ગામડાના કોઠાસૂઝવાળા અભણ માણસોની જીભે લોકવાણીની કેટકેટલી કહેવતો, ઊક્તિઓ, ઉખાણાં રમતાં હોય છે ! એક વર્ષા ભીની સાંજે ડેલી બહાર આવેલી પડેલી માથે બેસીને ભડલી વાક્યોની વાત કરતા હતા ત્યાં કરશનકાકા આવી ચડ્યા ને કહે ઃ ‘તમે લોકસાહિત્યના સંશોધક છો તો હું પૂછું એનો અરથ વર તો જોઉં.’
પથ્થર મટી થઈ પ્રેમદા, ભોજન કરતા ગાય.
અર્ધું અંગ ફરે ફૂદડી, એનું એઠું સૌ ખાય.
નાનપણમાં ભાઈબંધોની ટણકટોળીમાં બુદ્ધિવર્ધક ઉખાણાં બહુ સાંભળેલાં એટલે તરત જ મેં ઉત્તર આપ્યો ઃ ‘ઘમ્મરઘંટી’ જેનું એંઠું આખો મલકખાય છે એ ઘંટી શબ્દ સંસ્કૃત ‘ઘરટ્ટ’ પરથી ઊતરી આવ્યો છે. ઘંટી એટલે અનાજ દળવાનું પથ્થરના બે પડવાળું એક સાધન. ચક્કી જૂનાકાળે નજર બાંધેલો થાળી વાટકો ઘંટી નીચે મૂકાતો. ચોરેલી ચીજો પણ ઘંટી નીચે સંતાડવામાં આવતી.
લોકજીવનમાં ઘંટીની કેટકેટલી કહેવતો મળે છે ! જુઓ
(૧) ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.- ઘરનાં છોકરાં ભૂખ્યાં હોય ને પારકાને પકવાન આપવું. પોતે નુકશાન સહન કરીને બીજાને લાભ આપવો.
(૨) ઘંટી પ્રમાણે ઓરણું ને ચૂલા પ્રમાણે ખોરણું-જેવી જેની શક્તિ તેવું શોભે, સોડ પ્રમાણે સાથરો.
(૩) ઘંટીના ગાળામાં ગયું બીએ પણ લોકના ચાવ્યામાં આવ્યું ન બચે.
(૪) આદિવેર ઘંટીને ઘઉં, આદિવેર સાસુને વહુ. (
૫) ચોરનો ભાઈ ઘંટી ચોર – પહેલાના કરતાં વધારે ખરાબ વ્યક્તિ.
(૬) જેની ઘંટીએ દળવું એનાં ગીત ગાવાં – જેનું ખાતાં હોઈએ તેનું સારું બોલાય.
(૭) દહાડો પોર ચડે ઊઠે, કરે નહીં અબોટ ઘંટી તણે ઊંધી પડી, કૂતરાં ચાટે લોટ – ફૂવડ બાઈ માટે કહેવાય છે.
(૮) ઘંટીએ બેસવું વરની ને ગીત ગાવાં વીરાના – ખાવું કોઈનું ને ગીત ગાવાં બીજાનાં.
(૯) ડોકે ઘંટીનું પડ ટાંગવું – ઘંટીનું પડ ટાંગવા જેવું વસમું કામ વળગાડવું.
(૧૦) ભિખારીને ઘેર ઘંટી ને ખાંડણિયો અશક્ય હોવું.
(૧૧) ઘંટીના સો ફેરા ઘંટાનો એક ફેરો – સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો.
(૧૨) બંટી હોયતો ઘંટીનો ખપ – અનાજ હોય તો ઘંટી કામની.
(૧૩) ઘંટીના પડ વચ્ચે પીસાવું – હેરાનગતિ ભોગવવી. ઘંટી પરથી આવેલ શબ્દો ઘંટી ઘોબાળું – ઘંટીના પડમાં ટાંકણું મારવાથી પડેલો ખાડો. ઘંટી ટંકારો – ઘંટી ટાંકનારો સલાટ. ઘંટી ચોર – ખિસ્સા કાતરું ઘંટીખીલડો, ઘંટી ફૂદડી – આ નામની જૂની લોકરમતો પણ છે.
