મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં “સત્યમંદિર”, દ્વાપરયુગમાં “વેદભુવન”, કલિયુગમાં “મોહેરકપુર” તથા “ધર્મારણ્ય” અને મધ્યયુગમાં “મોઢેરા” તરીકે ઓળખાય છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામથી પ્રસિદ્ધ થયા.
આ મોઢ બ્રાહ્મણો તથા મોઢ વૈશ્યોના પૂર્વજોની આ જન્મભૂમિ છે. અહીં મોઢ બ્રાહ્મણો તથા મોઢ વણિકોની ઉત્પત્તિ થઈ. અહીં જ વેદધર્મની સંસ્કૃતિનું પારણું બંધાયું. અહીં જ મોઢમાત્રના કુળદેવી શ્રી માતંગી માતાજીનું પ્રાગટ્ય થયું. અહીં જ યુધિષ્ઠિર અને શ્રી રામ ભગવાનના પગલા થયા. અહીં જ જગવિખ્યાત સૂર્યમંદિરનું નિર્માણ થયું. અહીં જ પિતામહ બ્રહ્માજી, ધર્મરાજ, સૂર્યપત્ની સંજ્ઞાએ પણ આ ક્ષેત્રમાં બકુલ વૃક્ષ તળે તથા મનુ રાજાએ પણ અહીં તપ કરેલું. અહીં જ ભગવાન શંકર એ અંશ સ્વરૂપે ધર્મેશ્વર નામ ધારણ કરી વાસ કર્યો. જગતના સર્વે દેવો ધર્મક્ષેત્રમાં વાસ કરે છે. ગંધર્વો અને અપ્સરાઓ, લોકપાલો અને દિકપાલો સૌ અહીં સેવાર્થે વસવાટ કરી ગયા છે. જગતના આદિદેવોએ આ ધર્મારણ્યને પુણ્યક્ષેત્ર તરીકે સ્થાપ્યું. મોઢેરામાં શિવકુપ, ધર્મવાંપી, ભૂતનાથ મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, ધારાતીર્થ, નાગતીર્થ, ઈન્દ્રેશ્વર મહાદેવ, ગંગાકુપ તથા સુવર્ણ નદી જેવા પવિત્ર અને દર્શન અને સ્નાન યોગ્ય તીર્થો અહીં આવેલા છે.
આ સ્થળે યમરાજા (ધમૅરાજ) એ એક હજાર વષૅનું પ્રચંડ તપ આદર્યું. એટલે ઇન્દ્રરાજાને પોતાના ઇન્દ્રાસનની બીક લાગી. તેથી ધમૅરાજાનું તપ ભંગ કરવા વર્ધની અપ્સરાને મોકલી. પરંતુ તે સફળ થઇ નહિં. ત્યારે ધમૅરાજાએ ઇન્દ્રરાજાને જણાવ્યું કે, મારે તમારું રાજ નથી જોઇતું. મને ફકત ભગવાન શંકરના દશૅન કરવા છે. તેથી શંકર ભગવાને ધમૅરાજાને દશૅન આપ્યા અને વરદાન માંગવાનું કહયું. ત્યારે ધમૅરાજાએ કહયું કે, ——– “હે ભગવાન, આ તપોભૂમિને મારા નામ સાથે જોડી આપો અને તમે પણ અહીં વાસ કરો. ” તેથી શંકર ભગવાને તે ભૂમિનું નામ ધર્મારણ્ય આપ્યું અને પોતે સ્વયંભૂ ઉત્પન્ન થઇને ધર્મેશ્વર નામ ધારણ કરી ત્યાં વાસ કર્યો.
આ ધર્મારણ્ય વેદસંસ્કૃતિનું કેન્દ્ર બને તે માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ વેદનું ધ્યાન ધરીને વેદ જાણનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. દરેકે છ-છ હજાર બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. તેમના નિવાસ સ્થાન માટે ત્રણે દેવોએ વિશ્વકર્મા પાસે નગરગૃહો, કિલ્લાઓ, તિર્થ વિગેરે નિર્માણ કરાવ્યા. બ્રાહ્મણોના ગૌત્રો તથા ગૌત્રદેવીઓ ઉત્પન્ન કરી. બ્રાહ્મણો વધુને વધુ તપ, યજ્ઞમાં ધ્યાન આપી શકે તે માટે ઘરકામમાં મદદરૂપ થવા બ્રહ્માજીએ કામધેનુ ગાયને સેવાકાર્યમાં કુશળ અને ધાર્મિક વૃત્તિવાળા છત્રીસ હજાર સેવકો ઉત્પન્ન કરવાની આજ્ઞા આપતા કામધેનુએ પોતાના આગલા પગની ખરી વડે પૃથ્વીના પડને ખોદ્યું એટલે છત્રીસ હજાર વણિકો ઉત્પન્ન થયા.
