ખંભાતનો પ્રાચીન ઇતિહાસ

ખંભાત પ્રાચીનકાળથી ગુજરાતના મહત્વના શહેર તરીકે પ્રખ્યાત છે. જેનું મુખ્ય કારણ અહિંનો અખાત અને બંદર કહી શકાય. ખંભાતનું બંદર પ્રાચીન જાહોજહાલીનું સુચક છે. અહિં આવેલા અનેક વિદેશપ્રવાસીઓ ખંભાતની સમૃધ્ધિના વખાણ કરવાનો મોહ ત્યાગી શક્યા નથી. જો કે,હાલ તો આ બંદર કાંપના જામવાથી જોખમી બન્યું છે પણ સરકાર દ્વારા કાંપ ઉખેડાય છે. છતાં મોટા પ્રમાણમાં જહાજ વ્યવહાર કરવાનો જોખમી છે.

ખંભાતનું પ્રાચીન નામ “સ્તંભતીર્થ” હતું. મૌર્યકાળથી તેના પર આવેલા શાસનનો ઇતિહાસ મળે છે. મૌર્ય બાદ શક, ક્ષત્રપ અને યવનોના તાબામાં ખંભાત આવેલું. એ પછી ગુપ્તવંશના સામ્રાજ્યમાં ખંભાતનો સમાવેશ થયેલો. ગુજરાતમાં ગુપ્તવંશના અનુસંધાન તરીકે મૈત્રકવંશ આવ્યો અને ખંભાત પર મૈત્રકોનું શાસન આવ્યું. એ પછી ચાવડા-સોલંકી અને વાઘેલાઓના શાસનમાં ખંભાત એમના તાબે આવ્યું.

એ પછી ખંભાત પર મુસ્લીમોનું શાસન આવ્યું અને સલ્તનત યુગનો આરંભ થયો. અને પછી એના પર એક પછી એક મુસ્લીમ શાસકો આવવા લાગ્યા. હવે ખંભાત એક રજવાડું હતું.

ખંભાત રજવાડાની સ્થાપના ઇસ ૧૭૩૦માં ગુજરાતના મોગલ સામ્રાજ્યના છેલ્લા સૂબા નવાબ મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ સામ્રાજ્યના અસ્ત સમયે કરી હતી. ૧૭૪૨માં મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ તેના સાળા અને ખંભાતના સૂબાને હરાવ્યો અને તેની જગ્યાએ પોતાનું શાસન સ્થાપિત કર્યું.

૧૭૮૦માં ખંભાતનો કબ્જો જનરલ ગોડાર્ડ રિચાર્ડ્સની આગેવાની હેઠળ બ્રિટિશ લશ્કરે લઇ લીધો પરંતુ ૧૭૮૩માં મરાઠાઓએ તેને કબ્જે કર્યું. છેવટે ૧૮૦૩માં ૧૮૦૨ની સંધિહેઠળ તે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. ૧૮૧૭માં ખંભાત બ્રિટિશ આશ્રિત બન્યું. ૧૯૦૧માં રાજ્યમાં રેલ્વેની શરૂઆત થઇ. ખંભાતના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.

ખંભાતનો પણ એક યુગ હતો ! સ્તંભતીર્થનો ઉલ્લેખ કંઇક ઠેકાણે થયેલો છે. ટોલેમીએ તેનું વર્ણન કર્યું છે, માર્કો પોલોએ ખંભાતના વખાણ કર્યા છે તો વિશ્વપ્રસિધ્ધ ચીની પ્રવાસી હ્યુ-એન ત્સાંગે પણ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું છે. મહંમદ ગઝની ભેગાં આવેલ અલ બિરૂની એ પણ સોમનાથની ખંભાતનું અંતર વર્ણવી એનો ઉલ્લેખ કર્યો છે.

અત્યારે ખંભાતના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં અર્ધ દટાયેલા પ્રાચીન મકાનો મળી આવે છે. અહિં ત્રણ બજાર ફરતે ઇંટની દિવાલ હતી એવું પણ કહેવાય છે. વળી,અહિં જૈન દેરાસરોનું પણ અસ્તિત્વ હતું. બે વિશાળ જૈન મૂર્તિઓ [ શ્વેત અને શ્યામરંગી ] પણ મળી આવેલ, જેમાંની એક પાશ્વનાથની હોવાનું કહેવાય છે.

ખંભાત અંગ્રેજોના વખતમાં બોમ્બે પ્રેસિડેન્સીમાં સમાવિષ્ટ ખેડા એજન્સીનું એક માત્ર રજવાડું હતું. અહિં ઘણાંયે જોવા લાયક સ્થળ પણ આવેલા છે. જેમાં નીચેના સ્થળો પ્રખ્યાત છે :

નારેશ્વર તળાવ
જુમા મસ્જિદ
માદળાં તળાવ
ભૈરવનાથની વાવ
બેઠક મંદિર
સ્વામિનારાયણ મંદિર
ગાંગડિયું તળાવ
વડવા આશ્રમ
જૈન દેરાસરો
બ્રહ્માજી મંદિર.

આ ઉપરાંત, ખંભાતના અત્યંત વખણાતા એવા સુતરફેણી, સુકા ભજીયા અને હલવાસન તો કેમ ભુલી શકાય ?આવી વાનગીઓને કોઇ આક્રમણખોરો લૂંટી શકતા નથી. એ જે તે વિસ્તારની ઓળખ જ હોય છે.અને એમાંયે વળી આ તો ગુજરાતની સ્વાદપ્રિય પ્રજાની વાત…!

આ ઉપરાંત ખંભાત આભુષણો અને ખાસ કરીને અકીકને લીધે અત્યંત પ્રખ્યાત છે. અહિંનો અકીક [ એક પ્રકારનો પથ્થર ] દુનિયાભરમાં વખણાય છે.

અને મુળરાજ સોલંકી કાશી વારાણસીથી તેડાવેલ ઔદિચ્ય બ્રાહ્મણોનું પણ મુળ નિવાસ સ્થાન ખંભાત જ ગણાય ! આમ, ખંભાત અનેક રીતે પ્રસિધ્ધ એક ગુંજતું શહેર છે.

– Kaushal Barad.

 

error: Content is protected !!