પ્રાગઃઈતિહાસની રચના ભૂતકાળના દ્રવ્યગત સાધનોને આધારે થાય છે. સૌરાષ્ટ્રમાં માનવજીવનની અવસ્થા અંગે રંગપુર ખાતે જે અવશેષો મળે છે તે ઉપરથી જણાય છે કે નગરજીવનની અવસ્થાએ પહોંચેલા લોકો સિંધમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યાં, તે પહેલાં આ લોકો પાષાણયુગના ઉત્તરકાળમાં હતાં. પંડિત માધવાસ્વરૂપવત અને ડેકકન કોલેજના પ્રો. ધૂર્યના મત અને ભારત સરકારના પુરાતત્વ વિભાગના સંશોધન ઉપરથી લાગે છે કે ઇસ્વીસન બે હજાર વર્ષ પૂર્વે સિંધુની સંસ્કૃતિ સૌરાષ્ટ્ર પ્રદેશના છેક અંદરના ભાગો સુધી પ્રસરી હતી. સિંધુ સંસ્કૃતિનાં પ્રતીતિ કરાવતા અવશેષો વીસ સ્થળોથી મળી આવે છે. સૌરાષ્ટ્રમાં પ્રવેશવા માટે ઉત્તર ગુજરાત રાજપૂતાના થઇને સિંધુ, પંજાબ સાથે સાંકળતો માર્ગ પ્રાચીન સમયથી ખૂબ જ ઉપયોગી રહ્યો હોય તેમ જણાય છે.
આ પ્રદેશમાં પ્રાચીનકાળે દાસ, દસ્યુઓ, નાગો, દ્રવિડો, દાનવ, રાક્ષસ, અસુરો કે અનાર્ય જેવી મૂળનિવાસી પ્રજાની વસાહતો હતી. આ અનાર્ય પ્રજાએ વાણિજય, વહાણવટું, જયોતિષ વૈદું, વસ્ત્રવિદ્યા, સ્થાપત્ય, નૃત્ય, કલા, કૌશલ્ય અને વિજ્ઞાનની સુવિકસીત ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું. અનાર્યોનું વહાણવટું નાગજાતિના રાજા વાસુકિના હસ્તક હતું. તેમનાં દ્વારા દેશ-વિદેશોમાં સાગર વ્યવહારનું સંચાલન થતું, તેથી આ ક્ષેત્રને સાગરતીર્થનું બિરુદ આપવામાં આવ્યું છે. લોકો સાગરને જીવનનો આદિસ્તોત્ર માની પૂજન-અર્ચન કરતા. આ પ્રદેશમાં સાગરે શાશ્વત રમ્યતાનું, વિશાળતાનું અને સાહસનું આગવું સર્જન કર્યું છે. આથી જ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં સૌરાષ્ટ્રની પ્રજાને વ્યાપાર તથા શસ્ત્રો ઉપર જીવવાવાળી પ્રજા તરીકે ઓળખાવી છે.
પૌરાણિક આખ્યાયિકા પ્રમાણે વૈવસ્વત મનુના એક પુત્ર શર્યાતિને આ પ્રદેશ, રાજયાસન માટે મળ્યો. એનાં પુત્ર આનર્તે કુશસ્થળીમાં રાજધાની સ્થાપી. આનર્તોનાં પુત્ર રોચમાન એનો પુત્ર રેવ, એનો પુત્ર રેવત કુકર્મી થયો. એ રેવતરાજાની રાજધાનીનો પુણ્યજન નામના રાક્ષસકુળે નાશ કર્યો.
ઈ.સ. ૧૫૦૦ થી ૫૦૦ વચ્ચેના આરસમાં શ્રી કૃષ્ણ મથુરા ત્યજી સાત્વત, યાદવ, આહિર, ભરવાડોના સમૂહો સાથે પંજાબ અને સિંધના સમુદ્રમાર્ગેથી આ પ્રદેશમાં પ્રવેશી રેવતરાજાની ઉજજડ ખંડિયર કુશસ્થળીનગરી ઉપર ઇ.સ. પૂર્વે ૩૧૬૨માં દ્વારિકાનું નવનિર્માણ કરી અતિધનાઢય નગરી તરીકે પ્રસિદધ કરી. શ્રી કૃષ્ણનાં નેતૃત્વથી આ પ્રદેશમાં ગણરાજયની લોકશાહી પ્રથા, ગોપસંસ્કૃતિ,પૌત્રવધુ ઉષાનું લાસ્યવૃત્ત, સંગીત, ચિત્રકલા, રાસ, ઋતુ, ઋતુઓનાં ધાર્મિક ઉત્સવો, મેળાઓ, આદર, આતિથ્યને,ઔદાર્ય મળ્યા. તેથી પ્રાદેશિક સંસ્કૃતિકરણ ઘણું વ્યાપક બન્યું. ઇ.સ. પૂર્વે ૩૦૪૪ના મહાભારતના યુધ્ધ પછી છત્રીસ વર્ષે પ્રભાસમાં યાદવો પરસ્પર લડીને, યાદવાસ્થલીથી અને શ્રી કૃષ્ણનાં દેહોત્સર્ગથી યાદવસત્તા અસ્ત પામી. શ્રી કૃષ્ણકાલ પછી આ પ્રદેશની ભૂરચનામાં આમૂલ પરિવર્તન થયું. દ્વારકાએ પ્રાગૈતિહાસિક સમયનું પાટનગર કહેવાયું.