‘જતિબાવા’ કહેતા. તેમના નામ ઉપરથી જતિપુરા ગામનું નામ પડ્યું હોય તેમ મનાય છે.
જતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ બિરાજે છે. વૈષ્ણવો આ મુખારવિંદને સ્નાન કરાવે છે દૂધથી ધારા કરે છે. શ્રી ગિરિરાજબાવા વૈષ્ણવોના કુળ દેવતા મનાય છે. સાક્ષાત્ શ્રીજીબાવાનું સ્વરૂપ છે શ્રી ગિરિરાજબાવાનું બીજુ સ્વરૂપ હરિદાસ વર્ય છે.
શ્રી ગિરિરાજની જે શ્રદ્ધાથી ત્રણ વખત પરિક્રમા કરે તેને શ્રી ગિરિરાજજી ગ્વાલ, ગાય, સર્પ અને સિંહના અલૌકિક સ્વરૂપે દર્શન આપે છે. વૈષ્ણવો ૠતુ અનુસાર ધોતી ઉપરણા કમળપત્ર અત્તર ધરાવે છે. માનસીગંગાના ભાવથી દૂધની ધારા કરે છે. જતીપુરા દિવ્ય યાત્રાધામ છે.
સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિત્યુત્સા હસ્તલ્લીલા પ્રેમ પૂરતિઃ
બાજુમાં જ તિલકાયત શ્રી બડે દાઉજી મહારાજનાં બેઠકજી છે.
ઈ.સ. ૧૪૭૮માં ચૈત્ર વદી અગીયારસે ગિરિકંદરામાં ગુપ્ત બિરાજતા શ્રી નાથજીને આન્યોરના વ્રજવાસીઓને દર્શન આપ્યાં હતાં. અહીં ગિરિરાજ ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું. (૧૪૯૨માં) વ્રજવાસીઓએ સ્વયં પ્રકટ થયેલા સ્વરૂપને ગિરિકંદરામાંથી બહાર પધરાવ્યું (પાંચસો વર્ષ ઉપર)
આજે મંદિર શ્રી ગિરિરાજજી ઉપર છે. પરિક્રમા માર્ગમાં મુખારવિંદથી નજીક જ દંડવતી શિલા છે ડાબા હાથે હાલ સર્વોત્તમ કુંડ છે. શ્રી ગુંસાઈજીનો પરિવાર અહીં બિરાજતો હતો. આ શીલા ચરણકમળ સ્વરૂપ છે. દંડવતી શિલા પાસેનો દરવાજો નગરખાનાનો દરવાજો છે. તેમાં થઈને પરિક્રમાના માર્ગે જવાય. બાજુમાં ગોકુલનાથજીનું મંદિર છે. પરિક્રમાના માર્ગમાં ગોવર્ધન ગામ આવે છે ત્યાં એક વૃક્ષનો ચોતરો છે તે જાન-અજાન વૃક્ષ કહેવાય છે.
ભગવાન શ્રી કૃષ્ણે શરદની રાતે રાસોત્સવ કર્યો હતો. ગોપીઓને મદ થયો હતો પ્રભુ અહીંથી અંતધ્યાન થઈ ગયા હતા. ત્યાંથી પોણા એક કી.મી. બિલછુ કુંડ આવેલો છે. બિલછુ એટલે વિંછીયો શ્રી રાધાજીનો અહીં વિંછીયો ચરણમાંથી આંગળી ઉપરથી સરકી ગયો. ઠાકોરજીએ સખી રૂપ લઈ શોધી આપ્યો.
શ્રીનાથજી મંદિરના અધિકારીજી ભક્ત કવિ કૃષ્ણદાસજી અહીં શ્યામતલના વૃક્ષ નીચે રહેતા હતાં. ગોવર્ધન પર્વતના ગોંદરે ડાબા હાથા તરફ ઉદ્ધકૂંડ છે. ત્યાં ઉધ્ધવજીનું મંદિર છે લોકવાયકા મુજબ આજે ઉધ્ધવજી વનસ્પતિના સ્વરૂપે બિરાજમાન છે. ઉધ્ધવકુંડથી આગળ રાધાકૃષ્ણ કુંડ છે. (રાધાકુંડ ગામ) રાધાજીએ નખથી આ કુંડ ખોધો હતો. રાધાકુંડની આજુબાજુ આઠ સખીઓના આઠ કુંડ હતાં આજે લલીતાકુંડ દેખાય છે.
અહીં શ્રીનાથજી ગોપીજનો સાથે ઝૂલે ઝૂલ્યા હતા. થોડે દૂર કલાત્મક કુસુમ સરોવર છે ભરતપુરના રાજાએ બનાવેલ છે.
અહીં ભગવાનના વ્રજનાથજી ભગવાનની એક હજાર રાણીઓને અહીં છ માસ સુધી ભાગવતની કથા સંભળાવી હતી તેમાં નારદજીએ નૃત્ય કર્યું હતું. નારદકુંડ પણ અહીં છે. બાજુમાં એક કી.મી.ના અંતરે કિલ્લોલ કુંડ છે.