આજે શહેરમાં અને ગામડામાં મશીન અને વીજળીથી ચાલતી ચક્કીઓ (ઘંટી) આવી જતાં ગામડાંમાંથી હાથઘંટીઓ, બળદ ઘંટીઓ બધું સાવ અદ્રશ્ય થઈ ગયું. પણ આપણે કોઈ દિવસ વિચાર્યું છે ખરું કે બે પૈડાંવાળી સાદી ઘંટીની શોધ થઈ તે પહેલાં માનવ શું કરતો હશે ! ઘંટીની શોધ કરી તે પહેલાં ધાન્યને પથ્થરના પાટા પર વાટીને કે ઉખલામાં ખાંડીને માનવી લોટ કાઢતો એમ જુદા જુદા દેશોમાં થયેલા પુરાતન સ્થળોનાં ખોદકામ દર્શાવે છે. આ શોધ પાછળ સંસ્કૃતિસૂચક વસ્તુઓ ધ્યાન ખેંચે છે. એક તો ચક્રના સતત ચલનથી માનવ પહેલાં કરતાં બહુ જ સહેલાઇથી ધાન્યનો લોટ કરી શકતો. જેમ કુંભાર હાથે વાસણો ઘડવા કરતાં એના ચાકડાથી વધારે સારું અને ઝડપી કામ કરી શકે છે કે જેમ આપણે પૈડાંવાળા વાહનથી વધારે સહેલાઇથી માર્ગ કાપી શકીએ છીએ. એટલે રથનાં ગોળ પૈડાંની કે કુંભારના ચાકડાની કે ઘંટીના ઉપલા પડની શોધ ન થઈ હોત તો આધુનિક યુગમાં જે શુદ્ધ કુદરતી શક્તિથી ચાલતાં યંત્રોની શોધ થઈ છે તે અસ્તિત્વમાં આવત કે કેમ તેની શંકા છે.
ભારતમાં ઘંટીનો ઉપયોગ કયારથી આરંભાયો એનો વિચાર કરીએ ત્યારે આપણને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય છે કે ઘંટીનો ઉપયોગ આરંભાયો તે અગાઉ માનવી અનાજનો ઉપયોગ કેવી રીતે કરતો હશે ! ઘંટીની શોધ થયા અગાઉ માનવી ધાન્યને પથ્થરના વાટા પર વાટીને કે ઉખલમાં ખાંડીને-લસોટીને જીણો લોટ કાઢતો. એમ પુરાતત્તવીય સંશોધનો કહે છે. સૂકું અનાજ વાટવાનું પરિશ્રમવાળું હોવાથી એને પલાળીને વાટવામાં આવતું અને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવાતી. હિંદમાં મોહેં જો દડો અને હડપ્પામાં તામ્રપાષાણ યુગના ૪૦૦૦ વર્ષ જૂનાં શહેરો અને ધાન્યના કોઠારો મળી આવ્યાં છે ત્યાંથી અનાજ દળવાની આજના જેવી ઘંટી ઉપલબ્ધ થઈ નથી. એ કાળે આ સંસ્કૃતિના સમયગાળામાં પણ ધાન્ય કાં તો પાટા પર કે પછી ઉખલોમાં વાટવામાં આવતું. આવી પ્રગતિશીલ નગર સંસ્કૃતિ માનવી વિકસાવી હોવા છતાં એમની પાસે અનાજ દળવાની ઘંટી નહોતી. અનાજ પીસવાના પાટા એ ઉખલોના નમૂના ઉત્તરમાં તક્ષશિલામાં, પૂર્વમાં નાલંદા, ભીતા વગેરે સ્થળોએથી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના ઇટવાના ઉત્ખનનમાંથી મળી આવ્યા છે. ઈ.સ. ૮૦૦ની આસપાસ એશિયા માઈનોરમાં લોહયુગના આરંભ પછી આજની ઘંટી શોધાઇ હોય એવું લાગે છે. લોહના પ્રચાર સાથે એનો સંબંધ હોય એ સંભવિત છે. આજની પથ્થરની ઘંટી ઇ.સ. શરૂઆતમાં અસ્તિત્વમાં આવી હોવાનું મનાય છે.
દેશી ઘંટીઓ જૂનાકાળે ગોંડલ સંસ્થાનના ઘંટિયા ડુંગરના, ધ્રાંગધ્રા અને પોરબંદર પંથકના પાણામાંથી બનતી. પોરબંદરની ઘંટી કાળા પાણાની અને ધ્રાંગધ્રાની ઘંટી ભૂખરા પથ્થરમાંથી બનતી. ઘંટિયા સલાટો પાણામાંથી ઘંટીઓ ઘડી, ગધેડાં માથે લાદીને ગામડાંમાં વેચવા નીકળતા તેઓ ગામના પાદરમાં ઘંટીઓ ઊતારીને ગામમાં વેચવા ફરતા. પોતાની સાથે વધુ ઘંટીઓ હોય તો પણ ત્યાં મૂકીને અડખેપડખેના ગામોની ફેરી કરતાં. ઘણીવાર એમની ઘંટીઓ બારબાર મહિના ગામપાદર રેઢી પડી રહેતી. ઘંટી ચોરવી એને ગામડામાં બહેન અને માતાજીની આડી ગણવામાં આવી છે.