અફઘાનિસ્તાનમાંથી ઇ.સ. પૂર્વે ત્રીજી સદીના શ્રી કૃષ્ણ અને બલરામના પ્રાપ્ત સિકકા ઉપરથી શ્રી કૃષ્ણ બે હજારથી વધારે વર્ષ પ્રાચીન પુરવાર થાય છે. આ યુગમાં નો પ્રવાસી અગત્યજીએ શાંતિ નૌકાસૈન્યનું નિર્માણ કરી, બ્રહ્મદેશ-સિંગાપુર, જાવા, શિયામ, મલાયા, કંબોડિયા અને બોર્નિયો વગેરે ટાપુઓમાં જઇ ભારતીય સંસ્કૃતિને પ્રસ્થાપિત કરી હતી. પ્રાચીન ભારતના મુખ્ય માર્ગોને પેટા માર્ગોના પ્રમાણભૂત ગ્રંથે “સાર્થવાહ’ ગણાયો છે. તે અનુસાર વરણાવતથી દક્ષિણ દિશા તરફ જતો મુખ્યમાર્ગ મથુરા પુષ્કર થઇને પાટણ(ગુજરાત) સુધી આવતો, ત્યાંથી તેનાં બે ફાંટા પડે છે એક પાટણથી દ્વારકા અને બીજો ભરૂચથી સરત થઈ ઠેઠ દક્ષિણમાં પહોચે છે. સૌરાષ્ટ્રમાં આજના કુવા, વાવ, વાપિઓ પ્રાચીન ધોરી માર્ગના નિર્દેશસ્તંભો છે.
ઈ.પૂ. ૪૮૩નાં અરસામાં સિંહપુર-શિહોરના સિંહબાહુના રાજપુત્ર વિજય સપરિવાર શૂપારક સુપારા થઇ ભારતની દક્ષિણે આવેલાં તામ્રપર્ણી સિલોન દ્વિપમાં સાંસ્કૃતિક પ્રભા મેળવી,રાજવી બની,આડત્રીશ વર્ષ રાજય કર્યું. પોતાના પિતા સિંહબાહુના નામ ઉપરથી એ પ્રદેશનું નામ સિંહલદ્વીપ રાખ્યું. સૌરાષ્ટ્ર અને સિલોનનો આ સાંસ્કૃતિક સબંધ આજે પણ સૌરાષ્ટ્રમાં ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’ એ કહેવતરૂપે પ્રસિધ્ધ છે.
ઈ.સ. પૂર્વે ૩૧૯માં ભારતવર્ષના નાના રાજયોમાં ગ્રીકના એલેકઝાંડરની ગ્રીકસત્તાને નામશેષ કરી, મૌર્ય સામ્રાજય અસ્તિત્વમાં આવ્યું. આ સમયગાળામાં ચન્દ્રગુપ્તના રાષ્ટ્રીય પુશ્યગુપ્ત વૈશ્ય જુનાગઢમાં સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. અશોકના સુબા તુશાસ્તે આ જળાશયને વિસ્તૃત કરી તેમાંથી ખેતી માટે નહેરો કઢાવી હતી. મૌર્યકાળમાં લખાયેલાં કૌટિલ્યનાં અર્થશાસ્ત્રમાં જણાવ્યાનુંસાર સૌરાષ્ટ્રમાં એ કાળે ઉત્તમ પ્રકારનો કપાસ પાકતો હતો. વેપાર, વાણિજય, વહાણવટું, ખેતી,પશુપાલન આબાદ હતાં. સુખ, સંપત્તિ ને સમૃધ્ધિ હતી. પીતનું વાવેતર સામાન્ય હતું. પ્રજા લડાયક અને કલાપ્રિય હતી. આ પ્રદેશના જંગલોમાં નાના કદના હાથીઓ પણ હતા. અશોકના શાસનકાળમાં જુનાગઢ ગિરનારના માર્ગ ઉપર એક વિશાળ ખડક પ્રાકૃત ગદ્યમાં ને બ્રાહ્મીલીપીમાં પ્રજાની માહિતી માટે રાજયાજ્ઞા કોતરી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. તે અશોકનો શિલાલેખ ગુજરાતનો ઐતિહાસિક કાલનો સહુથી પ્રાચીન અભિલેખ મનાય છે. સૌરાષ્ટ્રનાં સપ્રમાણ ઇતિહાસનો પ્રારંભ મૌર્યકાલથી થાય છે. જુનાગઢ ઐતિહાસિક યુગનું પાટનગર ગણાયું છે.મૌર્યકાળમાં મેગેસ્થની નોંધ છે કે: “સૌરાષ્ટ્રની રાજધાની સમુદ્ર તીરે છે. તેનાં રાજા પાસે ૧૬૦૦ હાથી, દોઢ લાખનું પાયદળ અને પાંચ હજારનું હવાયદળ છે. આ નગર વ્યાપારનું કેન્દ્ર છે, ત્યાંથી સ્થાનિક બનાવટનો માલ ગ્રીસ,મિસર વગેરેમાં જતો. અહીં સોનું, ચાંદી અને અન્ય ધાતુઓ પ્રાપ્ત થતી”.
