અંગ્રેજ અમલદારનો મદ ઉતારનારા વઢવાણના રાજવી

રાતા કમળની રજથી રોળાયેલા તળાવડીના પાણીમાં ઉઠતા તરંગ જેવા ઉગમણા આભારમાંથી ઉષાના તેજ કિરણો ત્રબંકી રહ્યા છે. ચંદન વૃક્ષોના વનમાં આળોટીને ઉઠેલા વસંતનો વાયુ વિહરી રહ્યો છે. વઢવાણ નગરનો ધોળી પોળનો દરવાજો ધજા પતાકાથી શોભી રહ્યો છે. રાજના દિવાસ અને અમિર-ઉમરાવ દરબારી દબદબામાં આવીને ઉભા રહી ગયા છે.

પીળા પટ્ટાવાળી ટોપી માથે સફેદ પીંછાની કલંગી ભરાવદાર દાઢી હેઠળ પિત્તળની સાંળક ઢાલવા છાતી ઉપર લીલા રંગનો કોટ બાવડા ઉપર ઝીંકથી ભરેલા બુટ્ટાવાળી, ખંભે પિત્તળની સંકળીએ ઝડપેલો વઢવાણ રાજનું પ્રતિક છાતી ઉપર ઝીંકના ઝુલતા આઠ પટ્ટ બાજુમાં જાબલડિયા રંગની લટકતી દોરીઓ હાથમાં ભાલો, ભાલા ઉપર ત્રણ પટ્ટે ફરકતાં વાવટાવાળાં ઘોડેશ્વરો ભોગવાની કાંઠેથી તે છેક દરવાજા સુધી કતાર લંબાઈ ગઈ છે. લાલ-પીળા રંગના કાંઠલાવાળા બાપુના પીળા મોળીયાવાળા કોટમાં શોભતી પોલીસ પલટન ખડે પગે ઉભી રહી ગઈ છે.

વાત એમ છે કે વઢવાણ રાજની મુલાકાતે પ્રાંત સાહેબ પધારવાના છે. અંગ્રેજ સત્તાધિશનું સ્વાગત કરવા માટે રાજદરબારનો રસાલો ખડો થઈ ગયો છે. વઢવાણ ઠાકોર સાહેબ દાજી રાજ ગોરા અમલદારની સવારી આવેે એ વખતે પોંખી પોંખી દરવાજે પહોંચવા માટે તૈયારી કરી રહ્યા છે. ચંદ્રભવન નામનાં રાજમહેલના દરવાજે બે ઘોડે જડેલી બગી તૈયાર રાખી વખતની વાટ જોઈ રહયા છે. સાહેબને આવવાના સમય ન આવતાં ઠાકોર દાજીરાજજી તપાસ કરાવવા માણસ મોકલવાનું વિચારે છે. ત્યાં તો દરવાજે અંગ્રેજ અમલદારના ઘોડાના ડાબા દેવાણા. અરબી તોખાર ઉપર આરૂઢ થયેલા ગોરા અમલદારને જોતા જ દરવાને જઈને દરવાજે ઉભા છે, ભેળો માણસોનો રસાલો છે.

દરવાનની વાત સાંભળી દાજીરાજી નવાઈ પામીને બોલ્યા, ‘એવું ન બને’ દરવાજ સામે જવાબ આપે એ પહેલા સાહેબના શિરસ્તેદારે આવીને કહયું.

‘સાહેબ પધાર્યા છે ને આપની મુલાકાત માંગે છે.’

દાજીરાજજીએ સામો સવાલ કર્યો-‘આપણે વાત થયા મુજબ સાહેબનું સ્વાગત ધોળી પાળને દરવાજે ગોઠવી રાખ્યું છે. મારા રાજના માણસો ત્યાં ઉભા છે. આપ કયે રસ્તેથી આવ્યા?’

‘ખાંડી પોળના દરવાજાથી’

‘કારણ?’

‘સાહેબની મરજી..’

સાંભળતા જ જુવાન રાજવીના રૂપરંગ બદલાયા દેવના દૂત જેવા ઠાકોરના ઉરમાંથી આક્રોશ ઉઠયો.

‘આમ રસ્તો બદલીને આવવું એ રાજ્યનું અપમાન છે, મારા રાજ્યનું અપમાન કરનારને હું મળતો નથી. ‘ એટલું કહીને વઢવાણનો સુવાંગ ધણી કટકટ ચંદ્રભવનના મહેલના પગથિયા ચઢી ગયા.

ઠાકોર દાજીરાજજીનો જવાબ શિરસ્તેદાર સાહેબને સંભળાવ્યા? ચપટી જેવડા રાજના ધણીનો જવાબ સાંભળીને સાગર જેવડી શાહી સત્તાનો સામંત સમસમી ઉઠયો. મોજળી આંખ્યુંમાંથી ક્રોધની જવાળાઓ ભભૂકી ભુરી આંખ્યું ચંદ્રભવન પર નોંધી, અંગ્રેજ અમલદારે ઘોડો મરડયો, વઢવાણ કેમ્પની કચેરીએ જઈને ગોરો જાતે કલમ લીધી. સરકારી છાપવાળો કાગળ આગ ઠાગલી કાગળને કપડાની કોથળીમાં બાંધી સીલ મારી મારતે ઘોડે કાગળ રાજકોટની અંગ્રેજ કોઠીમાં બીરાજતાં પોલીટીકલ એજન્ટને પુગાડયો,

પોતાને રોશન થયેલું લખાણ વાંચતા જ કાઠીયાવાડનો ગોરો હાકેમ હલબલી ઉઠયો. વઢવાણ ઠાકોરનું જાણી ગોરાનો ગુસ્સો આસમાને આંબવા લાગ્યો. આ અપમાન પ્રાંત અમલદારનું નહીં પણ શહેનશાહની સત્તાનું લેખ્યું પણ કામદાન રાજય કરવા આવેલા આકરા થયેલા અમલદારે સમતા રાખી જાણી. કોઈપણ ઉતાવળું પગલું ભરતાં પહેલા વઢવાણ રાજવીના ખુલાસો માંગતો તાકીદનો કાગળ તૈયાર કરાવ્યો.

કાગળમાં જણાવ્યું કે,
‘નામદાર સરકારના આડતિયાનું આપે કરેલ અપમાનથી સરકાર ઘણી દિલગીર થઈ છે. જે ચલાવી શકાય નહીં. આ અપમાન અંગે સરકાર યોગ્ય વિચાર કરી પગલાં લેવા માંગે છે. આ અંગે તમારો શું ખુલાસો છે તે જણાવશો.’ ખુલાસો માંગતો ખત લઈને ખેપીઓ છુટયો. આવો હુકમી બીડો લઈને છુટેલો ઘોડેશ્વાર વઢવાણ આવ્યો. રાજકોટની કોઠીને કાંગરેથી આવેલો કાગળ વાંચી ઠાકોર દાજીરાજજીને વળતો ખુલાસો લખ્યો.

સરકારના ધોરણ મુજબ સરકારી અમલદારે દેશી રાજયની મુલાકાત વખતે કરાયેલ રસ્તે એ સમયે સભ્યતા સાથે આવવું જોઈ. કોઈ ખાસ સંજોગો ઉભા થાય તો અગાઉથી જાણ કરવી જઈએ. તેવું ધોરણ આ બાબતમાં જળવાયું નથી. પ્રાંત અમલદારે જણાવ્યા મુજબના રસ્તે મારા માણસો ધોળી પોળ દરવાજે હાજર હતા એ હું પણ ત્યાં જવા તૈયાર હતો. પણ પ્રાંત અમલદાર નક્કી થયેલા રસ્તાને બદલે બીજા રસ્તેથી એકાએક આવી પુગ્યો. તેથી મને મારા રાજ્યના અમલદારોને તેમજ સરસંબંધીઓને હાલાકી પડી છે. પ્રાંત અધિકારી દરજ્જાના માણસ બંધારણ વિરૂધ્ધ વરતે તેના માટે હું દિલગીરી છું. આવું વર્તન કરી તેણે મારૂ અને મારા રાજનું અપમાન કર્યું છે. આમ એકાએક ચોરની જેમ આવનારને હું મુલાકાત આપી શકું નથી. તેમ મુલાકાત આપવા પણ માંગતો નથી.

અંગ્રેજ કોઠીના કાંગરા વીંધીને વઢવાણના રાજવી દાજીરાજજીનો પત્ર પુગ્યો, રાજકોટ.

પત્ર વાંચતા જ અંગ્રેજ અમલદાર આભો બની ગયો. ઠાકોરની વાત કાયદા મુજબ કબુલ કરી. બંધારણ વિરૂધ્ધ વર્તન કરી કસુર કરનાર પ્રાંત અધિકારીને ઠપકો આપ્યો. આમ પ્રાંત ઓફિસરના અરમાન ઉતારી ઠાકોર દાજીરાજજીએ બહાદુરી બતાવી.

નોંધ
આ નીડર અને પ્રજાવત્સલ રાજવી વઢવાણની ગાદી ઉપર તા.૧૩ જુલાઈ ૧૮૮૧ના રોજ આવ્યા હતા. દાજીરાજજી લાઠીના ઠાકોર સાહેબના કુંવરી બાજી રાજબા દરોળાનાં કુંવરી માજી રાજબા સાથે એક દિવસ પરણ્યા હતા. એ પછી વિઝાગા પટ્ટમાં કુંવરી સતીબા સાથે લગ્ન કર્યા હતા.
ભરયુવાન થયે ઠાકોર સાહેબશ્રી દાજીરાજજીનું તા.પ મે ૧૮૮૫ના રોજ નિધન થયું હતું.

તણખો
આર્યાવર્તને કુદરતે રંગ, રૂપ, સ્વાદ, ઔષધિઓની ભેટ ધરીને કરામત દેખાડી છે. કુદરતી ખાદ્યચીજોને મશીનના મોઢામાં નાંખી વિકૃત કરવામાં વિજ્ઞાનિક વિકાસ માની બેઠેલાઓને ઈશ્વર સદબુધ્ધિ આપે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!