ગોવર્ધન ગામમાં માનસી ગંગા છે. શ્રી કૃષ્ણે વત્સાસૂરને માર્યો સખાઓએ કહ્યું તમોએ ગોવંશ કર્યો છે તેના દોષમાંથી શુદ્ધ થવા માટે શ્રી કૃષ્ણે મનમાંથી ગંગા ઉત્પન્ન કરી તે જ માનસી ગંગા. માનસી ગંગાના કિનારે શ્રી હરિદેવજીનું મંદિર છે શ્રી કૃષ્ણના પ્રપૌત્ર શ્રી વ્રજનાથજીએ આ મંદિર બંધાવ્યું હતું. માનસી ગંગાના ચક્રતીર્થ ઘાટ ઉપર શ્રી ચક્રશ્વેર મહાદેવનું મંદિર છે.
શ્રી કૃષ્ણ ચૈતન્યનું મંદિર છે. ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો અહીં મેળાપ થયો હતો. અહીં મહાપ્રભુજી અને ગુંસાઈજીના બેઠકજી છે. અહીં મહાપ્રભુજીએ ભાગવત સપ્તાહ કરી હતી. ગોવર્ધનથી આન્યોર તરફ જવાના માર્ગ ઉપર દાનઘાટી આવે છે.
ગોપીઓ અહીં દૂધ દહીં આપતી ભાદરવા સુદી અગીયારસથી ભાદરવા વદી અગીયારસ સુધીના પંદર દિવસ દાનના કહેવાય છે. શ્રી ગુંસાઈજીના સેવક રાજા આસકરણજીને અહીં શ્રી ઠાકોરજીની દાન લીલાનાં દર્શન થતાં. આગળ ચંદ્ર સરોવર છે. અહીં ચંદ્રકૂપ છે. બે મોટા વજનદાર પત્થરો છે તેને બજાવવાથી નગારા જેવો અવાજ નીકળે છે અહીંથી આન્યોર જવાય છે. ગામની વચ્ચે જ સુદ પાંડેજીનું ઘર છે શ્રી નાથજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા હતા તેની દીકરી નરો રોજ શ્રીનાથજીને દૂધ પીવડાવતી હતી.
આન્યોર ગામના ગોંદરે ગોવિંદકુંડ છે. અહીં ઈન્દ્રદેવે ભગવાન શ્રી કૃષ્ણનો દૂધથી અભિષેક કરી ‘‘શ્રી ગોવિંદ’’ કહ્યા હતા અહીં સ્નાન કરવાથી મોક્ષ મળે છે.
કંદબના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીનાં બેઠક છે. ગોવિંદકુંડની સામેથી શ્રી ગિરિરાજજી ઉપર શ્રી નાથજીના મુકુટ ટોપીનાં દર્શન થાય છે. અહીં સ્વામીજીના હસ્તાક્ષરની છાપ છે.
નવલ બિહારીજીનું મંદિર અપસરાકુંડ છે. શ્રી ઠાકોરજી રાસમાંથી અદ્રશ્ય થયા ત્યારે તેમને શોધતા ગોપીજનો આવ્યા ઠાકોરજીના મિત્ર ઉંમરમાં મોટા હતા તેમને જેઠ સમઝી ગોપીજનો શરમ અનુભવતા હતા એક બીજાને પૂછ- રી ‘‘અલી પૂછ એમ કહેતા હતાં.’’ આ સ્થળનું નામ પૂછરી પડ્યું.
ભગવાન કૃષ્ણે શ્રી ગિરિરાજ સાત દિવસ ટચલી આગળી ઉપર ધારણ કર્યો. ઈન્દ્રને પોતાની ભૂલનો પસ્તાવો થયો. વ્રજમાં દેવમાતા સુરભિ ગાયને લઈને શ્રી કૃષ્ણ પાસે ઈન્દ્ર આવ્યો. આ સ્થાન ઉપર થઈને દૂધથી અભિષેક કર્યો (ભગવાનનો) તેથી આ સુરભિકુંડ છે.
શ્રી ગિરિરાજજીનાં મુખારવિંદ પાસે તળેટીમાં અનેક તુલસી ક્યારા નિત્યલીલાસ્થ સ્થળ છે. નીત્યલીલામાં પધારેલા ગોસ્વામી બાળકોના તુલસી કયારા છે. નિત્યલીલામાં પધારનારા દરેક ગોસ્વામી બાળકોના વહુજી, બેટીજીઓના, અસ્થિ દાટવામાં આવે છે. નિત્યલીલાનું પ્રવેશ દ્વાર છે. તેવી ભાવના છે. શ્રી ગિરિરાજના મુખારવિંદની બાજુમાં જમણા હાથે એક ઉંચો તુલસી ક્યારો છે તે ગુંસાઈજીનું લીલા પ્રવેશનું દ્વાર છે.
ગિરિરાજ ઉપર ઘણા સાતકોશ, પાંચકોશની પરિક્રમા કરે છે.
બોલ શ્રી ગિરિરાજ ધારણકી જય !