બહુ જાણીતી વાત છે કે ગાંડીવ એ અર્જુનનું ધનુષ્ય હતું. જેના વડે અર્જુને કુરુક્ષેત્રમાં કૌરવોની અક્ષોહિણીઓ પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો.અને આ ધનુષ્ય ધારણ કરવાને કારણે અર્જુન “ગાંડીવધારી” તરીકે પણ ઓળખાતો.ટૂંકમાં,અર્જુન અને ગાંડીવ એ એકબીજાના પર્યાય જેવા બની ગયાં છે.અર્જુનને ગાંડીવ વગર ના ચાલે કે ગાંડીવને અર્જુનના હાથ વગર ન ચાલે….!
પણ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ગાંડીવની ઉત્પત્તિ કેમ થઇ ? આખરે આ શત્રુઓનો કચ્ચરઘાણ કાઢનાર ધનુષ્ય આવ્યું ક્યાંથી ? ગાંડીવના મુળ પાછળની કથા કાંઇક આવી છે –
એક સમયે મહાપ્રતાપી એવા મહર્ષિ કણ્વએ ગાઢ અરણ્યમાં અને અત્યંત નિરવ એકલતામાં બ્રહ્માનું તપ આદર્યું.મહર્ષિ કણ્વએ ખરેખર ભયંકર તપ કર્યું.પોતે તપ કરતાં કરતાં એવી સમાધિદશા પ્રાપ્ત કરી કે વર્ષોના વર્ષો વીતી ગયાં.અને એના શરીર પર ઉધઇએ રાફડો બનાવી દીધો….! આ રાફડા પર એક વાંસ ઊગ્યો.
મહર્ષિ કણ્વની આવી ભયંકર તપશ્વર્યાથી આખરે બ્રહ્મા પ્રસન્ન થયાં.એણે મહર્ષિ કણ્વને અત્યંત પ્રસન્નતાથી જે માગ્યા તે વરદાન આપ્યાં.જતી વખતે બ્રહ્માએ જોયું કે મહર્ષિ કણ્વના શરીર પર જે રાફડો ઉગેલ તેના પર એક વાંસ ઉગેલો હતો.
બ્રહ્માએ વિચાર્યુ કે,આવા મહાન તપશ્વિની મૂર્ધા પર જે વાંસ ઉગ્યો હોય તે સહેજે જેવો તેવો હોય નહિ….! આથી બ્રહ્માએ તે વાંસ કાપી લીધો અને તે વિશ્વકર્માને આપ્યો.ઓજારો અને સ્થાપત્યોના મહાન કારીગર એવા ભગવાન વિશ્વકર્માએ એમાંથી ત્રણ ધનુષ બનાવ્યા – પિનાક,સારંગ અને ગાંડીવ.
પિનાક બ્રહ્માએ ભગવાન શિવને આપ્યું.જેથી શિવ “પિનાકપાણિ” કે “પિનાકિન” કહેવાય.સારંગ ભગવાન વિષ્ણુને આપ્યું.જેથી વિષ્ણુ “સારંગપાણિ” કહેવાયા.અને ગાંડિવ સોમ [ ચંદ્ર ]ને મળ્યું.ચંદ્રએ તે ઇન્દ્રને આપ્યું અને ઇન્દ્રએ વરુણદેવનો થપ્પો કર્યો.અને વરુણદેવે તે અર્જુનને આપ્યું.જે બાદમાં સદાય અર્જુન પાસે જ રહ્યું.
અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે,જે પોતાની પાસે ગાંડીવ માંગશે તેને તે મારી નાખશે….! આ વાતને પછી તો વર્ષો વીતી ગયાં.મહાભારતના યુધ્ધમાં એકવાર યુધિષ્ઠિર કર્ણ સામે લડતાં-લડતાં ઘવાયા.કર્ણએ સારી પેટે યુધિષ્ઠિર પર પ્રહારો કર્યા.આખરે યુધિષ્ઠિરથી કર્ણના પ્રહાર સહન ન થવાથી તે રણ છોડીને ભાગ્યા.
સાંજે યુધ્ધ પૂર્ણ થતા અર્જુન છાવણીમાં આવ્યો ત્યારે તેણે જોયું કે યુધિષ્ઠિર ઘાયલ અવસ્થામાં પથારી પર પડ્યા હતાં.યુધિષ્ઠિરને કર્ણએ મારેલા ઘામાંથી અસહ્ય વેદના થતી હતી.અર્જુનને જોઇને આ વેદનાનો ગુસ્સો યુધિષ્ઠિરે તેમના પર ઉતાર્યો.તેમણે અર્જુનને ધમકાવી નાખતા કહ્યું કે –
“હું અહિં અસહ્ય વેદનાથી પિડાવ છું અને તું હજી કર્ણને મારી નથી શક્યો ? એના માર્યા વગર પાછો આવ્યો ? ધિક્કાર છે તારી શુરવીરતા ઉપર અને તારા આ ગાંડીવ પર….! એના કરતાં એક કામ કર; ગાંડીવ બીજા કો’કને આપી દે….!”
યુધિષ્ઠિરે અર્જુનના ગાંડીવને બીજાને આપી દેવાની માંગણી કરી….! અર્જુન પોતાની પ્રતિજ્ઞા સામે લાચાર હતો.”જે કોઇ ગાંડીવની માંગણી કરે એને હણી નાખવો….!” કમને અર્જુન તલવાર ઉપાડીને યુધિષ્ઠિર પર વાર કરવા જાય છે ત્યાંજ કૃષ્ણ આડા ફરે છે અને કહે છે કે,કોઇ પણ વ્યક્તિને મારવા કરતા એના વિશે ખરાબ બોલો,એની નિંદા કરો એટલે એ વ્યક્તિની હત્યા કરી જ કહેવાય….!
આથી અર્જુન યુધિષ્ઠિર વિશે મનફાવે તેમ બોલે રાખે છે.અને એમ એમ યુધિષ્ઠિરને મારે છે….! જો કે,બાદમાં અર્જુન પોતે યુધિષ્ઠિર પાસે જઇને પોતે કહેલા વેણની માફી માગે છે….!
ગાંડીવનો અર્થ “વ્રજની ગાંઠમાંથી બનેલ” એવો પણ થાય છે.”ગાંડી” એટલે “ગાંઠ” અને આ પરથી “ગાંડીવ” શબ્દ આવ્યો હોવાનું કહેવાય છે.
– Kaushal Barad.
No Responses