ગંગોત્રી – ગંગાનું જન્મ સ્થાન 

જીંદગીમાં ગમે ત્યાં ફરો ગમે ત્યાં જાઓ પણ જોવાની ફરવાની અને ભાવવિભોર થવાની જે મજા હિમાલયમાં છે એવી બીજે ક્યાંય નથી. હિમાલય જોતાં એમ લાગે કે બાકીના પહાડો તો બચ્ચાઓ છે. હરિદ્વારથી શરુ થતો હિમાલય એ છેક બદ્રિનાથ કે તેનાથી પણ આગલ સુધીનો હિમાલય એ પવિત્ર હિમાલય ગણાય છે. આ હિમાલયની મજા તો તમને ચાર ધામની યાત્ર કરો ત્યારે જ આવે જ છે. અજીબોગરીબ રસ્તાઓ અને ઊંચા ઊંચા પહાડો જોવાની મજા જ કૈંક ઓર હોય છે. જાણે પ્રકૃતિ આપણામાં સમાઈ  જવાં ના માંગતી હોય !!!

અહીં નો હિમાલય પવિત્ર એના ધાર્મિક સ્થળોને લીધે છે. રસ્તામાં આવતા અનેક સ્થળો પણ એટલાંજ ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતાં છે, સાથો સાથ એટલાં અહાલાદક પણ છે !!! આંખો અને હૃદયને ઠારી દે એવા દ્રશ્યો તમને ચારેકોર જોવા મળે છે. પ્રકૃતિ અને ધાર્મિકતા એવી ગૂંથાઈ ગઈ છે અહીંયા કે એ બંનેને છૂટી પાડી જ નાં શકાય !!! આ હિમાલયમાં હરીદ્વારથી -બદ્રીનાથ સુધીના આખાય રસ્તામાં દારૂબંધી છે, પણ તોય પ્રવાસીઓ તો પીવે જ છે. જે કેદારનાથ દુર્ઘટના વખતે જોવાં મળ્યું જ હતું. કદાચ આવાં જ કારણે કુદરતી પ્રકોપ તો નહિ આવતો હોય ને !!! બાકી તો ત્યાં દારૂબંધી છે જ કારણકે આટલે બધે ઉંચે દારુ પીને બસ કે અન્ય વાહન ચલાવાય જ નહિ કે નાં આપણાથી બેસી શકાય !!! અને એટલાં જ માટે એને પવિત્ર હિમાલય કહ્યો છે !!!

ખ્યાલ રહે કે ——
આ ચાર ધામ હિમાલયના છે ……… સમગ્ર ભારતના નહીં !!!! આ હિમાલાયિક ચારધામની યાત્રામાં તો બીજો પડાવ છે આ ગંગોત્રી, પણ પવિત્રતા અને સ્થાન મહાત્મ્યને કારણે એને પહેલું લઉં છું. પ્રથમ પડાવ તો છે —–યમુનોત્રી, પણ લખવા શું પહેલું અને શું બીજું એ બધું જ સરખું ગણાય
એટલે શરુઆત ગંગોત્રીથી જ કરું છું

જેવુ નામથી જ પ્રતિત થાય છે જ્યાં ગંગા અવતરી એજ સ્થાનનું નામ છે ગંગોત્રી. ગ્લેસિયરમાથી ગંગા પ્રકટ થાય છે. ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લામાં હિમાલયનાં હિમાચ્છાદિત  શિખરોમાંથી નીકળતી ગંગાનું ઉદ્ગમ સ્થાન ગૌમુખથી ગંગોત્રીનું અંતર ૧૮ કિલોમીટર છે. ગંગોત્રી સ્થિત ગૌરી કુંડને જોતાં લાગે છે કે ભગવાન શિવજીએ સચમુચ પોતાની વિશાળ જટાઓ માં જે શિખા જટા છે. એમનાં શીર્ષમાંથી આકાશમાંથી ઉતારેલી ગંગાને પ્રેમથી લપેટી લઈને ધરતીને જીવન આપવાં માટે આભા સહિત પ્રતીત થાય છે. ગૌરી કુંડનાંઆ દિવ્ય દ્રશ્યને જોઇને ભક્તો અને દર્શકો ભાવવિભોર થઇ જાય છે !!!

