નાને નાનપણે મને જેની બીક લાગતી તેવા મારા ગામના વાળંદ જેને આખુ ગામ ‘ખોડા રાત’ કહી બોલાવતું. ભગવદ્ગોમંડલમાં “રાત” એટલે હજામ, વાળંદ, નાઈ એવો અર્થ આપેલો છે જેને નામની પાછળ લગાડવામાં આવતો.
જાડું થેપાળું, ઉપર પહેરણને માથે નાનું પંચીયુ પગમાં ટાયરના તળીયાને સાયકલની ટ્યુબ કાપી બનાવેલી પટ્ટીવાળાં જુતાં, હાથમાં હજામતનાં ઓજારની થેલી વાળા ફળિયામાં પ્રવેશે ત્યા જેમ કુતરાં પકડવાની ગાડી જોઈ કુતરાં ભાગે તેમ અમે છોકરાંવ સંતાઈ જતાં…
મિત્રો તમને નવાઈ લાગશે કે અમારા આ ‘રાત’માં એવુ તે શું હતું કે અમારે તેમનાથી સંતાવુ પડતુ? ખોડા ‘રાત’ કોના નામની કે કોના બાપના નામની બુમ પાડશે તે બીકે સંતાઈ જતા..
અમારા વાળ વધી ગયા હોય તેથી કે ઝાઝુ તેલ પી જતા હોય તેથી કે પરસેવાને ધુળના મિલનથી વાસ મારતા હોય તેથી કે તેમાં ખોડો પડી ગયો હોય તેથી અમારે વાળ કેમ કપાવવા પડતા તે વાત હજી ય આટલી ઉમરે મનેખબર પડી નથી.
ખોડા ‘રાત’ના વરદ હસ્તે વતુ કરાવવુ તેના કરતા તો અમારા ‘રેવા ગોર’ના ગરૂડ પુરાણમાં આવતી વૈતરણી નામક નદી પાર કરવા કરતા ય અઘરી..
જેના બાપ કે માએ ‘ખોડા રાત’ને વત્તુ કરવા હુકમ કર્યો હોય તેના નામની બુમ પડે.. બસ તેનુ તો આવી બન્યું. ખોડા રાત થોડી રાહ જોઈ જતા રહેશે તેવી ધારણા કાયમ ખોટી જ પડતી.
થોડી ઘણી શોધખોળને અંતે ઝલાઇ જતા હવે કઠણાઈ ચાલુ. કેટલીક હા ના. અંતે શરણાગતિ… ‘રાત’નો વિજય…
રાત અમને વતું કરાવતાં વાગી ન જાય તેની તકેદારી સ્વરૂપ અને તેમના પોતાની મહાફાવટ રુપે અમારૂં માથું તેમના બે પગ વચ્ચે એમ જકડે જેમ શહેરમાં કૂતરાંને સાણસાથી પકડે.
હવે ખરી કઠણાઈ શરુ થઈ સમજો. રાતના અર્ધ ઘસાયેલ અસ્ત્રો અને તેનાથી થતી ભારે બળતરા, તેમના જાડા થેપાડા વચ્ચે રૂંધાતા અમારા શ્વાસને ગુંગળામણ, એમાં ય જો ઉનાળો હોય તો ‘રાત’ના થેપાડામાંથી પ્રસરતી પરસેવાની ખુશ્બુ !!
‘રાત’ જાણે એમના વર્ખાસન(એક વરસના બાલ દાઢી કરવાના મહેનતાણા રૂપે અપાતુ અનાજ) બાકી ય હોય તેમ સખ્ત પકડ. માંડ માંડ દશેક મીનીટમા રાતનુ વત્તુ પુરૂ થાયને અમને કળ વળેને ત્યારની તળપદી બોલીમા કહેવાતો અમારો તાંસળા કટનો વીધિ પુરો થતો..
