રિઘ્ધિ સિઘ્ધિ મેળવવી હોય તો સખત સંઘર્ષ કરવો પડે. નસીબ બધાને કંઈ રાતોરાત યારી આપતું નથી. આ નિયમ માત્ર મનુષ્યને જ લાગુ પડે છે એવું નથી. દેવી દેવતાઓનાં મંદિરોએ પણ ખ્યાતિ પ્રાપ્ત કરવા લાંબો સમય રાહ જોવી પડે છે. વર્ષોના અસ્તિત્વ પછી લોકો દેવદર્શને આવતાં થાય. પછી જ નાની દેરી મોટા મંદિરનું સ્વરૂપ ધારણ કરે છે. મુંબઈના સિઘ્ધિવિનાયક મંદિરની વિકાસગાથા પણ કંઈક આવી જ છે.
માત્ર બે દાયકા પૂર્વે આ સિઘ્ધિવિનાયકના દર્શને આવતા ભક્તોની સંખ્યા સેંકડોમાં ગણાતી અને આજે એ આંકડો લાખોમાં બોલાય છે. અગાઉ જ્યાં પ્રવેશદ્વાર પાસે ચંપલ કે બૂટ ઊતારીને તરત જ દર્શન થઈ જતાં એ જ આરાઘ્યદેવ સમક્ષ હાજર થઈ શ્રઘ્ધાના ફૂલ ચઢાવવા માટે હવે કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહી તપ કરવું પડે છે. પ્રભાદેવીના સિઘ્ધિવિનાયક મંદિરની હરોળમાં જ હાજીઅલીની દરગાહ તેમજ માહિમનું માઉન્ટમેરી ચર્ચ વર્ષોથી પ્રખ્યાત છે. એજ રીતે છેલ્લાં એક દાયકામાં સિઘ્ધિવિનાયક મંદિર પણ કોસ્મોપોલિટન ધર્મસ્થાનક બની ગયું છે.
હવે તો વર્ષના અમુક દિવસોએ સિઘ્ધિવિનાયકના દર્શન માટે બે-બે દિવસ અગાઉથી લોકો લાઈન લગાવે છે. દર્શનાર્થીઓની એટલી મોટી ભીડ જામે છે કે મંદિરની આસપાસનો વિસ્તાર મોટા મેળા જેવો દેખાય. દર્શનાર્થીઓની લાંબી વાંકાચૂકા સાપોલિયા જેવી લાઈનમાં તમને નામી- અનામી, ફિલ્મસ્ટાર, ટીવી સ્ટાર, સરકારી અમલદારો અને મુંબઈના ટોચના પોલીસ અફસરો પણ નજરે પડે. આ છે સિઘ્ધિવિનાયક ભગવાનનો પ્રતાપ.
કોઈ યાત્રાળુ મંગળવારના કે અંગારકી ચોથના દિવસે દર્શનના મહિમાથી વંચિત ન રહી જાય એ હેતુસર સિઘ્ધિવિનાયક મંદિરના વ્યવસ્થાપકો રસ્તા પર નાનો મંચ ઊભો કરી કલર ટેલિવિઝનના ત્રણ સેટ ગોઠવી દે છે. અનેક ભક્તો ટીવી પર જ ગણેશદર્શન કરી શ્રીફળ વધેરી ફુલ ધરીને નજીકમાં પડેલી પેટીમાં યથાશક્તિ દાન કરી સંતોષ માને છે.
મુંબઈ ગમે તેટલું મોડર્ન બને પરંતુ દેવદેવીઓ પ્રત્યે શ્રઘ્ધાની જ્યોત સહેજે ઝાંખી પડવાની નથી. એટલું જ નહીં, જેમ જેમ જીવનમાં હાડમારી અને મોંઘવારી વધતી જાય છે તેમ તેમ દેવી દેવતાઓનો આધાર લેવાની પ્રકૃતિ પ્રવૃત્તિ વધતી જાય છે. મુંબઈમાં તો બોરીવલીના સિઘ્ધિવિનાયક ઉપરાંત સિક્કાનગર, ફોફલવાડી, કાંદીવલી, અંધેરી, ઘાટકોપર સિવાય ટીટવાલામાં ય ગણપતિના પ્રસિઘ્ધ મંદિરો છે. પરંતુ સિઘ્ધિવિનાયકનું પ્રભાદેવી ખાતેનું મંદિર ઘણું વધારે માહાત્મ્ય ધરાવે છે. અંગારિકાના દિવસે તો ક્યારેક આઠ થી દસ લાખ લોકો એક જ દિવસમાં સિઘ્ધિવિનાયકના દર્શને આવે છે. છેક સતારા, કોલ્હાપુર, નાંદેડ અને નાસિકથી લોકો ગણરાયાને ફૂલ ચઢાવવા મુંબઈ આવે છે.
