કાળની જીભ જેવી લૂ ધરતીના પડને ધખાવતી હતી. વેરાન વગડો જાણે ખાવા ધાતો હોય તેમ લાગતો હતો, ધુળ ના ઉડતા ગોટા વચ્ચે મોરબી સેના ની નાની ટુકડી એના મોવડી ઠાકોર જીયોજી આટકોટ ને માર્ગે હતા.
—————————–
(કચ્છ ના રાવ ભારા એ આશ્રય માટે સોંપાયેલા અમદાવાદ સુલતાન મુજ્જફર ને અકબર ના સુબા ને સોપી મોરબી નુ પરગણુ મેળવ્યુ,
કચ્છ કો મતી હાણ ભારો ભુપતિ
એક મોરબી કારણે મુજ્જફર દિયો સોપ
ત્યારબાદ કચ્છ ના કુંવર કાંયાજી ના કાકા પ્રાગમલજીએ કચ્છ હડપી લિધુ અને કાંયાજી વયસ્ક થતા મોરબી ને કચ્છ થી અલગ કર્યુ તેના પુત્ર અલિયોજી ને મોરબી અને મોડજી ને માળીયા વિસ્તાર ગરાસ મા મળ્યો અલિયોજી ની હત્યા પડધરી ના જાડેજા હાલાજીએ કરાવી હતી. મોડજીએ સિંધ ની પંકાયેલી મીયાણા જાતી ને પોતાના વિસ્તાર મા વસાવી અને મોરબી થી અલગ અને સાર્વભોમ સત્તા ચાહિ જેથી બંને વચ્ચે પણ ઘર્ષણ ચાલુ થયા.અલિયોજી ની અમુક પેઢી પછી વાઘજી પ્રથમ ના પુત્ર જીયોજી થયા.)—–
માળિયા, જામનગર અને કાઠીઓ ની ત્રિવીધ ભીંસ થી મોરબી ભાંગી ને ભુક્કો થયે જતુ હતુ, નાણાભીડ, લડનારાઓ ની તાણ તેમજ ખેડુતો ની ભાંગભાગે જીયોજી ને ખુબ ચિંતાતુર બનાવિ દિધા હતા,નાણા મેળવવા માટે સુંદરજી ખત્રી પાસે જોડિયા મુકામે છ છ મહિના સુધી આંટા ખાઇ ટંકારા પરગણુ પણ ગીરે મુક્યા છતા હજુ નિરાંત મળી ન હતી અને મુંજાયેલા ઠાકોર પાંચાળ મા આટકોટ ના કાઠી દરબાર દાદા ખાચર ને ત્યા સમાધાન કરવા જઇ રહ્યા હતા.
દોઢેક ગાઉ દુર થી આટકોટ કળાણુ અને ઠાકોરે પોતાની સાથે આવેલ પાતાભાઇ ગઢવી ને બોલ્યાઃસમાધાન ની ખાસ આશા નથી, ખાચરને અને મારે એમ તો ખાસ ભાઇબંધી છે માટે આટકોટ સુધી લાંબો થયો છુ.દાદા ખાચર નહિ માને તો કાયાણી કુળ પોતાનો ધાર્યો માર્ગ લેશે.મોરબી ગઢ ના પાયા સાવ થોડા રેતી પર બાંધ્યા છે!એકવાર ભુજિયા ની રાંગ ને લાંબી કરી સુવરાવનાર જાડેજા નો હુંય વંશજ છુ.આમ તો લાખેણો માણસ દાદા ખાચર જરુર પડે કાળી રાતે માથુ વાઢી દે પણ આ મેરુ ખવાસ ની શરત ની ચડામણી મા આવી ગયો છે,મેરુ એ તાળવે ગોળ ચોંટાડ્યો છે કેઃ’દાદો મોરબીની ધરતી ને ઘમરોળી મને દાંત-તરણા લેવરાવી નવાનગર ની મદદ માંગવા જેવો વેરાગી કરી મુકે તો આટકોટ ની ચોવીસી માથી જામનગર પોતાનો હાથ કાઢી લે.
———–*———–
પુર્વભુમીકાઃ દાદા ખાચર એ જસદણ દરબાર વાજસુર ખાચર ના પીતરાઇ હતા, તેમના ગરાસ મા આટકોટ ની ચોવીસી આવી હતી. જામનગર ના દિવાન પણ મનમાની થી ધરાર રાજા જેવુ વર્તતા એવા મેરામણ ખવાસ ને થયુ કે મોટા પાયે એક અભિયાન ચલાવવા માટે તેની શક્તિ પર્યાપ્ત થઇ ગઈ છે તેથી તેને કાઠી ઓ સામે તેનું લશ્કર લઈને કુચ કરી અને મોટાભાગના મુખ્ય મથકો નો કબજો કરવામાં સફળ થયો સાણથલી, બાબરા , કોટડાપીઠા , કારીયાણા , આણંદપુર , બરવાળા અને જસદણ ને હરાવ્યા.
