ભારત ગામડાઓનો બનેલો દેશ કહેવાય છે. જગતભરમાં ક્યાંય જેનો જોટો ન જડે એવી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભાતીગળ ગ્રામ સંસ્કૃતિ છે. ઠેરઠેર રખડી રઝળીને ગામડાઓની ધરતી ખુંદીને હોંશિયાર- અનુભવી બનેલા માણસ માટે કહેવાય છે કે ‘એણે ગામોગામના ભૈ પાણી પીધા છે.’ ગામ શબ્દ સંસ્કૃત ‘ગ્રામ’ ઉપરથી ઉતરી આવ્યો છે. ભગવદ્ગોમંડલ નોંધે છે કે શહેર અથવા નગરથી નાનું ગામડું, જ્યાં કેટલાક ઘર અને થોડીક વસતી હોય એવું ઠેકાણું. જ્યાં ઘણા થોડા ઘર અને થોડા માણસની વસતી હોય તે ગામડું કહેવાય છે. જરા વધારે વસતી હોય તે જગ્યાને ગામ કહે છે. ગામ એ શબ્દનો અર્થ સાધારણ રીતે લોકોને રહેવાનું સ્થાન થાય છે. ગામને વખતે ‘કસબો’ પણ કહે છે. ગામડામાં તો થોડા ઘર અને ફળિયા હોય છે, પણ ગામ કે કસબામાં તો ઘણા ઘર અને ફળિયાં હોય છે. ગામડાંની ઓળખ ડૉ.જગદીશ ત્રિવેદી કાવ્ય દ્વારા આ રીતે કરાવે છે.
ધૂળ ઢેફાં ને પાણાં હોય,
ભીંતે ભીંતે છાણાં હોય
ટાણાં એવા ગાણાં હોય
મળવા જેવા માણહાં હોય
ઊકરડા ને ઓટા હોય
બળદના જોટા હોય
પડકાર હાંકોટા હોય
માણસ મનના મોટા હોય
માથે દેશી નળિયા હોય
વીઘાએકના ફળિયાં હોય
બધા હૈયાંબળિયા હોય
કાયમ મોજે દરિયા હોય
સામૈયા ફૂલેકાં હોય
તાલ એવા ઠેકાં હોય
મોભને ભલે ટેકા હોય
દિલના ડેકાડેકા હોય.
ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગામડાઓ વસાવવામાં કણબી પ્રજાનો ફાળો સૌથી મોટો હતો. પ્રભુની ફૂલવાડીમાં શંભુભાઇ ટીડાભાઇ પટેલે નોંધે છે કે જામરાવળજી (જામનગર)ના સમયમાં કાઠિયાવાડનો મુલક ઉજ્જડ હતો. નાના-નાના રાજ્યો વસતી ઓછી, ગીરમાં ગિરનારની આજુબાજુમાં આહિર, બરડામાં મેર, ઓખામાં, વાઘેર, હાલારમાં ચારણ, કુંભાર, સંધી, પાંચાળમાં કોળી અને રાજપૂતો જેવી કોમો વસતી ને છૂટીછવાઇ ખેતી થતી. કાઠિયાવાડના દરબારો ગુજરાતના પાટિદારોની ખેતીથી જાણીતા હતા. મૂળ કણબી, પછીથી પાટિદાર તરીકે જાણીતા થયેલી આ પ્રજાએ ખેતીનો ધંધો સ્વીકાર્યો હતો. કૃષિકાર બનેલી પાટિદાર પ્રજા કૃષિકાર્યમાં અત્યંત કુશળ, પાટું મારીને પાતાળમાંથી પાણી કાઢનાર, કણમાંથી મણ ધનધાન્ય પેદા કરનાર, રાજા તરફ વફાદારી, ભક્તિભાવ દર્શાવનારી અને સંતોષી મનવાળી શાંત પ્રજા હતી. એણે પંદરમાં સૈકામાં આપણે ત્યાં આવીને મહેનત કરી, ગુજરાત દેશને નવપલ્લવિત બગીચા જેવો ફળદ્રુપ બનાવ્યો. ચરોતરની જમીનો ખેડી, ગામડા વસાવ્યા અને સુખી થયા.
