શેરીએ, શેરીએ સાદ દેતા કવિ જ્યાં નજરે ચડે,
આવો અમારે ભાવનગર.
ગામ વચ્ચે તળાવ મોટું, છોકરા છબ-છબીયા કરે,
આવો અમારે ભાવનગર.
ગંગા-જળીએ કપડા ધોતી, રુડી નાર નજરે તરે,
આવો અમારે ભાવનગર.
ઘોઘાનો ઘુઘવાટ એવો, જ્યાં લંકાની લાડી મળે,
આવો અમારે ભાવનગર.
વિશ્વ-વિખ્યાત ગાંઠીયા, પેડા શિહોરી સસ્તા મળે,
આવો અમારે ભાવનગર.
ભાવ-ભૂખ્યા ભાવનગરી,જ્યાં આદર ને સન્માન મળે,
આવો અમારે ભાવનગર.
રુવાપરી-તખ્તેશ્વર, જ્યાં તીર્થધામ જશોનાથ મળે,
આવો અમારે ભાવનગર.
સહેલતા સુંદર નર-નારી જ્યાં એવા સુંદર બાગ મળે,
આવો અમારે ભાવનગર.
ગૌરી-શંકર-સરોવર જ્યાં પાણીમાં મીઠાશ મળે,
આવો અમારે ભાવનગર.
કવિ કલાપી, કવિ કાન્ત, જ્યાં કવિઓનો દરબાર મળે,
આવો અમારે ભાવનગર.
ભાવનગરના લોકો, ભાવાનાગની મહેમાનગતિ, ભાવનગરી ચવાણું, ભાવનગરના ગાંઠિયા, ભાવનગરનો આઈસ્ક્રીમ, ભાવનગરની ગાયો અને
ભાવનગરમાં ફેસબુકીયાઓ બહુજ વખણાય.
ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણ કુમારસિંહજી હતા. ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે. મારવાડના ખેરગઢથી સૌરાષ્ટ્રમાં ઉતરી આવેલા ગોહિલ રાજવંશના મુળ પુરુષ સેજકજીએ સાયલા પાસે સેજકપુર વસાવી પ્રથમ ગાદી સ્થાપી, ત્યાંથી રાણપુર, પછી ઉમરાળા, ઘોઘા, શિહોર અને ત્યારબાદ ઇ.સ.૧૭૨૩, સવંત ૧૭૭૯ના વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિને વડવા ગામ પાસે ભાવનગરની સ્થાપના કરી,
બંદર તરીકે ભાવનગરની આબાદી ખીલવવાના ઉદેશ્ય સાથે નગરનો ઘણો વિકાસ થયો. ત્યારબાદ લડાઇ ચડાઇના એ યુગમાં ઠાકોર વખતસિંહજીએ ભાવનગર રાજયનો દક્ષિણમાં મહુવા, રાજુલા અને પશ્ચિમમાં છેક મીતીયાળા, સલડી, લીલીયા સુધી રાજયનો વિસ્તાર વધાર્યો.
શિક્ષણ, કલા, સાહિત્ય અને સંસ્કારીતાના સમન્વયથી ભાવનગરના રાજવીઓએ એ જમાનામાં આગવી લોક ચાહના પ્રાપ્ત કરી હતી. ફકત ખેતી અને મજૂરી પર જ નિર્ભર એ યુગમાં દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવા આપત્તિકાળમાં ભાવનગરના રાજવીઓએ ઉદારદીલે પ્રજાને મદદ કરવા ઠેર ઠેર કૂવા-તળાવો ખોદાવી, ગરીબખાના ખોલાવી, તગાવી માફ કરી રૈયતને રાહત આપી હતી. ભાવનગર રાજયના રાજા અને પ્રજાના વફાદાર તરીકે નામના પ્રાપ્ત કરનાર કાબેલ દિવાન તરીકે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટૃણીનું યોગદાન આજે પણ ચીર સ્મરણીય છે.
વિસ્તારવાદી પ્રવૃતિના યુગથી માંડી આધુનિક યુગના પ્રભાત સુધીમાં ભાવનગરમાં અનેકવિધ વિકાસ, સુધારા અને પ્રજાકિય કાર્યો થયા છે.
શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રગતિ સાધનાર ભાવનગરમાં ૧૮૫૨માં મહારાજા જશવંતસિંહજીના સમયમાં પ્રાથમિક શાળા શરૂ થઇ હતી, ત્યારથી શિક્ષણનો પાયો નખાયો હતો. કન્યા કેળવણીને ઉત્તેજન આપવા જશવંતસિંહજીએ પોતાના કુંવરીને પણ શાળામાં દાખલ કર્યા હતા. ત્યારબાદ રાજયમાં ઉત્તરોતર શિક્ષણ સાથે કલા અને સાહિત્યની આગેકૂચ જારી રહી હતી.
આધુનિક ભાવનગરના શિલ્પી તરીકે મહારાજા તખ્તસિંહજીએ રેલ્વે, શાળાઓ, હાઇસ્કુલો, તખ્તસિંહજી હોસ્પીટલ, પુસ્તકાલયો તેમજ કૃષિ વિકાસ માટે અનેક કૂવાઓ, તળાવો બંધાવ્યા હતા. તખ્તસિંહજી બાદ ગાદીએ આવેલા મહારાજા ભાવસિંહજી (બીજા) કલાપ્રિય રાજવી હતા. તેમણે સુપ્રસિધ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માને ભાવનગર નિમંત્રી કલાકારોને તેમની પાસે કલાવિદ્યા શીખવી હતી. ભાવસિંહજીને સંગીતનો જબરો શોખ હતો. નિલમબાગ પેલેસમાં તેમણે પિતળીયો બંગલો સંગીત દરબાર તરીકે અલગ રાખ્યો હતો. અહીં સવાર-સાંજ સંગીતના સુરો લહેરાતા ગવૈયાઓનો ઝમેલો રહેતો. ભાવનગરના કલાકાર ડાહ્યાલાલ તથા સુરજરામ નાયક વ્રજભાષામાં પદો રચી ગાતા. મશહુર બીન વાદક રહીમખાન તથા ગાયિકા ચંદ્રભાગા સંગીતની મહેફીલોમાં રંગ જમાવતા.
ગાયકવૃંદના સહકારથી ભાવસિંહજીએ સંગીતમાળા ચાર ભાગમાં, સંગીત વિનોદ, સંગીત બાલોપદેશ, હોરેશીયમ અને ઇલીયડના છ ભાગ પુસ્તકરૂપે પ્રસિધ્ધ કરાવ્યા હતા. ભાવસિંહજીના રાજય અમલમાં દિવાન પ્રભાશંકર પટૃણીના સુદિર્ઘ વહીવટથી ભાવનગરની કિર્તી ચોમેર પ્રસરી હતી.
ભાવસિંહજી બાદ ગાદીએ આવેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ઉદારચરીત માનસથી ખરા અર્થમાં પ્રજાકિય શાસન ચલાવી સમગ્ર રાજયની પ્રજાના દિલ જીતી લીધા હતા. આ પ્રજાવત્સલ રાજવીએ આઝાદીના ઉષાકાળમાં પ્રજા પરિષદ અને પોતાની રૈયતને બધા અધિકારો આપ્યા હતા. આઝાદી સમયે સ્વતંત્ર ભારતને પોતાનું રાજય અર્પણ કરવામાં પહેલ કરનાર કૃષ્ણકુમારસિંહજીએ મદ્રાસના ગવર્નર તરીકે પણ અદભુત ચાહના પ્રાપ્ત કરી હતી.
ભાવનગરના ઉદારચરીત, ધર્મિષ્ઠ અને રૈયતની ખેવના રાખનાર રાજવીઓએ લોકકલ્યાણની વિવિધ યોજનાઓ અમલમાં મુકી છુટા હાથે નાણાનો યથાયોગ્ય ઉપયોગ કર્યો હતો. પરિણામે શહેરની ભાગોળે ગૌરી શંકર તળાવ, નગરમાં હાઇસ્કુલો, કોલેજો, અખાડા, વોટર ફિલ્ટર પ્લાન્ટ, હોસ્પિટલ, મંદિરો, મસાફરખાના, શિક્ષણ સંસ્થાઓ, રોડ, ગટર, વીજ સાધનો વગેરે ઉપલબ્ધ થયા હતા.
