પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ ચાણોદ – કરનાળી

નર્મદાને કાંઠે

નર્મદા નદીમાં કમર સમાના જળમાં
ત્રાંબાના લોટાથી તારું તને જ અર્પણ કહીને
જળની ધારા કરતો
જનોઈ ધારી દ્વિજ પોતાના પાછલા
અને આગળ આવનારા ભવની ચિંતામાં
એટલે પડે કે
તેના પગ તળેની રેતી ધીમેધીમે
સરી રહી હોતી લાગે, ને
સવારનો સૂરજ પણ પાછા પગે
સરી જતાં કશા સંકેત કરતો હોય તેમ લાગે

તેની પહોળી થઈ ગયેલી આંખો, ને
સર્કસના જોકરના હોય છે તેવા
ચહેરાની સીમા વટાવી ગયેલા હોઠ
તમને જરા પણ હસાવી ના શકે

નર્મદાના પાણીમાં પગ રાખીને તમે
બે જગતના વિચારોમાં અટવાઈ જાવ
તો વૈતરણી તરી જવા માટે
તમારે નજીકની ગૌ શાળામાંથી
વંડી ઠેકીને ભાગી આવેલી કોઈ ગૌ માતાની
પુચ્છનો સહારો લેવો જ પડે

તરણી તરવા કરવા કરતાં
નર્મદાના છીછરા જળમાં
છબછબિયાં કરવામાં, કે
કાયમ મોડી ઊપડતી
સાંજની બસ પકડીને ઘેર પાછા ફરવામાં
કશું ય ખોટું નથી

નર્મદાને તીરે જ એ બધું સમજાય
એવું તે કેમ હશે બળ્યું ?

– ભરત ત્રિવેદી

ચાણોદ-કરનાળી

સ્થળનું મહાત્મ્ય તો એ એ જગ્યાએ જઈને દર્શન કરીએ તો જ સમજાય. ચાણોદ એટલે મંદિરોનું નગર.
ચાણોદ એટલે પરંપરાને જીવિત રાખતું નગર.
ચાણોદ એટલે પવિત્ર નર્મદા નદીની છાલકોથી મંદિરોને પતિતપાવન કરતું નગર.
ચાણોદ એટલે નાવિકોની જીવાદોરી.
ચાણોદ એટલે રમણીયતા.
ચાણોદ એટલે આસ્થાને સજીવ કરતુ નગર.
એ જરૂરી નથી કે દરેક સ્થાન પૌરાણિક કે ઐતિહાસિક જ હોય, ક્યારેક કયારેક એની ધૂળ, નદીનું પાણી,
મંદિરોમાં જળવાતી આપણી પરંપરા અને પ્રથા
ત્યાંની ધૂળને માટી
અને
ત્યાંના માણસો તથા ત્યાના રીવાજો
ઘણું બધું બયાન કરી જતાં હોય છે !!!!

આ સ્થળ પેહલા ચંડીપુર તરીકે જાણીતું હતું. કાળક્રમે તે ચાણોદ અને ત્યારબાદ ચાંદોદ થયું છે.
આ ગામ એ ટેકરીઓ પર વસેલું છે.
નર્મદા મૈયા ના ઉત્તર તટે આવેલ ચાંદોદ પુરાતન કાળ થી ઉત્તમ તીર્થ મનાય છે.

મૈયાજી ની મીઠી ગીરી કંદરા માં વસેલ ચાંદોદ કયારેક માતા ના પુનીત સ્પર્શથી પાવન થઈને અનહદ ધન્યતા પ્રાપ્ત કરે છે, તો ક્યારેક રુદ્ર્દેહા નર્મદા નો પ્રચંડ પ્રકોપ વહોરીને તારાજી પણ અનુભવે છે,

તો પણ ચાંદોદનગરી મૈયા નર્મદા ! નર્મદે હર ! કે જય નર્મદા ! ના આત્મીયભાવો થી વધુ ને વધુ ભાવમય બને છે. આ નગર ની પ્રજા નર્મદા મૈયા ના ચરણોની રજ પામી કે તેના પવિત્ર જળમાં સ્નાન કરીને પણ ભાગ્યશાળી બને છે.