જસદણ ના વાજસુર ખાચરે આટકોટ ને વિનિમય કરવા ની માંગણી રાખી અને તે શરતો પર તેમને જસદણ પર પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા. પરંતુ તેમના પીતરાઇ આટકોટ ના દાદા ખાચર એ આ કાર્યવાહી પર વાંધો ઉઠાવ્યો અને બહારવટુ આદર્યુ.મેરામણ માનતા હતા કે આવી વ્યક્તિ ને પ્રદેશ ની બાર રાખવામાં આવે તો તે ખુબ ખતરનાક બની શકે છે તેથી તેમને કાઠી સાથે અમુક શરતો રાખી આટકોટ પાછું સોપયુ. દાદા ખાચર એ શરત પર સહમત થયા કે ફક્ત તેમના આદેશ નીચે નવાનગર ની અમુક લશ્કરી ટૂકડી રાખવામાં આવે અને એ નાની લશ્કરી ટૂકડી જે તેમની નીચે રાખવામાં આવી હતી તેની સાથે તેમને મોરબી માં વિનાશ સર્જ્યો હતો.
—————*—————
પાતાભાઇ સમજાવતા કહેઃહોઇ ભા! ચડતી પડતી ના વારા, તો બાપ, સહુ ને આવે છે, કુળદેવ રણછોડરાય ને પણ મથુરા મુકિ દ્વારીકા આવવુ જ પડ્યુ? આપના પુર્વજ ને પણ ભુજ મુકિ મોરબી પણ વસાવવુ પડ્યુ..?
મારુ તો જે થવાનુ હોઇ તે થાઇ પણ હુ મરતા સુધી હમીરજી ના મારતલ જામના આંગણા મા પગ નહિ મકુ અને કાઠીઓ અને મિયાંણાઓ સામે પણ નહિ ઝુકુ ભલે કોઇ પણ માર્ગ અપનાવવો પડે.
મા’રાજ, કાઠીઓની નાની પાળ ચડી હોઇ તોય ગંજાવર દુશ્મન ની છાતીઓ ડાકલા ની જેમ થડક ઉથડક થઇ જાય છે,અને એમાય દાદા ખાચર જેવા પટાધર પુરુષ સાથે વેર આકરુ થાશે, સમાધાન માટે કંઇક જતુ કરી ને પણ એને મનાવજો અને કજીયો ટળે એવુ કરજો અથવા કાંઇ બીજી યોજના માટે ઉતાવળ કરવી પડશે.
‘ઠીક છે ગઢવી, તમે આગળ જઇ સમાચાર આપો અમે પાછળ આવીએ છીએ.
ત્રણ ભાયુ ના ભાગ મા વહેચાયેલી આટકોટ ચોવીસી ના મોટાભાગદાર દાદા ખાચર,રાત દિવસ ડેલી મેમાનુ ની સરભરા માં ગાજતી રે’ તી.ચારણ, તુરી, રાણીમગા, મોતીસરા, ભાટ ના સથવારે ડાયરો શોભતો,કસુંબાની ખરલ ઘુંટાતી.
એ રામ રામ! ડાયરા ને! પાતાભાઇ ગઢવી એ દરબારગઢ મા આવી રામ રામ કર્યા.
એ રામ રામ! ક્યાથી આવો બાપ! ચારણદેવ કળાય છે’ દાદા ખાચરે હુક્કા ની નળી હોઠ થી દુર કરતા કહ્યુ
‘હા મામા! ચારણ છુ. મોરબી થી આવુ છુ.મોરબી ઠાકર આહિ પધારે છે એના વાવડ દેવા આવ્યો છુ, બાપ!
અરે વાહ, ભાઇબંધ આવે છે દરબારે નોકરો ને નોખા નોખા કામ સોપી ખીદમત ના આદેશ કરી દિધા.
થોડા સમય માં ઠાકોર રસાલા સાથે દોઢીએ(ડેલીએ)આવી પહોંચ્યા,દાદા ખાચર ઉભા થઇ ભેંટી પડ્યા.પરસ્પર ખબર અંતર પુછતા મેડીયે ગયા, ત્યા લાલ હિંગળોકવરણા હાથીપગા ઢોલિયા પર,મણમણનાં ગાદલા ઉપર રેશમની ભરતભરેલી રજાઇઓ પથરાઇ ગઇ હતી. અને થોડીવાર બધાય જમવા ઊઠ્યા, માથોડુ માથોડું પરસાડવાળા ઓરડા ની ઓશરીયું મા પાટલા નખાયા ને દાદા ખાચરે સહુ ને તાણ કરી જમાડ્યા. પછી કાવા કસુંબા થયા.
