સોલંકીયુગીન અતિપ્રખ્યાત શિવ મંદિર – ગળતેશ્વર

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રા ધામ એટલે ડાકોર. ડાકોર એટલે મારી નસ નસમાં વહેતું મારું માદરે વતન અને મારી કર્મભૂમિ એટલે બાલાસિનોર. ડાકોરથી બાલાસિનોર નું અંતર માત્ર ૩૭ જ કિલોમીટર છે પણ ત્યાં જતાં રસ્તામાં અંબાવ આવે છે ત્યાંથી જમણી બાજુએ વળી જાઓ અને ૪-૫ કિલોમીટર અંદર જાઓ એટલે સોલંકીયુગનું અતિપ્ર્ખ્યાત મંદિર ગળતેશ્વર આવે !! અસંખ્યવાર હું આ મંદિરમાં ગયો હોઈશ પણ જયારે ગયો છું ત્યારે એક નવીનતમ અનુભૂતિનો અહેસાસ મને જરૂર થયો છે જે મારાં શ્વાસમાં સમાઈ ગયો છે અમુલ્ય યાદગીરીરૂપે !!! દરેક વખતે એ એ મંદિર મને કૈંક નવું જ ભાસ્યું છે. અહાલાદક આનંદ મળ્યો છે

મંદિરની મહતા એના બાજુના વાતાવરણ અને લોકેશનને લીધે જ વધે છે. ગળતેશ્વરમાં આમ તો મંદિર સિવાય બીજું કશું નથી. એકાદ ધર્મશાળા અને આશ્રમ જેવું છે ત્યાં ખરું. મંદિરની પાછળ ગળતી નદી જે ઝરણારૂપે વહીને માડી મહીસાગરમાં મળે છે. એટલેજ આ ગળતીનદીનાં કિનારે જે શિવજીનું પ્રસ્થાપન કરવામાં આવ્યું છે એનું નામ ગળતેશ્વર રાખવામાં આવ્યું છે. ગળતી નદી કાંઠેનાં ઈશ્વર “ગળતેશ્વર “. હવે એ મંદિરની નીચે શેરડીના રસ અને પકોડાની લારીઓ છે. ચાની લારીઓ પણ ખરી જ. એની નીચે ઉતરો એટલે ખડકો અને ભેખડો પર માથાં પછાડતી ખળખળ વહેતી પાણીની છાલકોથી આપણને ભીંજવતી મહીસાગર નદીમાં જઈ શકાય છે અને એને કિનારે બેસી પણ શકાય છે પગ પણ બોળી શકાય છે કે નાહી પણ શકાય છે. તરવું વર્જ્ય છે કારણકે ખડકો એટલાં બધાં છે કે એ તમારું મોત જ લાવી જ દે. આવા બનાવો બહુજ બન્યાં છે પણ ખરાં ત્યાં એટલે છીછરા પાણીમાં પગ પલાળીને હું તો પાછો જ આવતો રહું છું. વિકાસનાં સોપાન રૂપે અત્યારે ત્યાં બ્રીજ પણ બની ગયો છે અને રસ્તો બહુ જ સારો થઇ ગયો છે એટલે ત્યાં સહેલાઈથી જઈ શકાય છે

એક જમાનો હતો એક તાડના વૃક્ષની નિશાનીથી જ ગળતેશ્વર જઈ શકાતું હતું નહીં તો ભૂલા પડી જવાય. આજે તો તમે સીધાં પંચમહાલ કે વડોદરા ત્યાંથી જઈ શકો છો !!! આ મંદિરની નીચે ચા પીવી કે શેરડીનો રસ પીવો કે પકોડા ખાવા એ પણ એક લ્હાવો જ છે હોં !!! સવાલ એ છે કે આ બધામાં મંદિરની વાત તો આવી જ નહીં !!! કેવું છે આ મંદિર ? કોણે બંધાવ્યું હતું આ મંદિર ? એની વિશેષતા અને એનો ઈતિહાસ શું છે? આ બધી વાતો જ હવે કરવાની છે !!!

