રાજસ્થાનના ઇતિહાસમાં વિરતા,ત્યાગ અને સમર્પણની ગાથાઓ જ્યારે જ્યારે ગવાશે ત્યારે ત્યારે પન્ના ધાઇની જેમ હાડી રાણીની વાત પહેલાં થશે.સમર્પણની પરાકાષ્ઠા કહિ શકાય એ હદના બલિદાન રાજસ્થાન-મેવાડની આ રાજપૂતાણીઓએ આપ્યાં છે.ઇતિહાસ એને કદી ભુલી શકશે નહિ.
હાડી રાણી મેવાડના સલૂમ્બરના સરદાર રાવ રતન સિંહ ચૂડાવતના પત્ની હતાં. તે સમયે મેવાડમાં રાણા રાજસિંહ [ ૧૬૫૩ થી ૧૬૮૦ ]નું શાસન હતું અને રતનસિંહ ચૂડાવત એના સરદાર તરીકે સલૂમ્બરમાં સત્તા ચલાવતા. રાણા રાજસિંહ એક મહાપરાક્રમી રાજવી હતાં. જેણે ઔરંગઝેબને ધૂળ ચટાડવામાં કાંઇ બાકી નહોતું રાખ્યું.ઘણા ખરા પ્રદેશો પાછા મેળવ્યા હતાં.શાહજહાંના શાસન સામે તેમણે અવાજ ઉઠાવેલો અને હવે એને ઉથલાવીને એનો દિકરો ઔરંગઝેબ સત્તા પર આવ્યો હતો.શાહજહાંને તેણે આગ્રાના કિલ્લામાં કેદ કર્યો હતો.આમેય જેના બાપને યુધ્ધમાં મરેલા અને ઘાયલ થયેલા સૈનિકોના અત્યંત ક્રુરતાથી મસ્તક કાપીને એના મીનારા બનાવવામાં રસ હોય એના દિકરા પણ સંસ્કાર નેવે મુકનારા જ હોય એમાં શી નવાઇ ! [ જાણકારી માટે – શાહજહાં યુધ્ધમાં ઘાયલ થયેલ કે મૃત્યુ પામેલ વિરોધ પક્ષના સૈનિકોના મસ્તકો કાપી એના મિનારા બનાવવાનો જબરો શોખીન હતો. આવી ક્રુર રમતો રમતો માણસ તાજમહેલ બનાવે અને દુનિયાએને પ્રેમના અને શાંતિના પ્રતિક તરીકે પુંજે….! એવું પ્રતિક કે જેનું નિર્માણ કરાવનારે જ ખુનામરકી કરવામાં કાંઇ બાકી નહોતી રાખી….! ] ઔરંગઝેબને ચારેબાજુથી શિવાજી, દુર્ગાદાસ રાઠોડ, રણજીતસિંહ અને રાણા રાજસિંહે ઘેરી લીધો હતો. ઔરંગઝેબની મુઘલસેના સાથે મેવાડની સેનાને ઘણીવાર ચડભડ થયાં કરતી.
હાડીરાણી અને રાવ રતનસિંહના વિવાહ થયાંને હજી તો એક અઠવાડિયું જ થયું હતું.હજી મહેંદીના રંગ ઝાંખા પણ નહોતા પડ્યાં. નવયુગલ હજી તો પ્રણયગાથાના સાગરને કિનાળ જ ઊભું હતું,ડુબકી લગાવવાની તો વાત જ ક્યાં હતી….! નવ દંપતિ હજી તો એક બીજાના અંતરને ઓળખવામાં મશગુલ હતાં.
એવામાં એક સવારે રતન સિંહ ચૂડાવતનો મિત્ર અને રાણા રાજસિંહનો દુત સલૂમ્બરની ડેલીએ આવીને ઊભો રહ્યો.હાડી રાણી મીઠી નિંદર માણી રહેલા રતનસિંહ ચૂડાવતને મીઠાં હાસ્યથી ઉઠાડે છે, કાયમની જેમ….! રતન સિંહ ચૂડાવત ઉઠે છે.હાડીરાણી બહાર જાય છે.
એ વખતે તરત જ શાર્દુલસિંહ આવીને ઊભો રહે છે. રતનસિંહ એના પ્રિય ગોઠ્યા જેવા શાર્દુલ સાથે હસી મજાક કરે છે પણ શાર્દુલ ગંભીર હતો.એને પણ દુ:ખ થતું હતું કે,પ્રભુએ બનાવેલ આ અલભ્ય જોડલાંને હજી તો ચોરેલી પીઠીઓ પણ તાજી છે….! એના પ્રણયઘેલા જીવનમાં ખલેલ પાડવી એને ગમતી નહોતી.પણ શું કરે ? મહારાણા રાજસિંહનો આદેશ હતો….!
મને કમને તેણે રાણાનો કાગળ રતનસિંહના હાથમાં મૂક્યો.તેમાં રાણાનો આદેશ હતો કે – પોતાને ઔરંગઝેબની સેનાએ ઘેરી લીધાં છે.અને હજી વધુ મુસ્લીમ સેના આવી રહી છે.રતનસિંહને એ મદદ માટે આવતી સેનાને યુધ્ધમાં ગુંચવીને રોકવાની હતી.ત્યાં સુધીમાં રાજસિંહ બધું નિપટાવી લેશે.
