સરદારની વિનોદવૃત્તિ : તાજગીની ઝીણી ફરફર ——–
સરદારની રમૂજી ભાષામાં ગમે તેટલી જટિલ સમસ્યાને પિગળાવી દેવાની તાકાત હતી. તેમની પાસે રહેનારને તેમની ભાષામાં અને વર્તનમાં હંમેશા હાસ્યના ફુવારાની અનુભૂતિ થતી – તેમાંથી ગાંધીજી પણ બાકાત ન હતા. શ્રી મહાદેવભાઈ દેસાઈ સરદારની વિનોદવૃત્તિને ” તાજગી આપનારી ઝીણી ફરફર” કહે છે. વર્તમાન રાજકારણીઓ અને નેતાઓ માટે સરદારની હાસ્યવૃત્તિ એક મહાન આદર્શ છે. સરદારનો સંદેશ છે કે પરિસ્થિતિની ગંભીરતા અને જટિલતા સાથે હાસ્યને કોઈ આડવેર નથી. તો આવો માણીએ સરદારની વિનોદવૃત્તિને…
કમાંડર-ઇન-ચીફ, ભારતીય વાયુસેનાના એરમાર્શલ સર થામસ એલમીર્સ્ટ તેમનો સરદાર સાથેનો પ્રસંગ યાદ કરતાં લખે છે – ” હું એ દિવસની વાત કરું છું જે દિવસે દિલ્હી શસ્ત્રધારી શીખોના હાથમાં હતું. તેમના ઉપર પોલીસ કે સંરક્ષણ દળોનો કાબૂ રહ્યો ન હતો. પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળવું તેનો વિચાર કરવા એક તાત્કાલિક બેઠક રાખવામાં આવી હતી. માઉન્ટબેટન અધ્યક્ષસ્થાને હતા.
તેમની એક બાજુ પર નહેરુ અને બીજી બાજુ પર સરદાર હતા. સરકાર કઈ રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકે તેના વિચારોની આપલે દરમિયાન ગંભીર વાતાવરણમાં ભય પણ વ્યાપેલો હતો. બળવાખોરોએ લીધેલા કબજાને લીધે દિલ્હીનું જનજીવન ઠપ થઈ ગયું હતું. એવામાં કોઈએ બહુ વિચિત્ર મત પ્રદર્શિત કર્યો. સરદાર પટેલ ખડખડાટ હસી પડ્યા, અને એવી વાત કરી કે અમે સૌ હસી પડ્યા. તંગદિલી દૂર થઈ અને સૌ એવા સ્વસ્થ સૂચન પર આવ્યા જે સૌને માન્ય હતું. સરદાર આવા માનવી હતા.” ખરેખર વિચાર કરવા પ્રેરે તેવો આ પ્રેરક પ્રસંગ છે. પરિસ્થિતિ ગંભીર છે, વાતાવરણમાં ભય અને તંગદિલી છે, એવા વાતાવરણમાં પરિસ્થિતિને હળવીફૂલ જેવી બનાવી દેવી એટલું જ નહીં સ્વસ્થ ઉકેલ પર આવવું એ માત્ર અને માત્ર સરદારની વિનોદવૃત્તિને આભારી હતું.
જે. આર. ડી. ટાટા લખે છે કે
” મારી સરદાર સાથેની મુલાકાત હંમેશા આનંદદાયક રહેતી એટલું જ નહીં પણ એ મુલાકાત પછી ભારતના ભાવિ માટે એક વિશ્ર્વાસ પેદા થતો.”
” વીર વલ્લભભાઈ” ના લેખક શ્રી મહાદેવ દેસાઈ લખે છે કે
” એમના (સરદારના) વિનોદમાં કોઈવાર બાળી નાખનાર તણખા ઊડે છે, તો કોક વાર તાજગી આપનારી ઝીણી ફરફર ઊડે છે”
શ્રી નારાયણ દેસાઈ સરદારના હાસ્યરસ વિશે કહે છે કે
” કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીમાંથી પાર ઊતર્યા ન હોત.”
ગાંધીજીને તો સરદારની હળવી રમૂજ અને નિર્દોષ મશ્કરીના અનેકવાર ભોગ બનવું પડેલું. જોકે ગાંધીજી સરદારની રમૂજને ખૂબ માણતા પણ ખરા. ૨૫-૨-૨૩ના ‘હરિજન’માં ગાંધીજી લખે છે કે – ” મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગમ્મતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે.
તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા સાધુપણાને પણ છોડતા નથી.”
એક મહાન પુરુષની બીજા મહાન પુરુષને આપેલી કેટલી ભવ્ય અંજલિ છે! વાંચતાં વાંચતાં મન સરદાર પ્રત્યે ભક્તિભાવથી ભરાઈ જાય છે અને આંખો ભીની થઈ જાય છે! સરદારનું ચરિત્ર આજે પણ કેટલા બધા સામાન્ય લોકોને હિંમત, શ્રદ્ધા અને વિશ્ર્વાસ આપે છે – ” ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય અને નિરાશા લાંબો વખત ઉદાસ ન રાખે” એવો સરદારનો મંત્ર આજે પણ ઉપકારક છે; કદાચ વધારે.
માર્ચ ૧૯૩૨ માં યરવડા જેલમાં ગાંધીજી અને સરદાર સાથે રહેતા હતા, ત્યારે ગાંધીજીએ સરદારને પૂછ્યું :
” સ્વરાજ્યમાં તમે કયું ખાતું સંભાળશો?”
સરદારે જવાબમાં કહેલું કે
” સ્વરાજ્યમાં હું ચીપિયો અને તૂમડી લઈશ” …
જોકે આ જ પ્રસંગમાં સરદારનો જવાબ
” ભટકતો ભાટ બનીશ” એમ શ્રી ગુણવંત શાહના પુસ્તક
” સરદાર એટલે સરદાર” માં વાંચવા મળ્યો જે વધુ અધિકૃત છે.