એ ‘રાત’એ અસ્ત્રો, એ પથરી, એ ચામડાનું લટપટિયું, એ બે પગ વચ્ચેનુ દબાણને, એ ગુંગળામણ ને પરસેવાની સુગંધ !! હજીએ ભુલાતાં નથી.
અમારા આ ‘રાત’ આખા ગામના એકના એક ‘રાત’ તેમને રાત કેમ કહેતા તે હજી ય મને ખબર પડી નથી.. બે ચાર મારા વડીલોને ય પુછેલુ પણ જવાબ મલ્યો નહીં, પણ એ વાત મળી કે ખોડા રાતના બાપાનાગર રાતને તેમના પૂર્વજો દેશી દવા અને વાઢકાપ કરી ઘા રુઝવતા, એ ઉપરથી તેઓ ‘ઘાંયજા’ કહેવાતા હતા.
અમારા ‘રાત’ ગામને અનેક વિધ સેવાઓ આપતા. સ્વભાવના ભારે આકરા ય ખરા..
અમારુ ગામ ખેડુનુ ગામ કોઈને પગમાં કાંટો ભાગી ગયો હોય તે લંગડાતો લંગડાતો રાતને ત્યાં પહોંચી જાય. રાત મુડમા હોય તો કાંટાવાળો પગ તેમના ઢીંચણ પર મુકી પાણીથી ધોઈ, નયણી(એક ઓજાર)થી ધીમે ધીમે ખોતરવાનું ચાલું કરે. રાત તેમના સ્વભાવગત થોડીક વાતો ઓકાવેને બીજાને આખા ગામની નવાજુની વાતો પણ ઓકે…. જેવી કે ફલાણાની દીકરી, ફલાણાની વહુ રિસામણે છે. ફલાણાનુ જુવારૂ થવાનું. આ અખાત્રીજે નક્કી મારે તો સારૂ. વર્ખાસને એક ઘર વધશે. આમ ખોડા રાત એટલે વગર પૈસાનુ વણ છાપેલુ હાલની ભાષામાં લાઇવ છાપુ. આમ વાત વાતમા કાંટો ક્યારે કાઢી નાખે તે ખબરે ય ન પડે.
હા પણ જો રાત મુડમાં ન હોય કે તેના ઘરના વર્ખાસનના દાણા ઝીણા આવ્યા હોય કે બાકી હોય તો કહી દે વત્તુ કરવાના દાણા આપો છો, નહીં કે કાંટા કાઢવાના સમજ્યાને. જા કાલે આવજે..
ત્યાં ઘરમાંથી તેમનાં ઘરવાળાં રઈમાનો હુકમ છુટે છાના મરો ને કાંટો કાઢવો તો પુણ્યનુ કામ, કાઢી દ્યો પણ રાત મહાપીડા આપતા જાય રઈમા પરની દાઝ કાટા પર કાઢેને કાટો ય કાઢે.
ગામના જે લબરમુછીયાની પહેલીવાર દાઢી કરે ત્યારે પોતાનુ વધારાનું દાપુ એક નાળિયેર, એક રૂપિયોને સવાશેર ગોળ અવશ્ય હકથી લેતાને છોકરાના બાપ હરખે દેતાય…
ગામના હરકોઇ પ્રસંગે અમારા રાતની હાજરી હોય, કોઇના લગ્ન હોય તો વરામા જમવા આવવાના કે જાનમાં આવવાના નોતરા આખા ગામમાં દેવાના હોય તેની યાદી ઘર ધણી પાસેથી યાદી લઈને સાંજ પડે ફાનસ અને ગામના કોઈ ભણેલા છોકરાને સાથે લઈ ફરી વળે.
લગ્નપ્રસંગે રાત વરરાજાને પીઠી ચોળી એક જોડી કપડાંને પીઠીની તપેલી પણ લઈ આવતા.
