સંન્યાસીઓના ચિત્તને ચલિત કરી દેવાની, માનુનીના મેળાપની ઉત્કંઠા ઉરમાં છલકાવી દેવાની, અનંગને આંખમાં આંજી દઈ કામદેવની કથામાં ગૂંથી દેવાની મધુરતા કુદરતે જેના કંઠમાં મૂકી હોય એવી કામિનીના કંઠમાંથી ટહુકો સરી પડે એમ ઉષાના થાળમાંથી કીર્તિવંત કચ્છના કોટકાંગરા પર પ્રથમ કિરણ ખરી પડયું. તે સાથે આનંદના અંકુર રૂપ મનોહર માધવીઓમાં મગ્ન થઈ મહાલવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો ઉજાસ ઉગમણા આભમાં ઊઘડી ગયો.
પ્રફુલ્લિત પંકજની પાંખડીઓ ચૂમતા મધુકરોના ગુંજનથી નલિની શોભાયમાન દેખાઈ રહી એવે વખતે કચ્છના મહારાવ પ્રાગમલજી દીવાન શાહબુદ્દીન સાથે મસલત કરી રહ્યા છે.
વાત એમ બની છે કે અંગ્રેજ સરકારનો સંદેશ આવ્યો છે ઃ સરકાર ગુલામ ખરીદ – વેચાણ ધંધાને જડમૂળમાંથી નાબૂદ કરવાનો પાક્કો ઈરાદો ધરાવે છે. એ ઈરાદને આંબવા ઉપાયો હાથ ધર્યા છે. તેમાં કચ્છના રાજવી તરીકે એકમાત્ર તમે જ ઉપયોગી થઈ શકો તેમ છો. તેથી તમોએ એક ખાસ ફરમાન સાથે દીવાનને જંગબાર મોકલવા, જ્યાં બ્રિટિશ પાર્લામેન્ટે મોકલેલા કમિશનરને સહયોગ કરવો’
તે દિ’ બ્રિટીશનું સામ્રાજ્ય પૃથ્વીના બંને ગોળાર્ધ પર તપતું હતું. તેના સામ્રાજ્યમાં કદી પણ સૂર્યાસ્ત થતો નહોતો. જ્યાં દેશમાં પોતાનું શાસન સ્થાપ્યું ત્યાં તેમણે શિક્ષણ, વાહન અને સંદેશા વ્યવહાર, ન્યાય અને રક્ષણ, તબીબી સગવડ અને સલામતીને પૂર્ણ પ્રાધાન્ય આપી અવિસ્મરણીય શાસન પ્રણાલીની ભેટ ધરેલી. ‘માણસ ગંધાય માણસ ખાઉ’એ લોકોક્તિ લાગુ પડે એવી પ્રજાને પણ પોતાની હરોળમાં ઉભી રહી શકે એવી બનાવી તેમાં ‘ગુલામ’નો સવાલ તેમને સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો થઈ પડેલો હતો. બ્રિટીશ પાર્લામેન્ટ તે અંગે સતત ચિંતા સેવતી હતી. માનવજાતના હડહડતા અપમાન રૂપ ગુલામ અને ગુલામડીના વેપાર ધંધાને નેસ્તનાબુદ કરવા કૃતનિશ્ચય હતા. પૂર્વ આફ્રિકામાં તેમને ભારે અવરોધો આડે આવતા હતા. તેથી તેમણે જંગબારના સુલતાન સૈયદ બરગસ સાથે ગુલામનો ધંધો બંધ કરાવવા વખતોવખત વાટાઘાટો કરી, પણ સુલતાનની પણ મજબુરી અને મુશ્કેલીઓ હતી. રાજા અને પ્રજાના વેપારનો મુખ્ય આધાર ગુલામો જ હતા. મોટાભાગના આ ધંધામાં અરબસ્તાન અને હિન્દુસ્તાનીઓમાં કચ્છના વેપારીઓ આગળ પડતા હતા.