એક જાણીતી વાત છે કે સરદાર કાશ્મીરના પ્રશ્ર્નને યુનોમાં લઈ જવા માંગતા ન હતા, જ્યારે શ્રી જવાહરલાલ તે પ્રશ્ર્નને યુનોમાં લઈ ગયા. એમ કહેવાય છે કે સરદાર ગમ્મતમાં કહેતા કે ” ઉનો ઉનો કરનાર ઠંડા પડી જશે!”
ગાંધીજીને કોઈએ પત્ર લખીને પ્રશ્ર્ન પૂછેલો કે
” તમે અહિંસાની વાત કરો છો. પણ ચાલતી વખતે આપણા પગ તળે સૂક્ષ્મ જીવજંતુઓ મરી જાય છે, તે હિંસા ન કહેવાય?”
સરદારે આ પ્રશ્ર્ન જાણ્યા પછી તરત ગાંધીજીને કહ્યું કે
” લખી દો ને, કે પગ માથા પર મૂકીને ચાલો” . આવો પણ એક પ્રસંગ સરદારને નામે સાંભળ્યો છે
કામ કઢાવવાની ક્રાંતિકારી કરામત ——–
બારડોલી સત્યાગ્રહ પ્રસંગે સુરત સ્ટેશન પર સલૂનમાં ગવર્નર સાથે સુલેહ કરી પછી સરદાર પટેલ સહીઓ કરવાની વિધિ પૂરી થાય તેની રાહ જોતા પ્લેટફાર્મ પર આંટા મારતા ફરતા હતા. આવામાં ખેડૂતોની જમીન પાણીના મૂલે વેચાતી રાખનાર એક અક્કડ માણસે કહ્યું કે, ” વલ્લભભાઈ પટેલે મને બહુ ગાળો આપી છે. તે મારી માફી માગે તો જ હું જમીન પાછી આપવાના પત્ર પર સહી કરીશ.”
હવે સરદારને માફી માગવાનું કોણ કહી શકે ? હવે આ અક્કડ માણસને કોણ સમજાવે ? કોઈને કંઈ સૂજતું ન હતું. આખરે ઘણી વાર થતાં સરદારે જ પૂછ્યું. ઘણીવાર થઈ…. ” ગાડું ક્યાં ખોટકાયું છે ?” ત્યારે કોઈએ હિંમત રાખી સરદારને પેલા અક્કડ જમીનદારની શરત કહી. ત્યારે સરદારે કહ્યું,” તો તમે ક્યારના કહેતા કેમ નથી ?” જમીનદાર બેઠેલા હતાં ત્યાં જઈને સરદારે તેને કહ્યું “કેમ ? મેં તમને બહુ ગાળો દીધી છે ?”
પેલાએ કહ્યું, ” હા” ,
સરદારે કહ્યું,
” ચાલો સહી કરી દો. કાલથી હું તમારા વખાણ કરીશ.”
પેલા અક્કડ જમીનદારે તરત જ કાગળ પર સહી કરી દીધી. માફીની વાત ત્યાં જ રહી. માફીના બદલે વખાણ શબ્દ વાપરી સરદારે કુનેહથી કામ કઢાવી લીધું. આવી હતી સરદારની કામ કરાવવાની ક્રાંતિકારી કરામત.
વલ્લભભાઈની વેધક વાણી… ———-
સરદારના રાષ્ટ્રકાર્યમાં તેમની તીક્ષ્ણ બુદ્ધિ, મુત્સદ્દીગીરી, કુનેહ, સમયસૂચક્તા, અનન્ય રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતાનો જેટલો ફાળો છે તેટલો જ ફાળો તેમની વાણીનો છે. તેમણે દેશની સાધારણ પ્રજાને બેઠી કરી, પ્રાણ પૂર્યો અને સંઘર્ષ માટે જ નહીં, પરંતુ દેશના નવનિર્માણ માટે તૈયાર કરી. સરદારના સમયસરના વ્યવહારે ઓછા, યોગ્ય, હૃદયસ્પર્શી સૌનાં દિલ જીતી લીધાં. અત્રે પ્રસ્તુત છે તેમની વેધક વાણીના અંશો…
સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના નવનિર્માણના કાર્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. સાચા અર્થમાં તેઓ રાષ્ટ્રશિલ્પી બન્યા તેમાં તેમના અનેક ગુણોનું યોગદાન છે –
તેમની ભારતભક્તિ, મુત્સદ્દીપણું, દ્ઢ સંકલ્પો, સાદગી, સરળતા… વગેરે.
આ યાદીમાં એક મહત્ત્વનું લક્ષણ પણ ઉમેરવું જોઈએ –
તેમની વાણી. તેમનો રાષ્ટ્રપ્રેમ, દેશદાઝ, જુસ્સો, લડાયકતા લોકો સુધી પહોંચાડવામાં તેમના હૃદય સોંસરવા નીકળેલા, સરળ, સચ્ચાઈભર્યા, તળપદા, વિનોદપ્રચુર… શબ્દોનો પણ ઘણો ફાળો છે.
તેમણે સ્ત્રીપુરુષો, અબાલવૃદ્ધ, શહેરી-ગ્રામ્ય… તમામ પ્રકારના લોકોને અંદરથી ઢંઢોળ્યા અને સંઘર્ષ માટે તૈયાર કર્યા.
સંસ્કૃતિ-નિર્માણમાં વૈખરીનું શું સ્થાન છે તે સમજવા માટે પણ સરદારના જીવનમાં ડોકિયું કરવું પડે. તેમના હૃદયસ્પર્શી શબ્દોએ સત્યાગ્રહો જીત્યા, રાજ્યોને એકત્ર કર્યાં, સહકાર્યકર્તાઓનાં હૃદય જીત્યાં. તેમના શબ્દજગતમાં લટાર મારીએ તે પહેલાં કેટલાક મહાનુભાવોના તેમની વાણી વિશેના અભિપ્રાયો જોઈએ.