દરમાસ ની પૂનમે કે બીજા પવિત્ર તેહવારો ના સમયે આ તીર્થ માં ગૌરવ સમા મલ્લ્હારાવ ઘાટ ના ભવ્ય કિનારા પર હજારો યાત્રિકો ને સ્નાન કરતા કે કર્મકાંડ કરાવતા નિહાળવા એ પણ એક અનેરો લહાવો બની રહે છે.

મલ્લ્હારાવ ના ભવ્ય કિનારા થી મૈયાજી ના દક્ષિણ અને ઉત્તર તટો ની સફરે જતા યાત્રિકો ની અવરજવર આ સ્થળ ની મહત્તા ને વિશેષ ગૌરવાન્વિત કરે છે. ચાંદોદ તીર્થ ની પૂર્વ અને પશ્ચિમ બાજુએ ઉભયતટે પથરાયેલ પવિત્ર ધામો ની મુલાકાત લેવાનું કયાં યાત્રિકોએ નહિ વિચાર્યું હોય ! ચાંદોદ માં પ્રવેશ કરનાર યાત્રિક કે પ્રવાસી મૈયાજી ની ગોદ માં રહી ને સફર કર્યા નો અદભુત આનંદ મેળવ્યા વિના રહી શકતો નથી.
ચાંદોદ ની પૂર્વ બાજુએ કરનાળી, કુબેરભંડારી, મોરલી સંગમ, હંસારૂઢ્જી, નાની મોટી પનોતી, અને ગરુડેશ્વર તથા પશ્ચિમ બાજુએ ગંગનાથ, બદ્રિકાશ્રમ, વ્યાસેશ્વર, શુક્ર્દેવ, અનસુયાજી, શિનોર અને માલસર જેવા પ્રાચીન અર્વાચીન નયન રમ્ય સ્થળો આવેલા છે.

નર્મદાના તીરે અનેક તીર્થોની પુણ્યભૂમિ ડભોઈથી 25 કિ.મી. સીનોરના માર્ગે આવેલું ચાણોદ તીર્થક્ષેત્ર પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે.

ગામ વીંધીને મલ્હારરાવ ઘાટ પાસે પહોંચતાં જ મથુરાના ચોબા કે હરદ્વારની હરકીપેડીની માફક બ્રાહ્મણો શ્રાદ્ધકર્મ માટે યાત્રાળુઓની પાછળ પડે છે. કેટલાક તો રતનપોળ કે લો ર્ગાડન-માણેકચોકના રાત્રીબજારોની માફક યાત્રાળુઓને ઢીલા કરી નાખે છે.

ચાણોદ તીર્થક્ષેત્ર ગુજરાતમાં જાણીતું હોઈ બસ- વ્યવહારની સગવડ સારી છે. પર્યટકો અને અન્ય યાત્રાળુઓની બસો મોટી સંખ્યામાં અહીં આવે છે. નદીકિનારે ઘાટ ઉપર લોકો શ્રાદ્ધવિધિ કરે છે.

ચાણોદ પણ કરનાળીની માફક ક્રાંતિવીરોની ભૂમિ રહી છે.
અહીંનાં મંદિરો અને આશ્રમોમાં ભારત દેશને ગુલામીની જંજીરમાંથી મુકત કરાવવા મોતને મુઠ્ઠીમાં લઈ અંગ્રેજોને હંફાવનારા ક્રાંતિકારોનો ઇતિહાસ સાંભળવા મળે છે.
અભ્યાસક્રમમાં કયાંય નહીં આવતો આ ઇતિહાસ સાંભળી લાગે કે વિશ્વના ઈતિહાસ અને ભૂગોળનું ભણતર ભણેલા આપણે આપણી આસપાસના ઈતિહાસ-ભૂગોળથી કેટલા બેખબર છીએ !

ચાણોદ ગામ મોટું છે. પંદરેક હજારની વસ્તી ધરાવતું ગામ પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણ છે. ગામની બાંધણી અને મકાનો જોતાં ભતૂકાળ ભવ્ય હશે તેવું લાગે. જૂનાં મકાનોમાં લાકડાની કોતરણીવાળા ઝરૂખા જોવા મળે છે. બજારમાંના તમામ રહેણાંક મકાનોમાં આગળના ભાગે દુકાન ઉતારેલી જોવા મળી. આ ક્ષેત્રમાં અનેક મંદિરો આવેલાં છે, જેનું પૌરાણિક મહત્ત્વ ઈતિહાસ છે.

