નગરમાં મોટા ઠાઠથી ચન્દ્રગુપ્તને લાવવો અને રાજકેદી પર્વતેશ્વરને તેની આગળ ચલાવવો, એજ આર્ય ચાણક્યની મુખ્ય મહત્ત્વાકાંક્ષા હતી. તે તૃપ્ત કરવા માટે જેટલી યોજનાની આવશ્યકતા હતી, તેટલી સર્વ યોજનાઓ તેણે કરી રાખી હતી, અને ત્યારપછી તે ચન્દ્રગુપ્તને નગરમાં લઈ આવ્યો. લોકોનાં ખળભળેલાં મનો શાંત થાય, તેટલા માટે પ્રથમ ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને પરાજિત કરીને કેદ કરેલો છે, એ સમાચાર ચાણક્યે આખા નગરમાં ફેલાવી દીધા. અને ચન્દ્રગુપ્તે આજે પુષ્પપુરને યવનોના હાથમાં જતું અટકાવ્યું, એ કારણથી સ્થાને સ્થાને તેના નામનો જયજયકાર પ્રવર્તાવ્યો. તેવી જ રીતે ભાગુરાયણ સેનાપતિ પણ મહારણધીર છે, તેણે જો પોતાનાં સૈન્યને શસ્ત્રાસ્ત્રથી સજ્જ કરી તૈયાર ન રાખ્યું હોત, તો આ વેળાએ આપણા નગરમાં કોણ જાણે કેવોએ કહેર વર્તી ગયો હોત – માટે તેની રાજનિષ્ઠા અને ચતુરતાની જેટલી પ્રશંસા કરીએ, તેટલી થોડી છે,
એવાં ભાષણો પણ સ્થળે સ્થળે થતાં રહે, તેની પણ સર્વ વ્યવસ્થા તેણે કરી નાખી. સમસ્ત રાજકુળ, રાજા ધનાનન્દ અને બીજા નંદવંશીય અંકુરોના નાશથી, સર્વથા શોકાકુલ થઈ ગએલું હોવાથી ચંદ્રગુપ્ત માટે વિશેષ સમારંભ કરવો યોગ્ય નથી, એમ ધારી તેણે વધારે ધામધૂમ કરવાનું માંડી વાળ્યું હતું. એવી ધામધૂમ કરવામાં કાંઈ પણ વિશેષ લાભ સમાયલો હતો નહિ, માત્ર લોકોના મનમાં ચન્દ્રગુપ્ત વિશે સારો ભાવ થઈ જાય, અને તે વ્યર્થ રાજ્ય મેળવવા માટે જ આવેલો છે, એમ કોઈને ન ભાસે, એટલો જ તેનો અંતઃસ્થ હેતુ હતો; અને તે સિદ્ધ થઈ જાય, તો પછી બીજા કશાની અગત્ય હતી નહિ.
એ યોજના પ્રમાણે ચન્દ્રગુપ્તે સમારંભપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. પર્વતેશ્વરનું તો માત્ર પ્રદર્શન જ કરાવવાનું હતું, તેથી તેના હાથ જોડાવીને તેના ઘોડાને ચન્દ્રગુપ્તના અશ્વથી કિંચિત આગળ ચલાવવામાં આવ્યો હતો. ચન્દ્રગુપ્તે અદ્યાપિ યુદ્ધનો પોશાક જ પહેરેલો હતો. લોકોની વૃત્તિ અને દાવાનળ એ બને સમાન જ હોય છે – એકવાર તેમાં જ્વાળા પ્રકટી કે, પછી તે સર્વત્ર ફેલાતી જાય છે – ચાણક્યને જે જોઇતું હતું તે બરાબર આવી મળ્યું. ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણના જયજયકારનો ધ્વનિ સર્વત્ર કર્ણગોચર થવા લાગ્યો. લોકો જાણે નંદના નાશનો ખેદ સર્વથા ભૂલી જ ગયા હોયની ! તેવો ભાસ થતો હતો.