ગળતેશ્વર મંદિર ——-

આ ગળતેશ્વર મંદિર એ ભગવાન શિવને સમર્પિત છે. લગભગ ઇસવીસનની ૧૨ મી સદીમાં બનેલું આ મંદિર એ સમયમાં પ્રચલિત થયેલી સ્થાપત્ય શૈલી
કે જે મધ્ય ભારતીય માલવા શૈલી ,ભુમિજા શૈલી જોકે એમાં પરમાર શૈલીની છાંટ બિલકુલ નથી પણ તે સમયની અતિપ્રખ્યાત એવી ચાલુક્ય શૈલી જેનો ઉપયોગ આમાં થયો જ નથી સોલંકીયુગમાં તેનો આ ઉત્કૃષ્ટ નમુનો છે !!! મંદિરનું ગર્ભગૃહ અને એનો મંડપ આ સ્થાપત્ય શૈલીમાં જ બન્યાં છે !!! આ મંદિર એ ગળતા નદી અને મહી નદીનાં કિનારે આવેલાં સરનાલ ગામમાં આવેલું છે. મંદિરનું નામકરણ આ ગળતા-ગળતી નદીને કિનારે આવેલું હોવાથી એનાં પરથી પાડવામાં આવ્યું છે !!! આ મંદિરની આજુબાજુમાં એટલેકે બાહ્ય દીવાલોમાં અને મૂળ મંદિરમાં ભૂમિજા શૈલી સ્પષ્ટ રૂપે તાદ્રશ થાય છે. આ મંદિરનું શિખર એ ગુજરાતી સ્થાપત્યકલાનો ઉત્તમ નમુનો છે અને એનું ગર્ભગૃહ પણ !!!

ગળતેશ્વર મંદિરની છત કેમ નથી જાણો એનો પૂરો ઈતિહાસ ———-

ભગવાન શિવ તો આપણને ચારે તરફ જોવાં મળે છે પણ શિવજીના મંદિર જુદાજુદા પ્રકારનાં હોય છે. કેટલાંક મંદિરોમાં ભગવાન શિવજીની મૂર્તિની પૂજા કરાય છે પણ કેટલાંક નહિ એવા ઘણાંબધાં મંદિરો છે જ્યાં ભગવાન શિવજી મૂર્તિ નથી હોતી પણ એમનાં શિવલિંગની પૂજા કરાય છે અને આજ સાચું છે !!! કારણકે શાસ્ત્રોમાં પણ આમ જ કહેવામાં આવ્યું છે પણ કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય એને સંપૂર્ણ રીતે સુરક્ષિતતા પ્રદાન કરવામાં આવતી હોય છે અલબત્ત બાંધકામની દ્રષ્ટિએ હોં !!! કહેવાનો મતલબ એ છે કે જયારે પણ કોઈ મંદિર બનાવવામાં આવે છે ત્યારે એને સંપૂર્ણ રીતે જ બનાવાતું હોય છે અધૂરું છોડવામાં આવતું નથી !!! પણ કેટલાંક મંદિરોને જાણી જોઇને અધૂરું રાખવામાં આવે છે એટલેકે અર્ધ બનેલું !!! પણ આની પાછળ કોઈ ચોક્કસ કારણ નથી હોતું જે વૈજ્ઞાનિક રીતે કે શાસ્ત્રીય રીતે કે બાંધકામની દ્રષ્ટિએ અર્થપૂર્ણ હોય અને ગળે ઉતરી જાય એવું હોય !!!

બરોબર કૈંક એવું જ આ ભગવાન શિવજીના મંદિરમાં બનેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે કોઈ રહસ્યને કારણે આ મંદિરની છત જ ના બનાવવામાં આવી !!! આ વાત સાંભળીને કે જોઇને આપને આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ કે મંદિર બનાવ્યા પછી એને સુરક્ષિતતા પ્ર્રદાન કરવાં માટે ઉપર છત તો બનાવેલી જ હોય પણ આપણા ગુજરાતના આ એક મહાન અને ભવ્યાતિભવ્ય મંદિરની છત છે જ નહીં અને એનું નામ છે આ ગળતેશ્વર મહાદેવ મંદિર !!