આ પ્રથા બંધ કરવા જતા ધંધા રોજગાર પડી ભાંગે, બગીચાવાળા માલિકો ઉશ્કેરાય અને તોફાન કરે તેમજ હજારો ગુલામ-ગુલામડીઓ બેકાર થાય. આવી અનેક મુશ્કેલીઓના ડરને કારણે સુલતાન સબુરી રાખતા, અંગ્રેજોના હાથ હેઠા પડતા. તેમ છતાં બ્રિટીશ પાર્લામેન્ટ આ માનવ હક્ક વિરુદ્ધની પ્રથાને સદંતર નાબૂદ કરવા માટે ઉપાયો અભરાઈએ ચઢાવ્યા વગર કરતા રહેવાની સરકારને આદેશ આપતી હતી. તેના પરિણામ રૂપે એક ચોક્કસ પરિણામની પ્રાપ્તિ માટે ખાસ કમિશન જંગબાર પહોંચ્યું ને કચ્છના દિવાન શાહબુદ્દીન મહારાવ પ્રાગમલજી બાવાનું ખાસ ફરમાન લઈને જંગબારમાં ઉતરી બ્રિટીશ કમિશનર સાથે સામેલ થઈ ગયા.
કમિશનરના પ્રમુખ સર બારફલવી ફ્રેરી હતા. તેણે સુલતાન સાથે વાટાઘાટનો દોર સાંધ્યો પણ કોઈ ફળદાયી પરિણામ પ્રાપ્ત થતું નહીં. સુલતાન લાખોની આવક જતી કરવા તૈયાર હતા પણ પૂર્વે દર્શાવેલા કારણોનો ભય હતો. અંતેસર બારફલવી ફ્રેરીએ સુલતાનને આખરીનામું આપતાં જણાવ્યું કે, ‘જો તમો હવે નહીં સમજો તો જંગબારને ઘેરો ઘાલી અમારી સત્તા વાપરશું.’ આ અંતિમ મહેતલ પણ વાંઝણી પૂરવાર થઈ એટલે આખરી ઉપાય તરીકે કચ્છના દીવાન શાહબુદ્દીને મહારાવ પ્રાગમલજીના ફરમાનને હુકમનું પાનું ગણી ઉતારવાનો નિરધાર કર્યો. તેમાં કમિશન સહમત થયું કારણ કે કલંક સમાન ગુલામપ્રથા તોડવાના નિરધાર સાથે તે આવેલા હતા. તે માટેનો આ આખરી જંગ હતો. તેમાં સામ, ભેદ, દંડના ઉપાયો કરવા પડે તેે તમામ કરવાની કમિશનને સરકારે સત્તા સોંપી હતી.
દીવાન શાહબુદ્દીન કાજીના વિચારને અનુમોદન મળ્યું. કાજી સાહેબે બીજા દિવસે મૂળ કચ્છના વતનીઓ જે કચ્છમાં માલ મિલ્કત ધરાવતા હતા તેમજ મોટી સંખ્યામાં જેમની પાસે ગુલામો-ગુલામડીઓ હતી તે તમામની એક સભા બોલાવી.
આ સભામાં દીવાન શાહબુદ્દીન કાજીએ અંતરની આરપાર ઉતરી જાય એવું ભાષણ કર્યું. જેનો મુદ્દો હતો કે કચ્છી લોકોએ પોતાના કબજામાં રહેલા ગુલામોને તાત્કાલિક અસરથી મુક્ત કરવા. સંબોધનને અંતે કચ્છના મહારાવ પ્રાગમલજીનો જાહેરનામાનો ખરીતો વાંચી સંભળાવ્યો, જે નીચે મુજબ લખાયેલો હતો.