અશોકના શાસન બાદ શૃંગવંશ આવ્યો. એનાં પછી ઇ.સ.પૂર્વે ૧૮૦ થી ૧૦૦ સુધી બેકટ્રીયન ગ્રીકોની સત્તા સ્થપાણી. તેનાથી બે મહાન સંસ્કૃતિનો સમન્વય થયો. સૌરાષ્ટ્રમાં શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય, નાટય, સંગીત, ધર્મ, તત્ત્વજ્ઞાન, રાજનીતિ,વિજ્ઞાન, રમતગમત, વ્યાયામ, ઘોડેશ્વારી, પહેરવેશ વગેરેમાં ગ્રીકનું પ્રભુત્વ છવાયું. –
ઈ.સ.પૂર્વે ૮૦ની આસપાસ એશિયામાંથી ઉતરી આવેલાં શકોએ ગ્રીકોને પરાજય આપીને આધિપત્ય મેળવ્યું, ત્યારે સૌરાષ્ટ્ર ઉપર આંધ્રસમ્રાટ ગૌતમીપુત્રનો અધિકાર હતો.ઇ.સ. ૧૩૦ની આસપાસ ગૌતમીપુત્ર સાતકરણીને પરાજીત કરી, મહાક્ષત્રપ ચેસ્ટને – ઇ.સ. ૭૮માં સત્તા સ્થાપી, શક સંવત પ્રવર્તાવ્યો. શકોને ઇરાનમાંથી સૌરાષ્ટ્રને માર્ગે જેના કાલકાચાર્ય તેડી લાવ્યાની એક માન્યતા પ્રવર્તે છે. શકકાળ દરમ્યાન વેપાર, વાણિજય, વહાણવટા, સંગીત, નૃત્ય, અર્થશાસ્ત્ર, શબ્દવિદ્યા, શસ્ત્રવિદ્યા, અશ્વોની રમતો, કુસ્તી, – પટ્ટાબાજી, પશુ-પ્રાણી પરીક્ષા વગેરેનો ખૂબજ વિકાસ થયો. પ્રજા ધન્ય ધાન્ય સંપન્ન, સુંદર નિવાસોવાળી, શાંત અને સંતોષી,ઉચ્ચ સંસ્કારોવાળી, સમૃધ્ધશીલ હતી. મહાક્ષત્રપ રુદ્રદમન યુધ્ધવીર,વિદ્વાન કલાવિદ્ અને ઘણાં વિષયોમાં પારંગત હતો. તેનાં પરાક્રમ અને દેહસૌષ્ઠવને લીધે અનેક રાજકુંવરીઓએ તેને પતિ તરીકે પસંદ કર્યો હતો. મહાક્ષત્રપ રદ્દદામનના સમયનો શૈલલેખ ભારતના સંસ્કૃત સાહિત્યમાં ઉચ્ચ ગદ્યનો પ્રાચીન નમૂના તરીકે પ્રસિધ્ધ છે. વંશાવળી અને સાલવારીની વિગતો પૂરી પાડતાં ક્ષત્રપ સિકકાઓ. ઇતિહાસના સાધન તરીકે અમૂલ્ય ગણાય છે. પશ્ચિમ ક્ષત્રપોના શાસનકાળ દરમ્યાન અહીં શક સંવત પ્રચલિત થયો.જે આગળ જતાં રાષ્ટ્રીય પંચાગમાં પ્રયોજાયો છે.
મહાક્ષત્રપ સ્વામી રુદ્દામન બીજાએ સમુદ્રગુપ્તનું સાર્વભૌમત્વ સ્વીકારતાં “ગુપ્તા સામ્રાજય”નો સૌરાષ્ટ્રમાં ઉદય થયો. સમુદ્રગુપ્ત પછી એનો પુત્ર ચંદ્રગુપ્ત કે જેને લોકો વીર વિક્રમ-વિક્રમાદિત્ય તરીકે ઓળખે છે, તે રાજગાદીએ આવ્યો. જે એના પિતાથી વિશેષ પ્રતાપી નીવડયો. ગુપ્ત સામ્રાજયનાં શાસનકાળમાં સૌરાષ્ટ્ર એક અતિ ધનાઢય અને સમૃધ્ધ પ્રદેશ ગણાતો હતો, ગુપ્તકાળમાં સૌરાષ્ટ્રમાં ગોપ, વીસાવાડા, બિલેશ્વર, સુત્રાપાડા, કિંદવાર, દ્વારકામાં મંદિરોનું નિર્માણ થયાનું મનાય છે.