આખરે આ મંદિરમાં છત કેમ ના બનાવવામાં આવી એ વાત જાણવી ખુબજ જરૂરી છે. આજે પણ આ મદિરમાં બધીજ સુવિધાઓ પ્રાપ્ત હોવાં છતાં એની છત છે જ નહીં. એ એક નક્કર વાસ્તવિકતા છે !!! આની પાછળનું કારણ શું હોઈ શકે એની આજ સુધી તો કોઈનેય ખબર પડી નથી. કોક એમ માને છે કે એ તૂટી ગઈ હશે તો કોક એવું માનું છે કે રાજા આ મંદિરના નિર્માણકાલ દરમિયાન અધવચ્ચે જ મૃત્યુ પામ્યા હોય અને એને પાછળથી કોઈએ પૂરું ના કરાવ્યું હોય !!! પણ હકીકત એ તો હકીકત જ રહે છે જેણે કોઈપણ રીતે નજરઅંદાજ કરી શકાય એમ નથી કેમ આ મંદિરની આ છત નથી. આ મંદિર કોઈએ તોડયું નથી કે કુદરતી આફતોને કારણે એ નષ્ટ નથી થયું. એ જેમનું તેમ જ છે જેવું ૧૨મી સદીમાં હતું એવુંને એવું જ !!! ૧૧૦૦ વર્ષથી એ એમનું એમ જ ઉભું છે અડીખમ અને અણનમ !!! કારણોનું તારણ ના જ હોઈ શકેને વળી !!!

ભગવાન શિવજીનું આ ગુજરાત પ્રસિદ્ધ અને ભવ્ય ગળતેશ્વર મંદિર ખેડા જીલ્લાના એક બહુજ નાનકડા ગામ સરનલમાં સ્થિત છે

૧૨મી સદીમાં નિર્માણ કરવામાં આવેલાં આ પવિત્ર મંદિરને માળવાની પ્રસિદ્ધ ભૂમિજા શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર જ્યારે બંધાવવાની શરૂઆત કરી તો આનાં પર એ સમયની પરમાર શૈલી અને ગુજરાતી ચાલુક્ય શૈલીનો કોઈપણ જાતનો પ્રભાવ નહોતો પડવાં દીધો !!! આ મંદિરનું ગર્ભગૃહ સપૂર્ણરીતે ચાર ખુણીય છે અને આ મંદિરનું જે ભવન છે એટલે કે મંડપ તે અષ્ટકોણીય છે. ચાલુક્યની છાપ શરૂઆતમાં નહોતી પણ પાછળથી તેમાં જરૂર દેખાઈ આવે છે !!!

ગળતેશ્વર મંદિરનો ઈતિહાસ ———-

સોલંકી શાસનકાળમાં બનેલું આ ભગવાન શિવજીનું ગળતેશ્વર મંદિર મહી નદી અને ગળતીનદીનાં સંગમસ્થાન પર સ્થિત છે અને એવું કહેવાય છે કે એક સમયમાં અહી પ્રસિદ્ધ ગાલવ મુનિ ચંદ્રહાસ પણ રહેતાં હતાં. મહીસાગરના કિનારે સ્થિત આ ભગવાન શિવના અતિસુંદર મંદિરમાં જે શિવલિંગ છે એના પર આજે પણ ગળતી નદીનાં ઝરણાનું પાણી પડે છે અને એ પાણીનો જ શિવલિંગ પર જળાભિષેક સતત થતો જ રહે છે !!! જે નજરે નિહાળી જ શકાય છે !!! આ મંદિરમાં આઠ બાજુઓ (ખુણાઓ)વાળું એક ભવન છે. આ મંદિરની દિવાલો પર બધાં જ દેવી દેવતાઓ, ગાંધર્વો, મનુષ્ય, ઋષિમુનીઓ, હાથી સવાર, રથ, ડોલી, મનુષ્યનું જીવનચક્ર વગેરેનાં શિલ્પોનું આલેખન નજરે પડે છે. આમતો આ મન્દીરની બાહ્ય દિવાલો ઈંચેઇંચ કલાકૃતિઓથી સુશોભિત કરાયેલી જ છે !!!! જે જોતાં જ આપણે અભિભૂત થઇ જઈએ છીએ !!! આવી કોતરણીઓ ભાગ્યે જ કોક મંદિરમાં જોવાં મળતી હશે એમાંય ખાસ કરીને શિવ મંદિરમાં એટલું તો ચોક્કસ પણે કહી શકાય તેમ જ છે !!!