જે વર્ણન શાસ્ત્રોમાં ગંગાનું મળે છે એનું પ્રત્યક્ષ પ્રમાણ અહીં ગંગોત્રીમાં જોવાં મળે છે.
એવું લાગે છે કે —-
જાણે દેવાધિદેવ મહાદેવે પોતાની સ્વર્ણિમ જટામાં ગોળગોળ ઘુમાવીને આ ગૌરીકુંડમાં એક લટથી ગંગાને આ કુંડમાં નીચોવી લીધી હોય !!!! આહીંથી જ ભયંકર નિનાદ કરતી પહાડોના સીનાને ચીરતી આગળ વધતી -ભાગતી ગંગાને જોવી એ અવિસ્મરણીય લ્હાવો છે અને અહીથી જ એનું નામ ભાગીરથી પડ્યું છે. જે દેવપ્રયાગમાં સાત નદીઓની ધારા મળીને ગંગા બને છે.
આ બધી શ્રેષ્ઠ જીવનદાયિની દેવ નદીઓનાં નામ કમશ: આ પ્રમાણે છે  ——–

[૧] ભાગીરથી
[૨] જાહ્નવી
[૩] ભીલગંગા
[૪] મંદાકિની
[૫] ઋષિ ગંગા
[૬] સરસ્વતી
[૭] અલકનંદા

આ બધી જ નદીઓ દેવપ્રયાગમાં આવીને મળે છે અને સપ્ત ધારાઓ એક થઈને ગંગાના રૂપમાં સાતેસાત દિવસ સદાયને માટે સંસારને સુખ શાંતિ પ્રદાન કરવાં માટે આ ધારા પર વહેતીજ રહેતી હોય છે અવિરતપણે !!!

ગંગા નદી ——–

બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગંગાને સંબોધિત કરનાર એક વાક્યમાં ભગવાન પોતે કહે છે કે- પૃથ્વી પર લાખો જન્મ જન્માંતરો બાદ એક પાપી જે પાપનો ઘડો ભરી લે છે તેના પાપ પણ ગંગાના સ્પર્શ માત્રથી જ પાપ ગુમ થઈ જાય છે. ગંગા એ હિંદુઓ દ્વારા પરમ પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે. શિવના હિમાલય અને ગંગા નદી સાથેના સંબંધ ખુબ જ પ્રખ્યાત છે. હિંદુઓ માટે બધું જ પાણી ભલે ને તે નદી હોય કે સમુદ્ર, ઝરણું હોય કે વરસાદનું પાણી બધું જ જીવનના પ્રતિક સમાન છે અને તેની પ્રકૃતિને તેની દેવી માનવામાં આવે છે. ગંગા પાવન છે, નિર્મલ છે, લોકોની આસ્થા અને શ્રદ્ધાનો પર્યાય છે. ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે.

ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. પાછળથી તેનામાં બીજી નદીઓ ભળે છે. જેવી કે યમુના, સન, ગોમતી, કોશી અને ઘાગરા. ગંગા નદીનો કિનારો એ વિશ્વનો સૌથી ફળદ્રુપ અને ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને ૧,000,000 ચો.ફૂટના વિસ્તારને આવરે છે. ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે. યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે.. દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે.

વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓને લોકમાતા કહે છે અને નદીઓની પૂજા કરે છે. દિવ્ય ગંગા નદી અન્ય નદીથી અધિક મહત્વપૂર્ણ અને વિશેષ છે. ગંગા એક માત્ર એવી નદી છે જેનું પાણી હિમાલયની દુર્લભ ઔષધિય વનસ્પતિઓના ગુણોથી ભરપુર છે. વૈજ્ઞાનિક પરીક્ષણોથી એ સિદ્ધ થાય છે કે બરફ જેને ગ્લેશિયર કહેવામાં આવે છે એ પીગળવાથી ગંગા નદી બને છે અને દુનિયાના સર્વાધિક સ્ત્રોતમાં તેની ગણના થાય છે. ગંગા નદી દુનિયાની એક માત્ર એવી નદી છે જેનું પાણી અનેક વર્ષો સુધી સુરક્ષિત માનવામાં આવે છે.

ગંગોત્રી મંદિર  ——

ઉત્તરકાશીથી ૧૦૦ કિલોમીટરની દુરી પર આ પવિત્ર ગંગોત્રી તીર્થ સ્થળ આદ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ બંને દ્રષ્ટિએ મહત્વ પૂર્ણ છે. સમુદ્ર તલથી ૩૧૪૦ મિ. ની ઉંચાઈએ શ્યામ રંગનું ભવ્ય મંદિર બનેલું છે. જેમાં ગંગાદેવી ની સોનાની દિવ્ય  મૂર્તિ વિદ્યમાન છે !!! હરીભરી વાદીઓની વચ્ચે એક વિશાળ પરિસરમાં બનેલાં આ પ્રાચીન મંદિરની શોભા એનાં પર લહેરાતાં પીળાં રંગનાં ઝંડાને લીધે એના પર ચાર ચાંદ લગાડતાં નજરે પડે છે !!! આ મંદિરનું નિર્માણ ૧૮મી શતાબ્દીમાં ગોરખા જનરલ અમરસિંહ થાપરે કરાવ્યું હતું ‘ ગંગા દેવીનાં આ મંદિરનું નામ ગંગોત્રી મંદિર પડયું. ગંગોત્રીનું આ મંદિર ભાગીરથીની જમણી બાજુએ આવેલું છે !!!!