ઇ.સ. બીજા સંકાથી આઇ-ને-અકબરીના લેખનકાળ સુધી સૌરાષ્ટ્રમાં વહાણવટાનો વિકાસ ખૂબ જ થયો હતો. સમુદ્રકિનારે નાના મોટા ૪૦ હજાર વહાણો નજરે ચડતાં. હતા.સિંધુ દ્વારા એશિયા માઇનોર સુધીનો સમુદ્રમાર્ગ અરબસ્તાન અને આફ્રિકા સુધીનાં સંબંધો ચાલુ હતાં. સરસ્વતી દ્વારા સમગ્ર ઉત્તર હિંદ, હિંદ એશિયા, નવખંડ, નવદ્વીપ, પૌરાણિક ભારત સંકળાયેલું હતું. ભારતનો પરદેશ સાથેનો સમુદ્રવ્યવહાર અને ભારતનો આંતરિક જળવ્યવહાર અને જમીનવ્યવહાર વાયા સૌરાષ્ટ્ર મારફતે થતો હતો. ઇ.સ. પૂ. છઠ્ઠી સદીથી પોરબંદર, માંગરોળ, વેરાવળ, ઘોઘા જાણીતા બંદરો હતાં. ઘોઘા બંદરના ખલાસીઓ ઉત્તમ પ્રકારના ગણાતાં હતાં. ચંદ્રગુપ્ત પછી કુમારગુપ્ત શાસન પ્રસાર્યું. તેણે ચાંદીના સિકકાઓ પ્રસિધ્ધ કર્યા હતાં.
કુમારગુપ્ત ઇ.સ.૪૧૫-૪૫૫ પછી સ્કંદગુપ્ત ઇ.સ. ૪૫૫-૪૬૮ગાદીએ આવ્યો.એણે સુરાષ્ટ્રના રાજયપાલપદે પર્ણદત્તને નિયુકત કર્યો, એનાં પુત્ર ચક્રપાલિકે સુદર્શન તળાવને પુન: સમરાવ્યું અને તેની નજીકમાં વિષ્ણુનાં મંદિરનું નિર્માણ કર્યું.
સ્કંદગુપ્તના મૃત્યુ બાદ ભાનુગુપ્તથી ગુપ્ત સામ્રાજય છિન્ન ભિન્ન થતાં,સૌરાષ્ટ્રની શાસનધૂરા સેનાપતિ ભટાર્કે સંભાળી.ઇ.સ. ૪૭૦માં સ્થાનિક રાજસત્તાનું શાસન સ્થાપ્યું.ભટાર્ક મૈત્રક કુલનો હતો. મૈત્રકો પ્રતાપી હતાં. મૌર્યકાલથી સૌરાષ્ટ્રની રાજધાની ગિરિનગર હતી તેને બદલી ભટાર્કે પોતાની રાજધાની વલ્લભીપુરમાં સ્થાપી. વલ્લભીસામ્રાજયનું નિર્માણ કર્યું. સંસ્કૃતમાં વલભીનો અર્થ “ઝરૂખો” થાય છે. અર્થાત્ આ પ્રદેશ સૌરાષ્ટ્રનો ઝરૂખો છે. વલ્લભીપુર એ પૂર્વ સૌરાષ્ટ્રના સમુદ્રતટ પર આવેલી પ્રાચીનનગરી હતી. ભટાર્ક પછી તેનો પુત્ર ધરસેન, ધરસેન પછી તેનો નાનો ભાઇ દ્રોણસિંહ, દ્રોણસિંહ પછી તેનો નાનો ભાઈ ધ્રુવસેન અને એનાં પછી તેનો નાનો ભાઇ ધરપટ્ટ ગાદીએ આવ્યો. મૈત્રક રાજાઓએ ધાર્મિક હેતુથી ભૂમિદાન દઈ એમનાં રાજવંશ તામ્રપત્રો પર કોતરાવ્યાં હોવાથી રાજાઓની વંશાવળી તથા સાલવારી પ્રાપ્ય બની છે. મૈત્રકોની કુલધર્મ માહેશ્વર હોવાં છતાં વલ્લભી, જૈન અને બૌધ્ધ ધર્મોનું પરમધામ બન્યું હતું. વલ્લભી પ્રતિષ્ઠિત આદર્શ રાજય બની સમૃધ્ધિથી અતિ ઉન્નતિને શિખરે પહોંચ્યું હતું. તેની કિર્તીધવ્જ દેશ-વિદેશોમાં પ્રસરતા ચીની મહાશ્રમણ હ્યુએનશ્યાંગે ઇ.સ. ૬૪૦માં વલભીની ખાસ મુલાકાત લીધી હતી. તેની પ્રવાસનોંધમાં લખે છે કે: “વલભીના લોકો ઘણાં બુધ્ધિશાળી છે. ભાષા બહુ શુધ્ધ છે અને લોકો વિદ્યાસંપન્ન છે. બ્રાહ્મણ અને બૌધ્ધ બન્ને ધર્મ પ્રચલિત છે. વસ્તી ઘણી ગીચ છે. અને એકસો ઉપર ઘર તો કરોડપતિઓનાં છે. દૂરદૂર દેશની તેમજ પરદેશની વસ્તુઓની અહીં મોટી વખારો છે. બૌધ્ધોનાં સો ઉપર સંઘારામ અને બ્રાહ્મણદેવોનાં સેંકડો. દેવાલયો છે. પચાસેક બૌદ્ધ વિહારોમાં ૩૦૦૦ ભિક્ષુકો રહેતા હતા”. હ્યુએનશ્યાંગનો. સમકાલીન બીજો ચીની યાત્રિક ઇત્સિંગ નાલંદા અને વલભી. વિદ્યાપીઠ એ બે સ્થળોને પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્રો તરીકે ઓળખાવે છે. વિદ્યાધામ તરીકે વલભી વિદ્યાપીઠની ખ્યાતિ દેશભરમાં પ્રસરેલ હોવાથી તેમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરતા. પ્રવેશની પરીક્ષામાં દસમાંથી બે ત્રણ વિદ્યાર્થીઓ સફળ થતા. તેઓ બે ત્રણ વર્ષ ગાળીને બૌધ્ધ, ન્યાય અને દર્શનનું ઉચ્ચ શિક્ષણ મેળવતાં. અહીંના વિદ્વાનોનાં નામો એનાં ઊંચા દરવાજા ઉપર સફેદ અક્ષરમાં લખાતા. વલભી વિદ્યાપીઠના સ્નાતકો વહીવટી ખાતાની જગ્યા ઉપર નિમાતા. એવું ગૌરવવંતુ વિદ્યાધામ હતું.
