દેવિદાસબાપુના પૂર્વજો મુળ વઢીયાર પ્રદેશ, પેપળુ-ગામેથી પોતાની ગાયોના ગુજરાન અર્થે આવેલા, સૌરાષ્ટ્રમાં આવી બગસરાના મુંજીયાસર ગામે સ્થાયી થયેલા. સાતલડી, નકદી અને કાદવાળી એવી ૩ નદીના કિનારે આવેલ મુંજીયાસર ગામે વસવાટ કરેલ.
દુદાભાઇ પરમાર (રબારી) પોતાના પરિવાર-ભાઇ સાથે મુંજીયાસર ગામે રહેતા હતા. તેમના દિકરા પુંજાભાઈ જે મોમાઇ માતાજીના પરમ ભક્ત હતા, પુંજાભાઈ પોતાના ઘરની બાજુમાં ગાયો ચરાવતા જયાં એક ગાય, એક સ્થળ પર દુધ વરસાવતી ત્યાં શીવલીંગ નીકળેલ જે કાળેશ્વર મહાદેવની સ્થાપના થયેલ.
પુંજાભાઇના લગ્ન રતનબાઈ અને સાજણબાઇ સાથે થયેલ. જે રતનમાં ભાડકા શાખના રબારીના દિકરી તથા સાજણમાં અજાણા શાખના રબારીના દિકરી હતા, તેમને સંતાન ન હતા. ત્યારબાદના ઇતિહાસથી આપણે જાણકાર છીએ કે મુંજીયાસરથી બીલખા પાસે રામનાથના ડુંગરે પુજાભગત પોતાના પરિવાર સાથે રહેલા અને જેરામભારથી તથા નુરસાંઇ જેવા સંતોની સેવા કરેલ. આ સંતો જે ગુરૂ દતાત્રેય ભગવાનના પરમ ભક્ત હતા. તે સંતો એ પુંજાભગત તથા સાજણમાં અને રતન માં ને આર્શીવાદ આપેલ કે તમારે સંતાન થશે.
આમ સંતોના વચન માટે ભગવાન દતાત્રેયે પુંજાભગતને ઘરે ૩ ત્રણ દિકરા સ્વરૂપે જન્મ ધારણ કર્યો. જે સત દેવિદાસ, માંડણપીર અને રૂડાપીર. આ ત્રણેય પીર ભગવાન ગુરૂ દતાત્રેયના અંશા-અવતાર અને ત્રણેય સગાભાઇઓ નાનપણથી ત્રણેય ભાઇઓ સેવાભક્તિમાં મગ્ન હતા. પોતાના આંગણે કાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભુખ્યા દુઃખીયાની સેવા કરતા, બાદમાં ઉંમર લાયક થતા દેવિદાસબાપુના લગ્ન આલ શાખના રબારીના દિકરી હિરબાઇ સાથે થયેલ તેમજ રૂડાપીરબાપુના લગ્ન પણ થયેલ. દેવિદાસબાપુને સંતાનમાં બે દિકરા, રૂડાપીરબાપુને સંતાનમાં ત્રણ દિકરા હતા.
ત્યારબાદ સત દેવિદાસબાપુની ઉંમર ૩૫ વર્ષ આસપાસ હતી ત્યારે હંમેશા સેવાભક્તિમાં લીન એવા દેવિદાસબાપુએ ગીરનારની પરિક્રમા આરંભેલી. બાદમાં તેમના ધર્મપત્ની હિરબાઈ પાસે સન્યાસ લેવા રજા માંગેલ ત્યારે માં હિરબાઇ માં ને સમાધી મુંજીયાસર જગ્યામાં આપી બાદમાં દેવિદાસબાપુ જેરામભારથી મહારાજ પાસે જઈ, ત્યાંથી ગિરનારમાં પધારેલ જીવણદાસજી ઉર્ફે મહા સિધ્ધ મહાત્મા લોહલંગરી મહારાજ પાસેથી ઉપદેશ લઇ પરબમાં જઈ સરભંગ ઋષિનો ઘુણો ચેતવ્યો. લોહલંગરી મહારાજ ચેતન સમાધિ ગોંડલ છે.
અહિંયા મુંજીયાસર જગ્યામાં માંડણપીર અને રૂડાપીર પોતાના પરિવારના ગુજરાન સાથે જગ્યામાં દુઃખીયાઓની સેવા કરતા, રૂડાપીરબાપુના મોટા દિકરા કરમણપીર જેની સમાધી પરબમાં ચેતન સમાધી છે.
મુંજીયાસર જગ્યા રૂડાપીરબાપુ અને તેમના દિકરા કરમણપીર તથા બીજા ભાઇઓ મળી સંભાળતા અને માંડણપીરબાપુ તેમના શિષ્યો સાથે અડસઠ તિરથની યાત્રાએ નિકળેલ. બાદમાં માંડણપીર બાપુએ પાલીતાણા, શેત્રુજા ડુંગર પર તેમના શિષ્યો. રાણાભગત, ઇગારશાં સાઇ, વેલાબાવા સાથે પરચો આપેલ તથા મુંજીયાસરના પાનસુરીયા પટેલ શાખાના પરબતબાપાનો કાળો કોઢ મટાડી પરચો આપી, માંડણપીરબાપુ, પરબતબાપા પાનસુરીયા અને રાણાભગતે મુંજીયાસર જગ્યામાં ચેતન સમાધી લીધેલ.