ગળતેશ્વર મંદિરની વિશેષતાઓ ———-

લાલ પથ્થરોની નક્કાશીમાં બનાવેલાં આ અતિસુંદર મંદિરને અષ્ટકોણીય આકાર આપવામાં આવ્યો છે. સોલંકી શાસનકાળમાં બનેલું આ મંદિર આજે પણ બહુજ સારી જ સ્થિતમાં છે. આગળ કહ્યું તેમ આ દીવાલો પર દેવી-દેવતા,મનુષ્ય,રથ, ઘોડેસવાર અને હાથી વગેરેની શિપાકૃતિઓ છે. પ્રવાસી લોકો અહિંયાની દીવાલો પરનાં શિલ્પો માત્ર કેમેરામાં કંડારે છે, સેલ્ફીઓ લે છે અને મી એટ ગળતેશ્વર એવા સ્ટેટસો મુકે છે. અરે એટલું જ નહીં અહીંનાં શિલ્પો પર હાથ ઘસે છે ક્યારેક પગે લાગીને હાથ માથે અડાડે છે પણ એની સુંદરતા જોવામાં કોઈનેય રસ પડતો નથી આ એક કડવી પણ નક્કર વાસ્તવિકતા છે !!! તાત્પર્ય એ કે એની કોતરણી પર કોઈનું ધ્યાન જતું જ નથી !!! આ મંદિરમાં પ્રવેશ કરીએ એટલે સ્વાભાવિક રીતે જ આપણું ધ્યાન મંદિરની છત પર ગયાં વગર રહી શકતું જ નથી. આ મંદીરની છત બીજાં મંદિરો કરતાં સાવ ભિન્ન પ્રકારની જ છે. વાસ્તવમાં આ મંદીરમાં કોઈ છત છે જ નહીં. હવે ….. આ મંદિરમાં છત કેમ નથી એની પાછળનાં બે કારણો છે.

પહેલું કારણ તો એ છે કે —-
આ મંદિરને ભગવાન શિવજીએ ખુદ પોતાનાં હાથોથી બનાવ્યું છે એ નહોતાં ઇચ્છતાં કે આ મંદિર બનાવતી વખતે કોઈ એમને જોઈ લે એટલે ભગવાન રાત્રીના સમયમાં આ મંદિરનું નિર્માણ કરતાં હતાં અને દિવસ ઊગતાં પહેલાં એ જતાં રહેતાં હતાં !!! પરંતુ દુખની વાત તો એ છે કે તેઓ આ મંદિરને સંપુર્ણ રીતે નિર્મિત ના કરી શક્યાં!!! બીજી એક દંતકથા પ્રમાણે જ્યારે મહમૂદ ગઝની સોમનાથ મંદિરને લુંટીને જય રહ્યો હતો ત્યારે એની નજર આ ગળતેશ્વર મંદિર પર પડી અને એણે આ મંદિરનીની છતને પૂર્ણરીતે નષ્ટ કરી દીધી !!!

આ બંને વાતોમાં તથ્ય ઓછું છે ……. મરી-મસાલો વધારે !!! કારણકે ભગવાન શિવજીએ ૧૨મી સદીમાં કોઈને દર્શન આપ્યાં જ નથી અને તેઓ જાતે ક્યાંય પણ પ્રગટ થયાં જ નથી. બીજી વાતમાં ગઝની તો સૌરાષ્ટ્રથી સીધો પાકિસ્તાન ગયો હતો કે જતો હતો અને ત્યાં એને જવાં-આવવાં અંતે સુગમતા -સરળતા રહેતી હતી કારણકે પાકિસ્તાન- અફઘાનિસ્તાન ત્યાંથી જ નજીક પડે. આ રસ્તે એને ક્ષત્રિયો-જાટો સાથે થોડી મુઠભેડ પણ થઇ હતી અને સોમનાથ મંદિરનો દરવાજો અને ઝવેરાત પાછાં પણ આવ્યાં હતાં. ગઝની જયારે પણ મંદિર તોડતો ત્યારે એણે સમ્પૂર્ણ રીતે નષ્ટ કરી દેતો અને એની મૂર્તિઓ પણ તોડી નાંખતો કશું જ રહેવાં દેતો નહીં. એમાં વળી એ ક્યાંથી માની શકાય કે ગઝનીએ માત્ર એની છત જ તોડી હશે તો આખું મંદિર જે સુંદર કલાકોતરણીવાળું છે તે બચ્યું કઈ રીતે ?આ મંદિર તોડયાનાં કોઈજ સંયોગિક કે વૈજ્ઞાનિક પુરાવાઓ છે જ નહીં !!!