પ્રાચીન સમયમાં વલભીએ આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રસિધ્ધ બંદર હતું. વલભીમાં પ્રત્યેક પ્રકારનાં આયુધો બનતાં તથા તેની સમુદ્રમાર્ગે નિકાસ થતી. કાપડ સુતરાઉ તેમજ રેશમી પણ વણાતું અને વેંચાતું. બંદરી વ્યાપાર પુષ્કળ વિકસ્યો હતો. આ રાજયનો ત્રણસો. વર્ષનો કાળ એ સૌરાષ્ટ્રનો પ્રથમ સુવર્ણયુગ ગણાયો છે.
વલભીએ ધાર્મિક સહિષ્ણુતા અને ધાર્મિક ઉદારતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું . કલાઓનું સૌંદર્યધામ હતું. સાહિત્યની જ્ઞાનગંગોત્રી હતું. દરેક વિદ્યાઓનું વિદ્યાપાસનાનું મહાકેન્દ્ર હતું.
ધરસેન ચોથો પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમ માહેશ્વર જેવાં બિરુદો ધારણ કરનાર પ્રથમ મૈત્રક રાજા હતો. શિલાદિત્ય પાંચમાનાં શાસનકાળમાં સિંધના આરબ સૂબા જુનૈદે સૌરાષ્ટ્ર ઉપર હુમલો કર્યો, તેને નાંદીપુરના ગુર્જર રાજા જયભટ્ટચોથાની સહાય વડે શિકસ્ત આપી હતી.ઇ.સ. ૭૮૮ માં દરિયા માર્ગેથી આવેલાં આરબ હુમલાથી વલભી સામ્રાજયનો અંત આવ્યો.
વલભી સામ્રાજયનો અંત સાથે જ તેનાં માંડલિકો અને સામતો સ્વતંત્રતા ધારણ કરી. પ્રતિહારો અને રાષ્ટ્રકૂટો સત્તા હાંસલ કરવા તીવ્ર સ્પર્ધાઓ કરવા લાગ્યા. તેનાં પરિણામે સૌરાષ્ટ્ર નાનાં નાનાં રાજયોમાં વહેંચાઇ ગયો. આમ ઇ.સ. ૭૮૮ થી ૯૪૨ નાં આંતર-કાલ દરમ્યાન સૌરાષ્ટ્રમાં સર્વોપરિ સત્તા પ્રવર્તી ન હોઇ, આ કાલને અનુ-મૈત્રકકાળ તરીકે ઓળખવામાં આવે છે. ગુર્જર પ્રતિહાર રાજા વત્સરાજે અને રાષ્ટ્રકૂટોએ સૌરાષ્ટ્રનો અમુક ભાગ પોતાનાં અધિકાર હેઠળ લઇ લીધાં. રાષ્ટ્રકૂટ ઇન્દ્રત્રીજાએ સૌરાષ્ટ્રમાંથી ગુર્જર પ્રતિહારની સત્તા નષ્ટ કરી હતી. ગારુલકો, સૈન્ધવો, રાષ્ટ્રકૂટો વગેરે રાજકુળો ક્રમશ: સૌરાષ્ટ્રમાંથી અદ્દશ્ય થતાં તેમને સ્થાને જેઠવા, ચુડાસમા, ઝાલા,જાડેજા,પરમાર, કાઠી વગેરે રાજકૂળોનો રાજપૂતસમય અસ્તિત્વમાં આવ્યો.
