દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, ઢોરનાં મડદાં ચૂંથાણાં, દૂબળા-દૂબળા માણસો દુકાળના ડાચામાં ઓરાણાં. મા છોરુને છાંડી દ્યે એવો વખત પાંચાળની ભોમકાને ભરડો લેવા માંડ્યો. ચપટી ચણ માટે પંખીડાંઓ ચાંચો ટોચી ટોચીને પટોપટ પોઢી ગયાં. રાજદરબારોની કોઠીઓનાં તળિયાં દેખાણાં ને જોતજોતામાં ખાણ ખૂટી. માણસ માતર મૂંઝાણાં. રૈયતને ઉગારવા રાજારજવાડાઓએ દાખડો કર્યો. પણ છપ્પનના સપાટા ખમ્યા ખમાતા નથી. આવા વહમા વખતમાં ત્રણ કાઠી ગલઢેરા વચ્ચે મસલતું મંડાણી છે. ત્રણેયનાં મોં માથે મશ ઢળી ગઈ છે.
દુકાળના ડારા દઈ દઈને રૈયતનો ઉગારો કરવા રાત-દી ઉજાગરો વેઠતા ત્રણેય કાઠીઓના કલેજે કારમો ઘા વાગ્યો હોય એવી વેદના ત્રબકે છે. ત્રણેય વચ્ચે તોલદાર મૌન તોળાઈ રહ્યું છે. શેલણા ગામના સુવાંગ ધણી ભાણ ખુમાણ અને જસદણ રાજના રાજવી આલા ખાચર માથે નજર ધ્રોબીને ધોબા ગામના કાઠી ગલઢેરા ડોહલ ખુમાણ વેણ વદ્યા ઃ
‘ભાઈ, ભાણ ખુમાણ અને ભાઈ આલા ખાચર, આ તો આભ ફાટ્યું છે. એમાં થીંગડું ક્યાં દેવું ?’
બેય દરબારોએ પાંપણનાં પોપચાં ઉઘાડીને ડોહલ ખુમાણની મીટ સાથે મીટ મેળવીને વળતો જવાબ દીધો ઃ
‘આપા ડોહલ ! અમારીયે મૂંઝવણનો ક્યાંય પાર નથી. નાંખી નજર ક્યાંય પોગતી નથી. આમ કોને ઉગારવા ને કોને મારવા ?’
‘રાજને મન તો રૈયત બધી સરખી પણ રૈયત કરતાંય બે વરણ મોટા લેખાય, બાપ! આજ એનો વિચાર માંડો.’
‘ડોહલ ખુમાણ, ફોડ પાડો.’
‘આપણી તેવડ હતી ત્યાં સુધી આપણે રૈયતને માટે રસોડાં ઉઘાડ્યાં ને સાદ પડાવ્યા, પણ હવે બે વરણને વધારે ટેકો કરવો પડશે.’
‘કિયાં બે વરણ?’
‘એક તો ભૂદેવ અને બીજા કવિ.’
ડોહલ ખુમાણની વાતનો મરમ પારખી ગયેલા આલા ખાચરે તરત જ વાતને આધાર દીધો ઃ
‘ખરી વાત છે, ડોહલ ખુમાણ ! ભૂદેવનું જડામૂળ નીકળી જાશે તો ધરમની ધજાયું ને સીનાની વાતું વીંટાઈ જાશે ને કવિઓ મરશે તો માણસની મોજ મરી જાશે.’
‘અરે વાહ, આલા ખાચર! તમે મારા મનની વાત પારખી ગયા.’
‘ડોહલ ખુમાણ! તમારી વાત લાખની છે. કવિઓ જનમ લે છે, કવિઓ કાંઈ પળાતા નથી કે બનાવાતા નથી.’ શેલણાના ભાણ ખુમાણે વિગતથી વાત કરી.
‘આપા ભાણ, આપણી ઘરવખરી વેચીને પણ આપણે બ્રાહ્મણનાં રસોડાં ને કવિઓનાં રસોડાં ઉઘાડો.’
ત્રણેય ગલઢેરાએ ભૂદેવ અને કવિઓ માટે રસોડાં ઉઘાડી રોટલો ને ઓટલો આપી મોતના મોઢામાંથી કર્મકાંડીઓ અને કવિઓને ઉગારી લઈ પરંપરાના કેડાને ઉઘાડો રાખ્યો તેની સાક્ષી પૂરતી છપનિયા કાળની આ કવિતા…
મહાકોપ ધરિયો પ્રથીસરે દળવા મરી,
હુવા શંકર, બ્રહ્મા, ઈન્દ્ર ભેળા હરી,
ધોમ સર જગત પર રૂપ બેઠા ધરી,
ભોમકા ગાયની જેમ ત્યાં ભાંભરી.
