શ્રી લીરબાઈ માતાજીની સંપૂર્ણ જીવન કથા

ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ જાણીતું છે મેર જ્ઞાતિના સુરવીરો અને તેજસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું નામ લાખીબાઈ હતું. આમ તો તે સમયે પરબધામની(તા.ભેસાણ) જગ્યાને ચેતાવનાર સંતશ્રી દેવીદાસે મોઢવાડાનાં મેર જ્ઞાતિના જીવણાને કંઠી બાંધી અને તેમાંથી સંત જીવણદાસ થયા. પોતાના ગુરૂની આજ્ઞા મળતા જીવણદાસે બરડા પંથકને ચેતાવ્યું. આયરાણી સોનબાઈ જીવણદાસની વાણી ઉપર વારી ગયા અને તેમની સાથે ઘરસંસાર માંડયો. જેથી ધર્મપારાયણ એવા સોનબાઈને પણ સંતશ્રી દેવીદાસે કંઠી બંધીને પોતાના શિષ્ય બનાવ્યા હતા. જેથી જીવણદાસ-સોનબાઈની જોડીએ બરડા પંથકમાં ભક્તિનો પ્રકાશ રેલાવ્યો હતો. આવા સંત-સમાગમથી અને તે દંપતિના સંપર્કથી લીરબાઈના જીવનમાં પરિવર્તન આવ્યું. લીરબાઈનાં માતા-પિતા પોતાની પુત્રીને પવિત્ર અવતાર માનતા. લીરબાઈ યુવાન અવસ્થાએ પણ ભક્તિમાં રંગાઈને ગાતા કે,

“મારી આંખ્યુના તેજ ઉઘડિયા,
મુંને દેખતી કીધી દેવીદાસ,
સામૈયા કરૂં સંતના”.

લીરબાઈતો ઘરમાં માતાને મદદ કરતા અને ધીરે ધીરે તેઓની ઉંમર પણ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ હતી. જેથી કોઈ પણ માતા-પિતાની ઈચ્છા હોય કે ઉંમર થતા દિકરીના લગ્ન કોઈ સારો યુવક મળતા કરી નાખવા. તેવીજ રીતે લુણો અને લાખીબાઈએ પોતાની દિકરી લીરબાઈના લગ્ન મોઢવાડા ગામની બાજુમાં જ આવેલા કેશવ ગામનાં વજસી મેર સાથે કરી નાખ્યા. શરૂઆતનાં થોડા જ દિવસોમાં લીરબાઈને પોતાના પતિ અને સાસરિયા સાથે અણબનાવ થવા લાગ્યા, કારણકે પોતાના પિયર કરતા સાસરિયું સાવ નોખી ભાતન લાગતુ હતું. એટલે લીરબાઈને ત્યાં ઓછું ફાવતુ હતું. પતિ વજસીને તે અવાર નવાર સમજાવતા કે,
“મેર, રેવા દયો. મનખા અવતાર ઘળીયે ઘળયે નેત જળતો. સુકૃત કરી લ્યો.” લીરબાઈની આવી વાત સાંભળીને સામે વજસી જવાબ આપતો કે, “ભગતડી, તારી ભરમજ્ઞાન મુકેન સાનીમની બેહે જા. મારા ઘરમાં રેવુ હોઇ તો હુ કા ઇંજ થાવુ જોઇયે.” આવી વડછડ લીરબાઈને વજસી સાથે થયા જ કરતી. એકવાર સંઘર્ષે ઉગ્ર સ્વરૂપ લીધુ. આથી કંટાળીને લીરબાઈ પણ ગળે આવી ગયા હતા. છેવટે લીરબાઈ પતિગૃહ છોડી મોઢવાડા આવી ગયા. વજસી પણ આવુ થયુ છતા કાંઈ ન બોલ્યા.