દરબારે પુછ્યુઃ ઠાકોર આમ ક્યા સુધી ગયા તા? કે સીધા અહિ જ ભુલા પડ્યા છો
દરબાર આપણે તો જુના ભાઇબંધ, આજકાલ માળીયા ઠાકોર ડોસાજી જાડેજા આ મિયાણાઓ ને ચડાવી મારા ખેડુતો ને મારે છે અને તમે અને તમારા કાઠીઓ પણ આવી ઘા કરી જાય છે આજે તો જાતે આવ્યો કે એક દિશા ની ચિંતા ઓછી થઇ જાય! જુનાગઢ સુંદરશેઠ ના પૈસા લઇ આરબની બેરખ નો પગાર ચુકવ્યો,ગોંડલ પાસે ધોરાજી નુ પરગણુ ગીરવે મુકાયુ. હવે કુસુંપ તજો ખમૈયા કરો!
‘જીવુભા બાપ! રુડી વાત કરી. સુરજદાદો સૌ ને સમત આપે,બાકિ મારા એકલા થી શુ થાય? ત્રણે સખાપત ભેળા કરો.એટલે પાણી ના ઢાળે પાણી ઉતરી આવશે. તમારા રાજ આબાદ થશે.અમારા કાઠી ને ભાગે તો ઘમરોળવાનુ જ લખેલુ છે.
‘એમ કેમ બોલ્યા,દરબાર? જીવોજી આશ્ચર્ય સાથે પુછે છે.
‘ઠાકોર, મને શુ પુછો છો, તમારી જાત ને જ પુછો?, મોરબીનો ધણી નગરવાસ પર ચઢી જીણાજી ના મલક ને રંગદોળી જાય, એતો સારુ થયુ કે જીણાજી ભાગી નીકળ્યો,નહિ તો એને આપ ઝાડ ની ડાળીયે જ લટકાવી દેત ને,શુ કાયાણી કુળ ના આગેવાન માળીયા ના પોતાનાજ ભાઇ ને ધરાઇ ને ધાન ખાવા આપે છે?
ઠાકોર સત્ય સચોટ સાંભાળી શરમમાં ઝંખવાણાઃ આપા હવે હુ રજા લઇશ.
અરે એમ જવાય?અઠવાડીયુ તો રે’વુ જોઇએ.
‘આપા, અત્યારે મને જવા દ્યો,ઠાકોરે અહિ આશા પુરી થતી ના ભાળી અને વિદાય થયા.
ઠાકોર નો રસાલો પાછો વળ્યો અને આગળ ધપે જતો હતો,જિયાજી ની નજર દુર થી આવતા વેલડા પર પડી,ત્રણ ચાર ઘોડેસવારો સાથે હતા.ઠાકોર ના રસાલાએ વેલડા નો માર્ગ આંતર્યો,કાઠી ઘોડે સવારો આગળ આવ્યાઃ કોણ જીયોજી! ભા ઠેકાણા ભુલ્યા! વેલડા મા દાદા ખાચર ના દિકરાને ઘરે થી બેઠા છે,શરમ પહોંચે છે કે નહિ?
અત્યારે શરમ લાવવાનો સમય નથી કાઠીઓ ને મારે પાઠ ભણાવવા છે,સૈનિકો આ બધાય ને ઠેકાણે કરી નાખો.
ભવાની ની જીભ જેવી તલવારો સમળી.જપા જપી થઇ સામટા માણસો એ વેલ ના રખેવાળો ની લોથો ઢાળી,રસાલા નો માણસ વેલડુ હાંકવા બેસી ગયો.વેલડુ મોરબી માર્ગે વહેતુ કરી દેવાયુ.અને દાદા ખાચર ના પુત્રવધુ વડારણો ના જાપ્તા મા મકરાણીઓ ની ચોકી મા પુરાઇ ગયા.
ઠાકોર બારણે આવી ઉભા, કે મેમાનગતી મા ઉણપ તો નથી ને?તમને કચવાટ તો થતો હશે પણ રાજરીત માટે એ જરુરી હતુ આપ દુભાશો નહિ.