લોકજીવનમાંથી આજે જેમ ઘંટી ભૂલાઈ ગઈ છે એમ ઘંટીના વિવિધ અંગોના રસપ્રદ નામો પણ વીસરાઈ ગયાં છે. ઘંટીને બે પૈડાં હોય છે. નીચેનું પૈડું પ્રમાણમાં ઓછા વજનવાળું અને ઉપરનું ભારે પૈડું વચ્ચે ઊંચા કાંઠલાવાળું હોય છે. ઉપરના પૈડાના એક છેડે પાડેલા કાણામાં લાકડાનો રંગીન હાથો બેસાડેલો હોય છે. પૈડાના વચલા કાંઠલાના ગાળામાં લાકડાની કાણાવાળી માકડી બેસાડવામાં આવે છે. નીચેના પૈડાંની વચમાં લોઢાનો કે મઢણનાં લાકડાનો ખીલડો હોય છે. એ ખીલડાને માકડીની અડી નીચે બેસાડવામાં આવે છે. ખીલડા નીચે આડી પાટલી હોય છે. પાટલી નીચે સડાયો આવે છે. સડાયો ચડાવવા ઉતારવાથી ઘંટી ભારે હલકી કરી જીણી જાડું દળીશકાય છે. ઘંટી ફરતું લાકડાનું ગોળ થાળું હોય છે. કળાપ્રેમી સુથારો થાળા ફરતી મનોહર કોતરણી કરી તેને ઊભાપાાયને નાની નાની પૂતળિયું મૂકે છે. લાકડાનાં થાળાનો ઉપયોગ શરું થયો તે પહેલાં ગામડા ગામની કુંભાર બાઈઓ અને કોઠાસૂઝવાળી ડોશીઓ ઘંટી ફરતાં માટીનાં થાળાં બનાવી તેને લીંપીગુંપી, લીંપણનકશી કરી તેને આભલાંને ખાપુંથી મઢતી. ઘંટીના થાળામાંથી લોટ કાઢવા માટે જે કાણું હોય છે તેને ‘સાણું’ કહે છે. થાળાનો લોટ ભેગો કરવા માટે જે જાડું લૂગડું વપરાય છે તે ‘નિંધરણું’ને નામે ઓળખાય છે. આ નિંધરણું દળતી વખતે થાળાના કાણામાં આડુ ઠસકાવી દેવામાં આવે છે. અનાજ દળી રહ્યા પછી આ નિંધરણું ઘંટીના ઉપલા પડના કાંઠલામાં ભરાવી દેવામાં આવે છે જેથી તેમાં જીવજંતુ ભરાઈ ન જાય. ઘંટી ઘરના એકાદ ખૂણામાં રહેતી હોવાથી આ અંધારિયા ખૂણાની ઘંટી નીચે ઘણીવાર સાપ, વીંછી આવીને સંતાઈ જતાં હોય છે. દળવા બેઠેલી બાઈને પગે દંશ દે છે. જૂનાકાળે છાણાંના મોઢવામાંથી અગર ઘંટી નીચેથી બાઈઓને સાપ, વીંછી કરડવાના કિસ્સા ઘણાં બનતાં.
ઘઉં, બાજરો, જુવાર, મકાઈ વગેરે ધાન્ય દળવા માટે મોટી ભારે ઘંટી વપરાય છે, જ્યારે ચણા, અડદ, મગ વગેરે કઠોળ ભરડવા માટે નાના થાળાં વગરના અને ઉંચકીને ફેરવી શકાય તેવા ઘંટુલા વપરાય છે. પડોશી બાઈઓ કઠોળની દાળ બનાવવા આ ઘંટલા માગી જાય છે. કોઈવાર ઘંટી કરાગે હોય તો સુથાર ને બોલાવી સરખી કરાવી લે છે અગર પડોશીના ઘેર જઈ એની ઘંટીએ દળી આવે છે.