લીરબાઈતો પોતાના પતિ અને સાસરિયા સાથે મનદુઃખ થતા પોતાના પિયરમાં આવીને રહેતા અને ઘરના તમામ કામ કરતા હતા. પોતાનામાં નાનપણથી ભક્તિનાં સંસ્કાર તો હતા જ, જેથી સમય મળે એટલે જીવણદાસ અને સોનબાઈની મઢીએ આવીને નાના મોટા કામ કરતા અને સંતબેલડીની સેવામાં સમય પસાર કરતા હતા. સમય થતા થતા એક દિવસ લીરબાઈએ પોતાને દીક્ષા આપવા જીવણદાસને વિનંતી કરી. એ જ ટાણે જીવણદાસ અને સોનલબાઈએ લીરબાઈને કંઠી બાંધીને દીક્ષા આપી. આથી સંતજીવનમાં લીરબાઈનો વિધિવત પ્રવેશ થયો.

મોઢવાડામાં લીરબાઈએ ભગતની દીક્ષા ગ્રહણ કરી છે એ સમાચાર કેશવ ગામમાં પોતાના પતિ વજસીને મળ્યા. થોડા દિવસોમાં જ વજસી ઘોડે ચડીને મોઢવાડા આવે છે. વજસીએ આવતાની સાથે જ લીરબાઈને પોતાના ગુરૂની મઢીના પાણી ભરતા જોયા. જેથી તે કાળજાળ થઈ ઊઠયો. જેથી વજસીએ નક્કી કર્યુ કે આજે તો મઢીના બાવા-બાવીને અને મેરાણીને મારી-મારીને લોથ કરી નાખવા. લીરબાઈ પાણી ભરી સોનબાઈને પગે લાગ્યા ત્યારે જ સોનબાઈએ લીરબાઈને પુછ્યુ કે, ” દીકરી લીરબાઇ, વજસી જાર ને તાર તારા માવતરને કનેડે છે અને તુણી કેશવ જાવાનુ મન નેત થાતુ ? ” આ સાંભળીને લીરબાઈએ કહ્યુ કે, ” માતાજી, મારા સંસાર નો હાસો ધણી વજસીજ છે, બીજા કોઈને હું મેરાણી ઊઠેન નો ધારા. પણ ઈ ઠેકાણે આવા પેલા કીવી રીતી કેશવ જા.” તે જ સમયે મઢીની પાછળ ઘોડા ઉપર બેઠેલા વજસીએ આ વાર્તાલાપ કાનોકાન સાંભળ્યો. જેથી તેનો અંતરનો મેલ ઓગળી ગયો અને તરત જ ઘોડેથી નીચે ઉતરી મઢીમાં દાખલ થયો.

તે સમયે વજસીને દેખીને મઢીમાં બેઠેલા લોકોના મનમાં ફફડાટ ઉપડયો કે હમણાં જ આ લીરબાઈ પર તુટી પડશે ! પણ સૌના આશ્ચર્ય વચ્ચે જેમ લાકડી પડે તેમ વજસી જીવણદાસ અને સોનબાઈના પગમાં પડી ગયો. લીરબાઈને કહે, “મેરાણી ! મણી માફ કરજે. આજ હુધી મી તુણી ઓરખી ની” તે સમયે વજસીની બન્ને આંખમાંથી પશ્ચાતાપ વહી રહ્યો હતો. જીવણદાસ અને સોનબાઈએ વજસી-લીરબાઈને સુખી માંગલ્યના આશિર્વાદ આપ્યા. લીરબાઈ પોતાના ગુરૂ અને માતા-પિતાને પગે લાગીને પતિગૃહે વજસી સાથે કેશવ આવ્યા.