આઝાદી બાદ નૂતન ઘડતરમાં ભાવનગરમાં આધુનિક શોધ સંશાધનો અને જ્ઞાન વિજ્ઞાનના સમન્વયથી સ્થપાયેલ સંસ્થાઓ તેમજ ઉદ્યોગથી આજે ભાવનગર ધમધમી રહયું છે.
આમ પૂર્વ સૌરાષ્ટ્રમાં આવેલા ગોહિલવાડ મુલકમાં ગોહિલોએ રાજકર્તા તરીકે યશસ્વી કારકિર્દી સાથે ઇતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે. જુના ભાવનગરની બાંધણી અને ત્યારબાદ આધુનિક શહેરના નિર્માણ સાથે છેક રાજવી કાળથી આજ દિન સુધી ભાવનગરે અનેકવિધ ક્ષેત્રે વિકાસ સાધ્યો છે.
વર્તમાન ભાવનગર ———
- હવાઇ મથક
- રેલ્વે મથક
- જુના બંદર
- નવા બંદર
- અલંગ શીપ-બ્રેકીંગ યાર્ડ
- કેન્દ્રિય નમક અને સમુદ્રિ રસાયણ અનુસન્ધાન સંસ્થાન
- પાલિતાણા
જોવા લાયક સ્થળો ——–
- ફનપાર્ક મહિલાબાગ
- ગાંધી-સ્મૃતી
- સરદાર-સ્મૃતી
- બાર્ટન પુસ્તકાલય
- શામળદાસ કૉલેજ
- શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર
- ગૌરીશંકર તળાવ – બૉર તળાવ
- ગંગા દેરી
- વિક્ટોરિયા પાર્ક
- નિલમબાગ પેલેસ
- ભાવવિલાસ પેલેસ
- ધોઘા સર્કલ
- શ્રી ખોડિયાર મંદિર
- ધોઘા
- માળનાથ
- શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક
- કુડા
- હાથબ
- પીરમબેટ
- સાંઇબાબાનુ મંદીર
- માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ (ભૂતપૂર્વ આલ્ફ્રેડ સ્કૂલ)
ટુંકમાં ભાવનગર એટલે જીવંતતાનો એહસાસ કરાવતું નગર, આ નગરનું નગરત્વ એકવાર નહીં અનેકવાર માણવા જેવું છે, ત્યાંથી ખોડિયાર માતાના દર્શન પણ કરી અવાય, પાલીતાણાના જૈન મંદિરોના દર્શન પણ કરી અવાય અને અલંગ શિપયાર્ડમાં આંટો મારી ત્યાંથી ખરીદી પણ કરી અવાય
થોડુંક વધારે ————-
ભાવનગર રજવાડું —————–
ઈતિહાસ
સુર્યવંશી ગોહીલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે સૌ પ્રથમ રાજધાની ઇ.સ. ૧૧૯૪માં સેજકપુર ને બનાવ્યું. ત્યાંથી તેઓ આગળ વધીને ઇ.સ. ૧૨૫૪માં રાણપુરમાં રાજધાની બદલી. ઇ.સ. ૧૩૦૯માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી. ઇ.સ. ૧૫૭૦માં સિહોરમાં રાજધાની સ્થાપી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે. એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી ભાવનગર બ્રિટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.
દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા.
મહેલ અને અન્ય સ્થાપત્ય
ઇ.સ. ૧૮૭૮થી લઇને ઇ.સ. ૧૮૯૬ સુધી મોતિબાગ પેલેસ એ ભાવનગરના રાજવીનું મુખ્ય નિવાસ સ્થાન રહ્યુ઼ં. આ પહેલાના રાજવીના નિવાસ સ્થાનની પશ્ચિમ દિશામાં રાજવીના લગ્ન સમારંભના મુળ હેતુ માટે બનાવાયેલ સ્થાઇ શામિયાણાને પછીથી પર્સિવલ માર્કેટ નામની બજારમાં તબદીલ કરી નાખવામાં આવ્યો હતો. દેસાઈ છગનલાલ પુસ્તકાલયની ૧૮૮૦માં શરૂઆત થઇ. ૩૦ ડીસેમ્બર ૧૮૮૨ના દિવસે નવા મકાનમાં બાર્ટન પુસ્તકાલય રૂપે ખુલ્લુ મુકવામાં આવ્યું. દિવાનપરા વિસ્તારમાં પર્સિવલ ફુવારાનું બાંધકામ પણ રજવાડાના સમયમાં કરવામાં આવ્યુ હતુ. જશોનાથ મહાદેવ મંદિર, ગંગા છત્રી (ઇ.સ. ૧૮૭૫) અને જસવંતસિંહજી જાહેર દવાખાનું પણ ભાવનગર રજવાડા સમયનાં બાંધકામ છે.