આવા દુર્લભ સ્થાન પર આટલું વિશાળ અને ભવ્ય મંદિર જેમ તીર્થયાત્રીઓને પોતાની તરફ આકર્ષિત અને આશ્ચર્યચકિત કરે છે એમ એજ પ્રકારે ગંગા અવતરણની કથા પણ લોકોને પોતાની તરફ બહુજ આકર્ષિત કરે છે !!! ગંગા મંદિર ૬ મહિના સુધી યાત્રીઓ માટે ખુલ્લું અને ૬ મહિના માટે બંધ રહે છે !!! જયારે શિયાળાની ઋતુમાં અહીંયા ભારે માત્રામાં બરફ પડતો હોય છે ત્યારે ગંગામૈયાની મૂર્તિને નીચે ધરાલી પાસે મુખવામાં લઇ જવામાં આવે છે જ્યાં એની પૂજા વિધિવત ૬ મહિના સુધી કરવામાં આવે છે !!!

ગંગોત્રી સાથે જોડાયેલી આસ્થા  ———-

આની સાથે જ છે ગંગોત્રી ધામ !!!
આ ધામ પણ પોતાનો બહુજ પુરાણો ઈતિહાસ ધરાવે છે. ઋષિકેશથી ૨૮૦ કિલોમીટનાં અંતરે છે આ ગંગોત્રી ધામ !!!
આ સ્થાન હિન્દુઓ માટે બહુજ પવિત્ર સ્થાન છે.

ગંગોત્રી ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત ગંગાનું ઉદગમ સ્થળ છે. આમ તો ચારધામ યાત્રામાં યમુનોત્રીની યાત્રા પશ્ચાત ગંગોત્રીની યાત્રા કરવાની એક પરમ્પરા છે. ગંગાનું મંદિર તથા સૂર્ય, વિષ્ણુ અને બ્રહ્મકુંડ આદિ પવિત્ર સ્થાન અહીંયા છે. ગંગોત્રીમાં ગંગાનું ઉદગમ સ્રોત આહીંથી લગભગ ૧૮ કિલોમીટર દુર ગંગોત્રી ગલેશિયરમાં ૪૨૨૫ મીટરની ઉંચાઈ પર હોવાનું અનુમાન છે !!! આ તીર્થ યાત્રાનો સમય એપ્રિલ થી નવેમ્બર સુધીનો હોય છે !!!

પૌરાણિક સંદર્ભ  ———-

અહીંયા આદિ શંકરાચાર્યે ગંગા દેવીની એક મૂર્તિની સ્થાપના કરી હતી. જ્યાં આ મૂર્તિની સ્થાપના થઇ ત્યાં ૧૮મી શતાબ્દીમાં એક ગુરખા અધિકારીએ મંદિરનું નિર્માણ પણ કરાવ્યું હતું. એની નિકટ ભૈરવનાથનું એક મંદિર છે એને ભગીરથનું તપસ્થળ પણ કહે છે. જ્યાં શીલા પર બેસીને એમણે તપસ્યા કરી હતી એ ભગીરથ શિલા પણ કહેવાય છે. એ શિલાપર લોકો પિંડદાન પણ કરે છે !!!! ગંગોત્રીમાં સૂર્ય , વિષ્ણુ, બ્રહ્મા,આદિ દેવતાઓનાં નામ પર અનેક કુંડ છે

ભગીરથ શિલાથી થોડેક જ દૂર રુદ્રશિલા છે. જ્યાં એમ કહેવામાં આવે છે કે ભગવાન શિવજીએ પોતાના મસ્તક પર ગંગાજીને ધારણ કર્યા હતાં. એની નિકટ જ કેદારગંગા ગંગામાં ભળી જાય છે !!! એનાથી અડધો માઈલ જ દૂર એક પાષણની વચ્ચે વહેતી વહેતી ૩૦ -૩૫ ફૂટ નીચે પ્રપાતનાં રૂપમાં નીચે પડે છે !!!
આ પ્રપાત નાળું ગૌરીકુંડ કહેવાય છે !!!
આની વચ્ચે એક શિવલિંગ છે જેના ઉપર પર્પતની વચ્ચેનું જળ પડતું રહેતું હોય છે !!!