બ્રહ્માજીએ ધર્મારણ્યની રક્ષાની જવાબદારી પોતાની પુત્રી શ્રીમાતાને સોંપી. ધર્મારણ્યમાં કર્ણાટ નામનો દૈત્યનો ખૂબ જ ત્રાસ હતો. તેનાથી પ્રજા હેરાન પરેશાન થઇ ગઇ હતી. બ્રાહ્મણોના હોમ-હવનમાં વિઘ્ન કરવા લાગ્યો. સ્ત્રી-પુરૂષોના જોડાને ત્રાસ આપતો. દંપતીને ઉપાડી જતો અને બાળકોને ખાઈ જતો. આ દૈત્યના ત્રાસથી સૌ બ્રાહ્મણો ભેગા મળી શ્રીમાતા પાસે ગયા. શ્રીમાતાએ બ્રાહ્મણોની કથની સાંભળી ખૂબ જ ક્રોધીત થયા. તેમના ક્રોધને કારણે તેમના મુખમાંથી અગ્નિ જવાળાઓ પ્રગટી અને તેમાંથી માતંગી (મોઢેશ્વરી) નામની શક્તિ પ્રગટ થઇ. માતંગીને ૧૮ હાથ હતા. શ્રી માતંગી માતાજીએ કર્ણાટ દૈત્યનો વધ કર્યો. ( અન્ય કથા પ્રમાણે માતંગી માતાની બહેન શ્યામલાને હાથે કર્ણાટનો વધ થાય છે.)
ત્રેતાયુગમાં વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામ, સીતાજી તથા બંધુઓ સાથે રાવણનો નાશ કરી બ્રહ્મરાક્ષસ માર્યા બદલનું પ્રાયશ્ચિત કરવા માટે ધર્મારણ્ય તીર્થમાં પધાર્યા. તેઓ ધર્મારણ્યમાં દાખલ થયા તે વખતે તેમના વિમાનો મંદ પડી ગયા. વાજિંત્રો ધીમા પડયા અને હાથી, ઘોડા વિગેરે અટકી પડયા. આ જોઈ રામચંદ્રને આશ્ચર્ય થયું. તેમણે વસિષ્ઠ ગુરુને આનું કારણ પુછયું. ત્યારે વસિષ્ઠ ગુરુએ કહ્યું કે, આ પવિત્ર તીર્થરાજ ધર્મારણ્યનો પ્રભાવ છે. આ તીર્થમાં આપણે બધાએ પગે ચાલીને જ જવું જોઈએ અને આ તીર્થના પ્રભાવને માન્ય રાખવો જોઈએ. ભગવાન રામચંદ્ર સંમત થયા અને બધા પગે ચાલતા આગળ વધ્યા. શ્રી માતંગી માતાજીના દર્શન કરી સુવર્ણા (પુષ્પાવતી) નદીને કિનારે પોતાનો મુકામ રાખ્યો. તેમણે પોતાના હાથે ત્યાં રામેશ્વર અને કામેશ્વર મહાદેવની સ્થાપ્ના કરી. શ્રી રામએ જોયું કે ધર્મારણ્યની જાહોજલાલી ઝાંખી પડી છે. તપસ્વી બ્રાહ્મણો તીર્થ છોડીને દૂર ચાલ્યા ગયા હતા અને વેદધ્વનિ ગાજતો મંદ પડયો હતો.
એક દિવસ તેમણે કરુણ સ્વરે રુદન કરતી સ્ત્રીનો અવાજ સાંભળ્યો. તેમણે દૂતોને તપાસ કરવા માટે મોકલ્યા, પણ તે સ્ત્રીએ પોતાનું દુઃખ રામચંદ્ર સિવાય બીજા કોઈને કહેવાની ના પાડી એટલે શ્રીરામચંદ્ર પોતે તેની પાસે ગયા. તે સ્ત્રીને આશ્વાસન આપી પુછતા તે સ્ત્રીએ કહ્યુ, હું આ ધર્મારણ્યક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી ભટ્ટારિકા છું. આપ અહીં પધાર્યા તે સારું કર્યું. તમારા અહીં પગલા થયા છતા મારું આ નગર છિન્નભિન્ન અને સૂનું રહેશે તો તેનો દોષ આપને લાગશે. હે પ્રભુ, બાર વર્ષથી આ પવિત્રક્ષેત્ર બ્રાહ્મણો વગર સૂનું પડયું છે. મારી જે વાવમાં લોકો સ્નાન, દાન અને જપ કરતા હતા ત્યાં આજે ડુક્કરો પડી રહે છે. માટે હે મહારાજ, આપ આ નગરને ફરી વસાવો અને તેનો પુનરુદ્ધાર કરો.