કાઠિયાવાડના દરબારો ગુજરાતના પાટીદારોની ખેતીથી જાણીતા હતા એટલે પોતાના ગામોને આબાદ કરવા પટેલોને ‘પળત’ પાલન-પોષણ આપી પોતાના રાજ્યમાં વસાવવા માંડયા. આ બાબતમાં નામદાર જામરાવળે બહુ સારો પ્રયત્ન કરેલો. સંવત ૧૫૮૨માં ભાદા ઠુમર અને પૂંજન ભંડેરીને કણબી ખેડૂતોના મોટા જથ્થા સાથે પોતાના રાજ્ય હાલારમાં ઉતાર્યા. પીપરભાડુકિયામાં એકી સાથે ૭૫૦ ઉચાળા ઉતાર્યા. ત્યાંથી ક્યાંક કણબી- પટેલો હાલારમાં રહ્યા અને બીજા ધોરાજી વગેરે ગામોમાં ગયા અને નવા નવા ગામોમાં તોરણ બાંધી કાઠિયાવાડનો મુલક આબાદ કરવા માંડયા.
ઇતિહાસના પાનાં ઉથલાવતાં જણાય છે કે ઇ.સ.૧૩૦૪માં ગુજરાત ઉપર મુસ્લિમોનું રાજ્ય થયું. અલ્લાઉદ્દીન ખીલજીથી માંડી ગુજરાતના સ્વતંત્ર સુલ્તાનોના શાસન દરમિયાનના સો વર્ષમાં ખેતીની સંપૂર્ણ પાયમાલી થઇ હતી. લૂંટફાટો વધી જવા પામી હતી. આવા અસ્થિર અને અસલામત સમયમાં પણ લેઉવા અને કડવા પટેલો ખેતીમાં ટકી રહ્યા હતા પણ અસલામત ગામડાં ભાંગવા માંડયા હતા. રૈયત ગામ છોડીને સલામત જગાએ જવાથી ગામો ઉજ્જડ થવા માંડયા હતા. ઘણીવાર ભૂતપ્રેતના ભયથી, કોઇ સતી સ્ત્રીના શ્રાપથી ગામો ભાંગીને ટીંબા થઇ જતાં. જ્યાં જમીન નબળી હોય, કુદરતી આફતો વારંવાર આવતી હોય, પોતાના સમાજની વસતી ન હોય, પાણીની પારાવાર તકલીફો હોય, દેશકાળ નબળો હોય ત્યારે લોકો સામુહિક રીતે ગામ ખાલી કરીને બીજા રાજ્યમાં જઇ રાજાને કે દરબારને વિનંતી કરતા કે ‘બાપુ’ ! આબાદી આપો તો રે’વા આવવી. રાજા આબાદી આપવાનું સ્વીકારે તો આ પ્રજા તોરણ બાંધીને નવું ગામ વસાવતી.
લોકજીવનના પ્રખર અભ્યાસી શ્રી મોહનભાઇ પાંચાણીએ એક મુલાકાતમાં માહિતી આપતા કહ્યું કે રાજ આબાદી આપવાનું સ્વીકારે એટલે પડતર જમીન વગેરે ખેડી ખાવા આપે. પટેલ આગેવાનો ઘોડેસ્વાર થઇને જમીન જોઇ આવે. જ્યાં ફળદ્રુપ બને એવી જમીન હોય, ઘાસ-ચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા મળે એમ હોય, ચોરી અને લૂંટફાટની ભૅ ઓછી હોય. આવું સલામત સ્થળ પસંદ કરીને ગામ વસાવવા માટે રાજાની રજા માગે.
પસંદ કરેલી ટીંબાની જમીન જ્યોતિષીને બતાવીને કોઇ બાધ નથી ને એ જાણી લે. પછી પસંદ કરેલા ટીંબે કડવી તુંબડી અને કડવી કોઠીબડીના બી વાવી દે. એના વેલા ફૂલેફાલે તો જાણે કે જમીન જોરાળી છે. વસવામાં વાંધો નથી. પછી નક્કી કરેલા શુભ મુહુર્તે રાજા આબાદી દેવા પટેલના મોવડીને બોલાવે. રાજગોર બ્રાહ્મણ આબાદી લેનારના કપાળે કુમકુમનો ચાંલ્લો કરી અક્ષત ચોડે. એ વ્યક્તિ માથેથી પાઘડી ઉતારી હાથમાં લઇને રાજાને પગે લાગે. રાજા એક હાથ તલવારની મૂઠ માથે મૂકી બીજો હાથ ઊંચો કરીને કહે કે, જાવ, તમને આબાદી આપું છું. સૌ સુખી થાઓ.