વજસીએ પોતાના જીવનમાં કંકાસને ખતમ કરીને લીરબાઈ સાથે કેશવ આવ્યા. હવે તો વજસીએ પણ તુલસીની માળા પહેરી લીધી હતી અને લીરબાઈ સાથે ભેગા મળીને સદાવ્રત બાંધ્યું અને માથાભારે મેર વજસીમાંથી વજસીભગતનો જન્મ થયો. પ્રભુભજનમાં સમય પસાર કરતા કરતા લીરબાઈની કુખે ત્રણ સંતાનો થયા હતા. જેમાં પુંજો અને પાતો એમ બે દીકરા તથા પુતીબાઈ નામે દીકરી. લીરબાઈએ સત્સંગ સાથે સમાજ સુધારણાનું કામ પણ ઉપાડ્યુ હતું. પાલખડા ગામના બ્રાહ્મણોને કેશવ ગામનો અપૈયો હતો. તેના માટે લીરબાઈએ પાલખડા ગામને ધુમાડાબંધ જમાડી અપૈયો ભગાવ્યો હતો. કેશવ ગામનાં લોકોને એક પંગતે બેસાડી નાત-જાતનાં ભેદને દુર કર્યા. બગવદર, સોઢાણા અને અડવાણા જેવા ફરતાય ગામોમાં અને બરડા પંથકમાં લીરબાઈની ખ્યાતી ખુબજ બંધાઈ ગઈ હતી. તેમનો રોટલો (સદાવ્રત) ઠેઠ દ્વારકા સુધી વખણાયો હતો. વજસીભગત અને લીરબાઈએ દ્વારકા, જુનાગઢ, પ્રભાત, માધવપુર, માંગરોળ અને પરબધામ-તા.ભેસાણ જેવા સ્થળોએ જાત્રા પણ જુવારી હતી. આમ સદાવ્રતની સાથે સાથે લીરબાઈએ પોતાની સીધી સાદી વાણીમાં સમાજદર્શન અને જીવનનો અનુભવ ભજનવાણીમાં બતાવ્યો છે.

લીરબાઈ પોતાના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે ઘણાબધા આગળ હતા. તેમણે ઘર્મનું સારી રીતે પાલન થાય તે માટે પોતાના ભકતગણ માટે કેટલીક આચારસંહિતા ઘડી હતી. જેમાં નાતજાતનાં ભેદભાવ ભુલી જઈને માનવસેવા કરવી. નાના મોટા સૌને સરખું માન આપવું. ગૃહસ્થાશ્રમ છોડવો નહી, પણ દીપાવવો અને રોજ પ્રભુભજન સાથે ગરીબ, માંદા તથા પશુપંખીની સેવા કરવી. લીરબાઈના અનુયાયીઓ ગળામાં સફેદ ઝીણા મોતીની માળા પહેરે છે. જે ખાસ કરીને મેર ભાઈઓમાં આ પ્રણાલિ પ્રચલિત છે. લીરબાઈ ઉપર મુજબનાં તમામ નિયમોનું પાલન ખુદ પોતે કરતા હતા. આમ લીરબાઈએ પોતાનું જીવન સદાવ્રત, સમાજસુધારણા, પ્રભુભક્તિ અને ભજનો રચીને એક આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

સમય થતા લીરબાઈએ પોતાના ભકતગણને બોલાવીને રાણાવાવ તાલુકાનાં રાણાકંડોરણા ગામે મહાસુદ બીજ ના વિ. સ. ૧૯૩૨ માં જીવતા સમાધિ લીધી હતી. તે ગામમાં પ્રવેશતા જ તેમનું સમાધીમંદીર આવેલુ છે. અષાઢ સુદ બીજે તે સ્થાનકમાં મેળો ભરાય છે. તે દિવસે લીરબાઈનાં અનુયાયીઓ તેમની સમાધીનું પુજન કરે છે. લીરબાઈએ પોતે સ્થાપેલા સ્થાનકો કેશવ,મોઢવાડા, ગોસા, રાણાકંડોરણા, કોઠડી અને સીસલી ગામે છે. મોઢવાડા અને કેશવ ગામમાં લીરબાઈની પુરા કદની પ્રતિમા સ્થાપવામાં આવી છે. મોઢવાડાનાં આશ્રમમાં સોનબાઈની પ્રતિમા પણ આવેલી છે. રાણાકંડોરણાના સ્થાનકની જગ્યા રાણા ભોજરાજજીએ લીરબાઈને ભેટ આપી હતી તેવુ ઇતિહાસકારો નોંધે છે.