જાનના સામૈયામાં (અગાઉ રાતના લગ્નો થતાં), વરઘોડામાં રાત હાથમા પહેલાના સમયમાં મશાલ હાથમા ઝાલી તેલ પુરતા રહેતાને આગળ આગળ ચાલતા હતા. છેલ્લે છેલ્લે તે પેટ્રોમેક્સ પણ માથે મુકી ચાલતા. આખા ગામમાં માંડવે આવવાના નોતરા પણ દઈ આવતા.. માડવામાં રાત તાસ ભરીને ખોબે ખોબે ગોળ પણ વહેંચતાને મોદમાં બેઠેલા ડાયરા માટે ચા બનાવીને વહેંચતા…
રાત્રે વરાના(લગ્નનાં) રસોડાના મોટા મોટા વાસણો ય રાત સાફ કરતા પણ થાકતા નહી.
માડવામાં ય મામેરાંની શીખ પણ લેતા. દીકરીનાં લગન હોયને જાન ગામને ગોદરે આવે તેની જાણ પણ રાતને થઈ જાય.. ગામને ગોંદરે જાનની આગતા સાગતા કરવાની સઘળી જવાબદારી ય રાતની રહેતી. પિત્તળના ઘડા ભરી ગળ્યા પાણી પિત્તળના નાના પાલામાં કાઢી ગામને ગોંદરે પીરસવાનુ ય કામ રાતનુ..
દીકરીની જાન વળાવતા ટોડાની શીખ પણ મળતી. આમ લગનમા ય રાત દિ જોયા વગર થાક્યા વિના કામ કરતા એટલે તો ‘રાત’ કીધા હશે કે કેમ તે મારા માટે કોયડો છે. આ કામની શીખ પેટે ય ઘરઘણી રોકડી શીખને ખોડા રાતને રઈમાને એક જોડ કપડાં ય દેતા.
ગામમાં પૈણે ય ‘રાત’ની કામગીરી રહેતી. મૈણમાં ય રાતને ભારે દોડાદોડી રહેતી. ગામમાં કોઈનું ય મરણ થાય તો સૌથી ઝાઝી દોડાદોડ ખોડા રાતને….
મૃતકની અંતિમ યાત્રા નીકળેને ગામની બાઈઓ તળાવ ઉતરી પાછી આવે કે તરત જ અમારા રાત જે કોઈ લાકડે ગયા હોય તેમના ધોતીયાં ઉઘરાવી વળતા પુરૂષોએ ગામ તળાવ પર હાજર હોયને ધોતીયાને ફળીયા વાર પર તળાવની પાળ પર ગોઠવી દે.. પ્રથમસ્નાન કરી આવનારને તે ગોઠવણ સમજાવી દે. આ ગોઠવણમા ય રાતના ગરબડ ગોટાળા તો થાય જ કોઈનુ ધોતીયુ કોઈ પહેરીલે, પાછળથી અઠવાડિયા સુધી રાત પાર્ટ ટાઇમ જોબ કરીને ધોતીયા સુલટાવે.. કેટલાકના નવા હોય તો પાછા પણ ન આવે તે માટે રાતને ડોશીઓને ડોશાઓની ખાટી મીઠીને તમતમતી તીખી ય સાંભળવી ય પડતી…
પણ અમારા રાતને તો બારે ય વીઘા સરખા… હાથી તો ચલતા ભલાની રીત ધારણ કરતા…
ત્યાંથી તરત જ મૃતકને આંગણે પહોંચી જાયને બધા ડાઘુઓને કળશ્યાથી કોગળો કરાવે… રાતની નોકરી તે દીથી મૈણના કામે ચાલુ.. લોકાચારે આવનારને ખરખરો કરાવવો, મરણના ત્રીજા કે એકી દિવસે જે દિવસે સુંવાળાં હોય ત્યારે મૃતકના કુટુંબના અને સગાવહાલાનાં સુંવાળાં ઉતારવાની સગવડ પણ રાતને જ કરવી પડતી.. નાનું મરણ હોય કે મોટુ હોય પડખેના ગામના રાતને પણ બોલાવી લેતા…