શ્રી મહાદેવભાઈ દેસાઈ લખે છે કે :
” મેં તેમને (સરદારને) ઘણીવાર બોલતા સાંભળ્યા હતા. તેમની વાણીમાં જે તેજ ભાળ્યું, આંખમાંથી કેટલીક વાર વહ્નિ વરસતો જોયો તેવો કદી જોયો ન હતો. લોકોની જમીન ખાલસા થઈ જાય તેમાં જાણે પોતાના શરીરના કટકેકટકા થતા હોય અને જે વેદના થતી હોય તે વેદનાથી ભરેલા તેમના ઉદ્ગારો નીકળતા હતા. એ ભાષણોની તળપદી ભાષા, તેમાં ક્ષણે ક્ષણે ઝબકી ઊઠતા, ભૂમિમાંથી પાકેલા, ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વિનાનું, સ્વતંત્ર જોમવાળું એમનું ભાષા ઉપરનું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલું ભાળ્યું.”
જાણીતા સાહિત્યકાર અને રાજપુરુષ શ્રી ક. મા. મુન્શી સરદારની વાણી વિશે લખે છે કે :
” ભાષાની ઘણા પ્રકારની સમૃદ્ધિનો ઉપયોગ, શ્રોતાવૃંદને નચાવવાની જુદી જુદી ખૂબીઓ, સમયોચિત ભાવ પેદા કરવાની શક્તિ, શ્રોતાઓનાં હૃદય ભેદવાની અને આચાર ફેરવવાની કલા, પયગંબરી પ્રેરણાનું સ્વરૂપ – આ બધાં જો ઉત્તમ વાક્પટુતાનાં મુખ્ય અંગ હોય તો વલ્લભભાઈના બારડોલીનાં વ્યાખ્યાનો ગુજરાતી વાક્પટુતાના ઇતિહાસમાં સીમાચિહ્ન લેખી શકાય. એમનો કટાક્ષ અને એમનો વિનોદ સચોટ છે.”
હૃદય ભેદનારી વાણી : નમૂનાઓ ———-
સત્યાગ્રહ સમયે —–
આ ધરતી પર કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે મારી સાથે મજૂરી કરીને ધાન પકવનાર ખેડૂત અને મજૂર બેઉને જ છે.’
સરદારની લડતમાં નેતા કેન્દ્રસ્થાને નહીં પણ પ્રજા કેન્દ્રસ્થાને રહેતી. તેમણે પ્રજાનો જુસ્સો ટકાવી રાખ્યો, તેમનામાં હિંમત ભરી. બારડોલીના સત્યાગ્રહની વેળાએ તેમનું સંબોધન જોઈએ –
” સંઘર્ષમાં કૂદી પડતાં પહેલાં હું તમને બે વાર વિચાર કરવાનું કહીશ. તમારા નેતા તરીકે મારા જેવો યોદ્ધો છે એમ માનીને આનંદિત થશો નહીં. મને અને મારા સાથીઓને ભૂલી જાવ. તમને જો લાગતું હોય કે જુલમ અને અન્યાયનો પ્રતિકાર કરવો જોઈએ તો સંઘર્ષ કરો. તમે જો સફળ થશો તો સ્વરાજનો પાયો નાખવામાં ઘણું બધું કરી શકશો.”
આપણાથી કરી શકાય તે બધું કર્યું છે. હવે આપણા માટે એક જ માર્ગ ખુલ્લો છે; તાકાતનો સામનો તાકાતથી કરવાનો, સત્તાની રૂએ સરકાર પાસે તમામ સામગ્રી છે અને તેની પાસે શસ્ત્રધારી સૈનિકોની ભૌતિક શક્તિ છે. તમારી પાસે સત્ય અને દુ:ખ સહન કરવાની શક્તિ છે. આ આત્મ સન્માનનો પ્રશ્ર્ન છે.” રાષ્ટ્રની એકતા અને તેને તોડવા “ભાગલા પાડો અને રાજ કરો” ની કુટિલ અંગ્રેજોની રાજનીતિથી પ્રજાને સભાન કરવા દાંડીકૂચ પ્રસંગે એક સભામાં સરદારે ઉચ્ચારેલા શબ્દો જોઈએ :
” ગાંધીજીના સત્યાગ્રહને નિષ્ફળ બનાવવા અંગ્રેજોએ હિંદુ-મુસલમાનનો સંઘર્ષ અને અફઘાનના હુમલાના બે પાસા ફેંક્યા છે …”
” તમે એવા કોઈ મુસલમાનને મળ્યા છો ખરા જે કહેતો હોય કે મીઠા પરનો કર યોગ્ય છે અને રહેવો જોઈએ?
ગામડાંઓમાં રહેનાર હિન્દુઓ અને મુસલમાનોનાં હિત એકસરખાં હોવાથી (બંને કોમ) કરને અન્યાયકારી માને છે…
શાસકો ધમકી આપે છે કે તેઓ જો અહીં ન હોત તો હિન્દુઓ અને મુસલમાનો ઝઘડી મર્યા હોત. શાસકો આપણને એવો પણ ડર આપે છે કે ‘તેઓ જો જતા રહેશે તો અફઘાનીઓ પ્રવેશ કરશે. એ પઠાણોનું શું કહેવું? કોઈપણ કુંવારી છોકરીની આબરૂ સલામત નહીં રહે.” ૧૫૦ વર્ષના રાજ્ય પછી તેમણે (અંગ્રેજોએ) આપણને કેવી અસહાય હાલતમાં મૂકી દીધા છે? જો આપણે 33 કરોડ લોકો આપણી જાતને નહીં બચાવી લઈએ તો સૌને આપઘાત કરવાનું જ બાકી રહી જાય છે. આવી વાતને સહન કરી લેવી બહુ મોટું અપમાન છે.”
