‘પરકમ્મા પુસ્તકના પાના પર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ‘બંદૂકો આવી અને બહાદૂરો રડયા.’ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની ગોળીઓની રમઝટથી નહીં પણ પોતાના બળુકા હાથમાં રમતી તાતુકી તલવાર અને ભમ્મરિયાળા ભાલાની તાકાત, કાંડાબળનું કૌવત હવે કોને બતાવશું ?’ એવા વિચારથી રડયા હતા.
સૌરાષ્ટ્રના શૂરવીરોના હાથમાં ગઈકાલ સુધી રમતો ભાલો એ ભારતીય શસ્ત્ર છે. યુધ્ધ- ધીંગાણામાં વપરાતો ભાલો સ્વબચાવ માટેનું હથિયાર છે. શસ્ત્ર અને અસ્ત્ર ગણાતો (વાર કરી શકાય અને ફેંકી શકાય) ભાલો પ્રાચીન હથિયાર હોવાથી સંસ્કૃત સાહિત્યમાંથી એના અનેક ઉલ્લેખો અને વર્ણનો પણ મળે છે.
છ-સાત ફૂટ લાંબી લાકડી ઉપર પોલાદ, લોઢું, ગજવેલ કે તાંબાનો અણીદાર ભાલો લગાડવામાં આવે છે. ભાલાની લાકડીના બીજા છેડે લોઢાનો ગોળ દડો હોય છે. એને કારણે ભાલાનું સમતોલપણું જળવાઈ રહે છે. વધુ વજનદાર ભાલા યુધ્ધમાં ઘા કરીને મારવા માટે ખાસ પ્રકારે કાઠિયાવાડના લુહારો અને રાજસ્થાનના લુહારિયાઓ પાસે બનાવરાવીને રાજપૂતો અને કાંટિયાવરણ ગણાતી કોમોના લોકો પોતાના ઘરમાં રાખતા. ઘણીવાર આખો ભાલો લોઢામાંથી બનાવવામાં આવતો. કદમાં નાનાં ભાલાં ‘સીંગ’ના નામે જાણીતાં હતાં. યુદ્ધ-ધીંગાણે જતા ઘોડેસ્વાર શૂરાઓ હાથમાં ભાલો રાખતા. એ ભાલાની અણી નીચે ક્યારેક ધજા પણ લગાડવામાં આવતી. આ ધજા યોધ્ધાની કે લશ્કરની ઓળખ કે નિશાની બની રહેતી.
પ્રાચીન ભારતમાં શસ્ત્રો બનાવવાની વિદ્યા અને શાસ્ત્રો હતાં. શાસ્ત્રીય પદ્ધતિએ તમામ હથિયારો બનતા. અભણ લુહારો અને કારીગરો શાસ્ત્રો ભણ્યા વિના કોઠાસૂઝથી યુદ્ધ-ધીંગાણામાં વપરાતાં હથિયારો બનાવતા. દેશી રજવાડાઓના સમયમાં હથિયાર બનાવનારા લુહાર કારીગરો અને એને સરાણ પર સજીને ધારદાર બનાવનારા સરાણિયાઓને પોતાના નગરમાં વસાવતા. બારેય મહિના એમનો વ્યવસાય આવાં હથિયારો બનાવીને રાજ્યના લશ્કર માટે પૂરાં પાડવાનો રહેતો.
જૂના કાળે તલવાર, બરછી અને ભાલાં ભૂમિયુદ્ધના મુખ્ય હથિયારો હતાં. બંદૂકો તો પાછળથી આવી. મહાભારતના સમયમાં ભાલા ‘કુંત’ના નામે ઓળખાતા. તેમાં કંઠવર્ત, કંકણા, મુષ્ઠાવર્ત, કક્ષાવર્ત અને તર્જન્યવર્ત એમ પાંચ વિભાગો અને આ પ્રમાણેના ત્રણ પ્રકારો રહેતા.
(૧) ગજકુંત – આ ભાલો હાથી ઉપર બેસીને યુદ્ધ સમયે ઉપયોગમાં લેવાતો.
(૨) અશ્વકુંત – આ ભાલો ઘોડેસ્વાર યોધ્ધાઓ યુદ્ધ-ધીંગાણે વાપરતા.
(૩) પદાતિ કુંત – આ ભાલાનો ઉપયોગ પાયદળ યોધ્ધાઓ, યુદ્ધ પ્રસંગે કરતા.
‘અભિલાષિતાર્થ ચિંતામણ’ માં હાથી અને ઘોડા ઉપરથી ઉપયોગમાં લેવાતા ‘કુંત’ માટે ગજકુંત, અશ્વકુંત અને પદાતિકુંત એવાં નામો મળે છે. આવા કુંત અર્થાત્ ભાલાનું ફળું અણીદાર રહેતું. એનો ઘા ઊંડે સુધી વાગતો હોવાથી ઘવાયેલા યોધ્ધાને ઝાઝો સમય પડદે (આરામમાં) રહેવું પડતું. આ ઘા ઝડપથી રુઝાતો નહીં.
