પ્રધાનમંત્રીએ વડનગરમાં હાટકેશ્વર મહાદેવ ખાતે “જય હાટકેશ”ના નારા ગુંજાવેલા એ વાત તો અત્યારે જુની થઇ ગઇ પરંતુ નાગરો માટે હાટકેશ્વર મહાદેવ ક્યારેય ભુલાવાના નથી. હાટકેશ્વર મહાદેવ અર્થાત્ ભગવાન શિવનું આ રૂપ નાગરો માટે સર્વસ્વ છે, નાગરોનો પ્રાણ છે અને નાગરોની સંસ્કૃતિ છે !ભગવાન હાટકેશ એ નાગર બ્રાહ્મણોના કુલદેવતા છે. હાટકેશ્વરના મંદિરો અત્યારે તો ગુજરાતમાં ઘણી જગ્યાએ છે. જ્યાં નાગરોની વસ્તી હોય ત્યાં હાટકેશ્વરનું મંદિર ના હોય એવું બને જ નહિ ! પણ ભગવાન હાટકેશ્વરનું મુખ્ય અને સૌથી પ્રાચીન મંદિર મહેસાણાના વડનગરમાં છે.
ભગવાન હાટકેશ્વરનો પ્રાગટ્ય ઇતિહાસ –
સ્કંદપુરાણમાં મળતા ઉલ્લેખ મુજબ કહેવાય છે કે, જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતીએ પોતાના શરીરને હોમી દીધું એ પછી સાક્ષાત્ કાલભૈરવ સમાન અને અત્યંત ક્રોધિત એવા ભગવાન શિવ સતીના મૃતદેહને ખભે ઉપાડીને પૃથ્વી પર ક્રોધાયમાન અવસ્થામાં ભયંકર નૃત્ય કરવા લાગ્યા. એમ કરતાં તેઓ ગુજરાતના આનર્ત [ દ્વારિકાની આસપાસનો પ્રદેશ ]માં આવ્યા જ્યાં મહર્ષિ બ્રાહ્મણોના આશ્રમ હતાં. ભગવાન શિવના દિગંબર સ્વરૂપને જોઇને મહર્ષિઓની પત્નીઓ બધાં કામકાજ ભુલીને માત્ર શિવના અત્યંત પ્રભાવશાલી અને જગત કલ્યાણી સ્વરૂપ ભણી નજર નાખી રહી. આથી ગુસ્સે થઇને બ્રાહ્મણ મહર્ષિઓએ શિવને શાપ આપ્યો અને શિવજીનું લિંગ અલગ થઇને સીધું જ પાતાળમાં પ્રવેશી ગયું.
શિવ તો સતીના વિરોહમાં જ એવા દુ:ખી હતાં કે, એમને આજુબાજુનું કોઇ જાતનું ભાન નહોતું. આ ઘટના પછી શિવને પોતાની દશાનું ભાન થયું. અને તેઓ અત્યંત શરમિંદા બની અને અજ્ઞાતવાસમાં જતા રહ્યાં. જગતનો નાથ જ્યારે લજ્જા અનુભવીને રિસાઇ ચાલ્યો જાય ત્યારે કેવો રૂડો લાગતો હશે !શિવના અજ્ઞાતવાસમાં ગયા બાદ પૃથ્વી પર દૈત્યોનો ત્રાસ વધી ગયો. મહર્ષિઓના યજ્ઞોમાં ભંગ પાડવા લાગ્યા. આશ્રમો વેરાન થયાં. આખરે બધાં મહર્ષિઓએ બ્રહ્મા પાસે જઇ આ શું થઇ રહ્યું છે એનો ખુલાસો માંગ્યો. બ્રહ્માએ જણાવ્યું કે, શિવ રિસાઇ-શરમાઇને અજ્ઞાતવાસમાં જતા રહ્યાં છે – અને જગતના નાથ વીના કોણ દૈત્યોનો નાશ કરે ? માટે શિવને મનાવવા જોઇશે. બ્રહ્માએ વિષ્ણુને પ્રાર્થના કરી, વિષ્ણુ પ્રગટ થયાં અને બધાં શિવ પાસે ગયાં.
બ્રહ્માએ કહ્યું કે, મહેરબાની કરી તમે ફરી તમારું લીંગ ગ્રહણ કરો. સતી ફરીવાર હિમાલય અને મેનકાની ગોદમાં માતા પાર્વતી તરીકે અવતરી ચુક્યા છે. શિવે કહ્યું કે, બ્રાહ્મણો મારા લીંગની અર્ચના કરે તો મારાથી આ બની શકે. બ્રાહ્મણોએ કહ્યું કે, પ્રભો ! અમારા આવા અહોભાગ્ય ક્યાંથી ? અને શિવે ફરી લીંગ ધારણ કર્યું. અને દૈત્યનો સંહારક મહાદેવ ફરીવાર પૃથ્વીની રક્ષા માટે કટિબધ્ધ બન્યો. જે સ્થળે લીંગ પડ્યું હતું એ સ્થળે બ્રાહ્મણોએ સોનાનું લીંગ બનાવી મહાદેવની આરાધના કરી. “હાટક” એટલે “સોનામાંથી નિર્મિત”. આમ, આથી ભગવાન શિવનું આ સ્વરૂપ “હાટકેશ્વર” કહેવાયું.