લેાકમતની ક્ષણભંગુરતાને ચાણક્ય સારીરીતે જાણતો હતો. ચન્દ્રગુપ્તનો પૂરેપૂરો પ્રભાવ ન પડે, ત્યાં સુધી તેને પ્રજાની દૃષ્ટિ સમક્ષ રાખવામાં સાર નથી – સર્વ નંદોનો નાશ થએલો છે, માટે હજી લોકોના મનમાં કેવી કેવી શંકાઓ થશે, એનો ભરોસો નથી – માટે એકદમ તેને રાજમંદિરમાં લઈ જઈ સિંહાસને બેસાડી રાજતિલક કરીને તેના નામની આણ ફેરવી દેવાનો ચાણક્યે નિશ્ચય કર્યો, “આવા કટોકટીના સમયે એક ક્ષણ પણ વ્યર્થ ન જાય, એની પૂરતી સંભાળ રાખવી જોઈએ, કારણ કે, એવા પ્રસંગે પ્રજામત સ્થાયી હોતું નથી, તેથી સંકટ આવવાની પળે પળે ભીતિ થયાં કરે છે. વેળ સાધી લેવી, એમાં જ ખરું ચાતુર્ય અને ખરું દૂરદર્શિત્વ સમાયલું છે. એમ ન કરવાથી બહુધા હાનિનું જ દર્શન થાય છે. માટે હવે જેટલી ઊતાવળે આ સમારંભની સમાપ્તિ થાય તેટલું સારું.” એવો વિયાર કરી સવારી રાજગૃહમાં આવતાં જ તેણે પર્વતેશ્વરને નજર કેદમાં રાખવાની વ્યવસ્થા કરીને ભાગુરાયણ તથા ચન્દ્રગુપ્તને ખાનગીમાં બોલાવીને રાજ્ય સંબંધી કેટલાક વિચારો કર્યા. “રાક્ષસ ક્યાં છે અને શું કરે છે; એ વિશે બરાબર તપાસ રાખવી જોઇએ.”
ભાગુરાયણે સૂચના આપી, એટલે ચાણક્ય હસીને કહેવા લાગ્યો કે, “શું તમને એમ ભાસે છે કે, આવી વેળાએ એક માત્ર પણ હું તેને મારી દૃષ્ટિથી દૂર થવા દઈશ ? ધનાનન્દની સવારીમાંથી તે નીકળ્યો ત્યારનો એક ગુપ્ત દૂત તેની દેખરેખ માટે તેની પાછળ ફર્યા કરે છે. રાક્ષસ કાંઈ કોઈ સાધારણ પુરુષ નથી, અને જે થયું છે, તેથી નિરાશ થઈને બેસી રહેનારો પણ એ નથી. માટે આ વેળાએ એની પૂરતી રીતે સંભાળ રાખવી જોઇએ. એને પાટલિપુત્રમાંથી બહાર જવા દેવો જોઇએ નહિ. એ જો એકવાર આપણા હાથમાંથી છટકી ગયો, તો પછી શી શી ઉથલપાથલો કરશે એની કલ્પના પણ થવી અશક્ય છે. માટે હવે એ પાછો પોતાના પ્રધાનપદને સ્વીકાર કરે, એ પ્રયત્નમાં જ આપણે આપણા સર્વ ચાતુર્યનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ પ્રધાન નીમાય તે પહેલાં રાજાને સિંહાસનારૂઢ કરવો જોઇએ અને તે સધળું કરવાનું હવે તમારા હાથમાં છે. આ સમયે એક ક્ષણ માત્ર પણ વ્યર્થ ખોવી, એ ઘણું જ હાનિકારક છે. આ પળે જ દુઆહી ફેરવી દ્યો. ચાર શેઠો, ચાર મહાજન અને સર્વ ક્ષત્રિયવીરોની સભા ભરીને તેમને કહો કે, નન્દવંશનો આ ઘાત કેવી રીતે થયો, તેની તપાસ કરીને તે ઘાતકોને અને પાટલિપુત્ર પર ચઢાઈ કરીને અહીં યાવની અધિકાર જમાવવા માટે ઉદ્યુક્ત થએલા પર્વતેશ્વરને શિક્ષા કરવાનો કોઇને પણ અધિકાર હોવો જોઇએ. એ પછી યોગ્ય ભાસે તેટલો ચન્દ્રગુપ્તનો વૃત્તાંત તેમને જણાવીને પોતાનું કાર્ય સાધી લેજો. રાક્ષસના સંબંધમાં હવે પછી શું કરવું અને શું નહિ એને વિચાર હું પોતે જ કરીશ.”