ચાનોદના પ્રખ્યાત મંદિરો  ——-

કપિલેશ્વર મહાદેવઃ

નર્મદા તટ પાસે સ્નાન ઘાટ અને કરનાળી જવાના માર્ગે કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિરનો અનેકવાર જીણોદ્ધાર થયો છે. કશ્યપઋષિના પુત્ર કપિલજીએ આ ક્ષેત્ર સર્વ સિદ્ધિ દેનારું જણાતાં તેમણે સૂકાં પાંદડાં ખાઈને અહીં તપ કર્યું હતું અને તેમણે અહીં કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી.

ત્રિકમજીનું મંદિરઃ-

કપિલેશ્વર મહાદેવથી થોડા અંતરે ત્રિકમજીનું મંદિર આવેલું છે. ટેકરી ઉપર બગીચામાં હવેલી જેવા પાકા અને મોટા મકાનમાં આ મંદિર આવેલું હોવાથી અંદર જઈએ ત્યારે જ અહીં મંદિર છે તે જાણી શકાય. થોડાં પગથિયાં ચડી મંદિરના ચોકમાં પહોંચાય છે. ત્રણ તરફ મોટી ઓસરી અને વચ્ચે ચોક છે.

ત્રિકમજી- વિષ્ણુ ભગવાનનું મંદિર છે, પરંતુ અહીં તે ત્રિકમજીની હવેલી તરીકે ઓળખાય છે. મંદિરના યુવાન ગાદીપતિ શ્રી ભરતદાસજી મંદિરનું સંચાલન કરે છે. આ ક્રાંતિકારીઓની ભૂમિ હોઈ શ્રી ભરતદાસજીના વિચારો પણ ક્રાંતિકારી લાગ્યા. ત્રિકમજી મંદિર પૌરાણિક છે જેમાં ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે છે. અહીં વિષ્ણુદાસજી મહારાજ થઈ ગયા જે સિદ્ધ મહાત્મા હતા. માં આનંદમયી માતા આ સ્થળે રહી ગયાં છે. ઉપરાંત રામરત્નજી મહારાજ જેમને હનુમાજીનો ચમત્કાર થયો હતો, તેનાથી આ જગાનું મહત્ત્વ વધ્યું હતું.

અહીં રોજ સોએક લોકોની રસોઈ થાય છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા ગૌશાળા, સ્કૂલ, અન્નક્ષેત્ર ચાલે છે. મંદિરમાં વૈષ્ણવોના તમામ ઉત્સવો ઊજવાય છે.જન્માષ્ટમી,શ્રાદ્ધ પક્ષ તથા અધિક માસમાં બહારા ગામથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. મંદિરની ઓસરીમાં અનેક તપસ્વીઓના ફોટાઓ મૂકવામાં આવ્યા છે, જેમણે અહીં તપ- ધ્યાન અને પૂજા- અર્ચન કરીને સિદ્ધિ હાંસલ કરી હતી.

ગંગનાથ મહાદેવઃ-

ચાણોદ થી ગંગનાથ જવા માટે બે રસ્તા છે. એક તો નદીમાં જ હોડી દ્વારા ગંગનાથ મહાદેવ પહોંચાય છે અને બીજો રસ્તો ચાણોદ દરવાજી પાસેથી જાય છે, જયાં વાહન લઈને સીધા જ મંદિરમાં જઈ શકાય છે. ગંગનાથ મહાદેવની પૌરાણિક કથા એવી છે કે ગંગાજીએ પંચપાતક (પાંચ પાપ) માંથી મુકિત મેળવવા સફેદ વાછરડીનું રૂપ ધારણ કરી અહીં સ્નાન કર્યું હતું અને શિવજીની કૃપા મેળવી પાપ મુકત થયા હતા અને ગંગાનાથ મહાદેવની સ્થાપના કરી હતી.