વડનગરના હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ –
કહેવાય છે કે, વર્ષો પહેલાં ચિત્રગુપ્ત નામના એક નાગર બ્રાહ્મણે ભગવાન શિવને વડનગરમાં બીરાજમાન થવાને પ્રસન્ન કરવા ઘોર તપસ્યા કરી. દાદા શંકરે પ્રસન્ન થઇને કહ્યું કે, વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાના લીંગની સ્થાપના કરજે. તેમાં હું પ્રગટ થઇશ.
અને ચિત્રગુપ્તની આગેવાનીમાં ઉદ્યમી અને ખંતિલા નાગરો મંડી પડ્યા. અનુપમ કલાકૃતિઓ સહિત મંદિર તૈયાર કર્યું. અને એમાં સોનાના લીંગની સ્થાપના કરી. કહેવાય છે કે, ભગવાન શિવ સ્વયં એ લીંગમાંથી પ્રગટ થયા ! એ દિવસ હતો ચૈત્ર સુદ ચૌદશનો. અને ત્યારથી આ દિવસને “હાટકેશ્વર જયંતિ” તરીકે ઉજવાય છે.
વડનગરનું આ મંદિર ઘણું પ્રાચીન હોવાની માન્યતા છે. કહેવાય છે કે, આશરે સાડા ચારસો વર્ષ પુરાણુ છે. અહિં બહારની બાજુ પણ કલાત્મક કોતરણીઓ છે. મંદિરના ગર્ભગૃહ સહિતના દરવાજામાં પણ કલામયી લાવણ્યનો સમન્વય જોવા મળે છે. વિષ્ણુ ભગવાનના દશાવતારના શિલ્પોની કોતરણી પણ જોવા મળે છે. અહિં નાગરો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને પૂર્ણ શ્રધ્ધાથી પોતાના કુલદેવતા આગળ શિશ નમાવે છે.
આખરે નાગર એ નાગર છે ! નાગર એટલે જગતના ઝેર ગટગટાવી જનાર ! અને એ અર્થમાં શંકર પણ નાગર છે. પૂજ્ય મોરારીબાપુએ નાગરનો બહુ સરસ અને વિશાળ પરિભાષામાં આ અર્થ કરેલો છે. ચંદ્રકાન્ત બક્ષી પણ કહે છે કે, જો તમને કોઇ પૂછે કે તમે નાગર છો તો વધારે સમય ન લેતાં તરત હાં પાડી દેજો…!કહેવાય છે કે, નાગરો કાશ્મીર-ઉત્તર ભારતમાંથી ગુજરાતમાં આવી વસેલા બ્રાહ્મણો છે. અલબત્ત,જે હોય તે પણ નાગરો હજી પોતાની સંસ્કૃતિને ભુલ્યા નથી કે નથી ભુલ્યા હાટકેશને ! ભુજમાં પણ ભગવાન હાટકેશનું સરસ મંદિર છે. નાગર માટે એક સરસ ચોપાઇ તુલસીદાસે લખી છે જે રામાયણના બાલકાંડમાંથી લેવામાં આવી છે. ધનુષ્યભંગ અને સીતાજીના સ્વયંવર વખતની આ ચોપાઇ છે –
ગુણ સાગર નાગર વર વીરા ।
સુંદર શ્યામલ ગૌર શરીરા ।
વિનય શીલ કરૂણા ગુણસાગર ।જયતિ બચન રચના અતિ નાગર।
આ બંને પંકિત રામ માટે બોલાયેલી છે. રામ પણ તેમના ગુણ અને કર્મો જોતા નાગર છે, કારણ કે નાગર વિચારધારા છે.
હાટકેશનો ઉલ્લેખ સ્કંદપુરાણના નાગર ખંડમાં કરવામાં આવેલ છે.એક શ્લોક પ્રમાણે –
आनर्त विषये रम्यं सर्वतीर्थमयं शुभम् |
हाटकेश्वरजं क्षेत्रम् महापातकनाशकम् ||
જેના દર્શન માત્રથી સર્વપાતકનો નાશ થઇ જાય છે એવા ભગવાન હાટકેશને યાદ કરીને –
॥જય હાટકેશ॥
॥ભજામિ હાટકેશ્વરમ્॥
॥નમામિ હાટકેશ્વરમ્॥
– Kaushal Barad.