રાજવીઓ
ભાવનગરના ઠાકોર સાહેબ, ૧૮૭૦નો દાયકોક્ર
ક્રમ નામ શાસન વર્ષ ખિતાબ
- ૧ રતનજી(બીજા) (મૃ. ૧૭૦૩) ૧૬૬૦–૧૭૦૩ ઠાકોર સાહેબ
- ૨ ભાવસિંહજી(પહેલા) રતનજી (૧૬૮૩–૧૭૬૪) ૧૭૦૩–૧૭૬૪ ઠાકોર સાહેબ
- ૩ અખેરાજજી(બીજા) ભાવસિંહજી (૧૭૧૪–૧૭૭૨) ૧૭૬૪–૧૭૭૨ ઠાકોર સાહેબ
- ૪ વખતસિંહજી અખેરાજજી (૧૭૪૮–૧૮૧૬) ૧૭૭૨–૧૮૧૬ ઠાકોર સાહેબ
- ૫ વજેસિંહજી વખતસિંહજી (૧૭૮૦–૧૮૫૨) ૧૮૧૬–૧૮૫૨ ઠાકોર સાહેબ
- ૬ અખેરાજજી(ત્રીજા)ભાવસિંહજી (૧૮૧૭-૧૮૫૪) ૧૮૫૨–૧૮૫૪ ઠાકોર સાહેબ
- ૭ જસવંતસિંહજી ભાવસિંહજી (૧૮૨૭–૧૮૭૦) ૧૮૫૪ – ૧૧ એપ્રલ ૧૮૭૦ ઠાકોર સાહેબ
- ૮ તખ્તસિંહજી જસવંતસિંહજી (૧૮૫૮–૧૮૯૬) ૧૧-એપ્રીલ ૧૮૭૦ – ૨૯ જાન્યુઆરી ૧૮૯૬ ઠાકોર સાહેબ
- ૯ ભાવસિંહજી(બીજા) તખ્તસિંહજી (૧૮૭૫–૧૯૧૯) ૨૯-જાન્યુઆરી ૧૮૯૬ – ૧-જાન્યુઆરી ૧૯૧૮ ઠાકોર સાહેબ
૧ જાન્યુ ૧૯૧૮ – ૧૭ જુલાઇ ૧૯૧૯ મહારાજા રાઓલ - ૧૦ કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી (૧૯૧૨–૧૯૬૫) ૧૭-જુલાઇ ૧૯૧૯ – ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ મહારાજા રાઓલ
- ૧૧ વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ (૧૯૩૨–૧૯૯૪) ^ ૧-એપ્રિલ-૧૯૬૫ થી ૨૬-જુલાઇ-૧૯૯૪ મહારાજા રાઓલ
- ૧૨ વિજયરાજસિંહજી વિરભદ્રસિંહજી ગોહીલ (૧૯૬૮) ^ ૨૬-જુલાઇ-૧૯૯૪ થી હાલમાં જીવિત મહારાજા રાઓલ
જાણીતા કારભારીઓ ———–
- પરમાનંદદાસ મહેતા
- ગૌરીશંકર ઉદયશંકર ઓઝા (૧૮૪૬ – ૧૮૭૭)
- શામળદાસ પરમાનંદદાસ મહેતા (૧૮૭૭–૧૮૮૪)
- વિઠ્ઠલદાસ શામળદાસ મહેતા (૧૮૮૪–૧૯૦૦)
- પ્રભાશંકર દલપતરામ પટ્ટણી (૧૯૦૦ –૧૯૩૭)
- અનંતરાય પ્રભાશંકર પટ્ટણી (૧૯૩૭ – જાન્યુવારી ૧૯૪૮)
રાજ્ય-વ્યવસ્થા
ઇ.સ. ૧૯૧૮માં સ્થાનિક સ્વશાસન લાવવાના હેતુથી ભાવસિંજી બીજા દ્વારા ભાવનગર સુધરાઈનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા થાય એ માટે એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવ મુજબ સુધરાઇના વહીવટની દેખરેખ માટે ૩૦ સભ્યોની સમિતિની રચના દરબાર શ્રી દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં દસ સભ્યો દરબારશ્રી તરફથી નિમવામાં આવતા અને બાકીના ૨૦ સભ્યોને લોકશાહી ઢબથી ગુપ્ત મતદાન દ્વારા ચૂંટી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ૨૦ સભ્યો માંથી ૧૭ સભ્યોની વોર્ડવાર ચૂંટણી થતી જ્યારે બાકીના ત્રણ સભ્યો ખાસ વર્ગના મતદાતાઓ જ ચૂંટી શકતા. આ ખાસ વર્ગમાં નીચે પ્રમાણેના લોકોનો સમાવેશ થતો.