લીરબાઈનાં પુંજો અને પાતો એમ દીકરા હતા જેમાં પુંજાનાં વંશજો કેશવ અને રાણાકંડોરણામાં અને પાતાનાં વંશજો કેશવ ગામમાં નિવાસ કરે છે. લીરબાઈ ઉપરાંત તેમના પતિ વજસીભગત અને પુત્ર પુંજાભગતે સમયાંતરે સમાધી લીધી હતી. વજસીભગત અને લીરબાઈનો પરિવાર કેશવ ગામનાં કેશવાલા મેર કહેવાય છે. લીરબાઈની ભજનવાણી એકદમ સરળ અને સમજાય જાય તેવી છે.

લીરબાઈ માતાજીએ તેમના જીવન ક્રમ દરમ્યાન રામદેવ પીરના અઢાર મંડપો કરેલા છે. લીરબાઈ માતાજીના હાથે છેલ્લા બે મંડપ નવીબંદર તથા બગવદર ગામે થયેલા જે ઈતિહાસ પ્રસિદ્ધ છે.

મહા તેજસ્વિની શ્રી લીરબાઈ માતાજીના પરચાઓ ઘણા છે. જે અત્રે આપવામાં આવેલ છે. જે તમામ પરચાઓ સત્યની વેદી પર લીરબાઈ માતાજીએ આપેલ છે.

પહેલો પરચો :-
કેશવ ગામમાં કચોરીયા તળાવે આપેલો તળાવ બંધાતું હતું. તેમા મુશળધાર વરસાદ પડતાં તળાવની પાળ તુટી ગઈ. આ પાળને સાંધવા માટે માતાજીએ લોકસમુહ ભેરો કરેલો. ત્યા તેઓને જમાડવા માટે એક ત્રાબાંની નાની દેગમાં માએ ખીર બનાવી સૌને જમાડેલા. છતાં પણ ખુટેલ નહી આ દેગ અત્યારે કેશવ ગામના લીરબાઈ મંદિરમાં હયાત છે.

બીજો પરચો :-
માતાજીએ સોઢાણા ગામનાં તેમનાં ભકત વેરા ભગતને આપેલો. વેરા ભગત ઉપર કોઈ વિઘ્ન સંતોષીઓએ ખોટો આરોપ નાખતા તેને પોરબંદર પોલીસ થાણાએ બોલાવેલો અને વેરા ભગતના હાથમાં પીપળાના કુમળા પાન મુકી તેના ઉપર ધગધગતા અંગારા મુકેલા છતાં પણ વેરાભગતને કાંઈ ઈજા થયેલ નહી. આ લીરબાઈ માતાજીનો પ્રસાદ હતો.

ત્રીજો પરચો :-
પોરબંદરના મહારાજા વિકમાતજીને દમનું દર્દ મટાડવા માતાજીએ ઘીની એક તાંસરી પીવડાવી દદૅ મટાડી દીધું તથા પોરબંદર નરેશ ત્યારથી માતાજીના ભક્ત બની ગયેલા.

ચોથો પરચો :-
વેરાવળ શહેરના મુળજી શેઠ ભાટીયાને આપેલો તેઓનું વહાણ મધદરિયે તોફાની સમુદ્રમાં ફસાયેલું. અને એક જબરદસ્ત મગરમચ્છે વહાણમાં પુછડાની જાપટ મારી ગાબડું પાડી દીધેલું. અને તેમાં પાણી ભરાવા લાગેલું. ત્યારે મુળજી શેઠે તથા તેમના ખલાસીઓએ કંડોરણા ગામના લીરબાઈ માતાજીને યાદ કરીને પ્રાર્થના કરેલી કે હે માતાજી અમારા વહાણને આ તોફાનમાંથી બચાવેતો દશ ગુણી સારા ચોખા હું આપની જગ્યામાં અપૅણ કરીશ. ત્યારબાદ શેઠના મનનો વિચાર ફરતા જાડા ચોખાની દશ ગુણ મોકલેલ ત્યારે માતાજીએ કહેલ કે તમારા શેઠને કેજો જાડા ચોખા પાછા લઈ જાય તથા વહાણમાંથી મારો લીલો અછરો તથા ધોળી ધાબળી વહાણમાં જયા ગાબડું પડેલ છે ત્યાં મે આડી દીધેલ છે. તે દઈ જાય. ત્યારે શેઠે માતાજીને પગે લાગી ક્ષમા માંગેલી તથા દશ ગુણી જીણા ચોખા લઈને પોતે આવેલા તથા માતાજીએ ભાટીયા શેઠની ભુલ માફ કરેલી.