મંગળવારે હોય અને એજ દિવસે ચોથ પણ હોય તો તેને અંગારિકા કહે છે. ચતુર્થી ગણપતિનો જન્મદિવસ (તિથી) ગણાય અને મંગળવાર એટલે ગણેશજીનો વાર, આમ તિથિ અને વાર બંને સાથે હોય એવો યોગ વર્ષમાં અમુક જ વાર આવે છે. જોકે અંગારિકા ન હોય તો પણ દર મંગળવારે વહેલી સવારથી સિઘ્ધિવિનાયકના દર્શને ભક્તોની ભીડ જામવાની જ. પરોઢિયે ચાર- સવા ચાર વાગે મંદિરના મુખ્ય દ્વાર ખુલે તે પૂર્વે જ આખી રાત ફૂટપાથ પર લાંબી કતારમાં સેંકડો ભક્તો ઊભા રહી ગયા હોય. એક જમાનામાં મુંબઈના પોલીસ કમિશનર સોમણસાહેબ અને મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ પણ કતારમાં ઊભા રહી દેવદર્શન માટે પ્રતીક્ષા કરતા.
ફિલ્મ કલાકાર જિતેન્દ્રની પત્ની શોભા લગ્ન પૂર્વે એરહોસ્ટેસ હતી ત્યારે સિઘ્ધિવિનાયકના દર્શને અચૂક આવતી. જાણીતા ગાયક પંડિત જસરાજ, દિગ્દર્શક વ્હી. શાંતારામ અને પાર્શ્વગાયિકા બહેનો લતા મંગેશકર તથા આશા ભોંસલેના નામ પણ સિઘ્ધિવિનાયકના કાયમી ભક્તોમાં લેવાતા હતા. કુલી ફિલ્મના શૂટીંગમાં અમિતાભ ગંભીર રીતે જખ્મી થયા પછી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હતો ત્યારે પત્ની જયા ભાદુડી ઉઘાડે પગે સિઘ્ધિવિનાયકના દર્શને આવતી હતી.
કલાકો સુધી ઊભા રહી દર્શન કરવા જેટલો સમય ફાળવી શકતા નથી તેવા અન્ય હજારો શ્રઘ્ધાળુઓ નજીકથી પસાર થતા વાહનમાં બેઠાં બેઠાં જ હૃદયને હાથ અડાડીને મનોમન ગણપતિને નમન કરી લે છે.
અહીં કેવા પ્રકારના લોકો આવે છે અને ભગવાન પાસે માથું ટેકવીને શું માગે છે એ તો પૂછશો જ નહીં. સારો વર, ઘર, કાર, પરીક્ષામાં સારા માકર્સ, નોકરીમાં બઢતી, વેપારમાં બરકત, બીમારીથી છુટકારો, સંતાન સુખ જેવી અગણિત માગણીઓ સાથે લોકો વિનાયકજીના દર્શને આવે છે.
સિઘ્ધિવિનાયકની ભડક કેસરી કલરની મૂર્તિની વિશિષ્ટતા એ છે કે તેમાં ગણપતિ બાપાની સૂંઢ જમણી બાજુએ વળેલી છે. સૂંઢ જમણી બાજુ વળેલી હોય એવા ગણપતિ ભાગ્યે જ જોવા મળે છે. જે સ્થાનકમાં કે ઘરમાં જમણી સૂંઢવાળા ગણપતિનું સ્થાપન હોય તે જગ્યા અતિ મંગલમય ગણાય છે. જોકે આવી મૂર્તિનું પૂજન બરાબર થવું જોઈએ એવી માન્યતા છે. સિઘ્ધિવિનાયકના દર્શને શ્રઘ્ધાળુઓના જે ટોળે ટોળાં ઉમટે છે તે આ જમણી સૂંઢવાળા ગણપતિના પ્રતાપે જ!