- ઓનનરી મેજીસ્ટ્રેટ્સ
- વિશ્વવિદ્યાલયના ફેલો અને સ્નાતકો
- હાઇકર્ટના એડવોકેટ્સ અથવા સોલીસીટર્સ અથવા રાજ્યની પ્રથમ દરજ્જાના સનદી વકીલો
- આકારણિકારો
- ભાવનગર રાજ્યના ભાયાત અને મુળ ગરાસિયા
- મહિને રૂ ૫૦થી વધારે પગાર મેળવતા રજવાડાના કર્મચારીઓ અને સ્ટેટ રેલ્વેના કર્મચારીઓ
- મહિને રૂ ૨૫થી વધારે પેંશન મેળવતા કર્મચારીઓ
મતદાન ૧૮ વરસથી વધુ વયની વ્યક્તિ કરી શકતી અને મતદાન યાદી દર વરસે બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવતી.
ભાવનગરના રાજાનો એક કિસ્સો ———
રાજા એક દિવસ ગોરા અમલદાર સાથે બેઠા’તા. ત્યા ઍક ભિખારી મહેલ ના દરવાજા પાસે આવ્યો કે જ્યા બોરડી ઍના બૉર થી છલકાતિતિ.. ઈ ભિખારી ઍ ઍની ભૂખ મટાડવા માટે બોરડી પર પથ્થર માર્યો અને ઈ પથ્થર મહારાજા ને માથા મા લાગ્યો.. ભિખારી ની ધરપકડ કરીને રાજા સામે લાવવામા આવ્યો….. રાજા ઍ બધી હકીકત જાણી અને ભિખારી ને પુછ્યુ કે બોરડી માથી તને કેટલા બૉર મળ્યા? ભિખારી ઍ કહ્યુકે ઍક ખોબો ભરાય ઍટલા બૉર મળ્યા !
રાજા ઍ પ્રધાનને આદેશ આપ્યો કે આ માણસ ને ઍક ખોબો ભરીને સોના-મહોર આપી દ્યો.
રાજા ના આદેશ થી ગોરાઓ અચરજ પામ્યા અને કહ્યુ કે આ માણસને તો દંડ આપવો જોઇઍ અને તમે ઍને ઈનામ આપો છો ? ત્યારે મહારાજા ઍ ગોરાઓ ને જવાબ આપ્યોતો કે “જો ઍક બોરડી ઍક પથ્થર મારવાથી મુઠ્ઠી ઍક બૉર આપી શક્તી હોય તો હૂ તો આ પ્રજા નો રાજા કહેવાવ. ઍણે મને પથ્થર માર્યો ઍટલે મારે ઍને મુઠ્ઠી ઍક સોના-મહોર તો આપવી જ જોઇઍ”. આવા પ્રજા-વત્સલ હતા આપણા રાજવીઓ…!
મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી —–
મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯ મેં ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમની જન્મજયંતીએ પ્રત્યેક ભાવેનાવાસીને નત:મસ્તક વંદન છે, તેઓ એક પ્રજાવત્સલ હતા તેમને પ્રજા પ્રત્યે ખુબ જ પ્રેમ હતો.