એ પછી નિયત દિવસે ગામનું તોરણ બાંધવાનું નક્કી થાય. ઢોલ, શરણાઇ સાથે વાજતે-ગાજતે રાજા, કારભારી, રાજગોર, નગરશેઠ અને નગરજનો ગામ બાંધવાની જગ્યાએ જાય. ત્યાં બે થાંભલા ખોડી રાજાના હાથે સાત, નવ કે અગિયાર નાળિયેરનું તોરણ બાંધે. ગામનું નામાભિધાન થાય. દોતકલમ લઇને આવેલા મહેતાજી રાજના ચોપડે ગામની નોંધ કરે. આજની તારીખ સાલ, સંવત, વાર લખીને રાજાએ તોરણવિધી કરી આ ગામ આપ્યું છે, બહેનો મંગળ ગીતો ગાય. પછી ઢોલીને મગ-ચોખાથી વધાવીને નાળિયેરનું આપ્યાણું આપે. બાજોઠ ઉપર લીલું લૂગડું પાથરી ગણપતિની સ્થાપના કરે. મંગળ ગીતો ગાતી ગાતી મંગાળા પર મગ-ચોખા રાંધીને પછી લાપસી બનાવે. ગણપતિ અને કુળદેવતાને ધરાવે ને સૌ જમે, માટીનો ઓટો બનાવી સિંદૂરે રંગીને હનુમાનજીનું સ્થાપન બ્રાહ્મણ કરાવે.
એ પછી વસવાટ કરનારને રાવટીઓ ફાળવવામાં આવે. મોજણીદાર જમીન માપીને આપી જાય. રાજ તરફથી કૂવો ગળાવીને ઢોર માટે પિયાવો- અવેડો બંધાવી આપે. અવેડિયો- અવેડો ભરનાર નક્કી કરી એને જમીન આપવામાં આવે. ગામમાં વસવાટ શરૂ થાય એ પહેલા પુરુષો ગાડું, ગોળી, ગોદડા અને કાથીનો ખાટલો જેવી જરૂરિયાતની વસ્તુઓ લઇને ત્યાં જાય. ટીંબો ન બંધાય ત્યાં સુધી ઘરખટલા- કુટુંબને ત્યાં ન લાવે. મોટેભાગે ગામ નદીની આસપાસ વસાવે. નદી હોય તો વીરડા ગાળે રહેઠાણ બાંધતા પૂર્વે જમીન ફરતી કાંટાની વાડ કરે. આજુબાજુના આવળ. બાવળ ને બોરડીના ઝાળાં- ઝંખરા, ઝાડી સાફ કરે. કાચા ત્રાટિયાના છાપરા ઉભા કરે. પછી ધીમે ધીમે માટીના ખોરડા ચણે. રાજ તરફથી વસવાટી પ્રજાને ગાય-ભેંસુના દુઝણા પૂરા પાડવામાં આવે. ખાવટી માટે જુવાર બાજરીનો દાણો દૂણી આપવામાં આવે. ચોકિયાતો અને પસાયતા અપાય. પછી કુટુંબો સાથે રહેવાનું શરૂ થાય.
