મહેર સંત કવિયત્રી લીરબાઈ માતાજી

અન્ન પૂરણા સિધ્ધી આપી તુને,સતી ગુરૂ એ સાર.
રાંધ્યુ રજક ખુટે નહીં, લીરબાઇ હાથે લગાર.
ભક્તિ કરે કોઇ ભાવથી, ધરે માત તુજ ધ્યાન.
સતી આપે તુ એહને, સુખ સંપતિ શુભશાન.
જયાં જ્યાં સમરુ તુજને સતી,કહે રણમલ હે માઇ!
વિપત પડે તમે આવજો,દુઃખ ભજણી લીરબાઇ.

સંત જીવણદાસજી (પરબ)નાં શિષ્યા‚ મોઢવાડા ગામે મેર જ્ઞાતિમાં જન્મ‚ પિતા લુણા મોઢવાડિયા‚ માતા લાખીબાઈ‚ કંડોરણા ગામે ઈ.સ.૧૮૭૬.વિ.સં.૧૯૩રમાં સમાધિ.

બરડા પંથકના મોઢવાડા ગામે રહેતા મહેર લુણા મોઢવાડિયાને ત્યાં સતી લીરબાઈનો જન્મ થયો હતો. એમનાં માતાનું નામ હતું લાખીબાઈ. બાળપણથી જ ભજન અને ભક્તિના સંસ્કારો એમાં, પરબના સ્થાપક સંત દેવીદાસના શિષ્ય જીવણદાસજી અને એમનાં ભજનીક પત્ની સોનલમાતાનો સત્સંગ થયો એટલે લીરબાઈને વૈરાગ્યનો રંગ લાગી ગયો. લીરબાઈએ પરબના સંત દેવીદાસનું અને અમર માતાજીનું કાર્ય સ્વીકાર્યું. લીરબાઈ માતાજી ના વિવાહ કેશવ ગામના જેઠા કેશવાલાના દીકરા વજશી સાથે થયેલા. વજશી સ્વભાવે ભારે આકરા ને સત્સંગ- ભજનભાવ-વૈરાગ્યના વિરોધી એટલે લીરબાઈ સાસરામાં ખૂબ અકળાતા. છતાં સહનશીલ થઈને સંસાર ચલાવતાં ચલાવતાં અને ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠગણતા અને પતીને સેવામાં જ ઇશ્વરની સેવા માની સદાચારી જીવન વ્યતીત કરી, આંગણે આવેલા સાધુ-સંતો અને અભ્યાગતોની સેવા કરતાં.

Leerbai Mataji

તેમને પુંજો અને પાતો એમ બે દીકરા તથા પુનીબાઈ નામે એક દીકરી હતા. ધીરે ધીરે જીવણદાસજી અને સોનલમાતાના સત્સંગના પ્રભાવે લીરબાઈ માતાજી આપજોડિયાં ભજનો બનાવતા થયાં. પછી તો પતી વજશીનું પણ હ્રદયપરિવર્તન થયું અને સાધુતાના સંસ્કારમાં રંગાયા. કેશવ ગામમાં સદાવ્રત શરૂ કર્યું.ઇત્યારબાદ ભજન કરવું ને ભોજન કરાવવું, એ સિદ્ધાંતને લોકસમુદાયમાં વહેતો મૂકવા લીરબાઈ માતાએ બીજધર્મની ગુપ્ત પાટ ઉપાસના અને નિજારપંથની સાધનાની સાથોસાથ સમાજ સુધારાણાનું કાર્ય પણ ઉપાડયું અને સાથે રામદેવપીર ની અંખડ ભક્તિ કરી, નાત-જાતના ભેદ મટાડી વિક્ર્મ સંવત ૧૯૩ર ના મહાસુદ બીજને દિવસે ઈ.સ.૧૮૭૬ માં ધામધુમથી સામૈયો ઉજવી કંડોરણા ગામે જીવતાં સમાધિ લીધી.