ઉધડાં કામ રાખ્યા હોય તેમ સુંવાળાનાં મુંડન થતાં, મોટુ કુટુમ્બ હોય ત્યારે વહેલી સવારે તળાવ કાંઠે મુંડન યજ્ઞ રાતના આચાર્ય પદે થતો તેમા કેટલાકને માથામાં ક્યાકને ક્યાકને કેટલાકને દાઢીમાં કરચા રહી જતા, કોઈ જો ભૂલથી ય રાતને રાડ કરે કે વાળ રહી ગ્યા છે તો રાત રમખાણ દાબવામાં માહેર હોય તેમ તારે જાનમા જાવાનુ છે? જવાનુ તો છે બેસણે જ ને… તને રહી ગયેલા વાળનો ભાર લાગે છે? વાળને પાણી પીવડાવુ પડે છે.. ચીવટથી કરીએ તો આંય જ બપોર થઈ જાય…
બેસણાના દિવસે કે બાર દિવસ સુધી મોટુ મૈણુ હોય તો મહેમાનો સારૂ ચા પાણી ની જવાબદારી ય રાત અદા કરતા…
બેસણાના દિવસે મૃતકના કુટુંબની જેટલી વહુવારૂ હોય તે તમામના પિયરીયા બેસણે આવે ત્યારે બ્લાઉઝ થાય તેવડો રેશમી ટુકડો લેતા આવેને ઘરને બારણે બંધાય તે કાપડના ટુકડાઓ પર રાતનો હક્ક રહેતો.
કઇ વહુના પિયરનો ટુકડો નથી આવ્યો તેની નોંધ પણ રાત રાખે. જેનો કટકો બાકી હોય તે વહુથી કટકાના રોકડા લીધ્યે જ છુટકો કરે… ગામની વિધવા ડોશીઓના વાળ ઉતારવા, ઘરડા બુઢાઓના નખ કાપી આપવાની મફત સેવા પણ રાત પુરી પાડતા…
ખોડા રાત ગામનુ આવશ્યક અંગ હતા. બેસતા વરસે (ઝાયણી)ના દિવસે ગામચોરે આખુ ગામ ભેગું થાય તે બેઠકને તળપદી બોલીએ રાવણુ્ કહેવાતું. આ રાવણામાં ગામના બધા જ વસવાયા તેમની ફરજો હરખે હરખે બજાવતા. તે રાવણા માટે ચા પાણીની સેવાઓ અમારા રાત સુપેરે પુરી પાડતાને હાજર સહુ રાતને અને બધા જવસવાયા ભાઇઓને રોકડ બક્ષીસ આપતા તેનાથી પણ સારી એવી રોકડી પણ થતી.
આ લેખ પુરો કરતા એક કહેવત યાદ આવે છે..
“સઈ ચોરે લુગડું, સોની ચોરે રતી
રાત બાપડો શું ચોરે, માથામાં કાંઈ નથી”
આ સિવાયની અનેક સેવાઓ રાત આપતા. ગ્રામ્ય સંસ્કૃતિના સ્તંભોમાંનો એક સ્તંભ અમારા ખોડા રાત હતા. હજામત વેળા ભલભલા ચમરબંધીને ય નમાવતા. કદાચ એટલે જ ‘રાત’ કહેવાતા હશે…
તેમને મારાં વંદન અને તેઓશ્રીના પીડાદાયક વત્તુથી થયેલ પીડાઓથી થયેલ તસ્દીને પણ માફી…..
લેખક:-પોપટભાઇ પટેલ, ઘેલડા.
નોંધ:- કોઈ મિત્રે કોપી પેસ્ટ કે ફેરફાર ન કરવા.. મિત્રો માત્ર શેર કરી શકશે. છબીઓ સાંકેતિક છે..
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..