આ સ્થાનકમાં ઉચ્ચ કોટિના સંતશ્રી બ્રહ્માનંદજી થઈ ગયા.
ગંગનાથ મહાદેવના ગાદીપતિ શ્રી ગણેશાનદંજી પણ ખૂબ વદ્ધ છે. તેમણે માહિતી આપી કે બ્રહ્માનંદજી ભારતને આઝાદ કરાવવા કટિબદ્ધ થયા હતા. તેમણે બંગાળામાં જઈને બાલાત્રીપુર સુંદરી વિદ્ધાની સાધના કરી. સિદ્ધિ મેળવ્યા બાદ અંગ્રેજોને બંગાળમાં હંફાવ્યા. ત્યાર બાદ મહારાષ્ટ્રનાં રજવાડાંઓનું સંગઠન કર્યું હતું. ત્યારબાદ પેશવા સાહેબના મંત્રી સાથે ગુજરાતમાં આવ્યા હતા. તેઓ ગંગનાથ મહાદેવની જગ્યા પાસે આશ્રમ બાંધી ક્રાંતિકારીઓ સાથે સંપર્ક સાધી અહીં ગુપ્ત મંત્રણાઓ કરી યોજના બનાવતા હતા. તેમની સાથે તાત્યા ટોપે પણ અહીં આવીને રહ્યા હતા. તેમણે અહીં રાજકારણના પણ પાઠ ભણાવતા હતા.

અરવિંદ ઘોષ અહીં બ્રહ્માનંદજી પાસે યોગ શીખવા આવતા હતા. કાકા કાલેલકર પણ બ્રહ્માનંદજી શિષ્ય હતા. અંગ્રેજોએ ક્રાંતિકારી પ્રવૃત્તિના સૂત્રધારને શોધી કાઢવા કડક આદેશો બહાર પાડયા હતા. એક શિષ્ય લીલીએ જાણ કરતાં અંગ્રેજોની સેના ગંગનાથ આશ્રમમાં આવી પહોંચી હતી અને આશ્રમનો કબજો લઈ લીધો હતો, છતાં કોઈ ક્રાંતિકારી તેમના હાથ આવ્યા ન હતા. આ મંદિર પર 66 વર્ષ સુધી અંગ્રેજોનો કબજો રહ્યો હતો.

ત્યાર બાદ બ્રહ્માનંદજી શિષ્ય કેશવાનંદજી ગોધરા કોર્ટમાં કેસ કરતાં અંગ્રેજો કેસ હારી ગયા અને કેશવાનંદજીને મંદિરનો કબજો મળ્યો હતો. અંગ્રેજો મંદિરનો કબજો છોડતા પહેલાં અહીંની લાઈબ્રેરીના યોગને લગતાં અને બીજાં અન્ય કિમતી અલભ્ય પુસ્તકો સાથે લેતા ગયા. આઝાદી પછી આ પુસ્તકો લંડનની લાઈબ્રેરીમાં હોઈ તે પરત મેળવવા માગણી કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાને અર્ધાં પુસ્તકો માટે દાવો રજૂ કરતાં ભારતે આ પુસ્તકો લંડની લાઈબ્રેરીમાં રહે તે વધુ ઉચિત માન્યું અને માગણી પડતી મૂકી હતી.

ગણેશાનંદજીએ જણાવ્યું કે આ મંદિર ની 1200 એકર જમીન હતી, પરંતુ દેશ આઝાદ થયા બાદ ગણોતધારો આવતાં તમામ જમીન ગણોતિયાઓને આપવામાં આવી.
ગંગનાથ મહાદેવના મંદિર પાસે જ વિશાળ ધર્મશાળા, લાઈબ્રેરી, સાધનાખંડ, ભોજનાલય,વગેરે આવેલાં છે.
ભક્તો દ્વારા તમામા સુવિધાઓ સાથેનું નવું મકાન તૈયાર કરવામાં આવ્યું છે.અહીં સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી છે. શાંત વાતાવરણ અને વૃક્ષોની ઠંડક મોહક છે. મંદિરના પરિસર માંથી જ નીચે નદીકિનારે જઈ શકાય છે. ચાણોદની યાત્રાએ જતા યાત્રિકો ગંગનાથ જવાનું ભૂલવા કે ટાળવા જેવું નથી.