ચાણક્યની સૂચના પ્રમાણે ભાગુરાયણે સર્વ કાર્ય કરવાનો નિશ્ચય કર્યો. તત્કાળ મોટા ગણાતા પુરુષોમાંના ઘણાકને બોલાવી અને બનેલી બીનાથી તેમને જાણીતા કરી તેમના સમક્ષ તેણે ચન્દ્રગુપ્તના શૌર્ય અને વીર્યની ઘણી જ પ્રશંસા કરી અને તેને સિંહાસનારૂઢ કરવામાટે તેમનું અનુમોદન મેળવ્યું. એક બે જણે રાક્ષસના નામનો ઉચ્ચાર કરતાં ચન્દ્રગુપ્તે કહ્યું કે, “હવે પાટલિપુત્રમાં જો એના નામનો ઉચ્ચાર ન થાય, તો વધારે સારું. હું આમ કહું છું તેનાં અનેક કારણો છે અને તે સત્વર જ એની મેળે આપના જાણવામાં આવશે.” એમ કહી પોતે હવે પછી શું કરવાનો છે, તેનું તે વિવેચન કરવા લાગ્યો. માત્ર ચન્દ્રગુપ્તના રાજ્યારોહણની જ દુઆહી ફેરવવા કરતાં નન્દના નાશનાં કોણ કોણ અને તેઓ કેવી રીતે કારણે થયા, એનો ચન્દ્રગુપ્તે ઘણી જ દક્ષતાથી શોધ કરેલો છે અને તેથી ખરા અપરાધીઓ સત્વર જ લોકોના જોવામાં આવશે, એવી ખબર પણ લોકોને આપી દેવાનો ચાણક્યે ઠરાવ કર્યો હતો. એ પ્રમાણે સર્વત્ર દુઆહી ફરી ગયા પછી ત્વરિત જ શુભ મુહૂર્ત અને શુભલગ્ન જોઇને ચન્દ્રગુપ્તના રાજ્યારોહણનું કાર્ય આટોપી લેવાને પણ નિશ્ચય થઈ ચૂક્યો.
ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને પોતાની સભામાં બોલાવીને ચાણક્ય અને ભાગુરાયણ સમક્ષ કેટલાક પ્રશ્નો પૂછવા માંડ્યા. પ્રથમ તો તેણે એનાં કાંઈ પણ ઉત્તર આપ્યાં નહિ, પણ છેવટે કેટલોક ઊહાપોહ થતાં તેણે જણાવ્યું કે, “મારાપર રાક્ષસનાં કેટલાંક પત્રો આવ્યાં, તેથી જ હું પાટલિપુત્ર પર ચઢી આવ્યો.” પરંતુ એટલા જ ઉત્તરથી ચાણક્યના મનનું સમાધાન થયું નહિ. “રાક્ષસનાં તે પત્ર ક્યાં છે?” એવી ચાણક્યે માગણી કરી. એવિશે ઘણીક હા ના થતાં પર્વતેશ્વરે અંતે તે પત્ર કાઢીને ચાણક્યને હવાલે કર્યા. એ પત્રમાં નન્દવંશના નાશ માટે યોજેલી યુક્તિનો જે કે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, તો પણ અમુક એક યુક્તિ કરેલી છે, એમ સ્પષ્ટ લખેલું હતું. પર્વતેશ્વરે જે જે ઉત્તરો આપ્યાં, તે સઘળાં ચાણક્યે કારકૂનદ્વારા સવિસ્તર દફતરમાં ઉતરાવી લીધાં. ત્યારપછી પોતાનાં કારસ્થાનોની આવી રીતે સફળતા થએલી જોઇને તેના મનમાં ઘણો જ આનન્દ થયો. એ સર્વ થઈ રહ્યા પછી ભાગુરાયણને એકબાજુએ લઈ જઈને તે કહેવા લાગ્યો કે, “સેનાધ્યક્ષ ! હવે તમારે એક વાત કરવાની છે. અમાત્ય રાક્ષસને આપણા હાથમાંથી જવા દેવો એ સારું નથી. માટે તમે યુક્તિથી તેને મળો અને તેને આપણી સાથે મળી જવામાટે પ્રાર્થના કરો. એ પ્રાર્થનાનો તે શો જવાબ આપે છે, તે સત્વર મને જણાવો.