કાઠીયાણી ની આંખ મા આગ જરતા તીખારા હતા તેમણે જવાબ આપ્યોઃ રખેવાળો મરાવી ને માર્ગમાંથી હરણ કરી ને આવ્યા છો દુઃખ જેવુ તો એ વાત નુ છે કે જમીન ગરાસ ના મામલામાં સ્ત્રીઓ ની ઓથ લેવાની શી જરુર હતી? ઠાકોર તમારા પુર્વજો જ આમ કરતા આવ્યા છે માટે ચારણો કહે છે.
“ઇન ઘર કિ અચરજ કહા, આગે કૃષ્ણજી કીન
ચદી નરપતકી તીયા,રુકમની કો હર લીન”
જિયોજી હેબતાઇ ગયા એમને સ્વપનેય અણસાર નતો કે કાઠીયાણી આટલી હિમંત થી વાત કરશે, તેના મા આઇ મોમાઇ ની ઝાંખી થવા લાગી જીયોજી નુ વિકારી મન પલટાઇ ગયુ.
મારે દાદા ખાચર સાથે સમાધાન નો માર્ગ મળતો નથી,માટે આવુ કર્યુ છે તમે નિશ્ચિંત રહો.
ઠાકોર, જગત એ જોવા જાણવા બેઠુ નથી,તમારુ કાર્ય રાવણ નુ જ કાર્ય છે માણસાઇ ભુલી બેઠા છો,મતી ભુલેલા ને મારે નીતી રીતી ની શિક્ષા નથી આપવી .
‘દેવી, મે ભુલ કરી.મને ક્ષમા કરો !’
‘ભયંકર ભુલ કરી છે ઠાકોર,હુ તો મરણ ને આરે આવી બેઠી છુ પણ તમારી અપકિર્તી તમને સુખે જીવવા નહિ દે. એક એક વેણ થી મોરબી ધણી નુ કાળજુ વિંધાવા લાગ્યુ, ભુલ નો ભાર ઉંડે ઉંડે ઉતરવા લાગ્યો અને તે ત્યાથી જતા રહ્યા.
અહિ એવુ બન્યુ કે એક ઘાયલ રખેવાળ ને સુધ આવી ને તરત આટકોટ ખબર દિધા,દાદા ખાચર ને જાડેજાઓ ની વારસાગત ખુટલાઇ ના અવિશ્વાસ થી હ્રદય સળગવા લાગ્યુ.મોરબી દરબારગઢ ના એક એક પાણા ને જડમુળ માથી ઉખેડી નાખી મચ્છુ નદિ મા ફેંકિ દેવાની ઇચ્છા થઇ અને દાંત ભીંસતા હાકલ કરીઃ ‘કાઠીઓ હથીયાર સજો.
સાંઢણી સવારો સાથે ફરતી ચોવીસી માં મોરબી પર ત્રાટકવા ના સમાચાર મોકલિ દિધા,અને જોતજોતા મા હથીયારબંધ નરબંકાઓ ના શોરબકોર થી આટકોટની શેરીઓ ગાજવા લાગી, અને કટક ‘સુરજદાદા ની જય’ બોલાવી મોરબી તરફ કુચ કરવા લાગ્યુ.જોકે એક રીતે ઉતાવળે જ આક્રમણ ખેડવુ પડ્યુ એટલે તૈયારી ઓછી હતી.”
મોરબી તો સાવધાન સ્થીતી મા તૈયાર જ હતુ, આરબો નો મરફો વાગ્યો,મકરાણીઓ ની આલબેલ થવા લાગી.સૈન્ય નો ભાર જીયોજી ના ભાઇ વિભોજી પર હતો.
ખાચર ના કાફલા માથી એક ગઢવી મોરબી પહોંચી જિયોજી ને મળ્યો, ‘હઠ ચોરટા!,ખરે ટાણે ખુણે ભરાઇ બેઠો કે!
ગઢવી હુ ચોર તો ઠર્યો હવે પણ અમારા ખુટામણે અમારા ખમીર બોદા કર્યા,મારે આટકોટ ખબર લેવા આવવુ જોઇએ પણ બિચારી દિકરી નો અપરાધી બની બેઠો,પણ હવે હૈયુ કઠણ કરુ છુ, જા તુ એ મા મોમાઇ સરીખી દિકરી ને મળ.