પડતર જમીન ખેડીને ખેતીવાડી શરૂ થાય. એ પછી ગામના સુથાર, વાળંદ, મોચી, દરજી, કુંભાર, ઓડ, ઘાંચી, વણકર, ઢોલી, ગોરમહારાજ ઇત્યાદિને લાવીને વસાવવામાં આવતાં ગામ બાંધતા પહેલા ગામના રક્ષક દેવો હનુમાનજી, ચરમાળિયા (નાગદેવ) શિવ-પાર્વતી, રામજીમંદિર અને ઠાકર દૂવારો, પીરપીરાણાને કુળદેવીનું સ્થાપન કરવામાં આવતું. ગામમાં લાવીને વસાવેલા કારીગરો સુથાર, લુહાર, વાળંદ, કુંભાર, વગેરે વસવાયાઓને રોકડ રકમ નહી પણ બાર મહિને બાંધેલી આવત અપાતી આવતમાં માણાંના માપ હતા. (એ કાળે અઢાર શેરનું માણું હતું.) વાળંદને દાઢી દીઠ, સુથાર લુહારને સાંતી દીઠ, ચામડાના કોસ સાંધનાર મેઘવાળોને માણાંના જુદા માપ આવતમાં અપાતા. ગોવાળ અને વાળંદને શિરામણી અને વાળુંના રોટલા અપાતા. ચોરાના ઠાકરદુવારાના પૂજારીને રામરોટીમાં રોજ રોટલા ને શાક અપાતું. બારોટ બ્રાહ્મણોને ખેડૂતો દૂધના કળશ્યા ને ઘીના વાટકા ભરી આપતા. અનાજ પાકે એટલે દાણોદુણી પણ દેતા.
જૂના જમાનામાં પાછા જઇએ તો મહંમદ બેગડાના રાજ્યામલની શરૂઆત વખતે ખેડા જિલ્લાના દેવાતજ ગામમાં, વીરાભાઇ પટેલ પછી ૧૨ પેઢીઓ પસાર થઇ ગઇ. તેરમી પેઢીએ જેસંગભાઇ પટેલ ઇ.સ.૧૪૬૨માં જન્મેલા. એ વખતે મહંમદ બેગડાએ ખેતીની સુધારણા માટે સારા સારા ખંતીલા ખેડૂતો પસંદ કરીને એમને એક એક ઉજ્જડ ગામનો ટીંબો કે ભાંગતા ગામનો કબજો સોંપવા માંડયો. એ વખતે આ નીતિનો લાભ લઇ જેસંગભાઇ પટેલે દેવાતજ પાસેના સોજીત્રા ગામનો કબજો લીધો. આ રીતે ખેડા જિલ્લામાં અનેક પાટીદારોએ એક એક ગામનો કબજો મેળવ્યો. ત્યારથી કણબી-પટેલો ખરેખર ‘પાટિદાર’ બન્યા. પત્તી-પાંતી એટલે જમીનનો એક ભાગ. ખેડૂત જમીનના ભાગનો ખરેખર માલિક બન્યો ત્યારથી એ પ્રજા પાટિદાર તરીકે ઓળખાવા માંડી. એ પહેલા ભારતભરમાં પ્રચલિત શબ્દ ‘કુટુંબિન’ હતું. ગુજરાતમાં તેનું અપભ્રશ કણબી થયું. મહંમદ બેગડાના વખત તેથી તેઓ ખેડૂત મટીને કણબીમાંથી પાટિદાર થયા, એમ ‘ગુજરાતના પાટિદારો’માં ડૉ.ભાઇલાલભાઇ પટેલ નોંધે છે.
એ કાળે પાટિદારોને એવી શરતે ગામ અપાતું કે જેને એ ગામ મળ્યું હોય તેણે ખેતીને આબાદ કરવી, ગામમાં એવો બંદોબસ્ત ગોઠવવો કે ચોરી થાય નહી કે વગડે વેપારી લૂંટાય નહી. ચોરી થાય તો ગામ લેનાર પટેલે ચોરોને શોધી કાઢી મૂળ માલ શોધીને પરત કરવો પડતો…આવી કામગીરીના બદલામાં પટેલોને ગામઠાણ તથા સીમતળ બંને માલિકી હક્કે મળતું. ગામની ખેડાણ લાયક જમીન અને ખરાબા આ બધાની માલિકી પટેલની રહેતી. ગામના દિવાની અને ફોજદારી હક્કો પણ પટેલ પાસે રહેતા.