ધર્મારણ્યની અધિષ્ઠાત્રી દેવી ભટ્ટારિકાની આ વિનંતી શ્રી રામચંદ્રજીએ સ્વીકારી અને તેમણે ધર્મારણ્યનો પુનરુદ્ધાર કરવા સંકલ્પ કર્યો. તેમણે વેરવિખેર થયેલા બ્રાહ્મણોને પાછા બોલાવ્યા અને નિવાસ સ્થાનો તથા મંદિરો વિગેરેનો જીર્ણોદ્ધાર કર્યો. પછી રામચંદ્રજીએ બ્રાહ્મણોને દાન આપવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે બ્રાહ્મણો બોલ્યા, મહારાજ, અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની આજ્ઞા વગર કોઈનું દાન લીધું નથી. અમે સંતોષધનના ઉપાસક છીએ. અમારે પરિગ્રહ કરવાનું પ્રયોજન નથી. એટલે શ્રીરામચંદ્રજી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નું ધ્યાન ધરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્યાં પ્રગટ થઈ બ્રાહ્મણોને દાન લેવાની અનુજ્ઞા આપે છે. રામચંદ્રજીએ તે વખતે બ્રાહ્મણોને પપ ગામો (સ્કંદપુરાણ પ્રમાણે ૪૦૪ ગામો) દાનમાં આપ્યા. પછી હનુમાનજી વેરવિખેર થયેલ વૈશ્યોને તેડી લાવ્યા. ખેતરાદિ ખેડવાની ઉપજીવિકાઓ તેમને મળે એવો બંદોબસ્ત થયો. માંડલ ગામના સવા લાખ વણિકો પણ રામચંદ્રજીની આજ્ઞાથી મોઢેરા આવી વસ્યા.
રામચંદ્રજીએ અનેક મંદિરો બંધાવ્યા. ધર્મારણ્યનગરની આસપાસ સુશોભિત કોટ બંધાવ્યો. તીર્થની અધિષ્ઠાત્રી માતંગી (ભટ્ટારિકા) દેવીની પણ પુનઃસ્થાપ્ના કરી. બ્રાહ્મણોને આપેલા દાનનું તામ્રપત્ર બનાવી ભગવાને તેમને અર્પણ કર્યું અને વાયુપુત્ર હનુમાનજીને ભવિષ્યમાં બ્રાહ્મણોને કનડગત ન થાય તે માટે તેમને રક્ષાની સોંપણી કરી. બકુલના વૃક્ષ તળે જયા પૂર્વે સૂર્યપત્ની છાયાએ તપ કર્યું હતું ત્યાં શ્રી રામચંદ્રજીએ બકુલાર્ક સૂર્યના ભવ્ય મંદિરની સ્થાપ્ના કરી. એ રીતે પોતાના કુલસ્વામી સૂર્યદેવતાની ધર્મારણ્યમાં તેમની પધરામણી થઈ. ત્યારબાદ ફરી શ્રીરામજી ધર્મારણ્યમાં સીતાજી સાથે પધારેલા અને ત્યાં યજ્ઞ કરી તેમણે સીતાપુર ગામ વસાવી બ્રાહ્મણોને દાનમાં આપેલું.