ગંગાનો ઉદગમ–

પરમપાવની ગંગાનું સ્વર્ગથી અવતરણ આ પુણ્યભૂમિ પર થયું હતું. સર્વપ્રથમ ગંગાનું આવતરણ થવાંને કારણે જ આ સ્થળ ગંગોત્રી કહેવાયું.

યદ્યપિ જનસાધારણની વચ્ચે એ માનવામાં આવે છે કે ગંગા અહીંથી નીકળી છે. પરંતુ વસ્તુત: એનો ઉદ્ગમ ૧૮ માઈલ ઉપર શ્રીમુખ નામના પર્વતમાં છે !!! જ્યાં ગૌમુખનાં આકારનો એક કુંડ છે જેમાંથી ગંગાની ધારા ફૂટી છે !!!!

માન્યતા છે કે ગંગોત્રી ધામ એ સ્થાન છે ……..
જેને ધરતી પર અવતરિત થતાં સમયે માં ગંગાએ સૌથી પહેલો સ્પર્શ કર્યો હતો. ગંગાજીનું આ પવિત્ર સ્થળ સમુદ્રની સતેહથી ૩૦૪૨ મીટર ઊંચાઈ પર સ્થિત છે. અહીંનું વાતાવરણ બેહદ આકર્ષક અને મનોહારી છે !!!!

પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામચંદ્રના પૂર્વજ રઘુકુળના ચક્રવર્તી રાજા ભગીરથે અહીંયા એક પવિત્ર શિલાખંડ પર બેસીને ભગવાન શંકરની તપસ્યા કરી હતી.  માન્યતા છે કે દેવી ભાગીરથી (ગંગા) એ આ સ્થળ પર ધરતીનો સ્પર્શ કર્યો હતો …… એવી પણ માન્યત છે કે પાંડવોએ પણ મહાભારતના યુધ્ધમાં માર્યા ગયેલા પોતાનાં પરિવારજનોની  આત્મિક શાંતિ માટેનું નિમિત્તે આસ્થાન પર આવીને મહાન દેવયજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું !!!

અહીંયા શિવલિંગનાં રૂપમાં એક નૈસર્ગિક ચટ્ટાન ભાગીરથી નદીમાં જળમગ્ન રહેતી હોય છે. એમ કહેવાય એનાં દર્શનથી દૈવીય શક્તિની પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવજી આ સ્થાન પર પોતાની જટાઓ ફેલાવીને માં ગંગાના વેગને રોકવાં માટે બેસી ગયાં હતાં !!!એમણે પોતાની ઘૂંઘરાળી જટાઓને લપેટી લીધી. શીતકાલનાં આરંભમાં જયારે ગંગાનું સ્તર ઘણું જ નીચે જતું રહેતું હોય છે ત્યારે આ પવિત્ર શિવલિંગનાં દર્શન થાય છે !!!
પ્રાચીનકાળમાં અહીંયા મંદિર હતું. ભાગીરથી શીલાની નિકટ એક મંચ હતો. જ્યાં યાત્રાકાલમાં ૩-૪ મહિના માટે દેવી -દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવતી હતી

ગંગોત્રીથી ૧૮ કિલોમીટર દૂર જ ગૌમુખ સ્થિત છે. આ ગંગોત્રી ગ્લેશિયરનું મુખ છે. કહેવાય છે કે અહીંયા બર્ફીલા પાણીમાં સ્નાન કરવાથી બધાં જ પાપ ધોવાઈ જાય છે. ગંગોત્રીથી અહીં સુધીનું અંતર પગપાળા જ પૂરી કરાય છે. ચઢાઈ એટલી કઠીન નથી અને ઘણાં લોકો એકજ દિવસમાં પાછાં પણ આવી જાય છે. ગંગોત્રીમાં કુલી પણ ઉપલબ્ધ હોય છે !!!

મંદિર નિર્માણનો ઈતિહાસ  ——–

ગંગોત્રી ધામ ઉત્તરકાશીથી ૧૦૦ કિલોમીટરનાં અંતરે જ છે. ગંગા મૈયાનું આ મંદિરનું નિર્માણ ગોરખા કમાન્ડર અમરસિંહ થાપા દ્વારા ૧૮મી શતાબ્દીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. મંદિરમાં પ્રબંધ માટે સેનાપતિ થાપાએ મુખબા ગંગોત્રી ગામમાંથી પંડોને નિયુક્ત કર્યા હતાં. આની પહેલાં ટકનૌરનાં રાજપૂત જ ગંગોત્રીના પુજારી હતાં !!! એવું માનવામાં આવે છે કે જયપુરનાં રાજા માધોસિંહ દ્વિતીયે ૨૦મી સદીમાં આ મંદિરની મરમ્મત કરાવી હતી

