તમને રસ્તા પર જતા-આવતા ઘણા ભિખારી જોયા હશે કે પછી ટ્રાફિક સિગ્નલ પર તમારી ગાડી ઉભી રહે કે તરત જ ગાડીના દરવાજે ભિખારી આવી જતો પણ જોયો હશે.પણ આજે અમે એક એવા ભિખારીની તમારી સાથે મુલાકાત કરાવીએ કે જે રોડ રસ્તા પર અને મંદિરો આગળ ભીખ તો માંગે જ છે. પરંતુ એ ભીખ માંગેલી રકમ ભેગી કરીને તે બાળકોને દાન કરી દે છે.
ગુજરાતના મહેસાણામાં મંદિરોની બહાર વ્હીલ ચેરમાં માથે ટોપી,મેલી-ઘેલી ગોદડી ઓઢીને બેઠેલ આધેડ એક નજરે ભીક્ષુક લાગે પરંતુ છેલ્લા 7 વર્ષથી તેઓ મંદિરના ઓટલે સૂઇ રહે છે અને ભિક્ષા માંગીને લોકોને મદદ કરે છે. ગોદડીવાળા બાપુના હુલામણા નામથી ઓળખાતા ખેમજી ભાઇનું કોઇ બેંક એકાઉન્ટ નથી. ભિક્ષામાંથી પ્રતિ વર્ષે વિદ્યાર્થીનીઓના યુનિફોર્મથી માંડી ઘરેણાનું દાન કરવુ તે તેમનો નિત્યક્રમ બન્યો છે.
જામનગરના જોડીયા તાલુકાના ભાલંભા ગામના ખેમજીભાઇ પ્રજાપતિએ પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન બાદ મોરબી સ્થાઇ થયા હતા.પરિવારના આજીવિકાનું સાધન એવો વિશાળ ફોટો સ્ટુડિયો મોરબીમા પુર આવતા પાણીના વહેણમાં તણાઇ ગયો. સંઘર્ષમય જીવન વચ્ચે પુન: પગભર થવાની મથામણમા ખેમજીભાઇએ રાજકોટમાં શરૂ કરેલી ચાની લારી જીવનનિર્વાહનું સાધન બની હતી. પરંતુ સમયની સાથે મળેલી નકારાત્મક થાપટો તેમને 3 સંતાનો સાથેના પરિવારથી દૂર મહેસાણા લઇ આવી હતી. છેલ્લા 8 વર્ષથી મહેસાણામાં ભિક્ષુકનો ભેખ ધરી દાનેશ્વરી બનેલા ગોદડીવાળા બાપુના શબ્દોમાં કહીએ તો,પગની વિકલાંગતા ભિક્ષાનું માધ્યમ બની હતી.
6 વર્ષ પૂર્વે ભિક્ષામાં મળેલા રૂ.900માંથી સૌ પ્રથમ 11 વિદ્યાર્થિનીઓને યુનિફોર્મનું દાન કરનાર બાપુની ત્યાર બાદ દાનની સરવાણી અવિરત ચાલુ રહી હતી.પ્રતિ વર્ષ યુનિફોર્મથી માંડી સોનાનું દાન કરનાર ગોદડીવાળા બાપુનું કોઇ બેંક એકાઉન્ટ નથી તેમની ટોપી અને ગોદડીમાં દાનની રકમ સેફ ડિપોઝિટ રૂપે મૂકાય છે. દાનેશ્વરી એવા ગોદડીવાળા બાપુ આજે પણ તેમની પત્ની પ્રત્યેની જવાબદારી ભૂલ્યા નથી. ભિક્ષામાથી પ્રતિ માસ રૂ.5 હજાર પત્નીના દવા ખર્ચ માટે મોકલી આપે છે અને બાકીની તમામ રકમ લોકોના લાભાર્થે ખર્ચ કરે છે.
દિલની દિલાવરી | ટોપી એમનું બેંક એકાઉન્ટ અને ગોદડી બેંકલોકર
ફક્ત નામ માટે કે મોટાપણું દેખાડવા માટે અપાતું દાન સામેની વ્યક્તિને લાચાર બનાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ એવા દાનનું ખાસ પૂણ્ય મળતું નથી. ભલે તમે ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ નિસ્વાર્થ ભાવે પરોપકારના હેતુસર અપાયેલા દાનનું માહાત્મ્ય ઘણું છે. તો આ ગોદડી વાળા દાદાના દાન પાછળ પણ દીકરીઓના સુખી થવાની આશા છુપાયેલી છે. ખેમજી દાદા કહે છે દીકરીઓ હંમેશા દુખી હોય છે. તેના જનમથી લઈને તેના ઘડપણ સુધી તે ઘણું દુઃખ ભોગવે છે. અને તેથી જ દીકીઓને આપેલું દાન કડી નિરર્થક નથી જતું. જેથી હું દીકરીઓને દાન આપવાનું જ પ્રથમ પસંદ કરું છું.
લોકો મંદિર-મસ્જિદોમાં લાખો કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે. તો ઘણા કિલો બે કિલો સોનું પણ દેવી મંદિરોમાં દાન કરે છે. પરંતુ જરૂરીયાતમંદ એવી આ દીકરીઓ સામે કોઈ જોતું નથી. પોતાની સગી દીકરીને પણ લોકો ઘણું રાખતા હોય છે. પરંતુ આવી ગરીબ દીકરીઓનું શું? પત્થરની મૂર્તિ માં દેવી ને સોનાના છે. જ્યારે જીવતી દેવી સમાન આ દીકરીઓને જ ખેમજીભાઈ દેવીનો અવતાર જ માને છે. અને સમાજ ને પણ એક સંદેશ આપી રહ્યા છે.
આપણા સાઘુસંતો વારંવાર કહે છે કે ડાબા હાથે આપેલું દાન જમણા હાથને પણ ખબર ના પડે તો જ દાનનું પૂણ્ય મળે છે. દાન એ જ વ્યક્તિ આપી શકે જેનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે. લક્ષ્મી તો ચંચળ છે આજે તમારી પાસે છે તો આવતીકાલે કોઈ બીજાની પાસે હશે. તેથી જો ઈશ્વરે તમને અખૂટ સંપત્તિ, વિદ્યા કે અન્નનો ભંડાર આપ્યો હોય તો સમાજ પ્રત્યેની જવાબદારીને સમજી જરૂરિયાત મંદોને અર્પણ કરતા રહેવું એ જ માનવધર્મનું સાચું હાર્દ છે.
તમારામાં ‘‘જો અન્યને ઉપયોગી થવાની ભાવના અને સમજ હશે તો જ સાચું સુખ તમે પામી શકશો. સુખ એ સંપત્તિના ઢગલામાં ભરેલું નથી. જેની પાસે ઘણું છે એ પણ દુઃખી હોઈ શકે અને ફક્ત લંગોટી પહેરીને બેઠેલા વિરક્ત આત્માના અંતરમાં પણ આનંદના હિલોળા લહેરાતા હોય છે. માટે લક્ષ્મીપતિ જ દાન આપી શકે એવું માનવાની જરૂર નથી.
તરસ્યાને જળ, અજ્ઞાનીને જ્ઞાન અને ભૂખ્યાને અન્નદાનએ મહાદાન ગણાય છે. અને એ વાતને જ સાર્થક કરતુ જીવંત ઉદાહરણ આજે ગોદડી વાળા દાદા એટલે કે, ખેમજીભાઈ પ્રજાપતિ પુરુ પાડ્યું છે.
Source- Divyabhaskar & Sandesh.