કલિયુગમાં રાજા તથા પ્રજાની મતિ પલટાઈ ગઈ. ફરી મોઢેરા-મોહેરકપુરના નિવાસીઓ-બ્રાહ્મણો વિગેરે ઉપર આપત્તિ આવી. કાન્યકુબ્જ કનોજના આમરાજનો રાજઅમલ આ પ્રદેશ ઉપર શરૂ થયો. તે રાજા એ વૈષ્ણવ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. બૌદ્ધ ક્ષપણકના ઉપદેશથી તેની પ્રજા પણ એ ધર્મ પાળવા લાગી. આમરાજાએ પોતાની કુંવરી રત્નગંગાને વલ્લભી રાજા સાથે પરણાવી હતી. તેને આમરાજાએ આ ધર્મારણ્ય પ્રદેશ દાયજામાં અર્પણ કરી દીધો. આ રત્નગંગા જૈન ધર્મ પાળતી હતી. તેણે બ્રાહ્મણોના અધિકાર છીનવી લીધા. બ્રાહ્મણોએ રામચંદ્રજીના તામ્રપત્ર પર થયેલા દાનપત્ર પણ બતાવ્યા. પણ તેમની ફરિયાદ કોઈએ સાંભળી નહિં. બ્રાહ્મણો કાન્યકુબ્જના રાજાને રૂબરૂ ફરિયાદ કરવા ગયા. પણ રાજાએ જવાબ આપ્યો કે, હે બ્રાહ્મણો, હું તમારા દાનપત્રને માનતો નથી. હનુમાનજી તમારા રક્ષક હોય અને તે તમારી ભૂમિ પાછી અપાવે તો લેજો.
તેથી બ્રાહ્મણો અપમાનિત બની પાછા ધર્મારણ્યમાં આવ્યા. તેમના પંચોએ એકઠા મળી નિર્ણય કર્યો કે આપણી આજીવિકાના રક્ષણ માટે હનુમાનજીની સહાય મેળવવા કેટલાકને સેતુબંધ રામેશ્વર હનુમાનજી પાસે મોકલવા. આમાં કેટલાક પહેલા દલીલ કરી કે કલિયુગમાં હનુમાનજીના દર્શન થશે નહિં માટે રામેશ્વર જઈને શું કરીશું ? આવી ચતુરાઈ ભરી દલીલ કરનારા પંદર હજાર બ્રાહ્મણો તેમની ચતુરાઈ ભરી વાચાળતાને કારણો બીજા બ્રાહ્મણો દ્વારા ચતુરવિદ-ચાતુર્વિધ તરીકે જુદા ઓળખાયા. છેવટે તો તે પંદર હજારે પણ રામેશ્વર જવા માટે પોતાના પ્રતિનિધિ મોકલ્યા. પંદર હજાર ચાતુર્વિધના વીસ અને ત્રણ હજાર ત્રૈવેદ્યોના અગિયાર પ્રતિનિધિ મળી. કુલ એકત્રીસ બ્રાહ્મણો હનુમાનજીને ફરિયાદ કરવા માટે રામેશ્વર તરફ રવાના થયા. માર્ગમાં તેમને ખૂબ ત્રાસ વેઠવો પડયો. ટાઢ, તડકો, વરસાદ સહેવા પડયા. ઉપરાંત ખાનપાન અને ઉતારાની પણ પૂરી સગવડ મળતી ન હતી. વખતો વખત ભૂખ્યા પણ રહેવું પડતું. આથી ચાતુર્વિધોના વીસ પ્રતિનિધિ કંટાળી ગયા અને તે અર્ધા રસ્તેથી પાછા વળ્યા. પણ પેલા ર્દઢ મનવાળા અગિયાર ત્રૈવેધો તો અનેક સંકટો વેઠતા આગળ વધ્યા અને રામેશ્ર્વર પહોંચ્યા.
ત્યાં પહોંચી બ્રાહ્મણોએ હનુમાનજીની આરાધના કરવા બેઠા. ભૂખ્યા અને તરસ્યા તે તપસ્વીઓની દયા આવતા. હનુમાનજીએ તેમને બ્રાહ્મણ સ્વરૂપે દર્શન આપ્યા. તેમણે પ્રસન્ન થઈ બ્રાહ્મણોની હકીકત સાંભળી અને આમરાજની સાન ઠેકાણે લાવવા માટે પોતે ઉપાય કરશે એમ કહી તેમને દિવ્ય ફળો ખવડાવ્યા એટલે તે બ્રાહ્મણો તાજા અને ઉત્સાહી બની ગયા. પ્રસન્ન થયેલા વાયુપુત્ર હનુમાનજીએ તેમને કપડાનો અંતરપટ રાખી દર્શન પણ આપ્યા. પછી હનુમાનજીએ તેમને પોતાની ડાબી અને જમણી બગલના વાળની ગોળી વાળી બે પડીકી બનાવી બ્રાહ્મણોને આપી. તેમણે બ્રાહ્મણોને કહ્યું કે, આમાની પહેલી પડીકી આમરાજને આપજો. એ પડીકીને સ્પર્શતા જ એનું સૈન્ય અને નિવાસ બળવા લાગશે. તમે તે વખતે દૂર જતા રહેજો. પછી રાજા કરગરતો તમારી પાસે આવે અને તમારું ધર્મારણ્ય તમને પાછું આપવા વચન આપે. ત્યારે જમણા બગલના વાળવાળી બીજી પડીકી રાજાને આપજો. તે ચારે તરફ ફેંકવાથી આગ શાંત થશે.