ભારત છોડો ચળવળ સમયે સરદારના ઉદ્ગારો ———-
” અમારે કોઈની મદદની જરૂર નથી, કોઈ આવીને છોડાવશે એ ગુલામીની મનોદશા છે.”
” દેશમાં જે ઇન્કિલાબ આવવાનો છે તે એટલો બધો પ્રચંડ અને ઝડપી આવવાનો છે જેમાં તમામ સ્ત્રીઓએ, પુરુષોએ, નાનાઓએ અને મોટાઓએ સક્રિય ફાળો આપવાનો છે.”
” કાલેજોમાં પૂળો મૂકો, સ્કૂલોનો ભાંગીને ભુક્કો કરો. હિંમત ના હોય તો ઘરમાં બેસી રહેજો. પણ વેપારની વાત ના કરશો.
દોઢસો વર્ષ થયાં આપણે સાચો વેપાર ક્યારે કર્યો છે? એક જ વાણિયો ખરો વેપાર જાણે છે, અને તે ઇજ્જતનો વેપાર.”
રાજ્યોનું વિલીનીકરણ ———
આ ભગીરથ કાર્યમાં સરદારે મહદ્અંશે રાજવીઓને પ્રેમ અને સન્માન આપીને માતૃભૂમિ પ્રત્યેની પવિત્ર ફરજ યાદ અપાવીને
એક રાષ્ટ્રમાં સૌને વિલીન થવાની હૃદયપૂર્વકની અપીલ કરી. એક એવા જ હૃદયસ્પર્શી વક્તવ્યમાં તેમણે રાજવીઓને કહ્યું કે –
” આપણે સૌ ભારતના ઇતિહાસના ગંભીર તબક્કામાં છીએ. આપણા સંયુક્ત પ્રયત્નથી આપણે દેશને મહાનતાના નવીન શિખર પર લઈ જઈ શકીએ છીએ. એકતાનો અભાવ આપણને નવી મુશ્કેલીઓ તરફ લઈ જશે. હું આશા રાખું છું કે ભારતીય રાજ્યો એક વાતને ધ્યાનમાં રાખે કે બધાના સહયોગનો વિકલ્પ એ અંધાધૂંધી અને અરાજકતા જ હશે.
આપણે સમાન હિતનાં લઘુતમ કામોમાં એકત્ર થવામાં નિષ્ફળ જઈશું તો આપણે નાનામોટા નુકસાનમાં ડૂબી જઈશું. તક તો હતી પરંતુ તેને પરસ્પરના લાભમાં ફેરવવામાં આપણે નિષ્ફળ ગયા એમ કહીને ભાવિ પેઢી આપણો તિરસ્કાર ન કરે તે આપણે જોવાનું છે. તેને બદલે આપણે એકબીજાને લાભકારક સંબંધોની પરંપરા મૂકી જવાનું સદ્ભાગ્ય આપણને સાંપડો જે વિશ્ર્વના અન્ય દેશોમાં આ પવિત્ર ભૂમિને યોગ્ય સ્થાન અપાવે અને તેને શાંતિ અને સમૃદ્ધિની ભૂમિ બનાવે.”
વિલીનીકરણની પ્રક્રિયામાં સરદારે રાજવીઓ પ્રત્યે, પ્રેમ અને સૌજન્યનો વ્યવહાર કર્યો. તેમની સાથે સરકારનો શુદ્ધ અને સંયમિત વ્યવહાર હોવો જોઈએ એવો તેમનો આગ્રહ રહેતો.
વિલીનીકરણ કરવા રાજ્યોમાં અધિકારીઓને મોકલતી વખતે ખાસ સૂચના આપતાં તેઓ કહેતા કે –
” રાજવીઓની વ્યક્તિગત મિલકત વિશે કોઈ તપાસ કરશો નહીં અને મહેલનાં સ્ત્રી-સભ્યો સાથે વાતચીતમાં ઊતરશો નહીં. મારે તેમનાં રાજ્યો જોઈએ છે, સંપત્તિ નહીં.”
સ્પષ્ટવક્તા સરદાર ———
૭ જાન્યુઆરી, 1948ના હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે લખનૌમાં લાખો લોકોની એક સભામાં પાકિસ્તાન વિશે સરદારના ઉદ્ગારો ધ્યાન ખેંચે તેવા છે.
” અમે લોકો શાંતિથી રહેવા માંગીએ છીએ અને પાકિસ્તાને પણ શાંતિથી રહેવું જોઈએ,
પરંતુ પાકિસ્તાનને સંઘર્ષ કે યુદ્ધ માટે ચળ ઊપડી હોય તો તેણે કાશ્મીરમાં છુપાઈને યુદ્ધ કરવા કરતાં સામે આવવું જોઈએ”
વધુમાં તેમણે ઉમેર્યુ કે
” પાકિસ્તાન તેના જૂઠાણા અને કપટના બોજ નીચે જ બરબાદ થઈ જશે, નહીં કે અમારી સેનાઓ દ્વારા. જોકે એ કાર્ય માટે પણ અમે શક્તિશાળી અને સાધન-સંપ્ન્ન તો છીએ જ.”
ત્યાંના વિદેશમંત્રીના તે સમયના એક વક્તવ્યના ઉત્તરમાં તેમણે કહેલું કે
” આપણે તેમનાં કુકર્મોને છેલ્લા ચાર મહિનાઓથી પંજાબમાં સહન કરી રહ્યા છીએ. જો હજુ વધારે સહન કરવાનું થાય તો તે કરતાં અમે લાહોર કે સિયાલકોટ સુધી પહોંચી જવાનું વધુ પસંદ કરીશું.”