ઈ. ટી. એટકિન્સે “ધ હિમાલીયન ગેઝેટીયરમાં લખ્યું છે કે
અંગ્રેજોનાં ટકનૌર શાસનકાળમાં ગંગોત્રી પ્રશાસન ઇકાઈ પટ્ટી અને પરગણાનો એક ભાગ હતું. એ એજ મંદિરનાં ઢાંચાનું વર્ણન કરે છે જે આજે છે. એટકિન્સ આગળ બતાવે છે કે મંદિર પરિવેશની અંદર કાર્યકારી બ્રાહ્મણ(પુજારી )માટે એક નાનકડું ઘર હતું તથા બહાર તીર્થયાત્રીઓ માટે લાકડાનો છાયાદાર ઢાંચો હતો !!!

ગૌમુખ હિન્દુઓનું પવિત્ર સ્થાન પણ છે. વિભિન્ન પર્વતારોહી દલ પણ પ્રત્યેક વર્ષે અહીંયા પોતાનો પડાવ નાંખતા હોય છે. સમુદ્રતટથી ઘણી ઉંચાઈ પર હોવાનાં કારણે ઓક્ટોબર પછી અહીંયા ભારે હીમપ્રપાટ આરંભ થઇ જતો હોય છે. જેના પછી અહીંયા આવવાં- જવાંના બધાં જ માર્ગો બંધ થઇ જાય છે. ચારે તરફ બરફ સિવાય કશુંજ દેખાઈ નથી પડતું. તાપમાન શૂન્ય ડીગ્રી કરતાં પણ ઘણું નીચે સરકી જતું હોય છે. જેના પછી અહીં રોકાવું લગભગ અસંભવ જ છે !!!

ગંગોત્રીથી ગૌમુખ સુધીનાં ૧૮ કિલોમીટરનાં પગ રસ્તાનો એક મુખ્ય પડાવ છે ભોજવાસા. અહીંયા ક્યારેક ભોજપત્રોનું બહુજ મોટું જંગલ હતું. આ કારણેઆ સ્થાનનું નામ ભોજવાસા પડયું. ભોજવૃક્ષ ઘણી ઉંચાઈ પર ઉગવાંવાળું ઝાડ છે. એનાં થડ અને ડાળીઓ પર એક સફેદ અને મહીં છાલ ચીપકીને રહેતી હોય છે જેને ભોજપત્ર કહેવાય છે. પ્રાચીનકાળથી જ ભારતીય સમાજમાં ભોજપત્રનું વિશેષ મહત્વ રહ્યું છે. આજથી હજારો વર્ષ પૂર્વે જયારે કાગળનો આવિષ્કાર નહોતો થયો. ત્યારે પાંડુલિપિઓ ભોજપત્રો પર જ તૈયાર કરવામાં આવતી હતી. આપણા અધિકતર પ્રાચીન ગ્રંથો ભોજપત્રો પર લખાયેલાં છે !!! આજે પણ ધાર્મિક અનુષ્ઠાનો માટે ક્યાંક કયાંક ભોજપત્રોનો પ્રયોગ કરવામાં આવે છે. ભોજપત્ર ઘણી બધી ઔષધિઓ બનવવામાં પણ કામ આવે છે !!!!

પૌરાણિક કથા ————

રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે.. તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મુકી આવ્યો. સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી.

ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુ્ત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા. છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી.

શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી. પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઇ. રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતીથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી. આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા.. આમ તેમને પણ સદગતિ પ્રાપ્ત થઇ !!!!

થોડુંક વધારે  ———–

ગંગોત્રી અને ગૌમુખ ———–

ગંગા એ ભારતની અતિ પવિત્ર નદી છે. આ નદીને કિનારે કેટલાંયે શહેરો, ગામો, મંદિરો, આશ્રમો અને સાધુસંતોની કુટિરો બન્યાં છે. ગંગા અસંખ્ય લોકોની જીવાદોરી છે. ગંગાનું નામ સાંભળીને જ આપણા મનમાં એક જાતનો પવિત્ર ભાવ પેદા થાય છે. ઝીલી લીધી, અને ગંગા પૃથ્વી પર વહેતી થઇ.