બ્રાહ્મણો આ પડીકી લઈ પાછા ધર્મારણ્ય આવ્યા. ત્યાંથી તે કન્યાકુબ્જ ગયા. આમરાજાને પહેલી પડીકી આપી. પડીકીમાં વાળ જોઈ તેણે ગુસ્સે થઈ તે ફેંકી દીધી તે જ વખતે ભયંકર આગ શરૂ થઈ. રાજાની સેના અને મહેલ બળવા લાગ્યા. રાજા ભયભીત થઈ ગયો અને બ્રાહ્મણોના શરણે ગયો અને ધર્મારણ્યનો અધિકાર તેમણે સોંપવાનું વચન આપ્યું. પછી બ્રાહ્મણોએ બીજી પડીકી રાજાને આપતા આગ શાંત થઈ. આ રીતે બ્રાહ્મણો એ વિજય મેળવ્યો અને રાજાએ તેમને નવું તામ્રપત્ર કરી આપ્યું. ધર્મારણ્યમાં ફરી સનાતન ધર્મ પ્રચલિત થયો.
સંવત ૧૩૫૬ માં ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરણદેવ વાઘેલા નો દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાનના હાથે પરાજય થયો. ગુજરાત ઉપર મુસ્લિમ રાજ્યસત્તાનો દોર શરૂ થયો. મુસ્લિમ સેનાએ ગુજરાતના મંદિરો તોડયા અને મોઢેરા જે બ્રાહ્મણોનો અજિત ગઢ ગણાતું હતું તે જીતી લેવા ચઢાઈ કરી. આ સમયે મોઢ વિપ્રો કેવળ વેદપાઠી ન હતા. તે સુભટ અને લડવૈયા પણ હતા. જયેષ્ઠીમલ બ્રાહ્મણો તો વજમુષ્ટિ પહેલવાનો તરીકે ગુર્જરેશ્વરની સેનામાં મોખરે રહેતા હતા.
બ્રાહ્મણો, વૈશ્યો વિગેરે બધા શુરવીર હતા. તેમણે મોઢેરાના કિલ્લાના દરવાજા બંધ કરી મુસ્લિમ સેનાના આક્રમણનો બહાદુરીથી સામનો કર્યો. માંડવ્ય ગૌત્રના પરાક્રમી બ્રાહ્મણ સુભટ વિઠ્ઠલેશ્વરે મોઢ સેનાને સંગઠિત કરી છ મહિના સુધી શત્રુને હંફાવ્યા. ગુજરાત જીતનાર વિજયી મુસ્લિમ સેનાના દાંત મોઢ સમાજે ખાટા કરી નાખ્યા. મુસ્લિમો છેવટે સુલેહ કરવા તૈયાર થયા. હોળીના દિવસે સુલેહ થઈ કે બ્રાહ્મણો જો ૫,૦૦૦ સોના મહોરો આપે તો મુસ્લિમ સૈન્યો પાછા જશે. તે પ્રમાણે ચુકવણી થઈ અને મોઢેરાના દરવાજા ખુલ્યા. પરંતુ મુસ્લીમોએ દગો કર્યો અને તેમના ઉપર આક્રમણ કર્યું. જેથી મોઢેરા મંદિર લુંટાયું. સૂર્ય મંદિર પણ તોડવામાં આવ્યું. મુસ્લિમો માતાજીની મૂર્તિને ખંડિત ન કરે તે માટે બ્રાહ્મણોએ માતાજીની મૂર્તિને ધમૅવાવમાં પધરાવી દીધી. એવું કહે છે. અને મોઢ સમાજ અલગ અલગ દિશામાં નીકળી ગયા.