સરદાર મનના નિર્દોષ અને સરળ હોવાથી મનમાં કટુતા વગર કોઈને પણ ગમે તે કહી શકતા – ગાંધીજીને પણ. યરવડા જેલમાંથી 5-6-1933ના એક પત્રમાં તેઓ ગાંધીજીને લખે છે કે –
” મને કેરી શું કામ મોકલી? તમે આજે લાડ લડાવો અને કાલે શું કરો તે કોણ જાણે? તમારી દયામાં અને અહિંસામાં જે નિર્દયતા અને હિંસા ભરેલી છે તે તો જેને ‘રામબાણ વાગ્યાં હોય તે જ જાણે!’ મારું ના માનો તો બાને પૂછજો. એ મારી વાતમાં સંમત થશે જ.”
સરદારના સાહિત્યમાંથી આવા અસંખ્ય ઉદ્ગારો મળશે જે ઉદ્ગારોએ ભારતની પ્રજાની માનસિકતાને આકાર આપ્યો,
દુષ્ટો-કપટીઓને શાંત કર્યા, ભારતને અખંડિત બનાવ્યો અને ભારતના નવનિર્માણનો માર્ગ મોકળો કર્યો. તેમની સરળ, સ્વચ્છ, સોંસરવી, શુદ્ધ વાણીનો ગજબનો જાદુ હતો.
૧૯૪૫ની આ વાત છે. મારાં પપ્પા જી ટી બોર્ડીંગમાં રહીને વિલ્સન કોલેજમાં ભણે એ વખતે મહારાષ્ટ્ર નહોતું. મુંબઈ સ્ટેટ હતું, મુંબઈ આમેય તોફાનો અને આઝાદીની ચળવળ માટે જાણીતું. આઝાદીની લડાઈ શરુ થઇ ગઈ હતી. કોલેજોના યુવાનોમાં ઉશ્કેરાટ હતો. દેશ માટે કૈંક કરી છૂટવાની ભાવના હતી હવે પપ્પાનો રૂમ પાર્ટનર એક કેરાલીયન હતો
તેનું ભેજું ફળદ્રુપ એટલે તેને હેન્ડગ્રેનેડ બનાવતાં આવડે
ગુજરાત બાજુ થી મુંબઈ આવવું હોય તો વસાઈની ખાડી પસાર કરવી જ પડે. આ વસાઈની ખડી ઉપર રેલ્વે બ્રીજ છે
તેના ઉપરથી રેલ્વેમાં બ્રિટીશરોણી એક ફોજ મુબઈ આવતી હતી. આ બ્રીજ જ ઉડાડી દેવો એવું યુવાનોએ નક્કી કર્યું
પાપા, કેરાલીયનયુવક અને બીજાં કેટલાંક યુવાનો સરદાર વલ્લભભાઈને મળવા ગયાં
પાપા બોલ્યાં:
” અમે વસઈનો પૂલ ઉડાવી દેવા માંગવા છીએ ……..!!!!!”
સરદારે જવાબ આપ્યો
” અલ્યા ગાંડાઓ …….. આ અંગ્રેજો તો થોડા વખતમાં જતાં રહે શે. આ વસઈનોપુલ કોણ તમારો બાપ બાંધવાનો છે. આપણામાં એવી આવડત છે કે આવો પુલ બાંધી શકીએ
એટલે એવાં ગાંડા કાઢવાના રહેવા દેજો એ કઈ પોતાની સાથે વસઈનો પુલ નથી લઈ જવાના !!!!”
શું સરસ જવાબ હતો સરદાર નો !!!!!
અત્યારના લેભાગુઓ જે સરકારનો બચાવ કરે છે એમને એક માહિતી આપું. સરદારની આ અભિલાષા પૂર્ણ થઇ ખરી
પમ્બન બ્રીજ બાંધીને ભારતની એન્જીનીયરીંગ કલાનો ઉત્તમ નમુનો છે આ પમ્બન બ્રીજ જેમને ના જોયો હોય તે જરૂરથી જોજો.
સરદાર વલ્લભભાઈનાં પ્રખ્યાત અને ચોટદાર ઉદ્બોધનોની એક ઝલક ———
બારડોલીને કારણે તમે મને જે માન આપી રહ્યા છો તે માટે હું લાયક નથી. ભારતના ખેડૂતરૂપી દર્દીને સંજીવની ઔષધ પાવા માટેનું હું તો માત્ર એક સાધન છું. માન આપવું હોય તો ઔષધ આપ્નારને મળવું જોઈએ.
થોડું માન દર્દીને પણ આપવું પડશે. દર્દીએ સંયમ પાળ્યો ન હોત તો આ દવા કારગત ન નીવડી હોત. આ ઉપરાંત કોઈને જશ આપવો હોય તો મારા સાથીઓને મળવો જોઈએ. તેમણે મારામાં પૂરો વિશ્ર્વાસ મૂક્યો અને અદ્ભુત શિસ્તનું પાલન કર્યું.
અમદાવાદના નાગરિકોએ મને ગાંધીજીના પટ્ટશિષ્ય હોવાનું કહ્યું છે. હું આવા વર્ણનને લાયક હોત, તો મને ઘણું ગમ્યું હોત… પણ હું આ પદવીને લાયક નથી, તેની મને પૂરેપૂરી સમજ છે. – અમદાવાદના સન્માન પ્રસંગે
આમાં તો પાંચ મરણિયા હોય તો સારું પણ પાંચ હજાર ઘેટાં ખોટાં. તમે શા સારુ ડરો ? તમને બીક શા માટે લાગે ? જે ખેડૂત મુશળદાર વરસાદમાં કામ કરે, કાદવકીચડમાં ખેતી કરે, મારકણા બળદ સાથે કામ લે, ટાઢ-તડકો વેઠે એને ડર કોનો ? દોરી તૂટ્યા પછી કોને એક મિનિટે વધારે મળે છે ? જેણે ખેડૂતને બનાવ્યો એણે બાદશાહનેય બનાવ્યો છે. તો ખેડૂતે શા માટે ડરવું ?