બીજું અતિ મહત્વનું કારણ ——–
ગઝનીનો શાસન કાળ હતો ઇસવીસન ૯૯૮થી ઇસવીસન ૧૦૩૦. જયારે આ મંદિર બંધાયું જ છે ૧૨મી સદીમાં તો એ જ્યારે બંધાયું જ નાં હોય તો એ તોડયું કે તૂટ્યું કઈ રીતે ? સોલંકીયુગના બીજા સ્મારકો પણ ઠેર ઠેર છે જે કઈ ગઝનીએ તોડયાં જ નથી !!! આમાં તો એવું છે ને કે પુરાણો અને ઇતિહાસને સાંકળવાની આપણી કુટેવ જ આપણને નાસ્તિક બનાવી શકે છે. અ બંનેય ખોટાં જ છે તદ્દન. વાહિયાત અને પાયા વગરની વાતો કરે છે આ ઈતિહાસકારો. પુરાણમાં માત્ર ઉલ્લેખ હોય કાઈ સાલવારી ના હોય !!! જોકે આ મંદીરની વાત પુરાણ સાથે સાંકળવાની એ કોકના ફળદ્રુપ ભેજાની કુચેષ્ટા જ છે માત્ર !!! બાકી આ મંદિર જ્યાં ૧૨મી સદીમાં બંધાયું હોય ત્યાં એનો ઉલ્લેખ ક્યાંથી હોય પુરાણોમાં બોલો !!! ઈતિહાસકારો જ વધારે ગપગોળા હાંકે છે એ વાત તો આનાથી સાબિત થઇ જ ગઈ !!!

આ મંદિરને કોઈજ નુકશાન નથી થયું એપણ હકીકત છે અને એ ૧૨મી સદીમાં જેમ બન્યું હતું એમનું એમ આજે છે. જોકે એની છત બાંધવાનો પ્રયત્ન આધુનિક યુગમાં થયો જરૂર હતો પણ કોઈક કારણોસર એ પૂર્ણ ના થઇ શક્યો !!! એટલે આજે પણ આ મંદિર છત વગરનું જ છે અને અતિસુંદર પણ છે. છત કેમ નથી એ આજે પણ એક રહસ્ય જ છે માત્ર જે વણઉકેલાયેલું રહે એમાં જ માણસજાતની ભલાઈ છે !!! આવાં રહસ્યો રહસ્યો જ રહેવાં જોઈએ. કુતૂહલતા એ સાબિતી કરતાં વધારે આનંદદાયક હોય છે !!! ખેર સત્ય જે હો તે હો પણ મંદિરની આસ્થામાં કોઈ ઘટાડો નથી થયો એ સારી જ બાબત ગણાય !!!

ગળતેશ્વર મંદિરની વાસ્તુકલા ———-

ગુજરાતમાં આવેલું આ ગળતેશ્વર મંદિર એ ભૂમિજા શૈલીમાં બનાવાયેલું છે. આને આજ ગુજરાતની ઘણી પ્રાચીન શૈલી પણ જે બહુ જ મુશ્કેલથી જોવાં મળતી હોય છે !!! માળવાનાં શાસનકાળમાં આ ભૂમિજા શૈલી ઘણી પ્રખ્યાત હતી !!! આમેય અષ્ટભદ્ર મંદિર બહુ જ મુશ્કેલીથી ક્યાંક જોવાં મળતાં હોય છે આ મંદિર એમાંનું જ એક છે. મધ્ય ભારતમાં ભૂમિજા શૈલીમાં બનેલાં મંદિરની સંખ્યા બહુ જ ઓછી છે જેમ કે આરંગનું ભૂમિજા શૈલીમાં બંધાવેલું મંદિર !!! ગળતેશ્વર મંદિર પરમાર શૈલીથી બિલકુલ જ અલિપ્ત જ રહ્યું છે. આ મંદિર નિરંધરા પ્રકારનું છે જેમાં વિશેષરૂપે ગર્ભગૃહ અને મંડપ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે

ગર્ભગૃહ ———

આ મંદિરનું ગર્ભગૃહ પાયાથી એટલે કે જમીનથી પણ નીચે સ્થિત છે સાથોસાથ આ મંદિરનું ગર્ભગૃહ અંદરથી ચારભુજામાં બનાવેલું છે પરતું બહારથી આ મંદિર ગોળાકાર છે જેનો વ્યાસ ૨૪ ફીટ છે. મંદિરની બધી દિશાઓમાં બધીજ દિશાઓના સંરક્ષક દેવતા દિક્પાલની શિલ્પાકૃતિઓ છે. મંદિરની જે પહેલી દીવાલ છે એનાં પર ભગવાન શિવજીને વિભિન્ન અવતારોમાં દર્શાવવામાં આવ્યાં છે પરંતુ અત્યારે ભગવાન શિવજીની બધી જ આકૃતિઓ બહુજ ખરાબ થઇ ગયેલી છે. મંદિરનાં પ્રવેશદ્વારને રૂપસ્તંભથી અલંકૃત કરવામાં આવ્યો છે. જેને અબુની શૈલી કહેવામાં આવે છે !!! મંદિરની દિવાલો પર ગંધર્વ, તપસ્વી, ઘોડેસવાર, હાથી સવા, રથ અને પાલખીના શિલ્પો કંડારવામાં આવ્યાં છે

મંડપ ——–

આ મંદિરનાં મંડપને આઠભુજાઓમાં બનવવામાં આવ્યાં છે અને આને જોઇને ચાલુક્યોના સમયમાં બનાવવામાં આવેલાં મંદિરોની યાદ આવે છે !!! આ મંદિર ચાલુક્યના શાસનકાળ દરમિયાન બનેલાં મોઢેરાનું સૂર્યમંદિર અને સેજકપૂરનાં મંદિરનાં જેવું જ છે. મંડપના પાછલાં હિસ્સામાં બે ભુજાઓને બદલે ત્રણ ભુજાઓ જોવાં મળે છે. આ મંડપ અંદરથી ૮ અને બાહર નાનાં નાનાં સોળ સ્તંભો છે. જેના કારણે જ મંડપની છતને સુરક્ષિત કરવામાં આવેલી છે. મંદિરની અંદર જે સ્તંભો છે એ ચતુષ્કોણીયનાં આકારમાં બનવવામાં આવ્યાં છે. એમને કિનારા પરથી થોડાં કાપવામાં પણ આવેલાં છે. આ સ્તંભનાં એક તૃતીયાંશ ભાગમાં ચાર બાજુવાળા દસ્તા બનવવામાં આવ્યાં છે અને એનાં નીચેનાં અડધાં હિસ્સામાં અષ્ટકોણીય દસ્તા બનવવામાં આવ્યાં છે !!! એના પછી સ્તંભો પર ૧૬ અલગ અલગ ગોળાકાર દસ્તાઓને કીર્તિમુખમાં અલંકૃત કરવામાં આવ્યાં છે. સૌથી છેલ્લે આ સ્તંભો પર નીચે ઝાડ પરથી પડતાં પાંદડાઓને દર્શાવવામાં આવ્યાં છે. ઇસવીસન ૧૯૦૮માં આ મંદિરનું શિખર અને મંડપ બંને પડી ગયાં હતાં. આ મંદિરનું શિખર પણ ગુજરાતની પ્રણાલીગત ભૂમિજા શૈલીમાં બનાવવામાં આવ્યું હતું
જેમાં કુતાસ્તમ્ભિકા અને શ્રિંગ પણ મૌજુદ છે. ભૂમિજા શૈલીમાં બનાવવામાં આવેલું સુરસેનાનું શિખર પણ આ મંદિરમાં સ્થિત છે પરંતુ એ આ પ્રકારનાં બધાં શિખર પરમાર શૈલીમાં જે જોવાં મળે છે તેનાથી બિલકુલ અલગ છે !!!