સત દેવિદાસબાપુએ પણ પરબમાં રોગિયાઓની સેવા કરી માં અમરમાં જેવા શિષ્યા સાથે ચેતન સમાધી લિધેલ, બાદમાં પરબમાં શાર્દુલભગત ગાદિયે હતા.
મુંજીયાસર રૂડાપીરબાપુ પોતાના પરિવાર સાથે જગ્યા સંભાળતા એક દિવસ કરિયા દુધાળા તેમના વેવાઈ વરજાંગબાપા. ખાંભલા બિમાર પડતા ખબર પુછવા જાય છે ત્યારે તેમના દિકરા કરમણપીર બાપુએ તેમની સો જગ્યામાં સેવા કરતા એક મુસલમાનના દિકરા શેલાણી સાઈને સાથે મોકલે છે. રૂડાપીરબાપુ પરબે થઇ નિકળ્યા જયાં પરબે શાર્દુલભગત ગાદિયે હતા તેમણે રૂડાપીરબાપુની આગતા સ્વાગતા કરી રોકાઈ જવા કહ્યું. રૂડાપીર, દેવિદાસબાપુના ભાઈ હતા જેથી શાલભગત તેમને કાકાગુરૂ કહેતા.
શાર્દુલભગતે રોકાવાનું કહેતા રૂડાપીરબાપુએ ના કહી શાર્દુલભગતે કહ્યું કે તો તમારાથી વેવાઇ સાજા થઇ જાશે. આ શાર્દુલ ભગતે ટોણો મારેલ, રૂડાપીરબાપુ કરિયા દુધાળા આવ્યા ત્યાં વેવાઇની નનામી સામી મળી જેને સજીવન કરી, રૂડાપીરબાપુએ તલવાર મંગાવી પોતાનું મસ્તક કાપી, શેલાણીસાઇ સાથે પરબે મોકલ્યું અને કહ્યું કે શાર્દુલને કેજો કે અમે અમારા વેવાઇને સાજા કરી દિધા. રૂડાપીરબાપુનું મસ્તક પરબમાં આવતા શાર્દુલભગતે તેને જગ્યા બહાર સમાધી દિધી જેથી મસ્તક સાત વાર સમાધીમાંથી બહાર આવી ગયું પછી શાર્દુલભગતે દેવિદાસબાપુની આણ દિધી જેથી મસ્તક બહાર ન આવ્યું પણ શાર્દુલભગતને રૂડાપીરબાપુએ પરચો આપ્યો, જેથી શાર્દુલભગતે રૂડાપીરબાપુની માફી માંગી. આમ, રૂડાપીરબાપુ આજે સમગ્ર પરમાર પરિવાર તથા પરબ શાખાના સુરાપુરા કહેવાય છે.
રૂડાપીરબાપુના મોટા દિકરા કરમણપીર પણ શાર્દુલભગત પછી પરબની ગાદિયે આવ્યા તેમણે પણ અનેક પરચા આપ્યા અને એક સેવકને દિકરાનું વચન આપી તેમને ત્યાં જન્મ લઇ બીજો અવતાર લઇ રામેવબાપુ તરીકે અનેક પરચા આપી અનેક દુઃખીયાના દુઃખ દુર કરેલ છે.
આમ, સત દેવિદાસ, માંડણપીર, રૂડાપીર ત્રણેય ગુરૂ દતાત્રેય, ભગવાનના અવતાર હતા જે પીર થઇ પુંજાય છે.
અને દેવિદાસબાપુના ઇતિહાસ વિશે જે-તે કલાકારો, લેખકોએ પોતાની અનુકૂળતા મુજબ લખવા માંડ્યું છે.
હાલમાં મોટા મુંજીયાસર દેવિદાસબાપુની જન્મભૂમિ, જગ્યામાં દેવિદાસબાપુ, રૂડાપીરબાપુની પેઢીના આઠમી પેઢીના વંશજો જગ્યા સંભાળે છે, જે દેવિદાસબાપુનો પરિવાર છે તથા તેમની પાસે તેમનો પારિવારિક આંબો છે તેમજ બારોટ પાસેથી મેળવેલ સમગ્ર માહિતી છે. જેથી દેવિદાસબાપુ વિશે સંપૂર્ણ પારિવારિક માહિતી મોટા મુંજીયાસર જગ્યામાં છે. જેથી કોઇ કલાકારોએ પોતાની રીતે કાલ્પનિક વાત ન કરવી.
નોંધઃ અમે દેવીદાસ બાપુના વંશજો છીએ અને અમે અમારા વહિવંચા બારોટ તથા વાસ્તવિક ઇતીહાસના આધારે માહિતી લીધેલ છે જેની નોંધ લેશો.
લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી મો.૯૪૨૬૧ ૬૨૮૬૦