ગંગા, હિમાલયમાં આવેલી ગૌમુખ નામની જગાએથી નીકળે છે. ગૌમુખની સમુદ્રસપાટીથી ઉંચાઇ ૩૮૯૦ મીટર છે. તે ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં, ચીનની સરહદની નજીક આવેલું છે. આ આખો વિસ્તાર પર્વતોવાળો છે. ગંગા ગૌમુખ આગળથી નીકળે ત્યાં તે ભાગીરથીના નામે ઓળખાય છે.
આગળ જતાં દેવપ્રયાગ આગળ તેને બદરીનાથ તરફથી આવતી અલકનંદા નદી મળે છે. પછીથી તે ગંગા તરીકે ઓળખાય છે. ગંગા આગળ વધીને ઋષિકેશ આગળ મેદાની વિસ્તારમાં પ્રવેશે છે, પછી હરદ્વાર, અલાહાબાદ વગેરે આગળ વહીને કલકત્તાની નજીક તે દરિયાને મળે છે.

ગૌમુખ

ઋષિકેશથી જ હિમાલયના પહાડોનું ચડાણ શરુ થઇ જાય છે. ઋષિકેશથી ગંગાને કિનારે કિનારે પહાડોની ધારે રસ્તો બનાવેલો છે. નદી ઉપરથી ખીણમાં નીચે તરફ આવે અને આપણે તેના કિનારે ઉપર તરફ જવાનું. રસ્તો પહાડોની ધારે હોવાથી તે સાંકડો, વાંકોચૂકો અને વળાંકો લેતો આગળ વધે છે. વાહન બહુ સાચવીને ચલાવવું પડે. ગાડી નદીમાં પડી ના જાય એનું ધ્યાન રાખવું પડે. જો કે રસ્તા સારા છે, એટલે એસ.ટી. જેવું મોટું વાહન પણ જઇ શકે છે. આ રસ્તો ઋષિકેશથી ઉત્તરકાશી, હરસીલ વગેરે ગામો થઈને ગંગોત્રી સુધી જાય છે. ઋષિકેશથી ઉત્તરકાશી ૧૭૦ કી.મી. અને ત્યાંથી ગંગોત્રી ૯૫ કી.મી. દૂર છે. આખો માર્ગ પહાડી અને ચડાણવાળો છે.

ગંગોત્રી એક પવિત્ર અને ધાર્મિક સ્થળ છે. અહીં ભાગીરથી નદીને કિનારે ગંગા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ગંગોત્રીની સમુદ્રસપાટીથી ઉંચાઈ ૩૦૪૮ મીટર છે. અહીં ઠંડી ઘણી પડે છે. ભાગીરથીનું પાણી બહુ જ ઠંડુ હોય છે. છતાં, ઘણા લોકો અહીં નદીમાં સ્નાન કરે છે. નદીમાં સ્નાન કરવાનો મહિમા છે.
શિયાળામાં તો અહીં બધે બરફ જામી જાય, એટલે નવેમ્બરથી મે સુધી ગંગોત્રી મંદિર બંધ રહે છે. લગભગ મેના અધવચ્ચે મંદિરનાં કપાટ ખુલે છે.

રાજા ભગીરથે ગંગોત્રી મંદિર આગળ જ શીલા પર બેસીને તપ કર્યું હતું. આ શીલા ભગીરથ શીલા તરીકે ઓળખાય છે. શીવજીએ, અત્યારે જ્યાં નદી છે, તેમાં બેસીને ગંગાને જટામાં ઝીલી હતી. અહીં શીવલીંગ છે, પણ તે પાણીમાં ડૂબેલું રહે છે. ગંગોત્રીમાં રહેવા માટે હોટેલો, ધર્મશાળાઓ અને આશ્રમો પણ છે. ઘણા લોકો ચાર ધામની યાત્રા કરે છે. ગંગોત્રી, ચાર ધામોમાંનું એક છે. બાકીનાં ત્રણ ધામ બદરીનાથ, કેદારનાથ અને જમનોત્રી છે.

ગંગોત્રીથી હજુ આગળ જઈએ તો ગૌમુખ આવે. ગંગોત્રીથી ગૌમુખનું અંતર ૧૮ કી.મી. છે. અહીં પણ ભાગીરથીને કિનારે જ જવાનું. પણ આ રસ્તો સારો નથી. આ રસ્તે વાહન ના જઇ શકે, એટલે ચાલીને કે ઘોડા પર જ જવું પડે. ૨૦૧૩ના જૂનમાં અહીં સખત પૂર આવ્યું હતું, એટલે આ રસ્તો બહુ જ ખરાબ થઇ ગયો છે. છતાંય ભક્તો, સાધુઓ, પ્રવાસીઓ અને ટ્રેકીંગ કરનારા લોકો ગૌમુખ જતા હોય છે. આ રસ્તે દેવગઢ, ચીરવાસા અને ભોજવાસા ગામો આવે છે. ગંગોત્રીથી ભોજવાસા ૧૩ કી.મી. દૂર છે. ભોજવાસા એ આ રૂટ પરનું છેલ્લું ગામ છે. ભોજવાસા સુધી ઝાડપાન અને જંગલો જોવા મળે છે. ભોજવાસાથી આગળનો રસ્તો ઉજ્જડ અને વેરાન છે. ભોજવાસામાં રહેવા જમવાની સગવડ છે. અહીં એક મંદિર પણ છે.