એક એકર જમીનનો ટુકડો હોય એમાંથી ખેડૂત બળદને અને ભેંસને નિભાવે છે. કલ્પ્નામાં પણ ના આવે એટલી કાળી મજૂરી કરે છે. ધૂળમાં અને ખાતરમાં રગદોળાય છે, ઘૂંટણભર પાણીમાં ધરુ રોપે છે અને સાપ તથા વીંછીથી પણ ડરતો નથી. સરકાર પાગલ થઈ છે. બધું પગ તળે છૂંદી નાંખવા તલપાપડ થઈ રહી છે. સિંહ, વાઘને પગ તળે છૂંદી નાંખનાર મસ્તાનો હાથી નાનકડા મચ્છરની અવગણના કરે છે. હું આ ટચૂકડા મચ્છરને કહું છું કે, આ પાગલ હાથીને જેમ ઘૂમવું હોય તેમ ઘૂમવા દેજો અને પછી લાગ જોઈને તેની સૂંઢમાં પેસી જજો. – બારડોલીના સત્યાગ્રહ વખતે ખેડૂતોને
ચારિત્ર્ય વિનાનું ભણતર કશા કામનું ન ગણાય. આપણે સ્વતંત્ર ભારતના નાગરિકો તૈયાર કરવા છે. તેમને નોકરી શોધતા લૂલા-પાંગળા નથી બનાવવા. આપણો આદર્શ ચરોતરને સ્વતંત્ર ભારતમાં એક આદર્શ પ્રદેશ બનાવવાનો છે. એ માટે સેવાભાવી, સાહસિક, નીડર અને ખડતલ સૈનિકો તૈયાર કરવાના છે. – વલ્લભ વિદ્યાનગરમાં પ્રથમ શિક્ષણ સંસ્થા ખુલ્લી મૂકતાં.
તમે ખેડૂતો અને કામદારોની વાત કરો છો. ખેડૂતોની સેવા કરતાં કરતાં ડોસા થઈ જવાનો મારો દાવો છે. તમારામાંથી કોઈની પણ સાથે શરત લગાવવાની મારી તૈયારી છે. ખેડૂતો પાસે પોતાની જાત અને મિલકતનું જેટલું બલિદાન મેં અપાવ્યું છે, તેટલું તમારામાંથી ભાગ્યે જ કોઈ અપાવી શક્યો હોત.
બકરાનો શિકાર થતો હશે ? જમીનદારો તો લાચાર પ્રાણીઓ છે, સરકારનો ટચૂકડો અધિકારી પણ તેમને ધ્રુજાવી શકે છે. આપણે એમ વર્તવું જોઈએ કે આ જમીનદારો સારા-માઠા પ્રસંગે લોકોની જોડા-જોડ ઊભા રહે. દેખીતી વાત છે કે જમીનદારો જેમને પોતાનાં સંતાન ગણાવે છે તે ખેડૂતો બહાર ભૂખે મરતા હોય ત્યારે જમીનદારો ખાણી-પીણી અને નાચગાનમાં નાણાં બરબાદ કરે તે કોઈ રીતે વાજબી નથી. – 1930માં કરાંચી અધિવેશન પ્રસંગે ઉદ્દામવાદીઓને ઉદ્બોધન
ઘણા માને છે કે મેં જે કર્યું છે એ મહાત્માજીથી ન થાત, પણ મારામાં મહાત્માજીનો એક હજારમો અંશ પણ જો હોત તો મેં જે કંઈ કર્યું છે એનાથી દસ ગણું કરી દેખાડત. ઘણા માને છે કે મારામાં જે કંઈ થોડીઘણી દુષ્ટતા રહેલી છે તે વાપરી એના બળે આ બધું થયું, પણ હું તમને ખાતરી આપું છું કે બારડોલીમાં મેં જે કાંઈ કર્યું છે તે મહાત્માજીના આશીર્વાદથી જ કરી શક્યો છું. સ્વતંત્રતા જોઈતી હોય તે એમનું માનો. – 1928માં નવસારીમાં સન્માન વેળાએ
બાપુના લશ્કરમાં જોડાયો ત્યારથી આજ સુધીનું મારું આખું જીવન હું જોઈ શકું છું. બાએ મારા પર જેટલું હેત રાખ્યું છે, એટલું મારી સગી જનેતા પાસેથી પણ મને મળ્યું નથી. મા-બાપનુ જે હેત મારા નસીબમાં લખાયું હશે, તે મને બાપુ અને બા પાસેથી મળ્યું.
બાપુએ આ મરેલા દેશને સજીવન કર્યો અને બાએ તેમને સાથ આપ્યો. આ બંનેનું સજોડે ચિત્ર આપણે નજર સમક્ષ રાખવું જોઈએ. આપણે ભૂલ કરીએ તો આપણો હિસાબ લેવા આ બંને બેઠાં છે. અમે બધા તો એમની છાવણીમાં સિપાહી હતા. – ઇન્દોરમાં તા. 2-10-1950ના દિવસે કસ્તૂરબા ગ્રામનો પાયો નાંખતાં
ગુજરાતી પ્રજાને હું તેજસ્વી જોવા ઇચ્છું છું. કોઈ એમ ન કહે કે કંગાળ કે ખોટી વૃત્તિના ગુજરાતી શું કરી શકે ? બીજો કોઈ પણ જેટલો બહાદુર થઈ શકે એટલો ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતાં શીખવું જોઈશે.