બદ્રિકાશ્રમઃ-

ગંગનાથ થી આગળ દોઢેક કિ.મી. જતાં નંદેરિયા ગામ આવે છે. નંદેરિયા ગામના કિલ્લા જેવા દેવસ્થાન મંદિરથી વળી થોડો કાચો રસ્તો પાર કરીએ એટલે બદ્રિકાશ્રમ આવે છે.
થોડાં પગથિયાં ચડી બદ્રિકાશ્રમ મંદિરે પહોંચાય છે. આ અર્વાચીન મંદિર હોઈ ત્રણ માળમાં મંદિર આવેલું છે. નીચે ગુફા (ભોંયરા)માં મહાલક્ષ્મીજીનું મંદિર આવેલું છે. પહેલા માળે ભગવાન વિષ્ણુંનું મંદિર છે અને ઉપર ૐ સોહમનું યંત્ર અને શિવાલય આવેલું છે.

બદ્રિકાશ્રમનું મહત્ત્વ માર્કન્ડ પુરાણમાં આપેલું છે. આ જગાને નરનારાયણ તીર્થ પણ કહેવાય છે. હિમાલયના બદ્રિકાશ્રમે તપશ્વર્યા કર્યા બાદ નરનારાયણે અહીં નર્મદાતટે આવીને તપશ્વર્યા કરી હતી, જેથી અહીં હિમાલયના બદ્રિનાથ જેટલું જ પુણ્ય મળે છે.

અહીં શિવરાત્રી તથા શ્રાવણ માસમાં દર્શનાર્થી ઓની વિશેષ ભીડ રહે છે. શ્રાવણ માસ તથા અધિક માસમાં અહીં ભાગવત સપ્તાહ તથા રામાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. શિવરાત્રી તથા નવરાત્રીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અહીં દિવસ દરમિયાન ત્રણ બસની સુવિધા છે. મંદિરની ખેતી માટેની કોઈ જમીન નથી,પરંતુ નાનકડો બગીચો છે. અહીં અન્નક્ષેત્ર ચાલે છે. પરિક્રમ વાસી સાધુસંતોને તૈયાર ભોજન આપવામાં આવે છે, જયારે ગૃહસ્થીઓને રસોઈ કરવા દાળ લોટ વગેરે આપવામાં આવે છે.

અનસૂયાજીનું મંદિરઃ-

અનસૂયાજીનું મંદિર ચાણોદ તીર્થ ક્ષેત્રમાં જ આવે છે, પરંતુ ત્યાં પહોંચવા માટે ચાણોદથી હોડી દ્વારા જવું પડે અને થોડું ચાલવું પડે તેમ છે. વાહન દ્વારા છેક મંદિરે પહોંચવા માટે ચાણોદથી પરત ડભોઈ–શિનોર માર્ગ ઉપર આવવું પડે. શિનોર તરફ જતાં મોટા ફોફળાથી પાંચ કિ.મી. ઝાંઝડ ગામ આવે છે.
આ પાંચ કિ.મી.નો રસ્તો ખૂબ જ ખરાબ છે. ઝાંઝડથી અર્ધો-એક કિ.મી. કાચા રસ્તે મહાસતી અનસૂયાજીના મંદિરે પહોંચી શકાય છે.

આ મંદિર નીચાણમાં આવેલું છે. આસપાસ વૃક્ષોની ઠંડક છે.
અહીં દત્તાત્રેય મંદિર પણ બાજુમાં આવેલું છે. આ દત્તાત્રેય મંદિર દ્વારા લક્ષ્યચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનસૂયાજીનું મંદિર પૌરાણિક છે. પૂજારીએ પૌરાણિક ઇતિહાસ કહ્યો છે. કદમ મુનિની અને અત્રિમુનિનાં પત્ની અનસૂયાજીએ દેવપુત્રની માતા બનવાનો નિર્ધાર કર્યો હતો.
તેમણે ચિત્રકૂટમાં તપ કર્યું. પરંતુ ઇચ્છિત ફળ ન મળ્યું, જેથી તેઓ અહીં નર્મદાજીના કિનારે આવ્યાં. અહીં જપ-તપ અને અતિથિ સત્કાર તથા પતિ ભકિત કરી. અનસૂયાજીના તપનો પ્રભાવ એકદમ વધવા લાગ્યો. ઇન્દ્રરાજાને તેમનું રાજય છીનવાઈ જવાનો ભય લાગતાં, નારદજીને અનસૂયાજીના તપભંગ માટે કહ્યું. નારદજીએ ત્રણ દેવીઓને લક્ષ્મી,પાર્વતી અને સરસ્વતીને- અનસૂયાજી ત્રણ દેવીઓ કરતાં મહાન સતી છે