દેવ મોટા કેમ નથી કરતા દયા,
થાનકે અઘોર વક્રમ મું પરે થયા,
ઝીલતો નથી શેષ બોજો જીયાં,
કડકિયા દશે દિગપાળ જાવું કિયાં.
તમ વિના દુઃખ કો આગળ ઢળે,
ચારે વર્ણને અટાણે કળયુગ ચળે,
બૂમ પાડી કહું ગાત્ર મારાં બળે,
ને ગાંઉને છરીયું માંડીયું ગળે.
રીયણ કે અંધારું કેમ છે રાજમાં,
લોપિયું ધરમને ન રહ્યું લાજમાં,
વારો આવ્યો હવે બરોબર વાજમાં,
કેમ ઘ્યાન દેતા નથી કોઈ કાજમાં.
જગતમાં ન મળે કોઈ નરમાં જતી,
સાબધે મળે નહિ કોઈ નારી સતી,
ગંગા કરી ગયાં સરગમાં ગતિ,
અળાં કે મુંને તો દુઃખ છે અતિ.
ગ્યાન વૈરાગ્ય ને ધરમભક્તિ ગીયાં,
થાનકે કૂડ ને કપટ ઝાઝાં થયાં,
ને બોલે ભૂપતિ મોઢે સાચોનિયા,
લંપટ થીયા કંઈક માયા તણા લોભિયા.
પ્રજાને ઘડો તે ભરાણો પાપનો,
સંસાર ભારો થયો હવે સાપનો,
બમણો બોજો વળી ત્રિવિધ તાપનો,
એવાને સંહારતાં દોષ નૈં આપનો.
જમીંની અરજ સાંભળી જે સમે,
તરત સપનોતરો જગાડ્યો તે સમે,
ભાલું આસમાન ટંક જેનું ભમે,
ડાઢમાં જીવ પાતાળ સુધી દમે.
જાગતા મારિયા કૈંકને ઝપટમાં,
ચૌદ બ્રહ્માંડને ઘેરિયાં ચપટીમાં,
ક્રોધની જોતને ખસયો કપટમાં,
ધીર છાંડી ગયા ભાળતાં ધપટમાં.
મહીદધિ હલકિયો નીર ક્યાં માપવું,
કોપનું દુઃખ તે ક્યાં જઈ કાપવું,
નાથને જવરલો જીવવા નાપવું,
આભ ફાટ્યો ક્યાં થીગડું આપવું.
હાકલ કરી ક્રોધમાંથી જીયાં,
થડકિયાં કાળજ્યાં પ્રાણ ઊંચા થયા,
ગઢપતિ તણા ગાઢ તૂટી ગયાં,
રૂપ ભાળ્યા ભેળા હરદમ ખાટા થયા.
થાજો માટી મયલ કે ઠાકરો,
તમે ખમતા નહિ કોઈની ટાકરો,
શિરાવતા ઘણા દી દૂધ ને સાકરો,
આવ્યો છપ્પન બહુ લાગશે આકરો.
ભેરવ કોઈ રામાનો ત્રાડક્યો ભાતમાં,
ધરા પર ઘણાને હતું બઉ ઘાતમાં,
વીજ પડી જેમ વાતની વાતમાં,
સાવડ કરી દીઘું ધમાકે સાતમાં.
ઝાડવે પાન કે છાલ ન રીયાં જુઓ,
હોકારો વાગિયો અને જુલમ હુવો,
માલ બધો જળ વિના તફડી મૂવો,
નરનારી જીવે એનો અવતાર નવો.
ગૌપ્રતિપાળ પંડ બદલી ગીયો,
કોપિયો રૈયતને ખમા કેસે કીયો,
થંભાવણા નાથ પંડ્યે વેરી થીયો,
બૂડતાં બાવડી કોણ ગ્રહે બીયો.
હાલ્યો છપનિયો સેન લઇ હલકમાં,
પ્રાચીના ડુંગરા ઉડાડ્યા પલકમાં,
ખેલ કરતો પછે હાલિયો ખલકમાં,
માંડ્યો ખાળ ખેડો જૂનાના મલકમાં.
ખૂબ ભૂખ્યો થયો ભક્ષણને ખોળિયો,
ત્યાંથી હાથ લાંબો કરી તોળિયો,
ચૂરમાની પેઠે દેશને ચોળિયો,
કર્યો જીજરા તણો એક કોળિયો.