હિન્દની સલામતી અને સંરક્ષણ માગી લે છે કે દેશના જુદા જુદા ભાગોમાં આપણે એકતા જાળવીએ અને એકબીજા સાથે હળીમળીને રહીએ. આપણે એકઠા મળીને કામ કરીશું તો દેશને મહત્તાના શિખરે પહોંચાડીશું અને આપણે જો સંપ નહીં રાખીએ તો નવી – નવી આફતો નોતરીશું. – પ્રાસંગિક સંબોધન
તો અમદાવાદની શી દશા થાત?
જુલાઈ 27, ઝંઝાવાતી તોફાનનો દિવસ. સાત-સાત દહાડાની હેલીમાં અમદાવાદ ડૂબી રહ્યું હતું અને સતત થપાટો ખાતું રહ્યું હતું. સુધરાઈના પ્રમુખ હતા વલ્લભભાઈ. રાતના બાર વાગે એકલા-એકલા એ આવા તોફાનમાં નીકળી પડ્યા. રસ્તામાં પોતાના એક બહાદુર મિત્રને સાથે લીધો ને આખી રાત શહેરમાં ઘૂમી વળ્યા. પછી ત્યાંથી સીધા પહોંચ્યા એન્જિનિયરને ઘેર. એન્જિનિયર પણ આવા તોફાનમાં ખુદ પ્રમુખ સાહેબને પોતાને ઘેર આવેલા જોઈને ચોંકી ઊઠ્યો.
એને સાથે લઈને એ પાછા બહાર નીકળી પડ્યા. ચાર દિવસ અને ચાર રાત. તોફાન એવાં ને એવાં ઉગ્રતાપૂર્ણ ચાલતાં રહ્યાં
ને શહેરને થપાટો વાગતી જ રહી અને પ્રમુખ સાહેબ (આપણા વલ્લભભાઈ) પણ શ્ર્વાસ લીધા વગર પાણીનો નિકાલ કરવાના જાત-જાતના નુસખા કરતા રહ્યા,
જાનની બાજી લગાડીને લાગેલા રહ્યા. એમને આમ મહેનત કરતા રહેલા જોઈને મજૂરોએ પણ જાનની બાજી લગાવી,
ને પાણીને શહેરની બહાર કાઢ્યું. એ વખતે જો પાણી શહેરની બહાર ના કાઢ્યું હોત તો અમદાવાદની શી દશા થઈ હોત એની કોને ખબર? આવી હતી એમની ફરજનિષ્ઠા!
સરદારનો જેલવાસ ————-
૧૯૩૦ની ૭મી માર્ચે સરદારને ગિરફ્તાર કરી સાબરમતી જેલમાં મોકલી આપ્યા. શ્રી મહાદેવભાઈ દેસાઈ તેમને મળવા ગયા. તે વાર્તાલાપ્ની એક ઝલક.
મહાદેવભાઈ : તમને જેલમાં કેવી રીતે રાખે છે ?
વલ્લભભાઈ : ચોર લૂંટારાની જેમ, પણ મને આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઈવાર માણી નથી.
મહાદેવભાઈ : કોની સાથે રાખ્યા છે ?
વલ્લભભાઈ : રીઢા ગુન્હેગારોના વાર્ડમાં રાખ્યો છે.
મહાદેવભાઈ : સૂવા માટે શું ?
વલ્લભભાઈ : એક ખાસ્સો કામળો આપ્યો છે. તેની ઉપર આળોટીએ છીએ. મને પહેલે દિવસે લાગેલું કે ઊંઘ નહીં આવે, પણ બીજા દિવસે તો ઘસઘસાટ ઊંઘ આવી. તે એવી આવી કે બહાર કદી આવી નથી.
મહાદેવભાઈ : ખોરાકનું શું ?
વલ્લભભાઈ : ખોરાકનું તો શું પૂછવું ? જેલમાં કાંઈ મોજ કરવા થોડા આવ્યા છીએ ? બપોરે કંઈક જાડા રોટલા અને દાળ અને સાંજે રોટલાને શાક એમ આપે છે. ઘોડાને ખપે એવું તો હોય છે જ.
મહાદેવભાઈ : પણ માણસને ખપે એવું હોય છે કે નહીં ?
વલ્લભભાઈ : શા સારુ નહીં ? બહાર હતો ત્યારે પાયખાને જવાનું ઠેકાણું ન હતું. તે અહીં એકવાર નિયમિત પાયખાને જાઉં છું. પછી શું જોઈએ ? પણ તું એની ચિંતા શા સારુ કરે છે ? ત્રણ મહિના હવા ભરખીને રહી શકું છું !
મહાદેવભાઈ : રોટલા દાંતે ચવાય શી રીતે ?
વલ્લભભાઈ : પાણીમાં ચોળી નાખું છું અને મજાથી એક આખો રોટલો ખાઈ જાઉં છું.
મહાદેવભાઈ : બત્તી મળે છે ?
વલ્લભભાઈ : બત્તી ન મળે. બત્તી મળે તો વાંચુ પણ ખરો. અહીં સાંજ પડે એટલે અંધારું.
નહેરુ સરદાર પટેલ જેવાં મુત્સદ્દી નથી ———
૧૯૩૫માં બિરલાને તે વખતના વાઈસરાય લાર્ડ હેલીફેક્સ (ઈરવીન) સાથે મુલાકાત થઈ હતી, તેનો અહેવાલ મધુ લિમયેના એક પુસ્તકમાં મળે છે.
હેલીફેક્સ : ગાંધીજીના સૌથી નજીકના માણસોમાં કોણ છે ?
બિરલા : મિ. પટેલ અને પંડિત નહેરુ.
હેલીફેક્સ : અધ્યક્ષના ભાઈ ? (તે સમયે વિઠ્ઠલભાઈ પટેલ મધ્યસ્થ ધારાસભાના અધ્યક્ષ હતાં)
બિરલા : હા.
હેલીફેક્સ : એ કેવી વ્યક્તિ છે ?