તેમ કહી તેમની પરીક્ષા માટે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મજબૂર કર્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અનસૂયાજી પાસે ભિક્ષા માગવા આવ્યા. અનસૂયાજી ભિક્ષા આપવા આવ્યાં ત્યારે આ ત્રણે બ્રાહ્મણો એ શરત કરી કે નિર્વસ્ત્ર ભિક્ષા આપે તો જ અમે સ્વીકારીએ. ધર્મસંકટમાં મુકાયેલાં અનસૂયાજીએ પોતાના તપ વડે ત્રણ બ્રાહ્મણોને નાના બાળક બનાવી તેમની માતા બની ક્ષુધા સંતોષી. છ માસ સુધી આ ત્રણે દેવતા બાળક સ્વરૂપે રહેતાં ત્રણે દેવીઓને છ માસ સુધી ઉપવાસ કરવો પડયો. આખરે તેમના પતિની ભાળ મળતાં અનસૂયાજી પાસે બ્રાહ્મણ પત્નીના વેશે ભિક્ષા માગવા આવ્યાં.

તેમણે ભિક્ષામાં તેમના પિતાની માગણી કરી. અનસૂયાજીએ ત્રણે બાળકો લાવી પોતપોતાના પતિને ઓળખીને લઈ જવા કહ્યું. પરંતુ બાળસ્વરૂપે રહેવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને આ દેવીઓ ઓળખી શકી નહીં. ત્યારે ત્રણે બ્રાહ્મણ વેશે આવેલી દેવીઓએ પોતાનું મૂળ સ્વરૂપ ધાર કરી અનસૂયાજીની ક્ષમા માંગી. તેમના પતિને અસલ સ્વરૂપમાં લાવવા વિનંતી કરી.
અનસૂયાજી પર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું, ત્યારે અનસૂયાજીએ ત્રણે દેવતાઓને તેમના પુત્ર બની રહેવાની માગણી કરી. જેથી અત્રિ ઋષિની આંખમાંથી જ્યોતિ સતીમાં પ્રવેશી અને બ્રહ્માએ ચંન્દ્ર રૂપે, વિષ્ણુએ દત્ત રૂપે અને મહેશે દુર્વાસા રૂપે સતીને ત્યાં અયોનીજ જન્મ ધર્યા અને ત્રિમુખ સ્વરૂપે દર્શન આપ્યું.

અહીં 10 વર્ષ સુધી સખત દુષ્કાળ પડ્યો, ક્યાંય પાણી મળતું નહોતું, ત્યારે અત્રિ ઋષિએ મહાસતી અનસૂયાજી પાસે પાણી માંગ્યું. ત્યારે અનસૂયાજીએ અહી ગંગાજી પ્રગટ કર્યા હતાં. અને ઋષિની તરસ છિપાવી હતી. આજે પણ મંદિરની સામે જ ગંગાકુઈ છે. પહેલા અહી વાવ હતી. પાણી ઊંડુ રહેતું હોવાથી તેને કુઈ બનાવી છે. પૂજારીએ જણાવ્યું કે ચૈત્ર સુદી પૂનમે અહી માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. આ દિવસે સોળ હાથની સાડી અને અનેક કિંમતી આભૂષણો માતાજીને શણગાર ચઢે છે. આભૂષણો વડોદરા ટ્રેઝરીમાં રહે છે.

આ મંદિર નીચાણમાં આવ્યું હોવાથી ચોમાસામાં નદીનું પાણી મંદિરમાં ધસી આવે છે. ગયા ચોમાસામાં 10 દિવસ સુધી મંદિરમાં પાણી રહ્યું હતું. ચોમાસામાં યાત્રિકો માતાજીનાં દર્શન કરવા આવી શકતા નથી. પાણી ઊતર્યા પછી દર વરસે મંદિરની સાફસૂફી કરાવવી પડે છે. મંદિરની આવકનો મોટો હિસ્સો તેમાં ખર્ચાય છે. માતાજીની મૂર્તિ એક વેંત જેટલી છે,
છતાં સોળ હાથની સાડીથી મૂર્તિ થોડી મોટી લાગે છે. મૂર્તિ પ્રભાવી મુદ્રામાં છે. અહીં પરિક્રમાવાસીઓ માટે રહેવાની સગવડ માટે ધર્મશાળા બાંધવામાં આવી છે.