ભાવસિંહજી ઈ.સ. ૧૯૧૯માં મૃત્યુ પામ્યા ત્યારે રાજકુમાર કૃષ્ણકુમારસિંહજી નાની વયના હતા, એટલે દિવાન પ્રભાશંકર પટણીએ એમને તાલીમ આપવાની જવાબદારી લીધી. પુખ્ત વયના થતા ઈ.સ.૧૯૩૧મા કૃષ્ણકુમારસિંહજી ગાદીએ બેઠા.
ભારત ને આઝાદી મળી પછી કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરીને પોતાનું રાજ્ય દેશને અર્પણ કરી દીધું. એની કદરરૂપ સૌરાષ્ટ્રે રાજ્યના ઉપ-રાજપ્રમુખ પદ એમને આપવામાં આવ્યું. પછી મદ્રાસના ગવર્નર તરીકે એમની નિમણુક કરવામાં આવી. આવા હોદ્દા ઉપર માત્ર ૧ રૂપિયાનો પગાર લઈ એમને સેવા આપી અને મદ્રાસના લોકોની ચાહના મેળવી.
કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાહિતના ઘણા કામો કર્યા હતા જેમ કે
૧) રાજ્યના દેવાદાર ખેડૂતોનું લાખો રૂપિયાનું ચઢેલુ દેવું તેઓએ સાવ માફ કરી દીધું. આ ઉપરાંત ખેડૂતો પર શાહુકાર-વેપારીનું લેણું હતું એ પણ ખેડૂતો વતી રાજાએ ભરપાઈ કરી દીધુ આ લેણું રૂપિયા ૨૨ લાખથી વધુ હતું. આજ સુધી માં પ્રજા માટે આવી ઉદારતા ભારતના બીજા કોઈ રાજાએ બતાવી નથી.
૨) ગામનો વહીવટ ગામની પ્રજા જ કરી શકે એ માટે ગામ પંચાયત શરૂઆત પણ એમના સમયમાં થઈ. જુના સવાર ગામમાં ઈ.સ.૧૯૨૪માં પહેલી ગામ પંચાયત થાય હતી. આ કામમાં સ્વ.ઠક્કરબાપા, બળવંતરાય મહેતા અને બીજા ઘણા પ્રજાસેવકો મદદરૂપ બન્યા.
૩) ખેતીની સિંચાઈ માટે અનેક કુવા-તળાવ બનાવ્યા.
૪) પીવા માટે ચોખું પાણી મળી રહે એ માટે ભાવનગરમાં ફિલ્ટર શરુ કરાવ્યું.
૫) શહેરમાં ગંદકી ના થાય એ માટે ભૂગર્ભ ગટર યોજના પણ કરાવી.
દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણ કુમાસિંહજી હતા.
આઝાદી પછી સૌરાષ્ટ્રના નવા રાજ્યની રચના થઈ, ત્યારે ભાવનગર રાજ્ય ઉપરાંત પાલીતાણા, લાઠી, વળા(વલભીપુર), સોનગઢ, લાખાપાદર વગેરે થાણાઓ ભેગા કરી ગોહિલવાડ નામનો જીલ્લો રચાયો. આ જીલ્લામાં એ પછી ઈ.સ. ૧૯૫૯માં થોડો ફેરફાર કારવામાં આવ્યો અને તેને ભાવનગર જીલ્લો નામ અપાયું .
તો આવો છે ભાવનગરનો ઇતિહાસ.
અત્યારનું ભાવનગર એ આધુનિક અને ખાણીપીણી અને અદ્યોગિક સહારે બની ગયું છે એનો વિકાસ બહુજ ઝડપથી થઇ રહ્યો છે, આમાં ભવનગરના લોકોનો ફાળો બહુજ અગત્યનો છે. એક સારું આદ્યોગિક શહેર બની ગયું છે
ટુંકમાં ભાવનગર એક અલગ જ મિજાજ વાળું અને એક આગવી પ્રતિભાવંત અને નવીન વિચારસરણી ધરાવતું શહેર છે !!! ફરસાણ અને મિષ્ટાન સાથે પણ ભાવનગરી શબ્દ જોડાયેલો છે આવું શહેર જોવું અને માણવું એક લ્હાવો છે
——- જનમેજય અધ્વર્યુ.