સાબદો થયો ઈ ગજબની છોટનો,
કાંકરો મળ્યો નહિ સતારા કોટનો,
ખરું માનજો નથી કાંઈ ખોટનો,
રેવા દીધો નૈં ડાગ ક્યાંઈ રોટનો.
એક બાજુ કરી અખિયાતને,
ભીમડી કલ્યાણીના ખાઈ ગયો ભાતને,
ખંભાતની સુણી વાતની વાતને,
પોળ ઉજ્જડ કરી બધી એક પ્રાંતને.
ખુરાસાન ઉપર હાલિયો ખારમાં,
અરબસ્તાનને ગળી ગયો આરમાં,
માણસ મારિયાં ધાનના મારમાં,
તરત ખબર ઈ ફેલાણા તારમાં.
ધોપટી મલકને સંિધ માથે ઢળ્યો,
વાઢ દઈ ત્યાંથી પાછો વળ્યો,
પટણ દટણ કરી ગુજરાત મધ પળ્યો,
દેશ વઢિયારને ઘંટ માંડી દળ્યો.
ધરા જસદણ તણા ઊતર્યો ઢાળમાં,
ધાનરી આલણે દીધો ધખસાળમાં,
જોઈને રંધેડું દાજિયો જાળમાં,
ફટકિયો ત્યાંથી સાંધિયો ફાળમાં.
આકરો હુકમ પણ ન રહ્યો અટકમાં,
મટાડ્યો ભારતને આંખની મટકમાં,
લાંધણ્યા વાઘ જેમ થાપની લપટમાં,
ફંફેડી નાંખિયો સૂમને ફટકમાં.
કાઠિયાવાડમાં ઘુધકારો કર્યો,
ધાગધાગાં થીયો રૂપ બીજો ધર્યો,
ડોસલ રાજથી કંઈક મનમાં ડર્યો,
ધોબાની સીમમાં કાળ નકે ધર્યો.
સેલાણા ધણીની જોઈ જ્યાં સમૃદ્ધિ,
લીલીયું વાડીયું હીંડોળે નવ નિધિ,
રૈયતને ઘરોઘર હેમ રૂપું રધી,
દેશપત હડૂડે ભાણ ભરિયો દધી.
હરમત રાખજો ભેર આવ્યા હરિ,
ધરપતી રેજો હાથ મું છે ધરી,
કાળને તોડિયો રજક ભાલે કરી,
ફેંકિયો દૂર તે કદી નાવે ફરી.
કોઠારે મોરચા કણ દારૂ કર્યા,
ભાંગવા મયલને લાડુ ગોળા ભર્યા,
ઢાલની જેમ પાંતિયે રોટલા ધર્યા,
બરોબર પેરિયાં કીરતી બગતરાં.
નખાણી છાવણી પયાના નોરસે,
કરાડે માનવી મળ્યાં સૌ કોરસે,
જામ કાઠીતણો મંડાણે જોરસે,
મારવા કાળને રજકને મોરસે.
દારૂગોળો ભરી તોપ જેમ દાગવી,
રેન મોરો કરી બરાબર લગાવી,
હાડ ચૂરો કરી પ્રાણ લીધા હરી,
નરંદ પીઠાણીએ વાત રાખી નવી.
હરા વાચ્છા તણા ધન્ય છે હાથને,
સરસના કોડને હાથ સમરાથને,
ચાંડલા કપાળે કરો સવ સાથને,
નવડ ભડ વધાવો ખુમાણાં નાથને.
જે થકી ઊજળો વાડ કાઠાં, જલો,
તું સામવો કોણ સૂમ જાલે ટલો,
પ્રાસ્ટી ધાંનરી કાળ છંડો પલો,
ભાણ વાચ્છાહરાથી કોણ છે ભલો.
નોંધ ઃ ધોબાના સ્વ. દરબાર શ્રી ડોહલભાઈ ખુમાણે ભયંકર છપ્પનિયા કાળ વખતે ધર્મ અને કવિતાને જીવતી રાખી બ્રાહ્મણો અને કવિઓ માટે ખાસ રસોડાં ખોલ્યાં હતાં. સંખ્યાબંધ કવિઓને ઉગારી લીધા હતા.
અહીં આપેલ કવિતા અપ્રાપ્ય હતી.
મૂળ કવિતામાં કુલ ૩૧ કડીઓ હતી. તેમાંથી થોડી નમૂનારૂપ અહીં આપી છે.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
સૌજન્ય – Kathiyawad Glory