મોરબી ની સેના ને બહાર તગેડી દાદા ખાચરે ધણલોક મા સૈન્ય ગોઠવી દિધુ.પણ ત્યા વાંકાનેર ના દક્ષિણ દરવાજે થી જીયોજીના ના સૈન્ય નો હુમલો થયો ને સામસામા પાણી મપાવા લાગ્યા,કાઠીઓ અપુરતી તૈયારીમા અને થોડા હતા માટે પોતાની ગેરીલા પધ્ધતી પ્રમાણે વિખેરાયા અને ભાગ્યા અને ઠાકોર એમની પાછળ રવાના થયા, છેક ચોટીલા સુધી સેના એ પીછો કર્યો અને ચોટીલા ની નજીક દાદા ખાચરે તેમની સામે આવીને આશ્ચર્યચકિત કર્યા. તેમણે મોરબી સામે હવે લડવાનો ફેંસલો કર્યો અને તેમના માણસો ને તેમની સાથે બોલાવ્યા અને અમુક ને ભાગી જવા મનાવ્યા. લગભગ ૩૦ જેટલા કાઠી તેમની સાથે રહ્યા જે એક સેના સામે ખુબ નજીવી સંખ્યા ગણાય પણ એ ટુકડીએ મહાન સંઘર્ષ કર્યો મોરબી સેના ને વિંધી ઠાકોર સુધી પહોંચી ગયા અને દાદા ખાચરે ઠાકોર ભણી ઘોડી ફેરવી ને કહ્યુઃદગાખોર! હવે મોત ને આરે ઉભેલા આપા નો ઘા જોઇ લે , અને સાંગ ઉગામી પણ ત્યા અંગરક્ષકો ના બંદુકુ ના નીશાન સામટા તોળાયા અને ધણેણાટી થઇ,દાદા વિંધાય ને ઘોડી પર થી ઉથલી પડ્યા.
આપા દાદા! મને માફ કર! ઠાકોર દોડતા શબ પાસે આવી ઉભા આપા નો છેલ્લો શ્વાસ ચાલતો હતો,તારા જીવ ને ગતે પહોંચાડજે,આપા!
ઠાકોરે દરબાર ને પાણી પાયુ અને સોરઠી ખમીર નો આદર્શ સમો દાદા ખાચર નો દેહ છુટી ગયો. દાદા ખાચર ના પુત્ર ભત્રીજા સહિત બધા ત્રીસ કાઠીઓ ખપી ગયા હતા.
‘બસ ઠાકોર વેર લઇ લિધુ?’ ધરતી ના પેટાળ માથી પ્રગટતી હોઇ એમ કાઠીયાણી એની સામે આવી ને ઉભી રહિ. ઠાકોર નીચું મો કરી ભાગી છુટ્યા.
કાઠીયાણી પણ ચિતા પર ચડી સતી થયા,ઠાકોર જિયાજી દુર ઊભા ઊભા આ કારમુ દ્રશ્ય જોઇ રહ્યા. એમની વાચા જાણે હરાઇ ગઇ.જીવન ની અંતીમ ઘડી સુધી તેઓએ આ જોયેલુ દ્રશ્ય અને પોતે આચરેલુ પાપ નહોતા ભુલિ શક્યા.
—————-*—————
(મોરબી અને માળીયા વચ્ચે ઘણા છમકલાઓ થતા,ઇતિહાસ મા ભીયા કક્કલ અને મલ્લણી ના ત્યાગ થી કચ્છ ના જાડેજા મીયાણાઓ ને ખુબ માન આપે છે તેઓ લુંટ કરતા પકડાતા તો પણ લુંટ નો માલ જપ્ત કરી અન્ય કોઇ શિક્ષા ના કરવી એવી વિશેષ છુટ હતી, દાદા ખાચર ના મૃત્યુબાદ નાગડાવાસના જાડેજા જીણાજી/જુનોજી ને દબાવવા તેનો કિલ્લો પેશ્વા ની મદદ થી તોડી પાડ્યો અને પછી થી મૈત્રીભોજ નો દેખાવ કરી ડોસાજી ને કેદ કર્યા અને કેટલાક મીયાણાઓ ને પણ મારી નાખ્યા,બાદ મા મીયાણાઓ એ મોરબી પર ચડાઇઓ કરી, મરાઠા બાબાજી આપાજી ને હડાળા ગામ આપવાની શરતે માળીયા પર આક્રમણ કરાવ્યુ પણ તે જીતી ના શક્યો અને તેથી મોરબીએ ડોસાજી ને કેદ મુક્ત કર્યા આગળના વર્ષો મા ગાયકવાડ સેના સાથે આવેલ વોકર દ્વારા માળીયા નો કિલ્લો તોડાવ્યો અને એના પથ્થરો થી નાની બરાળ નો કિલ્લો બનાવ્યો અને દરવાજો મોરબી ના કિલ્લા મા મુકાવ્યો.)
——————*—————
કથાબિજ અને સાભારઃ લેખક કાલિદાસ મહારાજ
કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન 🔆
જય કાઠીયાવાડ 🚩