સંસારી, વેપારી અને બનાવટી ‘ગુરુ’ની ઓળખ
‘ગુરુ કેવા હોય?’ છેક પ્રાચીનકાળથી અત્યાર સુધીના સમયને જોતાં સતત એક ખોજ જોવા મળશે અને તે કોઇને ગુરુપદે સ્થાપવાની ઝંખના. અખાના છપ્પા કે કબીરની સાખીઓમાં ગુરુતત્ત્વનો જેટલો મહિમા કરવામાં આવ્યો છે, એટલો જ કુગુરુઓ પર ફિટકાર વરસાવવામાં આવ્યો છે. સવાલ એ છે કે સાચા ગુરુને પામી કઇ રીતે શકાય ?
એક એવી કથા છે કે એક સાધકે બીજા સાધકને પૂછ્યું, કે ‘બોલ, તારે ગુરુ થવું છે કે ચેલા?’
બીજા સાધકે વળતો પ્રશ્ન કર્યો, ‘ગુરુએ શું કરવાનું હોય અને ચેલાએ શું કરવાનું હોય?’
પહેલા સાધકે કહ્યું, ‘ગુરુએ આજ્ઞાા આપવાની હોય છે અને ચેલાએ તેનું અક્ષરશઃ પાલન કરવાનું હોય છે.’ તો બીજા સાધકે કહ્યું કે, ‘હું ગુરુ બનીશ, તું ચેલો બન.’
આ કથાનો મર્મ એ છે કે ગુરુ થવું સહુને ગમે છે, ચેલા થવું નહીં. એક બીજો ખ્યાલ પણ વિચારકોમાં પ્રવર્તે છે કે આપણા દેશમાં ગુરુ થવાની અને શિષ્ય બનાવવાની અત્યંત તાલાવેલી જોવા મળે છે. કેટલાક લોકો ગુરુ વગર રહી શકતા નથી. એનું કારણ એ છે કે જીવનની સમસ્યાઓના વિસ્મરણને માટે ગુરુનું સ્મરણ અત્યંત લાભદાયક છે. પોતાના દોષોને કારણે દુઃખી થયેલી વ્યક્તિ ગુરુના શરણે દોડી જશે. પોતાના દુષ્કૃત્યો અંગે એ પોતાની જાતને સજા નહીં કરે, પરંતુ ગુરુ પાસે જઇને એમાંથી મુક્તિનો માર્ગ મેળવવા પ્રયત્ન કરશે.
જીવનની કપરી ક્ષણો સામે યુદ્ધ કરવાની ક્ષમતા કેળવવાને બદલે એ ગુરુચરણમાં કે શરણમાં આશરો લેશે. આ રીતે જેમ ગુરુને શિષ્યની જરૂર છે, એ જ રીતે શિષ્યને પણ ગુરુની જરૂર છે. આને પરિણામે અનેક ગુરુઓ વ્યાવહારિક કાર્યોમાં ડૂબેલા મળે છે. એમણે એમનું ‘ગુરુત્વ’ સાચવવા માટે કોઇને ‘કાયદાના ચુંગાલમાંથી બચી જઇશ’ એવા આશીર્વાદ આપવા પડે છે, તો કોઇને ‘આ ધંધામાં બરકત નહીં આવે અને બીજા ધંધામાં લાભ થશે’ એવો વરતારો કરવો પડે છે. કોઇને શિષ્યની ડગમગતી શ્રદ્ધા દ્રઢ કરવા માટે માળા કે માદળિયાનું રક્ષણ લેવું પડે છે…
ચતુર ગુરુ શિષ્યની નિર્બળતાનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. એના સામાન્ય ભાવને તીવ્ર ભક્તિમાં પરિવર્તિત કરી દે છે અને એથીય વિશેષ ચતુર ગુરુ તો સ્વયં એમના આશીર્વાદથી લાભ પામનારી કે જીવનમાં ન્યાલ થઈ જનારી વ્યક્તિને પોતાની સત્સંગ-સભાઓમાં ઉપસ્થિત રાખે છે અને પોતાની શક્તિએ સર્જૈલા ચમત્કારના યશોગાનનું ‘ભાવિક’ ભક્તોને શ્રવણ કરાવે છે. ક્યારેક ગુરુ સ્વયં શિષ્યો કે અનુયાયીઓની અતિ પ્રશંસા કરે છે અને એના પ્રત્યુત્તરમાં ગુરુને શિષ્યો ‘ધન સમર્પણ’ કરે છે.