પ્રવાસીઓ ભોજવાસાથી ગૌમુખ પહોંચે છે. ગૌમુખની પાછળ હિમાલયનાં ઉત્તુંગ શીખરો આવેલાં છે. ભોજવાસાથી જ આ શીખરો દેખાવા માંડે છે.

ગૌમુખ એ હિંદુઓનું અતિ પવિત્ર સ્થાન છે. અહીં ખડકોમાં ગુફા જેવી એક મોટી બખોલ છે, એમાંથી પાણીનો જોરદાર પ્રવાહ બહાર આવે છે. આ પ્રવાહ એ જ ભાગીરથી નદી.. ભાગીરથીનું આ ઉદભવસ્થાન. આ ગુફામાં અંદર જઇ શકાય નહિ. ગુફા અને ખડકોનો દેખાવ ગાયના મોં જેવો હોવાથી એ ગૌમુખ કહેવાય છે. ગૌમુખ આગળ લાકડાના થાંભલાઓ ઉભા કરીને નાનું સરખા મંદિર જેવું બનાવ્યું છે. મંદિર પર લાલ પીળી ધજાઓ ફરકે છે. ગૌમુખની ઉંચાઈ ૩૮૯૦ મીટર છે. અહીં ગંગોત્રી કરતાં યે વધુ ઠંડી હોય છે. ભાગીરથીનું પાણી અતિશય ઠંડુ બરફ જેવું હોય છે. છતાં યે ઘણા શ્રદ્ધાળુઓ અને સાધુઓ અહીં ભાગીરથીમાં સ્નાન કરે છે, અને નદીને વંદન કરે છે. લોકોને જીવન બક્ષનારી નદીનું મૂળ જોઇને લોકોનાં મન અહોભાવથી ભરાઈ જાય છે.

ગૌમુખમાં આ પાણી ક્યાંથી આવતું હશે? ગૌમુખની પાછળ પાંચેક કિલોમીટર જેટલો મેદાની વિસ્તાર છે, એ તપોવનના નામે ઓળખાય છે. એની પાછળ ગંગોત્રી ગ્લેશિયર અને એની યે પાછળ બરફ છાયાં શીખરો આવેલાં છે.હગ્લેશિયર એટલે બરફનો લાંબોપહોળો જાડો થર. આ ગ્લેશિયર પીગળીને એનું જે પાણી બને તે પાણી તપોવનની નીચેના ખડકોમાં થઈને ગૌમુખમાં પહોંચે છે, અને ભાગીરથી નદી રૂપે નીકળે છે.

તપોવન ભારતનાં ઉંચાં મેદાનોમાંનું એક છે. તેની સરેરાશ ઉંચાઈ ૪૪૬૩ મીટર જેટલી છે. તપોવનના વિસ્તારમાં ઘાસ, ફૂલ, ઝરણાં વગેરે છે. ઘણા સાધુ પુરુષો અહીં ધ્યાન અને યોગ કરે છે, અને અહીં ઝુંપડી કે તંબૂ બાંધીને એકાંતમાં રહે છે. ઘણા સાહસિકો ગૌમુખથી ચડીને અહીં ટ્રેકીંગ કરવા આવે છે.

ગંગોત્રી ગ્લેશિયર, બરફાચ્છાદિત શીખરો વચ્ચે ઢાળમાં પથરાયેલો પડ્યો છે. તેની લંબાઈ ૩૦ કી.મી. અને પહોળાઈ ૨ થી ૩ કી.મી. જેટલી છે. કલ્પના કરો અહીં કેટલો બધો બરફ હશે ! ગ્લેશિયરના નીચેના છેડેથી બરફનું પાણી બની ભાગીરથીમાં વહી જાય તો પણ ગ્લેશિયરનો બરફ ઓછો થતો નથી, કેમ કે ઠંડીને લીધે નવો બરફ બન્યા જ કરે છે.
લાખો વર્ષોથી ગ્લેશિયર ટકી રહ્યો છે. હા, અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે તેની સાઈઝ સહેજ ઘટી છે. આ ગ્લેશિયરની ઉંચાઈ આશરે ૪૨૦૦ મીટરથી ૬૫૦૦ મીટર જેટલી છે.