ગુજરાતમાં સૌકાઓ પછી વડોદરાના ગાયકવાડોની સત્તા ફેલાઈ અને ધાર્મિક સ્થળોની વધુ અવગતિ થતી અટકી. પણ મોઢ બ્રાહ્મણો અને વૈશ્યો મોઢેરા છોડીને અન્ય સ્થળે ચાલ્યા ગયા હતા. જેથી મોઢેરા ફરી આબાદ ન બન્યું. ત્યાર બાદ વડોદરા રાજ્યની ગાદીએ પુણ્યશ્ર્લોક સયાજીરાવ મહારાજ આવ્યા અને તેમણે રેલ્વે લાઈનો દ્વારા મુસાફરી પણ સરળ બનાવી. જેથી માતંગી માતાજી વાવમાં છે એવી ભાવનાથી કોઈક કોઈક મોઢ બ્રાહ્મણો તથા મોઢ વૈશ્યો મોઢેરા આવી ધર્મવાવમાં દર્શન કરી સંતોષ અનુભવતા. પણ ત્યાં મોઢેશ્વરી માતાજીનું મંદિર જેવું હતું નહિં. એટલે ધર્મવાવ દુરસ્ત કરી અને માતાજીનું સ્થાનક વિગેરેનું નિર્માણ કરવાના વિચારો મોઢ જનતાને આવ્યા.
મૂળ વિરમગામના પણ પાટણ રહેતા વકીલ શ્રી નથુભાઈ ગિરધરલાલે આ કાર્ય માટે ભેખ લીધો. તેમણે વકીલાત છોડી અને શ્રી માતંગી સંસ્થાનો જીણોદ્ધાર ન થાય ત્યાં સુધી માથે પાઘડી બાંધવી નહિં અને પગમાં મોજડી પહેરવી નહિં એવી પ્રતિજ્ઞા લીધી. જીણોદ્ધાર કમિટી સ્થાપી. ગામે ગામ ફરી પ્રચાર સાથે ફાળો એકત્ર કર્યો. વડોદરા રાજ્યની પરવાનગી મેળવી જીણોદ્ધાર નિધિ માટે લોટરી કાઢી. તેમના અથાક પરિશ્રમથી સવંત ૧૯૬૨ માં પ્રારંભ થયો અને સવંત ૧૯૬૬ માં મહા સુદ ૧૩ ના દિવસે હાલના માતાજીનો મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. જામનગરના શાસ્ત્રીજી હાથીભાઈ હરિશંકર અને અમદાવાદના શાસ્ત્રીજી રામકૃષ્ણ હર્ષજી ને હાથે વેદોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. ધર્મશાળા, કોટ અને સિંહદ્વાર નિર્માણ થયાં. સ્વ.શ્રી નથુભાઈ વકીલ વિગેરેને શ્રી પુરુષોત્તમદાસ ઠાકુરદાસ નો પણ સારો સહકાર મળ્યો હતો. પણ તેઓના મરણ પછી કોઈ સમર્થ વહીવટદાર રહ્યા નહિં અને વહીવટ એટલો કથળ્યો કે માતાજી અપૂજ રહેવા લાગ્યા. એટલે સ્વ.ભોગીલાલ સરૈયાએ છેવટે અમદાવાદના ઉદ્યોગપતિ શેઠ શ્રી રમણલાલ લલ્લુભાઈને આ સંસ્થાનો વહીવટ સોંપવા વિનંતી કરી એટલે તેમણે નવી કમિટી બનાવી મંદિરનો વહીવટ સંભાળ્યો. તેમણે તેમના ભાઈ સ્વ.શ્રી રતનલાલ લલ્લુભાઈ ના સાથ સહકારથી અને દાનો મેળવી ધર્મશાળાના નવા રૂમો બંધાવ્યા, મંદિરોનો જીણોદ્ધાર કરાવ્યો.
ત્યાર બાદ શ્રી ચંદ્રકાંતભાઈ જગાભાઈ વાળા અને ત્યાર બાદ શ્રી દયાશંકર વિશ્વનાથ ત્રિવેદીના પ્રમુખપદે મંદિરના વિકાસના કામો કરવામાં આવ્યા. શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરે યાત્રીઓને રહેવા માટે વિશ્રાંતિગૃહો, રૂમો, જાજરૂ, બાથરૂમો, ફર્નિચર સાથેના રૂમો તેમજ સભાગૃહ તથા જમવા માટે ભોજનાલય તેમજ લાઈટ તથા પાણી માટે બોર, વારિગૃહ, ટાંકીઓ વિગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી. તેમજ ગૌશાળા પણ બાંધવામાં આવી.
આવો છે મોઢેરાનો ઈતિહાસ !!!
જે જાણવો ખુબજ જરૂરી છે !!!!
——– જનમેજય અધ્વર્યુ.