લાકડી ઉપર જડવામાં આવતા ખોળીવાળા, આંટાળા કે અણિયાળા ભાલાની લંબાઈ અને આ આકાર-પ્રકારમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આવા ભાલા ભલ્લ, સલ્વ, શિલ્લ વગેરે નામે ઓળખાતા ‘તોમર’ પણ ભાલાના જેવું જ આયુધ હોવાનું જણાય છે. ત્રિશૂળ પણ આ જ કુળનું આયુધ ગણાય છે. હથિયાર શોખીનો આજે ઘરમાં રક્ષણ માટે જે ભાલાં રાખે છે તે યુદ્ધના ભાલા કરતાં જુદા પ્રકારના અને નાના હોય છે અને લાંબી લાકડીના છેડે કુંડલીમાં આંટાળું ફળું લગાડેલું હોય છે.
મધ્યકાળે રાજપૂત યોધ્ધાઓના ભાલા બહુવિધ પ્રકારનાં હતાં. પ્રાચીન સમયના હાથીદાંત જડેલા અને મનોહર નકશીકામ વાળા ભાલાના ડંડા મળ્યા છે. ભાલાને મળતું બીજું હથિયાર ‘નેજો’ ગણાતું. એનું ફળું ઘણું નાનું રહેતું. ઘોડેસ્વાર યોધ્ધાઓ આવા નેજા હાથમાં ફેરવીને શત્રુઓ ઉપર છૂટા ફેંકતા. યુધ્ધ- ધીંગાણે કે પવાડા પ્રસંગે શૂરવીરો ઘોડેસ્વાર થઈનેૈ ચક્કર ફેરવીને ભાલાનો ઘા કરતા. પાવરધા યોધ્ધાનો તાકાતથી વછૂટેલો ભાલો દુશ્મનની છાતીમાં કે ઘોડાની પીઠમાં પરોવાઈ જઈ આરપાર નીકળતો એમ શ્રી ગાયત્રીનાથ પંત નોંધે છે.
આવો જ એક રોમાંચક પ્રસંગ ‘ઊર્મિ – નવરચના’ માસિકમાં શ્રી મોટાભાઈ વૈદ્યે આલેખ્યો છે. જસદણ દરબાર જીલુભાઈ ઘોડા ઉપર જોડિયા પગે ઊભા થઈ જતા અને ભૂંડની પાછળ પોતાના ઘોડાને તગેડતા. પછી દોડતા ઘોડે પોતાના પંજાની આંગળિયો પર ભાલાને ફેરવીને ઘા કરતા અને એકજ ઘાએ ભૂંડને ભોં માથે જડી દેતા.
ચારણોના આશ્રયદાતા પરાક્રમી રાજપૂતો અને એમના ભમ્મરિયા ભાલાના કવિતો ચારણી સાહિત્યમાંથી ભરપટે પ્રાપ્ત થાય છે. ઉદેપુરના મહારાણા ભીમસિંહના ભાલાનું વર્ણન શ્રી રતુદાન રોહડિયાના સંગ્રહમાંથી પ્રાપ્ત થયું છે.
સમરવતી જા બીજ વરસાળ રા સાર
સૌ ઝાળ રા વભજા અસૌ ઝાળૌ
તેજ પુંજ ભાલરા નયણ તીજા તસૌ
ભભજા કાળ જસૌ ભાલાં.
અર્થાત્ ઃ વર્ષાઋતુની વીજળીની લપટ સમાન, અગ્નિની જીભ જેવો, શિવના ત્રીજા નેત્રના પ્રકાશસમાન અને કાળના ભત્રીજા જેવો આ ભાલો છે.
ડગે પગ લગાં જાણે ભૂજંગ ડાંડિયૌ
સુરંગ રંગ ચાડિયો શ્રોણગારી
વાર બરછી કહી ખળાં વિપ વાંડિયૌ
બીનડી કાડિયૌ હાથબારી.
અર્થાત્ ઃ એ ભાલો કેવો છે ? જેના પ્રહારથી શત્રુઓ, સર્પ ડસ્યો હોય એમ લડથડી પડે છે. લોહીનાં લાલ રંગે રંગાયેલો છે. ભાલો જ્યારે શત્રુઓના શરીરને વીંધીને પેલી પાર નીકળી જાય છે ત્યારે તે બારી બહાર નીકળેલા નવવધૂના હાથ જેવો રૂડો લાગે છે.
નાગ જુટો કિના નિસા તૂટો નખત
ચાગં સૂં બાણ, ખૂટો ચલાવૈ
કૂંત છૂટો અઠો હુંત જમકો ધકો
ઊઠી ફૂટો થકો નજર આવૈ.
અર્થાત્ ઃ શું નાગ આવી ચોંટયો છે કે પછી રાતવેળાનો આકાશનો તારો તૂટયો છે ? કે પછી મત્સ્યવેધવેળાનું અર્જુનનું બાણ છે ? આ ભાલો છૂટયો છે કે યમરાજનો ધક્કો છે ? કેમ કે જયાં નજર કરી ત્યાં વેરી વિંધાઈ ગયેલા જ દેખાય છે.
અનડ ધડ કુરાડા રામ અણનાણ રૈ
તાણ જૈ સરાડા કરણ તંહો
બૈરિયાં બરાડા પાડ વખાણ જૈ
જાણ જે મુરાડા ભૂત જૈ હો.
અર્થાત્ ઃ વીરો પર પરશુરામની ફરસી જેવો, રાજા કરણના બાણ જેવો અને વેરીઓ જેની મોટેથી બૂમો પાડીને પ્રશંસા કરે છે એવા ભૂંરાટા થયેલા ભૂત જેવો એનો ભાલો છે.
બજર પડિયાળ બાગાં બજર બેઢરી
ભવાની ચકર ભડિયાળ ભાળા
ફોડ કડિયાળ પૈલી તરફ ફરાહરે
અસૌ છડિયાળ ભીમેણ ભાલો.
અર્થાત્ ઃ સંગ્રામના નગારાં વાગતાં જે શત્રુઓ ઉપર વજ્રની માફક પડે છે, તેને તમે ભવાનીના ચક્રસમાન જાણો. બખ્તરોની કડીઓ તોડીને તે વેરીઓની કાયા વીંધીને આરપાર ચમકે છે એવો રાણા ભીમસિંહનો ભાલો છે.
તણ અડસ ઉદૈપુરનાથ સરજીત રો
ભક ઉડણ બાજરો છૂટણ ભાંજો
અજબ અણિયાં ભમર સાલ ખળ આજરો
ગજબ જમરાજ રો કંવર ગાંજો
ઉદયપુરના ધણીનો એ ભાલો બટેરવા પાછળ છૂટેલ બાજ જેવો અજાયબપણે સંગ્રામપ્રિય, શત્રુઓને આજે જે અપ્રિય છે તેવો તથા દારૂણ એવા યમરાજના પુત્રરૂપ છે.
દુધારૌ ભુજાં દરસાય દીવાણ રૈ
જાંણ રે આપ છબ છટા જાગી
ખૂંધા રત દમંગ ઝડવાય ખુરસાણ રૈ
લાય સુરતાણ રૈ જાય લાગી.
મહારાણા પ્રતાપના હાથમાં ભાલો જોવામાં આવે છે. જાણે મહારાણાની ખુમારીવંત છબીની છટા જાગે છે. એ ભૂખ્યો ભાલો, ખોરાસાણી યોધ્ધાઓના વિપુલ રક્તને વહાવે છે. એની બળતરા છેક દિલ્હીના બાદશાહના કાળજે જતી વાગે છે.
રાજકોટ પાસે આવેલા બોડીઘોડી ગામના કેસરીસિંહ જાડેજાના ભાલાનું કવિત મૂળીના ચારણ કવિ રવિરાજસિંહ ઢાયએ રચ્યું છે. જે રતુદાન રોહડિયા પાસેથી સાંપડયું છે.
ગરૂર કો ઝપાટ કે ગદા ઘાવ ભીમ હુંકો
જોધ વીરભદ્ર કે જાલીંધર વક્ર જુટો હે
કોપ હે અગસ્તકો કે શિવકો પિનાક કીંધો
ફાલ હનુમંત કો અવાજ મક્ર ફૂટયો હે
કાલીકો ત્રિશૂલ કે કરાલ દાવ કાલ હુંકા તોરવ મેં પર્વત જયું વજ્ર શક્ર તૂટયો હે
બાન કે હરિકો થાય કુંજર એ
ભાલો કે હરિકો હરિકો ચક્ર છૂટયો હે
અર્થાત્ ઃ કવિએ કેશરીસિંહના ભાલાને કવિએ ગરૂડની ઝપટ ભીમની ગદા, વિકટ એવા વીરભદ્રનું જલંધર સાથે આથડવું, અગસ્ત્યનો કોપ, શિવના પિનાક, હનુમાનની છલાંગ, પાતાળ ફૂટવાનો અવાજ, કાળ, કાલિકાનું ત્રિશૂલ, મૃત્યુના દાવ, સમુદ્રમાં મૈનાક પર ઇન્દ્રના વજ્રનો ઝપાટો, અર્જુનનું બાણ, હાથી પર સિંહના પંજાનો પ્રહાર અને વિષ્ણુના છૂટેલા ચક્ર – એ સર્વની ઉપમા આપી છે.
આમ ભમ્મરિયો ભાલો લોકજીવનમાં યુધ્ધ અને શિકારના હથિયાર તરીકે પ્રાચીનકાળથી જાણીતો છે. ગામડા ગામમાં આજે પણ રક્ષણ માટેના હથિયાર તરીકે ભાલો મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. લુહાર કારીગરોએ ભાલાના જાતજાતનાં આકારો સર્જીને પોતાની કળાદ્રષ્ટિને પોષી છે. લડાઈ ઉપરાંત, રજવાડાના સમયમાં પોલોની રમતમાં, ભૂંડનો કે શિયાળિયાંનો શિકાર કરવામાં ભાલાનો ઉપયોગ થતો. લોકગીતો અને ઉખાણામાં પણ ભાલો કયાંક કયાંક દ્રષ્ટિગોચર થાય છે.