ત્યાર બાદ તેમના દિકરા પુજાભગતે પણ માતાની સમાધીના પગથીયા નીચે સમાધિ લીધી. લીરબાઇમાંના પંથના અનુયાયીઓ ને સફેદ ઝીણા મોતીની માળા પેહરાવામાં આવે છે. નાત-જાતમા ભેદભાવ વિના મહાધર્મ-નિજીયાપંથના સાધના-સિધ્ધાંતોને અનુસરતા ભક્તજનો દર અષાઢીબીજ નો મહોત્સવ ઉજવે છે.લીરબાઈ માતાના સ્થાનકો મોઢવાડા‚ કેશવ‚ કંડોરણા‚ કોઠડી‚ ગોસા‚ સીસલી તથા પરબવાવડીમાં છે. લીરબાઈ સતીની ભજનવાણી પરબની સંતપરંપરાની ભજનવાણી માફક બીજમારગીમહાપંથી નિર્ગુણ ઉપાસના અને ગુરુમહિમાનુંગાન કરે છે.

ભજનઃ
તદ્દન નિરક્ષર છતાં ભરપૂર અધ્યાત્મજ્ઞાન ધરાવતા આ સંતકવયિત્રી લીરબાઈએ માનવ જીવનમાં વ્યાપી રહેલા દંભી આચરણ તરફ આંગળીચીંધી બતાવી છે. સાધનાના પંથે પણ સાધક ઘણી વાર સિદ્ધિના અભિમાનમાં આવી ચમત્કારોમાં અટવાઈ જાય છે આ સમયે જરૂર હોય છે સતત જાગૃતિની લીરબાઈ માતાજીની એક પ્રભાતી છે :

ચેત મન તું શામળા જીવણ ગુરુ મેં-ટેક.

જાણીયા ધણી મારો લેખાં લેશે‚
તંઈ ક્યાં જાશો પ્રાણિયા…ચેત મન તું…

જશ ગાવા જનમ દીધો‚માયામાં તું મોહી રયો‚
પૂન્ય કાજે પાઈ ન વાવરી‚જમડાએ જંઈ ઘેરિયા…ચેત મન તું…

કાળિંગો તો કઠણ આવ્યો‚કુડિયા નર ભાગિયા‚
અલખ મારો જેદિ આવશે તેદિ લેખાં તારાં માગિયા…ચેત મન તું…

નીલે નેજે ઘણી આવી જીવણને જગાડિયા‚
સાધુ કારણ શામળો ભેળા વેમાન લાવિયા…ચેત મન તું…

સાચમાં જે ચાલે નહીં ખોટ એલો ખાવિયા‚
ગુરુ પ્રતાપે લીરલબાઈ બોલ્યા‚દેખ દુનિયા જાવૈયા…ચેત મન તું…
——————————-

હાં હાં રે ગુરુજી ! કહો ભજન કેમ કરીએ ? અમને મળિયા અંતરજામિ રે હાં…
હાં હાં રે ગુરુજી ! કહો…

હાં… લેવાય તો રામનામ લેજો‚
એ જી દેવાય તો તમે ટુકડો દેજો‚

એ… હીરો પડયો મેદાનમાં તમે લેવાય તો રામ લેજો… ગુરુજી ! કહો ભજન…

હાં… મોટા ધણીની ફેરો માળા‚
તમે છોડી દ્યો આ જગતના ચાળા‚

એ… ઝીણા માંયલા ઝીણા છે મારા ગુરુજી પરવાળા… ગુરુજી ! કહો ભજન…

હાં… બાવન છે બજારૂં એમાં વિરલા નર તો કોક જાવે‚

એ… ધ્યાન ધરી લ્યો શૂનમાં તો તો ઝીણાં ઝંતર વાગે… ગુરુજી ! કહો ભજન…

હાં… નિજ નામના પડદા ખોલે‚ધરતી ને આકાશ ડોલે‚
એ… બોલિયા રે લીરલબાઈ મને સંત મળ્યા મોંઘામૂલે… ગુરુજી ! કહો ભજન…

પ્રેષિત-સંકલનઃ
મયુર.સિધ્ધપુરા-જામનગર
Mo:9725630698
માહિતી-સાભારઃ
રાજવીરભાઇ.ઓડેદરા
ચિત્રાંકન-છબીઃ
કરશનભાઇ દેવશીભાઇ ઓડેદરા -પોરબંદર

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!