પાંચમો પરચો :-
પોરબંદરના કોઈ શેઠે પોતાને ઘેર શેર માટીની ખોટ હતી તેથી માનતા કરેલી કે લીરબાઈ માતાજી મારે ઘેર પુત્રનું પારણું બંધાવેતો એકસો આઠ નાળિયેર કંડોરણા ગામે જઈ માતાજીના માથામાં વધેરૂ. ત્યારબાદ લીરબાઈ માતાજીની અસીમ કૃપાથી પોરબંદરના શેઠને ઘેર પુત્ર જન્મ થાય છે. અને માનતાપૂર્ણ કરવા કંડોરણા ગામ જાય છે. ત્યાં માતાજી જીવીત બેઠા છે. તે શેઠને ખબર નહી તેમના મનમાંતો એમ કે લીરબાઈ માતાજીની મુતીૅ હશે. માતાજી કહેલ કે તમોએ જેમ માનતા કરેલ છે. તેમજ મારા માથામાં નાળિયેર વધારો ત્યારબાદ એકસો આઠ નાળિયેર માતાજીના માથામાં વધારવા માટે ઘા કરવામાં આવે અને નાળિયેર માતાજીના માથા પાસે આવીને કુદરતી રીતે ફુટી જતું. આ પ્રમાણે એકસો આઠ નાળિયેરની માનતા પૂર્ણ થઈ.

છઠ્ઠો પરચો :-
કોઠડી ગામના નથુભગતને આપેલો દરબીજના તહેવાર ઉપર નથુભગત કોઠડી ગામથી કંડોરણા લીરબાઈ માતાજીના દર્શને આવતા. એક વખતના સમયે અસાઢી બીજનો મહોત્સવ આવ્યો. નથુભગત કંડોરણા ગામ આવતા હતા. ત્યાં રસ્તામાં વરસાદ ચાલુ થયો અને મીણસાર નદી બે કાંઠે ગાંડી તુર થઈ ઘોડાપુર માં બેફામ વહેતી હતી. ત્યારે નથુભગત મીણસાર નદીના સામા કિનારા પર બેઠા અને થોડીવારમાં ઉંઘ આવતા સુઈ ગયા. ત્યારબાદ સવારે નથુભગત ઉઠેલા ત્યારે જોયુતો લીરબાઈ માતાજીના ઘેર સુતા છે. માતાજીએ પોતાના ભગતને આ પ્રમાણે પરચો આપેલો.

સાતમો પરચો :-
પાલખડા ગામના પરબત ભગત કુંભારને પરચો આપેલો. તેઓ પાલખડા ગામ સમાધીવસ્થ થતાં. સમાધીમાં બેસી ગયા અને લીરબાઈ માતાજી પહોંચી શકેલ નહી અને માતાજીના આશીર્વાદ વગર પરબત ભગતે સમાધી લઈ લીધેલી. ત્યારબાદ માતાજી પધારેલા અને સમાધી ઉપર સાદ કરીને માતાજી બોલ્યા કે પરબતભગત તમોએ સમાધી લઈ લીધી હવે હું તમારી સમાધી પર ત્રણ દિવસ પછી આવીશ અને તમોને હું સાદ કરીશ જો તમો સમાધીની અંદરથી સામો જવાબ આપશો તો હું જાણીસ કે પરબતભગત પરબના પીરના સાચા સંત છે. અને ત્રણ દિવસ બાદ પરબત ભગતે માતાજીને જવાબ આપેલો.

આઠમો પરચો :-
બગવદર ગામે નાગડા ભગતે રામદેવપીરનો મંડપ કરેલો તેમાં પાણીની તાણ વર્તાતા લીરબાઈ માતાજીએ બગવદર ગામમાં વેકરા કાંઠે એક નાનો વિરડો બનાવી તેમાંથી મંડપમાં આવેલ હજારો મનુષ્યોની પાણીની પ્યાસ બુઝાવેલી.