એવા પણ ગુરુ મળશે કે જેઓ ધર્મના મર્મની કે ધર્મના સિદ્ધાંતોની વાત કરવાને બદલે શ્રોતાઓના વ્યાવહારિક પ્રશ્નોની સ્થૂળ ચર્ચા કરતા હોય છે. સવાલ એ છે કે આવા ગુરુ શિષ્ય કે શ્રોતાઓના હૃદયમાંથી અજ્ઞાાન દૂર કરે છે ખરા ? એમની વાણીથી કોઇ નવીન પ્રકાશની પ્રાપ્તિ થાય છે ખરી ? જીવનની બહેકેલી વૃત્તિઓને કોઇ યોગ્ય દિશા સાંપડે છે ખરી? જીવનમાં કોઇ વિવેકની જાગૃતિ થાય છે ખરી ? આ સંદર્ભમાં સદ્ગુરુનો ગરિમા કરનાર અને કુગુરુને ખુલ્લા પાડનાર સંત કબીર તો સ્પષ્ટપણે કહે છે,
‘જા ગુરુ તે ભ્રમ ન મિટે,
ભ્રાન્તિ ન જિવકા જાય,
સો ગુરુ ઝૂઠા જાનિયે,
ત્યાગત દેર ન લાય.’
‘જે ગુરુથી અજ્ઞાાન દૂર ન થાય અને હૃદયની શંકા દૂર ન થાય એવા ગુરુને ખોટા સમજો અને એવા ગુરુને છોડવામાં સહેજે ય વાર ન લગાડશો.’
અહીં સંત કબીર સાચા ગુરુ અને ખોટા ગુરુનો ભેદ બતાવે છે. એ કહે છે કે જે ગુરુ તમને જ્ઞાાન આપે નહીં અને હૃદયને નિર્મળતા બક્ષે નહીં એવા ખોટા ગુરુને તત્ક્ષણ છોડી દેજો! એ જુએ છે કે મોટેભાગે તો ‘લોભી ગુરુ, લાલચી ચેલા’નો ખેલ ચાલે છે.
ગુરુ પણ ઘણા લોભથી ગ્રસિત હોય છે. આવા ખોટા ગુરુને ઘણી વાર પોતાનું ‘ગુરુત્વ’ જાળવી રાખવાની ભારે ચિંતા હોય છે. બીજી બાજુથી પોતાના સંસ્થાનો માટે સંપત્તિની જરૂર હોય છે અને પરિગ્રહની લાલસા વ્યક્તિને લાલચી બનાવે છે એ રીતે ગુરુની ધનની લાલચ શિષ્યોને લાલચી બનાવે છે. ‘તમે આટલું ધન આપો અને તમને સ્વર્ગ મળશે’, ‘આટલું દાન આપો અને તમે તીર્થકર ગોત્ર બાંધશો’, ‘આવું કાર્ય કરો અને તમે મોક્ષ પામશો’.
આમ જે ભીતરની ઘટના છે, એને બહારની ઘટનામાં ફેરવી નાખવામાં આવે છે. એનો અર્થ જ એ કે આ ગુરુ એના શિષ્યને લાલચમુક્ત થવાને બદલે લાલચપ્રિય થવા તરફ દોડાવે છે. ગુરુ માયાને મહાઠગિની કહે છે અને પછી માયા જ માગે છે! વળી ગુરુને બે ચિંતા સતાવતી હોય છે, એક તો એ કે પોતાનો આ શિષ્ય આવતો બંધ થઇ જશે તો? અને એથીય વધુ મોટી ચિંતા એ સતાવે છે કે મારો પરમ શિષ્ય બીજા કોઇ મઠના ગુરુનો શિષ્ય બની જશે તો? આવો પક્ષપલટો કોઇ રાજકારણીની જેમ આઘાતજનક લાગતો હોય છે. શિષ્યો ઓછા થવાની ભીતિ ઉપજે છે. આમ સંસારીની જેમ આવી ચિંતાઓ એમને સતાવતી હોય છે. આ ચિંતાના ઉપાય રૂપે આ ગુરુ કશુંક એવું સર્જે છે કે શિષ્ય સદાય એમની તાબેદારી કરે આ માટે એ શિષ્યના અંગતજીવનમાં રસ લઈને સૅલ્સમેનની માફક એની સમસ્યાઓના નિવારણના માર્ગ દર્શાવવા લાગે છે.