હવે ગ્લેશિયરની પાછળનાં ગંગોત્રી ગ્રુપનાં શીખરોની વાત.
આ શીખરોનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. દરેક મોટા શીખરને નામ આપેલુ છે. મુખ્ય શીખરો ભાગીરથી, શીવલીંગ, મેરુ, થલયસાગર, કેદારનાથ અને ચૌખંબા છે. આ દરેક પર હમેશાં બરફ પડ્યો રહે છે. સાહસિકોએ આ શીખરો પર ચડવાના પ્રયત્નો કર્યા છે. ભાગીરથી સમૂહમાં ૩ શીખરો છે. તેમાં ભાગીરથી-૧ સૌથી ઉંચું, ૬૮૫૬ મીટર ઉંચું છે. તેની ઉપર, ગ્લેશિયર તરફથી ચડવાનું અઘરું છે, પાછળની બાજુથી સહેલું છે. શિવલિંગ ૬૫૪૩ મીટર ઉંચું છે. તે શીવની સિમ્બોલ જેવું અને સૌથી વધુ પવિત્ર છે. મેરુ ૬૬૬૦ મીટર ઉંચું છે. તે શીવલીંગ અને થલયસાગરની વચમાં આવેલું છે. પર્વતારોહકોએ તે હમણાં જ સર કર્યું છે. થલયસાગર ૬૯૦૪ મીટરની ઉંચાઈ ધરાવે છે, તેના પર ચડવાનું સૌથી અઘરું છે.
કેદારનાથ  ૬૯૪૦ મીટર ઊંચું છે. ચૌખંબામાં જોડે જોડે ૪ શીખરો છે (ચૌખંબા ૧ થી ૪). તેમાં ચૌખંબા-૧ સૌથી ઉંચું ૭૧૩૮ મીટર છે. શીવલીંગ, મેરુ અને થલયસાગર શીખરો પર ચડવા માટે એવોર્ડ અપાયા છે. શીખરો પર ચડવા માટેનો બેઝ કેમ્પ સામાન્ય રીતે તપોવનમાં કરાય છે. ગૌમુખ લગભગ શીવલીંગ શીખરના પાયા આગળ છે.

તપોવનની બાજુમાં નંદનવન નામનું મેદાન છે. એમાં પણ ટ્રેકર્સ અને યાત્રીઓ આવે છે. અહીં તંબૂ બાંધીને રહી શકાય છે.
નંદનવનથી થોડું ચડી ચતુરંગી ગ્લેશિયર તરફ જતાં ૪૪૬૩ મીટર ઉંચાઈએ વાસુકી નામનું સરોવર આવે છે. તે વાસુકી તાલ તરીકે જાણીતું છે.

અહીના સ્થળોને આટલા ભાગોમાં વહેંચી શકાય  ——-

(૧) ગંગોત્રી મંદિર
(૨) ગૌમુખ
(૩) ગૌમુખ
(૪) ગૌમુખ આગળ નાનું મંદિર
(૫) તપોવન
(૬) ભાગીરથી શીખર
(૭) શીવલીંગ શીખર
(૮) મેરુ શીખર

યાત્રાનું સૌંદર્ય માણવું હોય તો તેનો માર્ગ અને ફલીત્વ્ય કઠીન જ હોય. નયનરમ્ય પ્રકૃતિની મજા જ એ ચારધામ યાત્રામાં એમાં પણ ગંગોત્રીની મજા કઈ ઓર જ છે. આસ્થા હંમેશા નિષ્ઠાપૂર્વકની જ હોય !!!! ગંગા જેવી પવિત્રતમ નદીનું મુખ જોવાની દરેક ભારતીયને ઈચ્છા થાય એ સ્વાભાવિક જ છે
અને એ આસાનાથી પૂર્ણ થતી નથી એ પણ એટલી જ સાચી વાત છે. છતાં ઘણાંબધાં આજે પણ ગંગોત્રીના દર્શનાર્થે જાય છે તો દરેક જણ નીકળી જાઓ આ યાત્રા પર અને ગંગોત્રીમાં જઈને મનને પ્રફુલ્લિત કરો અને બધાં પાપ ધુઓ. એ બહાને હિમાલય જોવાં મળશે એ નફામાં. ગંગોત્રીના સ્મરણો પછી જિંદગીભર વાગોળ્યા કરો. આજ તો જિંદગીનું ઉતામોત્તમ ભાથું છે !!!!

——- જનમેજય અધ્વર્યુ

????????☘

error: Content is protected !!