સિઘ્ધિવિનાયકની મૂર્તિ અને સમસ્ત ગર્ભગૃહ એટલું સુંદર, દૈદિપ્યમાન લાગે છે કે બસ બેઘડી જોતાં જ રહીએ. ગણપતિબાપા પર ઘ્યાન કેન્દ્રિત કરી થોડી પળો આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરીએ ત્યાં જ સિક્યુરીટીવાળા કે સ્વયંસેવક તમને કહેશે ચલો, દૂર ખસો, હવે બીજાનો વારો છે… સિઘ્ધિવિનાયકના ધરાઈને દર્શન કરવાની મનસા અઘૂરી રહી જાય.
છેલ્લાં પાંચેક વર્ષથી તો હવે આ મંદિરે નવા કલેવર સજ્યાં છે. મંદિરના ગર્ભાગૃહમાં તેમજ પરિસરમાં જગાની થોડી છૂટ થઈ છે. વ્યવસ્થાપકોએ મંદિરને થતી મબલખ આવકમાંથી અહીંની સુવિધા વધારવા લખલૂટ ખર્ચ કર્યો છે. મંદિરના ભંડારામાં ભક્તોએ દાન કરેલા સોનામાંથી સિઘ્ધિવિનાયકની મૂર્તિ ફરતે સુશોભિત ફ્રેમ બનાવવામાં આવી છે. વિનાયકજીના મુગટ પર હીરા જડેલા છે. મૂર્તિના તમામ આભૂષણો પણ સોના ચાંદીના છે.
સિઘ્ધિવિનાયક ભગવાનની સમૃઘ્ધિ અને પ્રસિઘ્ધિ વઘ્યા તેમ તેમના ભક્તોની સંખ્યામાં પણ ઉત્તરો ઉત્તર વધારો થતો જ રહે છે. જેને કારણે મંદિરને વર્ષે કરોડો રૂપિયાની આવક થાય છે. સિઘ્ધિવિનાયક સંસ્થાન રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે એટલે બેન્ક આ જમા થાપણ પર બીજા કરતાં દોઢ ટકો વઘુ વ્યાક ચૂકવે છે. આ રીતે મંદિરની વ્યાજની આવક જ વર્ષે પોણા બે કરોડ રૂપિયા થાય છે!
એવું પણ નથી કે ભારતમાં સિઘ્ધિવિનાયકનું આ એક જ મંદિર છે. ભારતમાં આવા કુલ આઠ મંદિરો છે. આ દેવતાનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. પરંતુ પ્રભાવતી દેવીના મંદિરનું માહાત્મય એક સમયે વઘુ હોવાથી સિઘ્ધિવિનાયક મંદિર વર્ષો સુધી પ્રકાશમાં આવ્યું નહીં. ગેઝેટિયર ઓફ બોમ્બેમાં એવો ઉલ્લેખ છે કે રાજા ભીમદેવે માહિકાપુરી (આજના માહિમ)ની સ્થાપના પછી વરલી ગામમાં પ્રભાવતી માતાનું મંદિર બનાવ્યું અને સમય જતાં આ વિસ્તાર પ્રભાદેવી તરીકે ઓળખાયો.
સિઘ્ધિવિનાયક મંદિરનો ઈતિહાસ ઉખેળવા બેસીએ તો કંઈ કેટલીય દંતકથા, કિવદંતીઓ સાંભળવા મળે. આજે જ્યાં મંદિર અને આસપાસમાં મોટું, સ્વચ્છ, પરિસર છે તે સ્થળે એક સમયે તાડના ઝાડના ઝૂંડ હતાં. મંદિરની બરાબર સામે એક તળાવ હતું. અગરી કોમના પાટીલ પરિવારની માલિકીની આ જગ્યા પાટીલવાડી તરીકે ઓળખાતી. દેવુબાઈ પાટીલ નામની મહિલાએ બસ્સો વરસ પહેલાં આ મંદિર બંધાવ્યું હતું.