ખેડવા આપેલી સરકારી જમીનનો હિસાબ રાખવા પટેલો મહેતાજી રાખતા. આ મહેતાજી, વરતણિયા અને પગીના પગાર પટેલ ચૂકવતા. ગામમાં સંત- સાધુ ફકીર આવે તેમના નિભાવ માટે સદાવ્રતની જમીન જુદી કાઢેલી હતી. કૂતરા માટે અને પરબડી- ચબૂતરા માટે ધર્માદાની જમીન અલગ રહેતી હતી. ગામમાં ગોર, વૈદ્ય, જોષી, ભાટ, બ્રાહ્મણોને પસાયતાં કાઢી આપેલા હતા. મનોરંજન માટે ગામમાં આવતા નટ, ભવાયા, રામલીલા વગેરે લોકોના ખર્ચની વ્યવસ્થા ચોરેથી કરવામાં આવતી.
જૂનાકાળે સૌરાષ્ટ્રમાં પટેલોએ ગામો વસાવ્યાની યાદી ઘણી લાંબી છે. સને ૧૯૨૫માં પ્રગટ થયેલ ‘પ્રભુની ફૂલવાડી’માં શંભુભાઇ પટેલ લખે છે કે જુના કાળે અમરેલી પ્રાંત સાવ ઉજ્જડ હતો. એ સમયે વાંકિયા ને અલાળા બે ગામ વસ્યા હતા. દેવરાજિયામાં કાઠીનું એક અને દેવીપૂજક (વાઘરી)ના બે ઘર હતા. બાકી બધો મુલક ઉજ્જડ હતો. અમરેલી જિલ્લાના સાજિયાળ દરનો ટીંબો વિઠ્ઠલરાવ સુબા પાસેથી ઉપલેટાના ગોવા સાવલિયાએ મેળવ્યો. સુબાએ ખુશ થઇ આબાદી ગોવા પટેલને સોંપી. એને પહેરામણી આપી ચાર ઘોડેસવાર મોકલી ગામનું તોરણ બાંધ્યું.
ફતેપુરમાં તોરણ સંત શ્રી ભોજાભગતે બંધાવ્યું. ધારીનું તોરણ નબા સવદાસ રૂડાણીએ બંધાવ્યું. પાડરશીગામાં દુદા જાગાણીએ, ઇંગોરાળામાં કુરજી પટેલે, ચિત્તલમાં નથુ દેસાઇએ, અમરેલીમાં રામજી વિરડિયાએ, કુતાણામાં નારણ હીરપરાએ, પીઠવાજાળમાં રૈયા દેસાઇએ, સીમરણમાં રામજી છોડવડિયાએ, જાંત્રુડામાં મૂળજી દોમડિયાએ, પાંચતલાવડામાં કરમશી બાબારિયાએ, નેસડીમાં મૂળજી કાનાણીએ, જૂના સાવરમાં રામ કાનાણીએ, તોરીમાં રણછોડ કાનાણીએ, મોટી કુંકાવાવમાં લીંબા દેવાણીએ, કેરાળામાં જેરામ જોગાણીએ, પીઠપડીમાં રામજી સુવાગિયાએ, મોટા કેરાળામાં જાગા વિરડિયાએ, ખાટીમાં માંડા રાખોલિયાએ, વાંકિયામાં નારણ અકબરીએ, ડેરી પીપરિયામાં જેરામ માળવિયાએ ગામો વસાવ્યા હતા. અમરેલી જિલ્લામાં ૧૮મા સૈકામાં વીરાવાળાએ શેડુભારનો ટીંબો રાણા ગજેરાને બોલાવીને ગામનું તોરણ બંધાવ્યું. ગામના વહીવટદાર પટેલો ગ્રામપ્રજાની તકલીફોમાં સાથે ઊભા રહેતા. સાજિયાવદર ગામનું તોરણ બાંધનાર ગોવા પટેલના દીકરા નારણ સાવલિયાને પટેલાઇ વારસામાં મળેલી. સને ૧૮૯૫માં દુષ્કાળ પડયો એ વર્ષમાં એમની પાસે ૩૮ હજાર ને આઠસો મણ જુવાર સિલકમાં હતી. દુષ્કાળના વરસમાં જુવાર લોકોને આપી પરોપરકાર અર્થે પ્રજાને જીવતદાન આપીને ફરજ નિભાવી હતી.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