મંદિરની પાછળના ભાગમાં જ દત્તાત્રેય મંદિર આવેલું છે. આ મંદિર પણ વિશાળ અને નવું છે, તેનું સંચાલન અલગ છે.
દત્તાત્રેય મંદિર પાસેથી નર્મદાકિનારા તરફ કાચો રસ્તો જાય છે.
મંદિર પાસે થોડી ચા-નાસ્તાની દુકાનો બની છે. નદીકિનારો એક-દોઢ કિ.મી દૂર છે. આસપાસમાં થોડાં ખેતરો અને ટેકરીઓ આવેલી છે. આસપાસનો વિસ્તાર વેરાન ભાસે છે. માત્ર મંદિરની આસપાસ જ ઘેઘૂર વૃક્ષો છે.

હરસિદ્ધિ માતાઃ-

ડભોઈથી ચાણોદ જતાં ચાણોદ ગામ પહેલાં ડાબી બાજુ રસ્તા ઉપર જ ખેતરમાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે.
આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ વિક્રમ સંવત જેટલો પુરાણો છે. મહારાજા વિક્રમાદિત્ય અહીં નર્મદાજીના ઉત્તર તટે અને શાલીવાહન રાજા સામે દક્ષિણ તટે પડાવ નાખીને પડયા હતા.
બંને વચ્ચે યુદ્ધની નોબત વાગી હતી યુદ્ધ થયું પરંતુ બંને એકમેકને જીતી શકાય નહીં. આખરે બંને વચ્ચે સુલેહ થઈ. ત્યારથી ઉત્તરકાંઠાના પ્રદેશમાં સંવત વર્ષ શરૂ થયું અને દક્ષિણના પ્રદેશમાં શક વર્ષ ચાલુ થયું.

વિક્રમાદિત્ય રાજા સાથે હરસિદ્ધિ માતા અને મહાકાલ વેતાળ આવ્યા હતા. જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં જ માતાજીની સ્થાપના કરી હતી. હરસિદ્ધિ માતાના મંદિર પાસે એક જૂની વાવ આવેલી છે. આ પગથિયાંવાળી વાવ ભોંયરાના સ્વરૂપમાં છે. એવું કહેવાય છે કે આ ભોંયરું ડાકોર નીકળે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ ક્રાંતિકારીઓ જયારે આ વિસ્તારમાં ગુપ્ત વાસે રહેતા હતા ત્યારે તેમણે આ ભોંયરું તૈયાર કરાવ્યું હતું. અંગ્રેજો જયારે આ વિસ્તારમાં તપાસ માટે આવતા ત્યારે ક્રાંતિકારીઓ આ ભોંયરાના માર્ગે ચાલ્યા જતા હતા. અત્યારે વાવમાં પાણી છે, પરંતુ ઉપર ઝાળાં જાંખરાં નાખીને વાવ બંધ કરી દેવામાં આવી છે. આ મંદિર પાકું બાંધેલું અને મરામત કરાવેલું છે.

પિતૃશ્રાધ એટલે પિતૃઓના આત્માને પ્રેતયોનીમાં ભટકવું ના પડે તે માટે કરવામાં આવતી પૂજા. આ માટે પરાપૂર્વથી ચાલી આવતું ઉત્તમ સ્થળ છે ચાણોદ અને અને એની નર્મદા નદી !!!!

ટૂંકમાં રમણીયતા .પૌરાણિકતા અને પવિત્રતાનો ત્રિવેણી સંગમ એટલે ચાણોદ-કરનાળી. હું તો ઈચ્છું કે માત્ર પિતૃશ્રાદ્ધ માટે જ ચાણોદ- કરનાળી જવાનું ના થાય બલકે શ્રવણની જેમ માત-પિતાને લઈને ચાનોદના દર્શને જવાનું થાય. આવાં સ્થળો એક વાર નહીં અનેકવાર જોઈએ દરેકે !!!!

—– જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!