આ રાજપૂત સમયમાં ઇ.સ. ૧૦૨૫ ને જાન્યુઆરીની ૩૦મી તારીખ ને ગુરૂવાર મહમદ ગઝનવી અફગાનિસ્તાનમાંથી રાજસ્થાનના રણ વાટે અણહિલપુર પાટણ થઈ સોમનાથ ઉપર ચડી આવ્યો. સોમનાથમાં હિંદુઓની કાળી કતલ કરી, ત્રિવેણીને લોહીથી વહેતી કરી મંદિરનો સંપૂર્ણ ધ્વંસ કરી, વીસ લાખ દિનારનો માલ મંદિરમાંથી લૂંટી કચ્છનાં રણમાર્ગે પાછો ફર્યો હતો, ત્યારબાદ ભીમદેવે સોમનાથનું પથ્થરનાં બાંધકામથી નવનિર્માણ કર્યું. ઇ.સ. ૧૨૯૯માં દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીના હુકમથી તેનાં સેનાનાયકોએ સોમનાથનો ફરીથી ધ્વંસ કર્યો. ખીલજીવંશના પતન પછી જુનાગઢના રા’ મહિપાલદેવ અને તેના પુત્ર રા’ ખેંગારે ઇ.સ. ૧૩૨૫ થી ૧૩૫૧ સુધી સતત જહેમત ઊઠાવી સોમનાથનું પુન: નિર્માણ કર્યું, ત્યારબાદ ગુજરાતના સુબા ઝફરખાને સોમનાથનો ધ્વંસ કરવા આવ્યો ત્યારે યુધ્ધમાં હમીરજી ગોહિલ અને વેગડોભીલ સોમનાથની સખાતે વીરગતિ પામ્યા ને ફરીથી સોમનાથ નષ્ટભ્રષ્ટ થયું. હમીરજી ગોહિલનો પાળિયો આજે પણ સોમનાથના પ્રાંગણમાં ઊભો છે.
સોલંકીકાળમાં કચ્છનું જાડેજા રાજય, સોરઠનું ચૂડાસમા રાજય, ધૂમલીનું જેઠવા રાજય, સોમનાથ-પાટણનું વાજા રાજય, ગોહિલવાડનું ગોહિલ રાજય ખાસ નોંધપાત્ર ગણાયા છે.
રા’ માંડલિકના પતન સાથે સોરઠનો પ્રદેશ ગુજરાત સલ્તનતમાં ખાલસા પ્રદેશ તરીકે જોડાયો.સૌરાષ્ટ્રમાં ગુજરાતની સલ્તનત સ્થપાયા પછી ઇ.સ. ૧૪૬૮ માં મહમૂદ બેગડો સોમનાથ જુનાગઢ ઉપર ચડી આવ્યો. તેને સૌરાષ્ટ્ર અતિ પ્રિય લાગ્યું. ઇ.સ. ૧૪૭૩ના અંતમાં લગભગ પાંચ વર્ષ સુધી સૌરાષ્ટ્રના યુધ્ધોમાં રહી મહમૂદ અમદાવાદ ગયો. મહમૂદનું મૃત્યુ થતાં તેનો સૌરાષ્ટ્રનો ફોજદાર મલેક અયાઝ સૌરાષ્ટ્ર પ્રદેશનો સર્વસત્તાધીશ બની બેઠો. મુઝફફરશાહ ૩જાના શાસનકાળમાં સુલતાનની હકૂમત નહિવત્ થઇ ગઇ હતી. એ સમયે અકબરે સૈન્ય સાથે ઇ.સ. ૧૫૭૩માં પાટણથી ગુજરાતમાં પ્રવેશી મુજફફરને કેદ પકડી, ગુજરાતને શહેનશાહતમાં ભેળવ્યું. આથી સૌરાષ્ટ્ર મુગલસામ્રાજયનું અગત્યનું અંગ બની ગયું. મુઝફફર દિલ્હીની કેદમાંથી ભાગી સૌરાષ્ટ્રમાં નવાનગરના જામસતાજીને આશ્રયે આવ્યો, શરણાગતના ક્ષાત્રધર્મમાટે જામસત્તાજી મોગલસેના સામે ભૂચરમોરીમાં યુધ્ધ ચઢયા. હજારોની સંખ્યામાં માનવ સામસામે લડયાં, આવું ભયાનક યુધ્ધ સૌરાષ્ટ્રમાં એ છેલ્લુ લડાયું હોવાનું મનાય છે. આજે પણ આ ભયાનક યુધ્ધની રણભૂમિ ઉપર ઉભેલાં અસંખ્ય પાળીયાઓ આ હકીકતની પ્રતીતિ કરાવે છે. સુલતાન કાળમાં ફિરંગીઓ હિંદ મહાસાગરને રસ્તે થઇ, અરબીસમુદ્રમાં સત્તા જમાવવા પ્રયત્નશીલ બન્યાં. ગુજરાતના સુલતાનોએ સૌરાષ્ટ્રનાં દીવ બંદરને નૌકાદળનું વડું મથક રાખી ફિરંગીઓની વધતી જતી દરિયાઇ સત્તા રોકવા કોશિશ કરી, પરંતુ આખરે દીવ અને દમણમાં ફિરંગી સત્તા સ્થપાઇ. સુલતાનોમાં કેટલાક ધર્મ ઝનુની હોવાથી હિંદુ વસ્તી, મૂર્તિ-મંદિર ભંજન, દોલત લૂંટ, સ્ત્રીઓની પજવણી અને ધર્માન્તરોનો ભોગ બનવા માંડતા કેટલીક જ્ઞાતિઓ પોતાની સલામતી ખાતર સ્થાનાંન્તર કરી, જયાં ત્યાં વેરાઇ, પથરાઇ ગઇ હતી.