કહે છે કે દેવુબાઈએ એવી માનતા રાખેલી કે પુત્રજન્મ થશે તો ગણપતિબાપાનું મંદિર બનાવીશ. પરંતુ સ્વપ્ન સાકાર થાય તે પહેલાં પતિનું અવસાન થયું. આમ છતાં ગણેશજીમાં અપાર શ્રઘ્ધા ધરાવનારી દેવુબાઈ હિંમત હારી નહીં. પ્રભુને ગમ્યું તે ખરું એમ માનીને તેણે ઘરમાં જમણી સૂંઢવાળા ગણપતિની છબી હતી તે મૂર્તિકારને બતાવી એવી જ મૂર્તિ ઘડવા કહ્યું અને ઘર નજીક જ નાનું મંદિર ઊભું કર્યું.
આજે પણ મૂર્તિ તો એની એ જ છે પણ બાકીના આખા મંદિરની સિકલ બદલાઈ ગઈ છે. સિઘ્ધિવિનાયકની અઢી ફૂટ ઊંચી મૂર્તિ કાળા પથ્થરમાંથી કોતરી કાઢેલી છે. માથે સોનાનો મુગટ છે. ગળામાં સર્પની માળા પહેરીને બેઠેલા ગણેશજીની બંને બાજુ રિઘ્ધિ સિઘ્ધિ બિરાજમાન છે. રેશમી અબોટિયા કે પંચિયું પહેરીને પૂજા કરવા આવનાર ચુસ્ત મરાઠી બ્રાહ્મણો ય મોટી સંખ્યામાં જોવા મળે છે.
ગણપતિનો જાસવંતીના ફૂલો ચઢાવવાનો અનેરો મહિમા છે. લાલ- કેસરી રંગના ફૂલોની માળા કે છૂંટા ફુલો, દુર્વા ભરેલી છાબડી વેંચીને પ્રભાદેવીમાં જે સો- દોઢસો ફુલવાળીઓ પેટિયું રળી લે છે એ પણ મનોમન તો ગણરાયાના જ ગુણ ગાવાના! કેટલાંક સુખી સમૃઘ્ધ ભક્તો અહીં ગણપતિદાદાને ચાંદી કે સોનાના તાર (દુર્વા તરીકે) અથવા સોના ચાંદીના નાના મુગટ ચઢાવે છે. સાચા હીરા મંદિરની દાનપેટીમાં ગુપચુપ પધરાવી જનારા શ્રીમંતો ય અહીં આવે છે અને મંગળવારની આખા દિવસની કમાણી ભગવાનના ચરણોમાં ધરાવી જતાં નોકરિયાતો, ટેક્સી ડ્રાઈવરો, બસ કન્ડકટરો પણ અહીં ભક્તિભાવે આવે છે.
સિઘ્ધિવિનાયકના સમસ્ત દેવસ્થાનનો વહીવટ સરકાર હસ્તક છે. પંઢરપુર દેવસ્થાનની જેમ સિઘ્ધિવિનાયક મંદિરના સંચાલન માટે મહારાષ્ટ્ર સરકારે અલગ કાયદો ઘડયો છે. તેમજ મંદિરના ટ્રસ્ટીઓ તથા સંચાલકની નિમણુંક મહારાષ્ટ્ર સરકાર જ કરે છે.
આવા સમૃઘ્ધ મંદિરના સંચાલનમાં સરકારનો હસ્તક્ષેપ શા માટે? એ પ્રશ્ન પાછળ જૂનો ઝઘડો નિમિત બન્યો હતો. ૧૯૩૬માં મંદિર અને આસપાસની સ્થાવર જંગમ મિલકતના પ્રશ્ને પાટીલ પરિવારમાં ફાટફૂટ પડી. ઉત્તર પ્રદેશથી હિજરત કરી આવેલા અનેક ભૈયાઓએ પણ પાટીલવાડીની ઘણી જમીન પચાવી પાડી હતી. તેથી આખો મામલો કોર્ટમાં ગયો. મંદિરનું સાર્વજનિક સ્વરૂપ ઘ્યાનમાં લઈને હાઈકોર્ટે સિઘ્ધિવિનાયક મંદિરનો કારભાર પોતાને હસ્તક લઈ લેવા સરકારને આદેશ આપ્યો.