નવમો પરચો :-
ગોસા ગામના નાગજી દરબારને પુત્ર રત્ન ન હોતો તેથી માતાજીની અસીમ કૃપાથી માતાજીની વાણી પ્રમાણે સારા ચરિત્રવાળો પુત્ર રત્નનો જન્મ થયેલો.

દશમો પરચો :-
ઠોયાણા ગામમાં રણમલ ભુતીયા મેરને ઘેર તેમના વાડામાં રોજડી ગાયમાતા ખીલે બાંધેલ હતા. તે ગાયના દુધથી લીરબાઈ માતાજીએ ઠોયાણા ગામને ધુમાડા બંધ જમાડેલું તથા માતાજીના સત્ય પ્રકારથી તે રોજડી ગાયને રણમલ દોહવા બેસતો ત્યારે દુણાને દુણા ભરાતા. તથા ગરીબોને દુધની લાણી કરતો.

અગીયારમો પરચો :-
અજમલ બાપા ચાઉં રાજગોર બ્રાહ્મણને મોટાવડીયા ગામે તા:- જામજોધપુર લીરબાઈ માતાજીએ પરચો પુરેલ હતો. અજમલભગતે એક વખત લીરબાઈ માતાજીને કાને વાત નાખેલી કે માં તમે સમાધી લ્યો ત્યારે મને વાયક મોકલજો મારે પણ સમાધી લેવી છે. અજમલ ભગત ગુજરી જતા તેની અથૅ બંધાણી ન હતી. તેના તંગ તુટી જતા હતા તેથી બીજા ભકતોને યાદ આવ્યું કે અજમલ ભગતે સમાધી લેવાની પ્રતિજ્ઞા કરી હતી તેથી તેઓને સમાધી આપેલ હતી.

બારમો પરચો :-
કેશવ, કીંદરખેડા તથા પાલખડા ત્રણ ગામને સીમાડે શ્રી લીરબાઈ માતાજીએ અમીત્રી વાવ બંધાવી. તે જગ્યાએ બ્રહ્મપુરી જમાડી પાલખડા ગામના રાજગોર બ્રહ્મદેવતાનો અપીયો છોડાવેલ હતો.

તેરમો પરચો :-
મોઢવાડા ગામના એક વેપારી આદિત્યાણા ગામ વેપાર કરવા ગયેલા. સોનબાઈ માતાજી તે વેપારીને દેણુ ચુકવતા ચુકી ગયેલા તેથી લીરબાઈ માતાજીના સ્વપ્નમાં આવી ગુરૂમાતાએ જુની મઢીમાંથી એક માટલું પડેલ હતું તેમાંથી પાંચ કોરી નીકળતા લીરબાઈ માતાજી તે દેણું ચુકતે કરી આવેલા તથા પાછા વેલડામાં બેસીને વિદાય થયેલા.

ચૌદમો પરચો :-
નાગકા ગામે લીરબાઈ માતાજીના સેવક શ્રી પુંજા ભગત રહેતા હતા. તથા ગામમાં કાવડ ફેરવી નિસ્વાર્થ સેવાપુજા કરતા હતા. પુંજા ભગતે તેની મઢી પાસે એક વડલાનું ઝાડ વાવેલું. તે ખુબજ પાગયુૅ હતું. તથા અમુક સમય પછી તે લીલો કુંજાર વડલો સાવ સુકાયને સુકો ભઠ્ઠ થઈ ગયેલો. ત્યારબાદ વિઘ્ન સંતોષી માણસોએ પુંજા ભગતને મેણા મારવા ચાલું કરેલા કે તમો જો શ્રી લીરબાઈ માતાજીના સાચા ભગત હોયતો આ સુકા વડલાને સજીવન કરી લીલો છમ કરી આપો તો તમારી પીરાઈ સાચી કહેવાય. ત્યારબાદ પુંજા ભગતે ખાવા પીવાનું છોડીને બીજમંત્ર ચાલું કરેલા અને થોડા દિવસમાં સુકા ભઠ્ઠ વડલામાં કુમરીયા ફુટેલા અને લીલો છમ વડલો થયેલો. ત્યારબાદ દરેક વિઘ્ન સંતોષી સમાજના લોકો શરમના માયાૅ નીચું જોઈ ગયા હતા. પુંજા ભગતની લીરબાઈ માતાજી ઉપરની ધમૅ ભાવના.