ખેડા જીલ્લાના ઠાસરા તાલુકામાં સ્થિત આ મંદિર ગળતેશ્વર મહાદેવ મંદિર માટે ઘણી એવી બાબતો છે જે આસાનથી સમજમાં નથી આવતી. પહેલી વાત તો એ છે કે આ મંદિરને આઠભુજામાં બનાવવામાં આવેલું છે. આ મંદિરને કેમ આઠ ભુજામાં બનવવામાં આવ્યું તેની કોઈને પણ કશી ખબર આજ સુધી કોઈનેય પડી નથી !!! બીજી વાત એ છે કે જ્યારે આ મંદિરને બનાવવામાં આવતું હતું એ સમયે ગુજરાતમાં પરમાર શૈલી અને ચાલુક્ય શૈલી વધારે પ્રચલિત હતી અને પ્રભાવશાળી હતી કારણકે એ સમયે લગભગ બધે જ આ શૈલીમાં મંદિરો બનવવામાં આવતાં હતાં પણ આ મંદિરનાં નિર્માણ વખતે આવું બન્યું નહીં અને એને બીજી જ એક પ્રચલિત શૈલી ભૂમિજા શૈલીમાં બનવવામાં આવ્યું. ત્રીજી વાત એ છે કે ભગવાન શિવજીના અધિકાંશ શિવલિંગ સામાન્ય જ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એનાં પર કોઇપણ પ્રાકારનું નકશીકામ નહોતું કરવામાં આવતું. જ્યારે આ મંદિરનાં શિવલિંગ પર બહુજ સુંદર રીતે એકબીજામાં ભળી જાય એ રીતે એનાં પર બાખૂબી નકશીકામ કરવામાં આવ્યું છે. જે શિવલિંગની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પણ આની પાછળનું રાઝ શું છે એ કોઈનેય ખબર નથી !!!!

ખરેખર એટલે જ આ ગળતેશ્વર મહાદેવ મંદિર એ અદભૂત અને અલૌકિક બન્યું છે એમાં બે મત નથી અતિસુંદર છે એ પણ એટલી જ સાચી વાત છે. આજુબાજુનું અને મંદિરનું વાતાવરણ જ આપણી આસ્થા અને શ્રધ્ધામાં વધારો કરે છે. આટલું સુંદર મંદિર બીજે ક્યાંય ભાગ્યે જ જોવાં મળશે. રહસ્યો ભલે રહ્યાં રહસ્યો પણ જે છે તે આહલાદક જ છે અને આપણને આનંદવિભોર જરૂર કરી દે છે ભાવવિભોર બનાવી દે છે !!!

ભગવાન શિવજીનાં ભક્તોએ આ મંદિર એક વાર તો અવશ્ય જ જોવું જોઈએ. ગલતી નદી અને અને મહી નદીનું આ સંગમ સ્થાન મન ભરીને માણી લેવું જોઈએ. આ બંને નદીઓનું મિલનનું અનોખું અને સુંદર દ્રશ્ય તમને બીજે ક્યાંય જોવાં નહી મળે !!! મંદિર તો અદભૂત જ છે જ સાથીસાથ આજુબાજુનાં નયનરમ્ય દ્રશ્યો પણ કંઈ કમ નથી જ !!!

અહીં શ્રાવણ મહિનામાં લોકોની ભીડ ઉમટેલી જ રહે છે અને મહાશિવરાત્રીના મહાપર્વમાં આહીં મોટો તહેવાર ઉજાવાય છે. એમ તો ધૂળેટી પર અહીં બહુજ ભીડ જોવાં મળતી હોય છે

ટૂંકમાં….
આ મંદિર દરેક ગુજરાતીએ ખાસ જ જોવાં જેવું છે. ના ગયાં હોવ તો એક વાર જરૂર જય આવજો. તમારી પૈસા વસૂલ ટ્રીપ હશે એની ગેરંટી હું આપું છું .

અહીં જે પણ કોઈ આવે છે એ બોલ્યા વગર નથી રહી શકતો
——- ઓમ નમ: શિવાય ——-
————- હર હર મહાદેવ ————

——— જનમેજય અધ્વર્યુ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!