આદેશ મળી ગયો….! માતૃભુમિના કાર્ય માટેની હાકલ પડે અને ઘડીભર બેસી રહે તો એ રાજપૂત બચ્ચો ના હોય ! રતનસિંહ તૈયાર થયાં.સેના સજ્જ કરી અને પોતાની પ્રાણપ્રિય રાણીની વિદાય લેવા પહોંચ્યા.હાડીરાણીને જોઇને રતનસિંહના મનમાં ઘમાસાણ ચાલ્યું.હજી તો લગ્નજીવનના કોડ મન ભરીને માણ્યા પણ નથી અને વિદાયની વેળા આવી….! હું તો હવે પાછો આવું પણ કે ન પણ આવું,તો પછી મારી રાણીનું શું થશે ? એનું કોણ ? રાજપુત બચ્ચાને મરણ તો જાણે છોકરાનો ખેલ પણ મોહ નવ પરણેલ પ્રિયત્તમાનો હતો….! રતનસિંહ ચૂડાવતના મનમાં ક્ષણિક રણનેદાન પ્રત્યે તો ક્ષણિક હાડીરાણી પ્રત્યે એમ ખેંચતાણ ચાલી.અને રતનસિંહના મનમાં ચાલતી આ ગડમથલ ચતુર રાણી સમજી ગઇ.રતનસિંહે મનના ભાવોને ચહેરા પર દેખાવા ન દેવા લાખ પ્રયત્નો કર્યાં છતાં ચતુર રાજપૂતાણીથી ભલાં શું અજાણ્યું રહે….! તેણે પતિદેવની આરતી ઉતારી.તિલક કર્યું અને રણવિજય માટે પ્રાર્થના કરી.રતનસિંહે હાડી રાણીને પોતાનો ખ્યાલ રાખવા કહ્યું….! આ મોહ બોલતો હતો….!
રતનસિંહ ફોજ સાથે વિદાય થયાં.પણ રસ્તામાં એના મનનું ઘમાસાણ વધ્યું.હું ખપી જઇશ તો રાણીનું શું થશે ? એનું કોણ ? ચિંતા વધતી ચાલી.આખરે એણે થોડા સૈનિકોને અધવચ્ચેથી જ રાજમહેલે પાછા મોકલ્યા….! એ સૈનિકોને રાણી પાસે જઇને સંદેશો આપવા કહ્યું કે તમે તમારું ધ્યાન રાખજો….! હું જરૂર પાછો આવીશ.મને ભુલી ન જતાં.અને તમારી એવી અવિસ્મરણીય નિશાની મને મોકલજો જેથી મને યુધ્ધમાં વિરતાનો પરચો થાય….!
સૈનિકો મહેલે આવ્યાં.તેણે રાવ રતનસિંહનો સંદેશો હાડીરાણીને આપ્યો.રાણીએ વિચાર કર્યો ખે જેને મારામાં આટલો મોહ છે તે રણમેદાનમાં શું કરી શકવાનો હતો ? જેને મારી રક્ષા કરવામાં મન છે તે માતૃભુમિની શું રક્ષા કરી શકવાનો હતો ? શું છે આ મળમુત્ર ભરેલા કચરા જેવા દેહમાં કે જેને માટે ધર્મ અને ધરાને વિસારી દેવાય ? અને યાદ આવ્યું કે,રાણાએ પોતાની પાસે એક ભેટરૂપ ચીજ માંગી છે,એક નિશાની માંગી છે.
અને તેણે સૈનિકોને કહ્યું કે હું મોકલાવું એ યાદગીરી રાણાને આપજો.એના જેવી વિશેષ ભેટ બીજી નહિ હોય….! અને રાણીએ દાસીને બોલાવી પોતાનું મસ્તક ઉતારી થાળમાં ધરી દીધું….! અને દાસીએ માથે લાલ કપડું ઢાંકી એ થાળ સૈનિકોને આપી દીધો.જગદંબા સ્વર્ગે સિધાવી.હવે રાણાને એનો મોહ રહેવાનો ન હતો અને એ માટે તો હાડીદેવીએ બલિદાન આપ્યું હતું….!
ભેટ લઇને સૈનિકો રતનસિંહ પાસે પહોંચ્યા.રતનસિંહે રાણીએ મોકલાવેલી નિશાની જોઇ – લોહી તરબોળ મસ્તક ! ઘડીભર તો એ આ મહાનારીનું બલિદાન જોઇને છક્ક થઇ ગયો.અને હવે તેનો બધો મોહ જતો રહ્યો.દુશ્મનોની સેના પર તે રીતસર કાળ બનીને તુટી પડ્યો.ભગવાન શિવ તાંડવ કરતા હોય એવું રૌદ્રરૂપ એણે ધારણ કર્યું.અને મુસ્લીમ સેનાને ભગાડી નહિ ત્યાં સુધી જંપ્યો નહિ….! મુઘલસેનાને ત્રાહિમામ્ પોકારાવી એ વિર પડ્યો.અને સ્વર્ગને દરવાજે હાડીરાણી તેની વાટ જ જોતી હતી….!
પતિનો પોતાનામાં લાગેલો મોહ દુર કરાવવા જાતે પોતાનું મસ્તક કાપીને ધરી દેનાર હાડીરાણીનું બલિદાન ઇતિહાસ કદી ભુલી શકવાનો છે ? નહિ,ઘણાં વર્ષોથી જે ઇતિહાસ ભુલાવવાના રીતસરના રાજકીય કાવતરાં થતા હતાં એ ષડ્યંત્રો પણ આ આર્યનારીઓના ઇતિહાસને ભુલાવી શકશે નહિ….! આ મહાનારીના બલિદાનને જોતાં કવિ કાન બારોટની એક પંક્તિ યાદ આવે –
“અમ દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં….!”
– Kaushal Barad.