પંદરમો પરચો :-
એરડા ગામમાં લીરબાઈ માતાજીના સત્ય સેવક શ્રી નબા ભગત મહેર રહેતા હતા. એક વખત નબાભગત એકાએક ખુબજ માંદા પડી ગયેલાં. ઘણા વૈદોની દવા કરેલી. ઓસડીયા વટાવેલા પણ બીમારી પાછો પગ કરતી નથી. ત્યારે નબાભગતે પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવી કે કેશવ ગામ મારે લીરબાઈ માતાજીના દર્શન કરવા છે. બળદગાડામાં નબાભગતને કેશવ ગામ લઈ જવામાં આવ્યા. જયાં માતાજીના સાનિધ્યમાં નબાભગતન બેસી જતાં. તેના આધી વ્યાધી ઉપાધી રોગ વગેરે શરીરમાંથી ચાલ્યા ગયેલા લીરબાઈ માતાજીની દુહાઈ તથા આશીર્વાદથી નબાભગત સાજા નરવા થઈ ગયેલા.

સોળમો પરચો :-
એરડા ગામમાં રામદેવપીરના મંડપમાં શ્રી લીરબાઈ માતાજી પધારેલા ત્યારે ઉનાળાના ધોમ ધખતા તાપમાં ગામથી થોડે દૂર એક ખેતરમાં મંડપનો થંભ હતો. ત્યા પાણી સાવ ખારૂ ઉસ જેવું હતું. તેથી લોકો પાણીની યાતના ભોગવતા હતા. લીરબાઈ માતાજીએ પગલા કરી એક બુરાયેલા કુવાનો ગાર કઢાવી અને થોડીવારમાં મીઠા પાણીનો પ્રવાહ વહેવરાવીને આખા મંડપના મનુષ્યોને મીઠું પાણી પીવરાવી તરસ સીચાવેલી હતી.

સતરમો પરચો :-
છત્રાવા ગામના રામદેવપીરના મંડપમાં માતાજીનો આખો સંઘ આવેલો મંડપ ઉપર ત્રાપજ બાંધવા ચડેલા ખલાસી ભાઈઓ ને ઈજા થતાં એક આંખ ફુટી ગયેલી. લીરબાઈ માતાજીએ તે બંને ખલાસીઓને માથે હાથ ફેરવતા તે સાજા થઈ ગયેલા તેવું લોકવાણીમાં સાંભળવા મળે છે.

અઢારમો પરચો :-
કોટડા ગામની એક લીરબાઈ માતાજીની સેવીકા જે બીજ ઉજવવા કંડોરણા ગામ જતા હતા. ત્યા રસ્તામાં તેમનો નાનકડો દિકરો મૃત્યું પામ્યો. મૃત છોકરાને લઈને કોટડા ગામની સ્ત્રી કંડોરણા ગામ માતાજી પાસે આવી અને માતાજીને સત્ય દિલથી વિનવણી કરતા લોકવાણીથી કહેવાય છે કે તે કોટડાની સ્ત્રી સેવિકાના પુત્રને લીરબાઈ માતાજીએ જીવીત કરેલા.

ઓગણીસમો પરચો :-
લીરબાઈ માતાજી જુનાગઢના શિવરાત્રીના મેળામાં માનવ સમુહને જમાડવા દર વરસે જતાં. ત્યા માતાજી પાસે મોડપર ગામનો એક અબોટી બ્રાહ્મણ આવેલો બ્રાહ્મણ ગુરૂની શોધમાં હતો તેથી તેમણે માતાજીને ગુરૂ બનાવવાનો વિચાર કરેલો. પણ માતાજી મેર છે. સ્ત્રી જાતી છે. તેથી મનમાં સંચય થયેલો કે મારે આમને ગુરૂ કેમ બનાવવા? તેમ છતાં પણ બ્રાહ્મણ લીરબાઈ માતાજીને મળેલો અને માતાજીએ તેમને મોઢવાડા ગામ આવવાનું કહેલું. ત્યારબાદ બ્રહ્મદેવ મોઢવાડા જાય છે. ત્યારે માતાજીએ સામેથી કહેલ કે સારો ગુરૂ કરવો છેને જા બરડા ડુંગરમાં આભપરાની જર પાછળ એક મોટો પથ્થર ઢાંકેલ છે ભોયરૂ છે. તેમાં એક મહાન સાધુ રહે છે. તેની પાસે જા અને તેને ગુરૂ તરીકે માન. બ્રાહ્મણ ગુરૂની શોધમાં લીરબાઈ માતાજીએ બતાવેલ જગ્યા પર જયા છે. અને ભયંકર અરણ્યમાં આભપરાના જંગલમાં સાધુને મળે છે. ત્યારે સાધુ કહે છે કે મને ગુરૂ કરવા આવ્યા છો ને અરે બ્રહ્મદેવ અહીયાં શું કામ આવ્યા છો અમારા ગુરૂતો લીરબાઈ માતા હૈયે. તે મને મળો તેમને ગુરૂ કરો તેનામાં દૈવી શકિત છે. પહેલા મનમાં સંશય ન ક્યોં હોત તો ભટકવું પડત નહીં. ત્યારબાદ લીરબાઈ માતાજી પાસે મોઢવાડા જઈને પોતે માતાજીને ગુરૂ તરીકે માને છે. અને માતાજી તેના માથા પર હેતનો હાથ મુકે છે.

વિશમો પરચો :-
મુળ દ્રારકાથી ત્રણ સાધુ મહારાજના મનમાં અભીમાન જન્મેલું. આ ત્રણેક સાધુ પંખી રૂપે ઉડીને મોઢવાડા લીરબાઈ માતાજીના આશ્રમે જતા હતા. રસ્તામાં ગોવાળીયાઓ ગાયો ચરાવતા હતા. તેમા એક સાધુએ નીચે ઉડાન કરીને ગોવાળીયાને ધક્કો મારીને નીચે પછાડી દીધેલો. તે ગોવાળીયો બેભાન અવસ્થામાં નીચે પડી ગયેલો. અને ત્રણ સાધુ ઉડતા ઉડતા અભીમાનમાં મગ્ન બનીને લીરબાઈ માતાજીના આશ્રમે પહોંચ્યા. અને લીરબાઈ માતાજી પાસે માંગણી કરેલી કે માતા અમો ઉડીને તમારી મેમાની ખાવા આવ્યા છીએ. ત્યારે લીરબાઈ માતાજી બોલ્યા કે તમો ત્રણેય ઉડીને આવ્યા છો તે શી નવાઇ કરી છે. કાળા કાગડા પણ ઉડીને આવે છે. માટે તન, મનનું અભીમાન છોડીને ધરતી માતા ઉપર ચાલીને આવો. ઉડવાનું છોડો અને ગોવાળીયાને સાજા કરો. પછી તમોને ભોજન આપીશ. ત્યારબાદ ત્રણે સાધુઓ લીરબાઈ માતાજીના પગમાં પડેલા.

આ પ્રમાણે શ્રી લીરબાઈ માતાજીએ અનેક પરચાઓ આપેલા. કંડોરણા, મોઢવાડા, કેશવ, શીશલી, ગોસા, રાતડી, કોઠડી, ગામે માતાજીએ પોતાની હૈયાતીમાં સનાતન ધર્મની સ્થાપના કરીને સમાજને સત્યતા દર્શન કરાવેલ તથા સમાજમાંથી અનીષ્ઠોને સમજાવી અને સત્ય ધમૅ તરફ વાળેલા.

જય લીરબાઈ માતાજી

માહિતી-સાભારઃ
Writer VROKS રાજવીરભાઇ ઓડેદરા.
9574207070

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!