જાહેરનામું
મહારાજાધિરાજ મીરજા મહારાવશ્રી પ્રાગમલજી બહાદુર તરફથી
‘જંગબારમાં વસનાર કચ્છી પ્રજાને ખબર આપવામાં આવે છે કે હાલ અહીં સાંભળવામાં આવ્યું છે કે તમો લોકો ગુલામો તથા ગુલામડીઓ ખરીદ કરવા તથા વેચવાનો ધંધો જંગબારમાં કરો છો અને એ ચાલ બિલકુલ બંધ કરવા નામદાર સરકારની ચાહનાથી તે વિષે અમારા તીર્થ સ્વરૂપ પિતાશ્રીએ તથા અમે હાલથી આગળ જાહેરનામાઓ કરેલાં છે તે છતાં પણ હજુ સુધી તમારા તરફથી એ ક્રૂર ધંધા ઉપરથી હાથ નથી ઉઠાવ્યો એ બિલકુલ નામુનાશીબની વાત છે. વાસ્તે તમોને આ હુકમ લખવામાં આવે છે કે સદરહુ ધંધો તમારો હરગીજ કરશો માં ને કરતા હો તો આ હુકમથી તત્કાળ બંધ કરજો અને તે છતાં જો કોઈ કરશે યા કોઈપણ રીતે તેમાં શામિલ રહેશે તેને નામદાર અંગ્રેજ સરકાર પોતાની રૈયાત જેવી ગણી સખત સજા કરવા તેમનો અધિકાર છે તે મુજબ તેઓ કરશે અને તેની જે મિલકત કચ્છમાં હશે તે દરબાર જપ્ત કરી ખાલસા કરશે. વાસ્તે પક્કી તાકીદ જાણજો.’
માગશર વદી ૧ સોમ, સંવત ૧૯૨૯ના વિક્રમાજી પરવાનગી
શ્રી મુખ હજુર
ઉપરના જાહેરનામાથી કચ્છના વતનીઓમાં વ્યાપક અસર થઈ. એક વેપારી પાસે સાત હજાર ગુલામો હતા. તેને તેમણે મુક્ત કર્યા. એને પગલે અન્ય વેપારીઓએ પણ ગુલામના ધંધાને સદંતર બંધ કરવાનો નિરધાર કરી છુટ્ટા કર્યા. તે સાથે પ્રત્યેક ગુલામને એક જોડી કપડાં, થોડા દિવસ ચાલે તેટલું ખાવાનું પણ આપ્યું.
હિન્દીઓની આ ઉદારતાથી જંગબારના સુલતાન પર ઘેરી અસર થઈ. તે જ રીતે બગીચાવાળાઓએ પણ ગુલામોને છોડયા. આમ વિશ્વમાં શરમજનક ગણાયેલો આ ધંધો જંગબારમાંથી જડમૂળમાંથી ઉખેડી નાખવાનો કચ્છના મહારાવ પ્રાગમલજીના જાહેરનામાંથી રામબાણ ઈલાજ અંગ્રેજોને મળ્યો. તે પહેલાં કરેલા પ્રયત્નો અને ખર્ચ નકામાં નીવડેલા. વિજયપતાકા ફરકાવતું કમિશન હિન્દ પાછું ફર્યું.
મહારાણી વિક્ટોરીયાએ જંગબારના સુલતાનને અભિનંદન પાઠવ્યા. આ ઘટના પછી બ્રિટિશરોએ પૂર્વ આફ્રિકાનું વહીવટી વિભાજન કરેલું.
વધુ માહિતી
ઈ.સ. ૧૮૬૦માં કચ્છની ગાદી પર મહારાવ શ્રી પ્રાગમલજી ૨૨ વર્ષની વયે ગાદી પર આવ્યા હતા. તેમને બ્રિટિશ સરકાર તરફથી ‘નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ મૌસ્ટર એક્ઝોલ્ટેડ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા’નો ઈલ્કાબ આપવામાં આવ્યો હતો.
વહીવટમાં કુશળ એવા આ રાજવી અંગ્રેેજી ભાષા સારી રીતે જાણતા હતા. તેમને પુસ્તકો તેમજ વર્તમાનપત્રો વાંચવાનો શોક હતો. તેમનું અવસાન ૩૭ વર્ષની ભરયુવાન વયે તા. ૧ જાન્યુઆરી ૧૮૭૬ના રોજ થયું હતું.
ઈ.સ. ૧૮૬૮માં ખાન બહાદુર કાજી શાહબુદ્દીન દીવાનપદે આવ્યા હતા. તેમને સી.આઈ.એ.નો ખિતાબ મળેલો. ઈ.સ. ૧૮૭૪માં વડોદરા રાજ્યમાં જોડાયા હતા. કચ્છના મહારાવનું જાહેરનામું ‘કિનીયા ડેલી મેલ’ નામના આફ્રિકાના અખબારમાં પ્રગટ થયેલું.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