બિરલા : ઘણા શક્તિશાળી ચતુર અને આગ્રહી છે.
હેલીફેક્સ : નહેરુ કેવા છે ? તમે એમને ઓળખો છો ?
બિરલા : ઘણી સારી રીતે, પરંતુ તે પટેલ જેવા મુત્સદ્દી અને હોંશિયાર નથી. કેટલીક વાર તો સાવ બાલીશ લાગે છે.
દેશના એક પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિ બિરલાનું નહેરુ – સરદાર વિશેનું આ તારણ મધુ લિમયે જેવા એક ખ્યાતનામ સમાજવાદીના પુસ્તકમાં ઉલ્લેખાય ત્યારે મોડે – મોડે પણ સરદારને સમજવામાં ભૂલ કરનાર સમાજવાદીઓને એમના નિખાલસ એકરાર માટે ધન્યવાદ આપવા ઘટે.
નહેરુ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે ———-
૩૦ આક્ટોબર,૧૯૫૦ માં તિબેટે ભારત પાસે રાજદ્વારી સહાયની માગણી કરી. સરદાર એ દિવસોમાં અમદાવાદમાં હતા. નહેરુએ સાનુકૂળ પ્રતિભાવ ન આપ્યો એટલે 3જી નવેમ્બરે ચીને તિબેટ પર કબજો જમાવ્યો. તિબેટ ચીનાઓના હાથમાં ગયું. ભારતની સંરક્ષણ સરહદ ચીન માટે ખુલ્લી થઈ ગઈ. નહેરુની આ ઢીલી નીતિથી સરદાર ગુસ્સે થયા અને હૈયાવરાળ ઠાલવતાં કહ્યું,
” વિદેશનીતિ અંગે નહેરુ જોડે મારે ખરેખર ઝઘડો થશે.”
પણ સરદારની તબિયત વધુ લથડી એટલે નહેરુ સાથે ઝઘડાનો પ્રસંગ ઊભો ન થયો.
રાજગોપાલાચારી સરદારની તબિયતની ખબર કાઢવા આવ્યા. ત્યારે પોતાની વેદના ઠાલવતાં સરદારે કહ્યું,
” બાપુની અંતિમ ઇચ્છા હતી કે મારે નહેરુ સાથે મળીને કામ કરવું. તેથી નહેરુની હું ખુલ્લેઆમ ટીકા કરું એ ખરાબ લેખાય, પણ જવાહરલાલ કેટલીક બાબતોમાં દેશને કાયમી નુકસાન પહોંચાડી રહ્યા છે.”
સરદાર પટેલ અને ભાઈકાકા ———
સરદાર જયારે વલ્લભ વિદ્યાનગર જાય ત્યારે ભાઈકાકાને ત્યાં જ ઉતરે ……..
આમેય કરમસદ અને વિદ્યાનગર વચ્ચે બહુ અંતર નથી.
સરદાર અને ભાઈકાકા વચ્ચે બાળપણથી દોસ્તી.
પણ સરદાર દિલ્હી રહે એટલે ભાઈકાકાને મળવાનું ઓછું થતું
પણ જ્યારે પોતાના વતન આવે ત્યારે અચૂક એક રાત ભાઈકાકા જોડે ગાળે જ
આઝાદી વખતની આ વાત છે
જયારે અખિલ ભારત માટે સરદાર નાનાં નાનાં રાજ્યોને એક કરતાં હતાં. બરાબર આજ સમયે એ ભાઈકાકા જોડે રહેલાં
ભાઈકાકાએ કહ્યું : આ બધાં રાજ્યો તો જોડાશે પણ હૈદ્રાબાદના નિઝામનું શું ?
સરદાર બોલ્યા :
” સરકાર કોઈને કોઈ એક્શન લેશે જ મને એની કોઈ જ ચિંતા નથી …………..!!!!”
આમ સરકારની નીતિવિષયક ઘણી ચર્ચાઓ થઇ
પછી સરદાર બોલ્યા
“ચાલો ભાઈ હવે રાત બહુ થઇ ગઈ છે સુઈ જઈએ ”
એમ કહી બંને સુવા ગયાં
સવરે ચા પીતાં પીતાં સમાચારપત્રમાં સમાચાર હતાં કે ——–
હૈદરાબાદ પર એક્શન લેવાયું અને નીઝામનો ખજાનો જપ્ત કર્યો ………
આવાંચીને સરદાર બોલ્યા
” હાશ એમ અંતે એક્શન લેવાયું ખરું …… ચાલો જે થયું તે સારું થયું ”
આ વાતને દોઢ વર્ષ વીત્યા પછી જયારે સરદાર ભાઈકાકાને મળ્યા ત્યારે ભાઈકાકા એ આજ વાત કાઢી
” આ હૈદરાબાદ પર એક્શન લીધું કોણે?”
ત્યારે સરદારે ઘટસ્ફોટ કર્યો :
” તે દિવસે જયારે રાત્રે આપને સુવા ગયાં પછી હું સીધો પ્લેનમાં હૈદરાબાદ ગયો હતો અને જાતે ઉભા રહીને મેં જ એક્શન લેવડાવ્યું હતું અને પછી પાછો આવીને સુઈ ગયો અને સવારે આપણે ચા પીતાં અને છાપું વાંચતાં મેં માત્ર નાટક જ કરેલું કે જાણે મને કશી ખબર ના હોય !!!!!”
———– આવાં હતાં સરદાર વલ્લભભાઈ પટેલ
પ્રસંગો અને ઘટનાઓ જ માણસના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે સપનાંઓ અને કલ્પનાઓ કર્મઠ માણસ જ પૂરાં કરીશકે !!!! સરદાર પટેલ આવા કર્મઠ અને વિચારશીલ મહાપુરુષ -લોક્પુરુષ હતાં !!!
——– જનમેજય અધ્વર્યુ