લોકજીવનમાં, કૃષિ ‘સંસ્કૃતિમાં’ શ્રમનો મહિમા વિશેષ હતો ત્યારે ગામનાની બાઈયું રાતે બે વાગે ઊઠીને ઘંટી માંડી દેતી. પ્રભાતિયાંનાં મધુર સૂરે ગાતાંગાતાં માચીએ બેસીને મોં સૂઝણામાં તો અધમણ બાજરો દળીને ઊભી થઈ જતી. આ બાજરો અને એના રોટલાની મીઠાશ પણ કેવી ? ‘મંગલપુર’ (જિ, સુરેન્દ્રનગર) ગામનો બાજરો હોય, ધ્રાંગધ્રાના પાણાની ઘંટી હોય, દીધડિયા ગામના કુંભારે બનાવેલી તાવડી હોય, ગોલાસણી ગામની વીડ (ઢોરને ચરવાની જગા)માંથી વીણી લાવેલાં અડાયાં (ગાયના) છાણાં હોય અને મેરપુરની રાજપૂતાણીએ મધરાતે ઊઠીને ખંતપૂર્વક ઈ બાજરાને દળ્યો હોય, કથરોટમાં નાખીને વડાગરા મીઠાના પાણીવડે એનો પીંડો બનાવ્યો હોય અને મા જેમ પહેલા ખોળાના દીકરાને હેતે હુલાવતી હોય એમ એને ઘડ્યો હોય ને મધરા મધરા તાપે ત્રાંબિયા જેવો સેડવ્યો હોય એવો દેવતાઓનેય દુર્લભ રોટલો, રીંગણાનું શાક, નવચંદરી ભેંસનું શેડકઢું દૂધ તમે એકવારઆરોગો તો તમારા બત્રીસકોઠે આનંદના દીવડા પ્રગટી જાય.
બાઈઓએ આ ઘંટીના લોકગીતો પણ કેવાં મોજથી ગાયાં છે ? પરણ્યાજીનો પ્રેમ અભિવ્યક્ત કરતી નવોઢા નારી શું કહે છે ?
ઘમ રે ઘંટી ઘમઘમ થાય
ઝીણું દળું તો ઉડી ઉડી જાય.
જાડું દળું તો કોઈ નવ ખાય
ઘમરે ઘંટી ધમ ધમ થાય.
મારા તે ઘરમાં પરણ્યાજી એવા
હરતાં જાય, ફરતાં જાય
મોં ઉપર ટપલી મારતા જાય
ઘમરે ઘંટી ધમધમ થાય.
લગ્ન પ્રસંગે ગવાતાં ફટાણાં (વિનોદગીતો)માં પણ ઘંટી, લોટ અને થુલીની વાત આવે છે.
ઊંચે ટીંબે કેશર જાનીરે
લોટ પડે પણ થૂલી
કેશર જાૂની રે
નાથુની આંખ્યમાં ફૂલું
કેશર જાની રે
ભીંતડીઓ ભટકાશે
કેશર જાની રે
ઘંટી અને ખાંડણિયો કૃષિ સંસ્કૃતિના મહત્તવના પ્રતીકો છે. ભોજા ભગતે ચાબખામાં આ બે અને ત્રીજી કુભારની નારીની વાત કરી છે.
ઘરે ઘંટીને ઘરે ખાંડણિયો
પર ઘેર દળવા જાય
ભાઈયું જેની કભારની ભૂંડી
એને અંતરમાં આપદા ઊંડી.
દક્ષિણ ગુજરાતના લોકજીવનમાં પ્રચલિત સૂરતી ખાંયણાંમાં પરણીને નવીસવી સાસરે ગયેલી નારીના અંતરની વ્્યથામાં પણ ઘંટીના ઘૂઘવાટા સંભળાય છે.
ઘઉં દળું ઘઉં દળું
ઘંટીનો ઘૂઘવાટો, સાસુ-નણંદનો બબડાટો
કે વેઠવો દોહ્યલો
શેર દળું ને શેરીએ જઈ આવું
માડીને મળી આવું
કે આણાં મોકલે.
મારા તે ઘરમાં સામસામી ઘંટી
હીરે જડેલી કંઠી
ડાહીબાની ડોકમાં
યંત્રયુગની આંધિમાં ગ્રામઘરોમાંથી ઘંટી અદ્રશ્ય થઈ ગઈ. બળદ ઘંટીઓ ગઇ ને ગામડાંમાં મશીન મૂકેલી ઘરઘંટીઓ આવી. ઘંટીની સાથે ગ્રામનારીનો શ્રમ ગયો આરોગ્ય ગયું પણ ઘંટી લોકવાણીમાં મૂલ્યવાન કહેવતો મૂકતી ગઈ. ગુજરાતી ભાષા પર એનો કેટલો મોટો ઉપકાર.
‘ઘંટી, ધાણીને ઉધરાણી, ત્રણ ફરતાં ભલા.’
‘માણસના દાંતમાં ન સમાય
પણ ઘંટીના ગાળામાં માય.’
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