ઇ.સ. ૧૭૫૩માં શાહી સત્તનો અંત આવ્યો મરાઠાઓએ અમદાવાદ સ્વાધીન કરી મોગલ સમ્રાજયને ગુજરાતમાંથી નામશેષ કરી નાખ્યું.ગાયકવાડ તેમજ પેશ્વાનો ખંડણી હકક સૌરાષ્ટ્રમાં શરૂ થયો. આ સમયે સૌરાષ્ટ્રમાં હાલાર, સોરઠ, મચ્છુકાંઠો, ઝાલાવાડ, બાબરિયાવાડ, ઓખામંડળ, ગોહિલવાડ જેવાં પ્રદેશો હતાં. તેમાં નાના મોટાં ૨૯૨ કરતાં વધારે સંખ્યામાં દેશી રજવાડા હતાં. અંગ્રેજ સરકારે ગાયકવાડ અને પેશ્વાનો પક્ષ લઇને સૌરાષ્ટ્રમાં ખંડણીની વસુલાતમાં મદદરૂપ થવાને બહાને પગપેસારો શરૂ કર્યો. પેશ્વાઓએ લશ્કરના બદલામાં પ્રથમ સૌરાષ્ટ્રની ખંડણી અંગ્રેજોને આપી. ઇ.સ. ૧૮૧૯માં પેશ્વાની સત્તાનો અંત આવતા ગુજરાતનાં હકક અંગ્રેજોને સોંપ્યાં. એજ અરસામાં અંગ્રેજોએ ગાયકવાડ સાથે કરાર કરી, લશ્કરની મદદના બદલામાં ગુજરાતના હકક તથા મહત્વના સ્થળો મેળવ્યાં. આ રીતે ઇ.સ. ૧૮૨૦ માં અંગ્રજો હસ્તક સૌરાષ્ટ્રનો તમામ વહીવટ આવી ગયો. રાજકોટની વાયવ્ય સરહદે આજી નદીના કિનારે સૌરાષ્ટ્રના તાલુકાદારો, રાજવીઓ તથા ગાયકવાડની માંગણીથી ઇ.સ. ૧૮૨૦ માં બ્રિટિશ સરકારી એજન્સીની કોઠી સ્થપાઈ. તેમાં ઇ.સ. ૧૮૨૦ થી ૧૮૮૩ સુધીમાં ૩૭ અંગ્રેજ પોલીટીકલ એજન્ટોએ વહીવટ કર્યો. ૧૮૬૩માં કર્નલ કિટિજે નાના મોટાં ઠાકોર તથા ભાયાતોને પોતાનાં દરજજા પ્રમાણે સાત વર્ગોમાં વહેંચી નાંખી, દીવાની અને ફોજદારી અધિકારો આપી, રાજ્યોમાં વહીવટ માટે એજન્સી પદધતિ દાખલ કરી. રાજકોટના લાખાજીરાજના શાસન દરમ્યાન લોકશાહીના પ્રયોગો કરવામાં આવ્યાં હતાં. રાજયવહીવટ, સંચાલન, સુવ્યવસ્થા, કુશળતામાં સર્વોપરિ ગોંડલનાં રાજવી ભગવતસિંહજી રહ્યાં છે. સૌરાષ્ટ્ર પોરબંદરમાં જન્મેલા વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજીનાં નેતૃત્વથી ઇ.સ. ૧૯૪૭ માં ભારત સ્વાધીન થયું. ૧૯૪૮માં સૌરાષ્ટ્રનું રાજય સ્થાપવાનો નિર્ણય લેવાયો. સરદાર વલ્લભભાઇ પટેલનાં શુભ પ્રયત્નોથી સૌરાષ્ટ્ર ના ૨૨૨ જેટલાં રાજયોનું ભારત પ્રજાસત્તાકમાં વિલિનિકરણ થયું. યુનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજય નામે પ્રજાસત્તાક સૌરાષ્ટ્ર રાજય બન્યું, ને જુનાગઢના રા’માંડલિક ત્રીજાને ચારણ આઇ નાગબાઇએ કહેલી આગમવાણી ભવિષ્યવાણી “સંવત વીસને ત્રણ સરે, થર જુનો કરી થાણું, હું નાગલ હરજોગની, હિંદવાણું હાથો હાથ આપું” સાચી ઠરી. આજ પ્રમાણે બીજી પણ લોકોકિત પ્રચલિત હતી “ બાર બાબી, નવ નવાબને તેરમી ટોપી” આ પ્રમાણે નવમા નવાબના સમયમાં નવાબી શાસનનો અંત આવ્યો. સૌરાષ્ટ્રનાં તેજસ્વી દેશભકતો તરીકે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહજી રાણા, મેડમ કામા, છગના ખેરાજ વર્મા, પાજોદ દરબાર, દરબાર ગોપાલજી દેસાઈ, મણિશંકર ત્રિવેદી, ઠકકરબાપા, શામળદાસ ગાંધી, નાનજીભાઇ કાલીદાસ મહેતા, શ્રી મેરૂભાભાઇ મેઘાણંદ ગઢવીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. સૌરાષ્ટ્રની આરઝી હકૂમતની ચળવળના એક પ્રસંગ શ્રી હરેન્દ્ર પ્ર. ભટ્ટે નોંધ્યો છે. “ આઝાદી મળ્યાંનાં થોડા જ દિવસોમાં તલવાર લઇ શ્રી શામળદાસ ગાંધી મુંબઈથી જુનાગઢ જીતવા નીકળ્યા. અને આરઝી હકૂમતની ચળવળ શરૂ કરી, પણ ખર્ચની કોઇ જોગવાઇ કરેલી જ નહી. શ્રી શામળદાસ ગાંધી તેનાં અનુયાયીઓ સાથે છત્રાવા પહોંચ્યા શ્રીમેરૂભા મેઘાણંદ ગઢવીએ પોતાનાં ખર્ચે છત્રાવામાં એમની આગતા સ્વાગતા કરી, ઉપરાંત પોતાના મિત્ર પોરબંદરનાં જાણીતા વેપારી શ્રી નાનજી કાલીદાસ મહેતા પાસે શ્રીશામળદાસ ગાંધીને લઈ ગયા. શ્રીનાનજી કાલીદાસ મહેતાએ મેરૂભાના કહેવાથી રૂપીયા પચીસ લાખ આપ્યાં અને રાષ્ટ્ર ખાતે સમર્પણ એમ જ ગણવા એમ નકકી થયેલું ! પણ – આઝાદ થતાં શ્રીશામળદાસ ગાંધીએ તે રૂપિયા હપ્તે હપ્તે પૂરા કરી આપેલાં”.
ધ્રાંગધ્રા રાજયે તેની વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માટે સુશોભીત મૂલ્યવન ખુરશી તૈયાર કરાવી હતી, પરંતુ તે વિદ્યાનસભા શરૂ થાય તે પહેલાં સૌરાષ્ટ્ર રાજય અમલમાં આવતાં ધ્રાંગધ્રા મહારાજા સાહેબે એ ખુરશી સૌરાષ્ટ્રની વિધાનસભાના અધ્યક્ષ માટે ભેટ આપી. ઈ.સ. ૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજયનું સ્વતંત્ર રાજદ્વારી અસ્તિત્વ નષ્ટ કરી મુંબઈ દ્વિભાષી રાજયમ વિલીનીકરણ થયું. આથી સૌરાષ્ટ્ર વિધાનસભાની ખુરશી પાછી ખાલી પડી. ઈ.સ. ૧૯૬૦ માં મુંબઈમાંથી ગુજરાતનું નવું રાજય અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશ ગુજરાતયાં સમાવિષ્ટ થયો. સાડા ત્રણ વર્ષ બાદ ખાલી પડેલી સૌરાષ્ટ્ર વિધાનસભાનાં અધ્યક્ષની ખુરશી ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષસ્થાન માટે પાછી ઉપયોગમાં લેવામાં આવી.
સૌરાષ્ટ્રમાં જન્મેલાં પુનર્જાગરણના ઋષિ દયાનંદ સરસ્વતી, પોરબંદરમાં જન્મેલાં ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ધ્રાફામાં જન્મેલાં કાયદેઆઝમ પાકિસ્તાનનાં રાષ્ટ્રપિતા મહમદઅલી ઝીણ-આ યુગ પ્રતિભાઓની જન્મભૂમિ તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર ગૌરવાન્તિ છે.
સૌરાષ્ટ્રના ચારણ, બારોટ અને તીર્થગોરોને આ પ્રદેશનું હૈયે ગૌરવ હોવાથી, આ પ્રદેશનાં ઇતિહાસની રખેવાળી કરી છે. આ જ્ઞાતિઓ, કુળો ન હોત તો સૌરાષ્ટ્રનો મૈત્રકો પછીનો ઇતિહાસ મૈત્રકો જેટલો જ દૂર થઈ પડત. પરિણામે પ્રમાણભૂત ઇતિહાસનું કાર્ય દુલર્ભ બની જાત સૌરાષ્ટ્રનો ઇતિહાસ આ જ્ઞાતિઓનો ઋણી છે.
આવનારી પોસ્ટમાં હજુ વધુ માહિતી સૌરાષ્ટ્ર વિશે જાણીશું… ક્ર્મશઃ પોસ્ટ…
માહિતી-સંદર્ભઃ સૌરાષ્ટ્ર સત્યમ્ શિવમ્ સુંદરમ્
લક્ષ્મણભાઇ પીંગળશીભાઇ ગઢવી
પ્રેષિત-સંકલનઃ મયુર સિધ્ધપુરા-જામનગર
– સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું