પથારીમાં બગાસું ખાતી કરમાબા રાતનાં કરુણ દૃશ્યને યાદ કરીને આંખો બંધ કરી દેતી હતીં ત્યાં તો એનાં હૈયૈ બેઠેલો રદિયરામ બોલી ઉઠયો. કરમા કરમા તારો વીસ વરસનો જવાન મોકોજી આજ સરગપરીને માર્ગે હાલ્યો જાય છે. કરમા સફાળી બેઠી થઇ ગઇ. આંખો ચોળીને તેણે જોયું બીજું સોણુ નથીં ને નિદ્રાદેવી ખડખડાટ હસતી કર્મા ની છોડી એક બાજુ ઊભી રહી. કર્મા નુ ધક ધક કરતું કલેજું થાક્યા વગર ચેતવી રહ્યું હતું, મોકોજી મોકોજી તો સરગે હાલ્યો જાય છે, પરીયુ કંકુ ચોખા લઇ ઊભી છે અને કર્મા ના ગળામાંથીં ચીસ ફાટી ગઇ.
કરમાની ભાભી હાફળી ફાફળી દોડી ને પુછયું કરમા બાઇ નો ભાઈ પણ ભેંસ દોતો દોડી આવ્યો. વીરા ઝટ સાઢ તિયાર કર મારે સારણકે(હાલનું ચારણકા)જાવું છે. કા બુન શુ થયું? વીરા વાત કરવાનો સમય નથીં સાંઢ તૈયાર કર નહિતર મારો રુદિયો ઇની વાહે હાલ્યો જહે. નંણદબા કંઈક સમજાય એવું બોલો. ભાભી તુ રોકતો તને પાથુમાના સમ. વીરા આજ મને વરવું સોણુ(સપનું) આવ્યું ઇમા મારા મોકાજીને લેવાં સરગની પરીઉ ઊતરી છે. પણ બુન સપના સાચાં નથી હોતાં દાખડો ન કરો સાંઢ મોકલીને ભાણિયાને આયાજ બોલાવી લઉં. ના ના મારો રુદિયો બોલે સે મારો મોકોજી રોટલા ટાણે પરથમી માથે નહીં હોય. મન ઝટ જવા દે મારે છેટું પડે છે.
કરમા ભુત ભવિષ્ય ને ભાળતી હોય એમ જાવા મારતી હતી. દોવા બેઠેલાં ભાઈ બોઘણુ લેવા જાય છે. ભેંસની પાટું થીં દડતુ દડતુ દુધ ઢોળાયું ભાઈ ને શંકાનો કિડો સળવળી ઉઠ્યો બધું કામ મુકી સાઢ લેવાં વહેતો થયો. તમારા ભાઈ આવે ત્યાં શિરામણ કરી લ્યો. અરે ભાભી આવાં અપશકન હાલતી વેળાએ નાખ્યમા હવે પાણી પણ સારણકે જઇને ત્યાં લગણ પાથુમાના સમ.
સાંતલપુર પાસે આવેલા ચારણકા ગામમાં રોહોડીયા શાખના ચારણોમા કરમાબાઇ જીવતી જાગતી સતી કહેવાતા પતિના મુત્ય પછી સંસાર ના સુખ ત્યાંગી અલખ જયોત આદરી હતીં. પણ ભાઈનાં આગ્રહથી નગર પારથી પિયરમાં આવી હતીં ને હજું પિયર આવી પંદર દિવસ પણ પુરા થયાં ન હતાં ત્યાં ભાવી પાછુ સારણકે ખેંચી રહ્યું હતું. કર્મા સાંઢ પર બેસી નગર પારકરના રણમાં ઊતરી પારકરનુ રણ આજે કર્મા ને જોજન લાંબુ લાગતુ હતુ. કુકડા ઊષાની છડી પોકારી ઝાંખા ઝાંખા અજવાળામાં મોકોજી ગાયો ચરાવી વાડામાં આવી પુગ્યો. એક પછી એક ગાયોને બાંધી ગાયોને નીરણ કરી મોકોજી ઘર તરફ પ્રયાણ કર્યુ. ઘરે આવી ત્યાં અમુનાબાઇ શિરામણ તૈયાર કરી મોકોજી ની રાહ જોઈ રહ્યા હતાં. મોકોજી બોલ્યા સારણ આજ તો મારે રુદિયામા હાંભરી છે એમ થાય છે માં આઈ હોતતો કેવું સારું હતું. તે એમ કરોને તમે પારકર આંટો દઇ આવો માને મળતા આવો ને તેડતા આવો. તમે રોજની આ એકજ વાત.
આમ વાત કરતાં કરતાં પાઘડીએ હાથ લૂછતાં ઘર બહાર ફરવા નીકળે છે ચોરામા ડાયરાની વાત સાંભળી ઘરે આવેલાં મોકોજી ને પેટમાં દુખાવો ઉપડ્યો ને કાળી ચીસ નીકળી ગઈ. અમુના દોડી શુ થયુ? જવાબ આપે એ પેહલા પેટમાં કાળી લાય લાગી ને ખાટલામાં પટકાઇ ગયા ને ખાટલાની ઇસ સાથે ભટકાઇ મોકોજી નો હંસલો હાલ્યો ગયો મોઢે ફીણ આવી ગયા. અમુના બાઇ દોડી મોકોજીના શરીરને બાજી પડી ને નાડી જોઈ હાડ પીંજરને હલાવી જોયું પણ વ્યર્થ ને અમુના એક ચીસ સાથે પટકાઇ પડી. લોકો દોડી આવ્યા એકસાથે બે મૃતદેહ ને જોયાં સારસ અને સાર સીને વિયોગ નડતાં હશે પણ મોકાને અને અમુના ને મોતની દિવાલય ના અટકાવી શકી. ચારણોના ટોળા ભેગા થઈ ગયા બે નનામી તૈયાર કરી લાકડા ભરી ને ગાડી મસાણ તરફ વહેતી થઇ મોકાજીને નવડાવી નનામીમા કપડું મુકી બાંધવા જાય છે ત્યાં સાંઢની ચીસ સંભળાય સબુર મોકાજીને બાધશો નહીં. કરમા બાઇ મોકા પાસે આવી કપડું શબ પરથી હટાયુ ફાટી પડતાં સાદે બોલી ઊઠી. મોકા ભુંડા મારી રાહ ના જોઇ હુંય તારી વાહે હાલી આવત બેટા ઇમ ના જવાય કરમાબાઇ બેહોશીમા લવતી હતી તેની આંખો બંધ થઇ ગઇ. શરીર ઝુકી ગયું ને ઘુંટણીયે પડીને બેસી ગય ને ધબ્બ અવાજ સાથે કરમાબાઇનુ ખોળીયુ મોકોજી માથે ઢળી પડ્યું. ત્રણયે એકસાથે સર્ગે સિધાવ્યા.. વાહ શું આ ધરતી ની તાકત છે ખોળીયા જુદા પણ જીવ એક હો…….
નોંધ:- ચારણકા ને પાદરે બસોક વર્ષ પેહલા ત્રણ નનામીયુ ચેહમા પ્રજળતી તી આજેય ચારણકામા કરમાબાઇ નું તળાવ છે અને તે તળાવની પાળે મોકોજી, અમુના અને કરમાબાઇના ત્રણ પાળીયા ઊભાં છે. ચોથા પાળીયા વિશે કોઈજ માહિતી નથીં આ વાત કનુ આચાર્યયે પણ લખી છે ને ફોટા મિત્ર એવાં પ્રવિણદાન ગઢવી ચારણકા એ મોકલેલ છે. તેમાનો આભારી છું. એ સિવાય સાંતલપુર ના એક મિત્ર એ પણ વાત કરેલ છે.
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……..卐……..卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..