પર્વતેશ્વરે જે કાંઈ કહેલું છે અને પત્રો આપણને આપેલાં છે, તેવિશે જરા જેટલો ઈશારો પણ તેના સમક્ષ કરશો નહિ. તેને તો તમારે એમ જ કહેવું કે, જે થવાનું હતું તે થઈ ગયું છે, માટે હવે જે નન્દવંશનો ઘાત કરનારા હોય, તેમને આપણે બધાએ મળીને શોધી કાઢવા જોઇએ, અને તેમનું યોગ્ય રીતિથી પારિપુત્ય કરવું જોઇએ. સારાંશ કે, જે રીતે તેનું મન આપણા પક્ષપ્રતિ આકર્ષાય તે જ રીતિનું તમારે અવલંબન કરવું.” ભાગુરાયણે એ સર્વ ધ્યાનપૂર્વક સાંભળી લીધું, પરંતુ ચાણક્યે કહેલું કાર્ય પોતાને હાથે થઈ શકવાનું નથી જ, એવો તેનો દૃઢ નિશ્ચય હતો. તેમ જ એનાથી એ કાર્ય થશે અને રાક્ષસ એની પ્રાર્થનાને સ્વીકારશે, એવી ચાણક્યની પણ ધારણા હતી નહિ. તો પણ બીજી કોઈ યોજના કરી શકાય તે પહેલાં રાક્ષસના મનમાં હાલમાં શા વિચારો ચાલેલા છે, તે કાઢીને જાણી લેવા, એટલે જ એમ કરવામાં તેનો હેતુ હતો. સેનાસ્થાનમાં જઈને રાક્ષસ શું શું બોલી આવ્યો હતો અને ભાગુરાયણ સાથે તેનું શું શું સંભાષણ થયું હતું તેમ જ ભાગુરાયણ વિશે તેણે કેવા ઉદ્ગારો કાઢ્યા હતા, એ બધું ચાણક્યના જાણવામાં આવી ચૂક્યું હતું. એટલે હવે ભાગુરાયણ કાંઈ પણ પ્રશ્ન કરશે કે રાક્ષસ છેડાઈ જ જવાનો અને અવશ્ય યદ્વા તદ્વા બકવાનો – કોપમાં પોતે શું કરવાનો છે એ પણ તે જણાવી દેવાનો, એવો ચાણક્યનો સોળે સોળ આના તર્ક હતો. એ તેની આત્મશ્લાધાની વાતો પોતાને કાને આવે તો તે વિશે વિચાર કરવાનું કાર્ય સુલભ થાય, એવી ધારણાથી જ ચાણક્યે ભાગુરાયણને રાક્ષસ પાસે જવાની આજ્ઞા કરી હતી.