સમય જતાં શિષ્યને એટલો પાંગળો બનાવે છે કે શિષ્યનું વ્યક્તિત્વ કુંઠિત બની જાય છે. આધ્યાત્મિક સાધના માટે એ ગુરુનું માર્ગદર્શન લે એ આવશ્યક છે, પરંતુ પછી એનું ગુરુ પ્રત્યેનું આલંબન એટલું બધું થઇ જાય છે કે એનું સમગ્ર જીવન ગુરુ અવલંબી બની જાય છે. સમય જતાં આવા શિષ્યો પોતાનું સત્ત્વ ગુમાવે છે. બીજા અર્થમાં કહીએ તો એ ગુરુના ગુલામ બની રહે છે. માત્ર પોતાના શરીરથી એમની સેવાશુશ્રૂષા કરતા નથી, બલ્કે પોતાના મનથી પણ એમની ગુલામી સ્વીકારે છે.
અને પરિસ્થિતિ કેવી થાય છે? ગુરુ પોતે તો ખોટા માર્ગે હતા અને હવે ચેલો પણ એ જ માર્ગે ગયો. સંત કબીર એમના એક દોહામાં કહે છે,
‘આગે અન્ધા કૂપ મેં, દૂજે લિયા બુલાય,
દોનોં બૂડે બાપુરે, નિકસે કૌન ઉપાય.’
‘અવિવેકી ગુરુ પહેલેથી જ ભ્રમના કૂવામાં પડેલા હતા અને બીજું શિષ્યને બોલાવીને તેમાં નાખી દીધો. તેઓ બંને બિચારા તેમાં જ ડૂબી ગયા, તેઓ કયા ઉપાયથી નીકળી શકે?’
પ્રત્યેક વ્યક્તિને મળેલું જીવન અત્યંત મૂલ્યવાન છે. વળી એના આયુષ્યની નિશ્ચિત મર્યાદા છે. એના આ મર્યાદિત આયુષ્યમાં જો ખોટા ગુરુના રવાડે ચડી જાય તો એના આખા ભવની દુર્દશા થાય છે અને સંત કબીર જેવા તો કહે છે કે આવા લોકો વારંવાર ભવસાગરમાં ડૂબે છે એક જન્મ નહીં, પણ કેટલાય જન્મ સુધી એ ભવસાગરને પાર જઈ શકતા નથી !
આથી જ સાચા ગુરુની પહેલી કસોટી એ છે કે એ ગુરુ તમને કઈ દિશામાં લઇ જાય છે. જીવનની બે દિશા છે, એક આંતરદિશા અને બીજી બાહ્ય દિશા. ગુરુ જો બહારના જગત તરફ લઈ જાય તો શિષ્યએ સાવધ રહેવું જોઇએ. બહારના જગતની પ્રતિષ્ઠા, પદ, સત્તા, પ્રભાવ તરફ દોરી જનારા ગુરુ પોતાના શિષ્યને ખોટે માર્ગૈ લઇ જાય છે. ‘આટલા પૈસા ખર્ચશો તો આટલી કીર્તિ રળશો.’ એમ કહેનારા ગુરુ બાહ્ય પ્રતિષ્ઠા પાસે લઇ જાય છે પરમાત્મા પાસે નહીં. બહારનું જગત એ અંતે દુઃખમય જગત છે, છૂટી જનારું જગત છે, ક્ષણિક અને ભંગુર જગત છે. આવા જગતમાં ગુરુ લઇ જાય, ત્યારે શિષ્ય બહારની દુનિયામાં ભટકતો રહેશે. એનું ભીતર તો એવું ને એવું જ રહેશે. એના રાગદ્વેષો, કષાયો, વૃત્તિઓ, વાસનાઓ સહેજે ઓછા નહીં થાય.
એટલે ગુરુની પહેલી કસોટી એ કે જે તમને બહારના જગતની પ્રતિષ્ઠાને બદલે ભીતરમાં પ્રતિષ્ઠિત થવાની પ્રેરણા આપે છે.
લેખક- મુનીન્દ્ર