ત્યારબાદ પાંચ દાયકામાં સિઘ્ધિવિનાયકની ખ્યાતિ ખૂબ વધી ગઈ છે. જમણી સૂંઢવાળા ગણપતિના મહાપ્રતાપની વાતો પણ દૂર દૂર પ્રસરી ગઈ. સિઘ્ધિવિનાયકની મૂર્તિની બરાબર સામે ચાંદીનો મુષક બેસાડેલો છે. ગણપતિના આ વાહનનું દાન અખાત દેશમાં રહેતા એક હિન્દુ વેપારીએ કર્યું હતું.
ઈ.સ. ૧૬૭૭ની આસપાસમાં બંધાયેલા સિઘ્ધિવિનાયકના મૂળ મંદિરના સ્થાને આજે તો પ્રાચીન તેમજ અર્વાચીન શૈલીના મિશ્રણ સમી એક બેનમૂન કલાકૃતિ ખડી છે. ૧૧૨ ફુટની ઊંચાઈ ધરાવતું એક વત્તા ચાર માળનું મંદિરનું મકાન સાવ નોખી જ ભાત પાડે છે. અષ્ટકોણીય ધુમ્મટવાળા આ કલાત્મક મકાનના ભોંયતળિયે ૧૦૪ ચોરસ મીટરનો ખાસ સ્ટ્રોંગરૂમ બાંધવામાં આવ્યો છે. જેમાં મંદિરને થતી આવક અને સોના, ચાંદીની જણસ સાચવી રખાઈ છે.
મંદિરની ઉપરના અન્ય માળે પ્રસાદ બનાવવાનું રસોડું, ગીતા પાઠશાળા, લાયબ્રેરી, ગણેશ વિદ્યાપીઠ, શ્રીગણેશ મ્યુઝિયમ, જ્ઞાનપીઠ સમારોહ હોલ વગેરેની સુવિધા રાખવામાં આવી છે. ગણેશજીના માથા પર કોઈનો પગ ન આવે તે માટે ભોંયતળિયાથી મકાનની ટોચ સુધી આ જગ્યા ખાલી રાખવામાં આવી છે.
આ મંદિરનું માહાત્મ્ય સમજવાની એક નાની પુસ્તિકામાં સિઘ્ધિવિનાયકની માનતા કઈ રીતે રાખવી એ વિશે લખ્યું છે કે તમે અમુક કામ પાર પાડવા ઈચ્છતા હો તો એની જાણ ભગવાનને કરો અને પછી પ્રયત્ન સફળ થાય, કામ પૂરું થઈ જાય એટલે સિઘ્ધદેવીના પતિ એવા વિનાયક પ્રતિ તમારો અહોભાવ પ્રગટ કરો. એટલે અરસપરસનું આદાન-પ્રદાન થઈ ગયું ગણાય. જોકે અનેક લોકો માનતા માને ત્યારે અને કામ સફળ થાય પછી સહસ્ર મોદક (હજાર લાડુ) સિઘ્ધિવિનાયકને અર્પણ કરે છે.
દર્શન કરીને મંદિરની બહાર નીકળ્યા પછી પણ પૂરા ધરાયા ન હોય તેમ અનેક ભક્તો વળી વળીને મંદિર તરફ નજર કરી નમન કરે છે. પ્રવેશદ્વારની આજુબાજુના તોરણનો ફરી સ્પર્શ કર્યા પછી ધન્ય થઈ ગયા હોય એવી લાગણી સાથે વિદાય લે છે. એ જોઈને ઘણાંને હસવું આવતું હશે. એવી ચેષ્ટામાં શ્રઘ્ધાનો અતિરેક વર્તાતો હશે. પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે આવા શ્રઘ્ધાળુઓ, સિઘ્ધિવિનાયકના પરમ ભક્તોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થતો જ રહ્યો છે અને થતો રહેશે.
સત સત નમન સિઘ્ધિવિનાયક દેવને..