પોતા વિશે રાક્ષસના મનમાં શું આવ્યું છે અને તેણે શા ઉદ્ગારો કાઢ્યા હતા, એમાંનું ભાગુરાયણને અદ્યાપિ કાંઈ પણ જણાયું નહોતું. જો તેને એ વિશેની કાંઈ પણ ખબર હોત, તો તેણે રાક્ષસ પાસે જવાનું કબૂલ કર્યું હોત કે નહિ, એની શંકા જ છે. પરંતુ હાલ તો ચાણક્યની આજ્ઞાને માન આપી ભાગુરાયણ રાક્ષસ કયાં મળશે, એનો શોધ કરતો ચાલ્યો.
બીજી તરફ રાક્ષસ હવે શું કરવું, એના વિચારમાં નિમગ્ન થયો હતો. પોતાના પક્ષનો કોઈ પણ મનુષ્ય રહ્યો હોય, એમ તેને દેખાયું નહિ. કારણ કે, રાજ્યમાં કોઈ પણ જંગી ફિતૂર થવાથી જ આ સર્વ પ્રચંડ કારસ્થાન થએલું હોવું જોઇએ, એ તે સ્પષ્ટતાથી જાણી ગયો હતો. અદ્યાપિ તે સઘળું કારસ્થાન શું હતું, તે એના જાણવામાં આવ્યું નહોતું; તથાપિ જ્યાં કાંઈપણ કારસ્થાનની શંકા થાય છે, ત્યાં સર્વત્ર અસત્યતા અને કપટનું જ સામ્રાજ્ય જોવામાં આવે છે, એવી શંકા આવવાથી રાક્ષસનું મન સર્વથા મૂંઝાઈ ગયું હતું. લોકોને પોતા વિશે શંકા કરતા જોઇને તો તેનો નિશ્ચય જ થઈ ગયો કે, કોઈએ આ કારસ્થાન ઘણી જ વિલક્ષણ રીતિથી અને ઘણા જ ચાતુર્યથી રચેલું હોવું જોઈએ, નહિ તો લોકોના મનમાં એકાએક આવો ભ્રમ આવી શકે નહિ. હવે તો એને પૂર્ણ રીતે શોધી કાઢ્યા વિના બીજો ઉપાય જ નથી. પણ હવે એનું કારણ જાણવું કેવી રીતે? એની કોઈ યુક્તિ તેના ધ્યાનમાં આવી શકી નહિ. પ્રતિહારીએ રાક્ષસને કહેલો વૃત્તાંત લોકદૃષ્ટિથી જેટલો બહાર સંભળાયો હતો તેટલો જ હતો.
અંતસ્થ કારસ્થાનો શાં હતાં, તેની તો બિચારાને ક્યાંથી ખબર હોઈ શકે વારુ ? રાક્ષસ વિશે લોકોના મનમાં જે સંશય છે, તે વ્યર્થ છે, એવી તો પ્રતિહારીની ધારણા હતી. અમાત્ય પોતાના સ્વામીનો નાશ કરવાનો આવી રીતે કોઈ કાળે પણ પ્રવૃત્ત થાય નહિ, એવો તેનો સોળેસોળ આના નિશ્ચય હતો. કારણ કે રાક્ષસની સ્વામિનિષ્ઠા વિશે તેના મનમાં લેશ માત્ર પણ શંકા હતી નહિ. એ પ્રતિહારી વિના પોતાના વિશ્વાસમાં લેવા જેવો પુરુષ રાક્ષસને બીજો કોઈપણ દેખાયો નહિ, અને એ વેળાએ કોઈપણ વિશ્વાસપાત્ર મનુષ્યની આવશ્યકતા તો ઘણી જ હતી. અહીં ભાગુરાયણે તેની પાસે જવાની તૈયારી કરીને તેનો શોધ કરવા માંડ્યો હતો. શોધ કરતાં કરતાં અમાત્યની પાછળ ફરતા ચાણક્યના ચારની સહાયતાથી તેણે રાક્ષસને પકડી પાડ્યો.
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો